પ્રતિભાવો ઉર્ફે Comments

Wednesday, February 29, 2012

મોરારજી દેસાઈ: દર ચાર વરસે પાઠવાતી બર્થ ડે વિશ


આજનો 29મી ફેબ્રુઆરીનો દિવસ જરા વિશિષ્ટ કહી શકાય એવો છે. દર ચાર વરસે આવતા આ દિવસ સાથે સાવ સહજપણે મોરારજી દેસાઈ/ Morarji Desai ની યાદ જોડાયેલી છે, કેમ કે આ દિવસ એમનો જન્મદિવસ છે. 29 ફેબ્રુઆરી 1896ના દિવસે જન્મેલા મોરારજીભાઈ હયાત હોત તો તેમના મુંબઈના  નિવાસસ્થાન 'ઓશિયાના'/Oceana માં આજે 117મો જન્મદિવસ ઉજવતા હોત. મોરારજી રણછોડજી દેસાઈ ભારતના પાંચમા વડાપ્રધાન હતા અને પહેલવહેલા બિનકોંગ્રેસી વડાપ્રધાન. તેમના વિશે દેશનું વડાપ્રધાનપદ ત્રણ ત્રણ વખત સંભાળનાર અટલબિહારી વાજપેયી/ Atal Bihari Vajpayee એ કવિતાની રચના કરી હતી. જે અહીં રજૂ કરી છે. એટલી સ્પષ્ટતા જરૂરી સમજું છું કે એ ફક્ત વાંચન માટે છે, નહીં કે વિવેચન માટે.
                                                    मैंने मोरारजीभाई को देखा है


मैंने मोरारजीभाई को सत्ता पर देखा है
सत्याग्रह में देखा है
कामराज की माया में देखा है
यमराज की छाया में देखा है
लोकसभा में प्रथम और अंतिम
पंक्ति में देखा है
विरोधियों के वाग्बाणों को धैर्य से
झेलते हुए देखा है
विरोधियों को चूप करने वाले तीखे
उत्तर देते हुए भी देखा है
स्वदेश में देखा है, विदेश में देखा है
विजय और पराजय में भी देखा है.
मोरारजीभाई कहीं भी हो, कैसे भी हो
उनके बारे में यूं कहा जा सकता है कि
नजर ऊंची, कमर सीधी
चमकता रौब से चहेरा, बूरा मानो, भला मानो
वही तेजी वही नखरा.

થોડો સમય સર્વોચ્ચ સત્તાસ્થાને રહેલા મોરારજી દેસાઈ વિશે તેમની સત્તા ચાલી ગયા પછી પણ ઘણું લખાયું છે. આમાં કરી કરીને હું શો ઉમેરો કરવાનો! એમની કારકિર્દીનાં લેખાંજોખાં નથી કરવાં કે નથી બીજી રાજકીય વાતો વાગોળવી. હા, થોડાં તારણ-નીરિક્ષણ જરૂર જણાવું. 
આપણા દેશના મોટા ભાગના વડાપ્રધાનો ભૂતપૂર્વ બને એ પછી સામાન્યપણે દિલ્હીવાસ સેવતા રહ્યા છે. પણ આમાં બે અપવાદ છે. બે-બે વખત દેશના કાર્યકારી વડાપ્રધાન રહી ચૂકેલા ગુલઝારીલાલ નંદા/ Gulzarilal Nanda એ જીવનનાં શેષ વર્ષો અમદાવાદમાં વિતાવ્યાં. એ પછી મોરારજીભાઈ દેશના એકમાત્ર ભૂતપૂર્વ વડાપ્રધાન  હતા, જેમણે રાજકીય નિવૃત્તિનાં શેષ વર્ષો મુંબઈમાં વિતાવ્યા. અરે, તેમના અંગત સચિવ રહી ચુકેલા હસમુખ શાહ પણ દિલ્હીમાં નહીં, વડોદરામાં રહે છે.
ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારતરત્ન'/ Bharat Ratna અને પાકિસ્તાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'નિશાન-એ-પાકિસ્તાન'/ Nishan-e-Pakistan પ્રાપ્ત કરનાર કદાચ એ એકમાત્ર વ્યક્તિ છે. આમાં મઝા એ છે કે 'નિશાન-એ-પાકિસ્તાન' તેમને પહેલાં એટલે કે 1990માં મળ્યું, જ્યારે 'ભારતરત્ન' 1991માં મળ્યું.
અક્ક્ડતા અને આખાબોલાપણું તેમની ઓળખ હતાં. પણ એ સિવાય તેમનાં સ્વભાવનાં અન્ય પાસાંય હશે. (ના, તેમના પ્રયોગોની વાત નથી.) સાંભળેલો આ કિસ્સો જુઓ. 

મોરારજીભાઈના હસ્તાક્ષ્રર : ના, આ પત્ર મારા પર આવેલો નથી. 
ગુજરાત વિદ્યાપીઠ/ Gujarat Vidyapeeth ના કુલપતિની રૂએ પદવીદાન સમારંભમાં તેમની ઉપસ્થિતિ લેખે વર્ષે એકવાર મોરારજીભાઈ અમદાવાદ અચૂક આવતા. વિદ્યાપીઠના સ્થાપના દિને યોજાતા પદવીદાન સમારંભ અગાઉ પદવી પ્રમાણપત્રો તેમની સહી માટે મુંબઈ મોકલવામાં આવતા. 1988માં ગુજરાત વિદ્યાપીઠના તત્કાલિન કુલનાયક વિનોદ ત્રિપાઠી/ Vinod Tripathi મોરારજીભાઈની સહી કરેલા પ્રમાણપત્રો લેવા મુંબઈ ગયા. વિમાન માર્ગે પરત થતાં પ્લેન અમદાવાદ નજીક અકસ્માતગ્રસ્ત થયું. અભૂતપૂર્વ કહી શકાય તેવા આ હવાઈ અકસ્માતમાં બહુ ઓછા લોકો બચી શક્યા. વિનોદભાઈ એમાંના એક નસીબદાર. 
અલબત્ત, બધા પ્રમાણપત્રો બળી ગયા હતા. પછી વિનોદ ત્રિપાઠી સાજા થઈને ઘરે આવ્યા. મોરારજીકાકાએ તેમને ફોન કર્યો અને પહેલી તાકીદ એ કરી કે હવે પ્રમાણપત્રો મુંબઈ ના મોકલાવતા. પદવીદાન સમારંભના દિવસ અગાઉ અમદાવાદ આવીને પોતે જ તેના પર સહી કરી દેશે.
તેમના જીદ્દી સ્વભાવનો પરિચય ઘણાને થતો. સત્તા પરથી દૂર થયા બાદ મોરારજીભાઈ પત્રકારોને મળવાનું ટાળતા. છતાં એક અગ્રસર ગુજરાતી સાપ્તાહિકે પોતાના દિવાળી અંક નિમિત્તે તેમને આગ્રહ કર્યો કે આ વર્ષના અમારા અંકના વિષયને અનુરૂપ તમારા જીવનસંબંધી કોઈ ભૂલનો એકરાર કરવાનો હોય તો જણાવો. મોરારજીકાકાએ સામયિકના પ્રતિનિધિને સુણાવેલું, "કેમ ઇશ્વર મરી પરવાર્યો છે? તમારી આગળ શું કામ એકરાર કરું? કઈ લાયકાતથી તમે મને આવું પૂછો છો એ તો કહો?
આમ બોલતી વખતે મોરારજી દેસાઈ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન નહીં, પણ ભદેલી-વલસાડના અનાવિલ બની ગયા હશે.

વાજપેયી વિદેશપ્રધાન તરીકે (ડાબેથી બીજા) 
મોરારજી દેસાઈના વડપણ હેઠળની જનતા સરકારમાં વાજપેયી વિદેશપ્રધાનના હોદ્દા પર હતા. મોરારજીભાઈ અને અટલબિહારી વાજપેયીમાં બીજું કંઈ નહીં, પણ એક સામ્ય છે. મોરારજીભાઈએ આયુષ્યનું સોમું વર્ષ જોયું, તો વાજપેયીએ ૧૦૦૦ પૂનમ જોઈ છે. 
તેમના વડાપ્રધાનપદ દરમ્યાન ભારતની મુલાકાતે આવેલાં બાંગ્લાદેશનાં વિખ્યાત ગાયિકા રુના લૈલા/ Runa Laila સાથે તેમની તસવીર અખબારમાં પહેલા પાને જોયાનું યાદ છે. ઉપરાંત 'યોગેશ્વર કૃષ્ણ' નામની એક ફિલ્મની સ્ક્રીપ્ટ પણ તે લખી રહ્યા હોવાના સમાચાર ઝળક્યા હતા. મોરારજીભાઈ જે ફિલ્મની સ્ક્રીપ્ટ લખે એ ફિલ્મ બની કે નહીં, એ પૂછવાનું ન હોય! 
અમેરિકન પત્રકાર સેમૂર હર્ષે/ Seymour Hersh પોતાના પુસ્તક 'ધ પ્રાઈસ ઑફ પાવર'/ The price of power માં આક્ષેપ કર્યો હતો કે મોરારજીભાઈને સી.આઈ.એ./ C.I.A. દ્વારા વરસેદહાડે વીસ હજાર ડોલર ચૂકવવામાં આવે છે, આનાથી છંછેડાયેલા મોરારજીભાઈએ હર્ષ પર પચાસ મિલીયન ડોલરનો બદનક્ષીનો દાવો માંડ્યો હતો. જો કે, ત્યાર પછી સી.આઈ.એ.ના વડા રિચર્ડ હેમ્સ/ Richard Helms અને હેન્રી કિસીન્જરે/ Henry Kissinger જાહેર કર્યું હતું કે મોરારજીભાઈને સી.આઈ.એ. તરફથી કશું જ ચૂકવવામાં આવ્યું નથી. એ વખતે બહુ ગાજેલા આ સમાચારને 'અમૂલ'/ Amul ના હોર્ડિંગમાં આ રીતે ચમકાવવામાં આવી હતી.




પરિણીત રાજ કપૂર/ Raj Kapoor સાથે પ્રેમમાં ગળાડૂબ અભિનેત્રી નરગીસ/ Nargis મુંબઈ રાજ્યના તત્કાલીન મુખ્ય પ્રધાન એવા મોરારજીભાઈને મળવા અને રાજ કપૂર સાથે પોતે લગ્ન કરવાની પરવાનગી માંગવા ગઈ હોવાનો કિસ્સો સાંભળ્યો છે. મોરારજીભાઈએ કયા અંદાજમાં નરગીસને ખખડાવી હશે એ સહેજે કલ્પના કરી શકાય એમ છે. 
10મી એપ્રિલ 1995ના દિવસે ચીરવિદાય લેનાર આ વિશિષ્ટ વ્યક્તિએ ચીરજીવન પણ ભોગવ્યું હતું. આવી અનેક બાબતો દર ચાર વરસે આવતી 29મી ફેબ્રુઆરીએ યાદ આવે જ.


(નોંધ: તમામ તસવીરો નેટ પરથી લેવામાં આવી છે અને જે તે તસવીર ક્લિક કરવાથી તેની યૂઆરએલ પર જઈ શકાશે.) 

14 comments:

  1. વાહ બિનીતભાઈ,
    પહેલી પોસ્ટ વખતે ચૂકી ગયેલો પણ બીજી પોસ્ટમાં પહેલી કમેન્ટ કરીને સાટું વાળી લવું છું. Welcome to the Blog world and keep showering us with your binit-shai humour and point of view. All the best.

    Rutul

    ReplyDelete
  2. મોરારજીભાઈનું એક બહુ ગવાયેલું મહાગુજરાતની '૫૬ ની ચળવળ વખતનું વાક્ય યાદ કર્યું હોત તો તેમના મક્કમ સ્વભાવ પર સંપૂર્ણ પ્રકાશ પથરાત. "બંદુકની ગોળી પર કોઈના નામ નથી હોતા." છેને પાક્કો અનાવલો .. જોકે મેં પોતે એમના વાળા પ્રધાનપદા દરમ્યાન ૩ રૂપિયે શેર (૪૫૦ ગ્રામ ) શેર બજારનું ચવાણું ખાધું છે. આવી સોંઘવારી હતી એમના રાજમાં.

    ReplyDelete
  3. પૂર્વી મલકાણ મોદી29 February 2012 at 10:33

    આ લેખ વાંચવાનો ઘણો જ આનંદ આવ્યો કારણ કે શ્રી મોરારજી ભાઈ વિષે નવી નવી ઘણી વાતો જાણવા મળી.
    આભાર.

    ReplyDelete
  4. લેખ વાંચવાની મજા પડી ગઈ બિનીતભાઈ.

    ReplyDelete
  5. ખુબ સરસ લેખ છે, અભિનન્દન. બિનીતભાઇ

    ReplyDelete
  6. Thank you Binitbhai for sharing this.

    ReplyDelete
  7. Obituary:
    1. Most accentric man. ex-US President.
    2. Entered White House through steps within few moments.
    3. Examplary PM on Foreign Policy: Snubbed Israel on non-interference on sovereignity of neighbour country Pakistan.
    4. If alived in 2002: He would have loved to give experience of real raj dharma, instead of poetic phrases.
    5. He would have forced Prestorika process within RSS+.

    ReplyDelete
  8. Binit Modi (Ahmedabad)30 March 2012 at 20:12

    સૌ મિત્રો,
    બ્લોગની બીજી પોસ્ટ (29 ફેબ્રુઆરી 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.

    ઋતુલ જોશી - બીજી પોસ્ટના પ્રથમ પ્રતિભાવ માટે આભાર.

    સુમંતભાઈ વશી : 'બંદુકની ગોળી પર કોઈના નામ નથી હોતા' - મહાગુજરાત ચળવળ સમયે આ વાક્ય ઠાકોરભાઈ દેસાઈ બોલ્યા હતા, મોરારજી દેસાઈ નહીં. આ પ્રમાણભૂત માહિતી લેખક - પત્રકાર અને બ્લોગર મિત્રો ઉર્વીશ કોઠારી તેમજ બીરેન કોઠારી તરફથી મળી છે. અહીં આપની કમેન્ટ સંદર્ભે જરૂરી બનેલી સ્પષ્ટતા માટે ઉલ્લેખી છે.

    ફરીથી સૌ મિત્રો પૂર્વી મલકાણ મોદી, અમદાવાદના મૈત્રી શાહ - ખજિત પુરોહિત અને પ્રેરક શાહ (દુબઈ)નો આભાર.

    બિનીત મોદી (અમદાવાદ) / શુક્રવાર, 30 માર્ચ 2012

    ReplyDelete
  9. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને આ મહિને એક વર્ષ પૂર્ણ થયું.
    બીજી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 29-02-2012 to 28-02-2013 – 730
    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  10. સરસ લેખ.આભાર.મોરારજીભાઈ વિષે બહુ ઓછું લખાયું છે. તેમને પ્રાંત કરતા દેશની વધુ મહત્વ આપ્યું હતું. આથીજ ગુજરાતીઓ તેઓ ગુજરાતના હિતમાં કામ ન કરતા હોવાનો આક્ષેપ કરતા અને મહારાષ્ટ્રમાં તેમના પ્રત્યે હજી પણ નફરત જોવા મળે છે તેની પાછળ તેઓનું ગુજરાતીપણું પણ એક કારણ છે.
    કટોકટી પછીની ચુટણીમાં તેઓ સુરતથી ચુંટાયા.પરતું એ વખતે આખા દેશમાં ચુંટણી કરી પણ સુરતમાં જ નહોતી કરી તેવું યાદ આવે છે. છેલ્લી સભા નંદરબારમાં કરી અને ત્યાંથી સુરત જતા રસ્તામાં નવાપુર આવે. ત્યાના લોકો મળવા આવ્યા અને તેમને સભામાં પ્રવચન કરવા વિનંતી કરી. મોરારજીભાઈએ ચોક્ખી ના પાડી,કારણકે પહેલેથી આયોજન ન હોતું કર્યું. પાંચ મિનીટ માત્ર દર્શન આપવા પણ તૈયાર ના થયા. મત માગવાના હતા તો પણ. આ ઘટનાનો હું સાક્ષી છું.

    ReplyDelete
  11. અહીં આ લેખની લિન્ક આપી છે -

    http://sureshbjani.wordpress.com/2013/06/14/morarji_desai/

    ReplyDelete
  12. સૌ મિત્રો,
    બ્લોગ પ્રારંભના 20મા મહિને અને 80 પોસ્ટના મુકામ પર આ છઠ્ઠી પોસ્ટ છે જેણે વાચક સંખ્યાનો 1000નો પડાવ પાર કર્યો છે.

    બિનીત મોદી (અમદાવાદ) / સોમવાર, 30 સપ્ટેમ્બર 2013

    ReplyDelete
  13. પ્રિય મિત્રો,
    બીજી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 28-02-2013 to 28-02-2014 – 420

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete