પ્રતિભાવો ઉર્ફે Comments

Tuesday, April 25, 2017

હસુકાકી : પરિચય પાંચ વર્ષનો, હેત આજીવન



હસિતા હસમુખ શાહ / Hasita Hasmukh Shah [22 ફેબ્રુઆરી 1927 થી 11 એપ્રિલ 2017] ગોધરા (પંચમહાલ, ગુજરાત) થી લાન્સિંગ (મિશિગન, અમેરિકા) 

હસુકાકીને મારી પાંચ – છ વર્ષની ઉંમરે 1976માં પહેલીવાર મણિનગર – અમદાવાદની ગંગેશ્વર સોસાયટીમાં જોયા હતા અને છેલ્લીવાર મળવાનું થયું 2006માં એ શહેર પણ અમદાવાદ / Ahmedabad. આ સમયગાળો આમ તો ત્રીસ વર્ષનો છે પણ તેમના પરિચયનો આલેખ મારે પાંચેક વર્ષનો જ આપવાનો થાય છે. સગપણમાં મારા મોટાકાકી થતા અને જેમની સાથેનો પરિચય તો આજીવન જ હોવો જોઇએ એમ સામાન્યપણે માનવાનું મન થાય પરંતુ અંગત આલેખમાં પાંચ વર્ષ જેટલા ટૂંકા ગાળા માટે જ કેમ મારે તેમના વિશે લખવાનું થાય છે તેના કારણો આગળ – ઉપર વાંચવા મળશે.

હા, સમયગાળો ભલે ટૂંકો હોય પરંતુ તેમની સાથેની યાદોનો સરવાળો લાંબો છે. 2006માં અમદાવાદ આવેલા મોટાકાકા (હસમુખ મહાસુખલાલ શાહ / Hasmukh MahasukhLal Shah) અને હસિતાકાકીને લઇને મારે લેખક – પત્રકાર રજનીકુમાર પંડ્યાના / Rajnikumar Pandya ઘરે મળવા જવાનું હતું. અંગત ધોરણે મારા માટે ગુરુ – માર્ગદર્શક રજનીભાઈ દસ વર્ષ અગાઉ 1996ની તેમની પરિવારસહ (તરૂકાકી અને દિકરી તર્જની) અમેરિકા મુલાકાત દરમિયાન મોટાકાકાના આમંત્રણથી તેમના મહેમાન થયા હતા. રજનીકાકાનો ખાસ આગ્રહ હતો કે મારે કાકા-કાકીને સાંજના ભોજન માટે તેમના ઘરે લઈ આવવા. ‘બાબા, તું ’ને તારા બન્ને કાકાઓ તો માત્ર સાહિત્યની જ વાતો કરશો અને હું એકલી કંટાળી જઇશ’ એવા કારણોસર કાકી મણિનગર અમારી સાથે આવવાનું છેવટ સુધી ટાળતા રહ્યા. એમ નહીં થાય એવી આ ‘બાબા’એ ખાતરી આપ્યા પછી તે મારી અને કાકાની સાથે આવવા તૈયાર થયા. હા, ‘બાબા’ એ તેમનું મારા માટેનું કાયમી સંબોધન હતું જે મને આજ દિન સુધી ગમતું આવ્યું છે. કેમ ન ગમે? કાકીએ આપેલું છે.

મણિનગરની ભાગોળ નજીક આવી એટલે કાકી બોલ્યા કે, ‘બાબા, મને મુક્તિમેદાન લઈ જઇશ?’ એક સમયે મણિનગરમાં રહ્યો હોવાના કારણે વિસ્તારને સારી રીતે જાણતા મેં ગાડી તે તરફ વાળી. કાકીએ કહ્યું ત્યાં જઇને કાર ઉભી રાખી. કાચ ઉતારીને ક્યાંય સુધી તે એ વિસ્તારને નીરખતા રહ્યા. કઇંક શોધી રહ્યા હોય એમ પણ લાગ્યું. થોડી વાર પછી મોટાકાકા બોલ્યા કે કાકીના પપ્પા રતિલાલ બારશેરીઆનું ઘર આ વિસ્તારની કોઈ એક સોસાયટીમાં હતું. કાકી સહિતના પાંચ બહેનોના લગ્ન પછી તેઓ વતન ગોધરા છોડીને મણિનગર-અમદાવાદના મુક્તિમેદાનના ઘરમાં રહેતા હતા.

નાટકો, ફિલ્મો, હરવા-ફરવાના સ્થળોની જેમ જીંદગી સાથે જોડાયેલા કેટલાક દ્રશ્યો આજીવન ભૂલાતા નથી હોતા. એ રીતે ગાડીમાં બેઠા-બેઠા જ પિતાના ઘરને શોધવાનો પ્રયત્ન કરતા અને છેવટે કશું નહીં પામ્યાની લાગણી સાથે સજળ આંખોએ ‘ચાલ બાબા હવે આગળ જઇએ’ એમ કહેતા કાકીને હું કદી ભૂલી શકતો નથી, ભૂલી શકવાનો નથી. મુક્તિમેદાનમાં પિતાનું જૂનું ઘર શોધતા હસુકાકી (સત્તાવાર નામ હસિતાકાકી) 11 એપ્રિલ 2017ની વહેલી સવારે અમેરિકામાં ‘મુક્તિ’ પામ્યા. તેમની વિદાયની અંગત રીતે મને પડેલી આ એવી ખોટ છે જેની શરૂઆત હું નવ – દસ વર્ષનો અને પ્રકાશ વિદ્યા મંદિર, ભૈરવનાથ-મણિનગર સ્થિત સ્કૂલના ત્રીજા ધોરણમાં ભણતો હતો ત્યારે થઈ હતી. તેની શરૂઆત કંઇક આ રીતે થઈ હતી.

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની નોકરીમાં બઢતી સાથે બદલી (પ્રમોશન વીથ ટ્રાન્સફરના ધોરણે) પામેલા પપ્પાને (પ્રફુલ મહાસુખલાલ મોદી / Praful MahasukhLal Modi ) મળવા આવેલા કાકી તેમને જે કહી રહ્યા હતા તેનો સાર આવો હતો. તેમનું કહેવું હતું કે, ‘અમદાવાદ જેવા શહેરમાં પાંચ-છ વર્ષથી ભણતા બાબાને ઠાસરા (યાત્રાધામ ડાકોર નજીકનું ગામ) જેવા પ્રમાણમાં નાના ગામમાં સાથે લઇને જશો તો ભણવાનું જલદીથી પાટે નહીં ચઢે. બગડે પણ ખરું એવી આશંકા પણ વ્યક્ત કરી. તેને અમે લઈ જઇશું. અમારી સાથે રહીને ભણશે.’ સગપણમાં પપ્પાના મોટાભાભી થતા અને તેમની – મોટાભાઈની સાથે રહીને જ પૂના જેવા શહેરમાં ભણેલા પપ્પાએ મારા ભણતરની બાબતમાં તેમની આ વાત માનવી પડે તેમ હતી પરંતુ ‘એકના એક છોકરા’ની વ્યાખ્યામાં આવતો હું તેમની આ દરખાસ્તનો લાભ મમ્મી – પપ્પાની લાગણી સામે પામી શકું તેમ નહોતો. ઠાસરા જઇને અંગ્રેજી વિષય વગર ચોથા ધોરણથી ભણવાનું શરૂ કર્યું.

જો કે દર ઉનાળા વૅકેશનમાં મને અમદાવાદ બોલાવીને તેઓ આ ખોટ સરભર કરી દેતા. ટેલિફોનની સગવડ બન્ને પક્ષે નહોતી (મોટાકાકાના ઘરે ટેલિફોન હતો) એવા 1980 – 1985 વચ્ચેના સમયમાં તેઓ મોટાકાકા પાસે પત્ર લખાવી કે બૅન્કમાં ટેલિફોન કરાવી મને ‘બાબા’ને અમદાવાદ મોકલવાની – મુકી જવાની ઉઘરાણી કરતા. એ સમયગાળામાં જો વતન ગોધરા જવાના હોય તો એ જવાબદારી કાકી પોતે ઉપાડી લેતા. અગાઉ લખ્યું તેમ આ સમયગાળો કે ઉનાળા વૅકેશનની સંખ્યા ચાર-પાંચથી વધારે નહીં હોય પરંતુ મારા માટે એ સોનેરી દિવસો હતા. ઠાસરા કે દેવગઢ બારિઆ જેવા નાના ગામમાંથી અમદાવાદ જેવા શહેરમાં ભલે થોડા દિવસો માટે પણ આવીને રહેવાનું મળે, મારી ઉંમરના કે થોડા મોટા એવા વસુફોઈના સંતાનો સાથે ફરવાનું મળે તેનું મોટું આકર્ષણ રહેતું.

મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત પ્રકાશન સંસ્થા ‘નવજીવન પ્રેસ’ સામે 6 – દેવઆશિષ અપાર્ટમેન્ટ (ગુજરાત વિદ્યાપીઠ લેન, આશ્રમ રોડ) એ કાકા – કાકીનું ઘર. (હાલમાં મિત્ર પ્રણવ અધ્યારૂ નું ઘર ) મારા લાલનપાલનમાં કોઈ કમી ન રાખતા કાકી એ વાત બહુ જલદી પામી જતા કે મને ઘરમાં કે અપાર્ટમેન્ટમાં મારી ઉંમરના કોઈની કંપની મળતી નથી. વાંચવા માટે પુસ્તકો – બાળ સામયિકો લાવી આપતા પરંતુ એ રીતે પણ સમય પસાર કરવાની એક મર્યાદા રહેતી. ત્રણેય પિતરાઈ ભાઈઓ (સંદીપ, ઇપ્સિત અને વિનીત) ઉંમરમાં મારાથી મોટા હતા. સંદીપભાઈ ફાર્મસી ક્ષત્રે મિત્રોના સાથમાં દવાના ઉત્પાદન સંબંધી કામમાં આગળ વધી રહ્યા હતા તો ઇપ્સિત – વિનીતભાઈ પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યા હતા. સમય સંજોગો બદલાતા આજે નથી કળાતો તેવો ‘જનરેશન ગૅપ’ એ સમયે હું પામી શકતો. આના ઉપાય તરીકે કાકી બને તેટલો સમય મારી સાથે વાતો કરીને પસાર કરતા. એથી આગળ વધીને તે વસુફોઈના દિકરા દિવ્યાંગને સાબરમતીથી બોલાવવાનો પ્રયત્ન કરતા. ‘એકના એક છોકરા’ની વ્યાખ્યામાં આવતા દિવ્યાંગ માટે પણ એમ સાબરમતીથી ઇન્કમટેક્ષ આવવું સહેલું નહોતું.

‘દેવઆશિષ’માં એકલા રહેવાની આટલી નાની અમથી ખોટ સિવાય બાકીના બધા જ આનંદો મારી સાથે હતા. જોઈ શકતો કે મને અમદાવાદ બોલાવવાનો કાકીનો હરખ સમાતો નથી. ‘બિનીત આવ્યો છે’ એવી જાણ કરતો ફોન બધા જ સગાં-સંબંધીને કરે. મારી વાત પણ કરાવડાવે. સવારે માત્ર ચા-નાસ્તો કરીને બૅન્કના મેનેજર તરીકે ફરજ પર હાજર થતા જતા મોટાકાકાને બપોરના જમવા માટે ઘરે વેળાસર આવી જવાની ખાસ તાકીદ કરે તે માત્ર મારા માટે જ. કેમ કે તેઓ જાણતા હતા કે મને સવારે અગિયાર વાગ્યાની આસપાસ જમીને સ્કૂલે જવાની ટેવ પડેલી છે. ઇપ્સિત – વિનીતભાઈને મને ફરવા લઈ જવા માટે કહેતા. આ દરમિયાન કાકી મારા માટે જે કામ ઉલટભેર કરતા તે પેન્ટ-શર્ટના કાપડની ખરીદી કરવાનું. મને સાથે લઇને જાય અને ઇન્કમટેક્ષ આસપાસની દુકાનો બતાવી કાપડની પસંદગી કરવાનું કહે. પેન્ટ – શર્ટ સિવડાવવા માટે વિકલ્પ ખુલ્લો રાખતા. કાં તો મોટાકાકાની સાથે જવાનું અથવા ઠાસરા – દેવગઢ બારિઆ પહોંચીને તૈયાર કરાવવાના.

હસુકાકી મારામાં વિશ્વાસ પણ ગજબનો મુકતા. સંદીપભાઈના અમેરિકા ગયા પછીના સમયમાં ઉનાળા વૅકેશનમાં અમદાવાદ જતો ત્યારે ઇપ્સિતભાઈ – વિનીતભાઈ રાત્રે મોડે સુધી વાંચતા હોય. અગાસીમાં આવીને સુઈ ગયા હોય તેની સવારે જોઇએ ત્યારે જ ખબર પડે. (તેમની નજીકમાં પાળેલું પપી રૉકી પણ સોડ તાણીને સૂતું હોય.) સવારનું દૂધ લેવા જવા માટે કાકીએ રીતસરના બન્ને ભાઇઓને કાલાવાલા કરવા પડે. એકવાર સવારના પહોરમાં કાકી મને જ સાથે લઈ ગયા. આકાશવાણીની સામે ‘નવદીપ’ બિલ્ડીંગની લાઇનમાં આજે જ્યાં ‘બૅન્ક ઓફ બરોડા’ની બ્રાન્ચ છે તેની ફૂટપાથ પર ‘આબાદ ડેરી’ની દૂધની કેબીન હતી. મને કહે ‘બાબા, કાલથી મને અહીંથી દૂધ લાવી આપજે.’ ભલે બહુ થોડા દિવસ માટે પણ ઘરથી દૂર એકલો કોઈ વસ્તુ ખરીદવા, ઘરની જરૂરિઆતની ચીજવસ્તુ લેવા અમદાવાદ જેવા શહેરમાં હું એકલો ફરું છું તેનો મને જબરો રોમાંચ થતો. કદાચ આત્મવિશ્વાસ પ્રગટવો કે પ્રક્ટાવવાનું કામ આવી નાની-નાની વાતોથી જ થતું હશે.

યુવાન – યુવતીઓ વચ્ચે કે નવદંપતી વચ્ચે હવે વપરાઇને લપટો પડી ગયેલો શબ્દ ‘લોંગડ્રાઇવ’ મેં પહેલીવાર કાકીના મોંઢે એંસીના દાયકામાં સાંભળ્યો હતો અને તેનો સંદર્ભ પણ આજના જેવો નહોતો. ક્યાંથી હોય? વૅકેશન દરમિયાન જ જસુફોઈ – કાન્તિફુઆના ઘરે શાહીબાગ કે ચંપાફોઈ – અરવિંદફુઆના ઘરે રાણીપ કોઈ એક દિવસ સાંજના સમયે પારિવારિક ભોજનનો કાર્યક્રમ બને. દૂર સાબરમતી રહેતા વસુફોઈનો પરિવાર (નવીનફુઆ, નીતા-લીના-ગોપીબહેન અને દિવ્યાંગ) વાહનવ્યવહારના ટાંચા સાધનો વચ્ચે પણ સમયસર આવી પહોંચ્યો હોય. ભોજન અને એ પછીની વ્યવસ્થાઓ આટોપવાનું કામ કરતા મોડું થાય એટલે વસુફોઈ – નવીનફુઆ માટે મોડે સુધી રોકાવાનું શક્ય ન હોય. કેમ કે રિક્ષા મળશે કે નહીં તેની ચિંતા હોય. રિક્ષાવાળો સાબરમતી આવવાની રાત્રે ‘ના’ પાડી શકે એટલું તો એ દૂર હતું જ. પણ હસુકાકી જેનું નામ. તેમની ચિંતા દૂર કરતા તરત કહે કે, ‘નવીનભાઈ...વસુબહેન...હું ’ને તમારા ભાઈ...ભલે ગમે તેટલું મોડું થાય...ગાડીમાં સાબરમતી મુકી જઇશું...અમારે એ બહાને લોંગડ્રાઇવ થઈ જશે.’

દસથી પંદર દિવસ માટે મોટાકાકા – હસુકાકી સાથે અમદાવાદ રહેવાનું થતું. મને યાદ નથી આવતું કે પાછા મોકલતી વખતે એમણે કદી કોઈનો સંગાથ શોધવાનો પ્રયત્ન કર્યો હોય. મોટેભાગે કાકી જાતે જ મુકવા આવતા. કહે પણ ખરા કે ‘એ બહાને મને ગોધરા જવા મળશે.’ હા, ભારતમાં તેમને ત્રણ શહેરો પ્રિય હતા. ગોધરા, અમદાવાદ અને શ્રીનાથજી. ગોધરા જતી વખતે વચ્ચે યાત્રાધામ ડાકોરનું બસ સ્ટેશન એવું આવે કે જ્યાં બસ પંદર-વીસ મિનિટ જેટલો લાંબો સમય ઊભી રહે. શુકનના દર્શન કરાવવા કે ‘છેડાછેડી’ માટે હાથમાં તેડેલા બાળ વર-કન્યાને લઈને ફરતા આદિવાસી માતા-પિતાનું દ્રશ્ય બસમાં બેઠા-બેઠા જ જોવા મળે. એ જોઇને કાકી બહુ હરખથી કહેતા કે, ‘બાબા, તને આ રીતે પરણાવવાનો છે.’

પિસ્તાલીસ પાર કર્યા પછી આ સઘળું યાદ કરવાનું નિમિત્ત હસુકાકીની વિદાય બની તેના દુઃખ અને આનંદનું પ્રમાણ મારા પક્ષે એકસરખું છે. દસ વર્ષની ઉંમરે ભણવા માટે સાથે લઈ જવા આવેલા, પેકિંગ થયેલી ઘરવખરી વચ્ચે મારી સ્કૂલબેગને શોધતા અને જો મળે તો હાથમાં લઈ લેવા તત્પર કાકીને કે એ સમયને હું ભૂલી શકતો નથી. આ લખું છું ત્યાં સુધી મને હંમેશા એવું જ લાગ્યું છે કે ભલે થોડા વર્ષો માટે ખરી પણ તેમના હાથે ઘડાયેલી જિંદગી જુદી હોત. એમ થઈ ન શક્યું તેનો અફસોસ.

કાકી ખાસ્સા પ્રભાવક પણ હતા. તેમના ત્રણ પુત્રો કે ભાણા – ભત્રીજાઓ ઊંચાઇની બાબતમાં તેમને આંબવા લાગ્યા હતા પણ મજાક – મશ્કરીનો વખત ન હોય એ સિવાયના સમયમાં તેમની સાથે એક અંતર જાળવીને વાત કરવી પડતી એવો મારો ખ્યાલ છે. મારા પપ્પા રોકડા પાંચ વર્ષ તેમની સાથે પૂનામાં રહ્યા હતા. પ્રભાવમાં ન આવ્યા હોય તેની જ નવાઈ ગણાવી જોઇએ. એક વખત એવું બન્યું કે મોટાકાકા અને ત્રણેય દિકરાઓની ગેરહાજરીમાં દિવાળી નિમિત્તે ઘરના રસોડાના માળિયાની સાફસફાઈ કરવાનું કામ કાકીએ કોઇની પણ મદદ લીધા વિના જાતે જ ઉપાડી લીધું. નિસરણી કે ટેબલ ખસી જવાને કારણે તેઓ લગભગ સાતેક ફીટની ઊંચાઇએથી પડી ગયા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને તેની સારવાર પણ લાંબી ચાલી હતી. તેના દુઃખાવાની અસર તો આજીવન રહી.

આ ઘટનાની પપ્પા પર એવી અસર પડી કે એ પછી તેઓ મમ્મીને કદી માળિયા પર સાફસૂફી માટે એકલી ન ચઢવા દેતા. એ કામ થવાનું હોય ત્યારે પોતાની હાજરી અનિવાર્ય ગણતા પપ્પા જ્યારે અમદાવાદમાં પોતાનું મકાન લેવાની તપાસ કરતા ત્યારે ટેનામેન્ટ કે અપાર્ટમન્ટ માળિયાની સગવડ વિનાના હોય તો એવા મકાનને ખરીદવા પ્રાયોરિટી આપતા. એવું માળિયા વગરનું મકાન અમદાવાદમાં મળ્યું નહિ એ જુદી વાત છે. હા, અમદાવાદથી બદલી પામેલા પપ્પાને ફરી એકવાર પ્રમોશન સાથે બદલી મળી અને તે પણ અમદાવાદ – વડોદરા જેવા શહેરમાં જ થાય તેવા સંજોગો ઊભા થયા. પહેલી પસંદગી તો અમદાવાદ શહેરની જ હોયને?

પ્રમોશન સાથે ફરી એક વાર બદલી પામેલા પપ્પા સાથે 1986માં અમદાવાદ આવવાનું થયું. નવેસરથી આશા જાગી કે હવે કાકી સાથે કે તેમની નજીક રહેવા મળશે. જો કે પારિવારિક કારણસર પૌત્ર નીલ (સંદીપભાઈનો પુત્ર અને હું જેના પરિચયમાં આવ્યો તે પરિવારની ત્રીજી પેઢીનું પ્રથમ સંતાન)ની સંભાળ લેવાની જરૂર ઊભી થતા હસુકાકીને 1987માં પ્રથમવાર અમેરિકા જવાનું થયું. આરંભે એમ લાગતું હતું કે આ એક હંગામી વ્યવસ્થા છે પરંતુ બદલાતા સંજોગો વચ્ચે પહેલા કાકી, પારૂલભાભી, કાકા અને છેલ્લે ઇપ્સિત – વિનીતભાઈ પણ અમેરિકા સ્થાયી થતા તેમનું અમેરિકામાં રહેવું કાયમી થઈ ગયું.

એ જમાનો રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરીઅલનો હતો. ‘દૂરદર્શન’ પર પ્રસારિત થતી ટી.વી. સિરિઅલ કાકી નિયમિત જોતા. પહેલીવાર અમેરિકા જતા અગાઉ મને કહે કે ‘બાબા, તું મને આ સિરિઅલની વાર્તા કેવી રીતે આગળ વધે છે તે પત્ર લખીને જણાવતો રહેજે.’ આમ તો સંત તુલસીદાસની પ્રસિધ્ધ કૃતિ ને હિન્દુ ધર્મના ગ્રંથ એવા ‘રામાયણ’ના સૈકાઓથી ચાલી આવતા કથાનકમાં રામાનંદ સાગર નવું શું જણાવવાના હતા? પણ કાકીની ઇંતજારીને કારણે મને તેમને પત્રો લખવાની ટેવ પડી. ધીરે-ધીરે એમાં અમદાવાદની, ગુજરાતની, ભારતની સમાચાર જોગ ઘટનાઓને ઉમેરતો ગયો. પરિવારનજનોના સારા – માઠા જેવા હોય તેવા સમાચારો પણ લખતો. એ બધું વાંચવાની તેમને મઝા પડે છે એમ તરત મને ફોન કરીને જણાવતા અથવા કાકા પાસે પત્રના જવાબમાં લખાવડાવતા. મને પણ એમને પત્ર લખવાનો એવો આનંદ આવતો કે બે-ત્રણ પાનાથી શરૂ થયેલા પત્રો પછી છ-સાત પાના સુધી પહોંચ્યા હતા. સંદેશાવ્યવહારની સગવડો વધતાં અને ખાસ તો સસ્તા દરના ઇન્ટરનેટ ટેલિફોનનો વ્યાપ વધતાં પત્ર લખવાનું મારા પક્ષે ઓછું થતું ચાલ્યું. જો કે કાકી જેનું નામ...મને હંમેશા કહેતા રહેતા કે મારી એકલીના માટે પણ તું પત્ર લખ. જો કે ઇ-મેલ, ફેસબુક, ચેટીંગ અને વોટ્સઅપના જમાનામાં એ કદી શક્ય ન બન્યું.

મારી મમ્મી (સુધા પ્રફુલ મોદી) તેના લગ્નને યાદ કરતી વખતે પણ મહત્તમ રીતે તો કાકીને જ યાદ કરે છે. જૂની વાતોને સંભારતા મને – શિલ્પાને કહે છે કે, ‘આ મોદી કુટુંબમાં હું વીસ વર્ષની ઉંમરે પરણીને આવી ત્યારે તો મોટાભાઈ-ભાભીના લગ્નને પંદર ઉપરાંત વર્ષ થઈ ગયા હતા. સૌથી મોટા સંદીપભાઈ હાઇસ્કૂલથી આગળ ભણતા હતા.’ (હસમુખકાકા અને હસિતાકાકીની લગ્ન તારીખ : 13 ડિસેમ્બર 1949) ત્રણ સંતાનોના ખુદના પરિવારની સાથે એક નાના ભાઈ અને ચાર બહેનોના પરિવારની ઘણી બધી સાંસારિક જવાબદારીઓને નિભાવવાની સાથે કાકા-કાકીએ તેનું નવા પરિવારને જરૂરી એવું ઘડતર કર્યું, કયા સંજોગોમાં સાચવી અને જરૂર પડી ત્યાં છત્ર બનીને મા-બાપની જેમ જ ઊભા રહ્યા તેની વાતો કરતા મમ્મી થાકતી નથી.

શિલ્પા સાથે વિવાહ થયો તેને થોડો સમય વીત્યે લગ્નની તારીખ પણ નક્કી થઈ. શક્ય હોય તેવી તમામ સાદગીને અપનાવીને લગ્ન કરવા એવું અમારા બન્નેના પક્ષે દંપતિ બન્યા અગાઉથી નક્કી હતું. પરિવારજનોની મને-કમને પણ તેમાં સંમતિ હતી. આ બધું જ જાણતા હોવા છતાં હસુકાકી મોટાકાકાને ખાસ આગ્રહ કરી અમદાવાદ સુધી લઈ આવ્યા તે અમારા ચાર વ્યક્તિના પરિવાર માટે અતિ આનંદની ઘટના બની રહી. કદાચ એ જ કારણ હતું કે સાદાઈનો ખ્યાલ છતાં તેમની ઉપસ્થિતિને વધાવવા અમે મેરેજ રિસેપ્શન તેની પરંપરાગત શૈલીમાં નહીં પરંતુ મિત્રો – સગાં – સંબંધીઓ સૌ એક-બીજાને મળી શકે એ વિચારથી જ એક નાનકડો મેળાવડો લગ્નની સાંજે જ આયોજિત કર્યો હતો. કાકીએ તેમના આ લાડકા ‘બાબા’ને સાદાઇથી લગ્ન કરવાના ઇરાદાથી ચલિત કરવાનો એક પણ પ્રયત્ન કર્યો નહોતો. એમ કરવું તેમના હકમાં હતું છતાં મારા વિચાર નીચે અન્ડરલાઇન કરી કાકા-કાકીએ મને મોટી રાહત કરી આપી હતી.

ઘરની નજીકમાં આવેલી કોઈ જગ્યાએ પહોંચવા કે ઘર નજીક રહેતા તેમના (કાકીના) મામાને મળવા માટે કાઇનેટિક હોન્ડા સ્કૂટર પાછળ બેસવાની ફરમાઇશ કરતા કાકીને મારાથી પણ ઓછો પરિચય ધરાવતી શિલ્પા ભૂલી શકતી નથી. (કાઇનેટિક હોન્ડા પર બેઠેલા કાકી ઇપ્સિતભાઈની ઇન્ડ-સુઝુકી મોટર સાઇકલ પર બેસતા હતા એ દિવસોની યાદ અપાવતા હતા.) તેમણે આપેલી કેટલીક કિચન ટીપ્સને પણ શિલ્પાએ ગાંઠે બાંધી છે. ‘બાબા, તું અમેરિકા આવવાનો પ્રયત્ન તો કરી જો’ એમ અનેકવાર કહેતા કાકીને હું કાયમ કહેતો કે મારા એટલા બધા ભાઇઓ – બહેનો અમેરિકામાં છે કે તેઓ અહીં આવે ત્યારે ‘આવો’ કહેનારું પણ કોઈ જોઇશેને? એટલા માટે પણ મને અહીં ભારતમાં – અમદાવાદમાં રહેવા દો. અને આમ કાકી માની જતા. ઘણી બધી વાતે માની જતા કાકી મંદિરે નહીં જવાની કે નાથદ્વારાની ગીરદીમાં દર્શને નહીં જવા બાબતે કોઈની સલાહ ન માનતા. મોટાકાકા કહે તો પણ નહીં. મોટાકાકા આવી સલાહ મશ્કરીના અંદાજમાં જ આપે છે એવું પામી ગયેલા તેમના સહીતના અમે સૌ કોઈ ભાણા – ભત્રીજાઓ એમની તરફેણમાં દલીલો કરતા ત્યારે કાકી રાજી – રાજી થઈ જતા.

હા, એમને ખુશ કરી દે...રાજી રાખે તેવા ત્રણ સ્થળો ભારતમાં હતા – ગોધરા / Godhra, અમદાવાદ / Ahmedabad અને નાથદ્વારા / Nathdwara. અમેરિકામાં એવા ત્રણ સ્થળો તે લાન્સિંગ / Lansing, રાલે / Raleigh અને સિનસિનાટી / Cincinnati...ત્રણ દિકરાઓના ઘર. પત્રમાં કે ફોનની વાતચીતમાં ‘શ્રીનાથજી’ના દર્શને સાથે જવું છે એવી તેમની ઇચ્છા જુદા-જુદા કારણોસર તેમની ભારત મુલાકાત વખતે શક્ય નહોતી બની. હા, સાથે ગોધરા જવાનું એકથી વધુ વાર શક્ય બન્યું હતું.

કેટલીક ઘટનાઓની જીવનભર અસર અથવા તો યાદ કાયમ રહે છે એવું મેં મારી બાબતમાં નોંધ્યું છે. કેમ અને તે સારું છે કે ખરાબ તેની મને ખબર નથી અને એવી કોઈ ફોર્મ્યૂલા હોય તો તે કેટલી જડબેસલાક છે તેની મને માહિતી નથી. વાત એમ છે કે ગોધરા પહોંચીએ તે પહેલા ડાકોરની એક મુલાકાતમાં દર્શન કર્યા પછી કારની પાછળની સીટમાં તેઓ પૂર્ણપણે બેસી જાય એવી કોઈ દરકાર રાખ્યા વગર જ ડ્રાઇવરે ગાડી સહેજ આંચકા સાથે ચલાવી અને કાકી પડી ગયા. કોઈ ઇજા વગર બચી ગયા, સલામત હતા. એ પછી મેં તેમને કારમાં બેસાડ્યા એ સાથે જ એમણે મને દરવાજો બંધ કરતો અટકાવી દીધો. મને કહે, ‘ના. દરવાજો હું જાતે જ બંધ કરીશ. અમેરિકામાં કારમાં બેસતી વખતે કોઈ બીજાએ દરવાજો બંધ કર્યો તો મારી આંગળી ચગદાઈ ગઈ હતી.’ એમ કહીને તેમણે મને કારના દરવાજા અને બોડી વચ્ચે પીસાઇને વાંકી વળી ગયેલી ઇજાગ્રસ્ત આંગળી બતાવી. આ ઘટના જાણ્યા પહેલાથી કાર ચલાવતો હું તેમની આ વાત સાંભળ્યા પછી પણ ગાડી તો ચલાવું જ છું. પણ હવે ગાડીમાં બેસનાર સૌ બરાબર બેસી-ગોઠવાઈ ગયા છે તેની ખાતરી કર્યા પછી હું છેલ્લે જ ડ્રાઇવર સીટ પર બેસું છું. અને હા, દરવાજો પણ જે-તે વ્યક્તિને જ બંધ કરવા દઉં છું. દરકાર ગણો તો એ અને શીખવાનું ગણો તો એ પણ તે અજાણતાં પણ હું શીખ્યો છું તો કાકીની આ વીતકકથા પરથી. આ ઘટના – વાતને તેમના પ્રભાવ તરીકે પણ ખતવી શકાય એમ છે. એટલા માટે કે તેમનો આવો પ્રભાવ મારા પપ્પા પર પણ હતો જે વાતનો આગળ ઉલ્લેખ કર્યો છે. મોટા ભાઈ અને ચાર મોટી બહેનોના પરિવારમાં પપ્પાને ‘પ્રફુલભાઈ’નું માનાર્થે સંબોધન કરનાર એક જ વ્યક્તિ હતા – હસિતા હસમુખ શાહ. માત્ર અમારા જ નહીં, ઘણા બધાના સુખનું સરનામું એવા હસુકાકીને અલવિદા.
(તસવીર : શાહ પરિવારના સૌજન્યથી)


2 comments:

  1. Nice tribute

    ReplyDelete
  2. બિનીતભાઈ, તમે એકદમ હૃદયસ્પર્શી ચિત્રણ કર્યું છે. મને સૌથી વધુ અસર કરી ગયું એ તેઓએ મણિનગરમાં તેઓએ બાપીકા મકાનને શોધવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો એ વર્ણન. જે લોકો આવાં પ્રેમાળ અને સમર્પિત સ્વજનો પામ્યા છે એ નસીબદાર ગણાય.

    ReplyDelete