પ્રતિભાવો ઉર્ફે Comments

Tuesday, March 01, 2016

બજેટ, બીએસએનએલ અને વડનગર


શીર્ષક હજી વધુ લાંબુ કરી શકાય એમ છે. જેમ કે ‘બજેટ, બીએસએનએલ અને વર્તમાન વડાપ્રધાનનું વતન વડનગર’. એમ કરવા જતાં યાદ આવ્યું કે કાલખંડ દરમિયાન આ પોસ્ટ ગમે તે સમયે કોઇના પણ વાંચવામાં આવે ત્યારે ‘વર્તમાન વડાપ્રધાન’ કોને ગણવા? મૂળ પોસ્ટ લખાઈ એ સમયના કે વંચાતી હોય એ વખતના? ગૂંચવાડા થશે અને વધશે એમ લાગતા શીર્ષકને લંબાવવાનો વિચાર પડતો મૂકીને મૂળ વાત કરવાનો વિચાર જ અમલમાં મૂક્યો છે...એ પણ ટૂંકમાં જ.

દર વર્ષે ફેબ્રુઆરીના આખરી દિવસે (28 કે 29 ફેબ્રુઆરી) કેન્દ્ર સરકારના નાણા પ્રધાન સામાન્ય બજેટ / Union Budget રજૂ કરે છે. આગામી નાણાકીય વર્ષ દરમિયાન સરકારને ક્યાંથી – કયા સ્ત્રોત મારફતે આવક થશે અને સરકાર એ નાણા ક્યાં – કઈ નાગરિક સુખ-સુવિધા પાછળ ખર્ચ કરશે તેનો સામાન્ય અંદાજ તેમાં બાંધવામાં આવ્યો હોય છે. એ પરંપરામાં ગઈ કાલે 29 ફેબ્રુઆરી 2016ના રોજ કેન્દ્રિય નાણા પ્રધાન અરૂણ જેટલીએ / Arun Jaitley લોકસભામાં અંદાજપત્રની રજૂઆત કરી. અંદાજપત્ર અટપટું હોય છે અને સમજમાં આવે તો સારું છે. પણ એવું થતું નથી. અરે અંદાજ બાંધ્યા પ્રમાણે પણ બધું થતું નથી.

ખાતર ઉપર દિવેલ જેવું ટેલિફોન બિલ : ઉઘરાણીની રકમ રૂપિયા છ
જેમ કે આ સાથેનું ટેલિફોન બિલ. સંદેશા વ્યવહારની એકથી વધુ પ્રકારની સુવિધાઓ પૂરી પાડતા કેન્દ્ર સરકારના સંદેશા વ્યવહાર વિભાગ હસ્તકના ‘ભારત સંચાર નિગમ લિમિટેડ’ / BSNL / http://www.bsnl.co.in/ દ્વારા મહેસાણા ટેલિકોમ ડિસ્ટ્રીક્ટ મારફતે ઇસ્યુ થયેલું ટેલિફોન બિલ ‘વડનગર સંગ્રહાલય’ના / Vadnagar Museum નામે છે. ડિસેમ્બર – 2015ના પ્રારંભે બનેલું અને એ જ મહિનામાં જેની ચૂકવણી કરી આપવાની છે તેવા આ ટેલિફોન બિલમાં અંકે રૂપિયા 6=00 અને શબ્દે માત્ર રૂપિયા છ પૂરાની ઉઘરાણી કરવામાં આવી છે. આ માગણી કેટલા વખત જૂની છે તેનો હિસાબ મહિનાઓમાં થાય એમ નથી. કેમ કે ગુજરાત રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના તત્કાલીન મંત્રી ઇન્દ્રવિજયસિંહ જાડેજા (પાછળથી આઇ.કે. જાડેજા નામે વધુ ઓળખાતા)એ જાન્યુઆરી – 1996માં આ સંગ્રહાલયનો પ્રારંભ કરાવ્યો હતો. સંગ્રહાલયને જાળવી રાખવાની અને રોજિંદા ધોરણે તેનું સંચાલન કોણ કરશે એ પ્રકારની વહીવટી જવાબદારી એ સમયે નક્કી નહોતી થઈ.

ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ, માહિતી ખાતું, પુરાતત્વ વિભાગ કે કેન્દ્ર સરકાર હસ્તકનો આર્કિયોલોજી વિભાગ – આ ચારમાંથી કોણ આ ‘વડનગર સંગ્રહાલય’ની વહીવટી જવાબદારી નિભાવશે એ તે સમયે નક્કી નહોતું. એટલે સંગ્રહાલય માટે એક નહીં બે ટેલિફોન કનેક્શનની અરજી કરવામાં આવી. ટેલિફોન જોડાણ મેળવવા એ સમયે દુર્લભ જ હતા પણ આ તો સરકારના જ બે જુદા – જુદા વિભાગોમાંથી આવેલી અરજી એટલે એક નહીં, માંગે એટલા ફોનની મંજૂરી મળી જાય. મળી ગયા – એક નહીં બબ્બે ફોન. વખત જતા તો નહીં પણ સંગ્રહાલયના ઉદઘાટન પછીના થોડા જ સમયમાં ગાંધીનગરથી આવેલા ખાતાકીય વડા સાહેબના ધ્યાન પર આવ્યું કે અહીં માત્ર એક જ ટેલિફોન જોડાણની જરૂર છે.

મ્યૂઝિઅમના ગાર્ડિઅન અને ગાઇડ
શું કરવાનું હવે? હુકમ થયો કે એક ટેલિફોન કનેક્શન પાછું આપી દો. આપી દીધું. ખાતાકીય ધોરણે સરકારી રાહે પત્ર લખીને જાણ કરી હતી કે કેમ તે હાલમાં સંગ્રહાલયનું સંચાલન સંભાળતા ગાર્ડિઅન / ગાઇડને ખબર નથી. કેમ કે જે-તે સમયે અને આજે પણ સાહેબ વર્ગ વડોદરા અથવા ગાંધીનગરમાં બેસે છે અને મહિને એક જ વાર અડધો કલાક માટે મ્યૂઝિઅમની મુલાકાતે આવે છે. એ ઘડી ને આજનો દહાડો...મ્યૂઝિઅમના દરબાર રોડના સરનામે ટેલિફોન નંબર (02761) 223 847 નું બિલ આવવાનું ચાલુ છે. રકમ છે માત્ર રૂપિયા છ. ગાર્ડિઅન / ગાઇડ નરેન્દ્ર હરિભાઈ પરમાર અને નગીનભાઈ અમથાભાઈ ધોબીને આજ દિન સુધી એવું યાદ નથી આવતું કે કદીકને કોઈ બી.એસ.એન.એલ વાળો જણ આ રકમની ઉઘરાણી કરવા આવ્યો હોય. ‘ટેલિફોનનું ડબલું તો અમે કે ’દિનું માળિયે ચઢાવી દીધું છે’ એમ કહી એક કબાટ તરફ આંગળી ચીંધીને બન્નેએ મારી સામે જોયું.

મને કહે સરકારી સંસ્થા હોવાથી નિયમ મુજબ દર મહિને આવતું ટેલિફોન બિલ અમે ગાંધીનગર મોકલી આપીએ છીએ. ત્યાંથી શું કાર્યવાહી થતી હશે એની અમને જાણ નથી. સાહેબો એમ કહે છે કે ઉપરોક્ત ટેલિફોન જોડાણને રદ ગણી બિલ નહીં મોકલવા અને ટેલિફોન ઇન્સ્ટ્રુમન્ટ્ જમા લેવા એકથી વધુ વખત સરકારી રાહે જાણ કરી છે. એનો મતલબ એ થયો કે સરકારનો જ એક વિભાગ તેના જેવી બીજી સરકારી કચેરીની વાત કાન દઇને સાંભળતો નથી કે પત્ર વાંચીને કાર્યવાહી પણ નથી કરતો અને નિયમિતપણે છ રૂપિયાની બિલ ઉઘરાણી ચાલુ રાખે છે. એમ કરવા માટે ટેલિફોન વિભાગને દર મહિને સહેજે પંદર-વીસ રૂપિયાનો તો ખર્ચ થતો હશે. કેમ કે દાયકા અગાઉ નિગમરૂપે બી.એસ.એન.એલ પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ વિભાગથી અલગ થયું તે પછી પોસ્ટ ખાતું ટેલિફોન બિલ વહેંચણી કરવાના રૂપિયા વસૂલે છે. જાણીતી કહેતી મુજબ ‘ખાતર ઉપર દિવેલ’ નાંખવાનો આ શિરસ્તો ક્યાં સુધી ચાલુ રહેશે તેની કોઇને ખબર નથી.

એટલે સરકાર કે તેનો કોઈ એક વિભાગ આવક – જાવકના ગમે તેટલા (સાહેબોને ગમે એવા પણ) અંદાજો બાંધે. એમાં આવા વણજોઇતા, ખાતર ઉપર દિવેલ ગણાય એવા ખર્ચાઓનો કોઈ હિસાબ રહેતો નથી કે કોઈ કરતું પણ નથી.

આટલું વાંચ્યા પછી તમે કહેશો ‘ભઈસાબ મ્યૂઝિઅમ વિશે તો બે શબ્દ પાડવા તા’...તો મારું તમને કહેવું છે કે વર્તમાન વડાપ્રધાનનું વતન છે. ભૂતપૂર્વ થઈ જશે તો ય વતન તો વતન જ રહેવાનું છે. એ કંઈ થોડું બદલાવાનું છે. મ્યૂઝિઅમની અગાસી અદભૂત છે. તેના એક છેડેથી નરેન્દ્ર દામોદરદાસ મોદી / Narendra Modi જે સ્કૂલમાં પ્રાથમિક કક્ષાએ ભણ્યા તેનું પટાંગણ દેખાય છે તો પૂરા નગરનું દર્શન પણ અહીંથી જ થાય છે કેમ કે વડનગર / Vadnagar નામના ગામની આજની તારીખે આ સૌથી ઊંચી ઇમારત છે.


(તસવીરો : બિનીત મોદી)

1 comment:

 1. Uttam and Madhu Gajjar (SURAT)14 May 2016 at 18:22

  વહાલા ભાઈ બીનીત,
  તમે લખો હરતાંફરતાં; પણ હું હરતાંફરતાં નથી વાંચતો. સમય કાઢી, બેઠાં બેઠાં ધ્યાનથી તમારું બધું જ નીરાંતે વાંચું. તમારો અંદાજ ન્યારો છે. આવા બીજા કોઈ બ્લોગ હશે કે કેમ તે ખબર નથી. પણ મને મઝા આવે છે. વડનગરે ખાસ્સી જગ્યા રોકી છે. લખાયું પણ છે બહુ જ સરસ. ‘બીનીત સ્ટાઈલ’માં. ત્યાર પછીની ટુંકટીપ્પણી પણ જીવંત છે.
  ખુબ ધન્યવાદ. લખતા રહો. મઝામાં?

  ઉત્તમ અને મધુ ગજ્જર (સુરત)
  (Response through E-mail : 11 March 2016)

  ReplyDelete