પ્રતિભાવો ઉર્ફે Comments

Saturday, November 20, 2021

સાઇઠ વર્ષના ગુજરાતના ધારાસભ્યનો શતાયુ પ્રવેશ : નારણભાઈ પટેલ, જેમણે ગાંધીજીને જોયા હતા

 


નારણભાઈ કાળીદાસ પટેલ, ઉંમર વર્ષ સો...
જન્મ તારીખ ઃ સોમવાર, 20 નવેમ્બર 1922, ખારચીયા, જેતપુર, રાજકોટ જિલ્લો
શતાયુ પ્રવેશ ઃ શનિવાર, 20 નવેમ્બર 2021, અમદાવાદ

રોજેરોજ અને રોજિંદા જીવનમાં ડગલેને પગલે જેમને યાદ કરવા પડે એ ગાંધીજીનું / Mahatma Gandhi જન્મજયંતિ નિમિત્તે સ્મરણ કરવાના દિવસો થોડા સમય પહેલા જ વીત્યા છે. પરંતુ આપણે તેમની અંતિમ વિદાયથી શરૂઆત કરવી પડશે. તેમની વિદાયનું આ ચુંમોતેરમું વર્ષ છે. બે મહિના પછી જાન્યુઆરી 2022માં પંચોતેરમું બેસશે. તેમને જોયા હોય એવા લોકોની સંખ્યા હવે વર્ષોવર્ષ ઓછી થતી જવાની. ગાંધીજીને જોયા હોય, રૂબરૂ થયા હોય કે સમજણપૂર્વકની કોઈ હેતુસર મુલાકાત કરી હોય એવી વ્યક્તિની ઉંમર આજે 2021માં ઓછામાં ઓછી પંચાસીથી નેવું વચ્ચે હોવાની. અહીં જેમનો પરિચય મેળવી રહ્યા છીએ એમની ઉંમર છે નવ્વાણું વર્ષ. નવ્વાણું ખરા પણ નર્વસ નાઇન્ટી નાઇન જેવું કશું નહીં. સેન્ચુરીએ પહોંચવાથી સો દિવસ દુર હતા ત્યારે હું એમને મળ્યો હતો. આજે શનિવાર 20 નવેમ્બર 2021ના દિવસે તેઓએ સોમા વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તેમનું નામ નારણભાઈ કાળીદાસ પટેલ. NaranBhai Kalidas Patel આજે તેઓ ઉંમરમાં ત્રણ આંકડાના થયા – સો. મૂળ તો રાજકોટ જિલ્લાના જેતપુર / Jetpur, Rajkot, Saurashtra તાલુકાના ખારચીયા ગામના વતની છે. પણ ગાંધીજીને એમણે પેટલાદમાં જોયા હતા. મળ્યા હતા એમ તો કેમ કહેવાશે. કેમ કે નારણભાઈ એ સમયે વીસ વર્ષના યુવાન હતા અને પેટલાદમાં વ્યાયામની તાલીમ લેવા આવ્યા હતા. હાલ આણંદ જિલ્લાનું નગર ગણાતું પેટલાદ / Petlad, District Anand એ સમયે ખેડા જિલ્લાનું ગામ ગણાતું હતું. હિન્દ છોડો ચળવળને સમાંતરે 1942માં તેઓ પેટલાદ વ્યાયામ પ્રચારક મંડળ સંચાલિત સૂર્યભવન વ્યાયામ શાળામાં લાઠી દાવ, ભાલા ફેંક, કુસ્તી અને મલખમ શીખવા આવ્યા હતા. મલખમ – લાકડાનો ઉભો લીસો થાંભલો જેની આસપાસ કસરત કરવામાં આવે.

પેટલાદમાં તાલીમ ચાલતી હતી એ દરમિયાન ગાંધીજી રવિશંકર મહારાજને / Ravishankar Maharaj સાથે લઈ તાલીમાર્થીઓને મળવા આવ્યા હતા. વિદ્યાર્થીવર્ગને જે સંબોધન કર્યું એના પરથી પ્રેરિત થઈ કેટલાક યુવાનો 1942ની લડતમાં જુદા જુદા સ્તરે જોડાયા હતા. કોઈ રાષ્ટ્રીય સ્તરે લડતમાં જોડાવા મુંબઈ, દિલ્લી ગયું તો નારણભાઈ પોતાને ગામ પાછા ફર્યા. ખારચીયા અને જેતપુર ગામમાં તેઓ સુભાષ નામની પત્રિકા વહેંચવા જતા. એક મિત્ર પણ સાથે રહેતો અને એમ બે જણા થઇને અડધું – અડધું ગામ વહેંચી લે, ફરી વળે. ગણતરીના કલાકોમાં તો ગાંધી બાપુનો સંદેશો ગામના ઘરે-ઘરે પહોંચી જાય. આ ફરી વળવાની તાલીમ પેટલાદમાં મળી હતી. આ પત્રિકાઓ વહેંચતા બ્રિટીશ પોલીસના હાથે પકડાઈ ગયા તો સાથળના ભાગે ટાંકણીઓ ભોંકવાની સજા થઈ હતી. પીડાદાયક સજા હતી પરંતુ આઝાદી કાજે અને બાપુના માટે ભોગવવાની છે એવો ભાવ રહેતો હતો. ભારતભરની વ્યાયામ શાળાઓનું કેન્દ્ર ગણાતા મહારાષ્ટ્રના અમરાવતીથી આવેલા પૃથ્વીસિંહના હાથે વ્યાયામના પ્રથમ અભ્યાસક્રમની તાલીમ મેળવી હતી. તેમની સાથે બિશનસિંઘ હતા જેઓ સુભાષચન્દ્ર બોઝની / Subhash Chandra Bose આઝાદ હિન્દ ફોજમાં કર્નલનો હોદ્દો ધરાવતા હતા. પેટલાદમાં તાલીમ મેળવ્યાના થોડા સમય પછી 1950માં તેમણે જૂનાગઢમાં / Junagadh મિલિટરી તાલીમ પણ મેળવી હતી.

એ પછી નારણભાઈ પટેલ જાહેરજીવનમાં આવ્યા. એ પહેલા જેતપુરની કમરીબાઈ હાઈસ્કૂલમાંથી મેટ્રીક અને ગુજરાત યુનિવર્સિટીમાંથી બી. એ. નો અભ્યાસ પુરો કર્યો હતો. અમદાવાદમાં લૉ કોલેજમાં કાયદાનો અભ્યાસ શરૂ કર્યો હતો પરંતુ એક વર્ષના અંતે અધુરો મુક્યો. પરિવારની ખેતી હતી. સમય જતા 1972માં જેતપુરમાં ચેતના સિનેમાના સંચાલક-માલિક બન્યા. વ્યવસાયની સાથે-સાથે સહકારી ક્ષેત્ર, રાજકોટ જિલ્લા લોકલ બોર્ડ, સ્કૂલ બોર્ડ અને કૉંગ્રેસની પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા. કૉંગ્રેસ સેવા દળ / Seva Dal સાથે પણ સંકળાયેલા હતા. જેતપુર તાલુકાના સૌરાષ્ટ્ર ગ્રામરક્ષક દળના ઇનચાર્જ હતા. આ સમય દરમિયાન અસ્પૃશ્યતા નિવારણનું કામ કર્યું.

જાહેરજીવનની કામગીરીએ તેમને 1962માં ચાલીસ વર્ષની યુવાન વયે ધારાસભ્ય બનાવ્યા. નારણભાઈ કાળીદાસભાઈ પટેલ બીજી અને ત્રીજી ગુજરાત વિધાનસભામાં એમ 1962 થી 1971 સુધી જેતપુર બેઠકના કૉંગ્રેસ પક્ષના ધારાસભ્ય હતા. 1967માં બીજી વાર ચૂંટણી ઉમેદવારી કરી ત્યારે સ્વતંત્ર પક્ષના પ્રતિસ્પર્ધી ઉમેદવારનું અવસાન થયું. આથી ચૂંટણી મતદાન થોડા દિવસ માટે મોકુફ રહ્યું. બાકી બેઠકોની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ગઈ હતી એટલે જેતપુર બેઠકની ચૂંટણી સમયે પ્રચારનો વધુ સમય મળ્યો. બન્ને પક્ષના નેતાઓને વધુ સમય મળ્યો હતો પરંતુ કૉંગ્રેસની સરખામણીએ સ્વતંત્ર પક્ષના / Swatantra Party નેતાઓ વધુ આક્રમક પ્રચારના મુડમાં હતા. સમય પણ એવો હતો કે રાજ-પાટ ગુમાવી ચુકેલા અનેક પૂર્વ રાજવીઓને સ્વતંત્ર પક્ષમાં તેમનું ભાવિ દેખાતું હતું. કેટલાય રાજ પરિવારો સ્વતંત્ર પક્ષ અને તેના સ્થાપક રાજાજી ઉર્ફે ચક્રવર્તી રાજગોપાલાચારી / C Rajgopalachari સાથે જોડાઈ ગયા હતા. જેતપુર બેઠકના ચૂંટણી પ્રચારમાં જયપુરના / Jaipur, Rajasthan State મહારાણી ગાયત્રી દેવી / Gayatri Devi પણ આવીને પ્રચારસભા સંબોધી ગયા હતા. એમ છતાં કૉંગ્રેસ પક્ષ / Indian National Congress અને નારણભાઈ પટેલ જીતી ગયા હતા.

ખારચીયા ગામમાં 20 નવેમ્બર 1922ના રોજ જન્મેલા તેઓ હાલ અમદાવાદમાં બીજી અને ત્રીજી પેઢીના પરિવાર સાથે રહે છે. એમની પ્રપૌત્રીઓ નારણભાઈનો પરિચય આપતા કહે છે કે, દાદા અમારાથી પંચાસી વર્ષ મોટા છે બોલો. શું બોલે? બાકી આ દાદાએ તેમની યુવાનીમાં બહારવટિયા ભૂપતને પડકારેલો. પડકાર્યો એ તો ઠીક પણ વખત જતા એમના કારણે જ દેશ છોડી ગયો. બહારવટે ચડ્યો એ પહેલા ભૂપત રજપૂત નામે ઓળખાતો મૂળે તો એ નારણભાઈનો ગાઢ મિત્ર હતો. આરઝી હકુમત ચળવળ દરમિયાન જેતપુર નજીકના વાંસાવડ ગામે ટોળાં દ્વારા થયેલી સાગમટી લુંટનું આળ એના નામે ચઢ્યું હતું. ખોટું હતું પણ ભૂપતનું નામ એ લુંટમાં એવી આબાદ રીતે સંડોવાઈ દેવાયું કે જેને તેણે બહારવટિયો બનાવી દીધો. તેને એ માર્ગેથી પાછા વાળવાના પરિચિતો – મિત્રોના પ્રયત્નો વ્યર્થ ગયા હતા.

આ ભૂપત બહારવટિયો / Bhupat Baharvatiyo નારણભાઈના વતન ખારચીયા ગામને લુંટવા આવ્યો હતો. એક વાર નહીં ત્રણ-ત્રણ વાર. ત્રણેય વખત તેને પડકારી નારણભાઈએ પાછો કાઢ્યો હતો. ખારચીયા ગામને લુંટવામાં નિષ્ફળ રહેલા ભૂપત અને તેના સાથીઓએ પછી જેતપુર ગામને પોલીસ અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જ પાંચ કલાક સુધી લુંટ્યું હતું. પરંતુ એ સમયે તેને પડકારનાર નારણભાઈ પટેલ કે એમના જેવું કોઈ બહાદુર સ્થળ પર હાજર નહોતું. ખારચીયામાં બતાવેલી વીરતા બદલ સરકારે નારણભાઈ પટેલનું બહાદુરીનો મેડલ અને પ્રશસ્તિપત્ર આપીને બહુમાન કર્યું હતું. નારણભાઈ પટેલ તેમની પાસે ઇટાલિયન બનાવટની ગન રાખતા હતા. આ ગનનો ઉપયોગ કરીને જ એમણે સશસ્ત્ર હુમલો કરવા આવેલા ભૂપતને પડકારવાનું સાહસ કર્યું હતું. સમય જતાં તેઓ વિદેશી બનાવટની કૉલ્ટ રિવોલ્વર રાખતા હતા. આઝાદી પછી સ્વતંત્ર સરકારની ભીંસ વધી એટલે ભૂપત બહારવટિયો ભારતથી ભાગી જઈ પડોશી દેશ પાકિસ્તાનમાં વસી ગયો હતો. જુનાગઢ – સૌરાષ્ટ્રથી સગાં-સંબંધી પાકિસ્તાન તેને મળવા જતા તો મિત્ર નારણભાઈના ખબર-અંતર ખાસ પુછતો અને કહેતો પણ ખરો કે, ખોટું કામ કરવાને કારણે ગામ છોડવું પડે એ તો સમજ્યા, ઓલા નારણભાઈએ તો મને દેશ છોડાવી દીધો. બહારવટીયા બન્યા પહેલાનો ભૂપત રજપુત / Bhupat Rajput અને નારણભાઈ બન્ને ઉંમરમાં સરખા હતા એટલે જ મિત્રો હતા. ભૂપત બહારવટિયો હયાત હતો ત્યાં સુધી તેને ભારત પાછા લાવવાના કેન્દ્ર સરકારે પુરતા પ્રયત્નો કર્યા હતા પરંતુ પાકિસ્તાન સરકારે જ કોઈ મચક નહોતી આપી. ભૂપત બહારવટિયો પાકિસ્તાનમાં / Pakistan જ મૃત્યુ પામ્યો.

પુત્રવધૂ સંધ્યાબહેન રોહિતભાઈ સાથે નારણભાઈ પટેલ

બહાદુરીની વાત કરતા નારણદાદાના જીવનમાં કારુણી પણ એટલી જ છે. એ કારુણીએ એક અર્થમાં તેમને પણ વતન જેતપુરથી દુર કર્યા છે એમ કહીએ તો ચાલે. જીવનસાથી જયાલક્ષ્મીબહેન અને ચાર પુત્રોના પરિવાર સાથે જેતપુરમાં જ રહેતા હતા. પરંતુ એક પછી એક તેમણે પરિવારના ત્રણ સ્વજનોને કાર અકસ્માતના એકસરખા કારણથી ગુમાવ્યા – પત્ની, પુત્ર રોહિત અને પૌત્ર જયવીર. એ પછી તેઓ પુત્રવધૂ સંધ્યાબહેન રોહિતભાઈ અને પૌત્રવધૂ ગાયત્રીબહેન જયવીર પટેલના પરિવાર સાથે અમદાવાદમાં રહે છે. પૌત્રી જયમાલા કોલકાતામાં / Kolkata, West Bengal કમર્શિયલ પાઇલટ / Commercial Pilot છે. તેમના એક પુત્ર જનકભાઈ પટેલ જેતપુરમાં વકીલાત / Advocate કરે છે અને ગુજરાત સરકારના પબ્લિક પ્રોસીક્યૂટર લેખે પણ ફરજ બજાવે છે.

પ્રપૌત્રીઓ ધર્પિતા અને ગરિમા સાથે નારણદાદા
શતાયુ વયના નારણભાઈ પટેલનો જુસ્સો બુલંદ છે – ઇરાદા મજબુત છે. ગાયત્રીબહેન – જયવીરના સંતાનો એવી બે પ્રપૌત્રી ધર્પિતા અને ગરિમા તેમના જુસ્સાના કેન્દ્રમાં છે. બન્ને બહેનો પોલીસમાં અથવા ભારતીય લશ્કરમાં જઈ દેશસેવા કરવાની ઇચ્છા રાખે છે. એટલું જ નહીં એ ક્રમમાં જરૂરી એવી એકથી વધુ તાલીમ તેમની ટીનએજમાં જ મેળવી રહી છે. નારણદાદા એમને ભણવામાં દિવસ-રાત કંપની આપે છે. રાતે કેવી રીતે એવો પ્રશ્ન થાય તો એનો જવાબ છે તેઓ રાત્રે કદી પલંગ – પથારીમાં સુતા જ નથી. રાતભર ખુરશીમાં બેઠા-બેઠા જ આરામ કરી લે છે. અને દિવસે, દિવસે કઈ રીતે સમય પસાર કરે છે? દિવસે તેઓ ઝવેરચંદ મેઘાણી / Jhaverchand Meghani અને દુલા ભાયા કાગ / Dula Bhaya Kag રચિત ગીતો, દુહા, છંદ લલકારી જાણે છે. એ ગીતોના ચુસ્ત પાઠ સહિત. એક પણ શબ્દ આઘો-પાછો કર્યા વિના. એકદમ બુલંદ સ્વરે. એવા સ્વરે કે રેકોર્ડીંગ કરીએ તો રીટેક ના લેવા પડે એવી રીતે.


ગાંધીજીના સમયમાં ઉછરેલા યુવાનો તો આવા જ હોય ને.


(
ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો તેમજ સપ્ટેમ્બર 2021માં નારણભાઈ પટેલની મુલાકાતના આધારે. – બિનીત મોદી)

No comments:

Post a Comment