પ્રતિભાવો ઉર્ફે Comments

Tuesday, June 02, 2015

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (મે – 2015)

(મે – 2015)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 55મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011, 2012, 2013 અને 2014ના વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે મે – 2015. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

અમદાવાદની સાયન્સ સીટી
(Friday, 1 May 2015 at 12:00Noon)
અવકાશમાં સ્પેસસ્યૂટ પહેરીને જઈ શકાય છે...પરંતુ...અમદાવાદ સ્થિત સાયન્સ સીટીનું પ્લૅનિટેરિઅમ જોવા તેની બહાર ચંપલ બૂટ ઉતારવા પડે છે...શું છે કાર્પિટ ગંદી ન થવી જોઇએ...
(ગુજરાત રાજ્યના છપ્પનમા સ્થાપના દિવસે ગુજરાત સરકાર દ્વારા નિર્મિત ‘સાયન્સ સીટીનું બ્રહ્માંડદર્શન)
* * * * * * *

(Monday, 4 May 2015 at 01:10pm)
મૅનિકિનના ઉત્પાદકો જાડિયા પાડિયા મૅનિકિન નહીં બનાવીને ગંભીર પ્રકારનો સામાજિક નૈતિક અપરાધ કરી રહ્યા છે.
* * * * * * *

(Tuesday, 5 May 2015 at 01:45pm)
છાંયડામાં સારી રીતે કામ કરી શકે તે માટે એર-કન્ડિશનરની બાજુમાં ઝાડ ઉગાડવું પડે એવી ગરમી પડી રહી છે.
* * * * * * *

સલમાન ખાન અને શેરા
(Wednesday, 6 May 2015 at 02:30pm)
હીટ એન્ડ રનકાંડ મામલે જેલની સજા પામેલા સલમાન ખાનની સાથે-સાથે અજય દેવગનને પણ પાંચ વર્ષ માટે જેલમાં ધકેલી દેવો જોઇએ...
...જેથી તેને ખબર પડે કે વિમલગુટખાના પચીસ વર્ષ પૂરા થયાની જાહેરખબર કેમ ન કરવી જોઇએ.
* * * * * * *

(Thursday, 7 May 2015 at 11:55am)
સલમાન ખાનને જેલની સજા થવાથી સૌથી વધુ રાહત તેના બૉડિ ગાર્ડ શેરાને થઈ છે...
...પાંચ વર્ષ તેની આગળ પાછળ ફરવામાંથી મુક્તિ મળશે.
* * * * * * *

(Friday, 8 May 2015 at 12:50pm)
પુસ્તકમેળામાં અઠવાડિયાથી એર-કન્ડિશન્ડ વાતાવરણમાં રહેલા પુસ્તકો આજથી ગોડાઉનની ગરમીમાં શેકાશે. ઠંડી-ગરમીના ફેરફારને કારણે બાઇન્ડિંગનો ગુંદર પીગળવાની સંભાવનાઓ.
શું સરકાર કે સ્થાનિક સત્તાધીશો પગલાં લેશે?
* * * * * * *

(Saturday, 9 May 2015 at 04:44pm)
અમદાવાદના ડ્રાઇવ-ઇન થિયેટરના દિવસભર તપેલા બાંકડા પર બેસીને સાંજે સાડા સાત (07:30pm)ના શૉમાં પીકુફિલ્મ જોવાથી પણ કબજિયાતની સમસ્યાનો ઉકેલ આણી શકાય છે.
* * * * * * *

(Monday, 11 May 2015 at 01:00am)
ઉનાળામાં માટલા પણ રેફ્રિજરેટર અને એર-કન્ડિશનરની જેમ જ મોંઘા થઈ જાય છે.
* * * * * * *

સ્પષ્ટતા : આ દાઉદ ઇબ્રાહીમનો ફોટો છે
(Monday, 11 May 2015 at 07:00pm)
માધવ ક્યાંય નથી મધુવનમાં...(હરીન્દ્ર દવે)
દાઉદ ક્યાંય નથી દુનિયામાં...(નરેન્દ્ર મોદી)
* * * * * * *

(Tuesday, 12 May 2015 at 04:44pm)
ટકાઉ માલવેચવાનો દાવો બ્લૅક બૉર્ડ પર ચોકથી લખીને કરતા વેપારીઓ જાણતા નથી કે આ અક્ષરો પોતે જ ટકાઉનથી.
* * * * * * *

(Wednesday, 13 May 2015 at 02:31pm)
આજે ઢાલગરવાડમાં ખૂબ ભીડ હતી...
...કેમ કે બ્રાન્ડેડ તેમજ ઓનલાઇન માલ-સામાન વેચનારા ત્યાં ખરીદી કરવા આવ્યા હતા.
(ઢાલગરવાડ = ત્રણ દરવાજા, માણેકચોક અને આસ્ટોડિયાની ત્રિકોણમિતિથી બનતું ભદ્ર લાલ દરવાજાનું રોજિંદા ઉપયોગની ચીજ-વસ્તુઓનું અમદાવાદી બજાર)
* * * * * * *

(Wednesday, 13 May 2015 at 05:55pm)
અમદાવાદમાં વાવાઝોડું અને ભર ઉનાળે વરસાદ...
કેરીના ગોટલાનો કસ કાઢતાં પહેલા જ ગોટા ખાવાનો વખત આવી ગયો.
* * * * * * *

(Friday, 15 May 2015 at 09:55am)
ગામ કે બજાર કરતા ઓછા ભાવે મળતી ગુજરાતી થાળી કે અનલિમિટેડ ભાણા-ભોજન-પંજાબી-લંચ-ડિનર વગેરેની જાહેરાતોથી ભરમાઈ જવું નહીં...કેમ કે એવી રેસ્ટોરન્ટમાં થાળી એકવાર પીરસાઈ જાય પછી પીરસણીયા બીજીવાર ફરકતા નથી.
લિ. હોટલોમાં જમવાના અનુભવી અને જમાનાના ખાધેલ
* * * * * * *

અરૂણા શાનબાગ અને પરપીડાનો શબ્દદેહ
(Monday, 18 May 2015 at 02:15pm)
કેઇએમ હોસ્પિટલમાં ફરજ નિભાવતા જ ઉત્પીડનનો ભોગ બનેલી નર્સ અરૂણા શાનબાગનું એજ હોસ્પિટલના બિછાને થયેલું મૃત્યુ ચિત્રલેખાતંત્રી નવલકથાકાર હરકિસન મહેતાની યાદ અપાવે છે...
...જેમણે ઘટના સમયે સ્થળ પરની એકથી વધુ મુલાકાત લઈ એક નવલકથાનું આલેખન કર્યું...જડ ચેતન...

* * * * * * *

(Tuesday, 19 May 2015 at 09:40am)
આગામી ચોમાસા દરમિયાન જેઓને અમદાવાદમાં પડતા ભૂવા જોવા આવવાની ઇચ્છા હોય તેમણે બસટ્રેનવિમાનયાત્રા સંબંધિત બુકીંગ વેળાસર આજકાલના ગાળામાં મેળવી લેવું.
* * * * * * *

(Wednesday, 20 May 2015 at 02:10pm)
રિવોલ્વિંગ ચેર પાછળ ટૉવેલ્ શું કામ લટકાવવામાં આવે છે તેનું રહસ્ય આજ સુધી કોઈ પામી શક્યું નથી.
* * * * * * *

(Thursday, 21 May 2015 at 12:20pm)
દિલ્હી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને લેફ્ટનન્ટ ગવર્નર(LG) નજીબ જંગ વચ્ચે સત્તાની ખેંચતાણના જંગમાં નાહકનો LGના ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોનો પ્રચાર થઈ રહ્યો છે.
શું સંયુક્ત રાષ્ટ્રસંઘભારત સરકાર કે અમદાવાદની એલ.જી. હોસ્પિટલના સ્થાનિક સત્તાધીશો પગલાં લેશે?
* * * * * * *

(Saturday, 23 May 2015 at 02:50pm)
ગુજરાતી ગીત - ગઝલ - શાયરીનું જેઓએ લાલનપાલન કર્યું તેવા...
...મર્હૂમ શૂન્ય અને સૈફ પાલનપુરી સાહેબના વતન પાલનપુરમાં...મુસાફિર પાલનપુરીની સંગાથે...
* * * * * * *

(Monday, 25 May 2015 at 01:35pm)
કેટલાક યુવાનો હંમેશા મસ્તક ઊંચું રાખીને સામેની વ્યક્તિ સાથે વાત કરે છે...
...જેથી મોંમાં ખોસેલો માવો નીચે ન પડી જાય.
* * * * * * *

(Tuesday, 26 May 2015 at 01:25pm)
સોળમી લોકસભા અંતર્ગત રચાયેલી કેન્દ્ર સરકારને એક વર્ષ પૂરું થવા નિમિત્તે વડાપ્રધાનની સહી સાથે દૈનિકોના પહેલા પાને છપાયેલો પત્ર તેમાંની ભૂલો શોધી કાઢીને નરેન્દ્ર મોદી પોતે વાંચી બતાવે તો...
...હું માનું કે કમ-સે-કમ ગુજરાતી ભાષા કે અચ્છે દિન આ ગયે.
* * * * * * *

(Tuesday, 26 May 2015 at 05:55pm)
દિલ્હીના એક ટુર ઑપરેટરે સાઉથ બ્લોક સ્થિત વડાપ્રધાન કાર્યાલયમાં ફોન કર્યો...
છેલ્લી ઘડીએ એક બુકીંગ કૅન્સલ થયું છે. થાઇલેન્ડ આવવું છે સાહેબ?”
* * * * * * *

ભેળ ખાવાના ભેદ-ભરમ
(Wednesday, 27 May 2015 at 11:55am)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
ઉનાળામાં ભેળ ખાવાનું ખૂબ જ અગવડભર્યું બની જાય છે...
ધોમધખતા તડકામાં લારી પર ઊભા રહીને ખાઈ શકાતી નથી.
પંખો કે એર-કુલર ચાલુ કરીને ખાઇએ તો મમરા ઊડી જાય છે.
એર-કન્ડિશનર ચાલુ કરીને ખાઇએ તો સસ્તી ગણાતી ભેળ સરવાળે મોંઘી પડે છે.
* * * * * * *

(Thursday, 28 May 2015 at 01:40pm)
કોઈ પણ બ્રાન્ડનો આઇસક્રીમ ખાવ...દૂધ તો એમાં અમૂલનું જ વપરાતું હોય છે...
...તો પછી અમૂલનો આઇસક્રીમ ખાવો શું ખોટો...?
(સ્પષ્ટતા ઉર્ફે ચોખવટ ઉર્ફે ખુલાસો : હું અમૂલનો નહીં, આઇસક્રીમનો બ્રાન્ડ એમ્બેસેડર છું.)
* * * * * * *

ધર્મેન્દ્ર અને હેમા માલિની
(Friday, 29 May 2015 at 06:20am)
હેમા માલિનીનો ટૂંક પરિચય
અભિનેત્રી-નૃત્યાંગનામાંથી રાજકારણમાં અને રાજ્યસભામાં પ્રવેશેલા તેઓ સોળમી લોકસભાના ઉત્તર પ્રદેશના મથુરા બેઠક પરથી ચૂંટાયેલા સંસદસભ્ય છે અને તેમના મથુરનું નામ ધર્મેન્દ્ર દેઓલ છે.
* * * * * * *

(Saturday, 30 May 2015 at 12:30pm)
ક્યાં સુધી આપણે બ્રાન્ડ એમ્બેસેડરશબ્દ વાપરતા રહીશું?
મારૂતિ વેગન આર, મર્સીડિઝ, બીએમડબલ્યૂ કે બિચારી ટાટા નેનોનો કોઈ વાંક ગુનો છે ખરો?

ગયા મહિને અહીં મુકેલી એપ્રિલ – 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી મે – 2011, મે – 2012, મે – 2013 તેમજ મે 2014ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://www.binitmodi.blogspot.in/2013/06/2011.html


(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

No comments:

Post a Comment