પ્રતિભાવો ઉર્ફે Comments

Saturday, March 07, 2015

અમદાવાદની આજકાલ : પાળેલા કૂતરા અને પોદળાએ આપેલી પીડા

મંજુલાબહેન શાહ / Manjulaben Shah

ફોટામાં દેખાતા મંજુલાબહેન શાહ / Manjulaben Shah મારા પડોશી છે અને એ કારણે જ તેમની વાત...ખરેખર તો પીડા અહીં બ્લોગપોસ્ટ તરીકે સ્થાન પામી છે. નહીં તો આવી વાતો ઝટ ધ્યાને નથી ચઢતી. વાંચનાર માટે મંજુલાબહેન પણ હું ક્યાંક તેમનો ઉલ્લેખ ‘મંજુલામાસી’ના નામે કરીશ એટલી રજા લઇને આગળ વધુ.

તો વાત જાણે એમ છે કે...રોજ સવારે મહાદેવના દર્શને જવાનો નિત્યક્રમ રાખતા મંજુલાબહેન વેલેન્ટાઇન ડે – 14 ફેબ્રુઆરીની સવારે ઘરેથી એકલા જ નીકળ્યા. મહાદેવજીનું મંદિર ઘરથી એટલું નજીક છે કે મન રિક્ષા ભાડે કરવાની ‘ના’ પાડે અને રિક્ષાવાળો ક્યારેક જ ‘હા’ કહે. અમદાવાદ / Ahmedabad અને તેના જેવા મહાનગરોમાં આ સમયે પાળેલા કૂતરાઓને પણ ‘નિત્યક્રમ’ના જ કારણોસર તેમના પાલકો ઘર બહાર ફરવા લઇને નીકળે છે. જે પાલકો પાસે આ માટેનો સમય નથી તેઓ ‘ડોગ હેન્ડલર’ની / Dog Handler વ્યવસાયી સેવાઓ લે છે. એ દિવસે ફરવા નીકળેલા એવા જ એક હેન્ડલર (કૂતરાને વ્યવસાયી ધોરણે ફરવા લઇ જનાર ભાડૂતી વ્યક્તિ)ના હાથમાંથી હળવા થયેલા કૂતરાએ મંજુબહેનને વહાલ કરવાની કોશિશ કરી. કોશિશ પણ એવી કે કૂતરાએ આગલા બે પગ ઊંચા કરી તેને એમના ખભા પર ટેકવવાનો પ્રયાસ કર્યો. કૂતરાના આ વહાલભર્યા હુમલા કે હુમલાભર્યા વહાલને ખાળવા મંજુલામાસી બે પગલાં પાછા હટ્યા. કૂતરાથી સલામત અંતર રાખવા માટેના તેમના આ પગલાંએ તેમને વધારે મુશ્કેલીમાં મુક્યા. પાછળની બાજુ ગાય / ભેંસનો પોદળો / Cow Dung પડેલો હતો. તેની પર પગ પડતાં વેંત બૅલન્સ્ ગુમાવેલા તેઓ લપસ્યા. થોડીવારે કળ વળ્યા પછી ખ્યાલ આવ્યો કે જાતે ઊભા થઈ શકાય એવી તાકાત શરીર કરતું નથી.
પોદળાએ આપેલી પીડા (*)


ઘટનાસ્થળેથી પસાર થતી એક કૉલેજકન્યાએ મદદ માટે હાથ લંબાવ્યો. તેમને ઊભા કરી શકાય એટલી તાકાત તેની પાસે પણ નથી એવો ખ્યાલ આવ્યો એટલે તેણે રિક્ષાવાળાને ઊભો રાખ્યો અને મંજુલાબહેનને ઘર સુધી પહોંચતા કરવાનો જોગ કર્યો. બાકી પેલો કૂતરાનો હેન્ડલર (કે માલિક) તો ત્યાંથી પોબારા જ ગણી ગયો હતો. સારવાર માટે વાયા ઘર-પરિવાર હૉસ્પિટલ પહોંચ્યા તો નિદાન થયું કે થાપા-પગના સાંધાનો બોલ તૂટી ગયો છે. ઑપરેશન કરીને બદલવો પડે. ખર્ચ થાય પચાસ હજાર ઉપરાંત અને પીડા પારાવારની.

હેન્ડલરના આવવાની રાહ જોતા મહાનુભાવો
પાળેલા કૂતરાના કૂદકાએ આપેલી પીડા મંજુલાબહેન મહિનો – બે મહિનો ભોગવશે. પલાંઠી વાળીને જમીન પર નહીં બેસવાની અને કેટલાક પ્રકારના કામ-પરિસ્થિતિને ટાળવાની બંધી ગણો તો બંધી અને સજા સમજો તો એ પણ કાયમી. કૂતરાને પાળવાના અને પાળ્યા પછી સભ્ય સમાજમાં એ જ્યાં રહે છે ત્યાં ચોખ્ખાઈ – સ્વચ્છતા રાખવાના કેટલાક નિયમો છે અને તેનું પાલન કરવું અત્યંત જરૂરી જ નહીં સરકારી રાહે ફરજિયાત પણ છે. જેમ કે પાળેલા કૂતરાને ગળે પટ્ટો બાંધ્યા વગર જાહેરમાં લાવી શકાતો નથી. એમ કર્યા પછી પણ તેના સંભાળનારે તેને કાબુમાં રાખવાનો હોય છે. ચેપી રોગથી રક્ષણ આપતું વેક્સિનેશન તેના માટે જ નહીં પાળનાર માટે પણ જરૂરી હોય છે. દૈહિક ઉત્સર્ગની તેની રોજિંદી ક્રિયાઓ ઘરના જાજરૂ – બાથરૂમમાં જ પૂરી કરાવવાની હોય છે પરંતુ કૂતરા પાળનારા તે માટે પોતાની મોર્નિંગ વૉકની ટેવનો બખૂબી ઉપયોગ કરી જાણે છે. રસ્તાના ખૂણે-ખાંચરે પણ છડેચોક ટટ્ટી કરતો કૂતરો ગંદકી ફેલાવે છે તેની તેમને ચિંતા નથી. કેમ કે એવી ફિકર રાખવાનું કામ દેશના પંદરમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને / Narendra Modi હસ્તક છે જેમણે ‘સ્વચ્છતા અભિયાન’ નામનું ડિંડક (સોરી અભિયાન જ) સત્તાવાર ધોરણે ચલાવ્યું છે.

પાલતુ કૂતરાને / Dog પટ્ટો કે સાંકળ બાંધ્યા વગર જાહેરમાં ફરવા લઈ જતા લોકો પછી આગળ બીજા બે વર્ગ આવે છે. એક મોટર-સાઇકલ કે સ્કૂટરેટ (એક્ટિવા પ્રકારના) પર બેસાડીને ફરવા લઈ જતો મધ્યમ વર્ગ અને બીજો તે કારની આગળ-પાછળની સીટમાં બેસાડીને કાચ ખુલ્લો રાખતો માલેતુજાર વર્ગ. બન્ને વર્ગ દ્વારા અપનાવાતા પ્રકાર જોખમી છે. સ્કૂટર / Scooter કે મોટર-સાઇકલ / Motor-Cycle પર કૂતરો પોતે જ એટલું અસુખ-અગવડ અનુભવે કે તે ગમે તે દિશામાં મોં – પૂંઠ ફેરવીને ચલાવનારને મુશ્કેલીમાં મુકી શકે. કારમાં / Car બેઠેલો કૂતરો એટલી સલામતી અનુભવે કે તે ગમે ત્યારે કાચની બહાર મોં કાઢીને બાજુમાંથી પસાર થતી વ્યક્તિ માટે અગવડ ઊભી કરી શકે. પાલકો આ સામે આંખ આડા કાન કરે છે કેમ કે તેમને મન આ સમસ્યા જ નથી.

માર પડવાની બીકે ફૂટપાથ પર ચઢેલી ગાય
કૂતરાની સાથે પોદળાના પાડનારની પણ ચર્ચા કરી લઇએ. શહેરમાં ગાય – ભેંસની વિષ્ટા / Animal Dung રસ્તા પર પડીને ગંદકી ફેલાવે કે આ પ્રાણીઓ ટ્રાફિકને અડચણરૂપ બને તે પછીના તબક્કાનો ત્રાસ ફેલાવવાની જવાબદારી તેના પાલકો પોતે જ નિભાવે છે. સાંજ પડ્યે આ પશુપાલકો મોટર-સાઇકલ સવાર થઈને તેમના પાળેલા પશુઓની શોધમાં નીકળી પડે છે. ભલું હોય તો સાથે એમનો એક સાથીદાર પણ લાકડી લઇને બેઠો હોય. શહેર વચ્ચે ઘાસચારો તો ક્યાંથી મળવાનો હતો? પરંતુ એંઠવાડ ખાઇને ધરાયેલું પશુ જ્યાં જોવા મળે ત્યાં એમની શોધ પૂરી થાય. બુચકારા બોલાવીને અને જરૂર પડ્યે લાકડી ફટકારીને ગાય – ભેંસને રસ્તા વચ્ચે દોડાવતા તેઓ તેને ઘર-ગમાણ ભણી દોરી જાય છે. એ દરમિયાન રસ્તે ચાલતા રાહદારીનું કે નાના-મોટા વાહનોનું જે થવાનું હોય તે થાય. એ તો ઠીક કોઈ હેવી વેઇટ વ્હીકલ (બસ, ટ્રક, ટ્રેક્ટર કે રોડ રોલર પ્રકારના) સાથે પશુ પોતે અથડાશે તો તેના શું હાલ-હવાલ થશે તેની પણ ચિંતા તેના પાલકોને થતી નથી. થતી હોય તો આવું કરે ખરા? પશુપાલકોના આ કરતૂતનો ફોટો લેવો પણ શક્ય નથી. એક ફ્રેમમાં તેમનો પકડદાવ આવે જ નહીં.

મૂંગા પશુઓને કસાઈવાડે કે કતલખાનામાં લઈ જતી ઘટનાઓના સમાચાર માત્ર વાંચીને જ ઘણાને અરેરાટી ઉપજતી હોય છે. મને ય ઉપજે છે. પરંતુ એ જ પશુઓને જ્યારે રસ્તા વચ્ચે તેના પાલકોનો ‘મોટર-સાઇકલ માર’ ખાતા જોઉં છું ત્યારે મને કતલખાને જતી ગાય – ભેંસ વધુ નસીબદાર લાગે છે. કમસે કમ લાકડીનો માર ખાઇને રસ્તા વચ્ચે હડિયાપાટી કરવામાંથી તો છૂટકારો મળી ગયો એને...કાયમ માટે.

હા...મંજુલાબહેન અને તેમના જેવા અનેકોની પીડા ચાલુ જ રહેવાની છે.


(* નિશાની સિવાયની તમામ તસવીરો : બિનીત મોદી)

6 comments:

  1. આવુતો આપણે ત્યાંજ થાય.. અને તેની સામે ફરીયાદ થતી હશે? ગાયતો આપણી માતા છે..... અને કુતરા? એનેય હક્કછે આપણા રસ્તા પર ચાલવાનો.. બિચ્ચારા.. ક્યાં જાય? જીવદયા વાળા જોયા છે? ફક્ત પ્રાણીઓ પ્રત્યેજ જીવદયા....


    જેઓના પાલતુ પ્રાણી છે તેઓને મન તો બીજા માણસ કરતા પોતાના જાનવર વધારે કિંમતી છે.


    કુતરા જેવા પશુઓ પાળવાનો શોખ કેળવવો છે પણ તેની માવજત-સંભાળના નિયમોને નેવે મુકવા છે. ખરેખરતો કુતરા જેવા પાલતુ પ્રાણીઓ માટે અલાયદો પાર્ક હોવો જોઇએ, જ્યાં તેઓ મુક્ત રીતે ફરી શકે અને તેમની પોટ્ટી નો યોગ્ય નિકાલ કરવાની વ્યવ્સ્થા હોય. અને આવુજ ગાય ભેંશ જેવા પ્રાણીઓ માટે.. પણ સામે સવાલ એ થશે કે સરકારે ક્યાં ગૌચર જમીન રહેવાજ દીધી છે?


    અને આવા પાલતુ પ્રાણીઓથી ફેલાતી ગંદકી? અરે આપણો દેશતો બહુ જુની અને મહાન સંસ્કૃતી ધરાવતો દેશ છે.. ગંદકી તો પહેલાય હતી.... બહુ ચોખલીયા હોય તો જાવને પરદેશમાં!!!

    ReplyDelete
  2. Uttam Gajjar (Surat, Gujarat)16 March 2015 at 00:10

    આખ્ખું વાંચી ગયો. મંજુલામાસી જેવા અનેકો માટે જીવ બળે છે. તમને લાગે છે કે આગામી પચાસ–સો વરસમાંયે આ દેશ અને દેશની પ્રજામાં ફેર પડશે? અલ્લા જાણે ! મને તો ૮૦ થયાં. હું ક્યાં એટલું જીવવાનો છું...!
    ઉત્તમ ગજ્જર (સુરત, ગુજરાત)

    ReplyDelete
  3. સારો મુદ્દો ઉઠાવ્યો છે.

    ReplyDelete
  4. NHB Bhatt (Anand, Gujarat)28 March 2015 at 00:25

    આવી જ પરિસ્થિતિ અમારા આણંદમાં પણ છે. ખાસ કરીને ચોમાસાની શરૂઆતના મહિનામાં. ચાલવું કે બચવું ના સમજાય.
    એનએચબી ભટ્ટ (આણંદ, ગુજરાત)
    (Response through FACEBOOK : 27 March 2015)

    ReplyDelete
  5. થલતેજમાં સવાર સાંજ ઢોરોનો આવોજ ત્રાસ છે. ઢોરોને ચરાણે લઇ જતા બાઈકવાળા- તેના રક્ષકોના હાકોટા, આડેધડ વીંઝાતી તેમની લાકડીઓ, સિંઘડા ઘુમાવી આગળ વધતા ઢોરો, રેલાતા પોદરા અને વછુટતા મુતર સમગ્ર માર્ગને નર્કાગાર બનાવી દે છે. ચાલતા કે વાહન દ્વારા આ સમયે પસાર થવું દુષ્કર અને અસલામતીભર્યું બની રહે છે. મ્યુ. કોર્પોરેશનની કચેરી પાસે જ છે. પરંતુ સમગ્ર તંત્ર નઘરોળ છે. સફાઈ અભિયાનથી કશુજ ન વળે. ભારે મોટી રકમનો દંડ કરાય તો જ પ્રશ્ન ઉકલે. બિનીત મોદીની જેમ સૌએ પ્રજાકીય મુશ્કેલીઓ અંગે અવાજ ઉઠાવવાની તાતી જરૂર છે.

    ReplyDelete
  6. સરસ આલેખન કર્યું, ગમ્યું. ભાઈ આ ઘટના વિષે વિશેષ દલીલ કરવાની કોઈ વિશેષ લાયકાત નથી, એટલું જ કહી શકું કે બદલાતી જતી સમાજ વ્યવસ્થામાં આવી ઘણી બધી ગુચવનો છે અને તે યથોચિત ઉકેલાતી હોય છે. જે પીડાઓ સાથે ખુશીઓ પણ આપતી રહે છે. આપના આગ્રહ ને સ્વીકારી યથા સમજ વ્યક્ત થયો છું, સ્વીકારશો.

    ReplyDelete