પ્રતિભાવો ઉર્ફે Comments

Friday, April 18, 2014

દાક્તરોએ ડૉક્ટર આંબેડકરને યાદ કર્યા, પહેલી જ વાર!


અમદાવાદ એક એવું શહેર છે જ્યાં વર્ષના 365 દિવસ કાર્યક્રમો ચાલતા રહે છે. લિપ યર હોય તો 366 દિવસ પરોગરામ ચાલતા રહે છે. આ ‘પરોગરામ’ શબ્દ મુંબઈનિવાસી નાટ્યકાર મનોજ શાહએ / Manoj Shah / http://www.ideasunlimited.org/ આપેલો છે અને એટલી કબૂલાત કરીને મારી વાત આગળ વધારું છું. એક-બે આંગળીઓના વેઢે ગણાય એવા અડધો ડઝન દિવસો વર્ષમાં એવા આવે કે એ દિવસે તો કાર્યક્રમોનો રાફડો જ ફાટે. એકસરખા વિષયવસ્તુ ધરાવતા દરેક બીબાંઢાળ કાર્યક્રમોમાં સમયસર પહોંચવું હોય, ફરી વળવું હોય તો ચૂંટણી ટાણે નેતાઓ ઉડાઉડ કરે છે તેવું હેલિકૉપ્ટર્ ભાડે લેવું પડે. આમ કર્યા પછી પણ ચોવીસ કલાક ઓછા પડે.

14 એપ્રિલ આવો જ એક દિવસ છે – ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મદિવસ. બાકીના દિવસો તેમણે ઘડેલા બંધારણને / Constitution of India ઘડીભર યાદ નહીં રાખનારા, તેને કોરાણે મુકનારા, વિધાનસભા – સંસદમાં તેના લીરા ઉડાડનારા નેતાઓ આ દિવસે ઉમટી પડે. કહ્યું ને ચોવીસ કલાક પણ ઓછા પડે. ડૉ. બી.આર. આંબેડકરની / Bhimrao Ramji Ambedkar Dr. સ્મૃતિમાં કાર્યક્રમ આયોજિત કરનાર સંસ્થા અમદાવાદ મેડિકલ ઍસોસિએશનની બાબતમાં પણ એમ જ બન્યું. રાત્રે સાડા નવ પછી કાર્યક્રમ શરૂ થયો અને મુખ્ય વક્તાનો નંબર આવ્યો ત્યારે ડાયસ પર બેઠેલા મહાનુભાવોના બગાસા ખાતા ખુલ્લા મોંમાં દસ-સવા દસનો સમય જોઈ શકાતો હતો.

(ડાબેથી) કાર્યક્રમના બે આયોજકોની સાથે આર.એમ. પટેલ,
રમેશચંદ્ર પરમાર અને ડૉ. એમ.એમ. પ્રભાકર
કાર્યક્રમનો નિર્ધારિત સમય તો સાડા આઠનો હતો પણ શરૂઆતનો પ્રથમ કલાક ભોજન વ્યવસ્થાને ન્યાય આપવામાં પસાર થયો. અમદાવાદના આશ્રમરોડ પર આવેલા હેન્ડલૂમ હાઉસની પાછળ આવેલા અમદાવાદ મેડિકલ ઍસોસિએશન / Ahmedabad Medical Association – AMA / http://ahmedabadmedicalassociation.com/ ભવનના બીજા માળે આવેલા નાનકડા સભાખંડમાં ગોઠવેલી ખુરશીઓ જેટલા શ્રોતાઓ આવી ગયા એટલે કાર્યક્રમ શરૂ થયો. નાનકડા સભાખંડના નાનકડા ડાયસ પર ખુરશીઓની પણ ભીડ હતી. એક ભાઈને અમથો જ વિવેક કર્યો કે, મારી બાજુની ખાલી ખુરશીમાં બેસો. જવાબ મળ્યો, ‘ના, મારે તો સ્ટેજ પર બેસવાનું છે.’ એક જ ફૂટની નીચાઈ (ઊંચાઈ નહીં) ધરાવતા ‘સ્ટેજ’ પર બેસવા માટે ‘મહાનુભાવોનો મેળો’ જામ્યો. જોઈને થયું કે મારી બાજુમાં બેસવાનું પસંદ નહીં કરનારા ભાઈની હવે તો સ્ટેજ પરથી પણ જગ્યા ગઈ. પણ એ ભાઈ ખાસ્સા સ્વાવલંબી નીકળ્યા. પ્લાસ્ટિકની ખુરશી જાતે જ ઊંચકીને સ્ટેજ પર ગોઠવી દીધી અને પોતે પણ ગોઠવાઈ ગયા.

રમેશચંદ્ર પરમાર
શ્રોતાઓને આવકાર, કાર્યક્રમનો હેતુ, મહેમાનોનો પરિચય અને સ્વાગત, બાબાસાહેબની તસવીરને પુષ્પહાર, દીપ પ્રાગટ્ય અને મેમેન્ટો-સ્મૃતિચિહ્ન અર્પણ જેવી વિધિઓ આટોપાઈ એ પછી વક્તાઓનો વારો આવ્યો. પ્રથમ વક્તા હતા દલિત અગ્રણી અને ઉત્તમ વક્તાની જાહેર ઓળખ ધરાવતા રમેશચંદ્ર પરમાર / Rameshchandra Parmar. આયોજકોએ તેમને આપેલો વિષય હતો – આંબેડકર : એક રાષ્ટ્રીય નેતા / Ambedkar : A National Leader. વક્તવ્યના પ્રારંભે જ તેઓએ જણાવ્યું કે આજના દિવસની તેમની આ પાંચમી સભા છે અને ભણેલા-ગણેલા લોકો વચ્ચેની તો પહેલી જ. પોતે બહુધા ઝૂંપડપટ્ટીઓ, ચાલીઓમાં કે ફૂટપાથ પર જ અને સામાન્ય લોકને સમજાય તેવી ભાષામાં વક્તવ્ય આપવા માટે જાણીતા છે તેવી સ્પષ્ટતા પણ તેમણે કરી. નજીકના ભૂતકાળમાં થયેલા કેટલાક અભ્યાસો અને ડૉ. આંબેડકર પરદેશમાં જ્યાં ભણ્યા હતા તે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીએ તેના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંબંધે રજૂ કરેલા તારણોનો આધાર લઈને તેમણે ભીમરાવ રામજી એક સ્કોલર હતા તે તો સાબિત કરી દીધું. જો કે તેમને આપવામાં આવેલા વિષય અનુસાર ડૉ. આંબેડકરને નેતા / Leader રૂપે ઉપસાવવામાં ગાંધીજી તેમજ સમકાલીનોની ફૂટપટ્ટી વાપરવાને કારણે ઊણા ઊતર્યા.

ડાયસ પર...સોરી...સ્ટેજ પર બેઠા હતા એ તમામે બોલવાનું હતું કે નહીં તેની ખબર નહીં પણ તમામે એવું માની લીધેલું કે પોતે વક્તા તો છે જ. એમ થોડાક વક્તાઓ પછી વારો આવ્યો. ડૉ. એમ.એમ. પ્રભાકરનો. અમદાવાદની જગવિખ્યાત સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ. બોલવાનું શરૂ કર્યું એ પહેલા તેમના વિષયની જાણ ન થઈ અને વક્તવ્ય પૂરું થયું ત્યાં સુધી એ શું બોલ્યા તે ખબર ન પડી. પોતે કોઈ વક્તા નથી, આંબેડકર કે તેમના પ્રદાન વિશે ઝાઝું જાણતા નથી એવો દર બીજી મિનિટે એકરાર કરતા-કરતા તેઓ ખાસ્સું એવું દસ મિનિટ જેટલું બોલી ગયા. શિક્ષણ તેમજ સરકારી નોકરીઓમાં અનામતની તેમજ દર દસ વર્ષે તેની સમીક્ષા કરી રિન્યૂ કરવાની જોગવાઈથી રાજી-રાજી એવા ડૉ. પ્રભાકરને તબીબી વિદ્યાશાખાની બેઠક સંખ્યા ઓછી લાગે છે. ઉચ્ચશિક્ષણ લીધા સિવાયની કોઈ કારકિર્દી જગતમાં હોઈ શકે જ નહીં તેવું ઠસાવવા માગતા ડૉ. પ્રભાકરને સાંભળીને તેમની સલાહ અમલમાં મુકી શકે તેવા કોઈ યુવક-યુવતી સભામાં હાજર નહોતા એ ડૉક્ટરની કમનસીબી.

આર.એમ. પટેલ
આમ થોડા વક્તાઓ પછી છેલ્લે વક્તવ્ય આપવાનો વારો આવ્યો આર.એમ. પટેલનો. ગુજરાત સરકારની સનદી સેવાઓમાંથી વેળાસર નિવૃત્તિ લઈ રાજકારણમાં સમયસર ઝંપલાવનાર આર.એમ. પટેલ / R.M. Patel ભારતીય જનતા પક્ષની ટિકિટ પર પ્રથમવાર ચૂંટાયેલા અમદાવાદની અસારવા વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. તેમણે ડૉ. આંબેડકરના પ્રદાન સંબંધી તથ્યો આધારિત કેટલીક વાતો કરી.

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર સહિતના નોંધપાત્ર હોદ્દાઓ સંભાળી ચૂકેલા આર્થિક વિશેષજ્ઞ ડૉ. નરેન્દ્ર જાધવ / Narendra Jadhav Dr. લિખિત આંબેડકર પરનું એક અંગ્રેજી પુસ્તક સંદર્ભ માટે સાથે લઈને આવેલા આર.એમ. પટેલ સહિતના તમામ વક્તાઓનો એક સૂર એવો હતો કે સાથી વક્તા તરીકે રમેશચંદ્ર પરમાર હોય પછી અમારે તો વળી શું કહેવાનું હોય? એમના જ્ઞાનની આગળ અમારી જાણકારી તો પાણી ભરે...વગેરે. જો કે રમેશચંદ્ર પરમારએ એવો કોઈ અનુભવ કરાવ્યો નહીં.

યુવાન વયે હૃદયરોગના હુમલાથી અવસાન પામેલા અમદાવાદના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. શ્રેણીક શાહની / Shrenik Shah Dr. શોકસભા આ જ સ્થળે મોટા હોલમાં કાર્યક્રમને સમાંતર ચાલી રહી હોવાથી અહીં ડૉક્ટરોની હાજરી ઓછી હતી. કાર્યક્રમ તેના અંત ભણી આગળ વધી રહ્યો હતો. હેતુ જણાવ્યા પછી કે મુખ્ય વક્તાઓના વક્તવ્યો સાંભળ્યા પછી પણ આ કાર્યક્રમના આયોજન પાછળનો કોઈ આશય સ્પષ્ટપણે દેખાતો નહોતો. શોકસભામાં હાજરી આપીને ઉપસ્થિત થયેલા અને હોદ્દાની રૂએ ડાયસ પર હાજર અમદાવાદ મેડિકલ ઍસોસિએશનના પ્રમુખ ડૉ. વિદ્યુત દેસાઈએ સાથી ડૉક્ટરમિત્રોને યાદ અપાવ્યું કે થોડીક આપણી, આપણા ફિલ્ડની પણ વાત કરોને. અહીં ફિલ્ડ એટલે તબીબી વ્યવસાય. સારવારના પ્રકાર કે તે સાથે સંકળાયેલી આર્થિક બાબતોથી નારાજ દર્દી કે મોટેભાગે સાથે રહેનારા તેના સગાં-સંબંધી ડૉક્ટર કે હૉસ્પિટલના કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કે ક્યારેક હિંસક મારામારી પણ કરી બેસે છે. આવી ઘટનાઓ સામે અત્યાર સુધી અસુરક્ષિત એવા ડૉક્ટરોને થોડા સમય પહેલાં કાયદાનું રક્ષણ મળ્યું છે. ગુજરાત વિધાનસભાએ આ સંદર્ભે એક ખરડો પણ 29 માર્ચ 2012ના રોજ પસાર કર્યો છે. ‘ગુજરાત તબીબી સેવા અથવા તબીબી સંસ્થામાં હિંસક ગુના રોકવા તેમજ મિલકતનું નુકસાન રોકવા – 2012 એ નામના બીલને અંગ્રેજીમાં Gujarat Medicare Service Persons and Medicare Service Institutions (Prevention of Violence and Damage or Loss of Property, Guj 13 Act 2012) એવા લાંબાલચક નામથી ઓળખાવાયો છે.

ડૉક્ટર - હૉસ્પિટલને હિંસક હુમલા સામે રક્ષણ આપતો કાયદો
એએમએના પ્રમુખ ડૉ. વિદ્યુત દેસાઈ ઇચ્છતા હતા એવી વાત ડાયસ પરનું કોઈ કરી શકે તેમ નહોતું. કારણ કે એ માટે અભ્યાસ અને સમજ બન્ને જોઈએ. કાયદાનો અભ્યાસ અને તેને ડૉ. આંબેડકર કે તેમણે આપેલી લડત સાથે પોતાની વાતને સાંકળવાની સમજ. સારવારથી નારાજ દર્દીનાં સગાં હિંસક મારામારી પર ઉતરી આવે તેની સામે ન્યાય મેળવવા ડૉક્ટર, હૉસ્પિટલ કે તેના કર્મચારીઓએ ચોક્કસ લડત આપવી જ જોઇએ. એ માટે તો દેશના પ્રથમ કાયદાપ્રધાન ડૉ. બી.આર. આંબેડકરનું / Dr. B.R. Ambedkar નામ જ કામમાં આવે. ઉપરોક્ત કાયદાની છણાવટ કરતું, સમજ આપતું લેમિનેટેડ બૉર્ડ સભામાં ઉપસ્થિત સૌ શ્રોતાઓને આપવામાં આવ્યું ત્યારે જ ખ્યાલ આવ્યો કે ઇન્ડિયન મેડિકલ ઍસોસિએશનની / Indian Medical Association / http://www.ima-india.org/ એક શાખા એવા અમદાવાદ મેડિકલ ઍસોસિએશનએ તેના દાયકાઓ જૂના ઇતિહાસમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરને યાદ કરવાનો પ્રસંગ પહેલી જ વાર કેમ પડ્યો. પડે...પડે...ક્યારેક આંબેડકરનો પણ ખપ પડે.

અમદાવાદ મેડિકલ ઍસોસિએશન ખાતે આ પ્રકારની વિચારગોષ્ઠિઓ વારંવાર થવી જોઇએ એવું પણ એક સૂચન વક્તાઓ વચ્ચેથી આવ્યું. બેશક થવી જ જોઇએ. એક-બે રૂમના નર્સિંગહોમથી લઈને નાની-મોટી હૉસ્પિટલના બાથરૂમ – સંડાસના સફાઈકામ માટે માત્રને માત્ર દલિત વ્યક્તિની પસંદગી કરવાથી લઈને પેથોલોજી પરીક્ષણ માટે આવતા માનવમળના / Stool Samples બોટલબંધ નમૂનાને પણ હાથમાં લેવાનું ટાળતા કે તેના નિકાલ માટે દલિત સફાઈ કામદારના આવવાની રાહ જોતા ડૉક્ટરો – તબીબમિત્રો કે તેમના કર્મચારીઓની ચર્ચા પણ ક્યારેક થાય તો સારું. પીડા કોને કહેવાય અને અન્યાય એટલે ખરેખર શું એ સમજાઈ જશે. ખરેખર હોં.


(તસવીરો : બિનીત મોદી)

5 comments:

  1. બિનીત, તમારા રિપોર્ટિંગની મજા જ આ છે : તમે ' સ્પેડ'ને 'સ્પેડ' કહી શકો છો, અલબત્ત તમારી આગવી શૈલીમાં. અને એ પણ કોઈ વ્યક્તિવિશેષને ઉતારી પાડવા નહીં, બલ્કે લોકજાગૃતિ અર્થે, લોકહિત અર્થે . તમારી વાત બિલકુલ સાચી : જેટલી શ્રદ્ધા કે અંધશ્રદ્ધાથી દલિતો ચૈત્રી પૂનમે ચોટીલા જાય છે કે ભાદરવી આઠમે એમની કુળદેવીનું નૈવેદ્ય કરવા પોતાના ગામ પહોંચી જાય છે, એટલી જ શ્રદ્ધા-અંધશ્રદ્ધા કે નર્યા રાજકીય સ્વાર્થ અને દેખાડા માટે એપ્રિલની 14મી ભરવા તેઓ આંબેડકરના પૂતળા કે ફોટા પાસે પહોંચી જાય છે ! આંબેડકરના જીવન અને મહત્વના પ્રસંગો -કાર્યોની યાદિ તો એવી ગોખાઈ ગઈ છે કે લગભગ કોઈ પણ શિક્ષિત-અર્ધશિક્ષિત દલિત એટલી મૂડીએ ' ભીમ કથા' કે ' ભીમ પારાયણ ' કહેવા પોતાને સજ્જ સમજે છે. પણ કેટલાક તો પ્રોફેશનલ કથાકારો જ બની બેઠા છે : લગ્નની સિઝનમાં જેમ વિડિયોગ્રાફર-કેટરર વગેરેને વેળાસર બૂક કરી લેવા પડે, કે શ્રાવણમાં મોરારી બાપુ-રમેશ ઓઝા વગેરે કથાકારોને રિઝર્વ કરી લેવા પડે, તેમ આવા ' આંબેડકર એક્સપર્ટ્સ ' નું પણ એડ્વાન્સ બૂકિંગ કરી લેવું પડે છે. અખાત્રીજના મુહૂર્તે જેમ બ્રાહ્મણો પાસે 4-5-6 ઓર્ડર્સ હોય છે તેમ આ દલિત નવપંડિતો પાસે પણ સ્થાનિકથી લઈને બહારગામના ઓર્ડર્સ બૂક થયેલા પડ્યા હોય છે. બિચારા ક્યાથી પહોંચી વળે ઘરાકોના આવા ધસારાને ? અને પછી તો જેમ બ્રાહ્મણો પાંચ મિનિટમાં પણ પરણાવી આપે, એમ આ લોકો પણ જે આવ્યું તે ભરડીને, પોતાની લોકપ્રિયતા પ્રમાણેની દક્ષિણા લઈને, આશીર્વાદ આપીને, ચાલતા થાય છે ! અલબત્ત, જૂજ લોકો એવાય છે જે પૂરી નિષ્ઠાથી, પૂરી ગંભીરતાથી આંબેડકરના સર્વવિદિત જીવનપ્રસંગો ઉપરાંત એમના ' એનિહિલેશન ઓફ કાસ્ટ ' કે ' હું વેર ધ શુદ્રાઝ ' જેવા પાયાના અને ક્રાંતિકારી વિચારો વ્યક્ત કરતાં ગ્રંથોની સમજ પણ આપે છે કે આંબેડકરના ધર્મપરિવર્તન-અલગ મતાધિકાર -સેપરેટ સેટલમેન્ટ જેવા વિચારો-કાર્યો વિષે પુનર્વિચાર કરવા પણ પ્રેરે છે ! આ સંજોગોમાં ઘઉં સાથે ચીલ પણ પાણી પી જાય કે સૂકા ભેળું લીલુય બળી જાય વગેરે બનવું પણ સ્વાભાવિક છે.

    ReplyDelete
  2. શ્રી બીનીતભાઈની વાતો (શ્રી નીરવના કહેવા મુજબનું આગવું રીપોર્ટીંગ)માંથી મને સુઝે છે તે : ૩૬૪ દીવસો એમના વીચારોથી ઉંધાં ચાલીને એક દીવસ એમને યાદ કરવાની વાત; આરક્ષણની વાત કોઈ પણ બહાને ને કોઈ પણ ભોગે વચ્ચે લાવી દેવાની (અને કેટલાક સમારંભોમાં એ શક્ય ન હોય તો એના ઈશારા કરી દેવાની વાત); મહાનુભાવોના પ્રસંગો નીમીત્તે મારીમચડીને ગોઠવાતા પ્રસંગોમાં પણ પોતાને મહાનુભાવો ગણાવવા માટે ડાયસસ્થાન માટે ઝપાઝપી કરનારા (જાતે ખુરસી લઈનેય !!)ની વાત અને ખાસ તો લેબોરેટરીમાં સફાઈ તથા મળમુત્રના નમુના માટે મદદનીશોની જોવાતી રાહની વાત આપણા કહેવાતા આગળપડતા સામાજીકોનું આગવું દર્શન કરાવે છે.
    આજકાલ મોદી અટકનો જમાનો ચાલે છે તેથી બીનીતભાઈનેય એ અટકમાળા પહેરાવીને એમનું સ્વાગત કરું છું......બી, નિત નિત મોદી.

    ReplyDelete
  3. વાહ, શું ધડબડાટી બોલાઈ છે!

    ReplyDelete
  4. Jayesh Solanki (Gandhinagar, Gujarat)22 April 2014 at 16:05

    વાહ! સચોટ પરીક્ષણ અને જોરદાર ચાબખા! નિરવભાઇની કોમેન્ટ પણ એટલી જ ધારદાર!

    જયેશ સોલંકી (ગાંધીનગર, ગુજરાત)
    (Response through FACEBOOK : 21 April 2014)

    ReplyDelete
  5. સૌ મિત્રો,
    બ્લોગની 102મી પોસ્ટ (18 એપ્રિલ 2014)ના વાચન / પ્રતિભાવો માટે આભારી છું.

    બિનીત મોદી (અમદાવાદ) / સોમવાર, 25 ઑગસ્ટ 2014

    ReplyDelete