પ્રતિભાવો ઉર્ફે Comments

Monday, March 25, 2013

તારક મહેતાનું નાગરિક સન્માન : અમદાવાદ શહેરના ગૌરવનો ગુણાકાર

(ડાબેથી) સુરેન્દ્ર પટેલ, વિનોદ ભટ્ટ, તારક મહેતા

અને અસિત વોરા - નાગરિક સન્માન વેળાએ


ગુજરાતી વાંચી શકતા સૌ કોઇને લખીને હસાવી શકતા તારક મહેતા / Tarak Mehta નું નામ ટી.વી. શ્રેણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના / Taarak Mehta Ka Ooltah Chashmah એક હજાર ઉપરાંત એપિસોડના પ્રસારણ પછી હવે એવા વિશાળ ફલક પર વિસ્તાર પામ્યું છે કે ટેલિવિઝન દેખી શકતા કોઇને પણ હસાવી શકે. લોકપ્રિયતાના તમામ માપદંડો વટાવી ગયેલા વાચકપ્રિય લેખક તારક મહેતાનું શનિવાર, 23 માર્ચની સાંજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન / Ahmedabad Municipal Corporation દ્વારા નાગરિક સન્માન કરવામાં આવ્યું હતું.
સન્માનનો પ્રતિભાવ : તારક મહેતા, સાથે મેયર અસિત વોરા

અને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ
શહેરની મધ્યમાં આવેલા શેઠ મંગળદાસ ટાઉન હૉલમાં / Sheth Mangaldas Town Hall, Ahmedabad આયોજિત કાર્યક્રમમાં લેખકના સંખ્યાબંધ ચાહકોના સ્ટેન્ડિંગ ઑવેશન વચ્ચે અમદાવાદના મેયર અસિત વોરાએ / Asit Vora સન્માનપત્ર અર્પણ કરી તારકભાઈનું નાગરિક સન્માન કર્યું હતું. એ પહેલા ઉપસ્થિત મહેમાનો સમક્ષ સન્માનપત્રનું / Citation વાચન કરવામાં આવ્યું હતું. સન્માનનો પ્રતિભાવ આપતા તારકભાઈએ જણાવ્યું કે અમદાવાદના મેયર પોતે એક અચ્છા ગાયક કલાકાર છે. એક કલાકારના હસ્તે બીજા કલાકારનું સન્માન થાય તેનાથી વધુ ઉત્તમ બીજું શું હોય? આમ કહી તારકભાઇએ પોતાનો રાજીપો વ્યક્ત કરવા સાથે એક દ્રષ્ટાંતકથા કહી વાચક-શ્રોતાઓના ચહેરા પર હાસ્ય રેલાવ્યું હતું. સાથે-સાથે ખાતરી પણ આપી કે શરીર સાથ આપશે ત્યાં સુધી તેઓ લખતા રહેશે અને વાચકોને હસાવતા રહેશે.
નાગરિક સન્માન કાર્યક્રમના પ્રારંભે મેયર અસિત વોરાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે સન્માનનો સ્વીકાર કરી તારકભાઈએ મ્યુનિસિપાલિટીનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતના રાજકીય – બીનરાજકીય વર્તુળોમાં કાકાના સંબોધનથી ઓળખાતા રાજ્યસભાના પૂર્વ સંસદસભ્ય સુરેન્દ્ર પટેલ / Surendra Patel આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને હતા. તેમણે એક જૂની ઉક્તિનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભૂવો ધૂણે તો ય નારિયેળ તો ઘર ભણી જ નાંખે એમ અસિત કલાકાર છે એટલે કલાકારોનું સન્માન કરી ઋણ અદા કરે છે. શહેરના વિકાસલક્ષી કામોની સાથે આ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે તે બાબતે તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. બન્નેએ અત્યંત ટૂંકુ વક્તવ્ય આપી તારકભાઈના સન્માન માટે ખાસ ઉપસ્થિત તેમના સમકાલીન હાસ્યલેખકો વિનોદ ભટ્ટ / Vinod Bhatt અને રતિલાલ બોરીસાગરને / Ratilal Borisagar કાર્યક્રમનો હવાલો સોંપી દીધો હતો.
(ડાબેથી) પી. ખરસાણી, તારક મહેતા, અસિત વોરા, સુરેન્દ્ર પટેલ,વિનોદ ભટ્ટ અને રતિલાલ બોરીસાગર
રતિલાલ બોરીસાગરે જણાવ્યું કે ભાષણ કરવાથી વક્તાની હિંસા કરવાની વૃત્તિ સંતોષાય છે અને સાંભળનારના પાપ ધોવાય છે’, તો આજે અમદાવાદના નગરજનો પણ ભલે એ લાભ પામતા. તારકભાઈના હાસ્યની લાક્ષણિકતાઓ વર્ણવી પોતે લાંબુ વક્તવ્ય નહીં આપે તેવી સંબોધનના પ્રારંભે શ્રોતાઓને આપેલી ખાતરીનું તેમણે મોબાઇલની સાક્ષીએ પાલન કર્યું હતું. આ વિશેષ પ્રસંગે વિનોદ ભટ્ટે કોર્પોરેશનના સત્તાધીશોને એક સૂચન કરતા જણાવ્યું કે લાયક વ્યક્તિનું સન્માન સમયસર કરો. એ માટે તેનો અંતિમ સમય નજીક આવે એવી રાહ ન જુઓ કે એમ કરીને ટટળાવો પણ નહીં. ઉદાહરણરૂપ તેમણે કે.કા. શાસ્ત્રીનો / Keshavram Kashiram Shashtri ઉલ્લેખ કર્યો જેઓ સો વર્ષનું આયુષ્ય પામ્યા પણ જીવતેજીવ આવું કોઈ સન્માન પામ્યા નહોતા. જો કે એ સાથે વિનોદભાઈએ એમ પણ જણાવ્યું કે તારકભાઈ પોતે આવી ઇચ્છાઓ કરવાથી હંમેશા પર રહ્યા છે. એવી પરવા સુદ્ધાં કરતા નથી.


વિનોદ ભટ્ટ : સમયસર સન્માન થાય તો લેખે લાગે
બાળપણ – કિશોરાવસ્થાના વર્ષો જે શહેરમાં વીતાવ્યા હોય એ જ શહેર વર્ષો પછી નાગરિક સન્માન આપે એવો અવસર બહુ ઓછા લોકોના જીવનમાં આવે. સક્રિય કારકિર્દીના મહત્તમ વર્ષો મુંબઈમાં / Mumbai વીતાવી ચૂકેલા અમદાવાદના / Ahmedabad વતની એવા તારક મહેતાના જીવનમાં એવો અવસર તેમણે અમદાવાદને પુનઃ પોતાનું ઘર બનાવ્યું તેના પંદર વર્ષ પછી આવ્યો. ભલે મોડો આવ્યો તો ય આંગણે આવેલા આ અવસરને અમદાવાદના નગરજનોએ ઉમળકાભેર વધાવી લીધો હતો. કાર્યક્રમમાં પરિવારજનો – સ્નેહીઓ ઉપરાંત અગ્રણી સાહિત્યકાર રજનીકુમાર પંડ્યા / Rajnikumar Pandya, પત્રકાર-લેખક ઉર્વીશ કોઠારી / Urvish Kothari, ગુજરાતી ફિલ્મોના અભિનેતા પી. ખરસાણી / P. Kharsani, ફિલ્મ મેકર આશિષ કક્કડ / Ashish Kakkad તેમજ ફિલ્મો અને ટેલિવિઝન કાર્યક્રમોની વિશિષ્ટ શૈલીમાં ગુણ-દોષગ્રાહી આલોચના કરતા કોલમિસ્ટ પ્રણવ અધ્યારૂ / Pranav Adhyaru ઉપસ્થિત રહ્યા હતા. તારકભાઈની કારકિર્દીનો આલેખ જેના ઉલ્લેખ વગર અધૂરો ગણાય તે ચિત્રલેખા’ / Chitralekha સાપ્તાહિકના તંત્રી ભરત ઘેલાણી / Bharat Ghelani અને ટી.વી. સિરિઅલ ઉલટા ચશ્માના નિર્માતા આસિત મોદી / Asit Modi સન્માનના સાક્ષી બનવા ખાસ મુંબઈથી આ પ્રસંગે ઉપસ્થિત હતા.
રશ્મી મહેશ વકીલ, ઇન્દુ તારક મહેતા અને શીરાલી મહેતા સાથે અસિત વોરા
અભિનેતા મયુર વાકાણી અને મહેશ વકીલ
શારીરિક પ્રતિકૂળતાઓ વચ્ચે નાગરિક સન્માનના જાહેર સ્વીકાર માટે તારકભાઈને સજ્જ કરવા બદલ ઇન્દુબહેન તારક મહેતા / Indu Tarak Mehta અને પુત્રવત્ મિત્ર સુરતના મહેશ વકીલનો / Mahesh Vakil ખાસ આભાર આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવ્યો હતો.
મ્યુનિસિપલ કોર્પોરેશનની વહીવટી પાંખના અધિકારીઓ તેમજ ચૂંટાયેલી પાંખના હોદ્દેદારોએ પ્રસંગની ગરિમા અને વ્યવસ્થા જાળવવા ખડે પગે જહેમત ઉઠાવી હતી. એવી જહેમત કે ટાઉન હૉલની સામે આવેલી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલની વ્હીલ ચેર અને તેમાં તારકભાઈને બેસાડી તેને ઉંચકી શકે તેવા સહાયકો પણ હાજર હતા. હાસ્યના ગેરન્ટીડ એવા કાર્યક્રમના સમાપનમાં સૌને આઇસક્રીમ ટ્રીટ આપવામાં આવી હતી.

(તસવીરો : બિનીત મોદી)

3 comments:

  1. BY DOING THIS HONOUR TO TARAK MEHTA, THE AHMEDABAD MUNICIPAL CORPORATION HAS ADDED ONE MORE FEATHER IN THE CORPORATION'S CAP. MAYOR - ASIT - IS A WELL KNOWN PERSON IN THE CITY AND MORE PARTICULARLY IN MANINAGAR. HE IS SOFT SPOKEN AND MAN WITH KNOWLEDGE. HE HAS TO CLIMB STILL MORE STEPS IN HIS CARRIER GRAPH. I WISH HIM SUCCESS IN ALL FIELDS.

    CHANDRAKANT PARIKH

    ReplyDelete
  2. સૌ મિત્રો,
    બ્લોગની 55મી પોસ્ટ (25 માર્ચ 2013)ના વાચન / પ્રતિભાવ માટે આભારી છું.

    બિનીત મોદી (અમદાવાદ) / શનિવાર, 11 મે 2013

    ReplyDelete
  3. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને બે વર્ષ પૂર્ણ થયા.
    55મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 25-03-2013 to 25-03-2014 – 410

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete