પ્રતિભાવો ઉર્ફે Comments

Saturday, November 03, 2012

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (ઑક્ટોબર – 2012)
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાનો વિચાર છે. આનો અમલ કરવાની કોઈ નિશ્ચિત તારીખ નથી તેમ આ ક્યાં સુધી ચાલુ રાખવું તે ય નિશ્ચિત નથી. હા, પ્રતિભાવ – કમેન્ટ્સ એ નક્કી કરવામાં ચોક્કસ મદદરૂપ થશે.
જુલાઈ – 2012ના સ્ટેટસ પ્રોફાઇલથી પ્રારંભ કર્યા પછી પ્રસ્તુત છે ઓગસ્ટથી ઑક્ટોબર – 2012. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું.હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.
સોનુ વાલિયા
(Monday, 1 October 2012 at 02:00pm)
ગુજરાતના ગામને અને હિન્દી ફિલ્મ જગતની પૂર્વ અભિનેત્રીને એકમેક સાથે સાંકળતું ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
"ભરૂચ જિલ્લાના વાલિયા ગામને હિન્દી ફિલ્મ જગત સાથે કોઈ સંબંધ ખરો?"..."હા."....."શું?"
"સોનુ વાલિયા નામે એક અભિનેત્રી હતી જેણે 'ખૂન ભરી માંગ' ફિલ્મમાં રેખા સાથે કામ કર્યું હતું.
" મારું ગુજરાત.....નંબર વન ગુજરાત.....
* * * * * * *
રોજનીશી લખતા કુલપતિ
(Tuesday, 2 October 2012 at 04:25pm)
ગુજરાત યુનિવર્સિટીના પરમિટધારક કુલપતિ આદેશ પાલનો એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યૂ (આજે ગાંધી જયંતિના વિશેષ અવસરે ડમડમબાબા દ્વારા)
કુલપતિ મહોદય આપની દિનચર્યા શું છે?”
સવારે ઉઠીને બારણું ખોલું અને આંગણે આવેલું છાપું વાંચુ જેમાં મારા વિશે પણ સમાચાર છપાયા હોય...નાહી ધોઈને તૈયાર થઉં એટલે ડ્રાઇવર કારનું બારણું ખોલે એટલે બાઉન્સર સાથે બેસીને ગુજરાત યુનિવર્સિટીની મારી ઓફિસે જઉં...બપોરે ટપાલ આવે એટલે પેપર કટરનો ઉપયોગ કરી કવર ખોલું અને સાંજે પાછો ઘરે જઉં એટલે બોટલ ઓપનરની મદદથી બાટલી ખોલું’. બસ દહાડો પૂરો.
* * * * * * *
(Wednesday, 3 October 2012 at 07:10pm)
ડમડમબાબા 'દમદાર' ન્યૂઝ સર્વિસ.....
'ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે.'
"હા, કોઈને તે તારીખોને બદલે કાઉન્ટડાઉન પણ લાગી શકે છે."....."કોને?"..."જેઓ હારવાના છે તેમને અને જેઓ જીતવાના છે તેમને બન્નેને."
* * * * * * *
(Thursday, 4 October 2012 at 06:40pm)
ડમડમબાબાનું ચોંકાવનારું રાજકીય સંશોધન.....
વિધાનસભા ચૂંટણીની જાહેરાત સાથે ગુજરાતમાં 'આદર્શ' આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં સરકાર દ્વારા થયેલા કૌભાંડનું નામ જ 'આદર્શ' હતું.
* * * * * * *
'પ્રમાણિકતા'ના ભારતીય બ્રાન્ડ નેમ
(Friday, 5 October 2012 at 01:31pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સામાજિક રાજકીય સંશોધન.....
ભ્રષ્ટાચારના તો જુદા જુદા સ્તર હોય જ છે.....પણ..........શું જમાનો આવ્યો છે? પ્રમાણિકતાનું પણ અલગ અલગ બ્રાન્ડિંગ થવા માંડ્યું..........અન્ના બ્રાન્ડ પ્રમાણિકતા, કેજરીવાલ બ્રાન્ડ પ્રમાણિકતા, કિરણ બેદી બ્રાન્ડ પ્રમાણિકતા.....And so on.....
* * * * * * *

(Saturday, 6 October 2012 at 01:40pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
સામાન્ય વાતચીતની શરૂઆતમાં ખુદને એક પ્રમાણપત્ર જાતે જ આપી દેતા હોઈએ છીએ...જેમ કે...."હું સમજણો થયો ત્યારથી....."
* * * * * * *
રોબર્ટ વાડરા
(Sunday, 7 October 2012 at 02:05pm)
અપ્રમાણસર સંપત્તિના મામલે રોબર્ટ વાડરા સામે અરવિંદ કેજરીવાલના આક્ષેપો અને તપાસની માંગ પછી કેન્દ્ર સરકારનો કાયદા વિભાગ કદાચ એમ વિચારતો હશે કે રાષ્ટ્રજમાઈ સામે ભ્રષ્ટાચારની કલમો હેઠળ તપાસ કરવી કે દહેજ પ્રતિબંધક ધારાની કલમો હેઠળ.
* * * * * * *

(Monday, 8 October 2012 at 05:05pm)
ડમડમબાબાની ચોંકાવનારી જાહેરાત.....
અનિલ કપૂર અભિનીત 1990ની ફિલ્મ 'જમાઈ રાજા'ની રિમેક બનાવવામાં આવશે અને મુખ્ય ભૂમિકા કોંગ્રેસના પૂર્વ સંસદસભ્ય ગોવિંદાને આપવામાં આવશે.
નોંધ: સેન્સર બોર્ડને માલૂમ થાય કે આ ફિલ્મને રોબર્ટ વાડરા સાથે સંબંધ, લેવા દેવા છે જ છે.
* * * * * * *

(Tuesday, 9 October 2012 at 03:10pm)
ભ્રષ્ટાચારની હારબંધ ખબરો પછી એવું લાગે છે કે ભારતમાં 'FRAUD' 'HOBBY' છે.
* * * * * * *

પુત્રી વર્ષા સાથે આશા ભોંસલે
(Tuesday, 9 October 2012 at 03:45pm)
છપ્પન વર્ષ પહેલાની વાત છે. મુંબઈની હોસ્પિટલમાં એક બાળકીનો જન્મ થયો. જન્મના બીજા ત્રીજા દિવસે એક સ્નેહીજન મા-દીકરીને મળવા આવ્યા. એ સમયે મુંબઈમાં જોરમાં વરસાદ પડતો હતો. એટલે બારીની બહાર જોતા એ સ્વજન બોલ્યા, "कितनी जोरो की बारिस हो रही हे, क्यूँ न इसका नाम 'वर्षा' रखा जाय?" – માતાએ તરત સંમતિસૂચક માથું હલાવ્યું અને એ બાળકીનું નામ પડ્યું 'વર્ષા'.માતાનું નામ આશા ભોંસલે, હોસ્પિટલમાં મળવા આવેલા સ્નેહીજનનું નામ સંગીતકાર જયદેવ અને બાળકી વર્ષા જેણે ગઈકાલે એ જ મુંબઈ શહેરમાં આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું.
* * * * * * *

(Wednesday, 10 October 2012 at 05:05pm)
ડમડમબાબા 'દમદાર' ન્યૂઝ સર્વિસ.....
થોડાક લાખ રૂપિયાની મૂડીમાંથી રોબર્ટ વાડરાએ કરોડો રૂપિયાની સંપત્તિ ભેગી કરી એ સમાચાર સાબરમતી જેલમાં રહ્યે વાંચ્યા પછી 'એકના ત્રણ ગણા' કરવાના અસલી કારીગર ડૉ. અશોક જાડેજાએ માગણી કરી છે કે આ બાબતની તપાસ કરો જ કરો અને મારો અને વાડરાનો ગુનો એક જ પ્રકારનો ગણી કોર્ટ કેસ સાથે ચલાવો.
* * * * * * *
(Thursday, 11 October 2012 at 02:15pm)
ડમડમબાબાની કરોડપતિ ક્વિઝ.....અમિતાભ બચ્ચનને 71મા જન્મદિવસે અર્પણ.....
"અહમદાબાદ કા સબસે સલામત બિઝનેસ પ્લેસ કૌનસા હૈ?"
"ડમડમજી, કૃપયા ઑપ્શન દિજીયે."..."જરૂર. એ રાયપુર ભજીયા હાઉસ, બી કલ્યાણ જ્વેલર્સ, સી હેન્ડલુમ હાઉસ ઔર ડી વાડીલાલ સોડા ફાઉન્ટેઇન."
"જી, જવાબ માલુમ નહીં હૈ. સમય ભી નિકલ રહા હૈ."..."ઓ.કે. સહી જવાબ હૈ કલ્યાણ જ્વેલર્સ. અમિતજીને હી તો પીછલે મહીને ઉસકા ઓપનિંગ કિયા થા. ઔર વો અહમદાબાદ કા સબસે સેફ બિઝનેસ પ્લેસ ઇસ લિયે હૈ ક્યોંકી વો આંબાવાડી મેં છડાવાડ પોલીસ ચોકી કે સામને હૈ."
* * * * * * *
અક્ષય કુમાર
(Friday, 12 October 2012 at 07:17pm)
ડમડમબાબાનું ફિલ્મ ક્ષેત્રનું તદ્દન બીનફિલ્મી સંશોધન.....
અમિતાભ બચ્ચન કલ્યાણ જ્વેલર્સ માટે શુદ્ધ સોનું વેચવાની જાહેરખબર કરે છે અને અક્ષયકુમાર એ શુદ્ધ સોનાને ગીરવી મૂકી લોન આપવાની જાહેરખબર મણપ્પુરમ્ ગોલ્ડ લોન માટે કરે છે.
* * * * * * *
પ્રશાંત અને શાંતિ ભૂષણ
(Saturday, 13 October 2012 at 04:30pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
"ભારતમાં થોડા સમય પહેલા જમીનદારો અને જમીનવિહોણા લોકોએ સાથે મળીને ભ્રષ્ટાચાર વિરૂદ્ધ આંદોલન કર્યું."..."એમ? કયું?"
"અન્ના હઝારેનું...ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન."
"વકીલ પિતા-પુત્ર શાન્તિ ભૂષણ અને પ્રશાંત ભૂષણ જમીનદાર હતા અને અન્ના જમીનવિહોણા."
* * * * * * *
(Sunday, 14 October 2012 at 02:20pm)
અજમાવી જુઓ ડમડમબાબાનું વૈદું
ક્રેડિટ કાર્ડના દુરૂપયોગથી થતી છેતરપિંડીથી બચવા માટે નવું ક્રેડિટ કાર્ડ મળે ત્યારે તેની ઇલેક્ટ્રૉ-મેગ્નેટિક ચીપ પર લીંબુની ચીરી ઘસી દેવી. આમ કરવાથી ક્રેડિટ કાર્ડનું ક્લોનિંગ થઈ શકશે નહીં.
નોંધ: આવો કોઈ ઉપાય છે નહીં પણ દોઢ-બે દાયકા પહેલાં ગુજરાતી છાપાંની રવિવારની પૂર્તિઓમાં આ પ્રકારના અષ્ટમ-પષ્ટમ ઉપાયો અને માહિતી નિયમિત ધોરણે પ્રકટ થતી હતી.
* * * * * * *
(Monday, 15 October 2012 at 06:20pm)
સમાચાર છે કે ભારતીય સાહિત્યના સર્વોચ્ચ સન્માન 'જ્ઞાનપીઠ એવોર્ડ' પુરસ્કારની રકમ રૂપિયા સાત લાખથી વધારીને રૂપિયા અગિયાર લાખ કરવામાં આવી છે. એ રીતે આ રકમ પણ પહેલીવાર 'સાત આંકડા'નું સન્માન પામી છે. ઓ.કે. સત્તાવીસ વર્ષ પહેલા 1985માં વાર્તાકાર નવલકથાકાર પન્નાલાલ પટેલને 'જ્ઞાનપીઠ એવોર્ડ' જાહેર થયો ત્યારે આ 'આંકડા'ને સાંકળતી તેમની પ્રતિક્રિયા શું હતી? વાંચો...બ્લોગ 'હરતાંફરતાં' પર જૂની પણ આજના આ સમાચાર સંદર્ભે નવી લાગે તેવી પોસ્ટ.આ રહી લિન્ક http://binitmodi.blogspot.in/2012/05/blog-post.html
* * * * * * *
પપ્પા મારાથી બીજી ઇનિંગ્ઝ રમાય?
(Tuesday, 16 October 2012 at 03:33pm)
ક્રિકેટ અને ફિલ્મ જગતને એકમેક સાથે સાંકળતું ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂકેલા મનસૂર અલી ખાન પટૌડીને રમત દરમિયાન ટેસ્ટ ક્રિકેટની બીજી ઇનિંગ્ઝ રમવાની તક એકથી વધુ વાર મળી હશે. નવાબનો દીકરો સૈફ અલી ખાન ક્રિકેટર ના બન્યો તો પણ તેને બીજી ઇનિંગ્ઝ રમવાનો લહાવો મળ્યો લગ્નજીવનની.....કરીના કપૂર સાથે.
* * * * * * *
અમે સંસ્થામાં એક પાવડો પણ વસાવ્યો હતો....
...રૂપિયા ઉસેટવા
(Tuesday, 16 October 2012 at 04:05pm)
"લુઈસ, આપણા ટ્રસ્ટ એન.જી.ઓ.ની નોંધણી ગુજરાતમાં કરાવીને ત્યાંજ થોડું ઘણું કામ કર્યું હોત તો સારું હતું નહીં?"
"મિયાં, એમ કેમ બોલો છો?અહીં ઉત્તર પ્રદેશમાં નોંધણી કરાવી તો ય આપણે ક્યાં કશું ગુમાવ્યું છે?"
"ના...ના...આ તો મને એમ થાય છે કે ગુજરાતમાં નોંધણી કરાવી હોત તો રિવોલ્વિંગ સ્ટેજ પર નવરાત્રીનું આયોજન કરી તેને અપંગોની સગવડમાં ખપાવી થોડા વધુ રૂપિયા ઉસેટી શક્યા હોત. ખરું કે નહીં?"
(માતાજીની આરાધનાના પર્વ નવરાત્રીના પહેલા દિવસે દિલ્હી સ્થિત 'માતાજી' સોનિયા ગાંધી, યુ.પી.એ. સરકાર અને તેના વડા મનમોહન સિંહને અર્પણ)
* * * * * * *
(Wednesday, 17 October 2012 at 01:35pm)
હું’ આ એક એવો શબ્દ છે જેને જગતની કોઈ પણ ભાષામાં લખોફોન્ટ સાઇઝ મોટી જ થઈ જાય. ઇવન કમ્પ્યૂટર પર પણ.નીત્સે
નોંધ: નીત્સેએ આવું કશું કહ્યું નથી. કહે પણ નહીં. આ તો વાંચનાર ગંભીરતા સમજે તે ખાતર જ તેમનું નામ ઠપકાર્યું છે.
* * * * * * *
(Thursday, 18 October 2012 at 05:20pm)
ડમડમબાબાનું ચોંકાવનારું રાજકીય સંશોધન.....
નાના મોટા તમામ રાજકીય પક્ષોના કાર્યકરોને એક સાથે પ્રમોશન મળ્યું છે......પહેલા જાહેર સભાઓમાં શેતરંજી પાથરતા હતા......હવે ખુરશીઓ ગોઠવવાનું કામ ભાગે આવે છે.....
* * * * * * *
(Friday, 19 October 2012 at 11:22am)
રાજકીય, સામાજિક અને તબીબી ક્ષેત્રને એકમેક સાથે સાંકળતું ડમડમબાબાનું ચોંકાવનારુંસંશોધન.....
"આપને હાર્ટમાં બે મેજર અને એક માઇનર બ્લોક છે. સ્ટેન્ટ મુકવાથી જોખમ ટળી શકે તેમ છે."
"ઓ.કે. ડૉક્ટર. ખર્ચ શું થશે એ કહો. હું માનસિક અને આર્થિક બન્ને રીતે સક્ષમ છું."
"વેલ, ત્રણથી સાડા ત્રણ લાખ રૂપિયા થશે. આર્થિક રીતે સક્ષમ છો તે સારી વાત છે પણ તમે ત્રણ સ્ટેન્ટ એક સાથે મુકાવી નહીં શકો. હાલ ચૂંટણીને કારણે ગુજરાતમાં આચારસંહિતા છે. તમે એક સાથે રોકડા સાડા ત્રણ લાખ રૂપિયા બેન્કમાંથી લાવશો કેમના અને મને ચૂકવશો કેમના?"
* * * * * * *
(Saturday, 20 October 2012 at 07:20pm)
ભારતીય રેલવે અને ટપાલ વિભાગને એકમેક સાથે સાંકળતું ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
અમદાવાદ અને મુંબઈથી દરરોજ રાત્રે ઉપડતી 'ગુજરાત મેલ' તેના આખરી મુકામે પહોંચવામાં એક મિનિટ પણ મોડી પડે તો મુંબઈ અમદાવાદની જી.પી.ઓને તે બાબતની જાણ થઈ જાય છે.....કારણ કે તેમાં ટપાલના થેલા અને પાર્સલ હોય છે.
* * * * * * *
(Sunday, 21 October 2012 at 12:00 Noon)
ઇન્ડોનેસિયાની રાજધાની એવા જાકાર્તા શહેરમાં નિર્ધારિત ગતિ મર્યાદાથી વાહન ધીમું ચલાવો તો પોલીસ પકડે અને દંડ પણ કરે.
નોંધ: ઇન્ડોનેસિયામાં આવો કોઈ નિયમ છે નહીં પણ દોઢ-બે દાયકા પહેલાં ગુજરાતી છાપાંની રવિવારની પૂર્તિઓમાં આ પ્રકારની અષ્ટમ-પષ્ટમ વાતો માહિતી આપવાના નામે અને સામાન્ય જ્ઞાન વધારવાના બહાને નિયમિત ધોરણે પ્રકટ થતી હતી.
નોંધની નોંધ: વાહન ધીમું ચલાવો તો પોલીસ તો શું સાઇકલ પર બેસીને સ્કૂલે જતું છોકરું પણ પકડીને રસ્તા વચ્ચે ઉઠક-બેઠક કરાવે. એ સ્કૂલે મોડો પહોંચે તો એને પણ ઉઠક-બેઠક કરવી પડે ને!
* * * * * * *
(Monday, 22 October 2012 at 01:55am)
ડમડમબાબાની ચોંકાવનારી નવરાત્રિ વિશેષ’ જાહેરાત.....આ પ્રોફાઇલ સ્ટેટસને લાઇક’ ક્લિક કરનાર પ્રથમ પાંચ વ્યક્તિને વ્હાઇટ હાઉસમાં આયોજિત ગરબાના પાસ આપવામાં આવશે.
બિનીત બરાક મોદી (અમદાવાદ)
* * * * * * *
યશ ચોપરા, રોમાન્સ અને 'ખાપ'
(Monday, 22 October 2012 at 05:20pm)
યશ ચોપરાએ ભારતમાં સૌને રોમાન્સ કરતા શીખવ્યું....ખાપ પંચાયતો સિવાય.....
* * * * * * *
(Thursday, 25 October 2012 at 06:30pm)
કાર કે સ્કૂટરની સીટ પરથી ઉતર્યા પછી તેના ચલાવનારે પણ ક્યારેક રસ્તાની કોરે ચાલવાનું છે કે રસ્તો ક્રોસ કરવાનો છે એવો ખ્યાલ મનમાં રાખી વાહન સુપર સ્પીડમાં ભગાવો. હેનરી ફોર્ડ
નોંધ: હેનરી ફોર્ડે આવું કશું કહ્યું નથી. કહે પણ નહીં. આ તો વાંચનાર ગંભીરતા સમજે તે ખાતર જ તેમનું નામ ઠપકાર્યું છે.
* * * * * * *
નીતિન ગડકરી : બંગારુ - ભાગ બીજો
(Friday, 26 October 2012 at 05:55pm)
વ્યક્તિગત નામના ભાષાંતર ક્ષેત્રે ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
નીતિન ગડકરીના નામનું તેલુગુ ભાષાંતર.....બંગારુ લક્ષ્મણ.....
* * * * * * *
પ્રફુલ મોદી : મારા પિતા

22/10/1940થી 23/10/2012
(Friday, 26 October 2012 at 08:30pm)
મારા પિતા પ્રફુલભાઈ મોદીનું મંગળવાર23મી ઓક્ટોબર 2012ની સવારે અવસાન થયું છે. તેઓ છેલ્લા અઢી મહિનાથી ફેફસાના કેન્સરથી પીડાતા હતા જે અંગેની સારવાર અમદાવાદની ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સિવિલ હોસ્પિટલ)માં ચાલી રહી હતી.
વતન ગોધરામાં 1940માં જન્મેલા તેઓએ માધ્યમિક અને કૉલેજ શિક્ષણ પૂના શહેરમાં મેળવ્યું હતું. વ્યવસાયે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં કાર્યરત રહ્યા પછી 35 વર્ષની નોકરી બાદ તેઓ 2000ની સાલમાં આઈ.આઈ.એમ (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટવસ્ત્રાપુર) અમદાવાદ બ્રાન્ચના મેનેજર પદેથી વયનિવૃત્ત થયા હતા. 22મી ઓક્ટોબરે તોંતેરમો જન્મદિન ઉજવ્યા પછી બહુ થોડા કલાકોમાં તેઓ પીડારહિત મૃત્યુને પામ્યા.
છ ભાઈ-બહેનોના પરિવારમાં તેઓ સૌથી નાના હતા. તેમનાથી બે મોટા બહેનો દિવંગત છે. મોટાભાઈએક બહેન સંતાનો સાથે અમેરિકા રહે છે અને સૌથી નાના બહેન અમદાવાદમાં પરિવાર સાથે રહે છે. મમ્મી (સુધા મોદી) સાથેના લગ્ન થકી પરિવારમાં હું અને મારા પત્ની શિલ્પા છીએ. પ્રભુ સદગતના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.
તેમની પારિવારિક પ્રાર્થનાસભા રવિવાર28મી ઓક્ટોબર 2012ની સાંજે 4:00થી 6:00 કલાક દરમિયાન સદવિચાર પરિવારસમર્પણ સાંસ્કૃતિક કેન્દ્રહોટલ કોર્ટયાર્ડ મેરિયોટની બાજુમાંરામદેવનગર બસ સ્ટેન્ડ પાસેજોધપુર ટેકરાસેટેલાઇટ રોડઅમદાવાદ ખાતે રાખવામાં આવી છે.
બિનીત મોદી (અમદાવાદ)
* * * * * * *
(Monday, 29 October 2012 at 05:10pm)
વ્યક્તિગત નામના વિચાર-વિસ્તાર ક્ષેત્રે ડમડમબાબાનું ક્રાંતિકારી સંશોધન.....
નીતિન ગડકરીના નામનો વિચાર-વિસ્તાર.....'નીતિ'ને નેવે મૂકીને નોટોની 'ગડી' કરી....
નોંધ: 'ગડી'ની જગ્યાએ 'થપ્પીઓ' શબ્દ પણ વાપરી શકાય. આ તો થોડું વળતર!
* * * * * * *
(Tuesday, 30 October 2012 at 06:15am)
સંસ્થાકીય નામના વિચાર-વિસ્તાર ક્ષેત્રે ડમડમબાબાનું ક્રાંતિકારી સંશોધન.....
ગુજરાત પરિવર્તન પાર્ટીના નામનો વિચાર વિસ્તાર.....ગુજરાતમાં તદ્દન નવો જન્મેલો રાજકીય પક્ષ જેના નામમાં પરિ’ છે પણ પક્ષમાં એકેય પરી’ નથી. એક પણ મહિલાનો ચહેરો ફ્રન્ટ પર તો ક્યાંય દેખાતો નથી. મહિલા મોરચાની રચના પણ ખૂબ મોડી-મોડી કરી છે.
* * * * * * *
(Wednesday, 31 October 2012 at 12:21pm)
ડમડમબાબાની ડુગડુગી.....ગર્લફ્રેન્ડના નામથી શરૂ થયેલો હિમાચલ પ્રદેશ વિધાનસભાનો ચૂંટણી પ્રચાર વાયા ગાળાગાળી થઈને ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગંદોગોબરો ના બને તેવી નાગરિક પ્રાર્થના.

ગયા મહિને અહીં મુકેલી સપ્ટેમ્બર – 2012ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લીંક આ રહી – http://www.binitmodi.blogspot.in/2012/10/2012.html

(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

3 comments:

 1. સૌ મિત્રો,
  બ્લોગની ચાલીસમી પોસ્ટ (3 નવેમ્બર 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.

  બિનીત મોદી (અમદાવાદ) / ગુરૂવાર, 28 માર્ચ 2013

  ReplyDelete
 2. પ્રિય મિત્રો,
  બ્લોગ ‘હરતાંફરતાં’ને દોઢ વર્ષ પૂર્ણ થયું.
  40મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 03-11-2012 to 03-11-2013 – 370

  બિનીત મોદી (અમદાવાદ)

  ReplyDelete
 3. પ્રિય મિત્રો,
  40મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 03-11-2013 to 03-11-2014 – 40

  બિનીત મોદી (અમદાવાદ)

  ReplyDelete