![]() |
(જાન્યુઆરી – 2014) |
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું
માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી
એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની
દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે
જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના
સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની
મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને
નિયમિત કરતાં એ ક્રમમાં આ 39મી પોસ્ટ છે.
2010ના વર્ષની
એક અને 2011,
2012 અને 2013ના
વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે જાન્યુઆરી
– 2014. જે તે
દિવસના વાર, તારીખ
અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું ‘સ્ટેટસ અપડેટ’ છે. ‘ફેસબુક’ / FACEBOOK પર
આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ ‘અમદાવાદ’ /
Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા,
ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.
(Wednesday, 1 January 2014 at 11:00am)
ડમડમબાબા સામાજિક
વિજ્ઞાન અને સંશોધન કેન્દ્રનું નવા
વર્ષનું ચોંકાવનારું અને પહેલ વહેલું ‘રિસર્ચ’…
2014ના નવા વર્ષમાં જાહેરમાં જૂઠ્ઠું બોલવાના પ્રમાણમાં ગત વર્ષની સરખામણીએ વધારો થશે. કેમ કે આ
વર્ષે લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. HAPPY NEW YEAR…..
* * * * * * *
(Friday, 3 January 2014 at 01:11pm)
ક્રેનના શોધકે
કદી એવું વિચાર્યું નહીં હોય કે...
...રસ્તા, મકાન અને
પૂલ બાંધકામ જેવા ભારે-ભરખમ કામ માટે ઉપયોગમાં લેવાનારી તેની શોધ વખત જતાં...
...લગ્નો જેવી નાજુક અને રાજકીય સભાઓ જેવી નાટકીય ઘટનાઓની ફોટોગ્રાફી – વિડિઓગ્રાફી માટે ઉપયોગમાં લેવામાં આવશે.
* * * * * * *
(Saturday, 4 January 2014 at 11:11pm)
“નરેન્દ્ર મોદી વડાપ્રધાનપદે આવશે તો એ દેશ માટે ઘાતક
પુરવાર થશે.” – પત્રકાર
પરિષદમાં વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ.
“એમ કે? વડાપ્રધાન એમની પત્રકાર પરિષદમાં આવું બોલ્યા? મને તો એમ કે મનમોહન સિંહ એમની ફેરવેલ પાર્ટીમાં આવું બોલ્યા હશે.” – ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર
મોદી.
* * * * * * *
(Monday, 6 January 2014 at 05:25pm)
દાદાજીની વાતો
અને આપણું બાળપણ.....
“એં...મારા દાદા તો એટલી ગરમ ચા પીતા’તા ને કે...”
‘...કે સીધી સ્ટવ પરથી ઉતારેલી તપેલીમાંથી જ ચા પીતા હતા.’
‘...મારા દાદા તો બે ઘૂંટડા વચ્ચે પણ ચા ગરમ કરીને પીતા હતા.’
‘...એં મારા દાદા તો એટલી ગરમ ચા પીતા ને કે તેની વરાળથી જ એમનું નહાવાનું પાણી
ગરમ થતું હતું.’
* * * * * * *
![]() |
રામદેવ ‘બાવા’ |
(Tuesday, 7 January 2014 at 12:35pm)
રામદેવ‘બાવા’ની માગણી મુજબ જો ટૅક્સ માળખું
ખરેખર નાબૂદ થઈ જશે તો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સને ખરેખર ‘બાવા’
બનવાનો વારો આવશે.
* * * * * * *
(Wednesday, 8 January 2014 at 11:11am)
ભારતનું ટૅક્સ
માળખું ‘ખરેખર’ નાબૂદ
કરવાની રામદેવ‘બાવા’ની માગણી જો ‘ખરેખર’ સ્વીકારાઈ જશે તો ભારતભરમાં તેની પહેલી ‘ખરેખર’ અસર અમદાવાદ શહેર પર પડશે. ઇન્કમટેક્સ ચાર રસ્તાનું નામ બદલવું પડશે.....‘ખરેખર’
* * * * * * *
(Thursday, 9 January 2014 at
05:50pm)
અંગ્રેજીના પૂર્વ
પ્રાધ્યાપક, મહિલાઓના હક્ક
અને સ્ત્રી સષક્તિકરણ માટે કામ કરતી અમદાવાદ સ્થિત સંસ્થા 'અવાજ'ના સ્થાપક ઇલાબહેન પાઠકનું આજે 9 જાન્યુઆરી 2014ની સાંજે ચાર કલાકે સ્થાનિક હોસ્પિટલમાં અવસાન થયું છે.
(અવાજ – AWAG – Ahmedabad Women's Action Group)
(અવાજ – AWAG – Ahmedabad Women's Action Group)
* * * * * * *
ઇલાબહેન પાઠક (*) |
(Friday, 10 January 2014 at 00:05am)
અંગ્રેજીના પૂર્વ
પ્રાધ્યાપક, મહિલાઓના હક્ક
અને સ્ત્રી સષક્તિકરણ માટે કામ કરતી અમદાવાદ સ્થિત સંસ્થા 'અવાજ'ના (AWAG – Ahmedabad Women's Action Group) સ્થાપક ઇલાબહેન પાઠકનું ગઈકાલે ગુરૂવાર 9 જાન્યુઆરી 2014ની સાંજે ચાર
કલાકે સ્થાનિક હોસ્પિટલમાં અવસાન થયું છે. આજે શુક્રવાર 10 જાન્યુઆરીની સવારના 08:00 કલાકે 5 – પ્રોફેસર્સ કૉલોની (ટેનામેન્ટ વિભાગ), લાયન શરદ
મહેતા પાર્ટી પ્લોટ પાસે, વિજય ચાર રસ્તા નજીક ‘ચાઇલ્ડ કૅઅર’ હોસ્પિટલ પાછળ, નવરંગપુરા, અમદાવાદ
સ્થિત તેમના નિવાસસ્થાનથી સ્મશાનયાત્રાનો પ્રારંભ થશે. સ્મશાનયાત્રા શ્રેયસ ફ્લાયઑવર નીચે ભુદરપુરા – આંબાવાડી
સ્થિત ‘અવાજકુંજ’ ખાતે 08:15 કલાકની આસપાસ પહોંચશે જ્યાં
પરિચિતો – સાથી કાર્યકરોના બહોળા વર્ગ દ્વારા શ્રદ્ધાસુમન
અર્પણ કરવામાં આવશે. ત્યાર બાદ સવારે 08:30થી 09:00 કલાક વચ્ચેના કોઈ સમયે સ્મશાનયાત્રા થલતેજ સ્થિત મુક્તિધામ તરફ અંતિમવિધિ
માટે પ્રયાણ કરશે.
* * * * * * *
વારિસહુસૈન અલવી (*)1 જાન્યુઆરી 1928થી 9 જાન્યુઆરી 2014 |
(Friday, 10 January 2014 at 02:05pm)
ખબર આપવામાં મોડો
છું તોય સમાચાર છે કે...
ગુજરાતને ઉર્દૂ
સાહિત્યનો આસ્વાદ કરાવનાર વારિસહુસૈન અલવીનું ગુરૂવાર 9 જાન્યુઆરી 2014ના રોજ સૈયદવાડા – આસ્ટોડિયા, અમદાવાદ સ્થિત તેમના નિવાસસ્થાને 86 વર્ષની વયે અવસાન થયું છે.
1 જાન્યુઆરી 1928ના રોજ અમદાવાદમાં જન્મેલા તેમજ સેન્ટ ઝેવિયર્સ કૉલેજના અંગ્રેજી વિષયના આ નિવૃત્ત
પ્રાધ્યાપકનું આખું નામ વારિસહુસૈન હુસેનીપીર અલવી હતું. ઉર્દૂ સાહિત્યના
વિવેચનગ્રંથોએ તેમને આંતરરાષ્ટ્રીય ઓળખ – નામના અપાવ્યા હતા.
નવેમ્બર – 2008ના પ્રારંભે યોજાયેલી કવિ આદિલ મનસુરીની શ્રદ્ધાંજલિ સભામાં વક્તારૂપે ઉપસ્થિત
તેમનો આ ફોટો મેં ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે પાડ્યો હતો. સભામાં તેમનો પરિચય
કરાવતાં તેમનું નામ આ મુજબ બોલાયું હતું – જનાબ
વારિસહુસૈન અલવી સાહબ...
...મને લાગે છે
સંબોધનમાં ‘જનાબ’ અને ‘સાહબ’ બન્ને શબ્દો સાથે બોલવા પડે તેવી ઓળખ
પામનારા અલવીસાહેબ છેલ્લા હતા...અલવિદા...અલવીદાદા...
* * * * * * *
(Saturday, 11 January 2014 at 09:19am)
ભારતમાં બે વસ્તુ
મફત મળે છે...
...એક – હવા...અને...બીજું
– આમ આદમી
પાર્ટીનું સભ્યપદ...
* * * * * * *
(Sunday, 12 January 2014 at 01:01pm)
ભારતમાં દરેક
રાજકીય પક્ષની બે શાખાઓ હોય છે...જેમ કે...
સંસ્થા કૉંગ્રેસ
અને કૉંગ્રેસ (આઈ)
જનસંઘ અને ભારતીય
જનતા પક્ષ
દ્રવિડ મુન્નેત્ર
કઝગમ (DMK) અને ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ
મુન્નેત્ર કઝગમ (AIADMK)
જનતાદળ અને
જનતાદળ (યુનાઇટેડ)
ગુજરાતમાં ભાજપ
અને રાજપા (રાષ્ટ્રીય જનતા પાર્ટી)
ગુજરાતમાં જનતાદળ
(વી.પી. સિંહ જૂથ) અને જનતાદળ (ગુજરાત – ચીમનભાઈ પટેલ જૂથ)
ગુજરાતમાં ભાજપ
અને ગુજરાત પરિવર્તન પાર્ટી (GPP)...
...એ જ રીતે...ગુજરાતમાં ‘આમ આદમી પાર્ટી’ના પણ બે જૂથ થઈ ગયા છે...
આમ આદમી પાર્ટી – મનીષ બ્રહ્મભટ્ટ જૂથ...અને...
આમ આદમી પાર્ટી – સુખદેવ પટેલ જૂથ...
* * * * * * *
(Tuesday, 14 January 2014 at 02:00pm)
રાહુલ ગાંધીની
ઇમેજ મેકઑવર કરીને લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં લાભ લેવા માટે કૉંગ્રેસ પક્ષએ
રૂપિયા 500 કરોડનો કોન્ટ્રાક્ટ કર્યો છે...
...આ ખર્ચની શરૂઆત ગઈકાલથી થઈ ગઈ છે...
...કેમ કે
અમદાવાદથી પ્રકાશિત થતા ‘દિવ્ય ભાસ્કર’ દૈનિકના
આજના 14મી જાન્યુઆરીના અંકમાં રાહુલ‘બાબા’ની મુલાકાત પ્રકટ થઈ છે.
નોંધ: ઉત્તરાયણની રજાને લઈને આવતીકાલે છાપું પ્રકાશિત
થવાનું નથી એટલે આ મુલાકાત આગામી 48 કલાક સુધી વંચાશે એવું માર્કેટિંગ ગણિત માંડી શકાય, પણ એ સાચું ન પડે...
...કેમ કે
ગુજરાતના યુવાનો આગામી 48 કલાક સુધી છાપાં વિના છાપરાં – ધાબા
અને અગાસી પર રહેવાના છે.
નોંધની નોંધ: ઉત્તરાયણના દિને દાન-ધર્મ કરવાનો મહિમા છે. કૉંગ્રેસ
પક્ષએ આ રીતે તેની શરૂઆત કરી છે.
* * * * * * *
(Wednesday, 15 January 2014 at 02:22pm)
પ્રમાણિકતા જો
માપદંડ હોય તો ફરસાણ વેચવાવાળાનો જોટો જડે તેમ નથી...
...તહેવારનું નામ ‘વાસી ઉત્તરાયણ’ સાર્થક કરવા ઊંધિયું પણ ‘વાસી’ જ વેચે છે...
* * * * * * *
![]() |
જયનારાયણ વ્યાસ |
![]() |
‘આપ’ના MLA વિનોદકુમાર બિન્ની |
(Thursday, 16 January 2014 at 02:50pm)
ડમડમબાબાનું
ચોંકાવનારું રાજકીય સંશોધન-કમ-અવલોકન...
સત્તાધારી પક્ષ ‘આમ આદમી પાર્ટી’ના ધારાસભ્ય વિનોદકુમાર બિન્નીને દિલ્હી વિધાનસભાના જયનારાયણ વ્યાસ કહી શકાય
તેમ છે...
...કેમ
કે...મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જાહેરમાં ‘જૂઠ્ઠા’
કહેતા વિનોદકુમાર બિન્નીની જેમ જયનારાયણ વ્યાસે પણ 2000ની સાલમાં
તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને કૅબિનેટ મિટિંગમાં ‘જૂઠ્ઠા’ કહ્યા હતા.
* * * * * * *
(Friday, 17 January 2014 at
03:23pm)
તમાકુ પકવતા
ચરોતરના ખેતરોમાં સીધાજ ગુટકા ઊગે તે સંદર્ભમાં સંશોધન પૂર્ણતાને આરે છે...
...એવું ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન કહે છે...
* * * * * * *
(Friday, 17 January 2014 at 11:45pm)
ડમડમબાબા ફ્રેશ ‘ન્યૂ’ઝ સર્વિસ...
કેન્દ્રિય માનવ
સંશાધન રાજ્યમંત્રી શશી થરૂરના થર્ડ વાઇફ સુનંદા પુષ્કરે દિલ્હીની સેવન સ્ટાર લીલા
હોટલમાં પોતાની જીવન‘લીલા’ સંકેલી લીધી.
* * * * * * *
![]() |
સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન |
![]() |
સુચિત્રા સેન |
(Saturday, 18 January 2014 at
01:55pm)
ભારતના ત્રણ
મહાનગરો અને ત્રણ વ્યક્તિવિશેષોની આખરી વિદાય...
...શુક્રવાર 17 જાન્યુઆરી 2014...
મુંબઈ – દાઉદી વહોરા કોમના ધર્મગુરુ ડૉ. સૈયદના મોહમ્મદ
બુરહાનુદ્દીન...
કોલકાતા – બંગાળી અને હિન્દી ફિલ્મોના અભિનેત્રી સુચિત્રા
સેન...
દિલ્હી – કેન્દ્રિય માનવ સંશાધન વિકાસ રાજ્યમંત્રી શશી થરૂરના
પત્ની સુનંદા પુષ્કર...
...આ ત્રણેયની વિદાયથી જે કોઈ જાહેર – અંગત 'શૂન્યા'વકાશ સર્જાયો હોય તેની નોંધ લેતા...ગઝલકાર 'શૂન્ય' પાલનપુરીના નગર પાલનપુરથી...
* * * * * * *
(Sunday, 19 January 2014 at
12:34pm)
લગ્નપ્રસંગે ભાડે
લાવેલો સાફો પહેરવાથી માથામાં ખોડો થવાનો ભય રહેલો છે.
લિ. ચામડીના
ચિકિત્સક
* * * * * * *
(Monday, 20 January 2014 at 11:11am)
પ્રિ-પેઇડ
સ્માર્ટફોનમાં ટોક ટાઇમનું બેલેન્સ 500 રૂપિયાથી
ઓછું હશે તો તેને સાદો ફોન ગણવામાં આવશે અને વૉરન્ટી રદ થવાને પાત્ર બનશે.
હુકમથી – અખિલ ભારતીય મોબાઇલ ઉત્પાદક સંઘની સહકારી મંડળી
* * * * * * *
(Wednesday, 22 January 2014 at
01:40pm)
આવકવેરા વિભાગના
કર્મચારીરૂપે રૂખસદ પામેલા અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રીપદે સત્તા
સંભાળ્યાના પહેલા પખવાડિયે પોલીસ કર્મચારીઓનું સસ્પેન્શન જીદ કરીને માંગે તો શું
સમજવું? આમને આમ તો
દેશમાં બેકારીનું પ્રમાણ વધી ના જાય?
* * * * * * *
(Thursday, 23 January 2014 at
02:23pm)
કેટલીક વ્યક્તિઓ
સાવ નંગ જેવી હોય તોય જ્યોતિષી તેમને સલાહ આપે...
...એમ કરો તમે હાથની આંગળીએ ‘નંગ’ પહેરવાનું શરૂ કરો.
* * * * * * *
ડૉ.ધીરુભાઈ ઠાકર : 27 જૂન 1918થી 24 જાન્યુઆરી 2014 (*) |
(Friday, 24 January 2014 at
04:30pm)
ગુજરાત વિશ્વકોશ
ટ્રસ્ટના ટ્રસ્ટી અને મુખ્ય સંપાદક ડૉ. ધીરુભાઈ ઠાકરનું આજે 24 જાન્યુઆરી 2014ના રોજ અમદાવાદ
ખાતે 96 વર્ષની વયે અવસાન થયું છે.
27મી જૂન 1918ના રોજ અમદાવાદ જિલ્લાના વીરમગામ ખાતે જન્મેલા અને ‘સવ્યસાચી’ ઉપનામથી જાણીતા ધીરુભાઈ
પ્રેમશંકર ઠાકર 1985ના અરસામાં વિશ્વકોશની પ્રવૃત્તિમાં એકાકાર
થતાં પહેલાં સાબરકાંઠા જિલ્લાના મોડાસાની આર્ટસ્ ઍન્ડ કૉમર્સ કૉલેજના આચાર્યપદે
હતા.
મણિલાલ નભુભાઈ
દ્વિવેદીની આત્મકથાનું સંપાદન તેમણે કર્યું એમ કહીએ તો એ તો અધુરી વિગત ગણાય. એમ
કહેવું જોઇશે કે એ આત્મવૃતાંત તેમના પ્રયત્નોને કારણે જ આપણને સુલભ થયું. ગુજરાતના
પ્રમુખ ઉદ્યોગપતિ, શ્રેષ્ઠી
અને અમદાવાદના શિક્ષણ જગતને વૈશ્વિક ઓળખ અપાવનાર કસ્તુરભાઈ લાલભાઈનું જીવનચરિત્ર ‘પ્રગતિ અને પરંપરા’નું લેખન પણ તેઓએ કર્યું હતું.
વર્ષ 1994નો રણજિતરામ
સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર ધીરુભાઈ ઠાકરે વર્ષ 1999 – 2000 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ સંભાળ્યું હતું. અમદાવાદમાં દીકરી – જમાઈ હીનાબહેન અને નીતિનભાઈ શુક્લ સાથે રહેતા ધીરુભાઈની અંતિમક્રિયા થલતેજ
સ્મશાનગૃહ ખાતે અવસાનની સાંજે સંપન્ન કરવામાં આવી.
વિશ્વકોશ ટ્રસ્ટ
ખાતે મેં લીધેલી તેમની આ તસવીર નવેમ્બર – 2007ની છે.
* * * * * * *
![]() |
અરવિંદ કેજરીવાલ |
(Saturday, 25 January 2014 at
12:55pm)
રાજકારણના રંગ...2014...
‘બ્લુ’ રંગની મારૂતિ વેગન-આર કારમાં ફરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ
કેજરીવાલની સરકારના કાયદા મંત્રી સોમનાથ ભારતીએ દિલ્હી પોલીસને એક વિસ્તારમાં ‘રેડ’ પાડવાનું કહ્યું. દિલ્હી પોલીસે એમ ના કર્યું તો તેને
‘બ્લેક’મેલ કરવાની શરૂઆત કરી. દિલ્હીના ઉપરાજ્યપાલ નજીબ જંગે સમાધાનરૂપી વલણ
અપનાવ્યું જેથી 26 જાન્યુઆરીની પ્રજાસત્તાક દિનની પરેડને કોઈ અવરોધ વિના ‘ગ્રીન’ સિગ્નલ મળી શકે. આ બધા નાટકનું પરિણામ એ આવ્યું કે અરવિંદ કેજરીવાલ અને ‘આમ આદમી પાર્ટી’એ
મહામહેનતે ઉભી કરેલી આબરૂ પર ‘વાઇટ’વોશની શરૂઆત થઈ.
* * * * * * *
(Wednesday, 29 January 2014 at
04:05pm)
સોમવારની ‘સવાર’
‘સાવર’કુંડલામાં પડી હતી...અને...
...મંગળવારની
સવાર રાજવી કવિ કલાપીના ગામ લાઠીમાં...
...સાડા સાત – આઠની વચ્ચે સવારના ચા – નાસ્તા માટે ટાવર ચોકથી શરૂ કરીને એક-દોઢ કિલોમિટરનો રસ્તો કાપ્યો...
...રસ્તો એકદમ
ચોખ્ખો ચણાક, ખૂણે – ખાંચરે પણ કચરાનું નામોનિશાન ન મળે...ખરેખર રાજાનું
ગામ...
* * * * * * *
![]() |
પદ્મ શ્રી સન્માન અને પટેલવાદ |
(Thursday, 30 January 2014 at 12:05pm)
સિંચાઈ માટે
જળસંગ્રહ અને ‘બેટી બચાવો’ અભિયાનથી
જાણીતા સુરતના સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના પ્રમુખ મથુર સવાણીને તેમની આ સમાજસેવા
માટે વર્ષ 2014નું પદ્મ શ્રી સન્માન જાહેર થયું છે.
આ જાહેરાતથી રાજી
થઈને તેમને શુભેચ્છા – અભિનંદન આપતી 28 અને 29 જાન્યુઆરીએ ગુજરાતના દૈનિકોમાં પ્રકટ થયેલી જાહેરખબરોમાં કુલ 113 શુભેચ્છકોના નામ
છે. આ નામો હીરા ઉદ્યોગ સાથે
સંકળાયેલા લોકોના છે...તેમાં એક પણ ખેડૂતનું નામ નથી...અને...હા...
એકપણ નામ કોઈ મા...બહેન...કે
બેટીનું નથી. આપણી (મારી-તમારી
પણ) જાહેર પ્રવૃત્તિઓ કેટલી ખોખલી કક્ષાએ ચાલે છે તેની આ જાહેરાત એક ઉત્તમ ઉદાહરણ
છે. ‘બેટી
બચાવો’ અભિયાન જો સફળ હોય તો લખવા જોગ એક નામ પણ ન મળ્યું? પદ્મ શ્રી
સન્માનની જાહેરાત માત્ર સાથે નામની આગળ ‘પદ્મ શ્રી’નું છોગું
લગાડ્યું છે એ વળી વધારાની ભૂલ. સન્માન હજી માર્ચ મહિનામાં અપાવાનું છે તે યાદ
રાખવું ઘટે.
* * * * * * *
(Thursday, 30 January 2014 at
05:17pm)
બાપુ...
ફરીને પાછા
અમદાવાદ આવી પહોંચો તો...
નામ ન લેતા ‘સાબરમતી
આશ્રમ’નું...
અહીં તેના બે
અર્થ થાય છે...
BRTSમાં બેસતાં પહેલા કહેજો...એક સુભાષબ્રીજ સર્કલ...
* * * * * * *
(Friday, 31 January 2014 at 01:11pm)
કાર શૉ-રૂમમાં
ડમડમબાબાની ડાયલૉગ સિરીઝ.....
“આ ટાટા મોટર્સના શૉ-રૂમમાં નેનો કારને કેમ ડિસપ્લેમાં
નથી મૂકી?”
“સાહેબ...વેચાતી નથી’ને ખોટી જગ્યા
રોકે છે એટલે એને અમે ડ્રોઅરમાં જ મૂકી રાખીએ છે...”…“…બોલો...કેટલી
આપું?”
ગયા મહિને અહીં મુકેલી ડિસેમ્બર
– 2013ના
પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –
.....તેમજ ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અહીં મુકેલી
જાન્યુઆરી – 2011, જાન્યુઆરી – 2012 તેમજ જાન્યુઆરી – 2013ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –
http://www.binitmodi.blogspot.in/2013/02/2011.html
http://www.binitmodi.blogspot.in/2013/02/2011.html
(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)