પ્રતિભાવો ઉર્ફે Comments

Monday, September 03, 2012

કલ્પેશ શાહ : આંખનો ડૉક્ટર, આંખ સામેથી ઓઝલ થયાને વરસ થયા વીસ

ડૉ. કલ્પેશ ગુણવંતલાલ શાહ

તમે કદી રક્તદાન કર્યું છે?
ઘરના બારણે ટકોરા પડે કે ડોરબેલ વાગે ત્યારે જાણે – અજાણે આપણું મન ધારણાઓ બાંધવા લાગે છે. વહેલી સવારનો સમય હોય તો દૂધવાળો કે છાપાવાળો મહિનાનો હિસાબ કરવા આવ્યા હશે, બપોરનો સમય હોય તો ઇન્ટરનેટના જમાનામાં પણ પહેલો ખ્યાલ તો પોસ્ટમેન આવ્યો હશેનો જ આવે કે સાંજના સમયે ગેસ સિલિન્ડર રિફિલની ડિલિવરી આપનારથી લઈને ગેસ્ટના આગમનની ધારણાઓ મન કરવા લાગે. પણ તમે બારણું ખોલો અને આગંતુક તમે કદી રક્તદાન કર્યું છે? એવો સવાલ પૂછે, પૂછી બેસશે એવો ખ્યાલ તો મનના ખૂણેખાંચરે પણ પડેલો ન હોય. પણ બારણે આવેલી વ્યક્તિએ મને સવાલ શું પૂછ્યો, એ પછીના વાક્યોમાં પોતાના આગમનના હેતુનો ઓળખાણ આપવા સાથે ઉઘાડ કરી આપ્યો.

હું ડૉ. કલ્પેશ શાહ / Kalpesh Shah (Dr.). તમારી સામેના બ્લોકમાં જ રહુ છું. ફર્સ્ટ યર મેડિકલ સ્ટુડન્ટ છું. ભણતરના ભાગ રૂપે અમારે વિદ્યાર્થીઓએ કોઈ એક સામાજિક કાર્ય કરવાનું હોય છે અથવા એવી કોઈ જવાબદારી નિભાવવાની હોય છે. મારા સહિતના આ વિસ્તારમાં રહેતા મેડિકલ સ્ટુડન્ટ્સને બ્લડ ડોનેશન કેમ્પ / Blood Donation Camp કરવાનો વિચાર આવ્યો. આ રવિવારની સવારે એક મિત્રના એપાર્ટમેન્ટમાં જ કેમ્પનું આયોજન કર્યું છે.

આટલી માહિતી એ એક શ્વાસે બોલી ગયો પછી ફરી પાછો એ જ સવાલ.....તમે કદી રક્તદાન કર્યું છે?
હા, એક વાર.”…..“ક્યારે?”…..“ચાર મહિના પહેલા.
બસ...બસ...તો...તો...પછી તમે બીજી વાર કરી શકો. નિયમ પ્રમાણે દર ત્રણ મહિને રક્તદાન કરી શકાય. તમે તો યંગ છો. પ્લીઝ ના ન પાડશો અને રક્તદાન કરવા અમારા કેમ્પમાં જરૂર આવજો. અહીં નારણપુરામાં જ છે. રેડ ક્રોસની / Red Cross ટીમ આવવાની છે. એવું હશે તો હું તમને મારા સ્કૂટર પર લઈ જઇશ, મુકી પણ જઇશ. તમારા મમ્મી-પપ્પાને આ બાબતમાં સમજાવવાની કે તેમની મંજૂરી લેવાની જરૂર હશે તો હું ફરી વાર આવી જઇશ. અરે, તમારા અને મારા મમ્મી તો રોજ સાંજે શાકની લારી આવવાના સમયે ભેગા થાય છે જ.

આટલું બોલ્યા પછી તેણે મારા હાથમાં એક છાપેલી પત્રિકા મુકી. રક્તદાન કરવાના ફાયદા સમજાવવા સાથે તે સંબંધી સામાજિક જવાબદારી નિભાવવાની જાહેર અપીલ કરતા એમાં બ્લડ ડોનેશન કેમ્પના સ્થળનું સરનામું, સમય અને તારીખ (રવિવાર, 1 એપ્રિલ 1988) જણાવ્યા હતા. પત્રિકાને અંતે કલ્પેશ સહિતના છએક મિત્રોના નામ હતા જે તેની સાથે જ અમદાવાદની શ્રીમતી એન.એચ.એલ. મ્યુનિસિપલ મેડિકલ કૉલેજમાં / Smt. NHL Municipal Medical College / www.nhlmmc.edu.in) ભણતા હતા.

એ સમયે હું અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતો હતો. પપ્પાની સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાની / State Bank of India નોકરીને કારણે બેન્ક તરફથી ઓફિસર્સ ક્વાર્ટ્સમાં એક ફ્લેટ રહેવા માટે મળ્યો હતો. બારમું ધોરણ પાસ કર્યા પછી હું કૉમર્સ કોલેજમાં એડમિશન મળે તેની રાહ જોતો હતો. ખેડા જિલ્લાના ઠાસરા (ડાકોર પાસે) જેવા નાના ગામમાંથી દસમું ધોરણ પાસ કર્યા પછી અગિયારમું ધોરણ બા-દાદા પાસે મણિનગરમાં રહીને ભણ્યો હતો. અહીં નારણપુરામાં રહેવા આવ્યે માત્ર એક જ વર્ષ વીત્યું હતું. મિત્રો હતા પરંતુ સ્કૂલ પૂરતા મર્યાદિત. ઘરની આસપાસમાં તો કોઈ જ નહીં. એમ સમજો કે એ ખોટ પૂરી થાય તેની આ શરૂઆત હતી.

પત્રિકામાં જણાવ્યા પ્રમાણેના સરનામે હું જાતે જ પહોંચી ગયો. ઘરની નજીક આવેલા લકી એપાર્ટમેન્ટમાં જ રહેતા કલ્પેશના મિત્ર હસમુખ પટેલના / Hasmukh Patel ઘરમાં રક્તદાન કેમ્પનું આયોજન થયું હતું. બ્લડ ડોનર્સની સંખ્યાનો મુખ્ય આધાર આસપાસની સોસાયટીઓ પર જ હતો. અમદાવાદના અન્ય વિસ્તારોમાં રહેતા તેમના ડૉક્ટર મિત્રો પણ આવ્યા હતા. કલ્પેશે લગભગ બધા જ મિત્રો સાથે મારી ઓળખાણ કરાવી.બીજીવારના રક્તદાન માટે હું તૈયાર હતો...અને નવી મૈત્રી માટે પણ.

હું કૉમર્સનો વિદ્યાર્થી હતો, એ સાયન્સનો – મેડિકલ સાયન્સનો. ભણતરથી લઇને નાની-મોટી અનેક બાબતોની વેવલેન્થ એકસરખી તો ક્યાંથી હોય? પણ અમારી મૈત્રી જામી; ખરા અર્થમાં જામી, તેનું એકમાત્ર કારણ તે આ બ્લડ ડોનેશન કેમ્પ / Blood Donation Camp. તેના આમંત્રણને માન આપી હું રક્તદાન કરવા રાજી થયો, ગયો એનું તેને મન મોટું મૂલ્ય હતું. અમે બન્ને એકબીજાની નજીક આવ્યા. 1988-’89 પછીના એ સમયગાળામાં કૉમર્સ કૉલેજોમાં કમ્પ્યૂટરનો વિષય નવો-સવો દાખલ થયો હતો. રેગ્યુલર ક્લાસ ભર્યા પછી કમ્પ્યૂટરના પ્રેક્ટિકલ માટે બપોર અને ક્યારેક તો સાંજ સુધી કૉલેજમાં રોકાવું પડતું. બીજી તરફ મેડિકલ કૉલેજના વર્ગો તેમજ ઇન્ટર્ન ડૉક્ટર તરીકેની કેટલીક જવાબદારીઓ પૂરી કરીને કલ્પેશ પણ સાંજે જ ઘરે આવતો. બસ, આ સાંજ અમારી હતી.

મમ્મીને અઠ્ઠાઈતપના પારણા કરાવતા ભાઈ - બહેન
(ડાબેથી કલ્પેશ, પારૂલ અને રૂપેશ)
મિત્રતા ઘનિષ્ઠતામાં પરિણમી તે પછી કલ્પેશ મારા ઘરે પણ જતો આવતો થયો. તેના ઘરની ફોનની સગવડ મારા પરિવાર માટે એવી રીતે ખુલ્લી મુકી કે અમારા કોઈપણ પરિચિતને તેના ઘરનો નંબર છૂટથી આપી શકતા. ઘરે આવતો કલ્પેશ કૉમર્સની મારી ટેક્ષ્ટ બુક, ખાસ કરીને એકાઉન્ટન્સીના પુસ્તકો જોઇને કાયમ કહેતો કે આ બધું કેમનું પલ્લે પડે? હું તેને સમજાવી શકતો નહીં કારણ એ બધું મારી પણ સમજમાં નહોતું આવતું. જો કે એ આખી કથા જુદો જ વિષય છે. કુટુંબની રીતે જૈન સમાજમાંથી આવતો તે ઘર નજીકના દેરાસરમાં નિયમિત જતો. બીજી તરફ બટાકા ખાવાનો પરહેઝ કરતો નહીં અને એ ખોટ મારા ઘરે આવીને પૂરી કરતો. મારા મમ્મીને ખાસ ફરમાશ કરતા કહેતો કેસુધામાસી, આજે તો તમારા હાથના બટાકાપૌંઆ ખાવા છે.

ડોક્ટરની મિત્રમંડળી
(ડાબેથી ડૉ. સતીશ પટેલ, સમીર શાહ (પિતરાઈ), નીરવ (ટાઈ સાથે),
ડૉ. કલ્પેશ શાહ અને ડૉ. હસમુખ પટેલ (ટાઈ સાથે)

તેના ડૉક્ટર મિત્રો ઘરે આવે. ભણવાની કે તેમના ક્ષેત્રની વાતો થાય, સાથે અમારી ગપ્પાં-ગોષ્ઠિ પણ ચાલુ જ રહે. એમની મેડિકલ ફિલ્ડની વાતોમાંથી મારે કશું પામવાનું તો હતું નહીં, પણ મને તેમની કંપનીમાં મઝા આવતી હતી. સાહિત્ય વાચનનો – ફિલ્મ સંગીત સાંભળવાનો અને તેમાંથી કંઇક પામવાનો નવો-સવો શોખ હું મારી શક્તિ મુજબ પાળતો-પોષતો હોઉં એવા એ દિવસો હતા. કલ્પેશ કે તેના તબીબ મિત્રો એ ખાનામાં પણ ક્યાંય ફીટ નહોતા થતા. છતાં હું એ મિત્રમંડળીનો અભિન્ન હિસ્સો કેમ કરીને હતો તેના ભેદ-ભરમ આજ સુધી પામી શક્યો નથી. સમય જતાં ગુજરાતનું મુખ્યમંત્રીપદ પામેલા શંકરસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા / Shankersinh Vaghela / www.shankersinghvaghela.com) એ સમયે ભારતીય જનતા પક્ષ તરફથી રાજ્યસભાના સભ્ય હતા. કલ્પેશ જ્યાં રહેતો તે બ્લોકના ટોપ ફ્લોર પર રહેતા તેઓ ઘરે આવતા-જતા આ મિત્રમંડળીને હાય, હેલો કરતા જતા. અમારી વચ્ચે બહુ જ મર્યાદિત પ્રમાણમાં અને તે સમયની અમારી સમજ મુજબની રાજકીય વાતો થતી રહેતી તેના કારણમાં કલ્પેશના આ પાડોશી હતા એવું કહી શકાય.


ખંભાતમાં મોટાભાઈના લગ્ન માણતો કલ્પેશ
મોજ-શોખ કરવાના દરેક કાર્યક્રમમાં તેઓ મને સામેલ કરતા. એન.એચ.એલ. મેડિકલ કૉલેજના વાર્ષિક કાર્યક્રમમાં પણ એક વર્ષે મને સાથે લઈ ગયા હતા. ભાવિ ડૉક્ટરો ગીતો ગાય, મિમિક્રી કરે, સ્કીટની ભજવણી કરે એવો રંગારંગ કાર્યક્રમ હતો. મારા વાચનશોખને કારણે જ કૉલેજ તરફથી પ્રકટ થતું સૂવનિઅર મને લાવી આપ્યું. ભાવિ ડોક્ટરો જાણીતા કવિઓની રચના તફડાવીપોતાના નામે ચઢાવી તેમના વર્તુળમાં સર્જક તરીકે પ્રસિદ્ધ થાય – નામના મેળવી જાય એવું પણ એ સ્મરણિકા અંકોના પાનાઓ પર પહેલીવાર જોયું. કવિતા-વાર્તાઓના વાચનને કારણે હું કલ્પેશનું ધ્યાન દોરતો ત્યારે એ કહેતો કેએ તો આમ જ ચાલે, ડૉક્ટરોને એમનું ભણવાનું વાંચવાનો સમય નથી મળતો તો કવિતાઓ ક્યાંથી લખવાના હતા.

ગુણવંતભાઈ શાહ : દવાના ઉત્પાદનનું અવ્વલ જ્ઞાન 
એમ.બી.બી.એસ. અને તે પછીની ઇન્ટર્નશીપ પૂરી થતાં જ હસમુખસતીશ / Satish Patel અને ધર્મેન્દ્ર / Dharmendra Patel જેવા તેના મિત્રોએ અમેરિકાની વાટ પકડી જેમાં પટેલ અટકનો ફાળો વિશેષ હતો. કલ્પેશનું મન પણ એ દિશામાં વિચારતું થયું હતું. પરદેશ જવાનો એક રસ્તો લગ્ન વાટે નીકળે છે એ મિત્રોના દાખલા પરથી જોઈ – સમજી ચૂકેલા કલ્પેશે પણ એ જ રસ્તો અપનાવ્યો. તેના સમાજની જ ગ્રીનકાર્ડ હોલ્ડર યુવતી સાથે તેના લગ્ન થયા. પરદેશ જઈ મેડિકલના અભ્યાસમાં તેમજ પ્રેક્ટિસમાં આગળ વધવા માટે જરૂરી ગણાતી USMLE (United States Medical Licensing Examination / www.usmle.org)ની પરીક્ષા આપવા માટે તે હનીમૂન પછી વ્યસ્ત થયો. અમદાવાદની એલ.એમ. ફાર્મસી કૉલેજના પ્રાધ્યાપક અને તે પછી દવા બનાવતી ગુજરાતની જાણીતી તમામ કંપનીઓમાં ચીફ ફાર્માસિસ્ટ રહી ચૂકેલા તેના પિતા ગુણવંતભાઈનું સતત માર્ગદર્શન તેને મળતું રહેતું. બીજી તરફ અમેરિકા ન જઈ શકાય તો એવી શક્યતાઓ પણ સાથે-સાથે વિચારતા થયેલા એણે ઑફ્થલ્મોલૉજી (આઈ સર્જરી)માં પણ એડમિશન મેળવી લીધું હતું.

કલ્પેશ સંસારમાં પલોટાયો. બરાબર એ જ સમયગાળામાં હું ભણવાની સાથે સાથે નોકરી કરતો થયો હતો. રજનીકુમાર પંડ્યાને / Rajnikumar Pandya તેમના રોજિંદા કામમાં મદદરૂપ થવા સાથે હું પુસ્તક પ્રકાશક આર.આર. શેઠની કંપનીમાં / R.R. Sheth& Co. પણ કામ કરતો હતો. એ રીતે અમે બન્ને જુદી-જુદી રીતે વ્યસ્ત થયા હતા. જો કે મળવાનું બરકરાર હતું પરંતુ તેની પર ડે ફ્રીક્વન્સી ચોક્કસ ઘટી હતી. અમને અભિન્ન મિત્રો માનતા તેના પરિવારજનો કદી ન છૂટા પડનારા એમ કહી અમારી મશ્કરી પણ કરી લેતા. જો કે છૂટા પડવાનો સંજોગ જરા જુદી રીતે આકાર લઈ ચૂક્યો હતો.

બેન્કના નિયમ પ્રમાણે એક શહેરમાં વધુમાં વધુ પાંચ વર્ષ કામ કરી શકતા પપ્પા (પ્રફુલ મોદી)એ અમદાવાદમાં છ વર્ષ પૂરા કર્યા હતા. બદલી થયા પછી બેન્કના ક્વાર્ટરમાં બજારભાવ પ્રમાણે ભાડું ભરીને વધુમાં વધુ છ મહિના રહી શકાય. એ સમયગાળો પૂરો થયો તે અરસામાં જ ખરીદેલા મકાનનું પઝેશન મળતાં નેહરૂપાર્ક – વસ્ત્રાપુર કાયમી ધોરણે રહેવા જવાનું નક્કી થયું. ઘરવખરી ફેરવતા પહેલા સામાન પેકીંગ કરવા માટે મેં નોકરી (આર.આર. શેઠની કંપની / www.rrsheth.com) પરથી અઠવાડિયાની રજા લીધી હતી. સાથે વસુફોઈના દીકરા દિવ્યાંગ અને જમાઈ અનિલભાઈ પરીખની આ કામમાં મદદ મળી તો મોડી રાત્રે ભણવાનું વાંચીને કંટાળેલો કલ્પેશ પણ અમારી સાથે જોડાયો. રવિવાર, 30મી ઓગસ્ટ 1992ની સવારે મીનીટ્રકમાં સામાન ગોઠવાયો એ પછી છેલ્લે જૂના ઘરે તાળું મારી બારણે નવા ઘરનું સરનામું લખેલો કાગળ મેં ચોંટાડ્યો. ફોન હતો નહીં એટલે નોકરીના સ્થળનો ફોન નંબર લખ્યો. આશય એટલો જ હતો કે અહીં અમારા નામે આવનારી ટપાલ રીડિરેક્ટ થઈ નવા સરનામે અમને મળે અને કોઈ પરિચિત આવી ચઢે તો તેમને નવા ઘરનું સરનામું મળે.

નવા ઘરમાં સામાન ગોઠવવાનું કામ લાગલગાટ ચાર-પાંચ દિવસ ચાલ્યું. લોકલ ફોન કરવો હોય તો એક રૂપિયાનો સિક્કો લઇને વસ્ત્રાપુર ગામની ભાગોળે આવેલી ચા-નાસ્તાની એક હોટલ પરના પબ્લિક ફોનનો ઉપયોગ કરવો પડે. સંભવતઃ આળસમાં અથવા ખાસ કોઈ આવશ્યકતા નહોતી એટલે જ કલ્પેશને ફોન કરવાનું ટાળતો રહ્યો. સમય રહેતે રૂબરૂ જ મળવા જઈ આવીશ એવી ગણતરી હતી પણ એવો સમય પણ ન મળ્યો અને નોકરી પર હાજર થવાનો દિવસ આવી ગયો.

અઠવાડિયાની રજા ભોગવ્યા પછી આર.આર.શેઠની કંપની પર પહોંચ્યો ત્યારે મેનેજર ભાસ્કરભાઈ મહેતા જાણે મારી રાહ જોઇને જ બેઠા હોય તેમ હાજર થતાં વેંત મને બોલાવ્યો - આવોને’. આમ તો હું સત્તાવાર ધોરણે રજા લઈને ગેરહાજર રહ્યો હતો તો ય મને નોકરી ચાલી જવાની ફડક બેસી. હાથે લખેલી એક ચબરખી ધરીને મને તેમણે કહ્યુંઆ નંબર પરથી રોજ તમારા નામે એક ફોન આવે છે. ફોન કરનાર એનું નામ કહે છે પણ તમારું શું કામ પડ્યું છે એ કહેતા નથી. મેં જોયું તો એ કલ્પેશના ઘરનો નંબર હતો. જો કે ફોન કરનાર વ્યક્તિનું નામ કલ્પેશનું નહીં પણ તેના મામાનું હતું. કલ્પેશના મામા સાથે પરિચય હતો પણ તેમને મારું કોઈ કામ પડે – પડ્યું હોય એમ સમજવાને મારું મન તૈયાર નહોતું. મેં ફોન કરવાનું ટાળીને ભાસ્કરભાઈ પાસે નવા કામની માગણી કરી. કંપનીમાં સેલ્સની જવાબદારી સંભાળતા હું મારા ફિલ્ડવર્કના કામે નીકળી પણ ગયો – ફોન કર્યા વગર જ.

કામ પૂરું કરી સાંજે કંપની પર પહોંચ્યો ત્યારે ફરી પાછો એ જ સંદેશો. ભાસ્કરભાઈએ કહ્યું પણ ખરું કેતમને ફોન કરવાની તાકીદ કરી છે. કરી લો ને એક ફોન. એમ કહી તેમણે ફોન મારી નજીક ખસેડ્યો. પરમ મિત્ર સાથે અઠવાડિયાથી કોઈ વાત નહોતી થઈ એટલે મને પણ થયું કે હવે મારે એક ફોન તો કરી જ લેવો જોઇએ. કર્યો. ફોન ઉપાડનાર તેના કાકા હતા. આશ્ચર્ય. કલ્પેશ સાથે વાત કરાવોના જવાબમાં તેમણે એટલું જ કહ્યું કેતમે ગુણવંતના ઘરે આવી જાઓ. એ કલ્પેશના મોટાકાકા હતા અને અવાજ સત્તાવાહી હતો એટલે મારે એમ કરવું જ રહ્યું. પહોંચ્યો. એ સોમવાર, 7મી સપ્ટેમ્બર 1992ની સાંજ હતી.

ઇન્દુબહેન અને ગુણવંતભાઈ શાહ : કલ્પેશના માતા-પિતા
ઘરનું વાતાવરણ કંઇક અજુગતું બની ગયું હોય તેવું હતું જે મારા માટે ગણતરીની સેકન્ડોમાં આઘાતજનક પરિસ્થિતિમાં ફેરવાઈ ગયું. મારા આગમન પહેલા અંદરના રૂમમાં મૂકી દેવાયેલો એક ફોટો લાવીને મારી સામેના ટેબલ પર કાળજીપૂર્વક ગોઠવવામાં આવ્યો. સુખડનો હાર ચઢાવેલો એ ફોટો કલ્પેશનો હતો – ડૉ. કલ્પેશ શાહનો. ઇન્દુમાસી અને ગુણવંતકાકાના હોનહાર દીકરાનો. તેના બહેન-બનેવી પારૂલબહેન – નીતિનભાઈ અને ભાઈ-ભાભી રૂપેશભાઈ – પરેશાભાભી સહિતના સ્વજનો મિનિટોની અંદર મારી આસપાસ ગોઠવાઈ ગયા. સૌના મોંઢે એક જ સવાલ હતોભાઈ, કલ્પેશે આવું કેમ કર્યું?’…..સૌની એક જ અપેક્ષા હતી મારી પાસેથીભાઈ, તમે એના ખાસ ભાઈબંધ હતા. એણે કેમ આમ કર્યું એની તમને તો ખબર હોય જ. આટલી પૂછપરછ પછી પણ મારે સુખડના હારનું રહસ્ય પામવાનું બાકી હતું. અકસ્માત?.....અચાનક આવી પડેલી માંદગી?.....હાર્ટએટેક? જવાબ બહુ જલદીથી મળી ગયો.

કલ્પેશ : બાળપણમાં
શુક્રવાર4 સપ્ટેમ્બરની સાંજે તેણે આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દીધું. મમ્મી ઘર પાસે આવેલી લારીમાંથી શાકભાજી ખરીદતા હતા, ભાભી રસોડામાં વ્યસ્ત હતા, નાની બાળકી એવી ભત્રીજી મિરલ (લાડકું નામ બીટ્ટુ) ઘરમાં રમતી હતી અને પપ્પા તેમજ મોટાભાઈ પોતપોતાના કામે ઘરબહાર હતા ત્યારે એણે પોતાના રૂમમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

મિત્ર કલ્પેશના સ્વજનો મારી પાસેથી જાણવા ઇચ્છતા હતા તેવું તેના મૃત્યુનું રહસ્ય હું આજ દિન સુધી – વીસ-વીસ વર્ષના વહાણાં વહી ગયા પછી પણ પામી શક્યો નથી. એવો પ્રયત્ન પણ એ સમયે કર્યો નહોતો, કારણ મૃત્યુની સમજણ પણ પૂરેપૂરી વિક્સી ના હોય તેવી બાવીસ જ વર્ષની મારી ઉંમર હતી. એ મારો ખાસ ભાઈબંધ હતો, નજીક હતો, જીવન ઘટમાળની ઘણી બધી વાતોનું મારી સાથે શેરીંગ કરતો હતો પણ જિંદગીનો અંત આણવા માટે મજબૂર કરે એવી એકપણ વાત તેણે મારી સમક્ષ ક્યારેય કરી નહોતી.

અંગત રીતે તેનું આમ અચાનક ચાલી જવું એ દિવસોમાં મારા માટે ખાસું પીડાજનક બની રહ્યું હતું. એ સાંજે ઘરે આવીને મમ્મી-પપ્પાને ખબર કર્યા તો તેમની સ્થિતિ મારાથી અલગ થોડી હોય? રાત પડી ગઈ હતી એટલે બીજા દિવસે જ તેના ઘરે મળવા જવાનું શક્ય હતું પરંતુ અમે ત્રણેય મોડી રાત સુધી જાગતાં રહ્યા. સુતા પહેલા પપ્પાએ મને જે સવાલો કર્યા તે હું આજન્મ ભૂલી શકું તેમ નથી – તારે કોઈ ચિંતા નથીને?.....હોય તો જણાવી દે......તારા મનમાં આવું કંઈ કરવાનું ચાલતું તો નથીને?

કલ્પેશ શાહ : 28-12-1966થી 04-09-1992
એ દિવસોમાં જ લેખક-પત્રકાર રજનીકુમાર પંડ્યાનો / Rajnikumar Pandya તેમના વીનેશ પટેલ સરખા કેટલાક મિત્રોના અકાળે થયેલા અવસાન અને તેમની સાથેની દોસ્તીનું વર્ણન કરતો લેખ પ્રકટ થયો હતો. એ વાંચીને કલ્પેશની તીવ્ર યાદ આવતી. આજે પણ એ યાદ આવે તો આંખનો ખૂણો ભીનો નથી થતો પણ મનનો એક ખૂણો ચોક્કસ એવી કલ્પના કરીને રાજી થાય છે કેગમે તેમ કરીને એ આ દુનિયામાં ટકી ગયો હોત તો જિંદગી જુદી હોત, એની પણ અને મારી પણ.’ મિત્રો – પરિચિતો સાજા-સમા હોય કે માંદગીનો વખત હોય તેવે વખતે ઘરનો ડૉક્ટર / Family Doctor પાસે છે એવું આશ્વાસન તો ચોક્કસ લઈ શકાયું હોત. એટલા માટે કે એ રીતે તે મદદરૂપ થવાની – કોઈને ખપમાં લાગવાની ભાવનાવાળો હતો. તેના અવસાનના સમાચાર મને મોડા, ચોથા દિવસે મળ્યા હતા એટલે અંતિમવિદાય વખતે ગેરહાજર એવો હું એક વાતનું ઠાલું આશ્વાસન પણ લઉં છું કે કલ્પેશ મૃત્યુ પામ્યો જ નથી, કારણકે મેં તેનો મૃતદેહ ક્યાં જોયો જ છે?


તસવીરો : કલ્પેશ શાહના પરિવાર તરફથી

16 comments:

  1. બીરેન કોઠારી4 September 2012 at 12:52

    આપણો પરિચય થયાને માંડ છ-સાત મહિના થયેલા અને પહેલી વખત રૂબરૂ મળ્યાને મહિનો પણ થયો નહોતો અને તેં પત્રમાં કલ્પેશના અપમૃત્યુ વિષે જણાવેલું.

    ReplyDelete
  2. મારી પણ આંખ-મનનો ખૂણો ભીનો થઇ ગયો :(

    ReplyDelete
  3. એ વખતે તે ગુરુનું જ એક વાક્ય કહ્યું હતું: બે લીટી ની વાત પણ નવલકથા નાની પડે

    ReplyDelete
  4. :( બીનીતભાઈ, આ વાંચીને ડુંસકાભરીને રડી... આટલું જ માંડ લખી શકી...

    ReplyDelete
  5. ....shu kahu??!

    ReplyDelete
  6. તાજેતરમાં જ એક યુવાન ડો વીએસમાં આત્મહત્યા કરી...ત્યારે પણ ખૂબ આઘાત લાગેલો.....મને ક્યારેય સમજાયું નથી કે લોકો પાસે આત્મહત્યા માટે એવા તે શા કારણો હશે??? જિંદગીના કોઈ એવા સવાલો નથી હોતા કે જેનાં જવાબ ના હોય....

    ReplyDelete
  7. સૌ મિત્રો,
    બ્લોગની સત્તાવીસમી પોસ્ટ (3 સપ્ટેમ્બર 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.

    એકવીસમી સદીનું સ્વપ્ન માત્ર રાજીવ ગાંધીએ નહોતું જોયું. ઘણાએ જોયું હશે. હું ય એમાંનો જ એક છું. હા, મને એમ થતું હતું કે એકવીસમી સદીમાં પણ આ મિત્રો તો મારી સાથે જ હશેને? જો કે કલ્પેશની અચાનક વિદાયથી એ આશા ઠગારી નીવડી. આશ્વાસન લઇ શકું તો એટલું કે તેની વિદાય પહેલા મને એક નહિ બે મજબૂત મિત્રો મળ્યા - બીરેન કોઠારી અને ઉર્વીશ કોઠારી.

    કલ્પેશ સાથે મૈત્રીનું નિમિત્ત બનેલી રક્તદાનની પ્રવૃત્તિ તેની હયાતીમાં ચાલુ રાખી હતી તેવી જ તેની અણધારી વિદાય પછી પણ લાગલગાટ ચાલુ રાખી. તેનું પરિણામ એ આવ્યું કે તેની વીસમી પુણ્યતિથિએ મેં 99મી (નવ્વાણુંમી) વખત રક્તદાન કર્યું. મારે મન એ જ શ્રદ્ધાંજલિ છે.

    બિનીત મોદી (અમદાવાદ) / મંગળવાર, 18 સપ્ટેમ્બર 2012

    ReplyDelete
  8. Rajnikumar Pandya (Ahmedabad)25 September 2012 at 16:49

    Binit,
    It was a very touchy piece. It makes us remember our own past.
    Rajnikumar Pandya (Ahmedabad)

    ReplyDelete
  9. Dilip Chandulal (Ahmedabad)25 September 2012 at 16:55

    Congrats for donating for nearly 100th time.
    Dilip Chandulal (Ahmedabad)

    ReplyDelete
  10. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને દોઢ વર્ષ પૂર્ણ થયું.
    27મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 03-09-2012 to 03-09-2013 – 470
    મિત્ર કલ્પેશને આ રીતે બ્લોગના માધ્યમથી યાદ કરતાં અને ‘ફેસબુક’ પર પોસ્ટનું શેરીંગ કરતાં પોસ્ટમાં જેમનો ઉલ્લેખ છે તે ડૉ. હસમુખ પટેલ અને ઉલ્લેખ નથી તે ડૉ. ધર્મેન્દ્ર પટેલ સરખા તેના સહાધ્યાયી તબીબી મિત્રો વીસ વર્ષે પુનઃ સંપર્કમાં આવ્યા તેનો આનંદ અને આ લખ્યાની ફલશ્રુતિ.
    પોસ્ટ વાંચનાર, પ્રતિભાવ પાઠવનાર અને એક દુઃખદ સ્મૃતિમાં લાગણીથી મારી સાથે જોડાનાર સૌનો ફરી એક વાર આભાર.

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  11. Dharmendra Patel (Dr.) (USA)5 September 2013 at 10:00

    Kalpesh, even after 21 years, you are still missed!
    Dr. Dharmendra Patel (USA, Classmate at NHL Municipal Medical College, Ahmedabad)
    (Response through FACEBOOK : Wednesday, 4 September 2013, Post Re-shared on Dr. Kalpesh Shah's 21st Death Anniversary)

    ReplyDelete
  12. Hasmukh Patel (Dr.) (USA)8 September 2013 at 20:20

    I missed my closest friend forever. I wish he was with me today!!!
    Dr. Hasmukh Patel (USA, Classmate at NHL Municipal Medical College, Ahmedabad)
    (Response through FACEBOOK : Sunday, 8 September 2013, Post Re-shared on Dr. Kalpesh Shah's 21st Death Anniversary)

    ReplyDelete
  13. પ્રિય મિત્રો,
    27મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 03-09-2013 to 03-09-2014 – 140

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  14. I still remember Dr Kalpesh at Lucky Apt ,Naranpura,when I was in 10 th Grade with Dr Hasmukh patel, He was such a nice and very close to our family.
    Ashvin patel (USA)

    ReplyDelete