પ્રતિભાવો ઉર્ફે Comments

Showing posts with label શ્રદ્ધાંજલિ. Show all posts
Showing posts with label શ્રદ્ધાંજલિ. Show all posts

Wednesday, January 23, 2019

મમ્મીને ત્રણ બહેનો છે, ચોથા માસીનું નામ ઇન્દુ તારક મહેતા

ઇન્દુ તારક મહેતા / Indu Tarak Mehta
27 માર્ચ 1944 થી 19 જાન્યુઆરી 2019 (અમદાવાદથી અમદાવાદ)
(1981, દુબઈ પ્રવાસની સ્ટુડીઓ તસવીર યાદગીરી)

મારા મમ્મી સુધાબહેનને ત્રણ બહેનો છે અને એમ મારે ત્રણ માસી. પચીસ વર્ષ પહેલા 1994ની આસપાસ એ સંખ્યામાં એક મજબૂત ઉમેરો થયો એ નામ એટલે ઇન્દુમાસી. ઇન્દુ તારક મહેતા / Indu Tarak Mehta. હા, એ જ દુનિયાને ઊંધા ચશ્માંના માળાના શ્રીમતીજી. ઘણા બધા માટે જાડીકાકી. થોડા લોકો માટે ઇન્દુબા. અમદાવાદમાં એ જ્યાં રહેતા એ પેરેડાઇઝ અપાર્ટમન્ટમાં / Paradise Apartment, Ambawadi, Ahmedabad એમને પહેલીવાર મળ્યો ત્યારે એ મારા માટે શ્રીમતી તારક મહેતા હતા, સંબોધન કદાચ ઇન્દુબહેનનું જ કરતો હોઇશ. એકવાર મને કાંઠલેથી પકડ્યો. કહે કે મહેતાને તમે તારકકાકા કહો છો તો હું તમારા માટે બહેન કેવી રીતે ગણાઉં. તમે મને ઇન્દુમાસી કહી શકો. તો આમ જાડીકાકી મારા માટે ઇન્દુમાસી બની ગયા.

ઇન્દુબહેન – તારકભાઈને પહેલીવાર મળ્યો ત્યારે હું કુંવારો હતો. પછી લગ્ન થયા. તેમની સાથેના વ્યવહારમાં આ સંબોધન એટલું વણાઈ ગયું હતું કે લગ્ન પછી પત્ની શિલ્પાને હું માસીના સંદર્ભમાં કોઈ પણ બાબત-સમાચાર જણાવતો ત્યારે એ આપોઆપ સમજી જતી કે ઇન્દુમાસીની વાત થાય છે. સગાં ત્રણ માસીની વાત નામોલ્લેખ સાથે કરવી એવી અમે અમલ સમજૂતી કરી હતી. અમદાવાદમાં મારી કામની જગ્યા ગૂર્જર પ્રકાશનની ઑફિસ અને તેમનું ઘર પેરેડાઇઝ અપાર્ટમન્ટ બન્ને આંબાવાડી વિસ્તારમાં. એ કારણે વિશેષ અવર-જવર રહેતી. મળવામાં અઠવાડિયાથી વધારે અંતર પડે એટલે અચૂક ફોન આવે. તેમને મળ્યા પછી હું ઘરે પહોંચીને સાંજનું ભોજન જે અલ્પ માત્રામાં લઉં તેના પરથી પત્નીને ખ્યાલ આવી જાય કે આજે હું મહેતા દંપતીને ત્યાં દબાવીને આવ્યો છું. ઑફિસ આંબાવાડીમાં જ હતી તોય શિલ્પા મને પૂછે કે, ‘હું આંબાવાડીનો આંટો મારીને આવ્યો છું કે કેમ?’

હા, મહેમાનગતિ કરવી એ ઇન્દુમાસીની હોબી હતી. કદાચ તેમને સૌથી વધુ આનંદ એ બાબતનો. લેખક-પત્રકાર રજનીકુમાર પંડ્યાએ મારો તારક મહેતા પરિવાર સાથે કઈ રીતે સંપર્ક કરાવ્યો તે હું અગાઉ લખી ગયો છું. (સંદર્ભ લિન્ક – http://binitmodi.blogspot.com/2017/03/blog-post.html) તેમના – પરિવારના કામમાં મેં આંશિક ધોરણે જવાબદારી સ્વીકારી કે કામ કર્યું એ રૂએ તો મારે દર આંતરે દિવસે તેમના ઘરે જવાનું થતું રહ્યું. પણ ઇન્દુમાસી જેમનું નામ. તેમની મહેમાનગતિમાં કોઈ ફરક નહીં. બધું પગારદાર માણસોના ભરોસે થતું હોય પરંતુ એમ કરવાવાળાને ચાકરી ન લાગે અને મેળવનારને પોતાની સહેજ પણ ઓછી દરકાર લેવાઈ રહી છે એવું બિલકુલ ન લાગે, ન લાગવા દે તેનું નામ ઇન્દુમાસી. અઠવાડિયામાં આઠ વાર તેમના ઘરે જનાર મને એમણે કદી ટેકન ફોર ગ્રાન્ટેડ ન લીધો એનું મારે મન બહુ મોટું બહુમાન છે. એકવાર, માત્ર એક જ વાર રસોઈકામની જવાબદારી સંભાળતા બહેનથી મારી આગતા-સ્વાગતામાં કે આવકારમાં કઇંક કાચું કપાયું હશે તે તરત જ તેમના પ્રેમાળ અને બીજા અર્થમાં સત્તાવાહી અવાજમાં જરૂરી સૂચના અપાઈ ગઈ. એવી નોંધ સાથે કે તેનો અમલ કાયમ કરવાનો છે – તેમની ગેરહાજરીમાં હું તેમના ઘરને આંગણે હઉં ત્યારે પણ.

હરવાફરવાનો તેમનો શોખ ગજબનો. એ નિમિત્તના જે બીજા શોખ તે પહેરવા-ઓઢવાના, ખરીદીના અને ઉત્તમમાં ઉત્તમ ભોજનના. એમના શોપિંગ લીસ્ટમાં નાસ્તાની ચીજ-વસ્તુઓ મોખરે હોય. તારકભાઈ સાથે દેશ-પરદેશના અઢળક પ્રવાસો કરનારા તેમના પગ મહેતાસાહેબની નાજુક તબિયત પછી બંધાઈ ગયા. તેમને ખુદને પણ આરોગ્ય સંબંધી પ્રશ્નો હતા. એ બધા વચ્ચે તેમને કચ્છના આશાપુરા મા પર ગજબની આસ્થા – શ્રધ્ધા હતી. તારકભાઈની સંભાળ વ્યવસ્થા ગોઠવી, તબિયતના તકાજાને ધ્યાનમાં રાખી એક જ સમયના દર્શન માટે પણ તે કચ્છ-ભૂજ-આશાપુરાનો / Ashapura Maa Temple, Bhuj, Kachchh ત્રણ દિવસનો પ્રવાસ કાર્યક્રમ અવારનવાર ઘડી કાઢતા. ક્યારેક અમે દંપતી (શિલ્પા બિનીત) એ કાર્યક્રમનો હિસ્સો બનતા. તેમના પરિવારના અન્ય સભ્યો પણ સાથે હોય. લેખન-પત્રકારત્વના ક્ષેત્રમાં હોવાના કારણે એ ક્ષેત્રના સક્રિય લોકોનો પરિચય સ્વાભાવિક હોય પરંતુ આકાશવાણી અમદાવાદમાં કાર્યરત મૌલિન મુનશીનો / Maulin Munshi પરિચય મને મહેતા દંપતીના કારણે થયો હતો. મૌલિનના પિતાજી તારકભાઈના ભાણેજ હતા. મૌલિનના પરિવાર માટે તેઓ તારકમામા-ઇન્દુમામી હતા. તારકભાઈએ તેમના એકાંકી નાટકોનો એક સંગ્રહ ડહાપણની દાઢ મને અને મૌલિનને સંયુક્ત રીતે અર્પણ કર્યો છે.

રજનીકુમાર પંડ્યા પાસેથી મળેલી તાલીમ પછી હું ઇન્દુમાસીના હાથે ઘડાયો એમ કહું તો ખોટું નહીં. એમના વ્યવહારીક કામોની જવાબદારી એ કક્ષાની હતી કે તેમાં મારે ઊંડા ઉતરવું જ પડે. જાતભાતના નીતિ-નિયમોની જાણકારી મળે. એ કામમાં આવતા અંતરાયો અને ઉકેલ પણ મળતા જાય. બહુધા તારકભાઇનું નામ-ફેમ કામમાં આવે. કામની જવાબદારી સોંપ્યા પછી પૂછગંધો પણ ના લે અને નિશ્ચિંત પણ ન થાય એ ગુણ-અવગુણ જે ગણાતું હોય તે ભલે ગણાય – ઇન્દુમાસીમાં એ બન્ને જોવા મળ્યા. મારી દરકાર હંમેશા લે. ઉનાળાની ભરબપોરે કે વરસતા વરસાદમાં કોઈ કામ કરવાનું હોય ત્યારે એ રિક્ષા-ટેક્ષીનો વિકલ્પ સૂચવીને બેસી ના રહે...મારા માટે એની વ્યવસ્થા કરી જ હોય. પોતાના કે અન્યના નાના-મોટા કોઈ લાભ માટે કદી તારકભાઈનું કે ચિત્રલેખાનું નામ ન વટાવ્યું એ તેમનો મોટો ગુણ. કોઈને કદી એ માટે એવી સૂચના આપતા પણ ન જોયા – ન સાંભળ્યા. બાકી આ લખ્યા એ બે એવા ચલણી નામ હતા, છે અને રહેવાના કે ભલભલા કામ ચપટીમાં પતી જાય. મહેતા દંપતીએ આવી ખેવના કદી ન કરી.

પ્રભાબહેન શુક્લ : ઇન્દુમાસીના માતુશ્રી
પોતાને કાચનું વાસણ ગણાવનારા તારકભાઈની કાળજીપૂર્વક દરકાર રાખનાર ઇન્દુમાસી સાથે બધું મળીને પચીસેક વર્ષનો સંબંધ રહ્યો. પાછલા પાંચેક વર્ષ તેમના આરોગ્યની ચિંતા કરાવનારા રહ્યા. અધરાતે – મધરાતે દોડવું પડે. સારવાર મેળવવામાં કદી કચાશ ન રાખી એ એમનો મોટો ગુણ. સારવારમાં સામેલ ડૉક્ટરો સાથે સીધો સંપર્ક રાખે. પારિવારિક સંબંધ પણ ખરો. હોસ્પિટલની – ડૉક્ટરની સૂચનાઓનું અક્ષરશઃ પાલન પણ કરે અને કંટાળે ત્યારે થોડું બાજુ પર પણ મૂકે. તારકભાઈની યાદ કાયમ રાખનારા પુસ્તક સ્મૃતિ વિશેષના 28 ડિસેમ્બર 2018ના રોજ અમદાવાદમાં યોજાયેલા વિમોચન કાર્યક્રમ માટે સગાં-સંબંધી-મિત્રો-પરિચિતો ઉપરાંત તેમની સારવારમાં અવારનવાર સામેલ થયેલા તમામ ડૉક્ટરોને પણ યાદ કરીને વોટ્સઅપ આમંત્રણ પાઠવ્યા. આ જ પુસ્તકના 5 જાન્યુઆરી 2019ના રોજ મુંબઈમાં આયોજિત કાર્યક્રમને પણ મનભરીને માણવા રૂબરૂ પહોંચ્યા. પ્રવાસ, ખાણીપીણી અને પરિચિતોને હળવા-મળવામાં જ પોતાનું શ્રેય જોનારા તેમના માટે આ છેલ્લો પ્રવાસ બની રહ્યો. સ્મૃતિ પુસ્તક પ્રકાશિત થયાના પખવાડિયા પછી 19 જાન્યુઆરી 2019ની બપોરે તેમણે આખરી વિદાય લીધી. એ અગાઉ ઇન્દુમાસીએ આખરી દરકાર એ લીધી કે તારકભાઈની અંગત લાયબ્રેરીના પુસ્તકો, સંદર્ભ ગ્રંથો, સામયિકો અને પ્રકાશિત સામગ્રીને તેનો યોગ્ય ભાવિ ઉપયોગ કરનારા મિત્રો સુધી પહોંચતા કર્યા.
નૂતનવર્ષના આશિર્વાદ : દિવાળી 2018

આવતા જનમમાં મને ત્રણ નહીં ચાર માસી મળે એવી આકાંક્ષા સાથે – આવજો ઇન્દુમાસી.

Tuesday, July 10, 2018

અમૃતલાલ વેગડ : નર્મદાયાત્રી માટે તારક મહેતાનું ઘર તીર્થાટન

અમૃતલાલ વેગડ / Amrutlal Vegad
3 ઑક્ટોબર 1928 થી 6 જુલાઈ 2018
જબલપુરથી જબલપુર


ભાષાના બંધનમાં જેને બાંધી શકાતી નથી એવી ચિત્રકળા અને નર્મદાકાંઠાની તીર્થયાત્રા કરતા હિન્દી ભાષામાં લખાયેલા સંસ્મરણોથી જાણીતા થયેલા અમૃતલાલ વેગડને / Amrutlal Vegad ગુજરાતે ખૂબ મોડા અને ગુજરાતી પુસ્તકો થકી જ ઓળખ્યા. હિન્દી ભાષાના અગ્રણી અખબાર સમૂહ દૈનિક ભાસ્કર / Dainik Bhaskar સમૂહના ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કરની / Divya Bhaskar ગુજરાતમાં શરૂઆત અને બુધવારની અઠવાડિક પૂર્તિમાં આવતી નદીયા ગહરી, નાવ પુરાની કોલમથી ગુજરાતી વાચકોને તેમનો પહેલો નહીં તોયે નવેસરથી પરિચય થયો એમ કહીએ તો ખોટું નહીં.

કચ્છનું કુંભારિયા ગામ તેમનું વતન. વડવાઓનું આ ગામ વાગડ પ્રદેશનો ભાગ હતું એટલે તેઓ વેગડ અટકથી ઓળખાયા. ગુજરાત સાથેનો તેમનો નાતો નવેસરથી જોડાયો પછી ગુજરાત – અમદાવાદની મુલાકાતો પણ યોજાતી રહી. આવી એક મુલાકાતમાં (વર્ષ 2004) દિવ્ય ભાસ્કર ઑફિસની મુલાકાત લેતા તત્કાલીન તંત્રી અજય ઉમટ / Ajay Umat સમક્ષ તેમણે ઇચ્છા વ્યક્ત કરી કે અમારે (અમૃતલાલ વેગડ અને કાન્તાબહેન વેગડ) તારક મહેતાને / Tarak Mehta મળવા જવું છે. શક્ય બનશે? તારકભાઈ પણ એ સમયે દિવ્ય ભાસ્કરના કોલમ લેખક હતા. એક ફોન, થોડી વાતચીત અને ટેક્ષીની વ્યવસ્થા સાથે અજય ઉમટે વેગડસાહેબની ઇચ્છા પૂરી કરવાનું પહેલું કદમ માંડ્યું. તારક મહેતાને અનુકૂળ એવા સાંજના સમયે મુલાકાત ગોઠવાઈ.

વેગડ દંપતી તારકભાઈના ઘરે પહોંચ્યા. થોડી વાતચીત થઈ અને ઇન્દુબહેને (શ્રીમતી તારક મહેતાએ / Indu Tarak Mehta) અમૃતલાલ વેગડ સામે ઘરનો ફોન ધર્યો. કહ્યું અજયભાઈ તમારી સાથે વાત કરવા માગે છે. અજય ઉમટે અમૃતલાલ વેગડેને જણાવ્યું કે, થોડી મિનિટો પહેલાના ન્યૂઝ ફ્લેશ જણાવે છે કે સૌંદર્યની નદી નર્મદા પુસ્તક માટે તમને કેન્દ્રિય સાહિત્ય અકાદમીનું સન્માન મળે છે. આ સમાચાર તમારી સાથે જ સૌ પહેલા વહેંચી રહ્યો છું અને તમે એ તારકભાઈ સાથે વહેંચો. વહેંચ્યા. તારકભાઈએ અભિનંદન પાઠવ્યા અને ઇન્દુબહેને મોં ગળ્યું કરાવ્યું. તારકભાઈને વેગડસાહેબે કહ્યું કે આપની સાથેની મુલાકાત તો યાદ રહેશે જ પણ મને આ સન્માનના સમાચાર તમારા ઘરમાં સાંભળવા મળ્યા હતા એ હંમેશા યાદ રહેશે.



કાન્તાબહેન વેગડ અને અમૃતલાલ વેગડ
આ ઘટના – પ્રસંગના થોડા વર્ષો પછી તેઓ ફરી અમદાવાદ આવ્યા
. સાથે કાન્તાબહેન હતા એમ લખવાની જરૂર ખરી? એ તો એમના કાયમના સાથી – સંગાથી હતા. ફરી એકવાર તારકભાઈની મુલાકાત. તેમની આ મુલાકાતથી માહિતગાર એવા હાસ્યલેખક રતિલાલ બોરીસાગર / Ratilal Borisagar અમૃતલાલ વેગડને મળવા તારકભાઈના ઘરે આવ્યા. એકમેકનો પરિચય, થોડી વાતચીત પછી રતિલાલ બોરીસાગરે તેમને પોતાની મુલાકાતનો મૂળ ઉદ્દેશ જણાવ્યો. કહ્યું કે રામચરિત માનસના કથાકાર મોરારીબાપુ / Morari Bapu ઇચ્છે છે કે આગામી અસ્મિતા પર્વમાં / Asmita Parv આપ આવો અને નર્મદાયાત્રાની વાતો ભાવકો – શ્રોતાઓ સમક્ષ મુકો. આમંત્રણનો સ્વીકાર કરતા વેગડસાહેબે પ્રતિભાવમાં કહ્યું કે તેઓ જરૂર એ આયોજનમાં સહભાગી થશે. નર્મદાયાત્રાના સંસ્મરણો તેમણે અનેક ઠેકાણે કહ્યા છે પરંતુ અસ્મિતા પર્વનું આ ઠેકાણુ, તલગાજરડા – મહુવા મુકામે યોજાતું સાહિત્ય પર્વ વિશેષ છે એની તેમને જાણ છે. તારકભાઈના ઘરે જ્યારે પણ આવે છે ત્યારે આવા સારા – વિશેષ સમાચાર મળતા રહે છે એનો આનંદ પણ વેગડકાકાએ વહેંચ્યો.

2015માં નવજીવન ટ્રસ્ટ – પ્રકાશન સંસ્થાની / Navajivan Trust મુલાકાતે અમદાવાદ આવ્યા એ તેમની છેલ્લી મુલાકાત બની રહી. નર્મદા યાત્રા પર તેમણે કરેલા ચિત્રોનું પ્રદર્શન અને એ નિમિત્તે તેઓ થોડી વાતો કરે અને પ્રશ્નોત્તરી પણ થાય એવો ઉપક્રમ હતો. અમદાવાદ આવ્યાનો એ કદાચ પહેલો – બીજો દિવસ હશે. વાચક તરીકે પરિચય આપીને વાંચવા ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરિષદમાં અરૂણા મહેતાના આયોજન થકી કૉફી મેટસ્ના / Coffee Mates ઉપક્રમે તેમના વક્તવ્યનો આ અગાઉ લાભ મળ્યો છે એવી સહજ વાત સાથે તારકભાઈના ઘરે મળ્યાનું સ્મરણ કરાવ્યું.

એમની આંખોમાં ચમક આવી ગઈ. કહે,
કાન્તા, યાદ છે ને આપણે તારકભાઈને મળ્યા વગર અમદાવાદ છોડવાનું નથી. હવે તેઓ ઘર બહાર નીકળી શકતા નથી એટલે પણ આપણે જવું જ જોઈએ. સાંભળતા થાય કે કેટલી સહજ ભાવના. કૃતનિશ્ચયી પણ ખરા. તેમની ઇચ્છાને અનુમોદન આપતા ઉપરોક્ત ઉપક્રમના આયોજક વિવેક દેસાઈએ (મેનેજીંગ ટ્રસ્ટી, નવજીવન ટ્રસ્ટ) કહ્યું કે હું તમને એમના ઘરે લઈ જઈશ. મને કહે, તમે સાથે આવશોને. તારકભાઈનું ઘર મારા માટે તીરથ સમાન છે. જ્યારે જઉં ત્યારે કંઈક સારા સમાચાર સાંભળવા મળે જ છે. મેં પૂછ્યું, વેગડકાકા આ વખતે તમને કયા સારા સમાચારની અપેક્ષા છે. કહે, હવે પગ કામ નથી કરી રહ્યા. છતાં નર્મદામૈયાની એક ટૂંકી યાત્રા કરવાની મનશા છે. મને ખાત્રી છે કે પ્રવાસના શોખીન તારકભાઈને મળવા માત્રથી નર્મદાના જળમાં ચરણ પખાળવા જઈ શકું એટલી શક્તિ તો આવશે જ.

નર્મદા પરિક્રમાની તસવીરોથી ખ્યાત તસવીરકાર જોગેશ ઠાકર પત્ની સાથે હાજર હતા. શિલ્પા અને વિવેક દેસાઈ તેમજ અપૂર્વ આશર અને બીજા મિત્રો તેમની આસપાસ હતા. ફરીથી ક્યારે અમદાવાદ આવશો? એવા પ્રશ્નના જવાબમાં અમૃતલાલ વેગડ કહે હવે એવી શક્તિ નથી રહી. એમ કરો તમે મિત્રો ભેગાં મળી જબલપુર આવો. આપણે વાતો કરીશું – નર્મદા યાત્રાની. તેમના – કાન્તાબહેનના આમંત્રણના શબ્દોમાં ભળેલો આત્મીયતાનો રણકો ભૂલાય એવો નથી...તેમના સાહિત્યની જેમ જ.

તસવીરો : બિનીત મોદી

Tuesday, April 25, 2017

હસુકાકી : પરિચય પાંચ વર્ષનો, હેત આજીવન



હસિતા હસમુખ શાહ / Hasita Hasmukh Shah [22 ફેબ્રુઆરી 1927 થી 11 એપ્રિલ 2017] ગોધરા (પંચમહાલ, ગુજરાત) થી લાન્સિંગ (મિશિગન, અમેરિકા) 

હસુકાકીને મારી પાંચ – છ વર્ષની ઉંમરે 1976માં પહેલીવાર મણિનગર – અમદાવાદની ગંગેશ્વર સોસાયટીમાં જોયા હતા અને છેલ્લીવાર મળવાનું થયું 2006માં એ શહેર પણ અમદાવાદ / Ahmedabad. આ સમયગાળો આમ તો ત્રીસ વર્ષનો છે પણ તેમના પરિચયનો આલેખ મારે પાંચેક વર્ષનો જ આપવાનો થાય છે. સગપણમાં મારા મોટાકાકી થતા અને જેમની સાથેનો પરિચય તો આજીવન જ હોવો જોઇએ એમ સામાન્યપણે માનવાનું મન થાય પરંતુ અંગત આલેખમાં પાંચ વર્ષ જેટલા ટૂંકા ગાળા માટે જ કેમ મારે તેમના વિશે લખવાનું થાય છે તેના કારણો આગળ – ઉપર વાંચવા મળશે.

હા, સમયગાળો ભલે ટૂંકો હોય પરંતુ તેમની સાથેની યાદોનો સરવાળો લાંબો છે. 2006માં અમદાવાદ આવેલા મોટાકાકા (હસમુખ મહાસુખલાલ શાહ / Hasmukh MahasukhLal Shah) અને હસિતાકાકીને લઇને મારે લેખક – પત્રકાર રજનીકુમાર પંડ્યાના / Rajnikumar Pandya ઘરે મળવા જવાનું હતું. અંગત ધોરણે મારા માટે ગુરુ – માર્ગદર્શક રજનીભાઈ દસ વર્ષ અગાઉ 1996ની તેમની પરિવારસહ (તરૂકાકી અને દિકરી તર્જની) અમેરિકા મુલાકાત દરમિયાન મોટાકાકાના આમંત્રણથી તેમના મહેમાન થયા હતા. રજનીકાકાનો ખાસ આગ્રહ હતો કે મારે કાકા-કાકીને સાંજના ભોજન માટે તેમના ઘરે લઈ આવવા. ‘બાબા, તું ’ને તારા બન્ને કાકાઓ તો માત્ર સાહિત્યની જ વાતો કરશો અને હું એકલી કંટાળી જઇશ’ એવા કારણોસર કાકી મણિનગર અમારી સાથે આવવાનું છેવટ સુધી ટાળતા રહ્યા. એમ નહીં થાય એવી આ ‘બાબા’એ ખાતરી આપ્યા પછી તે મારી અને કાકાની સાથે આવવા તૈયાર થયા. હા, ‘બાબા’ એ તેમનું મારા માટેનું કાયમી સંબોધન હતું જે મને આજ દિન સુધી ગમતું આવ્યું છે. કેમ ન ગમે? કાકીએ આપેલું છે.

મણિનગરની ભાગોળ નજીક આવી એટલે કાકી બોલ્યા કે, ‘બાબા, મને મુક્તિમેદાન લઈ જઇશ?’ એક સમયે મણિનગરમાં રહ્યો હોવાના કારણે વિસ્તારને સારી રીતે જાણતા મેં ગાડી તે તરફ વાળી. કાકીએ કહ્યું ત્યાં જઇને કાર ઉભી રાખી. કાચ ઉતારીને ક્યાંય સુધી તે એ વિસ્તારને નીરખતા રહ્યા. કઇંક શોધી રહ્યા હોય એમ પણ લાગ્યું. થોડી વાર પછી મોટાકાકા બોલ્યા કે કાકીના પપ્પા રતિલાલ બારશેરીઆનું ઘર આ વિસ્તારની કોઈ એક સોસાયટીમાં હતું. કાકી સહિતના પાંચ બહેનોના લગ્ન પછી તેઓ વતન ગોધરા છોડીને મણિનગર-અમદાવાદના મુક્તિમેદાનના ઘરમાં રહેતા હતા.

નાટકો, ફિલ્મો, હરવા-ફરવાના સ્થળોની જેમ જીંદગી સાથે જોડાયેલા કેટલાક દ્રશ્યો આજીવન ભૂલાતા નથી હોતા. એ રીતે ગાડીમાં બેઠા-બેઠા જ પિતાના ઘરને શોધવાનો પ્રયત્ન કરતા અને છેવટે કશું નહીં પામ્યાની લાગણી સાથે સજળ આંખોએ ‘ચાલ બાબા હવે આગળ જઇએ’ એમ કહેતા કાકીને હું કદી ભૂલી શકતો નથી, ભૂલી શકવાનો નથી. મુક્તિમેદાનમાં પિતાનું જૂનું ઘર શોધતા હસુકાકી (સત્તાવાર નામ હસિતાકાકી) 11 એપ્રિલ 2017ની વહેલી સવારે અમેરિકામાં ‘મુક્તિ’ પામ્યા. તેમની વિદાયની અંગત રીતે મને પડેલી આ એવી ખોટ છે જેની શરૂઆત હું નવ – દસ વર્ષનો અને પ્રકાશ વિદ્યા મંદિર, ભૈરવનાથ-મણિનગર સ્થિત સ્કૂલના ત્રીજા ધોરણમાં ભણતો હતો ત્યારે થઈ હતી. તેની શરૂઆત કંઇક આ રીતે થઈ હતી.

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની નોકરીમાં બઢતી સાથે બદલી (પ્રમોશન વીથ ટ્રાન્સફરના ધોરણે) પામેલા પપ્પાને (પ્રફુલ મહાસુખલાલ મોદી / Praful MahasukhLal Modi ) મળવા આવેલા કાકી તેમને જે કહી રહ્યા હતા તેનો સાર આવો હતો. તેમનું કહેવું હતું કે, ‘અમદાવાદ જેવા શહેરમાં પાંચ-છ વર્ષથી ભણતા બાબાને ઠાસરા (યાત્રાધામ ડાકોર નજીકનું ગામ) જેવા પ્રમાણમાં નાના ગામમાં સાથે લઇને જશો તો ભણવાનું જલદીથી પાટે નહીં ચઢે. બગડે પણ ખરું એવી આશંકા પણ વ્યક્ત કરી. તેને અમે લઈ જઇશું. અમારી સાથે રહીને ભણશે.’ સગપણમાં પપ્પાના મોટાભાભી થતા અને તેમની – મોટાભાઈની સાથે રહીને જ પૂના જેવા શહેરમાં ભણેલા પપ્પાએ મારા ભણતરની બાબતમાં તેમની આ વાત માનવી પડે તેમ હતી પરંતુ ‘એકના એક છોકરા’ની વ્યાખ્યામાં આવતો હું તેમની આ દરખાસ્તનો લાભ મમ્મી – પપ્પાની લાગણી સામે પામી શકું તેમ નહોતો. ઠાસરા જઇને અંગ્રેજી વિષય વગર ચોથા ધોરણથી ભણવાનું શરૂ કર્યું.

જો કે દર ઉનાળા વૅકેશનમાં મને અમદાવાદ બોલાવીને તેઓ આ ખોટ સરભર કરી દેતા. ટેલિફોનની સગવડ બન્ને પક્ષે નહોતી (મોટાકાકાના ઘરે ટેલિફોન હતો) એવા 1980 – 1985 વચ્ચેના સમયમાં તેઓ મોટાકાકા પાસે પત્ર લખાવી કે બૅન્કમાં ટેલિફોન કરાવી મને ‘બાબા’ને અમદાવાદ મોકલવાની – મુકી જવાની ઉઘરાણી કરતા. એ સમયગાળામાં જો વતન ગોધરા જવાના હોય તો એ જવાબદારી કાકી પોતે ઉપાડી લેતા. અગાઉ લખ્યું તેમ આ સમયગાળો કે ઉનાળા વૅકેશનની સંખ્યા ચાર-પાંચથી વધારે નહીં હોય પરંતુ મારા માટે એ સોનેરી દિવસો હતા. ઠાસરા કે દેવગઢ બારિઆ જેવા નાના ગામમાંથી અમદાવાદ જેવા શહેરમાં ભલે થોડા દિવસો માટે પણ આવીને રહેવાનું મળે, મારી ઉંમરના કે થોડા મોટા એવા વસુફોઈના સંતાનો સાથે ફરવાનું મળે તેનું મોટું આકર્ષણ રહેતું.

મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત પ્રકાશન સંસ્થા ‘નવજીવન પ્રેસ’ સામે 6 – દેવઆશિષ અપાર્ટમેન્ટ (ગુજરાત વિદ્યાપીઠ લેન, આશ્રમ રોડ) એ કાકા – કાકીનું ઘર. (હાલમાં મિત્ર પ્રણવ અધ્યારૂ નું ઘર ) મારા લાલનપાલનમાં કોઈ કમી ન રાખતા કાકી એ વાત બહુ જલદી પામી જતા કે મને ઘરમાં કે અપાર્ટમેન્ટમાં મારી ઉંમરના કોઈની કંપની મળતી નથી. વાંચવા માટે પુસ્તકો – બાળ સામયિકો લાવી આપતા પરંતુ એ રીતે પણ સમય પસાર કરવાની એક મર્યાદા રહેતી. ત્રણેય પિતરાઈ ભાઈઓ (સંદીપ, ઇપ્સિત અને વિનીત) ઉંમરમાં મારાથી મોટા હતા. સંદીપભાઈ ફાર્મસી ક્ષત્રે મિત્રોના સાથમાં દવાના ઉત્પાદન સંબંધી કામમાં આગળ વધી રહ્યા હતા તો ઇપ્સિત – વિનીતભાઈ પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યા હતા. સમય સંજોગો બદલાતા આજે નથી કળાતો તેવો ‘જનરેશન ગૅપ’ એ સમયે હું પામી શકતો. આના ઉપાય તરીકે કાકી બને તેટલો સમય મારી સાથે વાતો કરીને પસાર કરતા. એથી આગળ વધીને તે વસુફોઈના દિકરા દિવ્યાંગને સાબરમતીથી બોલાવવાનો પ્રયત્ન કરતા. ‘એકના એક છોકરા’ની વ્યાખ્યામાં આવતા દિવ્યાંગ માટે પણ એમ સાબરમતીથી ઇન્કમટેક્ષ આવવું સહેલું નહોતું.

‘દેવઆશિષ’માં એકલા રહેવાની આટલી નાની અમથી ખોટ સિવાય બાકીના બધા જ આનંદો મારી સાથે હતા. જોઈ શકતો કે મને અમદાવાદ બોલાવવાનો કાકીનો હરખ સમાતો નથી. ‘બિનીત આવ્યો છે’ એવી જાણ કરતો ફોન બધા જ સગાં-સંબંધીને કરે. મારી વાત પણ કરાવડાવે. સવારે માત્ર ચા-નાસ્તો કરીને બૅન્કના મેનેજર તરીકે ફરજ પર હાજર થતા જતા મોટાકાકાને બપોરના જમવા માટે ઘરે વેળાસર આવી જવાની ખાસ તાકીદ કરે તે માત્ર મારા માટે જ. કેમ કે તેઓ જાણતા હતા કે મને સવારે અગિયાર વાગ્યાની આસપાસ જમીને સ્કૂલે જવાની ટેવ પડેલી છે. ઇપ્સિત – વિનીતભાઈને મને ફરવા લઈ જવા માટે કહેતા. આ દરમિયાન કાકી મારા માટે જે કામ ઉલટભેર કરતા તે પેન્ટ-શર્ટના કાપડની ખરીદી કરવાનું. મને સાથે લઇને જાય અને ઇન્કમટેક્ષ આસપાસની દુકાનો બતાવી કાપડની પસંદગી કરવાનું કહે. પેન્ટ – શર્ટ સિવડાવવા માટે વિકલ્પ ખુલ્લો રાખતા. કાં તો મોટાકાકાની સાથે જવાનું અથવા ઠાસરા – દેવગઢ બારિઆ પહોંચીને તૈયાર કરાવવાના.

હસુકાકી મારામાં વિશ્વાસ પણ ગજબનો મુકતા. સંદીપભાઈના અમેરિકા ગયા પછીના સમયમાં ઉનાળા વૅકેશનમાં અમદાવાદ જતો ત્યારે ઇપ્સિતભાઈ – વિનીતભાઈ રાત્રે મોડે સુધી વાંચતા હોય. અગાસીમાં આવીને સુઈ ગયા હોય તેની સવારે જોઇએ ત્યારે જ ખબર પડે. (તેમની નજીકમાં પાળેલું પપી રૉકી પણ સોડ તાણીને સૂતું હોય.) સવારનું દૂધ લેવા જવા માટે કાકીએ રીતસરના બન્ને ભાઇઓને કાલાવાલા કરવા પડે. એકવાર સવારના પહોરમાં કાકી મને જ સાથે લઈ ગયા. આકાશવાણીની સામે ‘નવદીપ’ બિલ્ડીંગની લાઇનમાં આજે જ્યાં ‘બૅન્ક ઓફ બરોડા’ની બ્રાન્ચ છે તેની ફૂટપાથ પર ‘આબાદ ડેરી’ની દૂધની કેબીન હતી. મને કહે ‘બાબા, કાલથી મને અહીંથી દૂધ લાવી આપજે.’ ભલે બહુ થોડા દિવસ માટે પણ ઘરથી દૂર એકલો કોઈ વસ્તુ ખરીદવા, ઘરની જરૂરિઆતની ચીજવસ્તુ લેવા અમદાવાદ જેવા શહેરમાં હું એકલો ફરું છું તેનો મને જબરો રોમાંચ થતો. કદાચ આત્મવિશ્વાસ પ્રગટવો કે પ્રક્ટાવવાનું કામ આવી નાની-નાની વાતોથી જ થતું હશે.

યુવાન – યુવતીઓ વચ્ચે કે નવદંપતી વચ્ચે હવે વપરાઇને લપટો પડી ગયેલો શબ્દ ‘લોંગડ્રાઇવ’ મેં પહેલીવાર કાકીના મોંઢે એંસીના દાયકામાં સાંભળ્યો હતો અને તેનો સંદર્ભ પણ આજના જેવો નહોતો. ક્યાંથી હોય? વૅકેશન દરમિયાન જ જસુફોઈ – કાન્તિફુઆના ઘરે શાહીબાગ કે ચંપાફોઈ – અરવિંદફુઆના ઘરે રાણીપ કોઈ એક દિવસ સાંજના સમયે પારિવારિક ભોજનનો કાર્યક્રમ બને. દૂર સાબરમતી રહેતા વસુફોઈનો પરિવાર (નવીનફુઆ, નીતા-લીના-ગોપીબહેન અને દિવ્યાંગ) વાહનવ્યવહારના ટાંચા સાધનો વચ્ચે પણ સમયસર આવી પહોંચ્યો હોય. ભોજન અને એ પછીની વ્યવસ્થાઓ આટોપવાનું કામ કરતા મોડું થાય એટલે વસુફોઈ – નવીનફુઆ માટે મોડે સુધી રોકાવાનું શક્ય ન હોય. કેમ કે રિક્ષા મળશે કે નહીં તેની ચિંતા હોય. રિક્ષાવાળો સાબરમતી આવવાની રાત્રે ‘ના’ પાડી શકે એટલું તો એ દૂર હતું જ. પણ હસુકાકી જેનું નામ. તેમની ચિંતા દૂર કરતા તરત કહે કે, ‘નવીનભાઈ...વસુબહેન...હું ’ને તમારા ભાઈ...ભલે ગમે તેટલું મોડું થાય...ગાડીમાં સાબરમતી મુકી જઇશું...અમારે એ બહાને લોંગડ્રાઇવ થઈ જશે.’

દસથી પંદર દિવસ માટે મોટાકાકા – હસુકાકી સાથે અમદાવાદ રહેવાનું થતું. મને યાદ નથી આવતું કે પાછા મોકલતી વખતે એમણે કદી કોઈનો સંગાથ શોધવાનો પ્રયત્ન કર્યો હોય. મોટેભાગે કાકી જાતે જ મુકવા આવતા. કહે પણ ખરા કે ‘એ બહાને મને ગોધરા જવા મળશે.’ હા, ભારતમાં તેમને ત્રણ શહેરો પ્રિય હતા. ગોધરા, અમદાવાદ અને શ્રીનાથજી. ગોધરા જતી વખતે વચ્ચે યાત્રાધામ ડાકોરનું બસ સ્ટેશન એવું આવે કે જ્યાં બસ પંદર-વીસ મિનિટ જેટલો લાંબો સમય ઊભી રહે. શુકનના દર્શન કરાવવા કે ‘છેડાછેડી’ માટે હાથમાં તેડેલા બાળ વર-કન્યાને લઈને ફરતા આદિવાસી માતા-પિતાનું દ્રશ્ય બસમાં બેઠા-બેઠા જ જોવા મળે. એ જોઇને કાકી બહુ હરખથી કહેતા કે, ‘બાબા, તને આ રીતે પરણાવવાનો છે.’

પિસ્તાલીસ પાર કર્યા પછી આ સઘળું યાદ કરવાનું નિમિત્ત હસુકાકીની વિદાય બની તેના દુઃખ અને આનંદનું પ્રમાણ મારા પક્ષે એકસરખું છે. દસ વર્ષની ઉંમરે ભણવા માટે સાથે લઈ જવા આવેલા, પેકિંગ થયેલી ઘરવખરી વચ્ચે મારી સ્કૂલબેગને શોધતા અને જો મળે તો હાથમાં લઈ લેવા તત્પર કાકીને કે એ સમયને હું ભૂલી શકતો નથી. આ લખું છું ત્યાં સુધી મને હંમેશા એવું જ લાગ્યું છે કે ભલે થોડા વર્ષો માટે ખરી પણ તેમના હાથે ઘડાયેલી જિંદગી જુદી હોત. એમ થઈ ન શક્યું તેનો અફસોસ.

કાકી ખાસ્સા પ્રભાવક પણ હતા. તેમના ત્રણ પુત્રો કે ભાણા – ભત્રીજાઓ ઊંચાઇની બાબતમાં તેમને આંબવા લાગ્યા હતા પણ મજાક – મશ્કરીનો વખત ન હોય એ સિવાયના સમયમાં તેમની સાથે એક અંતર જાળવીને વાત કરવી પડતી એવો મારો ખ્યાલ છે. મારા પપ્પા રોકડા પાંચ વર્ષ તેમની સાથે પૂનામાં રહ્યા હતા. પ્રભાવમાં ન આવ્યા હોય તેની જ નવાઈ ગણાવી જોઇએ. એક વખત એવું બન્યું કે મોટાકાકા અને ત્રણેય દિકરાઓની ગેરહાજરીમાં દિવાળી નિમિત્તે ઘરના રસોડાના માળિયાની સાફસફાઈ કરવાનું કામ કાકીએ કોઇની પણ મદદ લીધા વિના જાતે જ ઉપાડી લીધું. નિસરણી કે ટેબલ ખસી જવાને કારણે તેઓ લગભગ સાતેક ફીટની ઊંચાઇએથી પડી ગયા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને તેની સારવાર પણ લાંબી ચાલી હતી. તેના દુઃખાવાની અસર તો આજીવન રહી.

આ ઘટનાની પપ્પા પર એવી અસર પડી કે એ પછી તેઓ મમ્મીને કદી માળિયા પર સાફસૂફી માટે એકલી ન ચઢવા દેતા. એ કામ થવાનું હોય ત્યારે પોતાની હાજરી અનિવાર્ય ગણતા પપ્પા જ્યારે અમદાવાદમાં પોતાનું મકાન લેવાની તપાસ કરતા ત્યારે ટેનામેન્ટ કે અપાર્ટમન્ટ માળિયાની સગવડ વિનાના હોય તો એવા મકાનને ખરીદવા પ્રાયોરિટી આપતા. એવું માળિયા વગરનું મકાન અમદાવાદમાં મળ્યું નહિ એ જુદી વાત છે. હા, અમદાવાદથી બદલી પામેલા પપ્પાને ફરી એકવાર પ્રમોશન સાથે બદલી મળી અને તે પણ અમદાવાદ – વડોદરા જેવા શહેરમાં જ થાય તેવા સંજોગો ઊભા થયા. પહેલી પસંદગી તો અમદાવાદ શહેરની જ હોયને?

પ્રમોશન સાથે ફરી એક વાર બદલી પામેલા પપ્પા સાથે 1986માં અમદાવાદ આવવાનું થયું. નવેસરથી આશા જાગી કે હવે કાકી સાથે કે તેમની નજીક રહેવા મળશે. જો કે પારિવારિક કારણસર પૌત્ર નીલ (સંદીપભાઈનો પુત્ર અને હું જેના પરિચયમાં આવ્યો તે પરિવારની ત્રીજી પેઢીનું પ્રથમ સંતાન)ની સંભાળ લેવાની જરૂર ઊભી થતા હસુકાકીને 1987માં પ્રથમવાર અમેરિકા જવાનું થયું. આરંભે એમ લાગતું હતું કે આ એક હંગામી વ્યવસ્થા છે પરંતુ બદલાતા સંજોગો વચ્ચે પહેલા કાકી, પારૂલભાભી, કાકા અને છેલ્લે ઇપ્સિત – વિનીતભાઈ પણ અમેરિકા સ્થાયી થતા તેમનું અમેરિકામાં રહેવું કાયમી થઈ ગયું.

એ જમાનો રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરીઅલનો હતો. ‘દૂરદર્શન’ પર પ્રસારિત થતી ટી.વી. સિરિઅલ કાકી નિયમિત જોતા. પહેલીવાર અમેરિકા જતા અગાઉ મને કહે કે ‘બાબા, તું મને આ સિરિઅલની વાર્તા કેવી રીતે આગળ વધે છે તે પત્ર લખીને જણાવતો રહેજે.’ આમ તો સંત તુલસીદાસની પ્રસિધ્ધ કૃતિ ને હિન્દુ ધર્મના ગ્રંથ એવા ‘રામાયણ’ના સૈકાઓથી ચાલી આવતા કથાનકમાં રામાનંદ સાગર નવું શું જણાવવાના હતા? પણ કાકીની ઇંતજારીને કારણે મને તેમને પત્રો લખવાની ટેવ પડી. ધીરે-ધીરે એમાં અમદાવાદની, ગુજરાતની, ભારતની સમાચાર જોગ ઘટનાઓને ઉમેરતો ગયો. પરિવારનજનોના સારા – માઠા જેવા હોય તેવા સમાચારો પણ લખતો. એ બધું વાંચવાની તેમને મઝા પડે છે એમ તરત મને ફોન કરીને જણાવતા અથવા કાકા પાસે પત્રના જવાબમાં લખાવડાવતા. મને પણ એમને પત્ર લખવાનો એવો આનંદ આવતો કે બે-ત્રણ પાનાથી શરૂ થયેલા પત્રો પછી છ-સાત પાના સુધી પહોંચ્યા હતા. સંદેશાવ્યવહારની સગવડો વધતાં અને ખાસ તો સસ્તા દરના ઇન્ટરનેટ ટેલિફોનનો વ્યાપ વધતાં પત્ર લખવાનું મારા પક્ષે ઓછું થતું ચાલ્યું. જો કે કાકી જેનું નામ...મને હંમેશા કહેતા રહેતા કે મારી એકલીના માટે પણ તું પત્ર લખ. જો કે ઇ-મેલ, ફેસબુક, ચેટીંગ અને વોટ્સઅપના જમાનામાં એ કદી શક્ય ન બન્યું.

મારી મમ્મી (સુધા પ્રફુલ મોદી) તેના લગ્નને યાદ કરતી વખતે પણ મહત્તમ રીતે તો કાકીને જ યાદ કરે છે. જૂની વાતોને સંભારતા મને – શિલ્પાને કહે છે કે, ‘આ મોદી કુટુંબમાં હું વીસ વર્ષની ઉંમરે પરણીને આવી ત્યારે તો મોટાભાઈ-ભાભીના લગ્નને પંદર ઉપરાંત વર્ષ થઈ ગયા હતા. સૌથી મોટા સંદીપભાઈ હાઇસ્કૂલથી આગળ ભણતા હતા.’ (હસમુખકાકા અને હસિતાકાકીની લગ્ન તારીખ : 13 ડિસેમ્બર 1949) ત્રણ સંતાનોના ખુદના પરિવારની સાથે એક નાના ભાઈ અને ચાર બહેનોના પરિવારની ઘણી બધી સાંસારિક જવાબદારીઓને નિભાવવાની સાથે કાકા-કાકીએ તેનું નવા પરિવારને જરૂરી એવું ઘડતર કર્યું, કયા સંજોગોમાં સાચવી અને જરૂર પડી ત્યાં છત્ર બનીને મા-બાપની જેમ જ ઊભા રહ્યા તેની વાતો કરતા મમ્મી થાકતી નથી.

શિલ્પા સાથે વિવાહ થયો તેને થોડો સમય વીત્યે લગ્નની તારીખ પણ નક્કી થઈ. શક્ય હોય તેવી તમામ સાદગીને અપનાવીને લગ્ન કરવા એવું અમારા બન્નેના પક્ષે દંપતિ બન્યા અગાઉથી નક્કી હતું. પરિવારજનોની મને-કમને પણ તેમાં સંમતિ હતી. આ બધું જ જાણતા હોવા છતાં હસુકાકી મોટાકાકાને ખાસ આગ્રહ કરી અમદાવાદ સુધી લઈ આવ્યા તે અમારા ચાર વ્યક્તિના પરિવાર માટે અતિ આનંદની ઘટના બની રહી. કદાચ એ જ કારણ હતું કે સાદાઈનો ખ્યાલ છતાં તેમની ઉપસ્થિતિને વધાવવા અમે મેરેજ રિસેપ્શન તેની પરંપરાગત શૈલીમાં નહીં પરંતુ મિત્રો – સગાં – સંબંધીઓ સૌ એક-બીજાને મળી શકે એ વિચારથી જ એક નાનકડો મેળાવડો લગ્નની સાંજે જ આયોજિત કર્યો હતો. કાકીએ તેમના આ લાડકા ‘બાબા’ને સાદાઇથી લગ્ન કરવાના ઇરાદાથી ચલિત કરવાનો એક પણ પ્રયત્ન કર્યો નહોતો. એમ કરવું તેમના હકમાં હતું છતાં મારા વિચાર નીચે અન્ડરલાઇન કરી કાકા-કાકીએ મને મોટી રાહત કરી આપી હતી.

ઘરની નજીકમાં આવેલી કોઈ જગ્યાએ પહોંચવા કે ઘર નજીક રહેતા તેમના (કાકીના) મામાને મળવા માટે કાઇનેટિક હોન્ડા સ્કૂટર પાછળ બેસવાની ફરમાઇશ કરતા કાકીને મારાથી પણ ઓછો પરિચય ધરાવતી શિલ્પા ભૂલી શકતી નથી. (કાઇનેટિક હોન્ડા પર બેઠેલા કાકી ઇપ્સિતભાઈની ઇન્ડ-સુઝુકી મોટર સાઇકલ પર બેસતા હતા એ દિવસોની યાદ અપાવતા હતા.) તેમણે આપેલી કેટલીક કિચન ટીપ્સને પણ શિલ્પાએ ગાંઠે બાંધી છે. ‘બાબા, તું અમેરિકા આવવાનો પ્રયત્ન તો કરી જો’ એમ અનેકવાર કહેતા કાકીને હું કાયમ કહેતો કે મારા એટલા બધા ભાઇઓ – બહેનો અમેરિકામાં છે કે તેઓ અહીં આવે ત્યારે ‘આવો’ કહેનારું પણ કોઈ જોઇશેને? એટલા માટે પણ મને અહીં ભારતમાં – અમદાવાદમાં રહેવા દો. અને આમ કાકી માની જતા. ઘણી બધી વાતે માની જતા કાકી મંદિરે નહીં જવાની કે નાથદ્વારાની ગીરદીમાં દર્શને નહીં જવા બાબતે કોઈની સલાહ ન માનતા. મોટાકાકા કહે તો પણ નહીં. મોટાકાકા આવી સલાહ મશ્કરીના અંદાજમાં જ આપે છે એવું પામી ગયેલા તેમના સહીતના અમે સૌ કોઈ ભાણા – ભત્રીજાઓ એમની તરફેણમાં દલીલો કરતા ત્યારે કાકી રાજી – રાજી થઈ જતા.

હા, એમને ખુશ કરી દે...રાજી રાખે તેવા ત્રણ સ્થળો ભારતમાં હતા – ગોધરા / Godhra, અમદાવાદ / Ahmedabad અને નાથદ્વારા / Nathdwara. અમેરિકામાં એવા ત્રણ સ્થળો તે લાન્સિંગ / Lansing, રાલે / Raleigh અને સિનસિનાટી / Cincinnati...ત્રણ દિકરાઓના ઘર. પત્રમાં કે ફોનની વાતચીતમાં ‘શ્રીનાથજી’ના દર્શને સાથે જવું છે એવી તેમની ઇચ્છા જુદા-જુદા કારણોસર તેમની ભારત મુલાકાત વખતે શક્ય નહોતી બની. હા, સાથે ગોધરા જવાનું એકથી વધુ વાર શક્ય બન્યું હતું.

કેટલીક ઘટનાઓની જીવનભર અસર અથવા તો યાદ કાયમ રહે છે એવું મેં મારી બાબતમાં નોંધ્યું છે. કેમ અને તે સારું છે કે ખરાબ તેની મને ખબર નથી અને એવી કોઈ ફોર્મ્યૂલા હોય તો તે કેટલી જડબેસલાક છે તેની મને માહિતી નથી. વાત એમ છે કે ગોધરા પહોંચીએ તે પહેલા ડાકોરની એક મુલાકાતમાં દર્શન કર્યા પછી કારની પાછળની સીટમાં તેઓ પૂર્ણપણે બેસી જાય એવી કોઈ દરકાર રાખ્યા વગર જ ડ્રાઇવરે ગાડી સહેજ આંચકા સાથે ચલાવી અને કાકી પડી ગયા. કોઈ ઇજા વગર બચી ગયા, સલામત હતા. એ પછી મેં તેમને કારમાં બેસાડ્યા એ સાથે જ એમણે મને દરવાજો બંધ કરતો અટકાવી દીધો. મને કહે, ‘ના. દરવાજો હું જાતે જ બંધ કરીશ. અમેરિકામાં કારમાં બેસતી વખતે કોઈ બીજાએ દરવાજો બંધ કર્યો તો મારી આંગળી ચગદાઈ ગઈ હતી.’ એમ કહીને તેમણે મને કારના દરવાજા અને બોડી વચ્ચે પીસાઇને વાંકી વળી ગયેલી ઇજાગ્રસ્ત આંગળી બતાવી. આ ઘટના જાણ્યા પહેલાથી કાર ચલાવતો હું તેમની આ વાત સાંભળ્યા પછી પણ ગાડી તો ચલાવું જ છું. પણ હવે ગાડીમાં બેસનાર સૌ બરાબર બેસી-ગોઠવાઈ ગયા છે તેની ખાતરી કર્યા પછી હું છેલ્લે જ ડ્રાઇવર સીટ પર બેસું છું. અને હા, દરવાજો પણ જે-તે વ્યક્તિને જ બંધ કરવા દઉં છું. દરકાર ગણો તો એ અને શીખવાનું ગણો તો એ પણ તે અજાણતાં પણ હું શીખ્યો છું તો કાકીની આ વીતકકથા પરથી. આ ઘટના – વાતને તેમના પ્રભાવ તરીકે પણ ખતવી શકાય એમ છે. એટલા માટે કે તેમનો આવો પ્રભાવ મારા પપ્પા પર પણ હતો જે વાતનો આગળ ઉલ્લેખ કર્યો છે. મોટા ભાઈ અને ચાર મોટી બહેનોના પરિવારમાં પપ્પાને ‘પ્રફુલભાઈ’નું માનાર્થે સંબોધન કરનાર એક જ વ્યક્તિ હતા – હસિતા હસમુખ શાહ. માત્ર અમારા જ નહીં, ઘણા બધાના સુખનું સરનામું એવા હસુકાકીને અલવિદા.
(તસવીર : શાહ પરિવારના સૌજન્યથી)


Wednesday, March 08, 2017

તારક મહેતા : પોસ્ટકાર્ડના પરિચયથી પડોશી બનવા સુધી

[caption id="attachment_48443" align="aligncenter" width="225"] તારક મહેતા / Tarak Mehat 26-12-1929થી 01-03-2017[/caption]

“બીજો માળ, બાવીસ નંબર...તારક મહેતાને ત્યાં...”...આવું મેં લિફ્ટમેનને લિફ્ટમાં પ્રવેશતા કહ્યું.

“ભાઈ, તમે નિયમિત તારક સાહેબના ઘરે આવો છો એટલે હવે નંબર બોલવાની જરૂર નથી. મને યાદ છે.” આવું મને પેરેડાઇઝ અપાર્ટમૅન્ટની લિફ્ટની જવાબદારી સંભાળતા સોમભાઈએ કહ્યું. વર્ષ 1995. વીસ વર્ષ પછી.

*     *     *     *     *     *     *


2015માં પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ તારક મહેતાને ‘પદ્મ શ્રી’ સન્માન મળી રહ્યાની સત્તાવાર જાહેરાત થઈ. સમાચાર સાંભળીને સગાં – સંબંધી – વાચકો – ચાહકો એમ અનેકના શુભેચ્છા ફોન આવ્યા. દરેકને તેમણે સાંભળ્યા અને પ્રતિભાવ આપ્યો. એ જ પરંપરામાં અમેરિકા વસતા જમાઈ ચંદુ (કવિ ચંદ્રકાન્ત શાહ)નો પણ ફોન આવ્યો.

“દદ્દુ પદ્મ શ્રી સન્માન મેળવવા દિલ્હી જશોને?” એમ ચંદુભાઈએ પૂછ્યું.

“બિનીત અને શિલ્પા સાથે આવતા હશે તો જાડી સાથે જવાની હિંમત કરીશું.” તારકભાઈનો જવાબ.

તેમનો આ જવાબ સાંભળીને દીકરી – જમાઈ ઇશાનીબહેન – ચંદુભાઈએ અમેરિકા રહ્યે એર ટિકિટોનું બુકીંગ મેળવ્યું અને અમારી ટોળી પહોંચી દિલ્હી...રાષ્ટ્રપતિ ભવનના દરવાજે. અઠવાડિયું દિલ્હીમાં સાથે રહ્યા. દરબાર ભવનમાં આયોજિત થતા પદ્મ સન્માનના મુખ્ય કાર્યક્રમના સાક્ષી બન્યા, દિલ્હીમાં ફર્યા અને લેખકથી વિશેષ...મનગમતા માણસ સાથે રહીને અમે પતિ – પત્નીએ મઝા કરી.

પ્રિય લેખકને મનગમતા માણસ બનાવવાની આ શરૂઆત કેવી રીતે થઈ?

પાંચ વર્ષ અગાઉ 26 ડિસેમ્બર 2011ના રોજ ‘ભાઈ’બંધ બીરેન કોઠારીના બ્લોગ પૅલિટ / Palette પર તારકભાઈના 83મા જન્મદિન નિમિત્તે જે વિસ્તૃત પોસ્ટ લખી તેનું જ આ રી-રન ઉપરના બે ડાયલૉગ સાથે અને થોડા ફેરફાર સાથે રજૂ છે. પ્રારંભે કૌંસમાં બીરેન કોઠારીની ટૂંકી નોંધ છે.

(તારક મહેતા આપણા સૌના લોકલાડીલા હાસ્યલેખક તો છે જ, સાથેસાથે અમારા પ્રેમાળ વડીલ પણ ખરા. તેમના અમદાવાદ સ્થાયી થયા પછી તેમની સાથેની જે નિકટતા થઈ છે, એમાં ભૌગોલિક રીતે એમની સૌથી વધુ નજીક છે બિનીત મોદી. એ રીતે અમારી નિકટતાના પાયામાં બિનીત છે. તેથી જ આજે તારકકાકાના ૮૩ મા જન્મદિને બિનીત એમની સાથેનાં સંભારણાં તાજાં કરે એવો ઉપક્રમ રાખ્યો છે.)

*     *     *     *     *     *     *


ભણવા – ગણવાના દિવસોમાં દસમું ધોરણ મને બે રીતે ફળ્યું. 1985ના અનામત આંદોલનને લઈને પરીક્ષા લેવા સામે શરૂ થયેલો વિરોધ પાંચ-પંદર દિવસથી લંબાઈને પાંચ મહિના સુધી ચાલ્યો અને બોર્ડની પરીક્ષા પણ એટલી મોડી લેવાઈ. લાયબ્રેરીમાંના પુસ્તકોથી પૂરો થતો ઇતરવાંચનનો શોખ આ ગાળામાં થોડો આગળ વધ્યો અને છાપાં – મેગેઝિનો વાંચવાનું શરૂ થયું. યાત્રાધામ ડાકોર પાસેના ઠાસરામાં ત્યારે અમે રહેતા. છાપું તો ઘર આંગણે મળી રહેતું, પણ ‘ચિત્રલેખા’ જેવું પ્રસિધ્ધ સામયિક ડાકોરના બસ સ્ટેશન પરના બુક સ્ટોલ પરથી મંગાવવું પડતું. ‘ચિત્રલેખા’ / Chitralekha ની રાહ જોવાનું મુખ્ય આકર્ષણ હતું તારક મહેતાના ‘દુનિયાને ઊંધા ચશ્મા’ વાંચવાનું. ‘તારક મહેતા’ / Tarak Mehta ના નામ સાથેનો એ પહેલો પરિચય હતો.

 

દસમું ધોરણ પાસ કર્યા પછી આગળ ભણવા માટે અમદાવાદ આવવાનું થયું. એ પછી બારમા ધોરણમાં કે કોલેજના વર્ષો દરમિયાન ‘ચિત્રલેખા’ વાંચવાનું અનિયમિત થયું, પણ ‘ઊંધા ચશ્માં’વાંચવાનું ભાગ્યે જ ચૂકાય. આ લેખોમાં સમસામયિક રાજકીય – સામાજિક પાત્રો-પ્રસંગોનો ઉલ્લેખ હોય તેમ પોતાને થયેલા અનુભવોનું પણ વર્ણન હોય. તેમના લેખમાં રેલવે રિઝર્વેશનની બબાલ, પોળનું વર્ણન કે સગાં-સંબંધી-મિત્રોના નામોલ્લેખ વાંચીને એવું અનુમાન લગાવવું ગમતું કે તે અમદાવાદની મુલાકાતે આવ્યા હશે. ગમતા લેખોના આ પ્રિય બની ગયેલા લેખકને આ ગાળામાં જ પહેલો  પત્ર લખ્યો. ખરેખર તો એ પોસ્ટકાર્ડ હતું. એમાં આવડે એવી ભાષામાં મારી લાગણી વ્યક્ત કરી હતી.


એમનો જવાબ આવ્યો. મને એમાંનું લખાણ યાદ નથી, પણ એનાથી થયેલો રોમાંચ આજેય અનુભવી શકું એમ છું. એ પછી તો ‘ચિત્રલેખા’ના સરનામે કે મુંબઈનું ઘરનું સરનામું મેળવીને પત્રો લખવા શરૂ કર્યા. મોટેભાગે તો પોસ્ટકાર્ડ લખું અને લેખમાં શું ગમ્યું તે જણાવવા સાથે છેલ્લે લખું કે,‘હવે પછી જ્યારે પણ અમદાવાદ આવો ત્યારે મારે તમને મળવું છે. જાણ કરવા વિનંતી.’ દિવાળી કાર્ડ સહિતના દરેક પત્રનો તે નિયમિત જવાબ આપતા અને લખતા કે,‘અમદાવાદ વતન છે – અનેક સગાં-સંબંધીઓ રહે છે અને માતા-પિતાની આવી પડતી માંદગીના સંજોગોમાં તો અચાનક જ તેમને મળવા આવવાનું થાય છે. પત્રથી જાણ કરવી મુશ્કેલ છે – ફોન નંબર હોય તો જણાવશો, જેથી અમદાવાદ પહોંચીને તમને જણાવી શકું.’ આટલું લખીને તેમણે પોતાના નાનાભાઈ વાલ્મિક મહેતાના ઘરનો ફોન નંબર લખ્યો હતો, જેથી હું પણ ફોન કરી શકું. મારા ઘરે ફોન નહોતો એટલે એ દિવસોમાં તેમને મળવાની વાત માત્ર પત્રો પૂરતી જ મર્યાદિત રહી ગઈ.

જો કે, તેમને રૂબરૂ મળવાની મારી તીવ્ર ઇચ્છા દિવસો પસાર થતાં વધતી ચાલી. અત્યારે યાદ નથી પણ શક્ય છે મુંબઈ જઇને મળવાની તૈયારી પણ મેં મનોમન કરી હોય. તેમને પત્રો લખ્યા કે અમદાવાદમાં રજનીકુમાર પંડ્યાને મળ્યો તે પહેલાં (હાસ્યલેખક) વિનોદ ભટ્ટ / Vinod Bhatt ને તેમની ખાડિયા ચાર રસ્તા સ્થિત ટેક્ષ પ્રેક્ટીશનરની ઓફિસે મળવાનું બનેલું. એમણે એક સોના જેવી સલાહ આપી હતી કે મારે કોઈ પણ લેખકને મળતાં તેમને ‘કાકા’ના નામે સંબોધન કરવું. આ સલાહનો અમલ મેં શરૂ કરી દીધેલો. (એટલે તો ખબર પડી કે એ સોના જેવી છે.)

કોલેજમાં ભણવાના વર્ષો દરમિયાન જ રજનીકુમાર પંડ્યા / Rajnikumar Pandya સાથે સંપર્ક થયો હતો. તારકભાઈ સાથે એમની ગાઢ દોસ્તી હતી. તેમને મળવા માટે આતુર એવો હું એમને નિયમિત પત્રો લખું છું એ પણ રજનીકાકા જાણે. તેમની સાથે કામ કરવા માટે જોડાયા પછી એમણે પ્રોમિસ કર્યું કે જ્યારે પણ તારકભાઈ અમદાવાદ આવવાના હશે ત્યારે તું મળી શકું એવું ચોક્કસ ગોઠવીશું. તારકભાઈની ષષ્ટીપૂર્તિ ઉજવણી પ્રસંગે પ્રગટ થયેલા સુવેનિયરની એક કોપી મારા માટે મેળવવા તેમણે ઇન્દુબહેનને પત્ર લખ્યો. કોપી મારા ઘરના સરનામે કુરીયરથી આવી પણ ગઈ. બંદા રાજી – રાજી, પણ સો ટકા નહીં, કારણ રૂબરૂ મળવાનું હજી બાકી હતું. એ દિવસ પણ આવી ગયો.

રજનીકાકા સાથે રોજ-બ-રોજના કામ માટે જવાનું થતું હતું. એક દિવસ તે કહે, ‘તું જેમને મળવા માટે આતુર છે તે તારકભાઈને મળવા તારે હવે મુંબઈ પણ નહીં જવું પડે અને રાહ પણ નહીં જોવી પડે. પોતાનું ઘર ખરીદવાનું ફાઇનલ કરવા ઇન્દુબહેન આજે અમદાવાદમાં છે. તારકભાઈ હવે કાયમ માટે અમદાવાદ શિફ્ટ થાય છે, બહુ જલદી રહેવા પણ આવી જશે. તું રહે છે એ વસ્ત્રાપુરની આજુબાજુ જ બે-ત્રણ ફ્લેટ જોઈ એકાદનું ફાઇનલ કરશે. આ સાંભળીને મને કેવી લાગણી થઈ હશે એ કોઈ પણ વાચક-ચાહક સમજી શકશે.

મારા આ પ્રિય લેખક કાયમ માટે અમદાવાદ આવી જવાના? એનું કારણ? ખરેખર તો ‘ફિલ્મ્સ ડિવિઝન’ના સ્ક્રીપ્ટ રાઇટર તરીકે ક્લાસ વન ઓફિસર કેડરથી નિવૃત્ત થયા પછી મુંબઈ રહેવાનું એમને કોઈ કારણ રહ્યું નહોતું. આના વિષે તારકભાઈએ પોતાની આત્મકથા ‘એક્શન રિપ્લે’ / Action Replay માં પણ વિસ્તારપૂર્વક લખ્યું છે. એટલે એ વિગતો અહીં દોહરાવવાનું કોઈ કારણ નથી.

અમેરિકા સ્થિત પુત્રી ઇશાની ચંદ્ર શાહના જોડકાં સંતાનો –દોહિતરાં શૈલી અને કુશાન સાથે તારકભાઈ અમદાવાદ રહેવા આવી ગયા. જરા ગોઠવાયા એટલે રજનીકાકા મને મળવા લઈ ગયા. મારો પરિચય આપીને ઉમેર્યું, “મારું ઘણું બધું કામ એ ચોક્સાઈપૂર્વક સંભાળે છે. હું મણિનગરમાં, બીજા છેડે એ વસ્ત્રાપુરમાં અને તમે વચ્ચે આંબાવાડીમાં રહો છો એટલે આપણી વચ્ચે એ ધરી બની રહેશે.’ એમણે ઇન્દુબહેનને ખાસ કહ્યું કે,‘તમારે મારી કામકાજી કંઈ જરૂર પડે તો હું બિનીતને મોકલીશ. અરે, તમે એને કોઈ કામ સીધે-સીધું પણ ચીંધી શકો. એ રાજી થઇને કરશે. હવે તો એના ઘરે ફોન પણ છે.’આટલું કહીને રજનીકાકાએ મારી ઓળખ માટે મોરનું પીછું કહેવાય એવા શબ્દો વાપરતાં કહ્યું કે,‘હું ગાંધીજી નથી, પણ બિનીત મારો મહાદેવ દેસાઈ છે.’

[caption id="attachment_48433" align="alignleft" width="150"] રહે છે અહીં, વસે છે સૌના દિલમાં[/caption]

મારા આનંદનું તો પૂછવું જ શું? જેમને મળવા હું આટલો બધો આતુર હતો એ પ્રિય લેખક સાથે મુલાકાત થાય, એટલું જ નહીં, તેમને વારંવાર મળતા રહેવાનો મોકો મળશે એ જાણીને હું બહુ રાજી થઈ ગયો. તારકકાકાએ મને હીંચકા પર બેસાડીને પ્રેમપૂર્વક થોડી વિગતો મારા વિશે – મારા પરિવાર સંબંધે પૂછી. તેમના ઘર પાસેથી દિવસમાં બે વાર પસાર થવાનો સામાન્ય – આશરે કહી શકાય તેવો સમય જણાવીને મેં એમને ખાતરી આપી કે, ‘રજનીકાકાનું કે મારું કંઈ પણ કામ હોય તો ફોન કરી ચોક્કસ યાદ કરજો. હું આવી જઇશ.’ ઇન્દુમાસીએ એથીય એક પગલું આગળ વધીને કહ્યું, ‘તમે એવી રાહ ન જોતા. ના બોલાવીએ તો ય બે-ત્રણ દિવસે આવી જજો. અમને ગમશે. ’સામાન્ય ઈનામની લોટરી ટીકીટ ખરીદ્યા પછી જેકપોટ લાગે એવી મારી સ્થિતિ હતી. ચિત્રલેખાની અમદાવાદ સ્થિત બ્યુરો ઓફિસના પત્રકારો કે ઓફિસ સ્ટાફ પણ તેમની મદદ માટે તૈયાર હતા, છતાં મને તેમણે આવો અધિકાર આપ્યો એનાથી સારું લાગ્યું.

જો કે, બે – ચાર વાર ખપમાં લાગ્યા પછી તેમને કામ લાગી શકું એવા દિવસો મારી પાસે રહ્યા નહીં. કેમ કે, વીસ વર્ષથી દુબઈમાં વસતા મામા દ્વારા મને એમ્પ્લોયમેન્ટ વિઝા મળ્યા હતા અને થોડા મહિનામાં જ મારે નોકરી માટે દુબઈ જવાનું હતું. અંદરથી હું થોડો હલી પણ ગયો. રજનીકાકા સમક્ષ એ જ સંદર્ભે થોડું રડી પણ લીધું કે, ‘કોણ જાણે હવે હું તમને ક્યારે અને કેવો ખપમાં લાગી શકીશ!’

જતાં પહેલા તારકકાકા – ઇન્દુમાસીને મળવા ગયો. એમને બધી વાત કરી. તરત જ મને જમવાનું આમંત્રણ આપતાં તેમણે પૂછ્યું, ‘ક્યારે આવવાનું ફાવશે?’ મેં જવાબ આપવામાં થોડો વિવેક અને થોડી આનાકાની સાથે ગેં...ગેં...ફેં...ગેં...કર્યું એટલે મીઠી કડકાઈથી કહે, ‘કોઈ બહાનાબાજી નહીં ચાલે. ક્યારે આવવાનું ફાવશે એટલું જ મેં પૂછ્યું છે, ફાવશે કે નહીં એવું નથી પૂછ્યું.’ તેમના પ્રેમાગ્રહને ટાળવો મુશ્કેલ. આજે પણ એ યથાતથ અનુભવી શકાય છે. મારે કહેવું જોઇશે કે કોઈને પણ ત્યાં જમવાની બાબતમાં મેં એ દિવસથી ગેં...ગેં...ફેં...ગેં...થવાનું અને યજમાનને અવઢવમાં રાખવાનું બંધ કર્યું છે.

એક દિવસ નક્કી કર્યો. દુબઈ જવાના બે-ત્રણ દિવસ અગાઉ તેમની સાથે જમ્યો. તેમણે મને પરદેશમાં સફળ થવાના આશીર્વાદ આપ્યા. ત્યાં ભીડ પડે તાત્કાલિક ખપમાં આવે એવી દસ અમેરિકી ડોલરની ત્રણ નોટ એક હાથમાં મૂકી મારી મુઠ્ઠી વાળી દીધી અને બીજા હાથમાં એક કવર મૂક્યું. પારસી નાટકોના વિખ્યાત કલાકાર બરજોર પટેલને સંબોધીને તારકભાઈએ લખેલા પત્રમાં એમણે મારી ઓળખ આપી જરૂર પડ્યે મદદરૂપ થવાની ભલામણ કરી હતી. બરજોર પટેલ / Burjor Patel નાટકની દુનિયાથી દૂર થયા પછી દુબઈના વિખ્યાત અંગ્રેજી દૈનિક ‘ગલ્ફ ન્યુઝ’ / Gulf News ના મેનેજરપદે હતા.

હું દુબઈ ગયો. નોકરીએ લાગ્યો. જરા સ્થાયી થયો એ પછી થોડા મહિનામાં અગાઉથી ફોન કરી, મામાને લઈને બરજોર પટેલને મળવા ગયો. તારકભાઈનો પત્ર આપ્યો. તેમના હોદ્દાને કોરાણે મૂકીને બરજોર ઉમળકાભેર મળ્યા અને આગ્રહપૂર્વક ઓફિસ નજીકની થ્રી-સ્ટાર ‘આસ્ટોરિયા હોટલ’માં લંચ માટે લઈ ગયા. ભાણાને મળતું ‘ભાણા’નું આ માન રાજેશમામા આશ્ચર્યપૂર્વક જોઈ રહ્યા. ભોજન પતાવીને પાછા ફરતા રસ્તામાં બહુ નિખાલસતાથી એમણે મને કહ્યું, ‘તારે દુબઈમાં આટલી મોટી ઓળખાણ છે?’ મારે શું કહેવું? ખરેખર તો આ માન-સન્માન મને નહીં, તારકભાઈને મળતું હતું. શબ્દની – દમદાર લેખકે લખેલા નક્કર શબ્દની તાકાત રજનીકુમાર પંડ્યા સાથે રહીને જોઈ અને અનુભવી હતી. અહીં દૂર દેશાવરમાં પણ જોઈ. થેન્ક્સ ટુ તારક મહેતા વાયા રજનીકુમાર પંડ્યા. બરજોર પટેલને મળ્યા પછી રજનીકાકા – તારકકાકા સાથેના મારા સંબંધોની નિકટતાનો રાજેશમામા – જયશ્રીમામીને ખ્યાલ આવ્યો. એમણે મને આગ્રહપૂર્વક કહ્યું, ‘મમ્મી-પપ્પાને તું જેમ નિયમીત ફોન કરે છે એમ એમને પણ તારે નિયમિત ફોન કરતા રહેવાનું. બીલની ચિંતા કર્યા વગર.” આમ, દુબઈ રહ્યે રહ્યે પણ તારકકાકા સાથે સંબંધ જીવંત રહ્યો.

દુબઈ – અલાઇન – અબુધાબી – શારજાહ રહ્યા પછી ત્રણ વર્ષે હું અમદાવાદ પાછો આવી ગયો. હવે મારે નવેસરથી નોકરી શોધવાની હતી. ફરીથી સ્થાયી થવાના એ ગાળામાં જ તેમની સાથેનું સંધાન પૂર્વવત થયું. નોકરી માટે એમની જ્યાં પહોંચ હતી તેવા ઠેકાણે મારા નામની ભલામણ પણ તારકકાકાએ કરી. અમારું મળવાનું એટલું નિયમિત થતું ચાલ્યું કે એમાં બે-ત્રણ દિવસથી વધુનો ખાડો પડે તો કામકાજની વ્યસ્તતા કે તબિયતની ચિંતા કરતો તેમનો ફોન અચૂક આવે. બે-ત્રણ દિવસ જ નહીં ક્યારેક બે-ત્રણ અઠવાડિયાના અંતરાલ પછી પણ ઘરે મળવા જઉં તો ય મારી અતિ ભાવતી વાનગી (મોટે ભાગે જુદા-જુદા પ્રકારની ભાજીના મુઠીયા) હાજર હોય.

[caption id="attachment_48435" align="aligncenter" width="300"] ઈન્દુમાસી- તારકકાકા[/caption]

મોટે ભાગે થાય એવું કે દિવસ દરમ્યાન એમને ઘેર જવાનું થાય ત્યારે ઘરના સામાન્ય કામકાજ કે વહીવટી બાબતો સંદર્ભે ચર્ચા કે ‘લાઇન ઓફ એક્શન’ની વાત ઈન્દુમાસી સાથે જ કરવાની થાય, કેમ કે વહીવટી બાબતોની તમામ જવાબદારી ઇન્દુમાસીએ સંભાળીને તારકકાકાને એમાંથી મુક્ત રાખ્યા છે. આને કારણે ઇન્દુમાસી સાથે અમારી લાગણીના તાર એટલા જ, બલકે વધુ મજબૂતીથી જોડાયેલા છે. મારા લગ્ન નિમિત્તે ગણતરીના માંડ દોઢસો મહેમાનો (મુખ્યત્વે તો સગાંઓ) માટે યોજેલા રિસેપ્શનમાં ઇન્દુમાસી – તારકકાકા આવ્યા તેનું મારે મન વિશેષ મહત્વ છે.

લગ્ન પછી એમના નિમંત્રણથી હું અને શિલ્પા તેમના ઘરે જમી આવ્યા – બિલકુલ આનાકાની વગર. મેં આગળ લખ્યું તેમ આ એક જ બાબત એવી છે કે જેમાં મેં કોઈ સમાધાન નથી સાધ્યું – સાધવું પણ નથી.

લગ્નના થોડા મહિનાઓ પછી એક રાત્રે હું ઓફિસથી ઘેર આવ્યો. હજી તો ઘરમાં પગ મૂક્યો કે શિલ્પાએ કહ્યું, ‘આજે તારકકાકા – ઇન્દુમાસી ખાસ રીક્ષા કરીને આપણા ઘેર આવ્યા હતા અને તમારા માટે આ પુસ્તક આપી ગયા છે.’ મારા આશ્ચર્યનો પાર નહીં. કેમ કે દર બે-ત્રણ દિવસે હું એમના ઘરે જનારો. મને જો કોઈ પુસ્તક આપવાનું હોય તો એ તેમના ઘરે પણ આપી જ શકે ને? એટલા માટે થઈને એમણે મારા ઘરે આવવાની તસદી શું કામ લેવી પડે? એવા કંઈક વિચારો સાથે મેં પુસ્તક જોવા માંગ્યું. પુસ્તકનું પાનું ખોલીને જોયું તો અર્પણના પાને મારું નામ – એવા ઉલ્લેખ સાથે કે ‘મારા ભાણેજ મૌલિન મુનશી અને ભત્રીજા સમ બિનીત મોદીને અર્પણ.’ આ વાંચીને મને જબરદસ્ત રોમાંચ થયો. પુસ્તકમાં નામ છપાયાની મારા માટે નવાઈ નહોતી, પણ એમણે મને અધિકૃત રીતે ‘ભત્રીજા’નો દરજ્જો આપ્યો હતો એ મારે મન મોટી વાત હતી. એ પુસ્તક એટલે તેમના એકાંકી નાટકોનો સંગ્રહ ‘ડહાપણની દાઢ’. મને ખબર છે કે આમાં મારી એમના તરફની લાગણી કરતાંય એમનું મારા તરફનું વાત્સલ્ય વધુ જવાબદાર છે.

[caption id="attachment_48434" align="aligncenter" width="300"] ઇન્દુમાસી- પુત્રી ઇશાનીબહેન- તારકકાકા[/caption]

ત્યારેય એમનું બહારગામ જવાનું ઓછું હતું, જે હવે તો લગભગ બંધ જેવું જ છે. એકવાર એમણે જણાવ્યું કે દોસ્તી-સંબંધના નાતે એક લગ્નમાં હાજરી આપવા વડોદરા જવાનું છે. સારથિ બનીને કંપની આપવાનું તને ફાવશે? બે દિવસ અમારી સાથે રહેવાનું થશે. વડોદરાની જાણીતી એવી ‘ઉત્સવ હોટલ’ના માલિક દિલીપભાઈના પરિવારમાં લગ્ન હતા. મારા માટે ‘ના’ પાડવાનો કોઈ સવાલ જ ક્યાં હતો? પણ મેં મારો સ્વાર્થ આગળ કર્યો. કહ્યું કે વડોદરા જતા આપણે મહેમદાવાદ ઉર્વીશના ઘરે થઈને આગળ વધીશું. (એ વખતે એક્સપ્રેસ હાઈવે નહોતો.) એમણે તરત મંજૂરી આપી દીધી. ઉર્વીશ તો મળતો જ હતો, પણ તેનાં પરિવારજનોને પણ તારકકાકા-ઈન્દુમાસી પ્રેમપૂર્વક મળ્યાં, જાણે જૂના પરિચીત હોય એ રીતે થોડો સમય ગાળ્યો. વડોદરા પહોંચીને લગ્નપ્રસંગ પાર પડ્યા પછી સમય-સંજોગો અનુકૂળ રહેતા બીરેનના ઘરે પણ ગયા. બહુ સહજતાથી,મહેમાનપણાના કશાય ભાર વિના! એ પછી જ્યારે મળે ત્યારે બીરેનના પરિવારજનોનાં પણ નામજોગ ખબરઅંતર પૂછે. તારકકાકા-ઇન્દુમાસી આપણા ઘરે આવે તેનો આનંદ હોય જ. તેમની સાથે કોઠારીભાઈઓના ઘરે પણ એ જઈ શક્યા તેનો આનંદ અમારા ત્રણના દોસ્તાનાને જાણનાર મિત્રો –પરિચિતો કલ્પી શકશે.

તારકકાકાનો દિવસ સાંજે પાંચ વાગે શરૂ થાય એટલે ચોક્કસ કામકાજના સંદર્ભે તેમના ઘરે મોટેભાગે સવારે કે બપોરે જ જવાનું અને ઇન્દુમાસીને મળીને છૂટા પડવાનું થાય. એટલે તેમને મળવા સાંજના સમયે બીજી મુલાકાત લઉં. મિત્રોના અને અમદાવાદના મિડિયા જગતના ખબર-અંતર મેળવવા ખાસ પૂછે, ‘શું છે જાણવા જેવું?’ તેમની પાસે હોય એ ખબર જણાવે પણ ખરા. મુંબઈના જાણવા જેવા સમાચારો તો તેમની પાસેથી જ મળે. મુંબઈના મોટા ભાગના ગુજરાતી – અંગ્રેજી દૈનિકો ખાસ વ્યવસ્થાથી મેળવીને રસપૂર્વક વાંચે. તેમનું શેડ્યુલ નજીકથી જોયાના નાતે એટલું કહી શકું કે તેઓ આજે રોજના એક ડઝન દૈનિકો અને પા ડઝન સામયિકો વાંચતા હશે. ચિત્રલેખા મારફતે કે સીધા ઘરના સરનામે આવતા વાચકોના દરેક પત્રનો જવાબ બે વર્ષ પહેલા સુધી આપી શકતા તારકકાકા પાછલા વર્ષોમાં તબિયતના કારણોસર એમ કરી શકતા નહોતા. એ બાબતનો તેમને ભારોભાર રંજ પણ ખરો. મહેતાદંપતિ મૂળે ‘માણસભૂખ્યું’ અને ‘મહેમાનભૂખ્યું’ છે. આંગડીયાવાળો પણ તેમના આંગણેથી કોરોધાકોર જઈ શકતો નથી. ‘પેરેડાઇઝ’ (એપાર્ટમેન્ટનું નામ)નું પગથિયું ઉતરતાં પહેલાં એ કંઈક તો પામ્યો જ હોય.

પ્રારંભે જેમનો ઉલ્લેખ છે તે ઘરના સભ્ય જેવા બની ગયેલા લીફ્ટમેન સોમભાઈની સાથે ગેરવર્તણૂક કરનાર પડોશીની તારકકાકા ‘રેવડી દાણાદાણ’ કરી શકે એટલી એમની નિસબત. વ્યવહારકુશળ ઇન્દુમાસી ઘર – પરિવાર – મિત્રો – પરિચિતોની ખબર તો રાખે જ, ક્યારેક તબિયતના તકાજાને અવગણીને પણ તેમના સારા – માઠા પ્રસંગે અચૂક હાજરી આપે. આ લખતી વખતે યાદ કરવું પણ ન ગમે છતાં લખું કે જુવાન મૃત્યુના ખબર તેમને બહુ પીડે. અંદરથી એ હલી જાય – સુનમુન થઈ જાય. બન્નેમાંથી કોઈ સાથે થોડા કલાકો કે દિવસો વાત પણ ન થઈ શકે.

એ જ રીતે તેમની તબિયતના સમાચાર પૂછવાનું ટાળવા જેવું. છતાંય કોઈ પૂછે તો કહે કે, ‘બગડે નહીં ત્યાં સુધી સારી’. ઘરમાં તેમની મદદમાં રહેતા સેવકો પહેલા કલાક કે પહેલા દિવસ પૂરતા જ સેવક રહે. બીજા દિવસથી એમની ગણતરી આપોઆપ ‘ફેમીલી મેમ્બર’ તરીકે થવા લાગી હોય. ઘરની બહાર પગ મૂકતાં કે ગાડીમાં બેસતા પહેલાં તેમની અગવડ – સગવડનો વિચાર પહેલો કરે.

રજનીભાઈએ જે કારણસર મને તેમની સાથે જોડી આપ્યો છે એવા વહીવટી કામકાજમાં હું મહેતાદંપતિને તેમની કુલ જવાબદારીના માંડ પંદર – વીસ ટકા ખપમાં આવતો હોઇશ. ક્યારેક અઘરા અથવા અટપટા લાગે તેવા કામ પાર પાડવામાં તેમના નામની – લોકપ્રિયતાની જે મદદ મળે છે તેનો જોટો જડે તેમ નથી. તુમારશાહીમાં કલાકો સુધી ઠેબે ચઢી શકે – સહેલાઈથી ચઢાવાઈ શકાય એવા કામ ગણતરીની મિનિટોમાં નીપટાવાઈ જાય ત્યારે તેમના શબ્દની તાકાતનો ખરો અંદાજ આવે. તેમના નામ – કામને નહીં જાણનાર એક બેન્ક કર્મચારીએ એક વાર ફોન કર્યો, ‘મીસ્ટર ટી.જે. મહેતા કે લીયે મેસેજ હૈ. પેન્શનર લાઇફ સર્ટીફીકેટ (જીવતા હોવાનું પ્રમાણપત્ર) મેં સિગ્નેચર વેરીફીકેશન કે લિયે બેન્કમેં આના હોગા.’ આ કર્મચારીના અધિકારીને આ વાતની ખબર પડી એટલે તરત જ તેણે તારકકાકાને ફોન કરીને દિલગીરી વ્યક્ત કરી. પછી પેલા કર્મચારીને ખખડાવતાં કહ્યું, ‘યે ટી.જે. મહેતા કો નહીં જાનતા ક્યા? રાત કો સાડે આઠ બજે વો સિરિયલ આતા હૈ, વો દેખતા નહીં ક્યા? વો જિંદા હી હૈ. આપકો લાઇફ સર્ટીફીકેટ ચાહીએ તો ઉનકે ઘર જાઓ.’

[caption id="attachment_48437" align="aligncenter" width="300"] પરદા પરના તારક મહેતા શૈલેષ લોઢા સાથે અસલ તારક મહેતા[/caption]

ડૉક્ટરોને બતાવવા માટે ઘણી વાર તારકકાકા સાથે જવાનું થાય ત્યારે પણ એમને મળતી રજવાડી સુવિધાનો અનુભવ થાય. મોટા ભાગના ડૉક્ટરો તો એમના વાચક જ હોય. અને હવે તો તે આનંદપૂર્વક જણાવે, “મારો પૌત્ર તમારી સિરીયલ જુએ છે.” 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' / Tarak Mehta Ka Ooltah Chashmah સિરીયલ શરૂ થયા પછી તો એવું પણ બન્યું છે કે ઘણા જૂના પરિચિતો-મિત્રો તેમનો સંપર્ક નવેસરથી કરવા લાગ્યા હોય. જો કે, તારકકાકા આ લોકપ્રિયતાથી જરાય વિચલિત થયા નહીં અને સહજતાપૂર્વક તેને સ્વીકારતા રહ્યા.

[caption id="attachment_48441" align="aligncenter" width="300"] અમારી મિત્ર ત્રિપુટી ઉર્વીશ, બિનીત અને પ્રણવ સાથે હિંચકે બેઠા વાતો[/caption]

1929માં અમદાવાદમાં જન્મેલા તારકભાઈ વાયા નડિયાદ – ભરૂચ – મુંબઈ થઈને પાછલા પચીસ વર્ષ અમદાવાદમાં જ રહ્યા. ક્રિકેટ મેચ જોવાનાય એ રસિયા. તેઓ આ રમતની બારીકાઈઓને નાટ્યકલા જેટલી જ બારીકાઈથી જાણે છે. પાછલા પાંચ – સાત વર્ષથી તેમના જન્મદિને શુભેચ્છા પાઠવવા માટે તેમને ઘેર જવાનો ક્રમ અમે શરૂ કર્યો છે. એ મુજબ પ્રણવ અધ્યારૂ, ઉર્વીશ કોઠારી અને હું તેમને ત્યાં જઈએ છીએ. અલકમલકની વાતો એ કલાક-દોઢ કલાકમાં થાય, સાથે ઈન્દુમાસીની વિશિષ્ટ યજમાનગીરી તો ખરી જ. બીરેનને પણ તે અવારનવાર યાદ કરે અને બીરેન અમદાવાદ આવે ત્યારે મળવાનું કાયમી આમંત્રણ હોય જ.

હવે મેં સપનાં જોવાનું બંધ કર્યું છે, કેમ કે સપનાં પણ આપણે આપણી સ્વભાવગત મર્યાદા મુજબ જ જોતાં હોઈએ છીએ. વાસ્તવિકતા ક્યારેક સપનાથીય આગળ નીકળી જાય એમ બને! મને સપનેય ખ્યાલ નહોતો કે પોસ્ટકાર્ડ થકી શરૂ થયેલા તારકકાકા સાથેના પરિચય પછી એ આમ સાવ મારી નજીક આવી જશે અને મારા પાડોશી બની રહેશે.

2008માં તેમના ૮૦મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ‘નવભારત’ દ્વારા યોજાયેલા કાર્યક્રમ પછી તેમણે આરોગ્યના કારણોસર કાર્યક્રમ માટે બહાર જવાનું બંધ કર્યું છે. હજીય તેમને મળતાં રહેતાં અસંખ્ય આમંત્રણોને તે વિનમ્રતાપૂર્વક નકારે છે. પ્રતિકૂળ તબિયત, સંજોગોને અવગણીને પણ પાછલા વર્ષોમાં તેમણે તેમના પ્રવાસના શોખને પુનઃર્જીવિત કર્યો. એંસીમાં વર્ષ નિમિત્તે વાચકો – ચાહકો – સ્વજનો સમક્ષ જાહેર કરેલા ‘દેહદાન’ના સંકલ્પનો સ્વજનોએ અમલ કરવો પડે તે દિવસ આવી પહોંચ્યો...બુધવાર 1 માર્ચ 2017ની સવારે તારકભાઈ પોતે જ બનાવેલો માળો છોડી ગયા.

(તસવીરો : અંગત સંગ્રહ તેમજ નેટ પરથી)

Wednesday, November 30, 2016

ફોઇનું નામ – વસુમતી : સરનામું – સાબરમતી

[vc_row row_height_percent="0" overlay_alpha="50" gutter_size="3" shift_y="0"][vc_column][vc_column_text]

[caption id="attachment_48371" align="aligncenter" width="240"]vasumati-shah વસુમતી નવીનચન્દ્ર શાહ / Vasumati Navinchandra Shah 31-08-1937થી 01-12-2015[/caption]

ગોધરામાં જન્મેલા, સ્કૂલે ગયેલા, પૂનામાં કૉલેજ ભણેલા વસુફોઈ લગ્ન કર્યાના બીજા દિવસથી અમદાવાદના સાબરમતીમાં રહેવા આવી ગયા હતા. એમ તો એ નવા વાડજમાં પણ રહ્યા અને ઇઠ્યોતેર વર્ષની ઉંમરે વસ્ત્રાપુરના ઘરમાં અવસાન પામ્યા ત્યારે ત્રણ દીકરીઓ અને એક દીકરાનો પરિવાર સાથે હતો. ચાર સંતાનોની માતા એવા ફોઇએ પાંચ બાળકોને લાડ-પાન લડાવ્યા, જીદ – માગણી સંતોષી, સાથે બેસાડીને ભણાવ્યા અને વખત આવ્યે સૌને પોતપોતાના જીવનમાં થાળે પણ પાડ્યા. આ પાંચમું બાળક એટલે મારા પપ્પા સદગત પ્રફુલભાઈ મોદી. ઉંમરમાં પપ્પાથી માત્ર ત્રણ વર્ષ મોટા વસુફોઇને તેમનાથી મોટી ત્રણ બહેનો (સ્વ. મધુકાન્તાબહેન પરીખ, સ્વ. જસુબહેન પરીખ, ચંપાબહેન પરીખ) અને એક મોટાભાઈ હસમુખભાઈ શાહ.

ઉંમર – અવસ્થાને કારણે બા – દાદા (લલિતાબહેન અને મહાસુખલાલ શાહ)ને વતન ગોધરાના ઘરમાં એકલા રાખવાનું કે અન્ય સ્વજનોની જવાબદારી પર છોડવાનું શક્ય નહોતું. બૅન્ક ઑફ બરોડાની નોકરીમાં પ્રમોશન / બઢતી મળતા મોટાકાકાને પૂના જવું અનિવાર્ય થયું ત્યારે તેઓ તેમનાથી નાના ભાઈ – બહેનને પણ સાથે પૂના લઈ ગયા. પ્રફુલ અને વસુ. બન્નેના સ્કૂલથી આગળના અભ્યાસ માટે પણ એ જરૂરી હતું. ફોઈ બી.એ થયા અને પપ્પાએ વાયરલેસ ઓપરેટરનો કોર્સ કર્યો. પૂનાથી મોટાકાકાની બદલી લંડનની બ્રાન્ચમાં થતા બા-દાદા અને ભાઈ-બહેન ગોધરા પરત આવ્યા.

લગ્નની સુવર્ણજયંતિ ઉજવીને વિદાય થયેલા વસુફોઈ પચાસ વર્ષ પહેલા પરણીને અમદાવાદ આવવાના હતા તેના દિવસો અગાઉથી તેમને ઘર-પરિવાર અને બહેનપણીઓ પાસેથી ખૂબ બધી સલાહો મળવા લાગી હતી. તેનું એકમાત્ર કારણ નાની ઉંમર અને ગોધરા જેવા પ્રમાણમાં નાના ગામથી અમદાવાદ જેવા મોટા શહેરમાં કરવાનું લગ્ન સ્થળાંતર. જો કે પાછલા વર્ષોમાં ફોઈએ એકવાર મને કહ્યું હતું કે અમદાવાદ આવીને રહેવાની તેમને પોતાને કોઈ ખાસ ફીકર નહોતી. કેમ કે તેમનાથી મોટા જસુબહેન અને માસીયાઈ બહેન (બીજા સગપણે જેઠાણી) ચંપાબહેન / http://binitmodi.com/2016/03/%E0%AA%9A%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE-%E0%AA%85%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BF%E0%AA%82%E0%AA%A6%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B9-%E0%AA%89%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AB%E0%AB%87/ પહેલેથી અમદાવાદમાં જ રહેતા હતા અને તેમનો સાથ મળી રહેવાનો હતો તેની ખાતરી હતી.

એમ તો પરિવારના સૌ કોઇને જ તેમનો સાથ જીવનભર મળી રહેવાનો હતો. તેમના પરિચયમાં આવનારું ભાગ્યે જ કોઈ એવું હશે જેને વસુફોઈ મદદરૂપ ન થયા હોય. સાજા સમા હોવ કે માંદગી, સારો – માઠો કોઈ પણ પ્રસંગ હોય, અમદાવાદમાં કે ક્યાંય પણ...તેમના ખુદના વિષમ સંજોગો હોય તો પણ વસુબહેન મદદ કરવા આવી પહોંચશે તેવી ખાતરી રાખી શકાતી. આવી ખાતરી એટલા માટે પણ રાખી શકાતી કેમ કે ફોઈના ઘરમાં તેમના સાસુ ચંદનબા હતા. નીતા – લીનાબહેનના લગ્ન થયા ત્યાં સુધી...અરે...નીકીનો (લીનાબહેનની દીકરી) જન્મ થયો ત્યાં સુધી હતા. ચંદનબા...ચંદનબહેન નટવરલાલ શાહ...ખૂબ મળતાવડા. નજીક જઇને મળીએ એટલે હેતથી માથે હાથ ફેરવે. એક વાર એવું થયું કે ફોઈના સાબરમતીના ઘરમાં આરામખુરશીમાં બેઠેલા પપ્પાના માથા પર રેડિયો પડ્યો. શૉ કેઇસમાં ગોઠવાયેલો, વાલ્વવાળો, મલ્ટીબૅન્ડ એવો વજનદાર રેડિયો. શૉ-કેઇસના નકુચા ઢીલા પડ્યા હશે તે પપ્પાના માથા પર પડ્યો. ચંદનબા ક્યાંય સુધી પપ્પાના માથે હાથ ફેરવતા રહ્યા હોય એવું સાત-આઠ વર્ષની ઉંમરે જોયેલું દ્રશ્ય યથાતથ યાદ છે. સાથે – સાથે પૂછતા પણ જાય...“ભઈ, બવ વાગ્યું...નહીં?”

ફોઈના ખુદના બા બન્યાના અડતાલીસ કલાકમાં જ ચંદનબા ચાલ્યા ગયા. એમ વિચારીને કે, ‘વસુ’ પોતે પણ બા બની ગઈ તો હવે એક ઘરમાં બે બાનું શું કામ છે? ચંદનબાને તેમની ઇચ્છા મુજબની ધર્મયાત્રા કરાવવા નવીનફુઆ – વસુફોઈએ અંગત પ્રશ્નો જો કોઈ હોય તો તેને પણ તત્કાળ તો દૂર હડસેલીને તેમને જાત્રા કરાવવાને જ પ્રાધાન્ય આપ્યું હતું.

પારસી ચાલ સ્થિત ફોઈના સાબરમતીના ઘરે મોટેભાગે ઉનાળા વૅકેશન દરમિયાન મારે રહેવા જવાનું થાય. સાંજ પડ્યે ઠંડા પહોરે બા (ફોઈના સાસુ) રામનગર – જવાહરચોકના રામજી મંદિર દર્શને મને, દિવ્યાંગને અને ગોપીબહેનને લઇને જાય. ઘરે પાછા વળતા બાળકોને પિપરમિન્ટ વહેંચતા દાદાના ઘર પાસે અવશ્ય ઊભા રહે. દાદા આઘા-પાછા હોય તો રાહ જોઇને પણ પિપરમિન્ટ લઇને જ આગળ વધવાનું એવો ચંદનબાનો આગ્રહ રહેતો. આજે પિસ્તાલીસ પાર કર્યા પછી એવું લાગે છે કે આ તેમણે આપેલા સંસ્કાર હતા. આજે પણ ઘરમાં અરવિંદફુઆ, ગિરીશભાઈ કે તેમના જેવા કોઈ વડીલ પાસેથી મળ્યાની પાંચમી – દસમી મિનિટે પિપરમિન્ટ ન મળે તો માગી લેતા કોઈ સંકોચ નથી થતો. શેને માટે થવો જોઇએ?

સગપણમાં ભાભી એવી મારી મમ્મી સાથે ફોઇને બહેનપણા હતા. ઉંમરમાં ઘણો બધો તફાવત નહીં હોવાનો કે એક જ પરિવારના સૌથી નાના ભાઈ-બહેન હોવાનો આ આડકતરો લાભ હતો. એ પણ સમજાય છે કે ફોઈની વિદાય પછી મમ્મી (સુધાબહેન મોદી) માટે કપરો સમય છે. છેલ્લા દાયકામાં ફોઈ-ફુઆ પરિવાર સાથે વસ્ત્રાપુર રહેવા આવી ગયા પછી તો ભૌગોલિક અંતર પણ ન રહ્યું જે એક જમાનામાં સિત્તેરના દાયકામાં જોજનો જેવું લાગતું હતું. કેમ કે અમે મણિનગર રહેતા અને વસુમતીફોઈ સાબરમતી.

સ્ટેટ બૅન્કની નોકરીમાં બઢતીના વર્ષો અમદાવાદ બહાર ગાળ્યા પછી પુનઃ એકવાર પપ્પાની બદલી અમદાવાદ થઈ ત્યારે વસતી, વિસ્તાર અને સમૃધ્ધિથી ફાટ-ફાટ થતા અમદાવાદમાં આશરો આપનારું ઘર તાત્કાલિક મળે એમ નહોતું. બૅન્ક પણ એ વ્યવસ્થા ચોક્કસ સમયગાળા પછી જ કરી શકે તેમ હતી. એવો લાભ લેવા જતાં અમદાવાદ જેવા શહેરમાં થયેલી બદલી અને કાયમી વસવાટની તક ગુમાવવી પડે તેમ હતી. એ સમયે વસુફોઈ જ પપ્પાની મદદે આવ્યા. પપ્પા સાબરમતીના ઘરમાં છ મહિના ઉપરાંતના સમય માટે રહ્યા. ટીફીન ખાવાની ટેવ ન ધરાવતા પપ્પાને (પ્રફુલ મોદી / http://binitmodi.com/2013/10/%E0%AA%AA%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AB%81%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D/) નવ-સાડા નવે ગરમાગરમ થાળી પીરસીને બૅન્કમાં મોકલતા રહ્યા. એટલે તો કહું છું કે ચાર સંતાનોના મમ્મી એવા વસુફોઈએ પાંચ જણને થાળે પાડ્યા હતા. ખોટું કહ્યું?

વસુફોઈની વાત જેમ એમના સાસુના ઉલ્લેખ વગર થઈ શકતી નથી તેમ એમના મદદગાર થવાના એકાધિક પ્રસંગો વગર પણ થઈ શકે તેમ નથી. મહેમાનની અવર-જવર વધવાની હોય ત્યારે પણ એમની મદદ લઈ શકાય અને માંદગીના દહાડા ટૂંકા કરવા માટે પણ. અથાણાની ધોમધખતી સિઝનમાં પણ તેમને યાદ કરી શકાય અને દિવાળીના નાસ્તા બનાવવાની તૈયારી કરતી વખતે પણ. દિવાળીના દિવસો પછી તરત વિદાય પામેલા વસુફોઈનું જેવું હેત મારા પપ્પા પામ્યા એવો લાભ અનિશા – દિવ્યાંગની પુત્રી ધૃવિશા અને પુત્ર ધૈર્ય તેમજ દોહિત્ર તપનના (નીતાબહેનનો દીકરો / http://binitmodi.com/2013/12/%E0%AA%A8%E0%AB%80%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%80%E0%AA%96-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AC%E0%AA%B9%E0%AB%87%E0%AA%A8-%E0%AA%AA/) સંતાન જાહનવી સુધી પહોંચ્યો એ અમારે પરિવારને મન મોટી દિવાળી છે.[/vc_column_text][/vc_column][/vc_row]

Monday, March 28, 2016

ચંપા અરવિંદલાલ શાહ ઉર્ફે ચંપા સાકરલાલ મોદી ઉર્ફે ચંપાફોઈ રાણીપવાળા...

ચંપા અરવિંદલાલ શાહ / Champa ArvindLal Shah

04-08-1931થી 18-03-2016

મારે બે ચંપાફોઈ છે. એક તે પપ્પાના સગા બહેન (ચંપાબહેન કંચનલાલ પરીખ) જેઓ હાલ અમેરિકામાં વસે છે. બીજા તે પપ્પાના પાલીમાસીની દીકરી બહેન એમ એ સગપણથી થતા ચંપાફોઈ. વતન ગોધરાના કાજીવાડા (આજે શ્રીજીવાડા તરીકે ઓળખાતું ફળિયું)માં સાથે જ રહેલી, ઉછરેલી, ભણેલી બન્ને માસિયાઈ બહેનો વચ્ચે બહેનપણાનું પ્રમાણ વધુ હતું. કાળક્રમે આમ તો બન્ને ચંપાફોઈ અમેરિકા જઈ દીકરા સાથે રહ્યા પણ અમદાવાદવાળા ચંપાફોઈની ઓળખાણ આ રીતે અપાતી – રાણીપવાળા ફોઈ, ચંપા અરવિન્દ શાહ / Champa Arvind Shah.
હા, રાણીપનું / Ranip, Ahmedabad નામ પાડ્યા વગર તેમની વાત થઈ શકે તેમ નથી. આજે 2016માં એકવીસમી સદીનો દોઢ દાયકો વીતી ગયા પછી પણ કોઈના મોંઢે એમ સાંભળું કે ‘છોકરીના ઘરનું ના ખવાય’ અથવા તો ‘છોકરીના ઘરે મા-બાપથી ના રહેવાય’, તો આ વાક્યો સાંભળીને બોલનાર પર ગુસ્સો તો પાછળથી આવે પણ પહેલા ચંપાફોઈ યાદ આવે. પાલીમાસી – સાકરમાસા, તેમના મા-બાપને તેઓ હક્કપૂર્વક કહેતા કે પાલી-કાકા વર્ષે એકવાર તો અઠવાડિયું – પખવાડિયું તમારે મારી સાથે રહેવા અમદાવાદ આવવાનું જ. સગવડે તેમને શહેરમાં ફરવા પણ લઈ જતા. જો કે મોટાભાગના સગાં – સંબંધી તેમને રાણીપ, ગીતાંજલિ સોસાયટીના ઘરે જ મળવા જતા. એ રીતે 1986 – 1987ના ગાળામાં પાલીમાસી – સાકરમાસાને આખરીવાર અમદાવાદમાં જોયા હશે.
30 ડિસેમ્બર 2015થી 3 જાન્યુઆરી 2016 વચ્ચે પાંચ દિવસ માટે વતન ગોધરામાં યોજાયેલા કુટુંબમેળા ‘Modi – Mody Reunion’ / http://www.modimody.com/ માં સાકરમાસા – પાલીમાસીની સાથે ચંપાબહેનને તેમનાથી નાના છ ભાઈ-બહેનોની (વિનોદ – અરૂણ – અનિલા – સતીષ – બટુક અને યોગેશ) સંભાળ લેનાર – દરકાર કરનાર એક માત્ર બહેન રૂપે યાદ કરવામાં આવ્યા. (વાંચો વિનોદ મોદી વિશે / Vinod Mody / http://www.binitmodi.blogspot.in/2014/02/blog-post.html) પાલીમાસીના સતત માંદગીભર્યા સંજોગોને લઇને આમ કરવું જરૂરી હતું અને એ જવાબદારીને સુપેરે સંભાળી લેનાર મોટી બહેન માટે સૌથી નાના ભાઈ ડૉ. યોગેશ મોદીએ / Yogesh Mody એમ કહ્યું કે, ‘અમારા માટે તો ચંપાબહેન એટલે મા પછીની મા’. કાર્યક્રમના એક તબક્કે બહુ ગૌરવપૂર્વક તેમને યાદ કરવામાં આવ્યા કે, જે કંપાઉન્ડમાં ભેગા થઈને આજે આપણે જલસો કરી રહ્યા છીએ તેમાંના બંગલાની ટાઇલ્સ ઘસવા ચંપાએ બહેન સુમતીની / Sumatiben Shah / http://www.binitmodi.blogspot.in/2014/12/blog-post.html સાથે જાત ઘસી નાખી હતી. ચીંધેલા કામ માટે કે જાણ્યા – અજાણ્યા પરિચિતોને ખપમાં આવવા જાત ઘસી નાખવાનો સિલસિલો ફોઈ પરણીને અમદાવાદ આવ્યા તે પછી પણ ચાલુ રહ્યો.
અગિયાર ભાઈ-બહેનોમાં ચોથા નંબરે આવતા ચંપાબહેન / Champa Arvind Shah વતન ગોધરાથી / Godhra પરણીને અમદાવાદ / Ahmedabad આવ્યા (લગ્ન તારીખ 12 ફેબ્રુઆરી 1955) ત્યારે પહેલા સાબરમતી / Sabarmati અને તે પછી રાણીપ રહેવા ગયા. કુટુંબમાં ભણતરને, વિશેષપણે ભાઈઓના અભ્યાસને જોઇને અમદાવાદ આવ્યા હતા એટલે ભણતરની મહત્તાને સમજતા હતા. ઉચ્ચ અભ્યાસ કરતા તેમનાથી નાના ભાઈ અરૂણ / Arun Mody, રતિકાકાના દીકરા ચીનુ / Chinoo Modi અને ઓચ્છવકાકાની દીકરી લતા (હાલ લંડનમાં રહેતા ડૉ. લતા તુષાર ભટ્ટ / Lata Tushar Bhatt) ને ભણતરમાં તો તે મદદરૂપ થઈ શકે એમ નહોતા. પરંતુ એવો આગ્રહ જરૂર રાખતા કે શનિ-રવિની રજામાં હોસ્ટેલ છોડીને ભાઈ-બહેન તેમના ઘરે આવે. ‘અઠવાડિયે એક વાર પણ ઘરના રોટલા ખાશો તો ભણવામાં મન સારું લાગશે’ એવો તેમનો સાદો તર્ક રહેતો. નવાઈ લાગે પણ તેમના આ તર્ક – ડહાપણનો લાભ પછીની પેઢીના ભાણા – ભત્રીજાઓને પણ મળ્યો. જેમ કે વી.એસ. હોસ્પિટલમાં મેડિકલનો અભ્યાસ કરતા રાજેશભાઈ / Rajesh Parikh (મધુકાન્તા નટવરલાલ પરીખ ઉર્ફે બબુફોઈના દીકરા, હાલ સુરત) અને એમ.કોમ તેમજ અકાઉન્ટન્સીનો વિશેષ અભ્યાસ કરતા મીનેષભાઈ / Minesh Mody (ઉર્મિલા અને સુરેન્દ્ર સાકરલાલ મોદીના દીકરા, હાલ અમેરિકા) એ દિવસોને યાદ કરતા આજે પણ કહે છે કે ચંપાફોઈ સહિતના કેટલાક પરિવારજનોના ઘર અમદાવાદમાં હોવાના કારણે અમારી કારકિર્દી સરળતાથી આગળ ચાલી. અમને ઘર-ગામ જલદીથી યાદ નહોતું આવતું.
ભાઈ કે ભાણા – ભત્રીજાઓને ચંપાફોઈનો જે લાભ ભણતી વખતે મળ્યો હતો તે મારા પપ્પા સ્વ. પ્રફુલ મોદીને / Praful Modi / http://www.binitmodi.blogspot.in/2013/10/blog-post_23.html નોકરીના વર્ષો દરમિયાન મળ્યો. સ્ટેટ બૅન્કની નોકરી દરમિયાન પપ્પા રાણીપ શાખામાં મેનેજરના હોદ્દા પર હતા. 1987 – 1988ના સમયમાં રાણીપ આજના જેટલું વિક્સેલું નહીં એટલે રાણીપ ગામની બૅન્કની નોકરી રાજાના રજવાડા જેવી હતી. સમજોને કે એવું રજવાડું કે પપ્પા દરરોજ બપોરે બહેનના ઘરનો ચા – નાસ્તો કરવા જઈ શકતા હતા. આંગણે આવેલા અતિથિને ખવડાવી – પીવડાવીને વિદાય આપવાના ફોઈ એટલા આગ્રહી હતા કે અઠવાડિયે – પંદર દિવસે તેઓ પપ્પાને અચૂક આગ્રહ કરે કે, ‘પ્રફુલ, સુધાને બસ-રીક્ષામાં રાણીપ પહોંચવાનો ફોન કરી દે. સાંજે જમવાનું અમારી સાથે.’ આટલું કહીને બીજા કામે કે વાતે વળગી જાય તો એ ચંપાફોઈ નહીં. પ્રફુલ ફોન કરે પણ ખરો અને મોટે ભાગે ના પણ કરે એવી પાકી ખાતરી ધરાવતા તેઓ જાતે જ મમ્મીને ફોન કરીને હુકમની બજવણી કરી દે.
ચંપાફોઈ માટે એમ પણ કહી શકાય કે ટેલિફોનનો સંશોધક એલેકઝાન્ડર ગ્રેહામ બેલ / Alexander Graham Bell જન્મ્યો ન હોત તો ફોઈએ આ દુનિયામાં આવવાનું જ માંડી વાળ્યું હોત. ફોન હાથવગો હતો તો નંબરો એમને મોંઢે રહેતા હતા. ડાયરી જોવાની જરૂર ના પડે. પાંચસો ઉપરાંત પરિવારોમાં ફેલાયેલા ગોધરાના વતનીઓ વિષેના સાજા સમાના – માંદગીના, સારા – નરસા, જૂના – નવા બધા જ સમાચારો તેમની પાસેથી મળે. વાત-વિગત જાણીને બેસી રહેવાનું તેમના સ્વભાવમાં નહોતું. જરૂર જણાય ત્યાં મદદરૂપ થવા પહોંચી જાય. વતનથી આવતા દૂર-સુદૂરના સગાં-સંબંધી કે ભાઈ સુરેન્દ્ર / Surendra Mody / http://www.binitmodi.blogspot.in/2013/07/blog-post_30.html અને સગપણમાં નાનાકાકા થતા એવા નગીનકાકાની તેમણે દોઢ-બે મહિનાથી લઇને સળંગ ચાર-પાંચ મહિનાના ગાળા માટે સંભાળ લીધી હોય તેવા એકથી વધુ દાખલા જાણવા મળે છે. અમદાવાદ જેવા વસતી અને વિસ્તારની રીતે ફાટ-ફાટ થતા શહેરમાં ટાંચા સાધનો વચ્ચે, સ્કૂટર જેવી આજે પ્રાથમિક ગણાતી સગવડ વિના ઘરથી હોસ્પિટલ સુધી એ.એમ.ટી.એસની બસમાં ટીફીન સાથે દોડાદોડ કરતા ચંપાફોઈને પડતી મુશ્કેલીઓ-વિપદાની આજે તો માત્ર કલ્પના જ કરવાની રહે.
જસુફોઈ – કાન્તિલાલ પરીખ, હસમુખભાઈ શાહ – હસિતાકાકી (મારા મોટાકાકા – કાકી), ‘નાનુકાકા’ના હુલામણા નામથી જાણીતા હસમુખભાઈ મહેતા – ડૉ. કુસુમકાકી નાયક, ચંપાફોઈ – અરવિંદફુઆ અને તબીબી પ્રૅક્ટિસમાં આગવું નામ ધરાવતા ડૉ. ચીનુકાકા અને ડૉ. હંસાકાકી મોદી...આ પાંચ પરિવાર – દંપતી વચ્ચે એવી એક અવ્યક્ત સમજણ હતી કે એક-બીજાના સુખ – દુઃખમાં હંમેશા એકબીજાની પડખે રહેવું. કદાચ આ હૂંફને કારણે જ અમદાવાદ જેવા શહેરમાં પણ તેમનો સમય બહુ સરળતાથી વીત્યો. એવી સરળતાથી કે ઓરમુ, બાફેલો લોટ (ખીચુ), હાંડવો, મકાઇનો દાણો અને જાડા મઠિયા જેવી પરંપરાગત વાનગીઓ ખાવાની ફરમાઇશ અડધી રાતે પણ એકબીજાને કરી શકે અને એ ફરમાઇશ પાછી પૂરી થાય પણ ખરી. એવી ફરમાઇશ કે જે ખિસ્સામાં છલોછલ રૂપિયા સાથે હોટલમાં કદી ન પૂરી થાય. એવા છલોછલ રૂપિયા તો આ સૌ પાસે પણ ક્યાં હતા? હા, એમનો વૈભવ અકબંધ હતો.
અમદાવાદમાં મારા પપ્પા પોતાનું કહી શકાય એવું ઘરનું ઘર લઈ શક્યા તેનો સઘળો શ્રેય આ ચંપાફોઈને જાય છે. રાણીપમાં / Ranip, Ahmedabad એ સમયે તેમના ઘરની સામે જ ફ્લેટ – અપાર્ટમન્ટની હારમાળા બંધાતી જતી હોય. તેઓ કાયમ કહે કે ‘પ્રફુલ, આમાંનો એક ફ્લેટ તું નોંધાવી દે. બૅન્કવાળાને રૂપિયાની તકલીફ ના હોય. હોય તો મને કહે. હું સગવડ કરી દઉં.’ બેશક આ કોઈ ઠાલા વાક્યો નહોતાં. બિલકુલ જવાબદારી પૂર્વક બોલાતા શબ્દો હતા અને એમ બોલનારા તેઓ એકલા જ હતા. સામે પક્ષે રાણીપમાં મકાન ખરીદવા બાબતે તે આગ્રહી પણ નહોતા. કેમ કે તેમને ખબર હતી કે થોડાં વર્ષોમાં તેઓ પોતે જ દીકરા નૈલેશ પાસે કાયમી ધોરણે અમેરિકા રહેવા – સ્થાયી થવા જવાના છે.
આગળ જણાવ્યું તેમ ભણતરનું મહત્વ તેઓ એવું સમજતા અને સામેનાને સમજાવતા કે ભણવામાં દાંડાઈ કરતા કેટલાક ભાણા – ભત્રીજા રીતસર તેમનાથી ડરતા. સ્કૂલના ખરાબ પરિણામ સાથે જો ચંપાફોઈની અડફેટે આવી ગયા તો મર્યા સમજો. કૌટુંબિક સંજોગોને કારણે અમેરિકા જવાની ઉજળી તકો સામે દીકરા નૈલેશને / Nailesh Arvind Shah તેમણે એકથી વધુ વાર તાકીદ કરતા સમજાવ્યું હતું કે અમદાવાદથી વજનદાર ડીગ્રી લઈને અમેરિકા જવાનું કેટલું ઉપયોગી છે.
અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપની (હવે ટોરન્ટ પાવરથી ઓળખાતી)ની નોકરીમાંથી 1990માં અરવિંદફુઆ / Arvind Shah વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા. એ પછી ચંપાફોઈ-ફુઆ કાયમ માટે અમેરિકા ગયા. તેમનું આ સ્થળાંતર નૈલેશભાઈ અને ડૉ. સોનલભાભીની / Sonal Nailesh Shah વ્યવસાયી કારકિર્દી માટે આશિર્વાદરૂપ નીવડ્યું. મમ્મી – પપ્પાના સાથ-સંગાથથી તેઓ બન્ને ઉચ્ચ કારકિર્દીના દરેક પડાવ સરળતાપૂર્વક, બીનજરૂરી સંઘર્ષ વિના પાર પાડી શક્યા તેવું શાહ દંપતી ગૌરવપૂર્વક આજે પણ યાદ કરે છે. તેમના સંતાનો અંજલી / Anjalee – શાલિનને / Shalin પણ બા-દાદાની એવી તો અભૂતપૂર્વ કંપની મળી કે બાળપણના ધીંગા-મસ્તીના, ભણવામાં પા...પા...પગલી માંડવાના, સંસ્કાર સિંચનના કે ઉચ્ચ કારકિર્દી માટે અગત્યનો કહી શકાય તેવો કિશોરાવસ્થા સુધીનો ગાળો તેમના માટે યાદગાર બની રહ્યો. એવો યાદગાર જે આજન્મ ભૂલી ન શકાય.
સ્વજનોને મળવા તેમજ ચારધામયાત્રાના એક અધૂરા પડાવને પૂર્ણ કરવા ફોઈ-ફુઆ 2003માં એકાદ વર્ષ – બાર મહિના માટે જ કર્મભૂમિ અમદાવાદ આવ્યા હતા. ઑક્ટોબર 2004માં અચાનક આવી પડેલી માંદગીએ તેમના અમદાવાદ વસવાટને 2004ના અંતભાગથી 2016ના પ્રારંભ – મૃત્યુશૈયા સુધી લંબાવી દીધો. આ દરમિયાન ચાલેલી એમની માંદગી અને અવ્યક્ત પીડાનો તો કોઈ હિસાબ નથી. પરંતુ તેમની જીવનીનો થોડો હિસાબ – હિસ્સો લખાય એવી નૈલેશભાઈની ઇચ્છાને પૂર્ણ કરવી તેને હું મારું કર્તૃત્વ સમજું છું. આટલું લખીને મેં શરૂઆત કરી આપી છે. એમાં પરિવારજનો – પરિચિતો પણ જોડાય તો ઉત્તમ. તેમની માંદગીના પ્રારંભિક દિવસોમાં પરિવારના ડૉ. ચીનુકાકા મોદી / Chinoo Modi, ડૉ. કુસુમકાકી મહેતા – નાયક / Kusum Naik – Mehta, ડૉ. રાજેશ પરીખ / Rajesh Parikh અને વિશાળ મોદી પરિવારના અમેરિકા સ્થિત ડોક્ટરો તરફથી પ્રાપ્ત સલાહ – મદદની નોંધ લેવા માટે આ જગ્યા નાની પડે.
એ જ ક્રમમાં વ્યવસાયે ખુદ ડેન્ટીસ્ટ એવા ડૉ. સોનલભાભીના અમદાવાદ સ્થિત ડેન્ટીસ્ટ મિત્ર ડૉ. શૈલેશભાઈ શાહ / Shailesh Shah, ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. કલ્પેશ પટેલ / Kalpesh Patel, ક્રિષ્નાબહેન પરમાર, બહેન શ્યામલી સહાના, આનલબહેન પંચાલ તરફથી સતત સારવારની અને બહેન કમુબહેન સોની, તેમના પુત્ર નિલેશ / Nilesh Soni અને ગીતાબહેન દવે તરફથી ઘરકામ સહયોગની મદદ અવિરત મળતી રહી.
સગપણમાં મારા સગા ફોઈ એવા વસુફોઈ ચંપાફોઈ સાથે ડબલ સગાઈ ધરાવતા હતા. પરણ્યા પછી માસિયાઈ બહેન સાથે નવું સગપણ ઉમેરાયું – દેરાણી જેઠાણીનું. હા, વસુફોઈના જેમની સાથે લગ્ન થયા તે નવીનચંદ્રફુઆ અરવિંદફુઆના સગા નાનાભાઈ થાય. એ નાતે બન્ને બહેનો દેરાણી-જેઠાણી થઈ. મને આ ડબલ સગાઈ વિશે મોડી-મોડી ખબર પડી હતી. નીતા / Nita Anil Parikh / http://www.binitmodi.blogspot.in/2013/12/blog-post.html -લીના-ગોપી-દિવ્યાંગને તેમના કાકા-કાકી (અને માસી-માસા પણ ખરા) એવા ચંપાફોઈ-ફુઆ માટે ‘બેન-કાકા’ એવું સંબોધન સાંભળતો થયો અને સવાલ કર્યો ત્યારે મમ્મી-પપ્પાએ મને આ ડબલ સગાઈના સંબંધની જાણ કરી હતી.
ચંપાફોઈની માંદગીના વર્ષો દરમિયાન જ વિદાય પામેલા નવીનફુઆ / Navinchandra Shah (વિદાય વર્ષ 2012) અને વસુફોઈ / Vasumati Shah (વિદાય વર્ષ 2015)ની હૂંફ અને જરૂર પડ્યે સહયોગ મોટાભાઈ અરવિંદભાઈને મળતો રહ્યો. ઉપર જેમનો ઉલ્લેખ કર્યો તે બહેનો નીતા-લીના-ગોપી અને જમાઈઓ અનિલ પરીખ / Anil Parikh – સંજય શાહ / Sanjay Shah અને નીકેશ શાહ / Nikesh Shah, તેમના સંતાનો દોહિત્રા તપન / Tapan Parikh, હર્ષલ / Harshal Shah, મનન / Manan Shah, નીકી ઉમંગ શાહ / Niki Shah – Umang Shah અને ભાઈ દિવ્યાંગ / Divyang Shah – અનીશા દિવ્યાંગ / Anisha Shah સહિતના બૃહદ શાહ પરિવારના સ્વજનોએ આપેલા સહયોગ – પ્રદાનને સમાવી લેવા આવો જ બીજો લેખ લખવો પડે અને તેનો પનો પણ ટૂંકો પડે તેની મને ખાતરી છે. જો કે એક વિશેષણનો ઉલ્લેખ કરવો રહ્યો કે મોદી પરિવારના જમાઈઓને સુરેન્દ્રકાકા બહાદુર’ શબ્દની નવાજેશ કરીને જ બોલાવતા હતા.
નૈલેશભાઈએ નહીં, વિશેષ આભાર મારે નારણપુરાના આકાશ – 3 અપાર્ટમન્ટ પરિવારનો માનવાનો છે. રાણીપની ગીતાંજલિ સોસાયટીનું ઘર છોડ્યા પછીની આ જગ્યાએ ચંપાફોઈ આખર સુધી રહ્યા. પાર્કિંગ એરિયામાં ધીંગા – મસ્તી કરતા બાળકો અને કોમન પ્લોટમાં થતા ભજન – કિર્તન, હોમ – હવન, નવરાત્રિ જેવા જાહેર આયોજનો અને તેમાંથી રેલાતા સૂર ફોઈની રહી-સહી ચેતનાને માંદગીના – સારવારના આ વર્ષો દરમિયાન સંકોરતા રહ્યા.

એક અંગત પીડા પણ ફોઈની સાથે જ જોડાયેલી છે. તેમના જેવા જ કારણોસર અને ઑક્ટોબર – નવેમ્બર 2004ના એ જ ગાળામાં ગંભીર માંદગીમાં પટકાયેલી મારી પત્ની શિલ્પાને / Shilpa Binit Modi યુવાન – નાની ઉંમર હોવાને કારણે સ્ટર્લિંગ હોસ્પિટલની / Sterling Hospitals / http://www.sterlinghospitals.com/ સારવારનો જે લાભ મળ્યો તેવો લાભ અમદાવાદની એ જ સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ એવા ચંપાફોઈને અનેકાનેક પ્રાર્થનાઓ અને અગણિત ખર્ચ છતાં પ્રૌઢાવસ્થાને કારણે કદી ન મળ્યો. અગિયાર વર્ષ પાંચ મહિના (4170 દિવસ) પથારીવશ અવસ્થામાં રહેલા ચંપાફોઈ પંચાશી (85) વર્ષની વયે 18 માર્ચ 2016ની સવારે સત્તાવાર એક્ઝિટ કરી ગયા.