પ્રતિભાવો ઉર્ફે Comments

Showing posts with label વકીલ. Show all posts
Showing posts with label વકીલ. Show all posts

Wednesday, August 31, 2016

સો શ્રોતાઓ સારુ ચાર વક્તાઓ : જાહેરજીવનના મશાલચી ચંદ્રકાન્ત દરુનું શતાબ્દી સ્મરણ


ચંદ્રકાન્ત દરુની શતાબ્દી સ્મૃતિ નિમિત્તે શનિવાર, 16 જુલાઈ 2016ની સવારે અમદાવાદમાં આયોજિત કાર્યક્રમનો અહેવાલ (કટોકટીના કાયદાકીય લડવૈયા ચંદ્રકાન્ત દરુનું શતાબ્દી સ્મરણ / http://binitmodi.blogspot.in/2016/08/blog-post_13.html) વાંચ્યા પછી તે નિમિત્તે થયેલા ચાર વક્તવ્યો વિશે પણ મારે ચાર શબ્દો પાડવા જોઇએ. તેને હું મારી નૈતિક ફરજ સમજું છું. જે-તે મહાનુભાવોએ આપેલા વક્તવ્યોનો આ સાર માત્ર છે જેમાં બહુમતી વાતોનો સમાવેશ થઈ જાય છે.

ઉપેન્દ્ર બક્ષી / Upendra Baxi
ઉપેન્દ્ર બક્ષી / Upendra Baxi – કાયદાશિક્ષણના નિષ્ણાત, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર

જીવિત વ્યક્તિઓની સાથે-સાથે આ દુનિયામાં જેમની હયાતી નથી તેવા લોકોના માનવ અધિકારોનું / Human Rights પણ સન્માન થવું જોઇએ તેમ હું માનું છું. સાથે-સાથે એમ પણ માનું છું કે માનવ અધિકારોની કોઈ ચોક્કસ સ્ક્રીપ્ટ ન હોવી જોઇએ. કદાચ આ માન્યતામાં શ્રદ્ધા હોવાના કારણે જ હું દરુને યાદ કરવા અહીં સુધી આવી પહોંચ્યો છું. એકલો પડી ગયેલો મૃતાત્મા ખુદના માટે આંસુ સારે તે પહેલા યોગ્ય સમયે તેને યાદ કરી લેવો જોઇએ તેમ પણ હું માનું છું. સ્ત્રી-પુરૂષ તેવા કોઈ ભેદ ન જોતો હું આપ સૌને માટે ‘જેન્ટલ પર્સન્સ’નું સંબોધન કરીને મારી વાત હિન્દી-અંગ્રેજી-ગુજરાતીમાં આગળ વધારું છું. સુરત ખાતે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો વાઇસ ચાન્સેલર હતો ત્યારે ટીચર્સ યુનિયનમાં સક્રિય એક ભાઈ મારા લેક્ચર્સના કાયમી શ્રોતા હતા. મેં તેમને પૂછ્યું હતું કે તમે શું કામ મને સાંભળવા આવો છો? તેમનો જવાબ હતો કે ‘તમે બહુ ફની ગુજરાતી બોલો છો એટલે.’

માનવ અધિકાર વિશે મેં પુસ્તક લખ્યું છે અને તે સંદર્ભે વાંચેલા પુસ્તકનું પહેલું વાક્ય કંઇક આવું હતું – ‘માનવ અધિકારોનું કોઈ ભવિષ્ય નથી.’ તેમાં લોકોના સત્તા સાથેના સંઘર્ષની પણ વાત હતી. યાદશક્તિનો ભૂલી જવાની ટેવ સાથેનો સંઘર્ષ. મારા મતે સત્તા એટલે બીજું કંઈ નહીં પણ લોકોની યાદશક્તિને ફરીથી ગોઠવી જાણવાની – તરફેણમાં કરી જાણવાની શક્તિ. શું યાદ રાખવાનું છે અને શું ભૂલી જવાનું છે તે શીખવાડે તેનું નામ સત્તા. ઘા અને જખમ વચ્ચે ફરક છે. રાજકારણના બે પ્રકાર છે – સત્તાનું અને માનવ અધિકારનું, ત્રીજો પ્રકાર છે – માનવ અધિકાર માટેનું રાજકારણ. ચંદ્રકાન્ત દરુ માનવ અધિકારના લડવૈયા હતા. એવા લડવૈયા જે સત્તાને સત્ય કહેવાની હિંમત ધરાવતા હતા. અને એટલા માટે જ આજે અહીં હું અમદાવાદમાં તેમને યાદ કરવાની સ્મૃતિસભામાં આવ્યો છું. થાક્યા વગર કામ કરવા માટે દરુ જાણીતા હતા.

મનરેગા જેવી સરકારી યોજનાઓથી ભારતના છેવાડાના માનવીનું દળદર ફીટવાનું નથી. હા, સમય જતાં આવી યોજનાઓના લાભાર્થી જ ન રહેગા, ન મરેગા. બંધારણ ઘડાયાના – અમલમાં મૂકાયાના સાતમા દાયકે પણ આપણે હજી ક્યાંક-ક્યાંક ‘વીકર સેક્શન ઑફ સોસાઇટી’નો ઉલ્લેખ કરવો પડે છે. આ શબ્દ-સમૂહ વાંચી – સાંભળીને જ હું તો હેરાન-પરેશાન થઈ જાઉં છું. બંધારણમાં અનેક સુધારા આવી ગયા તોય હજી આ શબ્દ વાપરવાનું ચાલુ જ છે. મારે તેમાં એક સુધારો હવે એ લાવવો છે કે તેમના માટે ‘પ્રોગ્રેસીવલી વીકન્ડ’ શબ્દ લખાવવો જોઇએ. બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો ઉમેરાઈ તેનો દરુ વિરોધ કરતા હતા. નાગરિકની ફરજો એ બંધારણનો ભાગ ન હોઈ શકે એવું તેઓ માનતા હતા.

ખરા લિવિંગ લેજન્ડ આમને કહેવાય...

ચંદ્રકાન્ત દરુ / Chandrakant Daru
23 જૂન 1916થી 15 મે 1979
મારી વાતને અંત તરફ લઈ જતાં એટલું હું દ્રઢપણે કહીશ કે બંધારણ એ શાસકોની પ્રાઇવેટ પ્રોપર્ટી નથી. લોકોનો તેના પર હક્ક છે. ‘લિવિંગ લેજન્ડ’ શબ્દ હાલતાં ’ને ચાલતાં વાપરવાની હવે ફેશન થઈ પડી છે. એવો ઉપયોગ કરનારાને માલૂમ થાય કે જરા ચંદ્રકાન્ત દરુના જીવન સામે પણ જૂઓ. ખરેખર લિવિંગ લેજન્ડ / Living Legend કોને કહેવાય તેની ખબર પડશે. દરુએ આપેલા સંદેશાનો શબ્દે-શબ્દ આજે પણ યથાર્થ ઠરે છે.

મારો આ બકવાસ સાંભળવા માટે આપનો આભાર. આજના ભારતને હવે એક જ આંદોલનની જરૂર છે – ‘બકવાસ મુક્તિ આંદોલન’. હા, ગુજરાતમાં તમે એ આંદોલન ન કરતા તેવી વિનંતી.
(એક તબક્કે પોતાની ચોક્કસ વાતના સંદર્ભે પ્રોફેસર બક્ષીએ હિન્દી ફિલ્મ ‘બાબુલ’નું તલત મહેમૂદના કંઠે ગવાયેલું ગીત પણ ટાંક્યું હતું...જહાં બજતી હૈ શહનાઈ વહાં માતમ ભી હોતે હૈ, મેરા જીવનસાથી બીછડ ગયા...લો ખત્મ કહાની હો ગઈ)

સોલી સોરાબજી / Soli Sorabjee
સોલી સોરાબજી / Soli Sorabjee – કાયદા નિષ્ણાત અને ભારતના પૂર્વ એટર્ની જનરલ

ઉપેન્દ્રની જેમ જ હું પણ તમને અંગ્રેજી-ગુજરાતીમાં જ સંબોધવા ઇચ્છું છું. પરંતુ પછી વિચાર આવ્યો કે મારી પારસી લઢણવાળી ગુજરાતી તમારી સમજમાં નહીં આવે. (શ્રોતાઓએ તો ગુજરાતીમાં જ બોલો તેમ કહ્યું.)

ચંદ્રકાન્ત દરુ કામદારોના હક માટે કાયદાના જાણકાર એવા ચેમ્પિયન લડવૈયા હતા. મિત્ર હતા તે તો મારું સદભાગ્ય. એક અગ્રણી રેડિકલ હ્યુમનિસ્ટ / Radical Humanist, બંધારણીય બાબતોના નિષ્ણાત વકીલ / Constitutional Expert Advocate અને લોકશાહી હકોના સાચા લડવૈયા દરુ પાસે હિંમત પણ હતી જેની આજના જાહેરજીવનમાં ખોટ જોવા મળે છે. નાગરિક સ્વાતંત્ર્યના તે એવા તો હિમાયતી હતા કે તેમણે એ હકો અપાવવા માટે દાણચોરોના / Smuggler અને કોફેપોસાની / COFEPOSA – Conservation of Foreign Exchange and Prevention of Smuggling Activities Act કલમો તળે બંદીવાન બનાવાયેલા લોકોના કેસ પણ લડ્યા. ઇન્દિરા ગાંધીના / Indira Gandhi વડપણ હેઠળની કૉંગ્રેસી સરકારે ઠોકી બેસાડેલી કટોકટી સામે દરુએ બંધારણની મર્યાદામાં રહીને જે કાયદાકીય લડત આપી તે તો બેમિસાલ છે. પ્રેસના સ્વાતંત્ર્ય સામે લડત આપતા તેમને ખુદને પણ જેલમાં જવાનો વારો આવ્યો. પણ આ કશાયથી ડરે તો એ દરુ શાના?

(ડાબેથી) મહેન્દ્ર આનંદ, ગિરીશ પટેલ, ઉપેન્દ્ર બક્ષી, સોલી સોરાબજી અને ગૌતમ ઠાકર
અમદાવાદમાં પુરૂષોતમ માવલંકરના / Purushottam Mavalankar ઘરે અમે મળતા. ગોષ્ઠિઓ થતી, વિચારોનું આદાનપ્રદાન થતું એ દિવસો યાદ આવે છે. હું જોતો કે દરુ તમામ ચર્ચાઓ ધીરજપૂર્વક સાંભળતા, ક્યારેય જરા સરખું ગુસ્સે પણ ન થતા. હળવાશમાં રહેતા હતા. પોતાને કાયદાની જાણકારી છે પણ તેનો ભાર લઇને ફરવામાં કે ચર્ચામાં ભાગ લઇને સામેવાળાને બોલીને આંજી દેવામાં તેમને લેશમાત્ર રસ નહોતો. વાણી સ્વાતંત્ર્ય / Freedom of Speech માટે તો જાણે સમર્પિત હતા. કાયદાના જ્ઞાનનો માનવ અધિકારો માટે ઉપયોગ કરનારા તેઓ તેમના જમાનાના એકમેવ હતા.

મહેન્દ્ર આનંદ / Mahendra Anand
મહેન્દ્ર આનંદ / Mahendra Anand – દરુના સાથમાં તૈયાર થયેલા જૂનિઅર સાથીદાર વકીલ

પ્રથમ તેમના વિદ્યાર્થી તરીકે અને પછી તેમના જૂનિઅર રૂપે તેમની સાથે હતો. શબ્દો કે આચરણમાં કોઈ ભેદ નહોતો એ તેમનું પહેલું નિકટદર્શન. વિચારો અને મૂલ્યો તેમના માટે પોથીમાંના રીંગણા નહોતા. જેવું વિચારતા તેવું જ બોલતા અને તે પ્રમાણે જ જીવતા હતા. રેડિકલ હ્યુમનિસ્ટ સંસ્થા સાથે સક્રિયપણે જોડાયા તે પહેલાં માનવીય ધોરણે કેમ જીવાય તે તેમણે શીખી લીધું હતું. વડીલ ખરા પણ વડીલપણુ ન બતાવે – ન દાખવે. મિત્રો – સગાં-સંબંધી સૌ સાથેના સંપર્ક-આચરણમાં આ વાત જોવા મળે. નાના-મોટા સૌને એકસરખો આદર આપે. તેમના માટે આ બધું સહજ હતું.

તેમના સંપર્કમાં આવનાર કાયદાશાખાના જૂનિઅર માટે તે એક પ્રૅક્ટિકલ ટીચર હતા. જુનિઅરને હાઇકોર્ટમાં અપિઅર થવાનો મોકો આવે અને ભાષાનો પ્રશ્ન નડે – અંગ્રેજીની જાણકારીના અભાવનો પ્રશ્ન નડે ત્યારે દરુસાહેબ હાજરાહજૂર હોય. ડિક્ટેટ કરાવે, એટલું જ નહીં સ્પેલિંગ પણ બોલી બતાવે અને લખાવે. આનું બીજું પરિણામ એ પણ આવ્યું કે ક્લાર્કની પોસ્ટ પર પસંદગી ના પામી શકે તેવા લોકો હાઇકોર્ટ જજના હોદ્દા સુધી પણ પહોંચી ગયા. જૂનિઅર વકીલોને તેમની મોટી ઓથ રહેતી અને અંગત કામ કરાવી લેવા જેવા તેમના ગેરલાભ દરુ કદી લેતા નહીં. આમ કરવું તેમના લોહીમાં જ ન મળે.

હું તેમની સાથે જોડાયો ત્યારે પહેલા જ મહિને તેમણે ડિવિઝન બેન્ચની મેટર મને દલીલો કરવા સોંપી. આ તેમનો સાથીદાર વકીલ પરત્વેનો વિશ્વાસ. દલીલો ચાલતી હોય ત્યારે દરુસાહેબ પાછળથી આવીને છેલ્લી પાટલીએ બેસી જાય. જૂનિઅર વકીલને ખખડાવતાં, ડ્રાફ્ટિંગની ત્રૂટિઓ બતાવતા જજની (જજીસની) દલીલો દરુસાહેબ સાંભળે. પાછળથી તેની તેઓ ચર્ચા કરે અને પ્રૅક્ટિસમાં વધુ સારું શું થઈ શકે તેની ટીપ્સ આપતા રહે.

સાઇઠના દાયકામાં તેમના ઘર પાસે કચરો વાળતી બહેનને ઘરમાં બોલાવી રસોઈ સહિતના ઘરકામ શીખવ્યા અને તેની પાસેથી કામ પણ લીધું. તેમના મનમાં ઉંચ-નીચના કોઈ ખ્યાલ  નહોતા. જો કે જ્યાં રહેતા તે સોસાયટીના રહીશોમાં આ બધું જોઇને હાહાકાર મચી ગયો. રસોઈકામ શીખનાર બહેન પાછળથી તેમના પતિ સાથે સરકારી નોકરીમાં દાખલ થયા ત્યાં સુધીની દરકાર દરુસાહેબે લીધી હતી. કામદારોના પ્રશ્નને લઇને સભા ચાલતી હોય તો ત્યાં હાજર પાંચસો કામદારોમાંના તમામને નામ-કામથી ઓળખતા હોય. તેમની આ પ્રતિભા કહો કે લક્ષણ તે તો મારા પત્નીને આજે પણ યાદ રહી ગયા છે.

ઔદ્યોગિક કાયદો / Industrial Law એ સમયે નવો-સવો ભારતીય કાયદાની અમલવારીમાં સામેલ થયો હતો. દરુસાહેબ તેના પાયાના જાણકાર. પહેલા ઔદ્યોગિક અદાલતમાં અને પાછળથી હાઇકોર્ટમાં તેના કેસ સંબંધી લડત આપતા, દલીલો કરતા. કામદારો સામેના કેસમાં અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપનીવાળા (નવું બદલાયેલું નામ – ટોરેન્ટ પાવર લિમિટેડ) મુંબઈથી મોટા-મોટા વકીલ (સોલી સોરાબજી સામે જોતાં અને શ્રોતાઓના હાસ્ય વચ્ચે વાતને આગળ વધારતા)ને રોકી અમદાવાદ બોલાવે. સામે દરુસાહેબ કામદારોના પક્ષે હોય. જે જમાનામાં સામાન્ય માણસ મહિને સો-બસો રૂપિયા કમાતો હતો તેવા વખતે મુંબઈના વકીલો આવીને કોર્ટમાં એક દિવસ હાજર રહેવાના અગિયારસો રૂપિયા ફી લઈ જાય. દરુસાહેબ મફતના ભાવે કેસ લડતા હોય. તેઓ એવો કોઈ મુદ્દો – દલીલ ઉપસ્થિત કરે કે મુંબઈના વકીલ તેના વિશે વિચારવા સમય અને બીજી મુદત બંને જજ પાસે માંગે.

ઇલેક્ટ્રિસિટી કંપનીના અંગ્રેજ મેનેજર જોતા કે હું એટલે કે કંપની મુંબઈથી મોંઘોદાટ વકીલ લાવે છે અને આ મુફલિસ વકીલ નામે દરુ સામે તેમની કોઈ દલીલ-કારી ફાવતી નથી. ઉપરથી કંપનીનો વકીલ ટાઇમ માંગે છે. કામદારોનું યુનિયન દરુસાહેબને મહિને ચારસો રૂપિયા પગાર આપતું હતું. ચારસો રૂપિયામાં રોજ ચાર-પાંચ કેસ ચલાવી આપે. આમ છતાંય કોઈ-કોઈ અસંતુષ્ટ કામદાર એમ પણ સમજતો કે આ વકીલ પૈસા બહુ લઈ જાય છે. આવા કામદાર પ્રત્યે પણ દરુ તેમની સાથે પોતાનો ભાઈ હોય તેવો વ્યવહાર રાખતા. એક તબક્કે ઇલેક્ટ્રિસિટી કંપનીના મેનેજરે દરુને સાઇડ બદલીને પોતાની કંપનીની તરફેણમાં કેસ લડવા દાણો ચાંપી જોયો હતો. દરુનો સ્પષ્ટ જવાબ હતો – ના, હું રૂપિયા કમાવા કેસ નથી લડતો. જીવ્યા ત્યાં સુધી તેમણે કામદારોના પક્ષે જ રહી કંપનીને કાયદાકીય લડત આપી.

તેમના માટે હું કલાકો સુધી બોલી શકું તેમ છું. પરંતુ મારે ટ્રેજિક નાટકમાં વચ્ચે આવતા કોમેડી પાર્ટની જેમ ઉપેન્દ્ર બક્ષી સાહેબ અને સોલી સોરાબજીના વક્તવ્ય વચ્ચેનો સમયગાળો (ઇન્ટરલ્યૂડ) જ ભરી આપવાની ભૂમિકા ભજવવાની હતી તો આ સાથે અસ્તુ.

ગિરીશ પટેલ / Girish Patel
(આ તસવીર કાર્યક્રમની નથી)
ગિરીશ પટેલ / Girish Patel – માનવ અધિકારોના ગુજરાતી આલમ માટે જાણીતા કર્મશીલ વકીલ

દરુસાહેબની જન્મશતાબ્દી સમિતિના અધ્યક્ષ તરીકે ટ્રસ્ટ પરત્વે આભારની લાગણી વ્યક્ત કરતા આપ સૌ મહેમાનોનું હું સ્વાગત કરું છું. મને ખબર નથી કે શા માટે મને પ્રમુખ બનાવ્યો પણ દરુસાહેબને ઓળખનારા ઉંમરલાયક લોકોમાંનો હું એક છું તે કારણ હોઈ શકે. મંચસ્થ મહાનુભાવો અમારી સમિતિના આમંત્રણને માન આપી કોઈ પણ જાતના ખચકાટ વગર આવ્યા તે માટે તેમનો આભાર.

આ શતાબ્દીનું એક મહત્વ છે. આજે દુનિયાભરમાંથી લોકશાહી મૂલ્યોનો / Values of Democracy લોપ થઈ રહ્યો છે, લોકશાહીના પાયા હચમચી રહ્યા છે ત્યારે એ વિશે ચિંતા સેવનારા આપણા સૌનું મળવું જરૂરી છે. આતંકવાદના નામે નાગરિક આઝાદીના ગળે ટૂંપો લાગી રહ્યો છે. અનેક પ્રકારના ધાર્મિક ત્રાસવાદનો દુનિયાના દેશોમાં ફેલાવો થઈ રહ્યો છે. ઇતિહાસ અને સંસ્કૃતિને નામે ભારતમાં અરાજકતાનું વાતાવરણ સર્જવાની કોશિશ થઈ રહી છે. તેવે સમયે દરુને યાદ કરવા જરૂરી બની જાય છે.

દરુસાહેબ વિશે અનેક મુદ્દે – એકથી વધુ તબક્કામાં વાત થઈ શકે તેમ છે. હું એમાંના થોડા મુદ્દાને સ્પર્શીશ. 1958માં જ્યારે અમે બન્ને કાયદા વિષયના પ્રાધ્યાપક હતા ત્યારે અમારી ઓળખાણ થઈ. 1964માં જ્યારે હું લૉ કૉલેજનો પ્રિન્સિપાલ બન્યો ત્યારે પ્રોફેસરો અને મૅનેજમેન્ટ વચ્ચે ધર્ષણ ચાલતું હતું. એકેડમિક ફ્રિડમ (શૈક્ષણિક સ્વાતંત્ર્ય)ના સવાલ સાથે મારા માટે જોબ સિક્યુરિટીનો પ્રશ્ન આવ્યો. ત્યારે મને વિચાર આવ્યો કે એક વૈકલ્પિક આવક પણ હોવી જોઇએ. હું દરુસાહેબ પાસે ગયો અને કહ્યું કે ‘મારે પ્રૅક્ટિસ શીખવી છે. ગમે ત્યારે આ ક્ષેત્રમાં આવવું પડે તો શીખેલું સારું.’ તેમણે મને આવકાર્યો. આમ 1964થી તેમના મૃત્યુ પર્યંત અને એ પછી તેમના સંતાનો સાથે આજ સુધી મારો સંપર્ક રહ્યો છે.

1942માં દરુ એક નાના ગામડાંમાંથી શિક્ષક બનવા અમદાવાદ આવ્યા. શિક્ષક હોવા છતાં પણ તે વાંચતા હતા, સ્વતંત્રપણે વિચારી શકતા હતા અને સ્વતંત્રતાના આગ્રહી હતા. ત્યાંથી આગળ વધીને તે એમ.એન. રોયની રેડિકલ હ્યુમનિસ્ટ ચળવળમાં જોડાયા. તેમનાં પત્ની મને કહેતા કે વહેલી સવારે ઘરેથી નીકળી જાય તે મોડી રાત્રે બાર વાગ્યે જ ઘરે પાછા ફરે. એમણે કદી ઘરનું ધ્યાન નથી રાખ્યું. થોડી લોન લઇને ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રહેવાને નાનું મકાન બન્યું તે પણ પત્નીની જાત દેખરેખને કારણે. મકાન બનતું ત્યારે દરુસાહેબ પત્નીને મજાકમાં રોજ સવારે પૂછતા કે સાંજે મારે આ ઘરમાં આવવાનું છે કે પેલા નવા તૈયાર થતા મકાનમાં?

પછી તેઓ ટ્રેડ યુનિયનની / Trade Union Activities પ્રવૃત્તિઓમાં જોડાયા. ઔદ્યોગિક અદાલત દ્વારા મજૂરોના પ્રશ્નો લડ્યા. સફળતા મેળવી. મોટા મિલમાલિકોની ગાડીઓ વળોટીને રિક્ષામાં કોર્ટ પહોંચતા દરુ સામે પડેલા સો-એક કેસમાંથી એક ફાઇલ ઉઠાવે અને કેસ વાંચવો શરૂ કરે. વચ્ચે-વચ્ચે દલીલો આવતી જાય. કેસફાઇલમાંના વાક્યો જ નહીં તે આખું પાનું વાંચતા. 1950થી ’60 દરમિયાન તે માત્ર છસો રૂપિયામાં ઘર ચલાવતા હતા. ચારસો રૂપિયા ટ્રેડ યુનિયનના કેસો લડતા તેમાંથી મળતા અને બસો રૂપિયા કૉલેજમાંથી. એ જ દરમિયાન તેમણે ગુજરાત હાઇકોર્ટમાં વકીલાત શરૂ કરી હતી. ત્યાં પણ પહેલવહેલો કેસ એ યુનિયનનો, ગુજરાત યુનિવર્સિટીના ટીચર્સનો લડ્યા હતા.

ગુજરાત યુનિવર્સિટીના જ અંગ્રેજી નાબૂદ કરવાના નિર્ણયને સૅન્ટ ઝેવિયર્સ કૉલેજના એક વિદ્યાર્થી દ્વારા વડી અદાલતમાં પડકારવામાં આવ્યો ત્યારે બચાવપક્ષના વકીલ તરીકે દરુને જોઇને સાથી વકીલો હસતા હતા. તેમના મનમાં હતું કે મજૂર અદાલતનો, બંધારણની દલીલો કરતો વકીલ આમાં કઈ રીતે ફાવશે – ચાલશે. પાંચ જજની બનેલી હાઇકોર્ટ બૅન્ચમાં તેમની દલીલો સાંભળીને ત્યારના એક સિનિઅર વકીલ પોતાની ચેમ્બર તરફ દોડ્યા. પોતાના સાથીઓને કહ્યું કે કોન્સ્ટિટ્યુશન ભણવું હોય તો ફર્સ્ટ કૉર્ટમાં જાવ અને એડવોકેટ દરુને સાંભળો. એ કેસમાં તેઓ જીત્યા. સર્વોચ્ચ અદાલતે પણ તેમની તરફેણમાં આવેલા ચુકાદાને બહાલ રાખ્યો.

સર્વિસ મેટર (સરકારી નોકરી સંબંધી) અને બંધારણીય બાબતોને લઈ કેસ લડતા દરુને દલીલો કરતા કોઈ પણ જૂએ તો તે એક સામાન્ય માણસ જ લાગે. પણ આ સામાન્ય માણસના ભાગે અસામાન્ય કામ આવવાનું બાકી હતું. એ કામ એટલે દેશ પર થોપી દેવાયેલી કટોકટીને બંધારણીય મર્યાદામાં રહીને કાયદાની કૉર્ટમાં પડકારવાનું કામ. એ યુગપ્રવર્તક કામ તેમના હાથે થયું. એવા હાથ નીચે મારું ઘડતર થયું તેનો આનંદ.

સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટીસ રહી ચૂકેલા પી.એન. ભગવતીસાહેબે મને પૂછેલું કે, ‘આ દરુ પાસે આટલા ઓરિજીનલ સવાલો ક્યાંથી આવે છે? બહુ વાંચતા લાગે છે?’ મેં તેમને જવાબ આપેલો કે દરુ વાંચતા જ નથી. કેમ કે તેઓ માનતા કે માત્ર શીખવાથી – વાંચવાથી જ કાયદાનું જ્ઞાન ન આવે. વિશાળ વાંચન એ તેમની શક્તિ હતી. જસ્ટીસ જે.એમ. શેલતે મને કહ્યું હતું કે તેઓ ઇન્ડસ્ટ્રિઅલ લૉ દરુસાહેબ પાસેથી ભણ્યા છે.

કટોકટીના સમયમાં તેઓ દાણચોરોના કેસ પણ લડતા હતા. એ બાબતે હું પણ તેમનો વિરોધી હતો અને એ મતલબના લેખો પણ લખતો હતો. દલીલમાં તેઓ સામું કહેતા કે અસીલ સામે નહીં ઇસ્યુ સામે જૂઓ. એક કેસમાં મળતી જીતને કારણે અનેક લોકોને જેલમુક્તિનો લાભ મળતો એવા કોફેપોસા કે દાણચોરોના કેસ પત્યે તેઓ એક જ વ્યક્તિ-અસીલ પાસેથી ફી લેતા. આ તેમનો સિદ્ધાંત. તેઓ રૂપિયા માટે નહીં પણ જાહેર નિસબતને સારું કેસ લડતા હતા. દરુ જેવા બીજા એક વકીલ હતા તે હરૂભાઈ મહેતા / Harubhai Mehta. ગુજરાત હાઇકોર્ટમાં તે સમયે આ બે જ વકીલો ઇન્ટિલેકટ્યૂઅલ હતા.

સદાય શાંત રહેતા, સૌમ્યપણે પેશ આવતા દરુસાહેબને મેં કટોકટી જાહેર થયાના બીજા દિવસે 26 જૂન 1975ની સવારે હાઇકોર્ટના વકીલોના રૂમમાં ગુસ્સે થતા જોયા હતા તેવા કદી નથી જોયા. ગુસ્સામાં આવીને તેઓ બાર એસોસિએશનના ટેબલ પર ચઢીને ભાષણ કરતા હતા. શેના માટે? બંધારણને બચાવવા. રૂલ ઑફ લૉને બચાવી લેવા. તેમના ભાષણે હાઇકોર્ટમાં હડતાળનું એક વાતાવરણ પણ સર્જ્યું હતું. ‘ભૂમિપુત્ર’ સામયિકનો જે કેસ લડ્યાને જીત મેળવી તે માત્ર ગુજરાતમાં જ શક્ય હતું. આ કાયદાકીય લડતને પગલે તેમને પાંચ – છ મહિનાની જે પહેલી જેલ પડી તેમાં અંદર રહીને પણ કામ તો તેમણે લડતને આગળ ધપાવવાનું જ કર્યું. નવા સાથીદારોને તૈયાર કર્યા.

ઘરના દરવાજા કાયમ ખુલ્લા રાખતા દરુસાહેબને હું પૂછતો કે તમે આમ કેમ કરો છો? તેઓ કહેતા કે ગુજરાતમાં – અમદાવાદમાં એક દિવસમાં કેટલી ચોરીઓ થતી હશે? એમાં આપણા ઘરનો કયે દિવસે નંબર લાગવાનો હતો? આમ કહેતા દરુના ઘરના દરવાજા ગરીબ, તવંગર, મજૂર, મિલમાલિક, પીડિત, દલિત, શોષિત, મુસ્લિમ એમ સૌ માટે ખુલ્લા રહેતા હતા.


(નોંધ: વિચારપત્ર પાક્ષિક ‘નિરીક્ષક’ના 16 ઑગસ્ટ તેમજ 1 અને 16 સપ્ટેમ્બર 2016ના અંકોમાં ઉપરોક્ત વક્તવ્યો પ્રકટ થયા / થશે તેનો આ બિન-સંપાદિત પહેલો ડ્રાફ્ટ છે.)


તસવીરો : ચંદ્રકાન્ત દરુ પરિવાર અને ટ્રસ્ટના સૌજન્યથી, કાર્યક્રમની રંગીન તસવીરો – બિનીત મોદી

Saturday, August 13, 2016

કટોકટીના કાયદાકીય લડવૈયા ચંદ્રકાન્ત દરુનું શતાબ્દી સ્મરણ

ચંદ્રકાન્ત દરુ / Chandrakant Daru

23 જૂન 1916થી 15 મે 1979


વીસમી સદીના અમદાવાદ તેમજ ગુજરાતની વકીલ આલમના જાણીતા-ચર્ચિત ચહેરા ચંદ્રકાન્ત દરુના / Chandrakant Daru શતાબ્દી વર્ષની ઉજવણી મોટા પાયે કરવી જોઇએ તેવો તેમના સાથીદારોનો દ્રઢ ખ્યાલ છે. વિચારને અમલમાં મુકવા ‘ચંદ્રકાન્ત દરુ સ્મારક ટ્રસ્ટ’ અંતર્ગત ‘ચંદ્રકાન્ત દરુ શતાબ્દી ઉજવણી સમિતિ’ની રચના કરવામાં આવી. બન્નેના અધ્યક્ષ અનુક્રમે પ્રકાશ ન. શાહ / Prakash N. Shah અને એડવોકેટ ગિરીશભાઈ પટેલ / Girish Patel. એ સિવાય અઠ્ઠાવીસ સભ્યોની સમિતિ બનાવવામાં આવી – ત્રેવીસ પુરૂષો અને પાંચ મહિલાઓ. જાહેરજીવનની કર્મશીલતાની બાબતે સ્ત્રી-પુરૂષના ભેદભાવ પાડવા જોઇએ કે કેમ તે અલગ ચર્ચાનો મુદ્દો છે. પણ એક ટિપ્પણી કરીને મારી વાત આગળ વધારીશ કે પાંચ વક્તાઓમાં એક મહિલા વક્તાનો સમાવેશ થયો હોત અને સમિતિના તમામ નહીં તો બહુમતી સભ્યોએ સક્રિયતા બતાવવા સાથે શતાબ્દી ઉજવણીના પ્રથમ ચરણ જેવા કાર્યક્રમમાં હાજરી આપવાનું પણ મુનાસિબ સમજ્યું હોત તો મારા આ અહેવાલ પછી પબ્લિશ થનારી મહાનુભાવોના વક્તવ્યોની આગામી બ્લોગપોસ્ટનું પેટામથાળું તો કમ-સે-કમ જુદું હોત.

‘લોકશાહી બચાઓ’ અમદાવાદની જનસભામાં

લોકનાયક જયપ્રકાશ નારાયણને આવકારતા ચંદ્રકાન્ત દરુ
અરે! દરુ કટોકટીકાળમાં જે બે સામયિકોની પ્રકાશનયાત્રા ચાલુ રહે તે માટે જીવ રેડીને કાયદાકીય લડાઈ લડ્યા તે ‘ભૂમિપુત્ર’ / Bhoomiputra અને ‘સાધના’ના / Sadhana વર્તમાન સંચાલકોની ગેરહાજરી રજનીભાઈ દવેના / Rajni Dave અપવાદ સિવાય પણ કાર્યક્રમ દરમિયાન ઉડીને આંખે વળગે તેવી હતી.

ખેર! સમિતિના અઠ્ઠાવીસ સભ્યોમાંથી પચાસ ટકા ઉપરાંતની ગેરહાજરી વચ્ચે શનિવાર, 16 જુલાઈ 2016ની સવારે હિમાવન-પાલડી સ્થિત મહેંદી નવાઝ જંગ સભાગૃહમાં ચંદ્રકાન્ત દરુ શતાબ્દી ઉજવણીની શરૂઆત થઈ. ટ્રસ્ટના અધ્યક્ષ પ્રકાશ ન. શાહ તેમના ગુજરાત બહારના લાંબાગાળાના પૂર્વનિર્ધારિત રોકાણને લઇને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા નહોતા. આટલી નોંધ સાથે ખેદપૂર્વક મારે એ પણ ઉમેરવું રહ્યું કે કાર્યક્રમમાં તેમનો નામજોગ નોંધપાત્ર ઉલ્લેખ પણ કોઇએ કર્યો નહીં. વક્તાઓ પાસેથી એ અપેક્ષિત નહોતું અને કાર્યક્રમના આયોજક ગૌતમ દશરથલાલ ઠાકર ઉલ્લેખ-નોંધ લેવાનું ચાતરી ગયા. આટલી નોંધ સાથે હું ઉમેરીશ કે સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ધારાશાસ્ત્રી સોલી સોરાબજીનો પરિચય આપવા પૂરતું મંચ પર આવવાની તક મેળવી શકેલા ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ એડવોકેટ અમીબહેન યાજ્ઞિક / Ami Yagnik માત્રએ પ્રકાશભાઈને નામજોગ યાદ કરવા સાથે ચુનીભાઈ વૈદ્ય / Chunibhai Vaidya અને ગિરીશ પટેલને તેમનું ઘડતર કરનારા રૂપે લેખાવ્યા હતા.

(ડાબેથી) મહેન્દ્ર આનંદ, ગિરીશ પટેલ, ઉપેન્દ્ર બક્ષી, સોલી સોરાબજી અને ગૌતમ ઠાકર
આટલું લખ્યા પછી મૂળ કાર્યક્રમ વિશે હું શું લખીશ તેનો કાચો અંદાજ વાંચનારને તો આવતા આવશે, આ ક્ષણે મને પણ આવતો નથી. પ્રારંભે ‘મૂળગામી માનવવાદના મશાલચી’ એ નામે પ્રકાશિત ચંદ્રકાન્ત દરુ શતાબ્દી સ્મૃતિગ્રંથનું વિમોચન ઉપેન્દ્ર બક્ષી, સોલી સોરાબજી અને ગિરીશ પટેલ સહિતના મહેમાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.

ત્યાર બાદ ઉપેન્દ્ર બક્ષી / Upendra Baxi અને સોલી સોરાબજીના / Soli Sorabjee વક્તવ્યો થયા જે એમના નામ-કામ અને મોભાને અનુરૂપ નહોતા. આ મહાનુભાવોના વક્તવ્યોની વચ્ચે દરુના જુનિયર સાથી રહી ચૂકેલા એડવોકેટ મહેન્દ્ર આનંદે / Mahendra Anand પોતાની વકીલાતની કારકિર્દી ઘડતરમાં દરુસાહેબનો ફાળો, તેમની વકિલાતના લક્ષણો અને બેફિકરા સ્વભાવના કેટલાક ઉદાહરણો કહેવા સાથે રસપ્રદ વાતો કરી. એ જ રીતે દરુસાહેબના વ્યવસાયી સાથી રહી ચૂકેલા અને વકીલોની એકવીસમી સદીની આલમના એકમાત્ર કર્મશીલ એડવોકેટ ગિરીશભાઈએ / Girish Patel તેમનાં દરુ સાથેના સંસ્મરણો કહ્યા.

આ બે અપવાદને બાદ કરતાં એકંદરે કાર્યક્રમ એકદમ નિરસ જણાયો. પહેલો એવો કાર્યક્રમ જોયો જેમાં સ્થાનિકથી લઇને રાષ્ટ્રિય કક્ષાના ચાર વક્તાઓ હાજર હોય અને શ્રોતાઓમાંથી તેમને સમ ખાવા પૂરતી એક વાર પણ દાદ મળતી હોય. વક્તવ્યોને અંતે ‘શ્રોતાઓને પ્રશ્ન પૂછવા હોય તો...’ એ મતલબની જાહેરાત થઈ તો ખરી પણ પ્રશ્ન પૂછી શકે તેવા શ્રોતાઓ પ્રારંભના કંટાળાજનક વક્તવ્યોને લઇને સભાગૃહ છોડી ગયા હતા.

સોલી સોરાબજી સરખા સિનિયર એડવોકેટને સાંભળવા વકીલોની આલમ જિજ્ઞેશ મેવાણીના / Jignesh Mewani એકમાત્ર અપવાદ સિવાય ગેરહાજર હતી. સીટિંગ જજો તો બચાડા પ્રૉટોકોલના માર્યા પ્રવચન સાંભળવા ન આવી શકે તે સમજાય એવું છે. ટ્રિબ્યૂનલ જજ તરીકે સેવાઓ આપી ચૂકેલા એકમાત્ર નિવૃત્ત જજ મધુકર ધ્રુવ / Madhukar Dhruv કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. ઉના / Una ગામના પાદરે દલિતો પર થયેલા અત્યાચારની ચારેકોર ચર્ચા હતી પણ અહીં અમદાવાદ જેવા શહેરની વચ્ચોવચ્ચ પાલડીમાં આવેલા હોલની ચાર દિવાલો વચ્ચે આ ઘટનાનો હરફ સુધ્ધાં ઉચ્ચારાય ના તે વાત મને લાગે છે દરુના આત્માને પણ અકળાવનારી લાગી હશે.

કાર્યક્રમના અંતે વધ્યા – ઘટ્યા શ્રોતાઓને સોલી સોરાબજી સાથે ફોટા પડાવવામાં અને સૅલ્ફી લેવામાં વધુ રસ હતો. પત્રકારો તો  હાજર હતા નહીં. હાજર હતી એવી ચેનલોના ખબરદારોએ પણ ઉનાની ઘટના વિશે એકેય હરફ ઉચ્ચારીને વાત આગળ ન વધારી. સભાગૃહમાં સ્ટેટ આઇ.બી / Intelligence Branch (રાજ્ય સરકારના ગૃહ વિભાગના સીધા નિયંત્રણ હેઠળ કામ કરતી સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્રાન્ચ)ના બે પ્રતિનિધિઓમાંથી એક લોકોની અવર-જવર પર ધ્યાન રાખીને ઓળખી શકે તેમના નામ નોંધતો હતો અને બીજો મારી પાછળ બીજી હરોળમાં બેસી વક્તવ્યોની નોંધ કરતો હતો. ગૌતમભાઈ ઠાકરે સાથીદારોને પૂછ્યું પણ ખરું કે, ‘આજના કાર્યક્રમની પ્રેસ-નોટ કોણ તૈયાર કરશે?’ એક સાથીદારે જવાબ આપ્યો – ‘સ્ટેટ આઇ.બી’. દેશના – ગુજરાતના જાહેરજીવન માટે કામ કરી ચૂકેલી એક વ્યક્તિના નામે બનેલા ખાનગી ટ્રસ્ટ દ્વારા આયોજિત મર્યાદિત લોકો માટેના જાહેર કાર્યક્રમમાં સ્ટેટ આઇ.બીના પ્રતિનિધિ શું કામે – કયા ઇરાદાથી આવ્યા હતા તેવું પૂછવાની આયોજકોમાંથી કોઇની હામ નહોતી. કેમ કે એકવીસમી સદીની ગોઠવણોવાળી જાહેરજીવનની લડતો એવું શીખવવા માટે કાચી પડે છે.

ગૌતમ ઠાકર / Gautam Thaker દ્વારા સંપાદિત – સંકલિત સ્મૃતિગ્રંથનો પરિચય કેળવવાનું કામ ધીરજ માંગી લે તેવું છે. 2016માં પણ આ પ્રકારે રેઢિયાળ પધ્ધતિ અપનાવીને ગ્રંથ તૈયાર થઈ શકે તેવી સમજણ પાકી કરી આગળ વધવું. સાલું (આ શબ્દ લખ્યા વગર મારી વાત આગળ વધારી શકું તેમ નથી.) સ્મૃતિગ્રંથમાં પણ અપવાદરૂપ બે ઠેકાણા સિવાય બહેનોના ફોટા નથી. કેમ જાણે દરુના જીવનમાં કોઈ મહિલાનો પ્રવેશ જ ન થયો હોય. ટાઇટલ પેજ પર દરુના ફોટાને સ્પેશિયલ ઇફેક્ટ શું કામ આપી છે અને છેલ્લા ટાઇટલ પર એમ.એન. રોય દંપતિનો / M.N. Roy ફોટો છે તો દરુ દંપતિનો ફોટો ક્યાં છે? આવા સવાલોના જવાબો મળી શકે તેમ નથી. દરુની જન્મતારીખ રજનીભાઈ દવેનો લેખ વાંચો ત્યારે મળે છે. સ્મૃતિગ્રંથમાં આવી અને વ્યક્તિવિશેષના જીવન-કવન જેવી વિગતો અલગથી મળવી જોઇએ એવી મારી સામાન્ય સમજ છે જે સંપાદક ગૌતમ ઠાકર સાથે વહેંચવી રહી.

આમંત્રણ આપીને મંગાવેલા લેખો જેમના તેમ અહીં બે પૂંઠા વચ્ચે ચોંટાડી દેવાયા છે. જેમ કે એકમાત્ર બહેન ઇલાબહેન ભટ્ટે / Ela Bhatt લેખ લખીને કોને વંચાવ્યો, કોણે સુધારા-વધારા કર્યા તેનો પણ લેખમાં જ ઉલ્લેખ છે. આટલું કર્યા પછી પણ બે ઠેકાણે ‘મજૂર મહાજન સંઘ’ સંસ્થાનો ઉલ્લેખ ‘મહારાજ’ તરીકે થયો છે અને વાંચનાર ગોથું ખાધા જ કરે છે. સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ એ.એમ. અહમદીએ / A.M. Ahmadi પત્રરૂપે પાઠવેલા લેખને જેમનો તેમ ‘સંપાદિત કરવાની જરૂર જણાય તો તેમ કરવું’ એવી સૂચના સાથે જ પ્રકાશિત કર્યો છે. એક-બે લેખ સિવાય બહુમતીપણે ગુજરાતી ભાષામાં તૈયાર થયેલા સ્મૃતિગ્રંથમાં સમાવાયેલા ફોટાઓની ઓળખ લાઇન અંગ્રેજીમાં છે. કેમ? એવું પૂછી શકાય તેમ નથી.

કેમ કે સરકાર, સમાજ, ધર્મ, જાતિ, જ્ઞાતિ, ગુરુ, રાજકારણી અને કઇંકોને પીયુસીએલ / PUCL વતી સવાલ કરી જવાબ માંગતા ગૌતમભાઈને ઉપરોક્ત કાર્યક્રમના અઠવાડિયા અગાઉ એસએમએસ કરીને મેં પૂછ્યું હતું કે ‘પીયુસીએલ ગુજરાત, ડાબેરી વિચારધારા કે ગુજરાત બિરાદરી પાસે મંચ પર બેસાડી શકાય કે ફ્રન્ટ પર ઊભા રાખી શકાય તેવું મહિલા નેતૃત્વ કેમ નથી?’ જેમ તેમને માંગ્યા મુજબના ઇચ્છિત જવાબો મળતા નથી તેમ મને પણ આજ દિન સુધી જવાબ પાઠવ્યો નથી. હા, આ વાંચીને પ્રતિભાવ આપશે એવી આશા રાખી શકાય.

કાર્યક્રમ અગાઉ અને સ્મૃતિગ્રંથમાં પણ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ અને શતાબ્દી વર્ષની ઉજવણીને આગળ ધપાવવા, ખર્ચને પહોંચી વળવા નાણાભંડોળની જરૂર હોઈ દાન મેળવવા માટે અપીલ કરવામાં આવી છે. એ માટે જ થઇને સ્મૃતિગ્રંથની કિંમત સવાસો રૂપિયા રાખવામાં આવી છે. હવે પ્રવૃત્તિઓ અને પ્રકાશન જો આ કક્ષાના જ થવાના હોય તો પછી દરુના નામે ભંડોળ મેળવીને ‘ખર્ચની નવી કટોકટી’ શું કામ ઊભી કરવી જોઇએ?

કાર્યક્રમ સંબંધે આટલું લખ્યા પછી તેમાં થયેલા વક્તવ્યો વિશે પણ મારે ચાર શબ્દો પાડવા જોઇએ. તેને હું મારી નૈતિક ફરજ સમજું છું. જે-તે મહાનુભાવોના શબ્દો વાંચવા માટે આ રહી આગામી બ્લોગપોસ્ટની લિન્ક – http://binitmodi.blogspot.in/2016/08/blog-post_31.html


(નોંધ: કર્મશીલ પત્રકાર-લેખક પ્રકાશ ન. શાહના તંત્રીપદે તેમજ વિપુલ કલ્યાણી અને કેતન રૂપેરાના સંપાદન સહાય હેઠળ પ્રકાશિત થતા વિચારપત્ર પાક્ષિક ‘નિરીક્ષક’ના 1 ઑગસ્ટ 2016ના અંકમાં ‘કહું, મને કટેવ’ વિભાગ તળે ઉપરોક્ત કાર્યક્રમનો અહેવાલ પ્રકટ થયો તેનો આ બિન-સંપાદિત પહેલો ડ્રાફ્ટ છે.)

તસવીરો : ચંદ્રકાન્ત દરુ પરિવાર અને ટ્રસ્ટના સૌજન્યથી, કાર્યક્રમની રંગીન તસવીરો – બિનીત મોદી

Tuesday, June 04, 2013

કાયદો હાથમાં લેશો નહીં, કોઈ લે ત્યારે આ પુસ્તિકાઓ હાથવગી રાખજો.....


વૅકેશનનો માહોલ છે. સ્કૂલો, કૉલેજો અને કૉર્ટમાં પણ ઉનાળુ વૅકેશન / Summer Vacation. કૉર્ટનું વૅકેશન સત્તાવાર ધોરણે તો સમાપ્ત થયું છે પણ તેને કાયમી ધોરણે પૂરું કરવા ચેન્નાઈના / Chennai એક વકીલ નામે કે. શ્યામ સુંદરે / K Shyam Sundar મદ્રાસ વડી અદાલતમાં / Madras High Court તે બાબતે પુનર્વિચારણા માગતી અરજી કરીને કોરટને ખુદને ન્યાયના કઠેડામાં ઊભી કરી છે. એટલા માટે કે વૅકેશનનું જાહેરનામું મદ્રાસ વડી અદાલતે જ બહાર પાડ્યું છે. બ્રિટિશ શાસન / British Power સમયે અંગ્રેજ ન્યાયાધીશો ભારતના ઉનાળાની ગરમી સહન નહોતા કરી શકતા. તેમની સવલત માટે કૉર્ટમાં ઉનાળુ વૅકેશન આપવાની પ્રથા શરૂ કરવામાં આવી હતી. શ્યામ સુંદરની પ્રાથમિક દલીલ એ છે કે સ્વતંત્રતા મળ્યા પછીના સાતમા દાયકાએ જજની કાર, ચેમ્બર અને કૉર્ટરૂમ સુધ્ધાં એરકંડિશન્ડ થઈ ગયા હોય ત્યારે વૅકેશન આપવાની પ્રથાને તિલાંજલિ આપવાનો સમય પાકી ગયો છે. (સમાચાર સંદર્ભ: http://www.news.civilserviceindia.com/pil-questions-summer-vacation-for-the-high-courts/)

(ડાબેથી) ઇન્દુકુમાર જાની, અશ્વિન કારીઆ, જે.જી. હિંગરાજીઆ,
જસ્ટિસ એ.જી. ઉરેજી, ડી.જી. કારીઆ અને રશ્મિકાન્ત શાહ
જો કે એવું છે કે કૉર્ટનું વૅકેશન વકીલ – અસીલ અને ન્યાયાધીશ સિવાયના વર્ગને પણ ક્યારેક ફળે ખરું. મારા સહિત ઘણા બધાંને ફળ્યું તેવું. શનિવાર, પહેલી જૂનની નમતી બપોરે પાલનપુર / Palanpur શહેરના જી.ડી. મોદી વિદ્યા સંકુલના હૉલમાં કાયદા વિદ્યાશાખાના નવ પુસ્તકોનું વિમોચન થયું. કાનૂની શબ્દકોશ (ડિક્ષનરી / English to Gujarati Dictionary)ના બે વૉલ્યુમ (Glossary of Legal : Words, Terms, Phrases, Maxims and Doctrines અને Concise Law Dictionary / બન્નેના પ્રકાશક: સી. જમનાદાસની કંપની / C. Jamnadas & Co., C-18, માધવપુરા માર્કેટ, શાહીબાગ રોડ, અમદાવાદ / Ahmedabad380 004. ફોન: 079-3028 9001) અને જન સામાન્યને કાયદાની સરળ સમજૂતી આપતી જુદા-જુદા વિષયની સાત પુસ્તિકાઓ. ડિમાઈ સાઇઝના ત્રીસથી સો પાનાં વચ્ચે સમાઈ જતી ‘કાયદાની કેડીએ’ શ્રેણી અંતર્ગતની સાત પુસ્તિકાઓના વિષય આ રહ્યા – ભારતીય બંધારણ, માનવ અધિકારો, પર્યાવરણ સુરક્ષાધારો (1986), સ્ત્રીઓ – બાળકો અને મા-બાપને માટે ભરણપોષણની કાયદાકીય જોગવાઈઓ, બંધારણ હેઠળના મૂળભૂત અધિકારો અને ફરજો, ગ્રાહક સુરક્ષાધારો અને હિન્દુ લગ્નધારા અંતર્ગત છૂટાછેડાની જોગવાઈઓ...તમામના પ્રકાશક ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય / Goorjar Granthratna Karyalaya અને પ્રાપ્તિસ્થાન ગૂર્જર સાહિત્ય ભવન – રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ / Ahmedabad 380 001. ફોન (079) 2214 4663 અને ઇ-મેઇલ: goorjar@ yahoo.com


કાનૂની શબ્દકોશના વિમોચનકર્તા : શ્રી નવલચંદ ગોવિંદજી કારીઆ
શબ્દકોશ સાથે સાત પુસ્તિકાઓના વિમોચન માટે કાયદાની જુદી-જુદી શાખાઓ સાથે જોડાયેલા સાત મહાનુભાવો ઉપસ્થિત હતા જેમની આગેવાની લીધી હતી શ્રી નવલચંદ ગોવિંદજી કારીઆએ / Navalchand Govindji Karia. સગપણમાં ગણીએ તો ઉપરોક્ત પુસ્તિકાશ્રેણીના સહલેખક અને સમગ્રપણે તેના સંપાદનની જવાબદારી અદા કરનાર પ્રાધ્યાપક અશ્વિનકુમાર કારીઆના / Ashwin N. Karia પિતા. અને હા સગપણને સાવ કોરાણે મુકીએ તો તેમની પહેલી ઓળખ એ કે ગુજરાતમાં કાયદાશાસ્ત્રની સેવા કરતા વકીલાતના ક્ષેત્રમાં સાત દાયકાનો સૌથી દીર્ઘ અનુભવ ધરાવનાર ધારાશાસ્ત્રી / Longest Served Practicing Advocate of Gujarat.

સાહેબો સાંભળો ‘પિતાએ મને વકીલ શું બનાવ્યો, મારી ત્રણ-ત્રણ પેઢી વકીલાતમાં આવી’
સાથે રિટાયર્ડ જસ્ટિસ ડી.જી. કારીઆ, પ્રકાશક રશ્મિકાન્ત શાહ અને ડીઆઈજી આર.જે. સવાણી
વિમોચન વિધિ / Book Release Function પછી વક્તવ્ય આપતી વખતે સત્તાણું વર્ષીય નવલચંદદાદાએ (પ્રેક્ટિસીંગ એડવોકેટ્સના તો ખરેખરા દાદા!) કોને યાદ કર્યા હશે તે કલ્પી શકાય ખરું? તેમના પિતાજીને. તેમણે જણાવ્યું કે 1939માં બી.એ. પાસ થઈને પોસ્ટમાસ્તર પિતા સમક્ષ મુંબઈ જઈને નોકરીએ વળગવાની ઇચ્છા જણાવી તો એમણે મને પોતાની ઇચ્છા જણાવી. એમ કહીને કે ‘હોય કંઈ. નોકરીએ વળગવાની શું ઉતાવળ છે? મારે તો તને એલ.એલ.બીનું / LL.B ભણાવીને વકીલ બનાવવો છે વકીલ.’ દાદા કહે કે હું વકીલ શું બન્યો તે આજે સિત્તેર વર્ષ પછી વકીલાતના / Advocate ક્ષેત્રમાં મારી ત્રણ-ત્રણ પેઢી સક્રિય છે. મને એનો આનંદ છે કે એ તમામને કામ કરતા જોવા હું હાજર છું.

કાનૂની શબ્દકોશની પ્રથમ આવૃત્તિ 6 ડિસેમ્બર 1981ના રોજ ગુજરાત વડી અદાલતના / High Court of Gujarat / http://gujarathighcourt.nic.in/ નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ બીપીનચંદ્ર જે. દિવાનના / Bipinchandra J. Divan /  http://gujarathighcourt.nic.in/formerchjustice.asp?formercjsid=6&x=14&y=6 હસ્તે અમદાવાદમાં / Ahmedabad વિમોચન પામી હતી. 2013માં પાલનપુર / Palanpur, Banaskantha District ખાતે તેની પાંચમી આવૃત્તિનું વિમોચન કર્યા પછી નવલચંદદાદાએ કહ્યું કે છઠ્ઠી આવૃત્તિના વિમોચનમાં હાજર રહેવાની મારી મહેચ્છા છે – આપ સૌ ઉપસ્થિતોની શુભેચ્છા છે એમ ગણી લઉં છું.

પુત્રના પુસ્તકનું વિમોચન પિતાના હસ્તે
કાયદા વિદ્યાશાખાના અધ્યાપન ક્ષેત્રે ચાર દાયકાનો બહોળો અનુભવ ધરાવતા અને તે સંબંધી ગુજરાતીમાં લેખન કરતા-કરતા પ્રકાશનના આ વિશિષ્ટ પ્રકલ્પ સાથે જોડાયેલા અશ્વિનભાઈ કારીઆએ / Ashwin N. Karia પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે વિદ્યાર્થી અવસ્થામાં નોંધો કરવાની પડેલી ટેવ મને લેખક બનવામાં ઉપયોગી નીવડી છે. એવી નોંધો તૈયાર કરતા જ હું શૈક્ષણિક પુસ્તકોનું પ્રકાશન કરતી સંસ્થા સી. જમનાદાસની કંપનીના સંપર્કમાં આવ્યો અને 1974માં પહેલું પુસ્તક પ્રકાશિત થયું. 1981માં પ્રથમવાર પ્રકાશિત શબ્દકોશ આઠ વર્ષની મહેનતને અંતે તૈયાર થયો હતો જે કામ ગોધરાના / Godhra અગ્રણી વકીલ ભૂપેન્દ્રભાઈ સોનીના / Bhupendra Soni સહકાર વિના શક્ય બનવાનું નહોતું. પાંચમી આવૃત્તિના વિમોચનમાં તેઓ સપરિવાર અહીં ઉપસ્થિત છે તેનો આનંદ વ્યક્ત કરતા તેમણે વધુમાં જણાવ્યું કે સી. જમનાદાસની કંપનીના સંચાલક રશ્મિકાન્તભાઈ શાહ / Rashmikant Shah સાથેના પરિચયનું ચાલીસમું વર્ષ ચાલી રહ્યું છે અને હવે અમારા સંબંધો લેખક – પ્રકાશકના સંબંધની પ્રચલિત વ્યાખ્યાને પણ વળોટી ગયા છે. કારીઆ પરિવારના બહુમતી સભ્યો ગુજરાતના / Gujarat વિવિધ શહેરોમાંથી આ કાર્યક્રમ નિમિત્તે પોતાની કર્મભૂમિ પાલનપુર / Palanpur સુધી આવ્યા તેની નોંધ લેતા તેમણે સૌનો આભાર માન્યો હતો.

કાનૂની શબ્દકોશના બીજા ગ્રંથના વિમોચનકર્તા ઇન્દુકુમાર જાની
કર્મશીલ પત્રકાર અને પાક્ષિક નયા માર્ગ’ના / Naya Marg Gujarati Fortnightly તંત્રી ઇન્દુકુમાર જાનીએ / Indukumar Jani આ પ્રસંગે ઉપસ્થિત રહેતા કરસનદાસ માણેકની કવિતા ‘શાને આવું થાય છે’ યાદ કરી ગરીબોના – કચડાયેલા વર્ગના હામી બની રહેવાની ઉપસ્થિત સૌને – ખાસ કરીને ન્યાયપ્રક્રિયા સાથે જોડાયેલા સૌને અપીલ કરી હતી. અશ્વિન કારીઆનો આ ગુણ જ મને નાદુરસ્ત તબિયત અને આરોગ્યની અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે પણ અમદાવાદથી પાલનપુર સુધી ખેંચી લાવ્યો છે તેમ તેમણે જણાવ્યું હતું. દેશની સર્વોચ્ચ અદાલતમાં વકીલાત કરતા રિટાયર્ડ જસ્ટિસ ડી. જી. કારીઆએ / Justice D. G. Karia પ્રતિભાવ આપતા જણાવ્યું કે કારીઆ પરિવારના બહુમતી સભ્યો કાયદાની પ્રેક્ટિસ સાથે સંકળાયેલા છે. કાયદા વિદ્યાશાખાના નવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાની એકૅડેમિક કરિઅર અપનાવનાર અશ્વિનભાઈ અમારા પરિવારનું ઘરેણું છે.

‘અજ્ઞાનને લઈ લોકો કાયદાથી ડરે છે’
- જસ્ટિસ એ.જી. ઉરેજી
બનાસકાંઠા જિલ્લા અદાલતના ન્યાયાધીશપદેથી થોડા સમય અગાઉ જ બઢતી પામીને ગુજરાત વડી અદાલતના ન્યાયમૂર્તિપદે વરાયેલા એ. જી. ઉરેજી / Justice A. G. Uraizee / http://gujarathighcourt.nic.in/judgelist.asp?judgeid=64 વિમોચન પ્રસંગે ઉપસ્થિત રહેવાની અનુમતિ પાલનપુરમાં ફરજ બજાવતા જ આપી ચૂક્યા હતા. પ્રસંગને દિપાવવા ખાસ અમદાવાદથી આવી પહોંચેલા જસ્ટિસ ઉરેજીએ તેમના વક્તવ્યમાં પોતાની વિદ્યાર્થી અવસ્થાને યાદ કરતાં એ સમયે અંગ્રેજી પુસ્તકોની ભરમાર વચ્ચે ગુજરાતી શબ્દકોશ કેટલો ઉપયોગી થઈ પડ્યો હતો તેની યાદ – અનુભવકથા વર્ણવી હતી. તેમણે જણાવ્યું કે, ‘કાયદાથી લોકો ડરે છે કારણ કે અજ્ઞાન પ્રવર્તે છે.’

‘આ પુસ્તિકાઓના પ્રચારની જવાબદારી હવે મારી’
- જિલ્લા કલેક્ટર જે.જી. હિંગરાજીઆ
બનાસકાંઠા લોકસભા બેઠકના તત્કાલીન સંસદસભ્ય મુકેશ ગઢવીના થોડા સમય પહેલા થયેલા અવસાનને કારણે આયોજિત પેટાચૂંટણીનું મતદાન કાર્યક્રમના બીજે દિવસે બીજી જૂને-રવિવારે યોજાવાનું હતું. મતદાન વ્યવસ્થા ગોઠવવાની અનેક જવાબદારીઓ અને કામના બોજ વચ્ચે પણ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર / Banaskantha District Collector જે. જી. હિંગરાજીઆ / J. G. Hingrajia કાર્યક્રમમાં પૂરો સમય ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે કાયદાના અજ્ઞાન સંબંધી જસ્ટિસ ઉરેજીની ટીકાને દૂર કરવા હું અને મારું વહીવટીતંત્ર આ પુસ્તિકાઓનો ઉપયોગ કરીશું, એટલું જ નહીં તેનો પ્રચાર – પ્રસાર કરવા માટે અમારાથી બનતા તમામ પ્રયત્નો કરીશું.

‘શોષિતોનું સાંભળનાર કોઈ તંત્ર મારા ગુજરાતમાં હોય’
- પોલીસ અધિકારી આર.જે. સવાણી
રેશનલ વિચારધારાના પ્રચાર – પ્રસારમાં સક્રિય રહેવા સાથે ગુજરાતના પોલીસતંત્રમાં ડી.આઈ.જી કક્ષાનો ઉચ્ચ હોદ્દો ધરાવતા પોલીસ અધિકારી આર.જે. સવાણીએ / R. J. Savani આ પ્રસંગે જણાવ્યું કે સમાજના છેવાડાના માનવી તેમજ કચડાયેલા–પીડિત–શોષિત વર્ગને ન્યાય મળે એવું કાયદાતંત્ર ગોઠવવાની તાતી જરૂર છે. અત્યારે એથી ઊલટી પરિસ્થિતિ છે. એક ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું કે ગુજરાતમાં ‘જમીન ટોચમર્યાદા ધારા’ / Land Ceiling Act નામના પ્રવર્તમાન કાયદા વચ્ચે કોઈ વ્યક્તિ બે હજાર એકર જમીનની માલિકી ધરાવતો હોવાનો દાવો કરે અને તેને યથાર્થ ઠેરવવા વળી એમ પણ કહે કે હું તેની સામે આવકવેરો / Income Tax પણ ભરું છું ત્યારે થાય કે આ હજારો એકર જમીનના મૂળ માલિકો એવા ખેડૂતોની વાત-વેદના સાંભળીને તેમને ન્યાય અપાવનારું કોઈ તંત્ર પણ ગુજરાતમાં હોવું જોઇએ.

કાર્યક્રમના સંચાલક અને પુસ્તિકાઓના સહલેખક
તૃપ્તિ કારીઆ પિતા અશ્વિનભાઈ સાથે
સમગ્ર કાર્યક્રમનું સંચાલન તૃપ્તિ અશ્વિનભાઈ કારીઆએ / Trupti Karia કર્યું હતું જેઓ અમદાવાદમાં વકીલાતના વ્યવસાયમાં સક્રીય છે. ફૅમિલી કૉર્ટમાં / Family Court પ્રેક્ટિસ કરતા તૃપ્તિબહેને પ્રારંભે જ ઉપસ્થિત મહેમાનોને કાર્યક્રમ દરમિયાન પોતાનો મોબાઇલ ફોન ‘સાઇલન્ટ મૉડ’ પર રાખવાની વિનંતી કરી હતી. કૉર્ટની સુનાવણી દરમિયાન મોબાઇલની રીંગ વાગતા અઠવાડિયા અગાઉ મારે પોતે પણ પચાસ રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો એવી માહિતી આપતા તેમણે ઉમેર્યું કે દંડનો હુકમ કરનાર જસ્ટિસ એ. જી. ઉરેજીસાહેબ અહીં ઉપસ્થિત છે ત્યારે મારી આ વિનંતી આપની વિશેષ જવાબદારી બની જાય છે. હા, એ અર્થમાં કાર્યક્રમ ખરેખર જ વિશિષ્ટ હતો. કૉર્ટના વૅકેશન સમાપ્તિનો છેલ્લો દિવસ હતો. પાલનપુર શહેરની સાથે બનાસકાંઠા, પાટણ / Patan, સાબરકાંઠા / Sabarkantha (હિંમતનગર / Himmatnagar) અને મહેસાણા / Mehsana એમ ચાર જિલ્લાના અગ્રણી વકીલો કાયદા સાહિત્યના આ વિમોચન કાર્યક્રમમાં ઉલટભેર ઉપસ્થિત હતા. ચાર કલાક ચાલેલા આ પ્રસંગ દરમિયાન મોબાઇલ રણકે નહીં તેની દરેકે દરકાર રાખી હતી. કૉર્ટનું વૅકેશન ક્યારેક આ રીતે પણ ફળે ખરું કે ન્યાયતંત્ર સાથે જોડાયેલા લોકોને આ પ્રકારના કાર્યક્રમમાં હાજર રહેવાની અનુકૂળતા થાય.

કાર્યક્રમના અંતે પરિવારજનોના પ્રતિનિધિ સરખા દોહિત્ર મેધાંશ (લેખકના હાથમાં)
અને મિત્રજનોના પ્રતિનિધિ સરખા ધીરુભાઈ મીસ્ત્રી (લેખકના પિતા સાથે સુરવાલમાં)
તેમજ આમંત્રિત મહેમાનો સાથે અશ્વિન કારીઆ
કાયદાની સાથે રેશનાલિઝમની / Rationalism પ્રવૃત્તિઓમાં માત્ર વૈચારિક નહીં પણ સાથી દોસ્તોને સક્રિય સાથ આપતા – સાથ નિભાવી જાણતા એક જુદા જ અશ્વિન કારીઆની વાત પણ અહીં ફરી ક્યારેક કરીશું.


(કાર્યક્રમની તસવીરો : બિનીત મોદી)