પ્રતિભાવો ઉર્ફે Comments

Showing posts with label સંગીત. Show all posts
Showing posts with label સંગીત. Show all posts

Tuesday, October 15, 2013

દિલીપ ધોળકીયા : પડોશી ગુમાવ્યાની પીડા, સરનામામાં સામેલ થયાનો આનંદ

દિલીપ ધોળકિયા : 15-10-1921થી 02-01-2011

ગુજરાત અને ગુજરાતીઓ જેમને ગાયક – સંગીતકાર તરીકે ઓળખે છે એવા દિલીપ ધોળકીયાની અંગતતમ ઓળખાણ મને ઉર્વીશ કોઠારી દ્વારા થઈ હતી. શાસ્ત્રીય સંગીતના વાર્ષિક જલસા જેવા સપ્તકના કાર્યક્રમો જ્યાં આયોજિત થાય છે તે કાશીરામ અગ્રવાલ હોલ નજીકનું ગોયલ ટેરેસનું નિવાસસ્થાન છોડીને તેઓ વસ્ત્રાપુરમાં હિલ્લોરા રેસીડેન્સીમાં મારા ઘરની નજીક રહેવા આવ્યા હતા. મોબાઇલનો વ્યાપ વધ્યા પહેલાના એ દિવસોમાં તેમનો સંપર્ક કરવાની જરૂર ઉભી થતાં હું પહેલીવાર ઉર્વીશ / Urvish Kothari વતી તેમના ઘરે ગયો હતો. લેન્ડલાઇન ફોન જૂના ઘરેથી ટ્રાન્સફર નહોતો થયો એ સંજોગોમાં મારે એમને ઉર્વીશ કોઠારીની સાથે-સાથે સુરત ખાતે હરીશ રઘુવંશીનો / Harish Raghuvanshi સંપર્ક કરવાનું કહેવાનું હતું.

એમણે ફોન તો કર્યો જ, એ કામ પોતે કરી લીધું છે તેની પહોંચ મને પણ ફોન કરીને આપી. આવી નાની નાની કાળજી બહુ ઓછા લોકો લઈ શકે છે. દિલીપકાકા તેમાંના એક હતા. મુંબઈ અમદાવાદ વચ્ચે વહેંચાયેલા રહેતા દિલીપકાકા એ પછી વખતોવખત પોતે મુંબઈથી અમદાવાદના ઘરે આવી ગયા છે તેવી પહોંચ આપતા રહ્યા. ફોન કરે અથવા મોર્નિંગ વોકમાં નીકળતા સાદ આપે.

દિલીપ ધોળકીયા અને ઉર્વીશ કોઠારી : સંવાદનો સમય મધરાતના સવા બે
તેમને મળવા જઉં એટલે મુંબઈ પાછા ફરવાની તારીખ કહે. ઉર્વીશની સાથે ચંદ્રશેખરભાઈ વૈદ્ય, રંજનબહેન અને અરવિંદભાઈ દેસાઈ તેમજ ગ્રામોફોન ક્લબના ખબરઅંતર અચૂક પૂછે. ગુજરાતી – અંગ્રેજી દૈનિકો અને સામયિકોની ક્રોસવર્ડ પઝલના ખાલી ખાનાં ઉલટભેર ભરતા દિલીપકાકા ક્યાંક અટકે તો સંભવિત જવાબોની ચર્ચા પણ કરે. ગણેશ ચતુર્થીના દિવસોમાં ઘરમાં ગણપતિ સ્થાપન કરે અને વિસર્જન અગાઉ સગાં-સંબંધીઓની સાથે મિત્રોને યાદ કરીને આમંત્રિત કરે. ગીત સંગીતના અનેક જાહેર કાર્યક્રમો આપનાર દિલીપ ધોળકીયા / Dilip Dholakia માટે જાણીને નવાઈ લાગશે કે તેઓ ગ્રામોફોન ક્લબના / Gramophone Club કાર્યક્રમની તારીખ સાથે તેમના અમદાવાદ આગમનના દિવસોનો તાલ મિલાવતા. ગાયક મિત્ર બદરીનાથ વ્યાસ / Badrinath Vyas સાથે ગ્રામોફોન ક્લબનો કાર્યક્રમ માણતા. એ પછી ટાગોર હોલથી ઘર સુધીની સફરના સાથીદાર બનતા દિલીપકાકા જાન્યુઆરીના પ્રથમ પખવાડિયામાં અમદાવાદમાં કાશીરામ અગ્રવાલ હોલ ખાતે યોજાતા શાસ્ત્રીય સંગીતના વાર્ષિક જલસા સપ્તકમાં / Saptak / http://www.saptak.org/ થતી રજૂઆતોને આરંભથી મધરાત સુધી માણતા.

આ જલસો હવે તેમના ઘરથી નજીક આઈઆઈએમ-અમદાવાદના જૂના કેમ્પસ સામે આવેલી અમદાવાદ યુનિવર્સિટીની મેનેજમેન્ટ કૉલેજમાં આયોજિત થાય છે. પરંતુ કાશીરામ અગ્રવાલ હોલથી નજીક આવીને વસ્ત્રાપુરમાં વસેલા દિલીપકાકા હવે મારી-તમારી પહોંચ ન હોય એવી દૂર-દેશાવરની જગ્યાએ જઇને વસ્યા છે.

તેમની ગાયકી અને સંગીત સદાકાળ યાદ રહેશે પરંતુ તેમની સાથે જીવેલી ક્ષણોની ખોટ પડે છે. અંગત ધોરણે આશ્વાસન લઈ શકું તો એટલું કે તેમની પડોશમાં રહેતા નેહરૂપાર્ક – વસ્ત્રાપુરમાં જ્યાં રહું છું તે રોડ હવે ‘પીઢ સંગીતજ્ઞ શ્રી દિલીપ ધોળકીયા માર્ગ’ તરીકે ઓળખાય છે. આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન / Ahmedabad Municipal Corporation અને તત્કાલીન મેયર અસિત વોરા દ્વારા 24 એપ્રિલ 2013ના રોજ તે અંગેની સત્તાવાર જાહેરાત થઈ તે પછી મેં મારા ઘરના સરનામામાં ફેરફાર કરીને એક લાઈન ઉમેરી છે – ‘શ્રી દિલીપ ધોળકીયા માર્ગ’. દિલીપકાકા જેવા પડોશીને ગુમાવવાની પીડા પછી આનંદ એ વાતનો છે કે તેમનું નામ મારા સરનામામાં જોડાઈ ગયું – કાયમ માટે.


તસવીરો : બિનીત મોદી

Tuesday, December 25, 2012

પ્રફુલ દવે : ફેસબુક ફ્રેન્ડ બન્યા પહેલા.....



તેમણે ગાયેલા ગુજરાતી ગીતો અને તેમની ગાયકીના વખાણ – બન્ને લગોલગ સાંભળવાનું-વાંચવાનું થયું હતું. 1990ની આસપાસ અમદાવાદના / Ahmedabad નારણપુરા વિસ્તારમાં રહેતો હતો ત્યારે તેમને ગરબા ગાતા – ગવડાવતા સાંભળવા-જોવા એ એક લહાવો ગણાતું. નારણપુરા – ઉસ્માનપુરાના જંક્શન પર આવેલી પંચશીલ સોસાયટીમાં તેઓ નવરાત્રી દરમિયાન એક જ રાત ફાળવીને ગરબા ગવડાવવા આવતા ત્યારે તેમને સાંભળવા લોકો ટોળે વળતાં. 


મણિયારો ગાઈને લોકપ્રિયતાના સીમાડા વટાવી ગયેલા તેમના વિશે એકવાર એમ પણ વાંચવામાં આવ્યું કે – વ્યવસાયે ડૉક્ટર એવા પ્રફુલ દવેનો / Praful Dave ગીત – ગાયકીમાં સાથ લીધા વિના ગુજરાતી ફિલ્મોના નિર્માતા – દિગ્દર્શકો ફિલ્મ બનાવવાનું વિચારી પણ શકે તેમ નથી. ગુજરાતી ફિલ્મો / Gujarati Films માટે ગીતલેખન કરતા કવિઓ – ગીતકારોની ઇચ્છા હોય કે તેમના શબ્દોને પ્રફુલ દવેનો સ્વર મળે.....વગેરેવગેરે...

               
આવી કંઈક વાતો સાંભળી વાંચીને મને તેમને મળવાની ઇચ્છા થઈ આવી. ચોવીસ કલાકની તો ઠીક...ચેનલ શબ્દ જ ટેલિવિઝન માટે અસ્તિત્વમાં નહોતો એટલે તેમને ટીવી પર ક્યારેય જોયા નહોતા. છાપામાં ક્યાંય ફોટો પણ છપાયેલો નહોતો જોયો. ઓડિયો કેસેટના જેકેટ પર નામની સાથે ફોટો હોય તો હોય. આજે 2012માં લોકપ્રિયતાના માપદંડો ગણાય તેવા સાધનો માંહેનું કશું જ તેમની પાસે નહોતું અને તો ય પ્રફુલ દવે લોકપ્રિય હતા. મળવાની ઇચ્છા થઈ એટલે પાલડી ગામમાં આયોજિત એક કાર્યક્રમમાં પહોંચી ગયો. સમાજસેવાના સંદર્ભે એ દિશામાં કામ કરતા લોકોનું રામકથાકાર મોરારિબાપુના હસ્તે સન્માન થાય અને અંતે ગીત- સંગીતનો કાર્યક્રમ – ડાયરો હોય તેવું આયોજન હોવાનું આજે આછું-પાતળું યાદ છે.

આછું-પાતળું એટલા માટે કેમ કે એ ચોવીસ વર્ષ પહેલાની વાત છે. ડાયરો પૂરો થયે સ્ટેજ પાછળ પહોંચીને તેમની સાથે થોડી વાતો કરી. અપાર લોકપ્રિયતા-ચાહનાનો અંશ પણ તેમને અડ્યો નહોતો. ફોટો પાડવાની ઇચ્છા વ્યક્ત કરી તો, “ફોટાનું શું કરશો ભાઈ? એવી પ્રતિક્રિયા આપી. સ્ટેજના પડદા ઓથે ઊભા રહેવા વિનંતી કરી તો સહેજ પણ આનાકાની નહીં. માત્ર તેમણે એક જ વિનંતી કરી...ભાઈ, એક કોપી મને પણ આપજો.

ફોટો પડી ગયો. પ્રિન્ટ હાથમાં આવી. વધારાની એક કોપી તેમના માટે પણ કઢાવી.
એ પછીની વિગતો યાદ નથી પણ ફોટો આપવા માટે એક કાર્યક્રમમાં જ પહોંચી ગયો. રાજી થયા. ફોટાની મારી કોપી પાછળ લખ્યું ખુશ રહો – પ્રફુલ દવે. 25 ડિસેમ્બર 1988 અમદાવાદ’. તેમના ગીતોની એક કેસેટ અને વિઝિટીંગ કાર્ડ આપતા કહ્યું, “વડોદરા – ઇલોરાપાર્કમાં જ રહું છું. ક્યારેક આવો તો મળો.

એવો રૂ-બ-રૂ થવાનો અવસર આટલા વર્ષોમાં કદી આવ્યો નહીં. પણ હા, ફેસબુક પર રોજે-રોજ મળાય છે. હા, એ મારા ફેસબુક ફ્રેન્ડ તો છે જ – સક્રિય પણ છે.

Friday, October 12, 2012

નર્મદા યોજનામાં એક ઈંટ અમારી પણ ગણજો : રાસબિહારી દેસાઈ


રાસબિહારી દેસાઈ : 23-06-1935થી 06-10-2012
તસવીર : સંજય વૈદ્ય

મથાળે લખ્યું છે એ વાક્ય બોલનાર રાસબિહારીભાઈ સિવિલ એન્જિનિયર કે નર્મદા – સરદાર સરોવર યોજના સાથે સંકળાયેલા કોઈ કર્મચારી હતા એવો પ્રશ્ન થાય તો તેનો એકાક્ષરી જવાબ છે ના’. આવા એકાક્ષરી તો નહીં પરંતુ નાના-નાના સવાલો કે જેમાં તેમના અંગત ગમા-અણગમા છતાં થાય તેવા ટૂંકાક્ષરી જવાબો હું તેમની પાસેથી મેળવી રહ્યો હતો. આરપાર સાપ્તાહિકની / Aarpar Weekly Magazine / www.aarpar.com દિલ સે કોલમમાં તે પ્રકટ કરવાના હતા. મુલાકાતનો સમય નક્કી કરવા ફોન કર્યો તો કહે, હું એકલો ઇન્ટરવ્યૂ નહીં આપું. મને અને વિભાને તમે એમ જુદા નહીં કરી શકો. આપ મળવા આવો, જવાબો એકમેકની સંમતિથી જ આપીશું. મારે કબૂલ-મંજૂર રાખ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ જ ક્યાં હતો? તેમની સાથે અંગત કોઈ પરિચય જ નહોતો ત્યારે તેમણે મારી પણ એક માગણી કબૂલ-મંજૂર રાખી હતી. શી હતી એ માગણી?


ગુજરાતની જીવાદોરી ગણાતી આવેલી નર્મદા યોજના સામે અનેક પ્રકારના અવરોધો હતા ત્યારે વિભાબહેન – રાસબિહારીભાઈએ / Rasbihari Desai આપણી ભાષાની પ્રાકૃત રચના નર્મદાષ્ટકમ્ની સ્વરરચના કરી તેને પોતાનો સ્વર આપ્યો હતો. બેશક આ કામ તેમણે ગુજરાત સરકારની ઇચ્છા અને નર્મદા યોજનાને પરિપૂર્ણ કરવા માટે રચાયેલા સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના તત્કાલીન અધ્યક્ષ એવા ગુજરાતના પૂર્વ નાણામંત્રી સનતભાઈ મહેતાની / Sanat Mehta અંગત વિનંતીને માન આપીને કર્યું હતું. નર્મદા યોજના સામે થતા અપપ્રચાર વિરૂદ્ધ એકાધિક મોરચે લડી રહેલી ગુજરાત સરકારને કાને આ મુદ્દે લોકજાગૃતિ કેળવાય તે હેતુથી કોઇકે આ વાત મૂકી હશે તે દેસાઈ દંપતીએ ખાસ મુંબઈ જઈને તેનું રેકોર્ડિંગ કર્યું હતું. આ પાયાનું કામ પૂરું થયું એટલે ગુજરાત સરકારનું માહિતી ખાતુ / Information Department – Government of Gujarat / www.gujaratinformation.net હરકતમાં આવ્યું. સરકારનો નાનો-મોટો કોઈ પણ કાર્યક્રમ હોય, નર્મદાષ્ટકમ્ની કેસેટ પબ્લિક એડ્રેસ સિસ્ટમ પરથી પ્રસારિત થાય. એ સમયગાળામાં (1990 – 1995) એ શિરસ્તો જ પડી ગયેલો. એમ કરવાથી કેટલી લોકજાગૃતિ આવી તેની ટકાવારી થોડી હોય? હા, એટલું ખરું કે વિભાબહેન – રાસબિહારીભાઈનો સ્વર નવી પેઢીના અનેક લોકો સુધી પહોંચ્યો.

એમાંનો એક તે હું. ક્યારેક રેડિયો (આકાશવાણી) / All India Radio / www.allindiaradio.gov.in પર સવારની સભામાં સાંભળવા મળતી નર્મદાષ્ટકમ્ની રચના ક્રમશઃ પ્રસારિત થતી બંધ થઈ. વારંવાર સાંભળવી ગમે તેવી આ રચના એ કંઈ કમર્શિયલ રેકોર્ડિંગ તો હતું નહીં કે બજારમાં તેની કેસેટ વેચાતી મળે. એટલે રાસભાઈ (સ્વજનો-મિત્રોમાં આ નામે જ જાણીતા)ના ઘરનો ફોન નંબર શોધી તેમને કેસેટ મેળવી આપવા અને તેની નકલ કરી શકું તેટલા સમય માટે ઉપલબ્ધ કરાવી આપવા વિનંતી કરી. જવાબમાં તેમણે ઘરનું સરનામું લખાવ્યું અને કહ્યું કે બે દિવસ પછી ફોન કરી ઘરે આવજો. ગમતું ગીત – સંગીત વારંવાર સાંભળવાનું મન થતું હોય તો તેની કોપી કરી લેવી જોઇએ એવા સામાન્ય ખ્યાલ સાથે હું એક બ્લેન્ક કેસેટ સાથે રાખી તેમના ઘરે પહોંચ્યો. મનમાં એવો ખ્યાલ હતો કે થોડી વાતચીત કરી કોરી કેસેટ આપીને નીકળી જઇશ. તેઓ કહેશે ત્યારે કોપી લેવા ફરી પાછો પહોંચી જઇશ. આવી કંઈક ગડમથલમાં હતો ને તેમણે એક નવીનક્કોર કેસેટ મારા હાથમાં મૂકી. કવર પર તેમના હસ્તાક્ષરમાં લખ્યું હતું નર્મદાષ્ટકમ્ – વિભા અને રાસબિહારી દેસાઈ’. મેં કોરી કેસેટ આપવાનો વિવેક (અથવા ગુસ્તાખી) ચાલુ રાખ્યો તો કહે તમે કોઈ બીજાને કોપી કરી સાંભળવા આપજો. એ સમયે બજારમાં નવા-સવા આવેલા ડબલડેક વાળા કેસેટ પ્લેયર-કમ-રેકોર્ડરનો ઉપયોગ કરી તેમણે મારા માટે કેસેટ તૈયાર રાખી હતી.

દિલ સેની પ્રશ્નોત્તરી સમયે ઉપરોક્ત પ્રસંગ – અનુભવ સ્વાભાવિકપણે જ યાદ કર્યો તો કહે કે કેસેટનો જમાનો હવે વીતી ગયો છે. નવી ટેક્નૉલૉજી પ્રમાણે નર્મદાષ્ટકમ્ની સીડી તૈયાર કરવી હોય તો સોર્સ રેકોર્ડિંગ જોઇએ. મેં રજૂઆત કરી છે પણ સરકારો બદલાઈ ગઈ એટલે નવા સત્તાધીશો તેના માટે કાગળ-પત્ર લખવા જેટલી પણ તૈયારી બતાવતા નથી. ખેર! ભાવિ પેઢી આપને કઈ રીતે યાદ કરે તો ગમે એવા મારા સવાલનો જવાબ સ્વાભાવિક જ ગાયક-સંગીતકાર તરીકે એવો હોય એટલે થોડું અટકીને બોલ્યા નર્મદા યોજનાના પાયામાં એક ઈંટ અમારી પણ હતી એમ ગણજો.

વ્યવસાયે અમદાવાદની ભવન્સ કૉલેજમાં ફિઝિક્સ / Physics (ભૌતિકશાસ્ત્ર)ના પ્રાધ્યાપક રાસબિહારી રમણલાલ દેસાઈનો હું વિદ્યાર્થી નહોતો. પાડોશી-કમ-હમવતની મિત્ર પ્રધ્યુમન ગાંધીની સાથે સંકળાયેલા તમામ મિત્રો ભવન્સ સાયન્સ કૉલેજમાં ભણતા એટલે મારા પણ ત્યાં આંટાફેરા રહેતા. ભવન્સનું બીજું આકર્ષણ એ રહેતું કે હું જ્યાં ભણતો તે એલ.જે. કોમર્સ કૉલેજની સરખામણીએ તેની લાઇબ્રેરી સમૃદ્ધ હતી અને તેના લાઇબ્રેરિયન ગીરાબહેન શાહ પરિચિત-સંબંધી હતા એટલે ત્યાં હું વારંવાર જતો. પ્રોફેસર રાસબિહારી દેસાઈને કૉલેજ લોબીમાં પસાર થઈ ક્લાસરૂમમાં જતા જોતો કે પછી યુવક મહોત્સવ સમયે વિદ્યાર્થીઓને રિહર્સલ કરાવતા જોતો.

ઉર્વીશ કોઠારી થકી દિલીપકાકા (સ્વર્ગસ્થ ગાયક દિલીપ ધોળકિયા)ના પરિચયમાં આવવાનું થયું અને ત્યાર બાદ તેમના પાડોશી હોવાના નાતે રાસભાઈ – વિભાબહેનના પરિચયમાં વધુ એક ઓળખાણનો ઉમેરો થયો. જો કે ઓળખાણનું વધુ એક પડ ઉમેરાવાનું બાકી હતું તેનો મને જરા સરખો અંદાજ નહોતો. એ દિવસ પણ આવી ગયો. ગણેશ સ્થાપનના પ્રથમ દિવસે રાસભાઈ-વિભાબહેન ધ્રુમનમાસી-દિલીપકાકાના આમંત્રણને માન આપી અચૂક ઉપસ્થિત હોય. પાંચેક વર્ષ અગાઉ એવા જ એક દિવસે ગણેશ સ્થાપન અને ભોજનપ્રસાદ લીધા પછી ખૂબ જ વરસાદ પડ્યો. નોકરીએ જવાનો સમય થઈ ગયો હતો અને ઓફિસ બેગ લેવા માટે પણ ઘરે તો પલળતા જ જવું પડે એવી પરિસ્થિતિ હતી. મારી મુશ્કેલી પામી ગયેલા રાસભાઈ કહે, ચાલો અમારી સાથે. વિભા તમને કારમાં ઓફિસે મુકી દેશે. વિવેક ખાતર પણ મેં આનાકાની કરી નહીં. દિલીપકાકાના ઘરેથી નીકળી ચોથા જ મકાને ગાડી ઊભી રખાવી હું ઝડપભેર ઘરમાંથી મારી બેગ લઈ પાછો તેમની કારમાં બેસી ગયો. થોડાક આગળ વધ્યા હોઇશું ને રાસભાઈએ સવાલ કર્યો, આ તમારું ઘર હતું. મારો એકાક્ષરી જવાબ હા”. તો અમે તમારા ઘરે આવી ગયા છીએ. થોડું અટકીને મને પૂછ્યું, ટેક્સાસ – અમેરિકા રહેતા ઉદયન અને નીલા તમારા શું થાય?”…“ફોઈના દીકરા, ભાઈ-ભાભી. તેઓ ફરી બોલ્યા, હં, અમે તમારા ઘરે આવી ગયા છીએ. નીલાબહેનને મુકવા આવ્યા હતા. વધુ વિગતે વાત કરતા ખબર પડી કે અમેરિકા રહેતા અને સંગીત – ગાયકી ક્ષેત્રે ઠીક-ઠીક નામના કમાયેલા મારા ફોઈના દીકરા ઉદયનભાઈ સાથે તેમણે કાર્યક્રમો પણ આપ્યા છે અને એમના મહેમાન પણ બન્યા છે.

મહેમાન બનતા કે કાર્યક્રમ સ્થળે પહોંચતા રાસબિહારી દેસાઈ રાસભાઈ આવી ગયા છે એમ કહી પોતાની ઉપસ્થિતિની જાણ યજમાન – આયોજકોને કરતા. સ્વરના આરાધક 6 ઓક્ટોબર 2012ની બપોરે ઇશ્વર નજીક પહોંચી ચોક્કસ બોલ્યા હશે, રાસભાઈ આવી ગયા છે.