પ્રતિભાવો ઉર્ફે Comments

Showing posts with label ફોટો સ્ટોરી. Show all posts
Showing posts with label ફોટો સ્ટોરી. Show all posts

Tuesday, March 01, 2016

બજેટ, બીએસએનએલ અને વડનગર


શીર્ષક હજી વધુ લાંબુ કરી શકાય એમ છે. જેમ કે ‘બજેટ, બીએસએનએલ અને વર્તમાન વડાપ્રધાનનું વતન વડનગર’. એમ કરવા જતાં યાદ આવ્યું કે કાલખંડ દરમિયાન આ પોસ્ટ ગમે તે સમયે કોઇના પણ વાંચવામાં આવે ત્યારે ‘વર્તમાન વડાપ્રધાન’ કોને ગણવા? મૂળ પોસ્ટ લખાઈ એ સમયના કે વંચાતી હોય એ વખતના? ગૂંચવાડા થશે અને વધશે એમ લાગતા શીર્ષકને લંબાવવાનો વિચાર પડતો મૂકીને મૂળ વાત કરવાનો વિચાર જ અમલમાં મૂક્યો છે...એ પણ ટૂંકમાં જ.

દર વર્ષે ફેબ્રુઆરીના આખરી દિવસે (28 કે 29 ફેબ્રુઆરી) કેન્દ્ર સરકારના નાણા પ્રધાન સામાન્ય બજેટ / Union Budget રજૂ કરે છે. આગામી નાણાકીય વર્ષ દરમિયાન સરકારને ક્યાંથી – કયા સ્ત્રોત મારફતે આવક થશે અને સરકાર એ નાણા ક્યાં – કઈ નાગરિક સુખ-સુવિધા પાછળ ખર્ચ કરશે તેનો સામાન્ય અંદાજ તેમાં બાંધવામાં આવ્યો હોય છે. એ પરંપરામાં ગઈ કાલે 29 ફેબ્રુઆરી 2016ના રોજ કેન્દ્રિય નાણા પ્રધાન અરૂણ જેટલીએ / Arun Jaitley લોકસભામાં અંદાજપત્રની રજૂઆત કરી. અંદાજપત્ર અટપટું હોય છે અને સમજમાં આવે તો સારું છે. પણ એવું થતું નથી. અરે અંદાજ બાંધ્યા પ્રમાણે પણ બધું થતું નથી.

ખાતર ઉપર દિવેલ જેવું ટેલિફોન બિલ : ઉઘરાણીની રકમ રૂપિયા છ
જેમ કે આ સાથેનું ટેલિફોન બિલ. સંદેશા વ્યવહારની એકથી વધુ પ્રકારની સુવિધાઓ પૂરી પાડતા કેન્દ્ર સરકારના સંદેશા વ્યવહાર વિભાગ હસ્તકના ‘ભારત સંચાર નિગમ લિમિટેડ’ / BSNL / http://www.bsnl.co.in/ દ્વારા મહેસાણા ટેલિકોમ ડિસ્ટ્રીક્ટ મારફતે ઇસ્યુ થયેલું ટેલિફોન બિલ ‘વડનગર સંગ્રહાલય’ના / Vadnagar Museum નામે છે. ડિસેમ્બર – 2015ના પ્રારંભે બનેલું અને એ જ મહિનામાં જેની ચૂકવણી કરી આપવાની છે તેવા આ ટેલિફોન બિલમાં અંકે રૂપિયા 6=00 અને શબ્દે માત્ર રૂપિયા છ પૂરાની ઉઘરાણી કરવામાં આવી છે. આ માગણી કેટલા વખત જૂની છે તેનો હિસાબ મહિનાઓમાં થાય એમ નથી. કેમ કે ગુજરાત રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના તત્કાલીન મંત્રી ઇન્દ્રવિજયસિંહ જાડેજા (પાછળથી આઇ.કે. જાડેજા નામે વધુ ઓળખાતા)એ જાન્યુઆરી – 1996માં આ સંગ્રહાલયનો પ્રારંભ કરાવ્યો હતો. સંગ્રહાલયને જાળવી રાખવાની અને રોજિંદા ધોરણે તેનું સંચાલન કોણ કરશે એ પ્રકારની વહીવટી જવાબદારી એ સમયે નક્કી નહોતી થઈ.

ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ, માહિતી ખાતું, પુરાતત્વ વિભાગ કે કેન્દ્ર સરકાર હસ્તકનો આર્કિયોલોજી વિભાગ – આ ચારમાંથી કોણ આ ‘વડનગર સંગ્રહાલય’ની વહીવટી જવાબદારી નિભાવશે એ તે સમયે નક્કી નહોતું. એટલે સંગ્રહાલય માટે એક નહીં બે ટેલિફોન કનેક્શનની અરજી કરવામાં આવી. ટેલિફોન જોડાણ મેળવવા એ સમયે દુર્લભ જ હતા પણ આ તો સરકારના જ બે જુદા – જુદા વિભાગોમાંથી આવેલી અરજી એટલે એક નહીં, માંગે એટલા ફોનની મંજૂરી મળી જાય. મળી ગયા – એક નહીં બબ્બે ફોન. વખત જતા તો નહીં પણ સંગ્રહાલયના ઉદઘાટન પછીના થોડા જ સમયમાં ગાંધીનગરથી આવેલા ખાતાકીય વડા સાહેબના ધ્યાન પર આવ્યું કે અહીં માત્ર એક જ ટેલિફોન જોડાણની જરૂર છે.

મ્યૂઝિઅમના ગાર્ડિઅન અને ગાઇડ
શું કરવાનું હવે? હુકમ થયો કે એક ટેલિફોન કનેક્શન પાછું આપી દો. આપી દીધું. ખાતાકીય ધોરણે સરકારી રાહે પત્ર લખીને જાણ કરી હતી કે કેમ તે હાલમાં સંગ્રહાલયનું સંચાલન સંભાળતા ગાર્ડિઅન / ગાઇડને ખબર નથી. કેમ કે જે-તે સમયે અને આજે પણ સાહેબ વર્ગ વડોદરા અથવા ગાંધીનગરમાં બેસે છે અને મહિને એક જ વાર અડધો કલાક માટે મ્યૂઝિઅમની મુલાકાતે આવે છે. એ ઘડી ને આજનો દહાડો...મ્યૂઝિઅમના દરબાર રોડના સરનામે ટેલિફોન નંબર (02761) 223 847 નું બિલ આવવાનું ચાલુ છે. રકમ છે માત્ર રૂપિયા છ. ગાર્ડિઅન / ગાઇડ નરેન્દ્ર હરિભાઈ પરમાર અને નગીનભાઈ અમથાભાઈ ધોબીને આજ દિન સુધી એવું યાદ નથી આવતું કે કદીકને કોઈ બી.એસ.એન.એલ વાળો જણ આ રકમની ઉઘરાણી કરવા આવ્યો હોય. ‘ટેલિફોનનું ડબલું તો અમે કે ’દિનું માળિયે ચઢાવી દીધું છે’ એમ કહી એક કબાટ તરફ આંગળી ચીંધીને બન્નેએ મારી સામે જોયું.

મને કહે સરકારી સંસ્થા હોવાથી નિયમ મુજબ દર મહિને આવતું ટેલિફોન બિલ અમે ગાંધીનગર મોકલી આપીએ છીએ. ત્યાંથી શું કાર્યવાહી થતી હશે એની અમને જાણ નથી. સાહેબો એમ કહે છે કે ઉપરોક્ત ટેલિફોન જોડાણને રદ ગણી બિલ નહીં મોકલવા અને ટેલિફોન ઇન્સ્ટ્રુમન્ટ્ જમા લેવા એકથી વધુ વખત સરકારી રાહે જાણ કરી છે. એનો મતલબ એ થયો કે સરકારનો જ એક વિભાગ તેના જેવી બીજી સરકારી કચેરીની વાત કાન દઇને સાંભળતો નથી કે પત્ર વાંચીને કાર્યવાહી પણ નથી કરતો અને નિયમિતપણે છ રૂપિયાની બિલ ઉઘરાણી ચાલુ રાખે છે. એમ કરવા માટે ટેલિફોન વિભાગને દર મહિને સહેજે પંદર-વીસ રૂપિયાનો તો ખર્ચ થતો હશે. કેમ કે દાયકા અગાઉ નિગમરૂપે બી.એસ.એન.એલ પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ વિભાગથી અલગ થયું તે પછી પોસ્ટ ખાતું ટેલિફોન બિલ વહેંચણી કરવાના રૂપિયા વસૂલે છે. જાણીતી કહેતી મુજબ ‘ખાતર ઉપર દિવેલ’ નાંખવાનો આ શિરસ્તો ક્યાં સુધી ચાલુ રહેશે તેની કોઇને ખબર નથી.

એટલે સરકાર કે તેનો કોઈ એક વિભાગ આવક – જાવકના ગમે તેટલા (સાહેબોને ગમે એવા પણ) અંદાજો બાંધે. એમાં આવા વણજોઇતા, ખાતર ઉપર દિવેલ ગણાય એવા ખર્ચાઓનો કોઈ હિસાબ રહેતો નથી કે કોઈ કરતું પણ નથી.

આટલું વાંચ્યા પછી તમે કહેશો ‘ભઈસાબ મ્યૂઝિઅમ વિશે તો બે શબ્દ પાડવા તા’...તો મારું તમને કહેવું છે કે વર્તમાન વડાપ્રધાનનું વતન છે. ભૂતપૂર્વ થઈ જશે તો ય વતન તો વતન જ રહેવાનું છે. એ કંઈ થોડું બદલાવાનું છે. મ્યૂઝિઅમની અગાસી અદભૂત છે. તેના એક છેડેથી નરેન્દ્ર દામોદરદાસ મોદી / Narendra Modi જે સ્કૂલમાં પ્રાથમિક કક્ષાએ ભણ્યા તેનું પટાંગણ દેખાય છે તો પૂરા નગરનું દર્શન પણ અહીંથી જ થાય છે કેમ કે વડનગર / Vadnagar નામના ગામની આજની તારીખે આ સૌથી ઊંચી ઇમારત છે.


(તસવીરો : બિનીત મોદી)

Sunday, September 15, 2013

તસવીર ભૂલી ના ભુલાય : આઈઆઈએમના આંગણે આરામ


ફોટોગ્રાફી મારો મૂળ શોખ છે. એ મૂળમાં ભળેલા સ્વભાવગત લક્ષણો અને પત્રકારત્વ, પ્રચાર સામગ્રી લેખન (કોપીરાઇટીંગ – વ્યવસાયી લેખન)ના વ્યવસાયી કામને કારણે રખડપટ્ટી રોજિંદી બાબત બની ગઈ છે. હરતાંફરતાં કૅમેરા સાથે કામ પાર પાડતો રહ્યો છું.

એમ કરતા જે તસવીરો લીધી તેને અહીં ‘હરતાંફરતાં’ પર રજૂ કરવાની નેમ છે. એવી તસવીરો કે જેની આગળ-પાછળની ઘટના વિશે મારે કંઈ કહેવાનું હોય. એ સિવાય આને તમે મારી ‘ડાફોળિયા મારવા’ નામની પ્રવૃત્તિની બાયપ્રોડક્ટ પણ ગણી શકો. એ બાયપ્રોડક્ટને કારણે જે કંઈ જોવા મળ્યું હોય તેને રજૂ કરવાની અને સાથે સાથે જે અનુભવ્યું હોય તેનું આલેખન કરવાની ઇચ્છા માત્રથી આ તસવીરકથા માંડી છે. આ એવી તસવીરો છે જેને હું ભૂલી શકતો નથી. પ્રિન્ટમાં કે સ્ક્રીન પર જોયા વગર તેની ફ્રેમ યાદ કરી શકું. આવી તસવીરો મેળવનારો કે તે પાછળના અનુભવો આલેખનારો હું એકલો, પહેલો કે છેલ્લો નથી એવી પાકી સમજણ સાથે તેને જાહેર માધ્યમમાં મુકવી જોઇએ એવા વિચારનું પરિણામ એટલે આ.....આપના પ્રતિભાવો કમેન્ટ બોક્ષમાં આવકાર્ય.....
-     બિનીત મોદી

તસવીર ભૂલી ના ભુલાય : IIMના આંગણે આરામ

ડ્રાઇવરનો આરામ : ડિરેક્ટરની દેખરેખમાં (*)

અમદાવાદના વસ્ત્રાપુર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટના જૂના કેમ્પસ પર હરતાંફરતાં આ ફોટો મેં 21 જૂન 2008ની બપોરે પાડ્યો હતો. વિદ્યાર્થીઓની પાંખી અવરજવર ધરાવતા આ કેમ્પસમાં પોસ્ટઑફિસ અને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની બ્રાન્ચ આવેલી છે. એટલે આ ઑફિસોનું જેમને કામ પડે તેમની અવરજવર બોનસમાં ગણાય. આઈઆઈએમમાં અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ (પ્રોફેશનલ પોસ્ટ-ગ્રૅજ્યુએટ્સ – PGPX Students) ને તેમના સંશોધનના ભાગરૂપે ભાષાંતરકારની જરૂર પડે ત્યારે ટ્રાન્સલેશનના કામ માટે વ્યવસાયી રીતે મદદરૂપ થવાનું વખતોવખત બન્યું છે. હજીયે બને છે. એ બપોરે હું આ કેમ્પસ પર કેમ ગયો હતો એ આજે યાદ નથી. શક્ય છે પોસ્ટઑફિસ કે બૅન્કના કામસર પણ ગયો હોઉં.

એન્ટ્રન્સ ગેટ પર સિક્યૉરિટી માટે જરૂરી નોંધણી કરાવી સ્કૂટર પાર્ક કરીને ઇન્સ્ટિટ્યૂટના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા દાદરા નજીક પહોંચ્યો ત્યારે આ ડ્રાઇવર મહાશયને આમ આરામ ફરમાવતા જોયા. મને થયું ફોટો બને છે. પાડવો જોઇએ. પાડ્યો.


ફોટો પાડવાની પ્રક્રિયારૂપ જે કંઈ સ્વાભાવિક ગણાય એવી વ્યસ્તતા વચ્ચે કૅમેરાના વ્યૂ-ફાઇન્ડરમાંથી મેં જોયું કે કારની પાછળ દેખાતો દાદરો કોઈ ઉતરી રહ્યું છે. જલદીથી ફોટો પાડી લઇને કૅમેરાને પાછો ઑફિસબેગના હવાલે કરી દેવો જોઇએ એવી ગડમથલ પણ મનમાં ચાલી. દાદરો ઉતરનારનો ચહેરો ઝાડને કારણે જોઈ શકાતો નહોતો. એ વ્યક્તિ છેલ્લા પગથિયાની નજીક પહોંચવામાં હતી ત્યારે ઓળખ સ્પષ્ટ થઈ. એ વ્યક્તિ પ્રોફેસર ડૉ. સમીર કુમાર બરૂઆ / Samir Kumar Barua હતા – આઈઆઈએમ અમદાવાદના ડિરેક્ટર. દૂર રહ્યે તેમને એટલો તો ખ્યાલ આવી ગયો કે કોઈ તેમનો ફોટો લઈ રહ્યું છે. (વિશ્વભરમાં જેની ખ્યાતિ ફેલાયેલી છે તે દેશની નામાંકિત શૈક્ષણિક સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટના / Indian Institute of Management, Ahmedabad / http://www.iimahd.ernet.in/ નિદેશક પદ સુધી પહોંચેલી વ્યક્તિને આટલો તો ખ્યાલ આવી જ જાય ને!)

ડૉ. સમીર કુમાર બરૂઆ
ફોટો પાડ્યા પછી હું મારા નિશ્ચિત કરેલા કામને બદલે કોઈ વિપરીત દિશામાં જ ઝડપભેર સરકી ગયો. કેમ્પસના સર્વોચ્ચ સત્તાધીશ અને એ રીતે જાહેર ઓળખ ધરાવતી વ્યક્તિનો ફોટો પાડવો એ કંઈ ગુનો નહોતો પણ કૅમેરાની ફ્રેમ જોઇને તો તેઓ પારખી શકે એમ હતા કે મેં કેવો ફોટો લીધો છે. જો એમ થાય તો તેઓ ફોટો ડિલીટ પણ કરાવી શકે. એવું કંઈ ન પણ થાય...પણ મને એવો ડર પેસી ગયો હતો એ વાત નક્કી એટલે ઝડપથી હું સ્થળ પરથી પોબારા ગણી ગયો. કેમ કે સામે સર્વોચ્ચ સત્તાસ્થાને બેઠેલી (અને અત્યારે ઊભી રહેલી) વ્યક્તિ હતી.

એ પછી આ ડ્રાઇવરનું કે તેની ગાડીનું શું થયું એ ખબર નથી. જાણવાનો પ્રયત્ન પણ મેં કર્યો નથી. થોડા સમય પછી ફરી આઈઆઈએમ કેમ્પસ પર ગયો ત્યારે કાર સાથે પ્રવેશનાર માટે નિયમ આવી ગયો હતો કે તેમણે પોતાનું વાહન લઈને પાર્કિંગ સુધી જ જવું...તસવીરમાં દેખાતા દાદરા સુધી નહીં. વૃધ્ધ, અશક્ત કે અપંગ વ્યક્તિ માટે આ નિયમમાં છૂટછાટ હતી. આ તસવીરને કારણે નિયમ બન્યો એવો મારો કોઈ દાવો નથી. એવો દાવો થઈ શકે પણ નહીં. હા, આ નિયમનો અમલ આજે પણ જેમનો તેમ ચાલુ છે.

‘ફ્રેમ ગોઠવતો હતો’.....‘કમ્પોઝિશન સેટ કરતો હતો’ અને ‘ત્યાંજ આવી સુંદર તસવીર મળી’ એવો દાવો પણ મારાથી થઈ શકે તેમ નથી. એવો દાવો કરવા માટે મસમોટો એસએલઆર કૅમેરો જોઇએ અને ઝૂમ લેન્સના લટકણિયા જોઇએ જે મારી પાસે નથી.

આઈઆઈએમ - અમદાવાદ / IIM - Ahmedabad
આ ફોટો જ્યારે જ્યારે જોઉં છું ત્યારે મને આજનો (આ લખું છું ત્યારે 2013નો) આધુનિક...નવા જમાનાનો ડ્રાઇવર યાદ આવે છે. એ હવે આ રીતે આરામ નથી કરતો. એ તો તેની ડ્રાઇવર સીટને રિક્લાઈન કરે, ગાડી અને કાર એરકંડિશનર બન્ને ચાલુ કરે, ચારેય દરવાજા બંધ કરે અને એયને ટેસથી ઊંઘી જાય છે. પેટ્રોલ – ડીઝલનો અને સાથે-સાથે રૂપિયાનો ધુમાડો થાય તેની તેને ચિંતા નથી. કેમ કે એ ચિંતા કારમાલિકને હવાલે છે અને તેને ખબર છે કે એવી ચિંતા કરવા વાળા જ તો આઈઆઈએમમાં ભણી-ગણીને તૈયાર થાય છે.

ડ્રાઇવર આધુનિક થાય અને માલિક મહાશય પછાત...જ્યાંના ત્યાં રહી જાય એ તો કેમ ચાલે? બળતણનો બગાડ પામી ગયેલા કાર માલિકોએ હવે પાર્કિંગ લૉટ માટે નવો નિયમ લાગુ પાડ્યો છે તે આ. ડ્રાઇવર મહાશયે કાર પાર્કિંગ કર્યા પછી કારમાં નહીં બેસી રહેવાનું. એવું કરે ત્યારે પેટ્રોલ – ડીઝલની ટાંકી જલદી ખાલી થાય ને. એમણે તેમના માટે અલગથી વ્યવસ્થા કરાયેલી – નક્કી કરેલી જગ્યાએ બેસવાનું અને બેઠાબેઠ જ આરામ ફરમાવવાનો.

મને મારી કારકિર્દીના પ્રારંભિક વર્ષો દરમિયાન કરેલી એક નોકરી યાદ આવે છે. કંપનીના માલિકે છાપામાં જાહેરાત આપી હતી કે ‘કાર ડ્રાઇવર-કમ-ક્લાર્ક જોઇએ છે’. મેં પૂછ્યું હતું કે આમ કેમ? તો કહે ‘ગાડી તો સવાર-સાંજ થઈને પંદર-વીસ મિનિટ જ ચલાવવાની હોય છે. બાકીનો સમય એણે કરવાનું શું? મારું મોં જોઇને બેસી રહે તેના કરતાં ચોપડા ચીતરે એ સારું ને?

જવાબમાં ‘હા’ પાડ્યા સિવાય મારો છૂટકો નહોતો.


(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી / એ સિવાયની નેટ ઇમિજસનો અહીં માત્ર પ્રતિકાત્મક ઉપયોગ)


આ અગાઉની પ્રથમ તસવીર કથા ‘કૉંગ્રેસ કાર્યાલય અને કૂતરો’ વાંચવા માટે આ રહી લિન્ક – http://www.binitmodi.blogspot.in/2013/08/blog-post_31.html

Saturday, August 31, 2013

તસવીર ભૂલી ના ભુલાય : કૉંગ્રેસ કાર્યાલય અને કૂતરો


ફોટોગ્રાફી મારો મૂળ શોખ છે. એ મૂળમાં ભળેલા સ્વભાવગત લક્ષણો અને પત્રકારત્વ, પ્રચાર સામગ્રી લેખન (કોપીરાઇટીંગ – વ્યવસાયી લેખન)ના વ્યવસાયી કામને કારણે રખડપટ્ટી રોજિંદી બાબત બની ગઈ છે. હરતાંફરતાં કૅમેરા સાથે કામ પાર પાડતો રહ્યો છું.

એમ કરતા જે તસવીરો લીધી તેને અહીં ‘હરતાંફરતાં’ પર રજૂ કરવાની નેમ છે. એવી તસવીરો કે જેની આગળ-પાછળની ઘટના વિશે મારે કંઈ કહેવાનું હોય. એ સિવાય આને તમે મારી ‘ડાફોળિયા મારવા’ નામની પ્રવૃત્તિની બાયપ્રોડક્ટ પણ ગણી શકો. એ બાયપ્રોડક્ટને કારણે જે કંઈ જોવા મળ્યું હોય તેને રજૂ કરવાની અને સાથે સાથે જે અનુભવ્યું હોય તેનું આલેખન કરવાની ઇચ્છા માત્રથી આ તસવીરકથા માંડી છે. આ એવી તસવીરો છે જેને હું ભૂલી શકતો નથી. પ્રિન્ટમાં કે સ્ક્રીન પર જોયા વગર તેની ફ્રેમ યાદ કરી શકું. આવી તસવીરો મેળવનારો કે તે પાછળના અનુભવો આલેખનારો હું એકલો, પહેલો કે છેલ્લો નથી એવી પાકી સમજણ સાથે તેને જાહેર માધ્યમમાં મુકવી જોઇએ એવા વિચારનું પરિણામ એટલે આ પ્રારંભ.....આપના પ્રતિભાવો કમેન્ટ બોક્ષમાં આવકાર્ય.....
-     બિનીત મોદી

તસવીર ભૂલી ના ભુલાય : કૉંગ્રેસ કાર્યાલય અને કૂતરો


કૉંગ્રેસ કાર્યાલયના આંગણે કૂતરો (*)
અમદાવાદના કોચરબ – પાલડી વિસ્તારમાં આવેલા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કાર્યાલયનો આ ફોટો વર્ષ 2004ના પ્રારંભના સમયનો છે. ‘રાજીવ ગાંધી ભવન’ તરીકે ઓળખાતા કાર્યાલયમાં કોઈ પણ સમયે છવાયેલો રહેતો હોય તેવા સન્નાટાનો આ ફોટો મેં અમદાવાદથી પ્રકાશિત થતા ‘આરપાર’ સાપ્તાહિક માટે કામ કરતા પ્રકાશન સંસ્થાની માલિકીના ડિજિટલ કૅમેરાથી પાડ્યો હતો.

રાજીવ ગાંધી ભવન
ફોટો શું પાડ્યો...ફોટામાં દેખાતા આ કૂતરાને માર પણ એટલો જ પડ્યો હતો. દાદરા પરથી પસાર થતા કોઈ કૉંગ્રેસી કાર્યકરને ખ્યાલ આવી ગયો કે મેં કૅમેરામાં આ કૂતરાનો ફોટો પાડ્યો છે એટલે એણે આ શ્વાનની બૂરી વલે કરી હતી.

‘આરપાર’ સાપ્તાહિકના ફોટો ફીચર વિભાગમાં આ તસવીર પ્રગટ થયાના થોડા વર્ષ પછી તે ‘અભિયાન’ સાપ્તાહિકના કવરપેજ પર પ્રસિધ્ધ થઈ હતી. બન્ને સાપ્તાહિકોના સંપાદન કાર્ય સાથે મિત્ર પ્રણવ અધ્યારૂ સહતંત્રીના હોદ્દા સાથે સંકળાયેલો હતો એમ યાદ કરવું ગમે છે.

આ ફોટો જ્યારે જ્યારે જોઉં છું ત્યારે કૂતરાને પડેલો માર જ યાદ આવે છે. કૂતરો તો બિચારો એક વાર માર ખાઈને છટકી ગયો. ગુજરાત કૉંગ્રેસનું નસીબ એટલું પાધરું નથી. ફોટો પાડ્યાના દસ વર્ષ પછી પણ રાજકીય માર ખાવાનું ચાલુ જ છે – 2013માં પણ.....



(* નિશાની વાળી તસવીર: બિનીત મોદી / એ સિવાયની નેટ ઇમિજસનો અહીં માત્ર પ્રતિકાત્મક ઉપયોગ)

Tuesday, December 25, 2012

પ્રફુલ દવે : ફેસબુક ફ્રેન્ડ બન્યા પહેલા.....



તેમણે ગાયેલા ગુજરાતી ગીતો અને તેમની ગાયકીના વખાણ – બન્ને લગોલગ સાંભળવાનું-વાંચવાનું થયું હતું. 1990ની આસપાસ અમદાવાદના / Ahmedabad નારણપુરા વિસ્તારમાં રહેતો હતો ત્યારે તેમને ગરબા ગાતા – ગવડાવતા સાંભળવા-જોવા એ એક લહાવો ગણાતું. નારણપુરા – ઉસ્માનપુરાના જંક્શન પર આવેલી પંચશીલ સોસાયટીમાં તેઓ નવરાત્રી દરમિયાન એક જ રાત ફાળવીને ગરબા ગવડાવવા આવતા ત્યારે તેમને સાંભળવા લોકો ટોળે વળતાં. 


મણિયારો ગાઈને લોકપ્રિયતાના સીમાડા વટાવી ગયેલા તેમના વિશે એકવાર એમ પણ વાંચવામાં આવ્યું કે – વ્યવસાયે ડૉક્ટર એવા પ્રફુલ દવેનો / Praful Dave ગીત – ગાયકીમાં સાથ લીધા વિના ગુજરાતી ફિલ્મોના નિર્માતા – દિગ્દર્શકો ફિલ્મ બનાવવાનું વિચારી પણ શકે તેમ નથી. ગુજરાતી ફિલ્મો / Gujarati Films માટે ગીતલેખન કરતા કવિઓ – ગીતકારોની ઇચ્છા હોય કે તેમના શબ્દોને પ્રફુલ દવેનો સ્વર મળે.....વગેરેવગેરે...

               
આવી કંઈક વાતો સાંભળી વાંચીને મને તેમને મળવાની ઇચ્છા થઈ આવી. ચોવીસ કલાકની તો ઠીક...ચેનલ શબ્દ જ ટેલિવિઝન માટે અસ્તિત્વમાં નહોતો એટલે તેમને ટીવી પર ક્યારેય જોયા નહોતા. છાપામાં ક્યાંય ફોટો પણ છપાયેલો નહોતો જોયો. ઓડિયો કેસેટના જેકેટ પર નામની સાથે ફોટો હોય તો હોય. આજે 2012માં લોકપ્રિયતાના માપદંડો ગણાય તેવા સાધનો માંહેનું કશું જ તેમની પાસે નહોતું અને તો ય પ્રફુલ દવે લોકપ્રિય હતા. મળવાની ઇચ્છા થઈ એટલે પાલડી ગામમાં આયોજિત એક કાર્યક્રમમાં પહોંચી ગયો. સમાજસેવાના સંદર્ભે એ દિશામાં કામ કરતા લોકોનું રામકથાકાર મોરારિબાપુના હસ્તે સન્માન થાય અને અંતે ગીત- સંગીતનો કાર્યક્રમ – ડાયરો હોય તેવું આયોજન હોવાનું આજે આછું-પાતળું યાદ છે.

આછું-પાતળું એટલા માટે કેમ કે એ ચોવીસ વર્ષ પહેલાની વાત છે. ડાયરો પૂરો થયે સ્ટેજ પાછળ પહોંચીને તેમની સાથે થોડી વાતો કરી. અપાર લોકપ્રિયતા-ચાહનાનો અંશ પણ તેમને અડ્યો નહોતો. ફોટો પાડવાની ઇચ્છા વ્યક્ત કરી તો, “ફોટાનું શું કરશો ભાઈ? એવી પ્રતિક્રિયા આપી. સ્ટેજના પડદા ઓથે ઊભા રહેવા વિનંતી કરી તો સહેજ પણ આનાકાની નહીં. માત્ર તેમણે એક જ વિનંતી કરી...ભાઈ, એક કોપી મને પણ આપજો.

ફોટો પડી ગયો. પ્રિન્ટ હાથમાં આવી. વધારાની એક કોપી તેમના માટે પણ કઢાવી.
એ પછીની વિગતો યાદ નથી પણ ફોટો આપવા માટે એક કાર્યક્રમમાં જ પહોંચી ગયો. રાજી થયા. ફોટાની મારી કોપી પાછળ લખ્યું ખુશ રહો – પ્રફુલ દવે. 25 ડિસેમ્બર 1988 અમદાવાદ’. તેમના ગીતોની એક કેસેટ અને વિઝિટીંગ કાર્ડ આપતા કહ્યું, “વડોદરા – ઇલોરાપાર્કમાં જ રહું છું. ક્યારેક આવો તો મળો.

એવો રૂ-બ-રૂ થવાનો અવસર આટલા વર્ષોમાં કદી આવ્યો નહીં. પણ હા, ફેસબુક પર રોજે-રોજ મળાય છે. હા, એ મારા ફેસબુક ફ્રેન્ડ તો છે જ – સક્રિય પણ છે.

Saturday, June 16, 2012

વાર્તા રે વાર્તા : વાંદરો, ડાયબીટિઝ અને ફાસ્ટિંગ શુગર


બ્લોગ લખવાની આ ટેક્નિકલ સુવિધા પૂરી પાડનાર, તેનો ઉપયોગ કરી લખનાર, વાંચનાર અને વાંચીને ટીકા-ટિપ્પણી કરનાર સુધીના સૌ કોઈ સ્વીકારશે કે આપણા પૂર્વજો વાંદરા / Monkey હતા અને આજના આપણા કેટલાક લક્ષણો તેને મળતા આવે છે. અરે લક્ષણો શું, રોગ પણ મળતા આવે છે.

દુનિયાભરના સઘળા સંશોધનો અમેરિકામાં જ થાય છે એ રીતે જાહેર થયેલા એક સંશોધન પ્રમાણે વાંદરાને પણ ડાયબીટિઝ / Diabetes થાય છે – જેનો પ્રકાર છે ટાઇપ ટુ. અમેરિકામાં પ્રાણી સંગ્રહાલયના વાંદરાને ગુજરાતીમાં મધુમેહ કહેતો આ ડાયબીટિઝ લાગુ ના પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે. એ માટે તેમને મોટા જૂથમાં જ રાખવામાં આવે એટલે તેઓ એક્ટિવ રહે. બાકી તેમને આપવામાં આવતો ખોરાક એટલો સ્વાદિષ્ટ હોય કે ડાયબીટિઝ થઈને જ રહે. ગર્ભવતી વાંદરીને ડાયબીટિઝનું જોખમ વધુ રહે છે. પ્રેગ્નન્ટ વાંદરી એટલી માત્રામાં તાણ અનુભવે કે ઇન્સ્યૂલિન વાપરતી તેની આંતરિક સિસ્ટમ ખોરવાઈ જાય અને સરવાળે શુગર વધતી રહે.

આફ્રિકન કે આપણા એશિયન વાંદરાઓની કરમ કઠણાઈ જરા જુદી છે. તેમનામાં ખુદનું પ્રતિબિંબ જોવાને ટેવાયેલા પ્રવાસીઓ કે વાંદરાને ખવડાવીને દાન-પૂણ્ય કમાઈ લેવા માંગતા યાત્રાળુઓ તેમને નાસ્તામાં એટલા ફળફળાદિ ધરે કે પેલો ખાઈને અધમૂઓ થઈ જાય, એનું શુગર લેવલ વધી જાય. બિસ્કિટ – ખારીશીંગ ઝાપટી જતા હોય એ જુદું.

હવે સાથે-સાથે એમ પણ વિચારો કે આ વાંદરાઓ ક્યારેક માંદા પણ પડતા હશે ને? અથવા માંદગી ઢૂંકડી ન આવે તેની દરકાર રાખતા હશે. જો કે વાંદરાને કદી માણસોની તો ઠીક પશુઓ માટેની ખાસ હોય તેવી હોસ્પિટલમાં પણ સારવાર માટે દાખલ થયેલો જોયો નથી. પણ મેં જોયો હોં ! ક્યાં? હોસ્પિટલમાં દાખલ થયેલો વાંદરો? ના...બાબા...ના...માંદગી પોતાની નજીક જ ના આવે એની દરકાર રાખતો – કાળજી લેતો વાંદરો. લો આપ પણ જુઓ.....
ડાયબીટિઝ ચેક ના કરાવે ત્યાં સુધી તારી સાથે કીટ્ટા
આ જો ને શરીર વધાર્યું છે...

આચર...કુચર...ખા...ખા...
આચર – કુચર ખાઈને તગડા થયેલા, દિવસભર ભટકતા રહેતા અને રાત પડ્યે ઝાડ પર આડા થઈને ઘોરતા રહેતા આપણા વાંદરાભાઈથી તેની પત્ની એવી વાંદરી નારાજ છે. દિવસભર એને ટોક્યા કરે છે કેઆમ શું આખો દિવસ ભટક્યા કરો છો. આ જો શરીર વઘાર્યું છે. જાવ જને ડાયબીટિઝ ચેક કરાવી આવો. માંદા પડશો તો છે કોઈ કરવા વાળું? મારા માટે નહીં તો આપણા છૈયાં-છોકરા માટે થઈને તો તબિયત જાળવો. કાલે સવારે મારે તમારો ડાયબીટિઝ ચેક થયેલો જોઇએ. બન્ને – ફાસ્ટિંગ અને જમ્યા પછી બે કલાકે ચેક થતો હોય એ પણ.


આ છોકરા સામું જુઓ,

એના માટે ચેક કરાવો.....ડાયબીટિઝ...
રોજે રોજ કંઈને કંઈ બહાને બ્લડ – યુરીન શુગર ચેક કરાવવાનું ટાળતો વાંદરો આજે એ માટે તૈયાર થઈ ગયો. કારણ કે પેથોલોજી લેબોરેટરી દ્વારા સ્પેશિયલ સ્કીમ જાહેર કરવામાં આવી હતી. એનો લાભ લેવા એ વહેલી સવારે જઈને ભૂખ્યા પેટે બ્લડ – યુરીનના નમૂના પેથોલોજી લેબ પર આપી આવ્યો.
પેટ્રોલના ભાવ...ઓહ...ઘરે નથી જવું....
...જમ્યા પછી બે કલાકે નમુના
આપવાના...ત્યાં સુધી...
જમ્યા પછી બે કલાકે આપવાના થતા બ્લડ – યુરીનના નમૂના માટે ભાવતાં ભોજન આરોગવા આમ તો તેને ઘરે જવું હતું પણ પેટ્રોલના ભાવ વધી ગયા પછી એમ કરવું તેને પોસાય તેમ નહોતું. એટલે તેણે લેબોરેટરી બેઠાં જ ભોજન પતાવી દીધું. સાદું ભોજન અને ઉચ્ચ વિચારની ફિલસૂફીમાં માનતા વાંદરાએ માત્ર બિસ્કિટથી જ ભોજન આટોપી લીધું અને બે કલાક થતા નમૂના પણ આપી દીધા.
...અહીં જ ક્યાંક આરામ કરી લેવા દે.....

તમને આ બધું સાચું નથી લાગતું? ના માનશો, તમારી મરજી છે. બાકી આપણો આ વાંદરો તો તેનો ડાયબીટિઝનો બ્લડ – યુરીન રિપોર્ટ લેવા પણ પહોંચી ગયો છે. હજીય નથી માનતા?

મારો ડાયબીટિઝનો રિપૉર્ટ નોર્મલ આવે તો સારું.....
ના માનશો. ફોટો જોશો પછી તો માનશો ને? તો પછી માની જાઓ કે આ જ આપણો પૂર્વજ છે. એ બિચારો ફેમિલી ટ્રી કે વંશાવળી તો ક્યાંથી લાવીને બતાવવાનો હતો. હા, થોડી રાહ જુઓ. એવા દિવસો પણ આવશે અને વાંદરો તમારી નજીક આવીને કાનમાં બોલશે કેહું તારો પરભવનો પિતરાઈ છું.


તસવીરો : બિનીત મોદી