પ્રતિભાવો ઉર્ફે Comments

Showing posts with label સફાઈ કર્મચારી. Show all posts
Showing posts with label સફાઈ કર્મચારી. Show all posts

Friday, July 05, 2013

પગાર ત્રણસો રૂપરડી, પાટુ પડ્યું રૂપિયા ત્રણ લાખનું


ચલણી નાણાંના મૂલ્ય સંદર્ભે આંતરરાષ્ટ્રીય ધોરણે સ્વીકારાયેલા અમેરિકન ડૉલર / US Dollar સામે ભારતીય રૂપિયાનું / Indian Rupee સતત ધોવાણ થઈ રહ્યું છે એવા સમાચારોથી ગત જૂન મહિનો છવાયેલો રહ્યો. રૂપિયાના મૂલ્યમાં થતું ધોવાણ આડકતરી રીતે તો સૌ કોઈને લાગુ પડે છે પણ બહુમતી નાગરિકોને સીધેસીધી તેની સાથે કોઈ લેવાદેવા હોતી નથી.

હવે જેવા છે તેવા આ રૂપિયા જેના ખિસ્સામાં પડ્યા છે તેમના મૂલ્યોમાં કેવું અને કેટલું ધોવાણ થઈ રહ્યું છે તે આગળ વાંચતા થોડું ઘણું સમજાય એવું છે. રૂપિયાથી છલકાતા દરેક ખિસ્સાધારકને એક લાકડીએ હંકારી શકાતા નથી. એમ કરવું વાજબી પણ નથી. તોય એવું લાગે છે કે આ રીતે એકાદ શાબ્દિક ડફણું તો ફટકારવું જ રહ્યું.
જયંતિભાઈ હરિજન : સફાઈ કામદારની જિંદગી સાફ
ફોટામાં દેખાય છે તે ભાઈ નામે જયંતિભાઈ હરિજન / Jayantibhai Harijan સફાઈકામદાર / Sweeper છે. સાઇઠ વર્ષના છે એટલે આમ તો નિવૃત્ત સફાઈકામદાર એ રીતે ઉલ્લેખ કરવો જોઇએ. પરંતુ કોઈ-કોઈના સંજોગ, મોટે ભાગે ઘરની આર્થિક પરિસ્થિતિ એવી હોય કે નિવૃત્તિ એમ ઝટ નસીબ ના થાય. આમનું પણ એમ જ. નડિયાદ / Nadiad તાલુકાના પલાણા / Palana ગામે રહેતા જયંતિભાઈ પંચાયતની નોકરીમાં હતા ત્યારે ગામના શેરી – ફળિયાની સાફસફાઈ કરતા. નિવૃત્તિ પછી ગામની ભાગોળે આવેલી યુરોપ સોસાયટીમાં પણ એ જ કામ સ્વીકાર્યું. પગાર મહિને રૂપિયા બે હજાર. સોસાયટી બીનનિવાસી ભારતીયો તરીકે ઓળખાતા એનઆરઆઈ / Non Resident Indian પટેલ નાગરિકોથી ભરી-ભાદરી. આ બે હજારના પગારની તેમને મન મોટી વિસાત ન હોય. પરદેશ જેવી ચોખ્ખાઈ અહીં ઘરઆંગણે મળતી હોય તો એમ જ સમજોને કે રોજનો એક રૂપિયો...સોરી...એક ડૉલર થયો. રૂપિયાનું ધોવાણ જ એવું કરી મૂક્યું છે કે એક ડૉલરમાં આખી સોસાયટીની ગંદકી ધોવાઈ જાય – ધોવાતી રહે.

જયંતિભાઈ અગાઉ નોકરીમાં હતા ત્યારે પલાણા ગામની સંચાવાળી ખડકીમાં સાફસફાઈની જવાબદારી સંભાળતા હતા. આજે એ જગ્યા તેમના કામની જવાબદારીમાં નથી આવતી. તો ય એક સદગૃહસ્થ નામે જતીનભાઈ પટેલના / Jatin Patel કહેવાથી તેમણે તેમની હદમાં ના આવતી હોય તે જગ્યાની સફાઈ કરવાનું પણ સ્વીકાર્યું. પગાર નક્કી થયો મહિને રૂપિયા ત્રણસો. કામ શરૂ. મજેથી જ ચાલતું હશે એમ માની લઇએ. થોડો સમય વીત્યો તે કામ સોંપનાર જતીનભાઈને પરદેશ જવાનું થયું. તેમણે જયંતિભાઈને સૂચના આપી કે હવે તમે ખડકીની જગ્યામાં સફાઈકામ ના કરશો. કેમ કે મહિનો થાય ને પગાર ચૂકવવાની તેમણે વહોરેલી સ્વૈચ્છિક જવાબદારી તેઓ અન્ય કોઈને ભળાવી શકે તેમ નહોતા.

ચાલો...જે થયું તે ઠીક જ થયું...આ ક્યાં કાયમી નોકરી હતી...’ એવું ઠાલું આશ્વાસન શહેરમાં રહીને લેવું હોય તો લઈ શકાય, પલાણા જેવા ગામમાં નહીં. વૈકલ્પિક કશું કામ મળી આવે અને બીજે દિવસથી પગાર ચાલુ થઈ જાય એવા વિકલ્પો નાના ગામમાં આમેય ઓછા હોય. જયંતિભાઈ માટે તો આ એક આર્થિક ફટકો જ હતો. અને બીજો એક મોટો ફટકો પડવાની તૈયારીમાં હતો.

23મી જૂન...રવિવારની સવાર રોજ જેવી જ ઉગી હતી. પણ જયંતિભાઈ માટે જુદી હતી. ખડકીમાં સફાઈકામ નથી થતું એવું જેના ધ્યાન પર આવ્યું તે રહેવાસી નામે રાકેશ પટેલે / Rakesh Patel જયંતિભાઈ સાથે ડાયલૉગની શરૂઆત કરી જે ‘હવે પગાર નથી મળતો’ એવું કહેતાની સાથે બીજી મિનિટે ગાળાગાળીમાં ફેરવાઈ ગયો. સત્તાવાર ફરિયાદમાં પણ જે શબ્દોનો લેખિત ઉલ્લેખ કરવાનું પ્રતિબંધિત છે કે ટાળવામાં આવે છે એવા જાતિવિષયક શબ્દો જાહેરમાં બોલાયા. ‘વાત આટલેથી પતી હોત તો ઠીક હતું’ એ તો મારું – તમારું – આપણું વિશફૂલ થિંકિંગ છે. એમ થવું જરૂરી થોડું છે. શાબ્દિક માર પછી રાકેશ પટેલે ગડદાપાટુનો માર શરૂ કર્યો. જયંતિભાઈ હરિજનને એવી તો લાતો મારી કે થાપાનો બૉલ સાંધામાંથી છૂટો પડી ગયો. આટલું વાંચીને કમકમા છૂટ્યા હોય તો થોડો પોરો ખાવ અને આગળ વાંચો.

‘મારામારી’ તો કહેવાય જ નહીં કેમ કે એ તો બન્ને પક્ષે સામસામી થયેલી હોય. આને તો ‘અત્યાચાર’ / Outrage જ કહેવો પડે. માર ખાઈને કણસતા જયંતિભાઈને ગામનો રિક્ષાવાળો ઇમ્તિયાઝ પઠાણ / Imtiyaz Pathan ઘરે મુકી ગયો અને ઘરવાળાએ તેમને નડિયાદ હૉસ્પિટલ ભેગા કર્યા. ડૉક્ટરે ઑપરેશન કરીને થાપાનો સાંધો – બૉલ બેસાડ્યો. ખાનગી હૉસ્પિટલમાં થયેલી સારવાર છ આંકડામાં પડી અને તે આંકડા આગળ ફરતા રહેવાના એવી જરૂરી નથી તેવી સ્પષ્ટતા કરવાનું મને આવશ્યક લાગે છે. સફાઈકામદાર ભાઈ જયંતિભાઈ હરિજન સમાજના કયા વર્ગમાંથી આવે છે તે લખવાની અહીં ભાગ્યે જ જરૂર છે.

હા...શાહ – પરીખ, દેસાઈ – દરબાર, મહેતા – મોદી કે પંડ્યા – પટેલ પરિવારના લોકો સાફસફાઈના આ કામમાં જોડાય અને પછી પણ અત્યાચાર / Outrage ચાલુ રહે તો પછી લખવું પડશે કે અત્યાચારનો ભોગ બનનાર સમાજના દલિતવર્ગમાંથી આવે છે કે શાહુકાર – પાટીદાર વર્ગમાંથી...?

ગુજરાતના જાહેર માધ્યમો જેને ‘પટેલ પાવર’ / Patel Power કહીને બહુ પોરસાવે છે – પાનો ચઢાવે છે – પોંખે પણ છે તે પટેલ પાવર આવો હોય? ભલે તે એકલ-દોકલ અને છૂટક હોય તો ય સમાજે તેની સામે ‘રેડ કાર્ડ’ / Red Card બતાવવું જરૂરી છે...જો ‘ગ્રીન કાર્ડ’ની / Green Card ચર્ચામાંથી સમય મળે તો. બાકી અત્યારે તો આ અત્યાચારની એન્ટ્રી ખેડા જિલ્લાના વસો / Vaso પોલીસ સ્ટેશનમાં પડી ગઈ છે. અને હા, ખાટલામાં પડેલા જયંતિભાઈ છ મહિના સુધી ઊભા થાય તેમ નથી. ઊભા થયા પછી કામ કરી શકે એવી શક્યતા નહિવત્ છે એટલે ખોટની ખતવણી બહુ લાંબી ચાલવાની છે એ નક્કી. ઘટના અને ફરિયાદ નોંધાયાના સાતમા દિવસે એફઆઈઆરમાં / FIR – First Information Report નોંધાયેલા તહોમતદારની ધરપકડ કરવા તપાસકર્તા પોલીસ અધિકારીને ફોન કરીને હુકમ આપતી વખતે ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણ / Makrand Chauhan ‘હું ય દલિત છું’ એમ કહી પોતાની ઓળખાણમાં ઉમેરો કરતા હોય ત્યારે આ ઘટનાની તપાસ લાંબી નહીં ચાલે અને ગુનેગારને જલદીથી સજા થશે એટલું આશ્વાસન લઈ શકાય એટલો આશાવાદ પ્રગટાવવો ખોટો નહીં.
(તસવીર
: બિનીત મોદી)

Monday, April 16, 2012

અમદાવાદની આજકાલ : જેકેટનો જુલમ વેઠતા સફાઈ કર્મચારીઓ


ધોળે દિવસે જેકેટનો જુલમ

સફાઈ કર્મચારી બહેને સાડી પર પહેરેલું ગ્લો સાઇન જેકેટ ચાર મહિના અગાઉ પહેલી વાર જોયું ત્યારે શિયાળાની સવાર હતી. તેને પહેરનારા સફાઈ કર્મચારી ભાઈએ વહેલી સવારની કડકડતી ઠંડીનો સામનો કરવા સ્વેટરની અવેજીમાં શર્ટ પર ચઢાવ્યું હશે એમ માની એક સવારે તેમની સાથે વાતોએ વળગ્યો. સમજાવ્યું કે આ જેકેટ તો રાત્રે કામ કરતા હો તો પહેરવાનું હોય છે જેથી રસ્તા પર વાહન ચલાવનાર તમારી હાજરીની નોંધ લઈ સલામત અંતર રાખીને વાહન ચલાવે. ઉદાહરણ આપતા એમ પણ કહ્યું કે સાંજ પડ્યે અમદાવાદની ટ્રાફિક પોલીસ પણ ચાર રસ્તે આ રીતે ગ્લો સાઇન જેકેટ પહેરીને જ ફરજ બજાવે છે.

રસ્તાની સફાઈનો તેમનો અને સ્કુટર સફાઈનો મારો રોજિંદો સમય એક જ. રોજ અમારી ચાર આંખો મળે એટલી ઓળખાણે જ કદાચ એ ભાઈએ મારી આટલી પણ વાત સાંભળી. પછી પોતે વાત માંડી. મને કહે
, તમે માનો છો એમ આ જેકેટ સ્વેટરની અવેજીમાં તો બિલકુલ નથી પહેર્યું. એ રીતે ચાલે તેમ પણ નથી એમ કહી એ કેટલું પાતળું છે તે બતાવ્યું. આ જેકેટ રાત્રે જ પહેરવાનું હોય છે તેની તેને પણ ખબર હતી જ. પછી કહે, મને ને તમને ખબર છે પણ અમારા જડભરતસાહેબોને આના ઉપયોગની ગતાગમ નથી એટલે ધોળે દિવસે આ જેકેટ પહેરવાનું ઠઠાડી દીધું છે – એ ય લેખિતમાં. ઠંડી ભાગવી તો દૂર રહી, આને કારણે ખુદના ગરમ કપડાં પણ પહેરી શકાતા નથી. એ પહેરીએ તો જેકેટ શરીર પર ના ચઢે, ટૂંકું પડે. આ દુ:ખ કોને કહીએ?

તેમનો સુપરવાઇઝર સાહેબ અઠવાડિયે એક-બે વાર મોટર સાઇકલ પર ફરતો-ફરતો સફાઈ કામ થઈ રહ્યાની દેખરેખ રાખે. એક વાર તેને મોંઢે આ વાત કરી તો કહે ઉપરથી સાહેબોનો હુકમ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગથી લઈ મેયર ઓફિસ સુધીના કેટલાક ફોન ખખડાવી જોયા. પરિણામ – શૂન્ય. એમ કરતા શિયાળો અને સમય બન્ને વીતી ગયા. ઉનાળો આવ્યો.

ફરીથી એ જ સીન. અમદાવાદની ગરમી કે ઉનાળા વિશે હું અહીં કંઈ લખું તો જ તેની તીવ્રતા અનુભવાય એવું તો છે નહીં. પણ શનિવારની સવારે (
14 એપ્રિલ – ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ) ઉપરના ફોટામાં છે એ સફાઈ કામદાર બહેનને / Street Sweeper સાડી પર જેકેટ સાથે જોયા ત્યારે ફરીથી ડાયલૉગ કર્યો. એ જ જવાબ – સાહેબો આ પહેરવાની ફરજ પાડે છે. મને દયા આવી ગઈ. એ બહેનની નહીં, તેમના જડસુ સાહેબોની અને તેમના બુદ્ધિઆંકની – જો હોય તો. કે જેઓ ઉનાળાના દિવસોમાં પણ આ જેકેટ પહેરવા સંબંધે નવેસરથી વિચાર કરીને નિર્ણય પર આવી શકતા નથી.
મુંબઈમાં પણ કોઈ જુદી કહાણી નથી

ગુજરાતના અન્ય શહેરોની તો ખબર નથી પણ અમદાવાદમાં સફાઈનું કામ કર્મચારીઓ દ્વારા દિવસે જ થાય છે. રાતના સમયે વાહનોની અવર-જવર ઓછી થયા પછી રસ્તા સફાઈ માટે ઑટોમેટીક સાધનોને કામે લગાવવામાં આવે ત્યારે મદદમાં રહેતા કર્મચારીને ગ્લો સાઇન જેકેટ પહેરાવાય છે. અન્ય વાહનોથી તેની સલામતી માટે એ જરૂરી છે. પણ દિવસે એ જેકેટ પહેરાવવામાં સાહેબોનો કયો અભરખો પૂરો થાય છે તેનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના / Ahmedabad Municipal Coporation ખર્ચે અને જોખમે જ સંશોધન કરવું રહ્યું. શક્ય છે એ માટે પરદેશનો પ્રવાસ પણ ખેડવો પડે.

અમદાવાદમાં / Ahmedabad કોઈ ટ્રાફિક કોન્સ્ટેબલને કે તેના સાહેબને દિવસે આ રીતે ગ્લો સાઇન જેકેટ પહેરીને ફરજ બજાવતો જોયો નથી કારણ કે તે પોલીસ છે, તેની પાસે સત્તા તો છે જ છે – બુદ્ધિ પણ છે. જ્યારે આ સફાઈ કર્મચારીઓ બાપડા-બિચારાની વ્યાખ્યામાં આવે છે. તેમને માત્ર ફરજ જ નિભાવવાની છે. અને સત્તા? એ તો આપણે 
તેમને આપી જ નથી. આપીએ તો આ નહીં તો આવતા ઉનાળા સુધીમાં તો તેને જેકેટ પહેરવામાંથી મુક્તિ મળે – ધોળે દિવસે.


પહેલી તસવીર (અમદાવાદની) : બિનીત મોદી
બીજી તસવીર (મુંબઈની) : નેટ પરથી