![]() |
| ચલ મેરી લુના |
શહેરમાં
હરતાં ફરતાં હજી આપણે પશ્ચિમ વિસ્તારમાં જ લટાર મારી છે. સાબરમતી / Sabarmati River નદીને
પેલે પાર પ્રવેશ થવો બાકી છે. એમ તો ‘રથયાત્રાના હાથીનું મેડિકલ ટુરીઝમ’ (2 જૂન) કે ‘વસંત– રજબનું શહીદી સ્થળ : સ્મારક હવે સમારકામ માગે છે...’ (2 જુલાઈ) જેવી
બે પોસ્ટના વિષય નદીપારના અમદાવાદના / Ahmedabad છે, પરંતુ તે પ્રસંગોપાત લખાયું છે. તો આજે નદી પાર કરી જ
દઇએ. આશ્રમ રોડ – નેહરૂબ્રીજથી પ્રવેશ કરીએ ને ઢાળ ઉતરીએ એટલે ત્રણ વિસ્તારો આવે. ખાનપુર, ભદ્ર
અને મિરઝાપુર.
આ મિરઝાપુર / Mirzapur એ એક
સમયે અમદાવાદનું ઓટો માર્કેટ હતું. આજે નથી રહ્યું પણ તેનો એ જમાનો વીતી ગયે પણ બહુ
વખત નથી થયો. તેની ચમક-દમક ગુમાવ્યે વધુમાં વધુ ગણીએ તો ય એક દાયકો પણ નથી થયો. આ ‘ચમક-દમક’ શબ્દ એટલા માટે કે અમદાવાદની આસપાસ કે ગુજરાતમાં કાર ઉત્પાદન
કરવાવાળી કંપનીઓ ઉતરી આવવાની છે એવા ઉડતા-ઉડતા આવેલા સમાચાર માત્રથી લોક અંજાઈ ગયું
છે. અરે, નવા નક્કોર
વાહનો વેચવાની બાબતમાં આ મિરઝાપુર વિસ્તાર પણ આંખને આંજી દે તેવો જ હતો. પોસ્ટના મથાળે
લખ્યા મુજબ મર્સિડીઝ /
Mercedes કાર સુધી પહોંચવાનું જ છે. પણ શરૂઆત કરીએ મોપેડથી.
![]() |
| આ આવડું અમથું મોપેડ અને વિરાટ શો-રૂમ |
દિનબાઈ
ટાવર– લકી રેસ્ટોરન્ટની સામે આવેલી આ જગ્યા જુઓ. બહારથી ડબલ હાઇટનું દેખાતું આ મકાન
(ખરેખર તો શો-રૂમ) અંદરથી પણ એટલી જ ઊંચાઈનું ઓપનિંગ ધરાવતું હતું કે ત્યાં ટાટા –
અશોક લેલન્ડની ટ્રક રાખી શકાય. જો કે ત્યાં ટ્રક નહીં પણ મોપેડ / Moped વેચાતું
હતું. બ્રાન્ડ નેમ – સુવેગા મોપેડ / Suvega Moped અને ડીલરનું નામ ‘લાખિઆ બ્રધર્સ’. કાળક્રમે આ જગ્યાએ વેચાતા વાહનનું બ્રાન્ડ નેમ બદલાયું હતું
પણ વાહનનો પ્રકાર તો એ જ રહ્યો હતો – મોપેડ. હા, છેલ્લે ત્યાં ‘લુના’ મોપેડ / Luna Moped વેચાતું હતું. ફોટામાં દેખાય છે તેમ આજે એ જગ્યાએ ‘બેન્ક ઓફ બરોડા’/ Bank of Baroda ની એક શાખાનું કામ ત્યાંથી ચાલે છે.
| લીંબુસોડા પહેલા લાલ ચટ્ટક... |
મિરઝાપુરમાં લાંબો પ્રવાસ ખેડવાનો છે. એટલે ભદ્રમાં એક થપ્પો મારીને પાછા ફરીએ.
અખંડઆનંદ આયુર્વેદિક કોલેજ સામેની ફૂટપાથ પર લીંબુસોડા વેચતી લારીની પાછળ ‘શટરબંધ’ થયેલી આ બે દુકાનોમાં ‘મહિન્દ્રા
એન્ડ મહિન્દ્રા’ કંપનીના
ટ્રેક્ટર / Tractor વેચાતા
હતા. સ્પોર્ટ્સ યુટિલિટિ વ્હીકલ (SUV) ઉત્પાદન ક્ષેત્રે આજે ‘મહિન્દ્રા’ / Mahindra and Mahindra કંપનીનું
નામ મોટું ગણાય છે. લાલ ચટ્ટક રંગના તેના સ્કોર્પિઓ, ઝાયલો કે એક્સ.યુ.વી 500 જેવા એસ.યુ.વી આજે ઓટો માર્કેટમાં
વખણાય છે. આ જગ્યાએ ખેતરમાં વપરાતા લાલ ચટ્ટક ટ્રેક્ટર વેચાતા હતા.
| ફિઆટ કાર પછી વારો આવ્યો પ્યુજો વેચવાનો |
ફરી પાછા
મિરઝાપુરમાં પ્રવેશીએ. જ્યાં અટક્યા હતા એ જગ્યાએથી જ આપણી આ વાહન વગરની યાત્રા શરૂ
કરીએ. દિનબાઈ ટાવરની /
Dinbai Tower બીજી તરફ અને લકી રેસ્ટોરન્ટ / Lucky Restaurant – સહયોગ
બિલ્ડીંગની / Sahyog Building પાછળ
આવેલી આ જગ્યાએ પ્રિમિઅર કંપનીની ‘ફિઆટ’ / Fiat Car કાર વેચાતી હતી. ડિલરનું નામ – અમદાવાદ મોટર્સ. ગુજરાતમાં કાર
ઉદ્યોગના આગમનથી હરખાઈ ગયેલા સૌ કોઈને યાદ અપાવવાનું કે ફિઆટ કારનું ઉત્પાદન કરતી કંપની
‘પ્રિમિઅર ઓટોમોબાઇલ્સ લિમિટેડ’ / Premier Automobiles Limited ના સ્થાપક શેઠ વાલચંદ
હિરાચંદ ગુજરાતી હતા. સમય જતાં માલિકી બદલાયા પછી પણ કંપની ગુજરાતીઓના સંચાલન હેઠળ
જ ચાલતી હતી જેમાં મુંબઈનો દોશી પરિવાર મુખ્ય ચાલકબળ હતો. ‘અમદાવાદ મોટર્સ’ની સામે અને દિનબાઈ ટાવરની પાછળ આવેલી
‘શ્રદ્ધા મોટર્સ’ હીરો હોન્ડા / Hero Honda મોટર સાઇકલની અમદાવાદ ખાતેની પહેલી
ડીલરશીપ હતી જે અગાઉ ‘યેઝદી’ / Yezdi Motor Cycle મોટર સાઇકલનું વેચાણ કરતી હતી.
![]() |
| રાજદૂત : જાનદાર સવારી, શાનદાર સવારી... |
આમેય આપણી પાસે વાહન નથી એટલે યાત્રામાં આગળ વધવાની ઉતાવળ ના કરો. હજી આપણે દિનબાઈ
ટાવર પાસે જ રહેવાનું છે. કાટખૂણે આવેલા આ ટાવરની ત્રીજી તરફ મર્દાના મોટર સાઇકલ તરીકે
ઓળખાતી ‘રાજદૂત’ / Rajdoot Motor Cycle વેચાતી
હતી. ડીલરનું નામ – સેતલવાડ બ્રધર્સ. ‘રાજદૂત’નું ઉત્પાદન કરતી કંપની એસ્કોર્ટ્સનું / Escorts જોડાણ
જાપાનની ‘યામાહા’ / Yamaha Motor
Cycle કંપની સાથે થતા એ નામની બાઇકનું વેચાણ ડીલર આ જ જગ્યાએથી કરતા
હતા.
| અહીં 'સ્ટાન્ડર્ડ'નો શો-રૂમ હતો.... |
સેતલવાડ
બ્રધર્સની સામેની તરફ આગળ જતાં આવતું આ મકાન આજે તૂટી ગયું છે અને તેની પાસે આજે એકદમ
‘સ્ટાન્ડર્ડ’ ગણાતી એવી મારૂતિ કાર પાર્ક થયેલી છે. જો કે એક જમાનામાં ખરેખર
અહીં ‘સ્ટાન્ડર્ડ’ / Standard બ્રાન્ડ
નેમ ધરાવતી કાર વેચાતી હતી. કિંમત અને આંતરિક સુવિધાઓની રીતે આધુનિક ગણાય તેવી ‘સ્ટાન્ડર્ડ 2000’ / Standard 2000 નામની મોડેલ કાર અહીં છેલ્લે વેચાવા
આવી હતી અને તેને શો-રૂમમાં જોઈ હતી એવું યાદ છે. ‘સ્ટાન્ડર્ડ’ના શો-રૂમની સામે એક ખૂણામાં માર્કેટમાં નવા-સવા આવેલા ‘હીરો મેજેસ્ટિક’ / Hero Majestic નામના મોપેડની ડીલરશીપ હતી જેણે એ જગ્યાએ લાંબો સમય કામકાજ નહોતું
ચલાવ્યું. થોડાક આગળ વધો એટલે આવે ‘જનસત્તા પ્રેસ’ / Jansatta
Daily તરીકે ઓળખાતો વિસ્તાર. તેની સામે આવેલા પેટ્રોલપંપની પાછળ પહેલા
ફિરોદિયા ગ્રૂપ કંપનીની /
Firodia બનાવેલી ‘મેટાડોર’ / Matador વેચાતી હતી, પાછળથી મેટાડોરની સાથે ટી.વી.એસ કંપનીના મોપેડ પણ વેચાતા
થયા હતા. આ જગ્યાએ વેચાવા આવેલા પહેલા મોપેડનું બ્રાન્ડ નેમ હતું ‘TVS 50’.
| 'બજાજ'નું વેચાણ કેન્દ્ર |
![]() |
મિરઝાપુર
કોર્ટ બિલ્ડીંગ પહેલા પેટ્રોલપંપની બાજુમાં આવેલી આ જગ્યાએ આજે ‘બજાજ’ની / Bajaj Auto Limited રીક્ષાઓ
સી.એન.જી માટે લાઇનમાં ઊભી છે. અગાઉ અહીં ‘બજાજ’ / Bajaj કંપનીના
સ્કૂટર વેચાતા હતા. ડીલરનું નામ ‘રણજીત ઓટોમોબાઇલ્સ’. બજાજનું
‘વાઇકિંગ’ મોડલનું સ્કૂટર કે જેમાં સૌ પ્રથમવાર ટર્ન સિગ્નલ (સાઇડ લાઇટ્સ) / Side Signals ફીટ કરાયા
હતા એ સ્કૂટર અમદાવાદમાં સૌ પહેલું આ જગ્યાએ બુકીંગ માટે મુકાયું હતું. હા, એ જમાનામાં
સ્કૂટરના બુકીંગ અને વેચાણ વચ્ચે પંદર વર્ષનો ગાળો રહેતો હતો. એથી પહેલા માલિક બનનારની
ગણતરી ‘નસીબદાર’માં થતી હતી – એ વ્યક્તિ રેશનાલિસ્ટ
હોય તો પણ.
![]() |
| આવવા - જવા માટે 'જાવા' |
હવે ‘જનસત્તા’ પ્રેસ / Jansatta Daily તરફ પાછા વળવાનું છે અને જવાનું છે ‘ગુજરાત સમાચાર’ પ્રેસ / Gujarat Samachar Daily તરફ. નવું સ્કૂટર ખરીદનારે અને તેને અમુક-તમુક
વર્ષો વાપર્યા પછી અચૂક મુલાકાત લેવી પડે તેવો વિસ્તાર એટલે આ જગ્યા. નવું સ્કૂટર ખરીદનારે
એક્સેસરિઝ માટે અહીં આવવું પડે તેમ એ જ સ્કૂટર જૂનું થાય એટલે લુહારીકામ – વેલ્ડિંગ
(ઝારણકામ) કે રંગકામ માટે પણ તેના વાપરનારે અહીં જ આવવું પડે. હા, ભલેને પછી તે વ્યક્તિ અમદાવાદના ગમે તે ખૂણે રહેતી હોય. જનસત્તા પ્રેસની સામે
મેટાડોર અને મોપેડ વેચાતા હતા તો ગુજરાત સમાચાર પ્રેસ સામે ‘જાવા’ / Jawa Motor Cycle મોટર સાઇકલ વેચાતી હતી. ‘જાવા’ની વિશેષતા એ હતી કે તેનું કીક સ્ટાર્ટર
વાહન ચાલુ થયા પછી ગિઅરમાં ફેરવાઈ જતું હતું. આ જ વિશેષતા ‘યેઝદી’ મોટર સાઇકલમાં હતી.
| મર્સિડીઝ પછી હવે ડૂકાટીની પાવરબાઇક અહીં મળશે |
![]() |
| સરકારી ગાડી : એમ્બેસેડર |
થાકી ગયા
હો તો કહી દેજો. બાકી યાત્રા હવે તેના અંતિમ મુકામ તરફ છે. ફરી પાછા નેહરૂબ્રીજ. ઢાળ
ઉતરતાં જ આવે રૂપાલી સિનેમા / Roopalee Cinema. ફિલમ જેમાંથી ગાયબ થઈ ગઈ છે એવી આ ઇમારત આજેય અડીખમ
ઊભી છે. તેની બાજુમાં છે ‘કામા મોટર્સ’ / Cama Motors. સરકારી
ગાડી તરીકે આજેય ઓળખાતી ‘એમ્બેસેડર’ / Ambassador કાર એક જમાનામાં અહીંથી વેચાતી હતી. થોડા વર્ષો અગાઉ
‘કામા’ પાસે લક્ઝરી કાર ગણાતી ‘મર્સિડીઝ
બેન્ઝ’ / Mercedes Benz ની ડીલરશીપ
હતી. હા, કાર વેચાણના
‘સરકારી’ અને ‘લક્ઝરી’ એવા બે અંતિમોની વચ્ચે તેણે ગુજરાત
સરકાર / Government of Gujarat માટે પણ
વાહન વેચાણનું કામ કર્યું હતું. ‘બજાજ’ સ્કૂટરની ચોમેર ફેલાયેલી જાહોજલાલી
વચ્ચે ગુજરાત સરકારની માલિકીના ‘ગિરનાર’ સ્કૂટરનું / Girnar Scooter બુકીંગ-કમ-વેચાણ
અહીંથી થતું હતું. ‘ગિરનાર’નું નામ બદલાઇને
‘નર્મદા’ / Narmada Prince Scooter થયું પણ ડીલરશીપ તો ‘કામા’ પાસે જ રહી.
| પહેલા અમીન ઓટો - હવે અમીન બજાજ |
“થાકી ગયા?”…અરે...એમ કેમ ચાલે. આ ‘ગિરનાર’ અને ‘નર્મદા’ નામના ‘સરકારી સ્કૂટર’નું ઉત્પાદન અમદાવાદમાં જ થતું હતું. ક્યાં? એમ કરો
તમે થોડો પોરો ખાઈ જ લો. હું પણ થાક ખાઈ લઉં. થોડું પેટ્રોલ ભરાવી લઉં. મળીએ છીએ.
વાહનોની તસવીરો : નેટ પરથી
અન્ય તસવીરો : બિનીત મોદી











