પ્રતિભાવો ઉર્ફે Comments

Showing posts with label ગુજરાતી લેખક. Show all posts
Showing posts with label ગુજરાતી લેખક. Show all posts

Tuesday, July 10, 2018

અમૃતલાલ વેગડ : નર્મદાયાત્રી માટે તારક મહેતાનું ઘર તીર્થાટન

અમૃતલાલ વેગડ / Amrutlal Vegad
3 ઑક્ટોબર 1928 થી 6 જુલાઈ 2018
જબલપુરથી જબલપુર


ભાષાના બંધનમાં જેને બાંધી શકાતી નથી એવી ચિત્રકળા અને નર્મદાકાંઠાની તીર્થયાત્રા કરતા હિન્દી ભાષામાં લખાયેલા સંસ્મરણોથી જાણીતા થયેલા અમૃતલાલ વેગડને / Amrutlal Vegad ગુજરાતે ખૂબ મોડા અને ગુજરાતી પુસ્તકો થકી જ ઓળખ્યા. હિન્દી ભાષાના અગ્રણી અખબાર સમૂહ દૈનિક ભાસ્કર / Dainik Bhaskar સમૂહના ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કરની / Divya Bhaskar ગુજરાતમાં શરૂઆત અને બુધવારની અઠવાડિક પૂર્તિમાં આવતી નદીયા ગહરી, નાવ પુરાની કોલમથી ગુજરાતી વાચકોને તેમનો પહેલો નહીં તોયે નવેસરથી પરિચય થયો એમ કહીએ તો ખોટું નહીં.

કચ્છનું કુંભારિયા ગામ તેમનું વતન. વડવાઓનું આ ગામ વાગડ પ્રદેશનો ભાગ હતું એટલે તેઓ વેગડ અટકથી ઓળખાયા. ગુજરાત સાથેનો તેમનો નાતો નવેસરથી જોડાયો પછી ગુજરાત – અમદાવાદની મુલાકાતો પણ યોજાતી રહી. આવી એક મુલાકાતમાં (વર્ષ 2004) દિવ્ય ભાસ્કર ઑફિસની મુલાકાત લેતા તત્કાલીન તંત્રી અજય ઉમટ / Ajay Umat સમક્ષ તેમણે ઇચ્છા વ્યક્ત કરી કે અમારે (અમૃતલાલ વેગડ અને કાન્તાબહેન વેગડ) તારક મહેતાને / Tarak Mehta મળવા જવું છે. શક્ય બનશે? તારકભાઈ પણ એ સમયે દિવ્ય ભાસ્કરના કોલમ લેખક હતા. એક ફોન, થોડી વાતચીત અને ટેક્ષીની વ્યવસ્થા સાથે અજય ઉમટે વેગડસાહેબની ઇચ્છા પૂરી કરવાનું પહેલું કદમ માંડ્યું. તારક મહેતાને અનુકૂળ એવા સાંજના સમયે મુલાકાત ગોઠવાઈ.

વેગડ દંપતી તારકભાઈના ઘરે પહોંચ્યા. થોડી વાતચીત થઈ અને ઇન્દુબહેને (શ્રીમતી તારક મહેતાએ / Indu Tarak Mehta) અમૃતલાલ વેગડ સામે ઘરનો ફોન ધર્યો. કહ્યું અજયભાઈ તમારી સાથે વાત કરવા માગે છે. અજય ઉમટે અમૃતલાલ વેગડેને જણાવ્યું કે, થોડી મિનિટો પહેલાના ન્યૂઝ ફ્લેશ જણાવે છે કે સૌંદર્યની નદી નર્મદા પુસ્તક માટે તમને કેન્દ્રિય સાહિત્ય અકાદમીનું સન્માન મળે છે. આ સમાચાર તમારી સાથે જ સૌ પહેલા વહેંચી રહ્યો છું અને તમે એ તારકભાઈ સાથે વહેંચો. વહેંચ્યા. તારકભાઈએ અભિનંદન પાઠવ્યા અને ઇન્દુબહેને મોં ગળ્યું કરાવ્યું. તારકભાઈને વેગડસાહેબે કહ્યું કે આપની સાથેની મુલાકાત તો યાદ રહેશે જ પણ મને આ સન્માનના સમાચાર તમારા ઘરમાં સાંભળવા મળ્યા હતા એ હંમેશા યાદ રહેશે.



કાન્તાબહેન વેગડ અને અમૃતલાલ વેગડ
આ ઘટના – પ્રસંગના થોડા વર્ષો પછી તેઓ ફરી અમદાવાદ આવ્યા
. સાથે કાન્તાબહેન હતા એમ લખવાની જરૂર ખરી? એ તો એમના કાયમના સાથી – સંગાથી હતા. ફરી એકવાર તારકભાઈની મુલાકાત. તેમની આ મુલાકાતથી માહિતગાર એવા હાસ્યલેખક રતિલાલ બોરીસાગર / Ratilal Borisagar અમૃતલાલ વેગડને મળવા તારકભાઈના ઘરે આવ્યા. એકમેકનો પરિચય, થોડી વાતચીત પછી રતિલાલ બોરીસાગરે તેમને પોતાની મુલાકાતનો મૂળ ઉદ્દેશ જણાવ્યો. કહ્યું કે રામચરિત માનસના કથાકાર મોરારીબાપુ / Morari Bapu ઇચ્છે છે કે આગામી અસ્મિતા પર્વમાં / Asmita Parv આપ આવો અને નર્મદાયાત્રાની વાતો ભાવકો – શ્રોતાઓ સમક્ષ મુકો. આમંત્રણનો સ્વીકાર કરતા વેગડસાહેબે પ્રતિભાવમાં કહ્યું કે તેઓ જરૂર એ આયોજનમાં સહભાગી થશે. નર્મદાયાત્રાના સંસ્મરણો તેમણે અનેક ઠેકાણે કહ્યા છે પરંતુ અસ્મિતા પર્વનું આ ઠેકાણુ, તલગાજરડા – મહુવા મુકામે યોજાતું સાહિત્ય પર્વ વિશેષ છે એની તેમને જાણ છે. તારકભાઈના ઘરે જ્યારે પણ આવે છે ત્યારે આવા સારા – વિશેષ સમાચાર મળતા રહે છે એનો આનંદ પણ વેગડકાકાએ વહેંચ્યો.

2015માં નવજીવન ટ્રસ્ટ – પ્રકાશન સંસ્થાની / Navajivan Trust મુલાકાતે અમદાવાદ આવ્યા એ તેમની છેલ્લી મુલાકાત બની રહી. નર્મદા યાત્રા પર તેમણે કરેલા ચિત્રોનું પ્રદર્શન અને એ નિમિત્તે તેઓ થોડી વાતો કરે અને પ્રશ્નોત્તરી પણ થાય એવો ઉપક્રમ હતો. અમદાવાદ આવ્યાનો એ કદાચ પહેલો – બીજો દિવસ હશે. વાચક તરીકે પરિચય આપીને વાંચવા ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરિષદમાં અરૂણા મહેતાના આયોજન થકી કૉફી મેટસ્ના / Coffee Mates ઉપક્રમે તેમના વક્તવ્યનો આ અગાઉ લાભ મળ્યો છે એવી સહજ વાત સાથે તારકભાઈના ઘરે મળ્યાનું સ્મરણ કરાવ્યું.

એમની આંખોમાં ચમક આવી ગઈ. કહે,
કાન્તા, યાદ છે ને આપણે તારકભાઈને મળ્યા વગર અમદાવાદ છોડવાનું નથી. હવે તેઓ ઘર બહાર નીકળી શકતા નથી એટલે પણ આપણે જવું જ જોઈએ. સાંભળતા થાય કે કેટલી સહજ ભાવના. કૃતનિશ્ચયી પણ ખરા. તેમની ઇચ્છાને અનુમોદન આપતા ઉપરોક્ત ઉપક્રમના આયોજક વિવેક દેસાઈએ (મેનેજીંગ ટ્રસ્ટી, નવજીવન ટ્રસ્ટ) કહ્યું કે હું તમને એમના ઘરે લઈ જઈશ. મને કહે, તમે સાથે આવશોને. તારકભાઈનું ઘર મારા માટે તીરથ સમાન છે. જ્યારે જઉં ત્યારે કંઈક સારા સમાચાર સાંભળવા મળે જ છે. મેં પૂછ્યું, વેગડકાકા આ વખતે તમને કયા સારા સમાચારની અપેક્ષા છે. કહે, હવે પગ કામ નથી કરી રહ્યા. છતાં નર્મદામૈયાની એક ટૂંકી યાત્રા કરવાની મનશા છે. મને ખાત્રી છે કે પ્રવાસના શોખીન તારકભાઈને મળવા માત્રથી નર્મદાના જળમાં ચરણ પખાળવા જઈ શકું એટલી શક્તિ તો આવશે જ.

નર્મદા પરિક્રમાની તસવીરોથી ખ્યાત તસવીરકાર જોગેશ ઠાકર પત્ની સાથે હાજર હતા. શિલ્પા અને વિવેક દેસાઈ તેમજ અપૂર્વ આશર અને બીજા મિત્રો તેમની આસપાસ હતા. ફરીથી ક્યારે અમદાવાદ આવશો? એવા પ્રશ્નના જવાબમાં અમૃતલાલ વેગડ કહે હવે એવી શક્તિ નથી રહી. એમ કરો તમે મિત્રો ભેગાં મળી જબલપુર આવો. આપણે વાતો કરીશું – નર્મદા યાત્રાની. તેમના – કાન્તાબહેનના આમંત્રણના શબ્દોમાં ભળેલો આત્મીયતાનો રણકો ભૂલાય એવો નથી...તેમના સાહિત્યની જેમ જ.

તસવીરો : બિનીત મોદી

Wednesday, March 08, 2017

તારક મહેતા : પોસ્ટકાર્ડના પરિચયથી પડોશી બનવા સુધી

[caption id="attachment_48443" align="aligncenter" width="225"] તારક મહેતા / Tarak Mehat 26-12-1929થી 01-03-2017[/caption]

“બીજો માળ, બાવીસ નંબર...તારક મહેતાને ત્યાં...”...આવું મેં લિફ્ટમેનને લિફ્ટમાં પ્રવેશતા કહ્યું.

“ભાઈ, તમે નિયમિત તારક સાહેબના ઘરે આવો છો એટલે હવે નંબર બોલવાની જરૂર નથી. મને યાદ છે.” આવું મને પેરેડાઇઝ અપાર્ટમૅન્ટની લિફ્ટની જવાબદારી સંભાળતા સોમભાઈએ કહ્યું. વર્ષ 1995. વીસ વર્ષ પછી.

*     *     *     *     *     *     *


2015માં પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ તારક મહેતાને ‘પદ્મ શ્રી’ સન્માન મળી રહ્યાની સત્તાવાર જાહેરાત થઈ. સમાચાર સાંભળીને સગાં – સંબંધી – વાચકો – ચાહકો એમ અનેકના શુભેચ્છા ફોન આવ્યા. દરેકને તેમણે સાંભળ્યા અને પ્રતિભાવ આપ્યો. એ જ પરંપરામાં અમેરિકા વસતા જમાઈ ચંદુ (કવિ ચંદ્રકાન્ત શાહ)નો પણ ફોન આવ્યો.

“દદ્દુ પદ્મ શ્રી સન્માન મેળવવા દિલ્હી જશોને?” એમ ચંદુભાઈએ પૂછ્યું.

“બિનીત અને શિલ્પા સાથે આવતા હશે તો જાડી સાથે જવાની હિંમત કરીશું.” તારકભાઈનો જવાબ.

તેમનો આ જવાબ સાંભળીને દીકરી – જમાઈ ઇશાનીબહેન – ચંદુભાઈએ અમેરિકા રહ્યે એર ટિકિટોનું બુકીંગ મેળવ્યું અને અમારી ટોળી પહોંચી દિલ્હી...રાષ્ટ્રપતિ ભવનના દરવાજે. અઠવાડિયું દિલ્હીમાં સાથે રહ્યા. દરબાર ભવનમાં આયોજિત થતા પદ્મ સન્માનના મુખ્ય કાર્યક્રમના સાક્ષી બન્યા, દિલ્હીમાં ફર્યા અને લેખકથી વિશેષ...મનગમતા માણસ સાથે રહીને અમે પતિ – પત્નીએ મઝા કરી.

પ્રિય લેખકને મનગમતા માણસ બનાવવાની આ શરૂઆત કેવી રીતે થઈ?

પાંચ વર્ષ અગાઉ 26 ડિસેમ્બર 2011ના રોજ ‘ભાઈ’બંધ બીરેન કોઠારીના બ્લોગ પૅલિટ / Palette પર તારકભાઈના 83મા જન્મદિન નિમિત્તે જે વિસ્તૃત પોસ્ટ લખી તેનું જ આ રી-રન ઉપરના બે ડાયલૉગ સાથે અને થોડા ફેરફાર સાથે રજૂ છે. પ્રારંભે કૌંસમાં બીરેન કોઠારીની ટૂંકી નોંધ છે.

(તારક મહેતા આપણા સૌના લોકલાડીલા હાસ્યલેખક તો છે જ, સાથેસાથે અમારા પ્રેમાળ વડીલ પણ ખરા. તેમના અમદાવાદ સ્થાયી થયા પછી તેમની સાથેની જે નિકટતા થઈ છે, એમાં ભૌગોલિક રીતે એમની સૌથી વધુ નજીક છે બિનીત મોદી. એ રીતે અમારી નિકટતાના પાયામાં બિનીત છે. તેથી જ આજે તારકકાકાના ૮૩ મા જન્મદિને બિનીત એમની સાથેનાં સંભારણાં તાજાં કરે એવો ઉપક્રમ રાખ્યો છે.)

*     *     *     *     *     *     *


ભણવા – ગણવાના દિવસોમાં દસમું ધોરણ મને બે રીતે ફળ્યું. 1985ના અનામત આંદોલનને લઈને પરીક્ષા લેવા સામે શરૂ થયેલો વિરોધ પાંચ-પંદર દિવસથી લંબાઈને પાંચ મહિના સુધી ચાલ્યો અને બોર્ડની પરીક્ષા પણ એટલી મોડી લેવાઈ. લાયબ્રેરીમાંના પુસ્તકોથી પૂરો થતો ઇતરવાંચનનો શોખ આ ગાળામાં થોડો આગળ વધ્યો અને છાપાં – મેગેઝિનો વાંચવાનું શરૂ થયું. યાત્રાધામ ડાકોર પાસેના ઠાસરામાં ત્યારે અમે રહેતા. છાપું તો ઘર આંગણે મળી રહેતું, પણ ‘ચિત્રલેખા’ જેવું પ્રસિધ્ધ સામયિક ડાકોરના બસ સ્ટેશન પરના બુક સ્ટોલ પરથી મંગાવવું પડતું. ‘ચિત્રલેખા’ / Chitralekha ની રાહ જોવાનું મુખ્ય આકર્ષણ હતું તારક મહેતાના ‘દુનિયાને ઊંધા ચશ્મા’ વાંચવાનું. ‘તારક મહેતા’ / Tarak Mehta ના નામ સાથેનો એ પહેલો પરિચય હતો.

 

દસમું ધોરણ પાસ કર્યા પછી આગળ ભણવા માટે અમદાવાદ આવવાનું થયું. એ પછી બારમા ધોરણમાં કે કોલેજના વર્ષો દરમિયાન ‘ચિત્રલેખા’ વાંચવાનું અનિયમિત થયું, પણ ‘ઊંધા ચશ્માં’વાંચવાનું ભાગ્યે જ ચૂકાય. આ લેખોમાં સમસામયિક રાજકીય – સામાજિક પાત્રો-પ્રસંગોનો ઉલ્લેખ હોય તેમ પોતાને થયેલા અનુભવોનું પણ વર્ણન હોય. તેમના લેખમાં રેલવે રિઝર્વેશનની બબાલ, પોળનું વર્ણન કે સગાં-સંબંધી-મિત્રોના નામોલ્લેખ વાંચીને એવું અનુમાન લગાવવું ગમતું કે તે અમદાવાદની મુલાકાતે આવ્યા હશે. ગમતા લેખોના આ પ્રિય બની ગયેલા લેખકને આ ગાળામાં જ પહેલો  પત્ર લખ્યો. ખરેખર તો એ પોસ્ટકાર્ડ હતું. એમાં આવડે એવી ભાષામાં મારી લાગણી વ્યક્ત કરી હતી.


એમનો જવાબ આવ્યો. મને એમાંનું લખાણ યાદ નથી, પણ એનાથી થયેલો રોમાંચ આજેય અનુભવી શકું એમ છું. એ પછી તો ‘ચિત્રલેખા’ના સરનામે કે મુંબઈનું ઘરનું સરનામું મેળવીને પત્રો લખવા શરૂ કર્યા. મોટેભાગે તો પોસ્ટકાર્ડ લખું અને લેખમાં શું ગમ્યું તે જણાવવા સાથે છેલ્લે લખું કે,‘હવે પછી જ્યારે પણ અમદાવાદ આવો ત્યારે મારે તમને મળવું છે. જાણ કરવા વિનંતી.’ દિવાળી કાર્ડ સહિતના દરેક પત્રનો તે નિયમિત જવાબ આપતા અને લખતા કે,‘અમદાવાદ વતન છે – અનેક સગાં-સંબંધીઓ રહે છે અને માતા-પિતાની આવી પડતી માંદગીના સંજોગોમાં તો અચાનક જ તેમને મળવા આવવાનું થાય છે. પત્રથી જાણ કરવી મુશ્કેલ છે – ફોન નંબર હોય તો જણાવશો, જેથી અમદાવાદ પહોંચીને તમને જણાવી શકું.’ આટલું લખીને તેમણે પોતાના નાનાભાઈ વાલ્મિક મહેતાના ઘરનો ફોન નંબર લખ્યો હતો, જેથી હું પણ ફોન કરી શકું. મારા ઘરે ફોન નહોતો એટલે એ દિવસોમાં તેમને મળવાની વાત માત્ર પત્રો પૂરતી જ મર્યાદિત રહી ગઈ.

જો કે, તેમને રૂબરૂ મળવાની મારી તીવ્ર ઇચ્છા દિવસો પસાર થતાં વધતી ચાલી. અત્યારે યાદ નથી પણ શક્ય છે મુંબઈ જઇને મળવાની તૈયારી પણ મેં મનોમન કરી હોય. તેમને પત્રો લખ્યા કે અમદાવાદમાં રજનીકુમાર પંડ્યાને મળ્યો તે પહેલાં (હાસ્યલેખક) વિનોદ ભટ્ટ / Vinod Bhatt ને તેમની ખાડિયા ચાર રસ્તા સ્થિત ટેક્ષ પ્રેક્ટીશનરની ઓફિસે મળવાનું બનેલું. એમણે એક સોના જેવી સલાહ આપી હતી કે મારે કોઈ પણ લેખકને મળતાં તેમને ‘કાકા’ના નામે સંબોધન કરવું. આ સલાહનો અમલ મેં શરૂ કરી દીધેલો. (એટલે તો ખબર પડી કે એ સોના જેવી છે.)

કોલેજમાં ભણવાના વર્ષો દરમિયાન જ રજનીકુમાર પંડ્યા / Rajnikumar Pandya સાથે સંપર્ક થયો હતો. તારકભાઈ સાથે એમની ગાઢ દોસ્તી હતી. તેમને મળવા માટે આતુર એવો હું એમને નિયમિત પત્રો લખું છું એ પણ રજનીકાકા જાણે. તેમની સાથે કામ કરવા માટે જોડાયા પછી એમણે પ્રોમિસ કર્યું કે જ્યારે પણ તારકભાઈ અમદાવાદ આવવાના હશે ત્યારે તું મળી શકું એવું ચોક્કસ ગોઠવીશું. તારકભાઈની ષષ્ટીપૂર્તિ ઉજવણી પ્રસંગે પ્રગટ થયેલા સુવેનિયરની એક કોપી મારા માટે મેળવવા તેમણે ઇન્દુબહેનને પત્ર લખ્યો. કોપી મારા ઘરના સરનામે કુરીયરથી આવી પણ ગઈ. બંદા રાજી – રાજી, પણ સો ટકા નહીં, કારણ રૂબરૂ મળવાનું હજી બાકી હતું. એ દિવસ પણ આવી ગયો.

રજનીકાકા સાથે રોજ-બ-રોજના કામ માટે જવાનું થતું હતું. એક દિવસ તે કહે, ‘તું જેમને મળવા માટે આતુર છે તે તારકભાઈને મળવા તારે હવે મુંબઈ પણ નહીં જવું પડે અને રાહ પણ નહીં જોવી પડે. પોતાનું ઘર ખરીદવાનું ફાઇનલ કરવા ઇન્દુબહેન આજે અમદાવાદમાં છે. તારકભાઈ હવે કાયમ માટે અમદાવાદ શિફ્ટ થાય છે, બહુ જલદી રહેવા પણ આવી જશે. તું રહે છે એ વસ્ત્રાપુરની આજુબાજુ જ બે-ત્રણ ફ્લેટ જોઈ એકાદનું ફાઇનલ કરશે. આ સાંભળીને મને કેવી લાગણી થઈ હશે એ કોઈ પણ વાચક-ચાહક સમજી શકશે.

મારા આ પ્રિય લેખક કાયમ માટે અમદાવાદ આવી જવાના? એનું કારણ? ખરેખર તો ‘ફિલ્મ્સ ડિવિઝન’ના સ્ક્રીપ્ટ રાઇટર તરીકે ક્લાસ વન ઓફિસર કેડરથી નિવૃત્ત થયા પછી મુંબઈ રહેવાનું એમને કોઈ કારણ રહ્યું નહોતું. આના વિષે તારકભાઈએ પોતાની આત્મકથા ‘એક્શન રિપ્લે’ / Action Replay માં પણ વિસ્તારપૂર્વક લખ્યું છે. એટલે એ વિગતો અહીં દોહરાવવાનું કોઈ કારણ નથી.

અમેરિકા સ્થિત પુત્રી ઇશાની ચંદ્ર શાહના જોડકાં સંતાનો –દોહિતરાં શૈલી અને કુશાન સાથે તારકભાઈ અમદાવાદ રહેવા આવી ગયા. જરા ગોઠવાયા એટલે રજનીકાકા મને મળવા લઈ ગયા. મારો પરિચય આપીને ઉમેર્યું, “મારું ઘણું બધું કામ એ ચોક્સાઈપૂર્વક સંભાળે છે. હું મણિનગરમાં, બીજા છેડે એ વસ્ત્રાપુરમાં અને તમે વચ્ચે આંબાવાડીમાં રહો છો એટલે આપણી વચ્ચે એ ધરી બની રહેશે.’ એમણે ઇન્દુબહેનને ખાસ કહ્યું કે,‘તમારે મારી કામકાજી કંઈ જરૂર પડે તો હું બિનીતને મોકલીશ. અરે, તમે એને કોઈ કામ સીધે-સીધું પણ ચીંધી શકો. એ રાજી થઇને કરશે. હવે તો એના ઘરે ફોન પણ છે.’આટલું કહીને રજનીકાકાએ મારી ઓળખ માટે મોરનું પીછું કહેવાય એવા શબ્દો વાપરતાં કહ્યું કે,‘હું ગાંધીજી નથી, પણ બિનીત મારો મહાદેવ દેસાઈ છે.’

[caption id="attachment_48433" align="alignleft" width="150"] રહે છે અહીં, વસે છે સૌના દિલમાં[/caption]

મારા આનંદનું તો પૂછવું જ શું? જેમને મળવા હું આટલો બધો આતુર હતો એ પ્રિય લેખક સાથે મુલાકાત થાય, એટલું જ નહીં, તેમને વારંવાર મળતા રહેવાનો મોકો મળશે એ જાણીને હું બહુ રાજી થઈ ગયો. તારકકાકાએ મને હીંચકા પર બેસાડીને પ્રેમપૂર્વક થોડી વિગતો મારા વિશે – મારા પરિવાર સંબંધે પૂછી. તેમના ઘર પાસેથી દિવસમાં બે વાર પસાર થવાનો સામાન્ય – આશરે કહી શકાય તેવો સમય જણાવીને મેં એમને ખાતરી આપી કે, ‘રજનીકાકાનું કે મારું કંઈ પણ કામ હોય તો ફોન કરી ચોક્કસ યાદ કરજો. હું આવી જઇશ.’ ઇન્દુમાસીએ એથીય એક પગલું આગળ વધીને કહ્યું, ‘તમે એવી રાહ ન જોતા. ના બોલાવીએ તો ય બે-ત્રણ દિવસે આવી જજો. અમને ગમશે. ’સામાન્ય ઈનામની લોટરી ટીકીટ ખરીદ્યા પછી જેકપોટ લાગે એવી મારી સ્થિતિ હતી. ચિત્રલેખાની અમદાવાદ સ્થિત બ્યુરો ઓફિસના પત્રકારો કે ઓફિસ સ્ટાફ પણ તેમની મદદ માટે તૈયાર હતા, છતાં મને તેમણે આવો અધિકાર આપ્યો એનાથી સારું લાગ્યું.

જો કે, બે – ચાર વાર ખપમાં લાગ્યા પછી તેમને કામ લાગી શકું એવા દિવસો મારી પાસે રહ્યા નહીં. કેમ કે, વીસ વર્ષથી દુબઈમાં વસતા મામા દ્વારા મને એમ્પ્લોયમેન્ટ વિઝા મળ્યા હતા અને થોડા મહિનામાં જ મારે નોકરી માટે દુબઈ જવાનું હતું. અંદરથી હું થોડો હલી પણ ગયો. રજનીકાકા સમક્ષ એ જ સંદર્ભે થોડું રડી પણ લીધું કે, ‘કોણ જાણે હવે હું તમને ક્યારે અને કેવો ખપમાં લાગી શકીશ!’

જતાં પહેલા તારકકાકા – ઇન્દુમાસીને મળવા ગયો. એમને બધી વાત કરી. તરત જ મને જમવાનું આમંત્રણ આપતાં તેમણે પૂછ્યું, ‘ક્યારે આવવાનું ફાવશે?’ મેં જવાબ આપવામાં થોડો વિવેક અને થોડી આનાકાની સાથે ગેં...ગેં...ફેં...ગેં...કર્યું એટલે મીઠી કડકાઈથી કહે, ‘કોઈ બહાનાબાજી નહીં ચાલે. ક્યારે આવવાનું ફાવશે એટલું જ મેં પૂછ્યું છે, ફાવશે કે નહીં એવું નથી પૂછ્યું.’ તેમના પ્રેમાગ્રહને ટાળવો મુશ્કેલ. આજે પણ એ યથાતથ અનુભવી શકાય છે. મારે કહેવું જોઇશે કે કોઈને પણ ત્યાં જમવાની બાબતમાં મેં એ દિવસથી ગેં...ગેં...ફેં...ગેં...થવાનું અને યજમાનને અવઢવમાં રાખવાનું બંધ કર્યું છે.

એક દિવસ નક્કી કર્યો. દુબઈ જવાના બે-ત્રણ દિવસ અગાઉ તેમની સાથે જમ્યો. તેમણે મને પરદેશમાં સફળ થવાના આશીર્વાદ આપ્યા. ત્યાં ભીડ પડે તાત્કાલિક ખપમાં આવે એવી દસ અમેરિકી ડોલરની ત્રણ નોટ એક હાથમાં મૂકી મારી મુઠ્ઠી વાળી દીધી અને બીજા હાથમાં એક કવર મૂક્યું. પારસી નાટકોના વિખ્યાત કલાકાર બરજોર પટેલને સંબોધીને તારકભાઈએ લખેલા પત્રમાં એમણે મારી ઓળખ આપી જરૂર પડ્યે મદદરૂપ થવાની ભલામણ કરી હતી. બરજોર પટેલ / Burjor Patel નાટકની દુનિયાથી દૂર થયા પછી દુબઈના વિખ્યાત અંગ્રેજી દૈનિક ‘ગલ્ફ ન્યુઝ’ / Gulf News ના મેનેજરપદે હતા.

હું દુબઈ ગયો. નોકરીએ લાગ્યો. જરા સ્થાયી થયો એ પછી થોડા મહિનામાં અગાઉથી ફોન કરી, મામાને લઈને બરજોર પટેલને મળવા ગયો. તારકભાઈનો પત્ર આપ્યો. તેમના હોદ્દાને કોરાણે મૂકીને બરજોર ઉમળકાભેર મળ્યા અને આગ્રહપૂર્વક ઓફિસ નજીકની થ્રી-સ્ટાર ‘આસ્ટોરિયા હોટલ’માં લંચ માટે લઈ ગયા. ભાણાને મળતું ‘ભાણા’નું આ માન રાજેશમામા આશ્ચર્યપૂર્વક જોઈ રહ્યા. ભોજન પતાવીને પાછા ફરતા રસ્તામાં બહુ નિખાલસતાથી એમણે મને કહ્યું, ‘તારે દુબઈમાં આટલી મોટી ઓળખાણ છે?’ મારે શું કહેવું? ખરેખર તો આ માન-સન્માન મને નહીં, તારકભાઈને મળતું હતું. શબ્દની – દમદાર લેખકે લખેલા નક્કર શબ્દની તાકાત રજનીકુમાર પંડ્યા સાથે રહીને જોઈ અને અનુભવી હતી. અહીં દૂર દેશાવરમાં પણ જોઈ. થેન્ક્સ ટુ તારક મહેતા વાયા રજનીકુમાર પંડ્યા. બરજોર પટેલને મળ્યા પછી રજનીકાકા – તારકકાકા સાથેના મારા સંબંધોની નિકટતાનો રાજેશમામા – જયશ્રીમામીને ખ્યાલ આવ્યો. એમણે મને આગ્રહપૂર્વક કહ્યું, ‘મમ્મી-પપ્પાને તું જેમ નિયમીત ફોન કરે છે એમ એમને પણ તારે નિયમિત ફોન કરતા રહેવાનું. બીલની ચિંતા કર્યા વગર.” આમ, દુબઈ રહ્યે રહ્યે પણ તારકકાકા સાથે સંબંધ જીવંત રહ્યો.

દુબઈ – અલાઇન – અબુધાબી – શારજાહ રહ્યા પછી ત્રણ વર્ષે હું અમદાવાદ પાછો આવી ગયો. હવે મારે નવેસરથી નોકરી શોધવાની હતી. ફરીથી સ્થાયી થવાના એ ગાળામાં જ તેમની સાથેનું સંધાન પૂર્વવત થયું. નોકરી માટે એમની જ્યાં પહોંચ હતી તેવા ઠેકાણે મારા નામની ભલામણ પણ તારકકાકાએ કરી. અમારું મળવાનું એટલું નિયમિત થતું ચાલ્યું કે એમાં બે-ત્રણ દિવસથી વધુનો ખાડો પડે તો કામકાજની વ્યસ્તતા કે તબિયતની ચિંતા કરતો તેમનો ફોન અચૂક આવે. બે-ત્રણ દિવસ જ નહીં ક્યારેક બે-ત્રણ અઠવાડિયાના અંતરાલ પછી પણ ઘરે મળવા જઉં તો ય મારી અતિ ભાવતી વાનગી (મોટે ભાગે જુદા-જુદા પ્રકારની ભાજીના મુઠીયા) હાજર હોય.

[caption id="attachment_48435" align="aligncenter" width="300"] ઈન્દુમાસી- તારકકાકા[/caption]

મોટે ભાગે થાય એવું કે દિવસ દરમ્યાન એમને ઘેર જવાનું થાય ત્યારે ઘરના સામાન્ય કામકાજ કે વહીવટી બાબતો સંદર્ભે ચર્ચા કે ‘લાઇન ઓફ એક્શન’ની વાત ઈન્દુમાસી સાથે જ કરવાની થાય, કેમ કે વહીવટી બાબતોની તમામ જવાબદારી ઇન્દુમાસીએ સંભાળીને તારકકાકાને એમાંથી મુક્ત રાખ્યા છે. આને કારણે ઇન્દુમાસી સાથે અમારી લાગણીના તાર એટલા જ, બલકે વધુ મજબૂતીથી જોડાયેલા છે. મારા લગ્ન નિમિત્તે ગણતરીના માંડ દોઢસો મહેમાનો (મુખ્યત્વે તો સગાંઓ) માટે યોજેલા રિસેપ્શનમાં ઇન્દુમાસી – તારકકાકા આવ્યા તેનું મારે મન વિશેષ મહત્વ છે.

લગ્ન પછી એમના નિમંત્રણથી હું અને શિલ્પા તેમના ઘરે જમી આવ્યા – બિલકુલ આનાકાની વગર. મેં આગળ લખ્યું તેમ આ એક જ બાબત એવી છે કે જેમાં મેં કોઈ સમાધાન નથી સાધ્યું – સાધવું પણ નથી.

લગ્નના થોડા મહિનાઓ પછી એક રાત્રે હું ઓફિસથી ઘેર આવ્યો. હજી તો ઘરમાં પગ મૂક્યો કે શિલ્પાએ કહ્યું, ‘આજે તારકકાકા – ઇન્દુમાસી ખાસ રીક્ષા કરીને આપણા ઘેર આવ્યા હતા અને તમારા માટે આ પુસ્તક આપી ગયા છે.’ મારા આશ્ચર્યનો પાર નહીં. કેમ કે દર બે-ત્રણ દિવસે હું એમના ઘરે જનારો. મને જો કોઈ પુસ્તક આપવાનું હોય તો એ તેમના ઘરે પણ આપી જ શકે ને? એટલા માટે થઈને એમણે મારા ઘરે આવવાની તસદી શું કામ લેવી પડે? એવા કંઈક વિચારો સાથે મેં પુસ્તક જોવા માંગ્યું. પુસ્તકનું પાનું ખોલીને જોયું તો અર્પણના પાને મારું નામ – એવા ઉલ્લેખ સાથે કે ‘મારા ભાણેજ મૌલિન મુનશી અને ભત્રીજા સમ બિનીત મોદીને અર્પણ.’ આ વાંચીને મને જબરદસ્ત રોમાંચ થયો. પુસ્તકમાં નામ છપાયાની મારા માટે નવાઈ નહોતી, પણ એમણે મને અધિકૃત રીતે ‘ભત્રીજા’નો દરજ્જો આપ્યો હતો એ મારે મન મોટી વાત હતી. એ પુસ્તક એટલે તેમના એકાંકી નાટકોનો સંગ્રહ ‘ડહાપણની દાઢ’. મને ખબર છે કે આમાં મારી એમના તરફની લાગણી કરતાંય એમનું મારા તરફનું વાત્સલ્ય વધુ જવાબદાર છે.

[caption id="attachment_48434" align="aligncenter" width="300"] ઇન્દુમાસી- પુત્રી ઇશાનીબહેન- તારકકાકા[/caption]

ત્યારેય એમનું બહારગામ જવાનું ઓછું હતું, જે હવે તો લગભગ બંધ જેવું જ છે. એકવાર એમણે જણાવ્યું કે દોસ્તી-સંબંધના નાતે એક લગ્નમાં હાજરી આપવા વડોદરા જવાનું છે. સારથિ બનીને કંપની આપવાનું તને ફાવશે? બે દિવસ અમારી સાથે રહેવાનું થશે. વડોદરાની જાણીતી એવી ‘ઉત્સવ હોટલ’ના માલિક દિલીપભાઈના પરિવારમાં લગ્ન હતા. મારા માટે ‘ના’ પાડવાનો કોઈ સવાલ જ ક્યાં હતો? પણ મેં મારો સ્વાર્થ આગળ કર્યો. કહ્યું કે વડોદરા જતા આપણે મહેમદાવાદ ઉર્વીશના ઘરે થઈને આગળ વધીશું. (એ વખતે એક્સપ્રેસ હાઈવે નહોતો.) એમણે તરત મંજૂરી આપી દીધી. ઉર્વીશ તો મળતો જ હતો, પણ તેનાં પરિવારજનોને પણ તારકકાકા-ઈન્દુમાસી પ્રેમપૂર્વક મળ્યાં, જાણે જૂના પરિચીત હોય એ રીતે થોડો સમય ગાળ્યો. વડોદરા પહોંચીને લગ્નપ્રસંગ પાર પડ્યા પછી સમય-સંજોગો અનુકૂળ રહેતા બીરેનના ઘરે પણ ગયા. બહુ સહજતાથી,મહેમાનપણાના કશાય ભાર વિના! એ પછી જ્યારે મળે ત્યારે બીરેનના પરિવારજનોનાં પણ નામજોગ ખબરઅંતર પૂછે. તારકકાકા-ઇન્દુમાસી આપણા ઘરે આવે તેનો આનંદ હોય જ. તેમની સાથે કોઠારીભાઈઓના ઘરે પણ એ જઈ શક્યા તેનો આનંદ અમારા ત્રણના દોસ્તાનાને જાણનાર મિત્રો –પરિચિતો કલ્પી શકશે.

તારકકાકાનો દિવસ સાંજે પાંચ વાગે શરૂ થાય એટલે ચોક્કસ કામકાજના સંદર્ભે તેમના ઘરે મોટેભાગે સવારે કે બપોરે જ જવાનું અને ઇન્દુમાસીને મળીને છૂટા પડવાનું થાય. એટલે તેમને મળવા સાંજના સમયે બીજી મુલાકાત લઉં. મિત્રોના અને અમદાવાદના મિડિયા જગતના ખબર-અંતર મેળવવા ખાસ પૂછે, ‘શું છે જાણવા જેવું?’ તેમની પાસે હોય એ ખબર જણાવે પણ ખરા. મુંબઈના જાણવા જેવા સમાચારો તો તેમની પાસેથી જ મળે. મુંબઈના મોટા ભાગના ગુજરાતી – અંગ્રેજી દૈનિકો ખાસ વ્યવસ્થાથી મેળવીને રસપૂર્વક વાંચે. તેમનું શેડ્યુલ નજીકથી જોયાના નાતે એટલું કહી શકું કે તેઓ આજે રોજના એક ડઝન દૈનિકો અને પા ડઝન સામયિકો વાંચતા હશે. ચિત્રલેખા મારફતે કે સીધા ઘરના સરનામે આવતા વાચકોના દરેક પત્રનો જવાબ બે વર્ષ પહેલા સુધી આપી શકતા તારકકાકા પાછલા વર્ષોમાં તબિયતના કારણોસર એમ કરી શકતા નહોતા. એ બાબતનો તેમને ભારોભાર રંજ પણ ખરો. મહેતાદંપતિ મૂળે ‘માણસભૂખ્યું’ અને ‘મહેમાનભૂખ્યું’ છે. આંગડીયાવાળો પણ તેમના આંગણેથી કોરોધાકોર જઈ શકતો નથી. ‘પેરેડાઇઝ’ (એપાર્ટમેન્ટનું નામ)નું પગથિયું ઉતરતાં પહેલાં એ કંઈક તો પામ્યો જ હોય.

પ્રારંભે જેમનો ઉલ્લેખ છે તે ઘરના સભ્ય જેવા બની ગયેલા લીફ્ટમેન સોમભાઈની સાથે ગેરવર્તણૂક કરનાર પડોશીની તારકકાકા ‘રેવડી દાણાદાણ’ કરી શકે એટલી એમની નિસબત. વ્યવહારકુશળ ઇન્દુમાસી ઘર – પરિવાર – મિત્રો – પરિચિતોની ખબર તો રાખે જ, ક્યારેક તબિયતના તકાજાને અવગણીને પણ તેમના સારા – માઠા પ્રસંગે અચૂક હાજરી આપે. આ લખતી વખતે યાદ કરવું પણ ન ગમે છતાં લખું કે જુવાન મૃત્યુના ખબર તેમને બહુ પીડે. અંદરથી એ હલી જાય – સુનમુન થઈ જાય. બન્નેમાંથી કોઈ સાથે થોડા કલાકો કે દિવસો વાત પણ ન થઈ શકે.

એ જ રીતે તેમની તબિયતના સમાચાર પૂછવાનું ટાળવા જેવું. છતાંય કોઈ પૂછે તો કહે કે, ‘બગડે નહીં ત્યાં સુધી સારી’. ઘરમાં તેમની મદદમાં રહેતા સેવકો પહેલા કલાક કે પહેલા દિવસ પૂરતા જ સેવક રહે. બીજા દિવસથી એમની ગણતરી આપોઆપ ‘ફેમીલી મેમ્બર’ તરીકે થવા લાગી હોય. ઘરની બહાર પગ મૂકતાં કે ગાડીમાં બેસતા પહેલાં તેમની અગવડ – સગવડનો વિચાર પહેલો કરે.

રજનીભાઈએ જે કારણસર મને તેમની સાથે જોડી આપ્યો છે એવા વહીવટી કામકાજમાં હું મહેતાદંપતિને તેમની કુલ જવાબદારીના માંડ પંદર – વીસ ટકા ખપમાં આવતો હોઇશ. ક્યારેક અઘરા અથવા અટપટા લાગે તેવા કામ પાર પાડવામાં તેમના નામની – લોકપ્રિયતાની જે મદદ મળે છે તેનો જોટો જડે તેમ નથી. તુમારશાહીમાં કલાકો સુધી ઠેબે ચઢી શકે – સહેલાઈથી ચઢાવાઈ શકાય એવા કામ ગણતરીની મિનિટોમાં નીપટાવાઈ જાય ત્યારે તેમના શબ્દની તાકાતનો ખરો અંદાજ આવે. તેમના નામ – કામને નહીં જાણનાર એક બેન્ક કર્મચારીએ એક વાર ફોન કર્યો, ‘મીસ્ટર ટી.જે. મહેતા કે લીયે મેસેજ હૈ. પેન્શનર લાઇફ સર્ટીફીકેટ (જીવતા હોવાનું પ્રમાણપત્ર) મેં સિગ્નેચર વેરીફીકેશન કે લિયે બેન્કમેં આના હોગા.’ આ કર્મચારીના અધિકારીને આ વાતની ખબર પડી એટલે તરત જ તેણે તારકકાકાને ફોન કરીને દિલગીરી વ્યક્ત કરી. પછી પેલા કર્મચારીને ખખડાવતાં કહ્યું, ‘યે ટી.જે. મહેતા કો નહીં જાનતા ક્યા? રાત કો સાડે આઠ બજે વો સિરિયલ આતા હૈ, વો દેખતા નહીં ક્યા? વો જિંદા હી હૈ. આપકો લાઇફ સર્ટીફીકેટ ચાહીએ તો ઉનકે ઘર જાઓ.’

[caption id="attachment_48437" align="aligncenter" width="300"] પરદા પરના તારક મહેતા શૈલેષ લોઢા સાથે અસલ તારક મહેતા[/caption]

ડૉક્ટરોને બતાવવા માટે ઘણી વાર તારકકાકા સાથે જવાનું થાય ત્યારે પણ એમને મળતી રજવાડી સુવિધાનો અનુભવ થાય. મોટા ભાગના ડૉક્ટરો તો એમના વાચક જ હોય. અને હવે તો તે આનંદપૂર્વક જણાવે, “મારો પૌત્ર તમારી સિરીયલ જુએ છે.” 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' / Tarak Mehta Ka Ooltah Chashmah સિરીયલ શરૂ થયા પછી તો એવું પણ બન્યું છે કે ઘણા જૂના પરિચિતો-મિત્રો તેમનો સંપર્ક નવેસરથી કરવા લાગ્યા હોય. જો કે, તારકકાકા આ લોકપ્રિયતાથી જરાય વિચલિત થયા નહીં અને સહજતાપૂર્વક તેને સ્વીકારતા રહ્યા.

[caption id="attachment_48441" align="aligncenter" width="300"] અમારી મિત્ર ત્રિપુટી ઉર્વીશ, બિનીત અને પ્રણવ સાથે હિંચકે બેઠા વાતો[/caption]

1929માં અમદાવાદમાં જન્મેલા તારકભાઈ વાયા નડિયાદ – ભરૂચ – મુંબઈ થઈને પાછલા પચીસ વર્ષ અમદાવાદમાં જ રહ્યા. ક્રિકેટ મેચ જોવાનાય એ રસિયા. તેઓ આ રમતની બારીકાઈઓને નાટ્યકલા જેટલી જ બારીકાઈથી જાણે છે. પાછલા પાંચ – સાત વર્ષથી તેમના જન્મદિને શુભેચ્છા પાઠવવા માટે તેમને ઘેર જવાનો ક્રમ અમે શરૂ કર્યો છે. એ મુજબ પ્રણવ અધ્યારૂ, ઉર્વીશ કોઠારી અને હું તેમને ત્યાં જઈએ છીએ. અલકમલકની વાતો એ કલાક-દોઢ કલાકમાં થાય, સાથે ઈન્દુમાસીની વિશિષ્ટ યજમાનગીરી તો ખરી જ. બીરેનને પણ તે અવારનવાર યાદ કરે અને બીરેન અમદાવાદ આવે ત્યારે મળવાનું કાયમી આમંત્રણ હોય જ.

હવે મેં સપનાં જોવાનું બંધ કર્યું છે, કેમ કે સપનાં પણ આપણે આપણી સ્વભાવગત મર્યાદા મુજબ જ જોતાં હોઈએ છીએ. વાસ્તવિકતા ક્યારેક સપનાથીય આગળ નીકળી જાય એમ બને! મને સપનેય ખ્યાલ નહોતો કે પોસ્ટકાર્ડ થકી શરૂ થયેલા તારકકાકા સાથેના પરિચય પછી એ આમ સાવ મારી નજીક આવી જશે અને મારા પાડોશી બની રહેશે.

2008માં તેમના ૮૦મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ‘નવભારત’ દ્વારા યોજાયેલા કાર્યક્રમ પછી તેમણે આરોગ્યના કારણોસર કાર્યક્રમ માટે બહાર જવાનું બંધ કર્યું છે. હજીય તેમને મળતાં રહેતાં અસંખ્ય આમંત્રણોને તે વિનમ્રતાપૂર્વક નકારે છે. પ્રતિકૂળ તબિયત, સંજોગોને અવગણીને પણ પાછલા વર્ષોમાં તેમણે તેમના પ્રવાસના શોખને પુનઃર્જીવિત કર્યો. એંસીમાં વર્ષ નિમિત્તે વાચકો – ચાહકો – સ્વજનો સમક્ષ જાહેર કરેલા ‘દેહદાન’ના સંકલ્પનો સ્વજનોએ અમલ કરવો પડે તે દિવસ આવી પહોંચ્યો...બુધવાર 1 માર્ચ 2017ની સવારે તારકભાઈ પોતે જ બનાવેલો માળો છોડી ગયા.

(તસવીરો : અંગત સંગ્રહ તેમજ નેટ પરથી)

Thursday, April 07, 2016

યશવંત શુક્લ અને જશવંત ઠાકર : જન્મ-શતાબ્દીએ વતનવંદના

નડિયાદ નગરની વતનવંદના

નવેમ્બરથી માર્ચનો પાંચ મહિનાનો સમયગાળો એવો હોય છે કે એ દરમિયાન કળા – કલાકારથી લઇને પાણીકળા (પ્લમ્બર) સુધીના વર્ગના સેમિનાર થતા હોય છે. સાહિત્ય, સંગીત, નૃત્ય, શિક્ષણ, વેપાર અને નામ બોલતા – સમજતા ના આવડે એવા ક્ષેત્રોના કંઈક પ્રકારના જાહેર કાર્યક્રમોની વણઝાર અને ભરમાર હોય. કાર્યક્રમ ગુજરાતમાં હોય તો અમદાવાદ / Ahmedabad, વડોદરા / Vadodara, રાજકોટ / Rajkot અને સુરત / Surat જેવા મોટા શહેરોને તેના આયોજનનો વિશેષ લાભ મળે છે.

માત્ર સાહિત્યક્ષેત્રની વાત કરીએ તો મોટા શહેરો સિવાય ભાવનગર / Bhavnagar, ભરૂચ / Bharuch અને નડિયાદ / Nadiad એમ ગુજરાતનાં ત્રણ નાનાં નગરો એવા છે જ્યાં સાહિત્યિક કાર્યક્રમોનું અવારનવાર અને અદકેરું આયોજન થતું હોય છે. આવો જ એક કાર્યક્રમ 13મી માર્ચ 2016ને રવિવારે પૂરા દિવસ માટે નડિયાદમાં યોજાઈ ગયો. કેન્દ્રિય સાહિત્ય અકાદેમી અને વડોદરાના બળવંત પારેખ સેન્ટરના સહયોગથી સૂરજબા મહિલા આર્ટસ્ કૉલેજ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાલ જેમનું જન્મશતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે તેવા શિક્ષણકાર – નિબંધકાર યશવંત શુક્લ / Yashwant Shukla અને નાટ્યકાર જશવંત ઠાકરને / Jashwant Thaakar લગભગ અઢીસો ઉપરાંતની હાજરીએ દસ વક્તાઓ અને સદગતોના એટલી જ સંખ્યામાં ઉપસ્થિત સ્વજનોની સાક્ષીએ સ્મર્યા.

યશવંત શુક્લ
જન્મ : 8 એપ્રિલ 1915 (ઉમરેઠ, ખેડા-આણંદ જિલ્લાનું ગામ)
અવસાન : 23 ઑક્ટોબર 1999 (અમદાવાદ)
તસવીર : જગન મહેતા
કર્મભૂમિની રીતે અમદાવાદ જેમનું મુખ્ય કાર્યક્ષેત્ર રહ્યું હતું એવા શબ્દકર્મી યશવંત શુક્લ અને રંગકર્મી જશવંત ઠાકરને નડિયાદ નગરે સ્મરવાનું કોઈ કારણ? આર્ટસ્ કૉલેજના પ્રાધ્યાપિકા ભાવિકા પારેખના / Bhavika Parekh આવકાર-શબ્દો અને પૂર્વ ઉપકુલપતિ તેમજ આપણી ભાષાના કવિ – નાટ્યકાર અને અકાદેમીના સંયોજક સિતાંશુ યશશ્ચંદ્રના / Sitanshu Yashashchandra આરંભિક ટૂંકા તેમજ મુદ્દાસરના સ્વાગત-વક્તવ્ય પછી કાર્યક્રમની ભૂમિકા બાંધતા સંશોધક-સંપાદક તેમજ આયોજનમાં સહભાગી સૂરજબા કૉલેજના આચાર્ય હસિત મહેતાએ / Hasit Mehta તેનું કારણ આપતા એક જ શબ્દમાં જણાવ્યું...વતન. હા, નાના-મોટા 102 ગામોના બનેલા ચરોતર પ્રદેશનું ઉમરેઠ / Umreth એ યશવંત શુક્લનું વતન અને (પેટલાદ નજીકનું) મહેળાવ / Mehlav ગામ તે જશવંત ઠાકરનું વતન. વધુ વિગતો આપતા પ્રિન્સીપાલ હસિત મહેતાએ જણાવ્યું કે આઝાદી પૂર્વેના સમયમાં નડિયાદ-આણંદ કે ખેડા નહીં પેટલાદ / Petlad નગર એ જાત-ભાતની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર ગણાતું હતું. આમ જણાવીને તેમણે મોટી ગેરસમજ દૂર કરી. અન્ય વક્તાઓના વક્તવ્ય સાથે ગેરસમજો દૂર થવાનો અને અહીંથી કશુંક પામીને જવાનો ઉપક્રમ આગળ વધવાનો હતો તે આ વિગત સાથે જ નક્કી થઈ ગયું.

જશવંત ઠાકર

જન્મ : 5 મે 1915 (મહેળાવ, ખેડા જિલ્લાનું ગામ)

અવસાન : 25 ડિસેમ્બર 1990 (અમદાવાદ)
કાર્યક્રમના આયોજન સંબંધે સંબંધિત સંસ્થાઓ તરફથી મળેલા વિધેયાત્મક પ્રતિભાવ અને શુક્લ – ઠાકર પરિવારો તરફથી મળેલા પ્રોત્સાહને પત્ની લિમિષા મહેતાને શર્ટના બટન નવેસરથી ટાંકવા પડ્યાની ચિંતા વ્યક્ત કરવા સાથે હસિત મહેતાનું ધ્યાન આરંભથી જ ‘ફૂલહાઉસ’ થવા માંડેલા કૉલેજના થિએટર હોલની છેલ્લી હરોળ તરફ ગયું. હોલ નાનો પડી રહ્યાની ગુન્હા લાગણીને તેમણે પ્રાયશ્ચિત રૂપે એક પંક્તિ બોલીને વાળી લીધી...તમે પણ માણો એ પંક્તિ...
દુકાન છે સાંકડી, ચા બને છે ફાંકડી...
આ સાથે આચાર્ય મહેતાએ એક સ્પષ્ટતા પણ કરી કે પહેલો બ્રેક ‘ચા’નો નહીં ‘છાસ’નો રહેશે.

સર્જકોનું શબ્દકર્મ-રંગકર્મ સર્જન
આરંભિક વક્તવ્યમાં શુક્લ – ઠાકર પરિવારનું સ્વાગત તેમજ વધુ વિગતે વાત કરતા સિતાંશુ મહેતાએ / Sitanshu Mehta ‘આચાર્યો નેપથ્યમાં ન ગયા’ની ટિપ્પણી સાથે જણાવ્યું કે, ‘રંગભૂમિ માત્ર દિગ્દર્શકોને હવાલે હોત તો આજે આ મંચ ખાલી હોત.’ આમ કહેવા સાથે જન્મશતાબ્દી સમારોહનું બીજરૂપ વક્તવ્ય આપનાર પ્રકાશ ન.શાહને તેમણે માઇકનો હવાલો સોંપ્યો.

વક્તા - મહેમાનોનું સ્વાગત
કાર્યક્રમ શરૂ થતા અગાઉ થિએટર હોલની દરેક ખુરશી પર વક્તા પરિચયના બે પાના મુકવામાં આવ્યા હતા એટલે દરેક વક્તવ્ય પહેલા સૌએ વક્તાનો પરિચય આપોઆપ જ કેળવી લેવાનો હતો. એ ક્રમમાં આગળ વધતા પ્રથમ વક્તા એવા કર્મશીલ અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી પ્રકાશભાઈએ / Prakash N. Shah યશવંતભાઈના આખરી દિવસોને યાદ કરતા જણાવ્યું કે અમે સૌ સાથીઓ નેહરૂ પુલ પર વિરોધ પ્રદર્શન સારુ માનવસાંકળ રચીને ઊભા હતા. યશવંતભાઈ માટે લાંબો સમય ઊભા રહેવું એક તાવણી હતી. પણ શરીરથી અશક્ત (બહુધા આયુષ્યના છેલ્લા દિવસોમાં) એવા તેમનો આખર સુધીનો જોસ્સો તો સ્ટૅન્ડ અપ એન્ડ બી કાઉન્ટેડનો / ‘Stand Up and Be Counted’નો હતો. જેનો સાદો અર્થ એવો કરી શકાય કે વિપરીત સંજોગોમાં પ્રતિભાવ આપવાને એટલા ‘મજબૂત બનો જેની નોંધ લેવી પડે’.

પ્રકાશ ન. શાહ : યશવંત શુક્લના જુસ્સાનું સ્મરણ
કારકિર્દીના પ્રારંભે ‘પ્રજાબંધુ’ દૈનિકમાં સિત્તેર રૂપિયાના બાદશાહી માસિક પગારે ‘ઉપતંત્રી’ના હોદ્દે નોકરી કરતા તેમને તંત્રી ચુનીલાલ વર્ધમાન શાહએ Chunilal Vardhman Shah કોઈ એક મુદ્દે લખાણ લખવાનું કહ્યું. યશવંતભાઈએ જે-તે વિષય સંબંધે સંદર્ભો લઈ – વાંચીને ફુરસદે લખાણ આપવાની વાત કરી તો તંત્રીએ કહ્યું કે, ‘મેં તમને વાંચવાનું ક્યાં કહ્યું છે, લખવાનું કહ્યું છે.’ યશવંતભાઈ જ્યાં હોય ત્યાં જણાવવાનું મન થાય કે 2016માં તંત્રીઓ – સંપાદકો આમ કે આવું કશું જ કહેતા નથી પણ બહુમતી લખનારા માટે કશુંય વાંચવું નહીં એ હવે શિરસ્તો બની ગયું છે. ‘પ્રજાબંધુ’માં તંત્રીલેખ લખતા ભોગીલાલ સાંડેસરાના / Bhogilal Sandesara અનુગામી બનીને જાહેર – નાગરિક પ્રશ્નોના પરિચયમાં આવેલા યશવંતભાઈ અખબારી આલમમાંથી શિક્ષણક્ષેત્રે ગયા ત્યાં સુધી એમને એક વાતનો વસવસો રહ્યો કે તંત્રી ચુનીલાલ વર્ધમાન શાહે તેમને ‘શુક્લ’ને બદલે ‘શુકલ’ જ કહ્યા – ઓળખાવ્યા.

વક્તા તરીકે પ્રકાશભાઈની બખૂબી કહો કે ‘સિગ્નેચર સ્ટાઇલ’ કહો તે આ છે કે યશવંતભાઈના આખરી દિવસોને સંભારતા તેઓ બીજી જ ક્ષણે સાંભળનારને તેમની કારકિર્દીના આરંભનું બયાન કરી શકે છે. આમ કરીને પણ તેઓ મૂળ મુદ્દાને ન તો ભૂલે છે કે ન ચાતરી જાય છે તે તેમની એકાધિક ખૂબીઓમાંની ખૂબી નંબર બે છે.

શિક્ષણકાર તરીકે ઉમાશંકર જોશી / Umashankar Joshi, ભોગીલાલ ગાંધી / Bhogilal Gandhi, જયંતિ દલાલ / Jayanti Dalal, નગીનદાસ પારેખ / Nagindas Parekh અને મનુભાઈ પંચોળી / Manubhai Pancholi સરખા યશવંત શુક્લના સમકાલીનોને યાદ કરતા તેમણે કહ્યું કે ‘આ સહુ તેમના સાથી તેજસ્વી અધ્યાપકોને સાંખી શકતા હતા.’ અત્યારે જેનો સદંતર અભાવ છે તેવી આ યશવંતભાઈ અને સાથીઓને અપાયેલી મોટી અંજલિ હતી. આ સંદર્ભે તેઓ વાર્તાકાર ઇશ્વર પેટલીકરને / Ishwar Petlikar એમ પણ કહેતા કે ‘દૂઝણી ગાયનું પાટું ખમી ખાવું.’ (જવાબમાં પેટલીકર એમ પણ કહેતા કે મારી સાથે ખેતરે આવો તો ખબર પાડું કે ગાયનું પાટું કેવું હોય.)

એક ઇન્ટરવ્યૂ આપતા જયશંકર સુંદરીએ / Jayshankar Bhojak ‘Sundari’ તેમને કહ્યું હતું કે, ‘લખાતા અને બોલાતા શબ્દ વચ્ચેનો ગાળો એ જ અભિનય’. નાટ્યમહર્ષિ સુંદરી પાસેથી આવી સમજણ મેળવનાર યશવંત શુક્લએ તેમના આચાર્યપદ હેઠળની એચ.કે. (હરિવલ્લભ કાળીદાસ) આર્ટસ્ કૉલેજમાં રંગભૂમિને વિકસવા માટે તેમના ગાળામાં જે છૂટો દોર આપ્યો તે પ્રક્રિયાને પ્રકાશભાઈએ ‘આચાર્ય યશવંત શુક્લના સુંદરીકરણ’ તરીકે ઓળખાવી હતી. મહાગુજરાત આંદોલન સમયે તેમણે આપેલા વૈચારિક પ્રદાનને પણ આ સાથે યાદ કરવામાં આવ્યું હતું. સ્વાધ્યાયસજ્જ એવા જ સંઘેડા ઉત્તમ વક્તવ્યના સ્વામી યશવંતભાઈએ કરેલું મોટું કામ વિશ્વના વિચારપ્રવાહોને ગુજરાતગમ્ય કરતા રહેવાનું હતું.

નગીનદાસ પારેખે ‘ઇન્દિરાના નખરાં બહુ’ એવી એક ટિપ્પણી ઇન્દિરા ગાંધી / Indira Gandhi વિશેના લેખમાં કરી હશે તે સામે નારાજગી પ્રકટ કરનાર સાથી પ્રાધ્યાપક યશવંત શુક્લને પારેખ સાહેબે એમ કહ્યું કે ‘પ્રતિભાવ આપવાની તમારી શૈલી પણ તો નખરાળી છે.’ વક્તવ્યના અંતે પ્રનશાએ જણાવ્યું કે યશવંતભાઈના ગદ્ય સર્જનને ન્યાય નથી આપી શકાયો અને તે કામ કરવા જેવું છે – કરવું ઘટે.

યશવંતભાઈના નિબંધો, લેખો કે ગદ્ય સર્જન મિત્રોની દેન – પ્રયત્નોથી પુસ્તકાકાર સ્વરૂપે જાહેરમાં આવી શક્યું એવી પ્રકાશ ન. શાહની છેલ્લી ટીપ્પણીથી જ અનુસંધાન સાધતા હોય તેમ અનુગામી વક્તા પ્રા. રમણ સોનીએ / Raman Soni એવી આશા વ્યક્ત કરી કે યશવંતભાઈને મળ્યા હતા એવા મિત્રો પ્રકાશભાઈને પણ મળે જેથી વર્ષોથી લખતા પરંતુ લખાણોને પુસ્તક સ્વરૂપ આપવા પરત્વે દુર્લક્ષ સેવતા, યશવંતભાઈ કરતા પણ વધુ પ્રમાદી એવા પ્રનશાના પુસ્તકો ગુજરાતને – ગુજરાતી વાંચનારને મળી રહે. પોતાના પુસ્તકો સંદર્ભે યશવંતભાઈ એમ પણ કહેતા કે ‘લેખક હું છું, સંપાદક રઘુવીર ચૌધરી / Raghuveer Chowdhary છે.’

હસિત મહેતા, રાજેશ પંડ્યા, રમણ સોની,

જયંત મેઘાણી અને સિતાંશુ યશશ્ચંદ્ર
યશવંતભાઈની વાત કરવા શતાબ્દી સ્મરણનો દોર સાંધતા રમણ સોનીએ / Raman Soni જણાવ્યું કે એચ.કે. કૉલેજના પ્રથમ વર્ષથી લઇને એમ.એ. સુધી તેમનો વિદ્યાર્થી રહ્યો. વર્ગખંડમાં તેમને સાંભળવાનો લહાવો એવો અદભૂત હતો કે એ દરમિયાન કોઈ નોંધ થઈ શકી જ નહીં. પહેલા વર્ષના ‘યુવાન’ વિદ્યાર્થીનો ક્લાસ ત્રીજા માળે અને છેલ્લા વર્ષના કે એમ.એ.માં ભણતા પ્રમાણમાં ‘વૃધ્ધ’ વિદ્યાર્થીઓના વર્ગો ગ્રાઉન્ડ ફ્લોર પર હોય એવી શુક્લસાહેબની આગવી વ્યવસ્થા શક્તિને પણ તેમણે યાદ કરી. ‘તોફાની વિદ્યાર્થીને બહાર નીકળવાની વ્યવસ્થા કરી આપશું’ જેવી તેમની દરખાસ્ત કાયમી રહેતી અને જરૂર પડ્યે અમલ પણ થતો.

વિદ્યાર્થીકાળના સ્મરણો ઝડપથી અને ટૂંકમાં જ રજૂ કરીને રમણ સોનીએ વિષય પ્રવેશ કર્યો – સર્જકના વિવેચનો અને નિબંધો. સર્જકના પુનઃમૂલ્યાંકનની અનિવાર્યતા પર ભાર મુકતા તેમણે જણાવ્યું કે, ‘યશવંતભાઈના વિવેચન લેખોમાં વર્ષ સંદર્ભ તો નથી, ક્યાંક તો પુસ્તક અને લેખકનું નામ પણ નથી.’ ઐતિહાસિક ધોરણે તેનું મૂલ્યાંકન કરવામાં ખૂબ અગવડ પડે તેવી ટિપ્પણી સાથે એક દાખલો આપતા સોનીસાહેબે કહ્યું કે ‘જયાબહેન’ એવો વારંવાર ઉલ્લેખ આવતા એક લેખમાં વાંચતા-વાંચતા ઠેઠ છઠ્ઠે પાને પહોંચતા માલૂમ પડે છે કે તે અનુવાદક જયા મહેતાના પુસ્તક – અનુવાદની વાત છે. સ્ત્રોત / Source / સોર્સની ગેરહાજરીમાં ચાલુ રહેતી, રાખવી પડતી અટકળોની પરિસ્થિતિને તેમણે દુઃખદ ગણાવી હતી.

‘સૌંદર્યો પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે’ એવી કવિ કલાપીની ખ્યાત ઉક્તિનો અર્થવિસ્તાર કરતા યુવાન વિવેચક યશવંત શુક્લ ‘કલાપીએ નવું કશું જ કહ્યું નથી’ એમ કહેવાની હિંમત દાખવતા આગળ વધતા કહે છે કે ‘નડિયાદ પહોંચવા માટે નડિયાદ જવું પડે’ એમ કોઈ કહે તેના જેવી જ તે એક સીધી-સાદી ઉક્તિ છે.

‘ગુજરાતી નવલકથાનો નાભિશ્વાસ ચાલી રહ્યો છે’ એવી ટિપ્પણી કરનાર સુરેશ જોશી / Suresh Joshi સામે તેમણે એ વાતને હજી ‘ઘણું છેટું છે’ કહી પ્રતિવાદ કર્યો તે ઘટનાક્રમને રમણ સોનીએ મહત્વનો લેખાવ્યો હતો. ઉત્તમ નિબંધોના સર્જકે ‘જીવન એટલે સમય દળવાની ઘંટી’ જેવા ગુણવંત શાહના / Gunvant Shah ચબરાકિયા વિધાનો સામે શું કામ આફરીન પોકારી જવું પડે તે ન સમજાય તેવો અને કાયમી અનુત્તર રહેવા સર્જાયેલો પ્રશ્ન છે તેવી તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરીને તેમણે પોતાની વાત પૂરી કરી.

યશવંતભાઈએ કરેલા ત્રણ પુસ્તક અનુવાદોની નોંધ લેતા પુસ્તક પ્રસારક – પ્રકાશક જયંત મેઘાણીએ / Jayant Meghani જણાવ્યું કે મૅકિયાવેલીનું ઇટાલિયનભાષી ‘ધ પ્રિન્સ’ પુસ્તક સોળમી સદીમાં પ્રકટ થયું હતું. વાયા અંગ્રેજી થઇને ચારસો વર્ષે તેનો ગુજરાતી અનુવાદ નામે ‘રાજવી’ આપણને તેમની પાસેથી મળ્યો. સમયખંડના આટલા મોટા પટ છતાં તેમાંનું ગદ્ય ક્યાંય ખૂંચતું નથી એ અનુવાદકની મોટી સિધ્ધિ છે.

હેનરિક ઇબસનના નોર્વેજિયન નાટકનો અંગ્રેજી અનુવાદ ‘ધ લેડી ફ્રોમ ધ સી’નો ગુજરાતી અનુવાદ ‘સાગરઘેલી’ નામે (વર્ષ 1964) અને બર્ટ્રાન્ડ રસેલના ચિંતન-વિચાર ગ્રંથ ‘પાવર : અ સોશિઅલ અનાલિસીસનો ગુજરાતી અનુવાદ ‘સત્તા’ નામે (વર્ષ 1970) યશવંત શુક્લ પાસેથી મળ્યો. રસિકલાલ છો. પરીખ તેમના વિદ્યાર્થી યશવંતે કરેલા અનુવાદનો શબ્દે-શબ્દ જોઈ ગયા છે તેવી શિષ્યની પુસ્તકમાં સમાવિષ્ટ કેફિયતનો ઉલ્લેખ કરવા સાથે જયંતભાઈએ જણાવ્યું કે મૂળ કૃતિ જોતાં ક્યાંક તો એમ પણ લાગે છે કે અનુવાદકને પટ સાંકડો પડ્યો છે. યશવંતભાઈએ કરેલા અનુવાદો નવેસરથી આજના વિદ્યાર્થીઓને આપીને સંપાદિત અનુવાદનો નવો અભિગમ કેળવી શકાય તેમ છે. આજના ગુજરાતી અનુવાદ જગતમાં તેની ગેરહાજરી છે એમ જણાવતાં તેમણે ઉમેર્યું કે વિદેશી ભૂમિ પર વર્ષો અગાઉ આલેખન પામેલી રચના સંદર્ભે ત્યાંના ચિત્રો, નકશા, સંદર્ભ નોંધ, ફૂટનોટ કે ટિપ્પણીનું ઉમેરણ કરવામાં આવે તો નવા દાખલ થતા વાચક માટે તે વધુ વાચનક્ષમ બનાવી શકાય છે.

‘સત્તા’ની પ્રસ્તાવનામાં યશવંતભાઈની એક નુક્તેચીની ‘એકાધિક પુનર્મુદ્રણો થયા હોવા છતાં રસેલે એને મઠારવાની – નવસંસ્કરણ કરવાની તકલીફ નથી લીધી. કંઈ નહીં તો દ્રષ્ટાંતો બદલાવી શક્યા હોત અથવા બીજા વિશ્વયુદ્ધ પછીની સ્થિતિને લક્ષમાં રાખીને વિસ્તારી શક્યા હોત’ – આ ટિપ્પણીમાંથી જ સંપાદિત અનુવાદનો ખ્યાલ મળે છે તેમ જણાવતા જયંત મેઘાણીએ પોતાની વાત પૂર્ણ કરતા ઉમેર્યું કે તેમના અનુવાદિત પુસ્તકો આ કળા શીખવા કે શીખવવા માંગનાર માટે પાઠ્યપુસ્તકની – ટેક્સ્ટ-બુકની ગરજ સારે તેવા છે.

દિવસના બે ભાગમાં વહેંચાયેલા સેમિનારમાં સવારનો ભાગ યશવંત શુક્લના ફાળે હતો તો બપોર પછીની બેઠકમાં જશવંત ઠાકરની / Jashwant Thaakar સાથે બન્નેનું સ્મરણ કરવાનો ઉપક્રમ હતો. ત્રણ વક્તવ્યો પછી હવે વારો હતો સ્વજનો દ્વારા સ્મરણનો. એ પરંપરામાં પહેલો વારો હતો યશવંતભાઈના પુત્રી નીલાબહેનનો – નીલા જયંત જોશીનો.

પુત્ર અભિજાત જોશીને સાંભળતા નીલા જયંત જોશી
તત્વજ્ઞાનના નિવૃત્ત પ્રાધ્યાપક એવા નીલાબહેને / Neela Jayant Joshi તેમને આ વિષય ભણવાનું સૂચવનાર હીરાબહેન અને રામનારાયણ વી. પાઠકનું / Ramnarayan V. Pathak પહેલું સ્મરણ કર્યું. સાથે તેમણે આપેલા નામ ‘દેવકીબાઈ’ને પણ યાદ કર્યું. પિતાજી વિશે મીઠી ફરિયાદ કરતા કહ્યું કે, ‘વાચકો, ભાવકો, વિદ્યાર્થીઓ, સાથી અધ્યાપકો અને મિત્રોને તેમના સંગનો જેટલો લાભ મળ્યો છે એટલો અમને સંતાનોને નથી મળ્યો.’ ચાર બાળકોની અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે વિધવા થયેલી મા સાથે ઉમરેઠ / Umreth ગામમાં વિતેલા યશવંતભાઈના સંઘર્ષપૂર્ણ બાળપણને સ્મરતા તેમણે એક કહેવતને પણ યાદ કરી – ‘ઉમરેઠ ગામના ઊંડા કુવા, દીકરી આપે તેના મા-બાપ મુઆ’. વિષમ કૌટુંબિક સંજોગો વચ્ચે કિશોર વયે પહોંચેલા યશવંતે આર્થિક ઉપાર્જન માટે ગોરપદું જ કરવું એવા મોટાકાકાના આગ્રહને બાના સાડલાની સોડમાં સંતાઇને ‘બા, મારે આ નથી કરવું, ભણવું છે’ કહીને કેવો નકાર્યો તેનું સાંભળનારને આંખમાં કોઈ પણ ક્ષણે આંસુ લાવી દે તેવું બયાન નીલાબહેને કર્યું. તેમણે કરેલા વર્ણન પરથી એ પણ સમજાય કે આમ ન થયું હોત તો આપણને યશવંતભાઈ શિક્ષણકાર રૂપે ન મળ્યા હોત.

પિતાને ‘ભાઈ’નું સંબોધન કરનાર નીલાબહેન યાદ કરે છે કે જૂના પ્રેમાભાઈ હોલની તેમની નોકરીને કારણે જ નાટકના રિહર્સલ જોવા મળતા હતા. એકવાર નાટક ભજવાઈ ગયા પછી ‘ભાઈ,તમે ત્રીજી હરોળમાં બેઠા હતા ને?’ એવું પૂછતી નીલાને ‘તું નાટક કરતી હતી કે મને જોતી હતી?’ એવી વઢ પણ પડે છે. યશવંતભાઈ ભૂલો કાઢે એવો ડર સતાવતો રહેવાને કારણે જ લગ્ન પછી ‘જોશી’ પરિવારમાં પહોંચેલા નીલા શુક્લ તેમનો પીએચ.ડીનો શોધનિબંધ / થિસીસ સસરાને બતાવતા પણ પપ્પાને નહીં.

વક્તાઓ સાથે યશવંત શુક્લનો બૃહદ પરિવાર
ભાઈ (યશવંત શુક્લ)ને કારણે જ રા.વિ. પાઠક, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી / Vishnuprasad Trivedi જેવા સાક્ષરોનો અંતરંગ પરિચય થયો તો ‘જયંતથી વધુ સારો મુરતિયો નીલાને નહીં મળે’ એવી પંડિત સુખલાલજીની સલાહ પછી જ મમ્મી લગ્ન માટે રાજી થયા. આમ કહેતા નીલાબહેન બપોરના ભોજન વિરામ સમયે મને કહેતા હતા કે પહેલા પપ્પાથી ડરતી હવે હું બન્ને દીકરાઓથી (અભિજાત જોશી અને સૌમ્ય જોશી) ડરું છું. કશુંક આડું-અવળું બોલાઈ જવાનો ઉંમરસહજ ડર અનુભવતા તેઓ જો કે પિતા વિશે અસ્ખલિત બોલતા રહ્યા. પોતાને મળેલા ભણતર-ઘડતરનો સઘળો શ્રેય તેમણે વિદ્યાનગર હાઇસ્કૂલ અને સી.એન. વિદ્યાલયને આપ્યો.

ઉમરેઠમાં આઠ ધોરણ સુધીનો અભ્યાસ કર્યા પછી આગળ અભ્યાસ કરવા માટે કિશોર વયનો યશવંત અમદાવાદમાં સારંગપુર દરવાજા બહાર તળિયાની પોળમાં રહેતા અદિતરામ કાકાને ત્યાં રહેવા આવ્યો અને શિક્ષણકાર – નિબંધકાર બનીને નવરંગપુરા, સદ્મ સોસાયટીના ઘરમાં આખરી શ્વાસ પામ્યો. એવા શ્વાસ જેવા તે પોતે કિશોરાવસ્થાથી ઇચ્છતો હતો.

એક વિદ્યાર્થિની તરીકે અને સ્વજન રૂપે નીલાબહેને નાટ્યકાર જશવંત ઠાકરને પણ યાદ કર્યા. તેઓ એચ.કે.માં નાટક ભણાવવા આવ્યા એ પહેલા નીલાબહેનના મનમાં નાટકો માત્ર જોવા – ભજવવાનો જ ખ્યાલ હતો. તે એક વિદ્યા છે અને તેને ભણી શકાય તેવી કોઈ સમજ તેમનામાં નહોતી. એ સમજણ જ.ઠાએ વિક્સાવી. બાલ ગાંધર્વ અને જયશંકર સુંદરીની વેશભૂષા કરતા શાંતિકાકા નીલાને સાડી પહેરવાનું શીખવતા – પહેરાવતા. ઘર કરતા વધુ સમય એચ.કે.માં વીતાવતા જ.ઠા વિશે અભિનેતા – દિગ્દર્શક પ્રવીણ જોશી / Pravin Joshi કહેતા કે ‘અમે લોકોને ગમતા નાટકો કરીએ છીએ, લોકોને કેવા નાટકો ગમવા જોઇએ તે જ.ઠા કરે છે.’

રીટા આશુતોષ (પુત્રવધૂ) અને આશુતોષ યશવંત શુક્લ
નીલાબહેન પછી યશવંતભાઈને યાદ કરવાનો વારો હતો પુત્રનો – આશુતોષ યશવંત શુક્લનો / Ashutosh Yashwant Shukla. પપ્પાના સંગનો લાભ સંતાનોને નથી મળ્યો એવી બહેન નીલાની ફરિયાદને તેમણે એકથી વધુ વખત નકારી. સવારની પહેલી કીટલીભર ચા સાથે પીતા હતા એમ યાદ કરવા સાથે તેમણે ઉમેર્યું કે માંદા થઇને પથારીમાં પડ્યા રહીએ તો ભાઈ કહેતા કે, ‘ડ્રોઇંગરૂમમાં આવીને બેસશો તો હું કંઈ તમને સ્કૂલે નહીં મોકલી દઉં.’ આવી જ રીતે એક વારા સોફામાં આડા પડીને કશુંક વાંચતા આશુતોષને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સાથે આ પ્રમાણે સંવાદ થયો.

શું વાંચો છો?”, “પુસ્તક”, “કોનું છે?”, “મારું.”, “બરાબર છે. તમારું જ છે. પણ હું એમ પૂછું છું કે તેના લેખક કોણ છે?” પચાસેક વર્ષનો ગાળો વીતી ગયા પછી પણ ઉપરોક્ત સંવાદ અને આ પ્રકારના અનેક પ્રસંગોને માણી શકતા, તેનું બયાન કરી શકતા આશુતોષ શુક્લ અમદાવાદમાં વ્યવસાયી એન્જિનિઅર – ઉદ્યોગકાર તરીકે કાર્યરત છે. જેમના માટે યશવંતભાઈ ક્યારેક એવો વસવસો પણ કરતા હતા કે, ‘આશુ તારે આર્ટસ્ લેવા જેવું હતું.’ સાંભળનારને આજે પણ સાચો લાગે તેવો વસવસો.

જસવંત ઠાકરને યાદ કરતા તેમણે કહ્યું કે ‘પરિત્રાણ’ નાટકમાં અભિમન્યુની ભૂમિકા ભજવતો નિયમિત કલાકાર સમયસર આવ્યો નહીં ત્યારે જસવંતકાકા તેમને એચ.કે. કૅમ્પસના આચાર્યનિવાસથી સીધા જ રાજકોટ લઈ ગયા હતા. ભૂમિકાને કંઈક અંશે જાણતા – સમજતા આશુતોષે જ્યારે જ.ઠાને એમ કહ્યું કે ‘પોતે પોતાની રીતે પાઠ ભજવી લેશે’. આટલું સાંભળતા જ જ.ઠા તાડૂકી ઉઠેલા કે...No You will only act which you were taught…Understand? (તમને જે શિખવાડ્યું છે એ અને એટલું જ કરવાનું છે. સમજ્યા?)

પોતાની વાતને વિરામ આપતા આશુતોષભાઈએ કહ્યું કે રા.વિ. પાઠક, હીરાબહેન, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, સ્નેહરશ્મિદાદા (ઝીણાભાઈ દેસાઈ) / Zinabhai Ratanji Desai ‘Snehrashmi’, મનુભાઈ પંચોળી, ગુલાબદાસ બ્રોકર / Gulabdas Broker, સિતાંશુ યશશ્ચંદ્ર અને પ્રકાશ ન. શાહ સરખા પપ્પાના ગુરુઓ, મિત્રોના અવિરત સાથ-સંગાથ થકી અમારા સમગ્ર પરિવારનું ઘડતર થયું છે.

અભિજાત જયંત જોશી
‘મુન્નાભાઈ એમ.બી.બી.એસ’ અને ‘થ્રી ઇડીઅટ્સ’ જેવી હિન્દી ફિલ્મોના સ્ક્રિપ્ટ રાઈટર તરીકે આજે જાણીતા એવા અભિજાત જોશીની / Abhijat Joshi પારિવારિક ઓળખ એટલે યશવંતભાઈના દોહિત્રની. દાદા સાથેની તેમની સ્મૃતિઓ છૂટક એન્ટ્રીરૂપે હોવાનું તેમણે જણાવ્યું. કારકિર્દીની પહેલી ફિલ્મ ‘કરીબ’ (વર્ષ 1996) જોવા દાદા મિત્ર ચીનુભાઈ નાયક સાથે ભદ્રના એડવાન્સ થિએટરમાં (હવે નથી, ધ્વસ્ત થઈ ગયું) પહોંચી ગયા હતા. મારી જ હોવા છતાં કહું છું કે આ ફિલ્મ એટલી બધી બકવાસ હતી કે દાદાનો પ્રતિભાવ જાણવાની મારી કોઈ હિંમત નહોતી અને એમણે કોઈ રિસ્પૉન્સ નહીં આપીને મારી આબરૂ જાળવી લીધી હતી.

બપોરના ભોજનવિરામ પછીની બેઠકમાં નાટ્યકાર જશવંત ઠાકરના રંગકર્મ વિશે બે વ્યાખ્યાનો આયોજિત હતાં. નાદુરસ્ત તબિઅતને લઇને ખુદ રંગકર્મી એવા બન્ને વક્તાઓ હસમુખ બારાડી / Hasmukh Baradi અને ભરત દવે / Bharat Dave કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા નહોતા. જો કે તેમની ખોટ અનુભવવાને કોઈ કારણ નહોતું. રેડિયો જોકી તરીકે અમદાવાદમાં કાર્યરત દેવકીએ / Devki Dave ઉપસ્થિત રહીને પિતા ભરત દવેએ તૈયાર કરેલા વ્યાખ્યાનનું પ્રસંગોચિત ઉમેરણ સાથે પઠન કર્યું. ઉમેરણ એટલા માટે યથાર્થ ઠરે એમ હતું કેમ કે દેવકીની બીજી ઓળખ જશવંત ઠાકરના દોહિત્રી તરીકે – રંગકર્મી અદિતિ દેસાઈના / Aditi Desai પુત્રી તરીકે આપી શકાય એમ છે.

દેવકી દવે

પિતાના લેખનું પઠન અને નાનાનું સ્મરણ
વ્યાખ્યાનનું પઠન કરતા અગાઉ દેવકીએ નાના સાથેના બાળવયના પ્રસંગો સંસ્મરણો રૂપે કહ્યા તો ભરત દવેએ જ.ઠાની સંઘર્ષપૂર્ણ કારકિર્દીનો પૂરો આલેખ તેમના સંશોધનાત્મક લેખમાં આપ્યો હતો. એવો આલેખ જેમાં ભાગ્યે જ કોઈ મહત્વની વિગત રહી જવા પામી હોય.

અભ્યાસક્રમના ધોરણે નાટ્યકર્મ શીખવતી હસમુખ બારાડીની જ સંસ્થા ‘થિએટર મીડિઆ સેન્ટર’ દ્વારા તૈયાર થયેલી વીડિઓ સીડીના માધ્યમથી તેમના વક્તવ્યનો લાભ મળ્યો. હસમુખભાઈએ / Hasmukh Baradi રંગકર્મી તરીકે જ.ઠાની ભિન્ન છટાઓ વર્ણવી. જ.ઠાએ વિશ્વના નાટકોનો પરિચય ગુજરાતને – ગુજરાતીઓને ઘરઆંગણે કરાવ્યો. તેમણે આપેલા વૈશ્વિક કક્ષાના પ્રદાનની સામે તેમની નોંધ લેવામાં આપણે કેટલા ઊણા ઉતર્યા છીએ તેની ફરિયાદ વિગતો પણ બારાડીએ કહી. હજી મોડું નથી થયું અને શતાબ્દીટાણાએ એ ભૂલ સુધારી લેવાની એક તક આપી છે તો ગુજરાતે આ કામ કરી લેવા જેવું છે એમ તેમણે સૂચન કર્યું.

પ્રવીણ પંડ્યા : જ.ઠા.ની જિંદગી
બન્ને વ્યાખ્યાનો પછી હવે વારો હતો છેલ્લી બેઠકનો – વાચિકમનો. નાટ્યકાર – રંગકર્મી પ્રવીણ પંડ્યાએ / Pravin Pandya જશવંત ઠાકર લિખિત નાટ્યાંશોનું પઠન કરતા અગાઉ જણાવ્યું કે તેઓ યશવંત શુક્લ અને જશવંત ઠાકર એમ બન્નેના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. ભવન્સમાં ભણાવવા આવતા જ.ઠા ત્યાં આવતા પહેલા ગુજરાત કૉલેજ / Gujarat College, Ahmedabad પાસેના ખાડાવાળાના દાળવડા ટેસથી ખાતા અને ત્યાંથી એચ.કેની ફૂટપાથે મળતી ચા પીવા આવતા. દાળવડા અને ચા વાળો તેમની આ ટેવથી એટલા પરિચિત થઈ ગયેલા કે રીક્ષામાંથી પગ નીચે મુકતા તેમને જોઇને જ ડીશ તૈયાર કરી લાવતા. ભવન્સના લેક્ચર પછી ઑટોરિક્ષા માટે શાહપુરના શંકરભુવન સુધી કાયમ સંગાથ આપતા પ્રવીણને તેઓ કહેતા કે થિયેટર ચણા ફાકવાથી શરૂ થાય છે. આમ કહી તેઓ યુવાન પ્રવીણને પોતાની સાથે જ રીક્ષામાં નવરંગપુરા સુધી આવવા કહેતા. જો કે અન્યત્ર રહેઠાણ હોવાને કારણે એવો લાભ કદી લઈ શકાય તેમ નહોતું એમ પ્રવીણ પંડ્યાએ જણાવ્યું. જસવંત ઠાકરના અનુવાદિત નાટકોને પણ એક સ્વતંત્ર નાટક રૂપે જ જોવાની અને એ તરાહ પર જ તેમના નાટ્યકર્મનો અભ્યાસ કરવાની વિનંતી સાથે તેમણે પઠનનો પ્રારંભ કર્યો.

દાદાના દોહિત્રા : સૌમ્ય જોશી, અભિજાત જોશી અને દેવકી દવે
કવિ – પ્રાધ્યાપક – નાટ્યકાર તરીકે આજે જાણીતા એવા સૌમ્ય જોશીની / Saumya Joshi પારિવારિક ઓળખ એટલે યશવંતભાઈના દોહિત્રની. તેમણે યશવંત શુક્લના અતિ જાણીતા, વખણાયેલા, એકથી વધુ સંપાદનોમાં સ્થાન પામેલા ‘મોટી’ ચરિત્રનિબંધનું વાચન કર્યું. ‘મોટી’ એટલે યશવંતભાઈનાં બાનો બાયોડેટા. વાંચવો અનિવાર્ય.

અભિજાત જોશી, આશુતોષ શુક્લ અને હસિત મહેતા
નડિયાદ / Nadiad ખાતે આયોજિત એક દિવસીય સેમિનારમાં કવિ હર્ષદ ચંદારાણા / Harshad Chandarana, લઘુકથાઓના લેખક હરીત પંડ્યા, એમ.એસ. યુનિવર્સિટીના ગુજરાતીના પ્રોફેસર રાજેશ પંડ્યા / Rajesh Pandya, કવિ – નાટ્યકાર – અભિનેતાની બહુમુખી ઓળખ ધરાવતા હરીશ ઠાકર, પૂર્વ સનદી અધિકારી અને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી (ઉત્તર ગુજરાત)ના પૂર્વ ઉપકુલપતિ કુલીનચંદ્ર યાજ્ઞિક / Kulinchandra Yagnik, નવલકથાકાર ધ્રુવ ભટ્ટ / Dhruv Bhatt, નિબંધકાર – પ્રાધ્યાપક મણિલાલ હ. પટેલ / Manilal H. Patel, મેઘરજની આર્ટસ્ કૉલેજના ગુજરાતીના અધ્યાપક અજયસિંહ ચૌહાણ / Ajaysinh Chauhan સહિત વિવિધ કૉલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ પૂરા દિવસ માટે કાન દઇને હાજર રહ્યા હતા.

કાર્યક્રમ –પરિસંવાદમાં આયોજકો દ્વારા અપાયેલા કે પોતે પસંદ કરેલા વિષયને પણ ચાતરી જઈને કોઈક અલગ જ મુદ્દે ચઢી જતા વક્તાઓ – પેપર પ્રેઝન્ટરો માટે વિષયને વફાદાર રહીને મુદ્દાસર રજૂઆત કેવી રીતે થાય તે શીખવા-સમજવા માટે પણ આ કાર્યક્રમ પ્રેરણાદાયી બની રહે એવો હતો.

સંયોજક અને આયોજક

સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા અને હસિત મહેતા
કાર્યક્રમ પછીની અનૌપચારિક મુલાકાતમાં હસિત મહેતાએ / Hasit Mehta કહ્યું કે સાહિત્યિક સામયિકોમાં પ્રકટ યશવંત શુક્લના લેખોની સંખ્યા એટલી છે કે તે અગ્રંથસ્થ લેખોમાંથી ત્રણ પુસ્તકો થઈ શકે. ગુજરાતે શતાબ્દી વર્ષે આ કામ પણ કરવા જેવું છે.

કૅમ્પસના પાર્કિંગથી પેન્ટ્રી (ભોજનખંડ) સુધી સહુ પ્રાધ્યાપક – કર્મચારીગણમાં સ્વજનોના દર્શન થયાં તેવી સૂરજબા મહિલા આર્ટસ્ કૉલેજના યજમાનપદ વાળા આયોજનમાં સામેલ સહુને શતાબ્દી-સર્જકો જેટલા જ વંદન – અભિનંદન.

(નોંધ: કર્મશીલ પત્રકાર-લેખક પ્રકાશ ન. શાહના તંત્રીપદે તેમજ વિપુલ કલ્યાણી અને કેતન રૂપેરાના સંપાદન સહાય હેઠળ પ્રકાશિત થતા વિચારપત્ર પાક્ષિક ‘નિરીક્ષક’ના 1 એપ્રિલ 2016ના અંકમાં ‘સ્મરણવિશેષ’ વિભાગ તળે ઉપરોક્ત સેમિનાર અહેવાલ સંપાદિત થઈને પ્રકાશિત થયો છે.)


(કાર્યક્રમની તસવીરો : બિનીત મોદી અને આયોજક સંસ્થાના સૌજન્યથી)