ગુજરાત વિધાનસભા ભવન
ગાંધીજીની પ્રતિમા : શિલ્પકાર રામ સુથાર (નવી દિલ્હી)
|
ભારતમાં સંસદની કે તેના કોઈ એક કે તેથી વધુ રાજ્યોમાં
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી હોય તો કોણે – કોણે તૈયારીઓ શરૂ કરવી પડે? પ્રશ્ન એક જ છે પણ તેના જવાબો એકથી વધુ છે. જેમ કે કેન્દ્રીય
ચૂંટણી પંચ, / Election Commission of India
/ www.eci.nic.in રાજ્યનું
ચૂંટણી પંચ, ચૂંટણી યોજવા માટે જેમની મદદની જરૂર ઊભી થવાની છે તેવા
તમામ સરકારી – અર્ધસરકારી વિભાગો અને આ કવાયત જેમના માટે થઈ રહી છે તેવા નોંધાયેલા
– નહીં નોંધાયેલા – નોંધણી માટે અને પોતાની નોંધ લેવાય એ માટે મથી રહેલા એવા તમામ પ્રકારના
રાજકીય પક્ષો.
આપ સૌ જાણો છો તેમ ગુજરાતમાં આગામી સમયમાં રાજ્ય વિધાનસભાની
ચૂંટણીઓ આવી રહી છે. તેરમી વિધાનસભાની રચના માટે બારમી વખતની ચૂંટણી બારમા મહિનામાં
યોજાશે. આપ એ પણ જાણો છો કે ગુજરાત / Gujarat / www.gujaratindia.com તો નંબર
વન રાજ્ય છે એટલે ચૂંટણીની તૈયારીને અનુલક્ષીને જે જવાબો ઉપર લખ્યા છે તે તો તેને લાગુ
પડે જ પડે. પણ નંબર વન રાજ્ય હોવાના કારણે તેને વધારાના એક જવાબનો લાભ પણ આપવો પડે.
એમ સમજોને કે બોનસ.
તો ગુજરાત રાજ્ય વિધાનસભાની ચૂંટણી નજીક આવવાના કારણે
હરકતમાં આવીને તૈયારીઓમાં લાગી જનારી વધારાની એક સંસ્થાનું નામ છે – ગુજરાત એક્સ એમ.એલ.એ
કાઉન્સિલ / Gujarat Ex MLA Council. તૈયારીઓ કરવામાં ખાસ કશું કરવાનું છે નહીં, માત્ર થોડા ફોર્મ છપાવી રાખવાના છે.
“શેના ફોર્મ? અને થોડા એટલે કેટલા?”
“ગુજરાત એક્સ એમ.એલ.એ કાઉન્સિલનું
સભ્યપદ મેળવવાના ફોર્મ...અને થોડા એટલે બસો – ત્રણસો જેટલા.”
“અરે એમ તે હોતું હશે કંઈ? એટલા બધા ફારમ છપાવીને
શું કામ છે? ગુજરાત વિધાનસભાના ધારાસભ્યોની / Member of Legislative Assembly બેઠક સંખ્યા તો 182 છે. ફોર્મ છપાવીને તરત પસ્તી ભેગા કરવાના છે કે શું?”
“તમે યાર છાપાં વાંચો છો કે નહીં? અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં
‘નો રિપીટ’ થિયરી ચાલી ગઈ એટલે સત્તાધારી ભારતીય જનતા પક્ષના ધારાસભ્યોનો
આત્મવિશ્વાસ વધી ગયો છે કે આપણો ‘ઘડોલાડવો થવો’ નક્કી છે.”
“ઓ.કે. વિરોધપક્ષે રહેલા કોંગ્રેસના
આત્મવિશ્વાસનું કેમનું છે?”
“એમને ત્યાં ‘નો રિપીટ’ થિયરીની પત્રકાર પરિષદ બોલાવીને સત્તાવાર ધોરણે જાહેરાત
કરવામાં આવી છે એટલે અત્યાર સુધી ટિકિટ માટે જેઓ નિશ્ચિંત થઈને ડોલતા હતા એવા વર્તમાન
ધારાસભ્યો અને ટિકિટવાંચ્છુઓનો ‘આત્મવિશ્વાસ’ નવેસરથી ડગમગી ગયો છે.”
“તો હવે એ લોકોએ કરવાનું શું?”
“કહ્યું તો ખરું. ફારમ છપાવવાના છે તે એનો ઉપયોગ કરી લેવાનો.
કાઉન્સિલનું સભ્યપદ મેળવી લેવાનું.”
તો આમ વાત છે. ગુજરાત એક્સ એમ.એલ.એ કાઉન્સિલ બસો – ત્રણસો
ફોર્મ છપાવશે એ તો ચપટી વગાડતામાં ખપી જશે. કાઉન્સિલે તેનો હેતુ વિશાળ રાખ્યો છે. આ
પ્રકારની સંસ્થામાં પક્ષના ભેદ તો આમેય ન હોય પણ એના કર્તા-હર્તાઓએ તો ત્યાં સુધી જાહેરાત
કરેલી છે કે લોકસભાના સંસદસભ્યો અને ગુજરાતના ધારાસભ્યોના મતથી ચૂંટાતા રાજ્યસભાના
સંસદસભ્યો માટે પણ તેનું સભ્યપદ ખુલ્લું છે.
તો તો ભૂતપૂર્વ ધારાસભ્યોની પંચાયતમાં સભ્યોની પડાપડી
હશે એવું અનુમાન લગાવવાનું મન થાય. જો કે ખરેખર એવું છે નહીં. પડાપડી નહીં થવાના કારણો
પણ કાઉન્સિલની રચના જેવા જ વિશિષ્ટ છે. મુખ્ય કારણ તો ‘ભૂતપૂર્વ’નું લેબલ લાગી જનાર એમ.એલ.એને
ઊંડે-ઊંડે તેના ધારાસભ્યપદનો વર્તમાન પાછો આવશે તેવો આત્મવિશ્વાસ હોય છે. કમ-સે-કમ
એક – બે ચૂંટણી સુધી તો પક્ષની અને એ ન મળે તો વિરોધપક્ષની ટિકિટ મેળવવાના પ્રયત્નો
ચાલુ રાખવા પડે છે. એય ન મળે તો ચલતા પૂર્જા જેવા કોઈ પણ પક્ષની ટિકિટ ખરીદીને પણ ‘એમ.એલ.એ માર્કેટ’માં પોતાનું નામ ચાલુ રહે એવા
યથાશક્તિ પ્રયત્નો કરવા પડે.
હવે આ સમયગાળો એવો છે કે ‘ભૂતપૂર્વ’ બની ગયેલા ધારાસભ્યને કાઉન્સિલ તરફથી ‘માગાં’ આવવાના શરૂ થાય છે અને ચોક્કસ સમયગાળા સુધી ચાલુ રહે
છે. કાઉન્સિલના હોદ્દેદારો તેને સમજાવતા રહે છે કે, ‘ભાઈ (અથવા બહેન), તમે હવે ભૂતપૂર્વ ધારાસભ્ય
બની ગયા છો તો અમારી ભેગા જોડાઈ જાવ અને તમારો વર્તમાન સુધારી લો.’ કેટલાક સમજુઓ આ સમજાવટ પછી તરત જ એક્સ એમ.એલ.એ. કાઉન્સિલના
મેમ્બર બની જાય છે. જે લોકો સભ્યપદ નથી લેતા એ તો ક્યારેય નથી લેવાના. અને પછી તો એમને
‘માગાં નાંખવાનું’ મતલબ કે વિનંતીઓ કરવાનું પણ બંધ કરવામાં આવે છે. એવા
કેટલાક નમૂના બન્ને બાજુથી રહી જાય છે. વિધાનસભામાં પુનઃપ્રવેશની તક મળતી નથી અને કાઉન્સિલ
સાથે પણ કિન્ના બંધાતી નથી.
ભૂતપૂર્વ ધારાસભ્યોની પંચાયત જેવી પરિષદનું સભ્યપદ મેળવવું
શું કોઈ ‘એક્સ એમ.એલ.એ’ માટે અતિ આવશ્યક છે? એવા પ્રશ્નનો જવાબ
આપતા કાઉન્સિલના ચેરમેન શંકરલાલ ગુરૂ / Shankerlal Guru જણાવે છે કે...“ધારાસભ્યોની જેમ વિધાનસભા હોય
છે તેમ પૂર્વ ધારાસભ્યોનું આ એક સંગઠન છે. ગુજરાતે તેમ કરવામાં પહેલ કરી છે એમ કહેવામાં
સહેજે અતિશયોક્તિ એટલા માટે નથી કેમ કે આપણા દાખલા પરથી અન્ય રાજ્યોમાં આ પ્રકારે સંગઠનોની
રચના થઈ છે. એવા સંગઠનો વચ્ચે એક સેતુ રચાય તેવા પ્રયત્નો પણ થઈ રહ્યા છે. પૂર્વ સંસદસભ્યો
અમારું સભ્યપદ મેળવવામાં ઝાઝો રસ દાખવતા નથી એ પણ હકીકત છે.”
કામગીરીની રીતે જોઇએ તો સરકારી – અર્ધસરકારી વિભાગો, બેન્ક કે વીમા કંપનીના કર્મચારીઓનું હોય છે તેવું જ આ
એક સંગઠન છે. ફરક એટલો જ કે તે ભૂતપૂર્વ ધારાસભ્યોનું સંગઠન છે જેમની નોકરીની મુદત
નક્કી હોય છે – પાંચ વર્ષ. મુદત વીત્યે નવેસરથી ચૂંટાય તો નોકરી ચાલુ રહે બાકી ઘરભેગા
થવાનું.
1997માં કાઉન્સિલની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીની એકમાત્ર, અગ્રતાક્રમમાં પણ ટોચ પર આવતી (સ્વાભાવિક છે!) સક્રિય કામગીરીનું ટાઇટલ છે – ભૂતપૂર્વ ધારાસભ્યોને પેન્શન
અપાવવું. કહ્યું ને કર્મચારીઓનું હોય તેવું જ આ એક સંગઠન છે જે ગુજરાતના જાહેર પ્રશ્નો
કે પ્રજાની સમસ્યાઓ પરત્વે તદ્દન નિષ્ક્રિય છે. ‘પેન્શન’ તેમના માટે યક્ષપ્રશ્ન છે અને એ બાબતમાં તેઓ અન્ય રાજ્યોને
અનુસરે છે. શંકરલાલ ગુરૂ ‘ગર્વપૂર્વક’ કહે છે કે કેટલાક રાજ્યોએ ગુજરાતનું જોઇને કાઉન્સિલની
રચના કરી દીધી અને તેના ધારાસભ્યોને પેન્શનનો હક્ક આપી દીધો. દેશના અઠ્ઠાવીસ રાજ્યોના
પૂર્વ ધારાસભ્યોને મળે છે એવો હક્ક લેવામાં ગુજરાતના ધારાસભ્યોએ મોં વકાસીને જોઈ રહેવું
પડે છે. પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવાનું બીલ ગુજરાત વિધાનસભામાં કેમેય કરીને પસાર
થતું નથી કેમ કે કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી. એટલા બધા વર્ષો પસાર થઈ ગયા છે કે આ પ્રકારનું
કોઈ બીલ પસાર થવા વિધાનસભાના ફ્લોર પર આવ્યું હતું કે કેમ એ પણ હવે સંશોધનનો વિષય છે.
તાલેવંત ધારાસભ્યોની સરખામણીએ પેન્શનની આવકની જરૂર હોય તેવા ધારાસભ્યો તો હવે માંડ
એક હાથની આંગળીઓના વેઢે ગણાય એટલા રહ્યા છે. તેમને લાભ આપવા બધા ધારાસભ્યોને સાગમટે
પેન્શન આપવું જરૂરી નથી તેવો પણ એક મત પ્રવર્તે છે.
શંકરલાલ ગુરૂ / Shankerlal Guru જે પેન્શનને ધારાસભ્યના ‘હક્ક’ તરીકે ઓળખાવે છે તેવો હક્ક લેવામાં પણ કોઇક અપવાદ તો
હોય ને? પ્રથમ
વિધાનસભામાં ખેડા જિલ્લાની નડિયાદ / Nadiad બેઠકનું પ્રતિનિધિત્વ કરનાર મહેન્દ્ર દેસાઈ /
Mahendra Desai ધારાસભ્યપદ
મટી ગયા પછી કાઉન્સિલના સભ્ય બન્યા પરંતુ આ પેન્શનનો હક્ક મેળવવાની બાબતમાં તેઓ કાઉન્સિલની
સાથે નહોતા. અરે સાથે શું નહોતા...એમણે તો તેના વિરોધમાં અમદાવાદના સાબરમતી આશ્રમમાં
એક નહીં બે વાર જાહેર ઉપવાસ કર્યા હતા. અહીં ખાસ નોંધવાનું કે પેન્શનનો હક્ક માંગનાર
અને તેના વિરોધમાં ઉપવાસ કરનાર બન્ને પૂર્વ ધારાસભ્યો જે તે સમયે એક જ રાજકીય પક્ષનું
પ્રતિનિધિત્વ કરતા હતા – સ્વતંત્ર પક્ષ.
ભૂતપૂર્વ ન થયા હોય તોય પેન્શનનો વિરોધ કરતા હોય એવા બીજા
ધારાસભ્યનું નામ છે મહેન્દ્ર મશરૂ / Mahendra Mashru. જૂનાગઢની / Junagadh બેઠકનું પ્રારંભે અપક્ષ પ્રતિનિધિત્વ કરતા તેઓ પાછળથી
ભારતીય જનતા પક્ષની બેઠક પર ચૂંટાઈ આવ્યા પરંતુ તેમના વલણમાં કોઈ ફરક પડ્યો નથી. એક
માહિતી પ્રમાણે પાંચ ટર્મથી ચૂંટાતા મશરૂ વર્તમાન બારમી વિધાનસભાના ધારાસભ્ય તરીકે
મળવાપાત્ર પગાર અંતર્ગત પ્રતિકાત્મક ધોરણે દર મહિને માત્ર એક રૂપિયો જ સ્વીકારે છે. ગુજરાતના
રાજકીય ઇતિહાસમાં ધારાસભ્ય મહેન્દ્ર મશરૂને ત્રણ બાબતો માટે યાદ કરવામાં આવશે – પેન્શનનો
વિરોધ કરનાર, પગાર નહીં સ્વીકારનાર અને જૂનાગઢના પ્રથમ મેયર તરીકે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની
છે એવા 2012ના આ વર્ષે કાઉન્સિલની
સક્રિયતાનું એક ઉદાહરણ તેના એક જાહેર નિવેદનમાંથી મળે છે. જુલાઈ મહિનામાં મળેલી બેઠકમાં
થયેલી ચર્ચા પછી કાઉન્સિલે ભારત સરકાર તેમજ ચૂંટણી પંચને પત્ર લખી એક સૂચન કર્યું છે
કે અમેરિકાની જેમ દેશમાં પાર્લામેન્ટથી લઈને પંચાયત સુધીની ચૂંટણીઓ દર પાંચ વર્ષે એક
સાથે જ યોજો. એમ કરવાથી ચૂંટણી યોજવા માટે કરવા પડતા ખર્ચમાં તો બચત થશે જ, લાખો માનવ કલાકો વેડફાતા બચી જશે. કાઉન્સિલે પત્રમાં
એમ પણ લખ્યું છે કે જરૂર પડે તો આ માટે બંધારણમાં પણ ફેરફાર કરો. એટલે ભારતના બંધારણમાં
ફેરફાર કરાવવાની ઇચ્છા માત્ર અન્ના હજારેને કે અરવિંદ કેજરીવાલને જ હોય તેવું નથી.
શંકરલાલ ગુરૂ કાઉન્સિલના આજીવન અધ્યક્ષ |
એવી ઇચ્છા રાખનારનું નામ શંકરલાલ ગુરૂ પણ હોઈ શકે છે.
આવો થોડું તેમના વિશે પણ જાણીએ. સત્તાવાર રીતે શંકરભાઈ મોહનલાલ પટેલ /
Shankerbhai Mohanlal Patel નામ ધરાવતા
તેઓ રાજકીય – બીનરાજકીય અને સહકારી ક્ષેત્રે ‘શંકરલાલ ગુરૂ’ના નામથી
વધુ જાણીતા છે. સ્વતંત્ર પક્ષ તરફથી ઊંઝા / Unjha વિધાનસભાનું પ્રતિનિધિત્વ તેમણે માત્ર એક જ વાર ત્રીજી
ગુજરાત વિધાનસભા (1967 – 1972)માં કર્યું હતું. 1 ઓગસ્ટ 1928ના રોજ સિધ્ધપુર તાલુકાના ઉનાવામાં જન્મેલા તેઓ ‘ગુજરાત એક્સ એમ.એલ.એ કાઉન્સિલ’ની 1997માં સ્થાપના થઈ ત્યારથી તેના પ્રમુખ છે અને 2012માં પણ એ જ હોદ્દે બિરાજે છે. એ ઉપરાંત ખેતીવાડી ક્ષેત્રે
થતાં સંશોધનોમાં રસ ધરાવે છે. એ માટે દેશ-પરદેશનો પ્રવાસ પણ ખેડ્યો છે, હજી ખેડી રહ્યા છે.
અધિવેશનમાં ઉપસ્થિત પૂર્વ ધારાસભ્યો |
હા, યાદ આવ્યું. આ ખેતી
વિષયક થતા સંશોધનોનો આધાર લઈને જ ફેબ્રુઆરી 2005માં કાઉન્સિલનું એક અધિવેશન
ગાંધીનગરના ટાઉન હોલમાં યોજાયું હતું. અધિવેશનના ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહેલા ગુજરાતના
તત્કાલીન રાજ્યપાલ પંડિત નવલ કિશોર શર્મા / Nawal Kishore Sharma તેમના વક્તવ્યમાં એવું બોલ્યા
હતા કે આપ સૌની જેમ હું પણ વિધાયક (ધારાસભ્ય) રહી ચૂક્યો છું એટલે પેન્શન મેળવવાની
આપની પીડા સમજી શકું છું. નવલ કિશોર શર્માનો બાયોડેટા જોતા જણાય છે કે તેઓ રાજસ્થાનમાંથી / Rajasthan પ્રથમ લોકસભામાં ચૂંટાતા હતા
અને સક્રિય રાજકારણના પાછળના વર્ષોમાં તેમણે રાજ્યના રાજકારણમાં ઝુકાવ્યું હતું.
અમદાવાદના પૂર્વ મેયર અને શાહપુરના પૂર્વ ધારાસભ્ય
ડૉ. સોમાભાઈ દેસાઈનું રાજ્યપાલના હસ્તે સન્માન
|
એક સમયે, મોટા ભાગે આઝાદીના
પ્રારંભકાળે રાજકારણીઓ બહુધા ખેડૂત કે શ્રમજીવી પરિવારમાંથી આવતા હતા. કાઉન્સિલે એ
ધારણા આજે પણ ચાલુ રાખી છે. ખેત પેદાશો – ઉપજને બજાર વ્યવસ્થાનો મહત્તમ લાભ કેવી રીતે
મળે તેની સમજ કેળવવા માટે ‘કૃષિ બજાર ક્રાંતિ’ બેનર તળે યોજાયેલા ઉપરોક્ત અધિવેશનમાં નોંધપાત્ર
સંખ્યામાં પૂર્વ ધારાસભ્યો હાજર રહ્યા હતા. કેટલાક ધારાસભ્યોનું ખેસ તેમજ સન્માનપત્ર
આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમાંના એક હતા ડૉ. સોમાભાઈ છક્કડદાસ દેસાઈ /
Somabhai Desai Dr. મુંબઈ
યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ ઉપરાંતની પદવીઓ ધરાવતા સોમાભાઈ ડૉક્ટર તરીકે તો કાર્યરત
હતા જ અને ત્રીજી વિધાનસભાના સભ્ય બન્યા તે અગાઉ 1965માં અમદાવાદનું મેયરપદ શોભાવી ચૂક્યા હતા. ગુજરાત વિધાનસભામાં
તેઓ મહાગુજરાત જનતા પરિષદ પક્ષ તરફથી અમદાવાદના શાહપુર વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ
કરતા હતા. 2 ફેબ્રુઆરી 1922ના રોજ અમદાવાદમાં જન્મેલા તેઓ
નેવુ વર્ષની વયે આ વર્ષના પ્રારંભે 3 જાન્યુઆરી 2012ના રોજ અમદાવાદમાં જ અવસાન પામ્યા.
ઓ.કે. તો આવી થોડીક વિગતો અને
થોડી મોજ-મસ્તી સાથે અહીં મળતા રહીશું – ડિસેમ્બર 2012માં તેરમી ગુજરાત વિધાનસભાની રચના માટે બારમી વાર ચૂંટણીઓ
યોજાય અને સંપન્ન થાય ત્યાં સુધી. હા, એ પણ હકીકત છે કે 2012ના બારમા મહિનામાં યોજાનારી આ બારમી ચૂંટણી ઘણા બધાના
‘બાર’ વગાડનારી છે. પ્રોમિસ બસ.
તસવીરો : બિનીત મોદી
પૂર્વ ધારાસભ્યોની પંચાયતનો આ લેખ વાંચી ખરેખર મજા આવી. ભાઈ બિનીત, હક-હિતની સભાનતા હર ધંધાદારીમાં વિકસી છે, લેખકથી માંડી રાજકારણી સુધી. અને વિકસવી જ જોઈએ, કારણ કે હર કોઈને પેટ છે અને એટલે એણે પેટગુજારો રળવો પડે છે. અરે, અંગત શોખ કે પ્રતિબદ્ધતા ખાતર લખતા 'સ્વમાની' લેખકો પણ જો પોતાના હક-હિતના પ્રશ્ને અન્ય કામદારોની જેમ ટ્રેડ યુંનીઅનો રચતા હોય, તો બિચારા આ ભ્રષ્ટાચારમાં નહિ માનતા કે ભ્રષ્ટાચારની આધુનિક આવડતથી માહેર નહિ એવા અને એટલે જ બે પાંદડે ન થ ઈ શકેલા 'માજી' રાજકારણીઓ પેટગુજારા માટે થોડા રૂપિયાના 'પેન્શન' માટે મંડળી રચે તો આપણે એમની દયા ખાવી જોઈએ. અને એ ઉપરાંત થોડા સાઈડ બેનિફિટ્સ મળે એમ હોય તો 'મંડળી ' રચીને બાર્ગેઈન કરવું એ તો નવી લોકશાહી રીતરસમ છે.
ReplyDeleteબિનીત તમારી આ પોસ્ટ નિમિત્તે એક આડવાત જે ઘણા વખતથી મારે કહેવી છે : ગાંધીજીની પ્રતિમાના સર્જક રામ સુથારને અઢળક સલામો. પણ આ ગુજરાત વિધાનસભા ભવન કયા ગાંડિયાની કલ્પનાનું મૂર્ત રૂપ છે જેમાં નથી તો કોઈ ગુજરાતની સંસ્કૃતિ કે ગુજરાતની અસ્મિતાની આછેરી પણ ઝલક કે નથી તો એ બેઉના સંમિશ્રણથી સર્જાયેલી આધુનિક કળા ! અમદાવાદમાં જ આવેલી એન.આઈ.ડી કે સ્કૂલ ઓફ આર્કિટેક્ચર જેવાઓની સર્જનશીલતાની ઉપેક્ષા કરીને જ આવું વરવું સ્થાપત્ય ઉભું થયું હોવું જોઈએ.
સૌ મિત્રો,
ReplyDeleteબ્લોગની તેત્રીસમી પોસ્ટ (29 સપ્ટેમ્બર 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.
ગુજરાતના રાજકારણ વિશે બ્લોગની દુનિયામાં લખાય છે કે નહીં તે સંબંધે કશું જ જાણ્યા વગર કે એ દિશામાં પ્રયત્નો કર્યા વગર એ વિષયે લખવાનું નક્કી કર્યું અને પ્રારંભે આ લખાણ - પોસ્ટ નીપજી શકી તેનો આનંદ છે. વિધાનસભાની ચૂંટણીની હવે સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે એટલે એક્સ એમ.એલ.એ કાઉન્સિલના ભાવો બોલાવા લાગે કે તેના ફોર્મ માટે લાઇન લાગે તો કંઈ કહેવાય નહીં.
બિનીત મોદી (અમદાવાદ) / બુધવાર, 17 ઓક્ટોબર 2012
પ્રિય મિત્રો,
ReplyDeleteબ્લોગ ‘હરતાંફરતાં’ને દોઢ વર્ષ પૂર્ણ થયું.
33મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 29-09-2012 to 29-09-2013 – 480
બિનીત મોદી (અમદાવાદ)
પ્રિય મિત્રો,
ReplyDelete33મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 29-09-2013 to 29-09-2014 – 70
બિનીત મોદી (અમદાવાદ)