પ્રતિભાવો ઉર્ફે Comments

Thursday, September 20, 2012

પથ્થરના શિલ્પ નહીં, માનવીના જીવનના ઘાટ ઘડવા છે : કાન્તિભાઈ પટેલ


શિલ્પકાર કાન્તિભાઈ પટેલ

દાદા તમારા વિશે લખવું છે.
અત્યાર સુધી ઘણાએ મારા વિશે લખ્યું છે. છાપાંમાંય બહુ આવી ગયું. બાકી હતું તે આ તમે જ્યાં બેઠા છો એ શિલ્પભવનની જગ્યાનો મામલો સત્તાવાળાઓએ લેવા-દેવા વિના છાપે ચઢાવી દીધો. તમે હવે નવું શું લખશો? હું હવે ત્યાગીની ભૂમિકામાં આવી ગયો છું. મારા બનાવેલા શિલ્પો પાછળ પણ છેલ્લા થોડા વર્ષોથી મેં મારું નામ કોતરવાનું બંધ કર્યું છે.

હા, એ ખરું પણ મારે તો તમારા કામ – કારકિર્દી અને જીવન વિશે મારા બ્લોગ પર લખવું છે.
બ્લોગ? એ વળી શું?
તેમના આ પ્રશ્નનો જવાબ આપવામાં ચાર મહિના વીતી ગયા. અમદાવાદમાં ટેક્સ્ટાઇલ મિલમાલિકોના સંગઠન આત્માના / Ahmedabad Textile Mills’ Association / www.atmaahd.com કાર્યાલય સાથે સંકળાયેલા અભિનવ શુક્લ અને તેમના કેટલાક સમવયસ્ક મિત્રો આસ્વાદ નામે બેઠકનું આયોજન કરે છે. દર મહિનાના છેલ્લા રવિવારની સવારે સંસ્થાના હોલમાં મળતી બેઠકમાં લેખક – કવિ – કળાકાર – વિચારક – કર્મશીલ મિત્રોને આમંત્રી તેમની વાત સાંભળે અને એ પછી પરસ્પર વિચારોનું આદાનપ્રદાન પણ થાય. આવી જ એક બેઠક એપ્રિલ મહિનાના છેલ્લા રવિવારે 29મી તારીખે શિલ્પકાર કાન્તિભાઈ / Kantibhai Patel Sculptor સાથે ગોઠવાઈ. આસ્વાદના નેજા હેઠળ અગાઉ થયેલી બેઠકો કરતા આ મુલાકાત જુદી એ રીતે હતી કે અહીં આમંત્રિત મહેમાન પોતે યજમાનની ભૂમિકામાં હતા. કાન્તિભાઈની ઉંમરનું કારણ તો ખરું જ પણ એથીય વિશેષ તેમના કામને જોઈ શકાય એ હેતુથી સભ્યોએ તેમના ઘર-કમ-સ્ટુડિયોની મુલાકાતે જવાનું જ નક્કી કર્યું.

ચીકુવાડીમાં 'આસ્વાદ' બેઠક અને કાન્તિદાદાની વાતો
એક સમયે અમદાવાદની / Ahmedabad ભાગોળે ગણાતા પણ હવેના મેગાસિટીમાં તો શહેર મધ્યે આવી ગયેલા ચાંદલોડિયા ગામમાં તળાવની સામે આવેલું તેમનું ઘર આસપાસના લોકોમાં ચીકુવાડી તરીકે પ્રખ્યાત છે જેનું સત્તાવાર નામ છે શિલ્પભવન’.

એપ્રિલ – 2012ના એ રવિવારની સવારે કાન્તિભાઈએ પહેલો પુરુષ એક વચનમાં મુલાકાતી મિત્રો સાથે ખૂબ વાતો કરી. સવાલ-જવાબ પણ થયા. છેલ્લે પરસ્પર પરિચય કેળવાયા પછી વાત અહીં આવીને અટકી - મારે તમારા વિશે લખવું છે અને બ્લોગ? એ વળી શું?

મને થયું કે આ બ્લોગ એટલે શું તે સમજાવવાની નહીં પણ દેખાડવાની બાબત છે – જરૂર છે. બીજી મુલાકાતમાં તેમના થોડા જૂના ફોટા લઈ આવ્યો હતો તે પરત કરતી વેળાએ લેપટોપ અને ઇન્ટરનેટ કાર્ડ સાથે તેમના સ્ટુડિયો પર પહોંચ્યો. ફરી પાછો એ જ સવાલ...મારે તમારા વિશે લખવું છે. બ્લોગ પર. ચાલો સમજાવું...ના...ના...ચાલો બતાવું.

જુઓ દાદા, આ મારો બ્લોગ છે – હરતાંફરતાં એનું નામ. ઇન્ટરનેટનું એક માધ્યમ છે. તમારા વિશે લખાયેલી વાતને દુનિયાની કોઈ પણ વ્યક્તિ વાંચી – જોઈ શકે, દુનિયાના કોઈ પણ છેડેથી. છાપાં – મેગેઝિનોમાં તમારા વિશે લખાયું એ તો વંચાઇને પસ્તી થઈ ગયું. ક્યાંક છૂટુંછવાયું સચવાયું હશે તેની ના નહીં પણ આ અહીં લખાશે તે લાંબુ ટકશે. અનંતકાળ સુધી.

એમ?”…“હા, હું અને તમે નહીં હોઇએ ત્યારે પણ એ વંચાતુ રહેશે.
ભાઈ, એવું ના બોલશો.
જુઓ દાદા, આ રહ્યો બ્લોગ. છેલ્લું લખાણ હમણાં ગયા અઠવાડિયે અવસાન પામેલા ડૉ. વર્ગીસ કુરિયન વિશે છે. તેમની ગુજરાતીમાં અનુવાદિત આત્મકથાના અમદાવાદમાં યોજાયેલા વિમોચન પ્રસંગે લેવાયેલી થોડીક તસવીરો એ સાથે મુકી છે.

મેં એમની પ્રતિમા બનાવી હતી. આણંદથી અમૂલ ડેરીના એક મોટા અધિકારી મારું નામ સાંભળીને સ્ટુડિયો પર મળવા આવ્યા. ડેરીના મકાનમાં તેમની હયાતીમાં જ પ્રતિમા મુકવાનો નિર્ણય લેવાયો હતો. મેં કામ તો સ્વીકારી લીધું પણ સાથે સાથે કહ્યું કે કુરિયન સાહેબે મારી સાથે બેઠક (કળાકારની ભાષામાં સિટીંગ લેવા) કરવી પડશે. માત્ર ફોટા આપી દેવાથી કામ નહીં થાય.”…..“પછી?

ડૉ. કુરિયન : એકદમ જેન્ટલમેન
કામકાજની રીતે અતિ વ્યસ્ત હોવા છતાં તેમણે મારા માટે સમય ફાળવ્યો. અરે સમય શું ફાળવ્યો...મારી સાથે ઘણી બધી વાતો કરી. મૂળ તો હું ય તેમના પંથકનો જ ને...સોજીત્રા મારું વતન. અમદાવાદથી મને પૂરા માન-સન્માન સાથે બોલાવ્યો. ડેરી બતાવી અને ભાવભરી વિદાય આપી. મારા કામથી પણ રાજી થયા હતા. એકદમ જેન્ટલમેન.

દાદા, તમારું કામ જ એટલું વિશાળ – ગંજાવર છે કે રાજી ના થાય એની તબિયત તપાસવી પડે.

આ જુઓ, બ્લોગનો બીજો લેખ. એ મારા દિવંગત મિત્ર ડૉ. કલ્પેશ શાહ વિશે છે.
દિવંગત? ફોટામાં તો યુવાન લાગે છે. શું થયું હતું?
તેણે જાતે જ તેની જિંદગી ટૂંકાવી દીધી હતી – આત્મહત્યા. વીસ વર્ષ થયા એ ઘટનાને.
અરેરે...જાણી બહુ દુઃખ થયું. મને મળ્યા હોત તો એમ ન કરવા દેતો. એ માર્ગેથી પાછા વાળતો. અફસોસ...આપણે થોડા વહેલા મળ્યા હોત...
એમ? તમે મારા એ મિત્રને જીવાડી શક્યા હોત?
અરે હા ભાઈ. એ જ તો ખરું કામ છે આ જીવનું. એટલું ય ન કરી શકીએ તો શા ખપનું? મેં ઘણાને એ રીતે આપઘાતના માર્ગેથી પાછા વાળ્યા છે. માત્ર અહીંના નહિ, પરદેશના ય દાખલા છે. તેમની ગમે તે મુશ્કેલી – સમસ્યાઓ હોય. હું માર્ગ કાઢી આપું. જીવનને નવી દિશા અને જીવને નવો ઘાટ ઘડી આપું. બાકી પ્રતિમા બનાવવી એ તો મારા માટે બાયપ્રોડક્ટ છે.

કૌટુંબિક ભત્રીજી જયશ્રીબહેન સાથે સ્ટુડિયોમાં શિલ્પકાર કાન્તિભાઈ 
હા, તો આ કાન્તિભાઈની વાત છે. શિલ્પકાર કાન્તિભાઈ પટેલની. જેમના સાદગીભર્યા જીવનમાંથી ગાંધીજીની છાંય જોવા મળે તેવા અને શિલ્પકળા માટે સરદાર વલ્લભભાઈ પટેલના હાથે સુવર્ણચંદ્રક સન્માન પામેલા કાન્તિભાઈ બળદેવભાઈ પટેલ ઉંમરની (જન્મ: 1 જુલાઈ 1925) રીતે હવે નેવુંની નજીક છે. પણ તેમનો જોસ્સો સરદારના હાથે સન્માન પામેલી વ્યક્તિનો હોવો જોઇએ એવો જ છે – એક દોરો પણ આઘોપાછો નહીં. કામકાજની રીતે સક્રિય છે પરંતુ મૂળ રસ છે કોઈકના ખપમાં આવવું. સમસ્યા હોય તો દૂર કરી આપવી. તેની સાથે ડાયલોગ કરવો જેની આજના જમાનામાં સ્વજનો પાસેથી પણ અપેક્ષા રાખી શકાતી નથી. પરિવારની રીતે એકલા એવા તેમને કૌટુંબિક ભત્રીજી જયશ્રીબહેનનો સાથ છે જેઓ તેમની રોજિંદી જરૂરિયાતોનું ધ્યાન રાખે છે.

એવોર્ડ સાથે ઉષ્માભર્યો આવકાર, પદ્મ શ્રી સન્માન (30 જૂન 2004)
બે એકર જગ્યામાં ફેલાયેલા સ્ટુડિયો માટે પણ તેમની ભાવના એક ત્યાગીની હોય તેવી જ છે. એટલે તો ખુદની હયાતી ન રહેતા આ જગ્યા કેન્દ્રિય લલિત કળા અકાદમીને ફાળે જાય અને ભવિષ્યમાં તેનો યથાયોગ્ય ઉપયોગ થાય તેવી માત્ર ઇચ્છા જ નહીં, પાકી ગોઠવણ કરી લેતાં એ માટેની કાયદાકીય પ્રક્રિયા પણ પૂર્ણ કરી લીધી છે. બાકી આજના બજારભાવે લગડી જેવી ગણાય તેવી આ જગ્યાને અંકે કરી લેવા સ્થાનિક સત્તાવાળાઓએ કાવાદાવા કરવામાં કોઈ કચાશ રાખી નહોતી – છાપે નામ ચઢે ત્યાં સુધીની. એટલે થતું એવું કે એક દિવસે છાપામાં તેમને રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે અબ્દુલ કલામના હસ્તે પદ્મ શ્રી સન્માન અપાયાના ખબર હોય અને બીજે દિવસે આ કહેવાતી પ્રોપર્ટીના વિવાદોના સમાચારની સનસનાટી હોય. એવી પ્રોપર્ટી જેના પરત્વે એમને ખુદને કોઈ આસક્તિ રહી નથી. આસક્તિ રહી છે તો માત્ર એટલી જ કે જગ્યા કોઈ કપાત થયા વગર લલિત કળા અકાદમીને / Lalit Kala Akademi / www.lalitkala.gov.in મળે. એ પણ થયું. ડૉ. કલામ અને રાષ્ટ્રપતિ ભવનની દરમિયાનગીરીથી એ શક્ય બન્યું.

અમદાવાદની Must અને મસ્ત વિઝિટ
સાઠ ઉપરાંત વર્ષોથી લાગલગાટ ચાલી આવતી શિલ્પકાર તરીકેની તેમની કારકિર્દીનો આલેખ કરવા અલગથી લેખ કરવો પડે. એ ફરી ક્યારેક. બાકી ચાંદલોડિયા-અમદાવાદ સ્થિત તેમના આ સ્ટુડિયોની મુલાકાત એક વાર તો કરવા જેવી છે. કળાના ચાહક હશો તો ઘણું-ઘણું પામશો એની ગેરન્ટી અને નહીં હો તો...તો...ચીકુવાડીના ચીકુ તો પામશો જ પામશો એની ડબલ ગેરન્ટી.

7 comments:

  1. દાદાને બે દિવસ પહેલાં જ મળ્યો.
    એની અસરમાંથી હજુ બહાર નહિ નીકળ્યો હોવાને કારણે, એ અનુભવ વહેંચ્યા વગર રહી નહિ શકાય.
    તમે આપેલા ફોટા એમને પાછા આપવાની સાથે મારે પણ એક લેખ માટે તેમને મળવાનું જ હતું.

    ગયો.
    મારા નામ-ઠામ જણાવ્યાં
    અને કહ્યું, દાદા... લો આ ફોટા, બિનીતભાઈએ મોકલાવ્યા છે. મારા મિત્ર છે. મારે તમને મળવા આવવાનું હતું એટલે એમણે મારી સાથે મોકલ્યા... મારે તમારો એક ઇન્ટરવ્યુ કરવો છે. તમને અનુકૂળ સમય-દિવસ હોય એ કહો, ત્યારે આવી જઈશ.

    એમનો જવાબ, "તમને (ઉપર ભાર સાથે) અનુકૂળ હોય તો અત્યારે જ વાત કરી લઈએ."
    "હા, મને તો અનુકૂળ જ છે."
    "તો, આવો...."
    એમ કહી એમનાં અનેક શિલ્પોથી સમૃદ્ધ ખંડમાં લઇ ગયા.

    આપણે બીજી વખત જવાનું જ છે, એવી તૈયારી સાથે ગયા હોઈએ અને પછી તરત કામ પૂરું થવાના સંજોગો સર્જાય એટલે આનંદ જ થાય. પણ ખંડમાં બેઠા પછી એમણે જે વાત કરી તે એમનાં શિલ્પો જોયા પછી થયેલા આનંદ અને આદર, બંનેમાં વધારો કરનારી હતી.

    મારો વિષય ગાંધીજીને લગતો હતો. એ વાતને સાંકળતા તેમણે કહ્યું,
    "આ પણ ગાંધીવિચારમાં આવે. મને અત્યારે ફાવે એમ હોય તો પછી અત્યારે જ વાત કરી લેવામાં શું વાંધો? તમે બીજી વાર આવવાનું કહ્યું એટલે આવવું જ એવું થોડું? તમને શા માટે મારે ફરીથી ધક્કો ખવડાવવો?

    આમ તો આ વાત માત્ર ગાંધીવિચાર નહિ, માનવ-વિચારમાંય આવે જ પણ જાણીતા મહાનુભાવોના 'ટાઇટ શિડ્યુલ'ના અનેક અનુભવો વચ્ચે આવા ગણ્યાગાંઠ્યા અનુભવો 'ફીલ ગૂડ' કરાવે.

    શિલ્પભવનની જગ્યા કેન્દ્રિય લલિત કળા અકાદમીને ફાળે જાય એની પાકી ગોઠવણ કરી નાખ્યાની વાતનો આ અનુભવમાં ઉમેરો કર્યા પછી કહેવું પડે કે, કાન્તિભાઈ શિલ્પીએ માત્ર ગાંધીજીનાં શિલ્પો જ નથી બનાવ્યા. એમનાં વ્યક્તિત્વની સૂક્ષ્મતા પોતાના જીવનમાંય કંડારી છે.






    ReplyDelete
  2. શિલ્પભવનને લલિત કળા અકાદમીને સોંપવાનાં તેમનાં પગલાને 'કાન્તિકારી' જ કહી શકાય. હવે પછીનો લેખ કાન્તિભાઇની શિલ્ફસફરનો જ લખજો. અમદાવાદનાં ઇન્કમટેક્સ ખાતેની ગાંધીજીની પ્રતિમા, આ પ્રતિમા પાસે થતાં વિવિધ વિરોધ પ્રદર્શનો-ધરણાં વિશે તેમની લાગણીઓ વગેરે કેટલીય બાબતો જાણવી રસપ્રદ બની રહેશે.

    ReplyDelete
  3. સૌ મિત્રો,
    બ્લોગની એકત્રીસમી પોસ્ટ (20 સપ્ટેમ્બર 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.

    કાન્તિભાઈની કળા વિશે લખવાનું જે તે સમયે મારાથી શક્ય ન બન્યું. પરંતુ એ ખોટ હવે પૂરી થાય છે. બીરેન કોઠારીના બ્લોગ પર તેમના કામનો અને એ સંબંધિત અનુભવનો એક અંશ વાંચી શકશો. આ રહી લિન્ક...http://www.birenkothari.blogspot.in/2012/10/blog-post.html

    બિનીત મોદી (અમદાવાદ) / શનિવાર, 6 ઓક્ટોબર 2012

    ReplyDelete
  4. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને દોઢ વર્ષ પૂર્ણ થયું.
    31મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 20-09-2012 to 20-09-2013 – 430

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  5. પ્રિય મિત્રો,
    31મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 20-09-2013 to 20-09-2014 – 70

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete