પ્રતિભાવો ઉર્ફે Comments

Friday, September 14, 2012

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (ઑગસ્ટ – 2011)





સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાનો વિચાર છે. આનો અમલ કરવાની કોઈ નિશ્ચિત તારીખ નથી તેમ આ ક્યાં સુધી ચલાવવું તે ય નિશ્ચિત નથી. હા, પ્રતિભાવ – કમેન્ટસ્ એ નક્કી કરવામાં ચોક્કસ મદદરૂપ થશે.
એ રીતે ઑગસ્ટ – 2012ના સ્ટેટસ અપડેટ ગયા અઠવાડિયે અહીં મુક્યા પછી હવે પ્રસ્તુત છે ગત વર્ષના આ સમયગાળાના પ્રોફાઇલ સ્ટેટસ. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે. ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું.
આભાર.

આ ફિલ્મ ના જોવા મળે દોબારા! હાશ!
(Monday, 1 August 2011 at 02:49pm)
'જિંદગી ના મિલેગી દોબારા' – ખરેખર, આવું પિક્ચર ફરી બાકી રહેલી જિંદગીમાં જોવા ના મળે એજ ઈચ્છા. પૂરી ફિલ્મની ડાર્કનેસ આર્ટ ફિલ્મને પણ ટપી જાય એવી. આ ફિલ્મ અમદાવાદના સૌથી સસ્તા એવા ડ્રાઈવ-ઇન સિનેમામાં રૂપિયા 35/-ની ટિકિટમાં જોઈ. એથી પણ સસ્તામાં જોવા માટે ચેનલ પર આવે તેની રાહ જોવી. બાકી ટોકીઝમાં જવાનો સમય બગાડવો નહીં. આભાર.
* * * * * * *

(Monday, 1 August 2011 at 09:11pm)
અમેરિકાનું દેવું પળે-પળે કેટલું વધી રહ્યું છે એ www.usdebtclock.org પર ભલે જુઓજાણો, પણ સાથે સાથે એ ન ભૂલો કે તમારા નેટ કનેક્શનનું બીલ વધી રહ્યું છે અને સર્વિસ પ્રોવાઇડર કંપનીએ વાપરવા આપેલા બાઈટ ઘટી રહ્યા છે. અમેરિકાના દેવાની પળ-પળની ચિંતા રાખવા બદલ આપનો આભાર.
* * * * * * *

(Tuesday, 2 August 2011 at 07:22pm)
ઇલેક્ટ્રીસીટીના કે ટેલિફોનના કેબલ બીછાવવાના નથી, કે નથી પાણી ગટરની પાઇપલાઈન બેસાડવાની. છતાં શહેરના કે હાઈ-વે પરના ઓવરબ્રિજના રસ્તા ખાડા પડેલા અને તૂટેલા કેમ હોય છે? આ કામ સાથે સંકળાયેલા સ્ટ્રક્ચરલ સિવિલ એન્જીનીયરથી લઇને સરકારી અધિકારી સુધીના કોઈ પણ આ વાત ટૂંકમાં અને મુદ્દાસર સમજાવી શકશે. આભાર.
* * * * * * *

'નેનો'નો લોગો દેવનાગરી લિપિમાં હોય છે ને?
(Wednesday, 3 August 2011 at 03:13pm)
મુંબઈ અને મહારાષ્ટ્રમાં જેમને પણ પોતાની દુકાન શો રૂમ, ઓફિસના સાઇનબોર્ડ ફરી એક વાર અંગ્રેજીમાં ચીતરાવવા હોય તો ચીતરાવી લો. રાજ ઠાકરે આજથી (ઓગસ્ટ 2011) અઠવાડિયા દસ દિવસ માટે ગુજરાતમાં છે. મુંબઈગરા તમતમારે લહેર કરો. એ પણ અહીં મોજ-મઝા ને લહેર કરવા જ આવ્યા છે.
* * * * * * *

હીના રબ્બાની ખાર : કોઈ પણ પાને ફોટુ છપાશે...
(Thursday, 4 August 2011 at 06:20pm)
પાકિસ્તાન સાથેના ભારતના રાજદ્વારી સંબંધો અખબારના Page – 1ની ઘટના હતી. હીના રબ્બાની ખારના ભારત પ્રવાસ પછી Page – 3ની આઇટમ બની ગયા.
* * * * * * *

પછી ડિનર કે ડિસ્કશન?
(Thursday, 4 August 2011 at 07:50pm)
એક એસ.એમ.એસ. મળ્યો છે Screening of Satyajit Ray's Masterpiece 'PATHER PANCHALI' at City Pulse, Gandhinagar on Friday, 5th August 2011 at 9:00 p.m. followed by discussion. મને લાગે છે કે બે કલાકની ફિલ્મ જોયા પછી રાત્રે 11:00 વાગે Discussion નહીં Dinner કરવાનું હોય તો જવાય ખરું. અમદાવાદથી 25 કિલોમીટર દૂર માત્ર ચર્ચા કરવા થોડું જવાય. શું કહો છોબિનીત મોદી (અમદાવાદ) ગામનું નામ કેમ લખ્યું છે એ કમેન્ટ પરથી તો સમજી જ જશો. આભાર મિત્રો.
* * * * * * *

(Saturday, 6 August 2011 at 05:44pm)
વજન ઘટાડવાનો રામબાણ ઉપાય મળી આવ્યો છે. અમેરિકાના વધતા જતા દેવાની વેબ-સાઇટ જોયે રાખો. કેલરી જરૂર ઘટશે. વજન ગ્રામમાં ઘટાડવું હોય તો ગુજરાતના દેવાની ચિંતા કરો અને કિલોમાં ઘટાડવું હોય તો આપણો મહાન દેશ વિદ્યમાન છે જ ને.
* * * * * * *

(Monday, 8 August 2011 at 09:22pm)
ગુજરાતમાં FORD કાર AFFORD કરી શકે એવા કેટલા લોકો વસે છે? (જવાબ લખનારને વિનંતી કે સાડા પાંચ કરોડથી નીચેનો કોઈ પણ આંકડો લખજો. આપનો આભાર.)
* * * * * * *

(Tuesday, 9 August 2011 at 09:50pm)
1974માં બનેલી હિન્દી ફિલ્મ 'રોટી, કપડા ઔર મકાન'ની પાંચ સિક્વલ ફિલ્મો બનવાની છે. રોટી, કપડા, મકાન ઔર ટ્વીટર - રોટી, કપડા, મકાન ઔર ઓરકુટ - રોટી, કપડા, મકાન ઔર ફેસબુક - રોટી, કપડા, મકાન ઔર ગુગલ પ્લસ - રોટી, કપડા, મકાન ઔર ટેબલેટ પી.સી.
* * * * * * *

(Wednesday, 10 August 2011 at 07:39pm)
અમારે ત્યાં આપના બે પૈડાના વાહનમાં વધારાના ત્રણ અને ત્રણ પૈડાના વાહનમાં વધારાના બે વ્હીલ (સ્પેર વ્હીલ સાથે) ફીટ કરીને આપની મનગમતી FORD કાર બનાવી આપવામાં આવશે. જરૂરથી પધારો. આભાર.
* * * * * * *

છત્રી માપની નથી આવી લાગતી...
(Friday, 12 August 2011 at 07:09pm)
માપસરનો રેઇનકોટ મળતો રહે અને છત્રીમાં કાયમ સમાતા રહો એ માટે થઈને પણ ખુદનું વજન કાબુમાં રાખજો. મિત્રો, આપનો આભાર.
* * * * * * *

(Friday, 12 August 2011 at 07:44pm)
બ્રિટીશરાજમાં અને તે પછી સ્વતંત્રતાના આરંભકાળે સૈન્ય કે પોલીસના જીપ કે મીનીટ્રક જેવા વાહનો પેટ્રોલથી ચાલતા એટલે 'પેટ્રોલિંગ' શબ્દ આવ્યો. પણ હવે તો આ પ્રકારના વાહનો ડીઝલ એન્જીન વાળા આવે છે તો પછી 'ડીઝલિંગ' શબ્દ કેવો રહેશે! 65મા આઝાદી દિનના અડતાલીસ કલાક પહેલા આટલું જ.
* * * * * * *

(Friday, 12 August 2011 at 09:52pm)
પ્રિય બહેન,રક્ષાબંધનની સવારે તારી રાહ જોઈશ. પણ તું કેટલા વાગે આવીશ. જરા જણાવજે. કારણકે હું FACEBOOK, Twiter, Orkut, Google+અને RediffBolપર બીઝી હોવું છું.
લિ. તારો વહાલો પણ ઇન્ટરનેટનો પ્રેમી એવો ભાઈ.....
* * * * * * *

'આરક્ષણ' ફિલ્મ...
(Tuesday, 16 August 2011 at 02:39pm)
...આવી છે...'ફાલતુ'...
રંગ ઢંગ વગરની 'આરક્ષણ' ફિલ્મ પર હવે તો ખાસ પ્રતિબંધ મુકવો જોઈએ. આ ફિલ્મ કોઈ રીતે તેના મૂળ મુદ્દાને સ્પર્શતી નથી. તદ્દન ફાલતુ ફિલ્મ. હા આ 'ફાલતુ' નામે પણ એક ફિલ્મ આવી હતી.
* * * * * * *

પ્રકાશ ઝા રાજકારણમાં અને રામવિલાસ પાસવાનનો દીકરો ફિલ્મમાં
(Tuesday, 16 August 2011 at 02:44pm)
બિહારના પ્રજાજનોને વિનંતી કે હવે પછીની લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં પ્રકાશ ઝા ઉમેદવારી કરે તો મહેરબાની કરીને તેમને ચૂંટી કાઢજો. જેથી ભારતની બાકી પ્રજા 'આરક્ષણ' જેવી બોગસ ફિલ્મ જોવામાંથી બચી જાય અને પ્રકાશ ઝા બીજી રીતે વ્યસ્ત રહે. આપનો આભાર.
* * * * * * *

(Tuesday, 16 August 2011 at 07:34pm)
ગઈકાલે 15મી ઓગસ્ટ હતી અને આજે પવિત્ર રમઝાન માસનો પંદરમો દિવસ છે. અન્ના હજારેના રોઝા આજથી તિહાર જેલમાં શરૂ થયા છે.
* * * * * * *

(Wednesday, 17 August 2011 at 04:36pm)
ભ્રષ્ટાચાર વિરૂદ્ધનું અન્ના હજારેનું આંદોલન ખરેખર જો 1975 – 1977ના કટોકટીકાળની યાદ અપાવતું હોય તો કારકિર્દી (રાજકારણમાં જ સ્તો!) ઘડવા માગતા લોકો માટે આ સર્વશ્રેષ્ઠ સમય છે. એ ગાળામાં આંદોલન કરી ચૂકેલા કેટલાક લોકો આજે અન્ના પર નેતાગીરી કરે છે.
* * * * * * *

(Wednesday, 17 August 2011 at 04:47pm)
એક શહેરની (દિલ્હીની) પોલીસે કરેલી ધરપકડ (અન્ના હજારેની) પર દેશના પ્રધાનમંત્રીએ (ડો. મનમોહનસિંહે) પાર્લામેન્ટમાં (લોકસભામાં) સ્પષ્ટતા કરવી પડે એવી પણ સ્વતંત્ર ભારતની આ પ્રથમ ઘટના છે.
* * * * * * *

ડૉ.રજનીકાન્ત જોશી

(તસવીર : બિનીત મોદી)
(Wednesday, 17 August 2011 at 05:39pm)
એક દુ:ખદ સમાચાર પ્રમાણે ગુજરાત વિદ્યાપીઠના હિન્દી વિષયના પૂર્વ પ્રાધ્યાપક ડો. રજનીકાંત જોશીનું આજે 17 ઓગસ્ટ 2011ની સવારે અવસાન થયું છે. ડિસેમ્બર1938મા મહેસાણા જિલ્લાના વડનગરમાં જન્મેલા તેઓએ હિન્દીમાં કવિતા કરવા સાથે કેટલાક અનુવાદો પણ આપ્યા હતા. હિન્દી સાહિત્યની ગુજરાત તેમજ ગુજરાત બહારની અનેક સંસ્થાઓમાં સક્રિય રહેલા ડો. જોશી પોતાની 'અમૃતા પ્રકાશન' સંસ્થાનું સંચાલન કરવા સાથે નિવૃત્તિના એક દાયકા બાદ ફરીથી ગુજરાત વિદ્યાપીઠમાં જ અધ્યાપન કાર્ય સાથે સંકળાયા હતા.
* * * * * * *

(Wednesday, 17 August 2011 at 05:59pm)
ભારતમાં સતત હસતી રહેતી માત્ર બે જ વ્યક્તિઓ છે. એક અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને બીજા તે આપણી લોકસભાના સ્પીકર મીરાંકુમાર. નથી માનતા. ના માનસો બસ. બન્નેને એક વાર ટી.વી. પર જોઈ લો એ પછી 'Like' બટન પર ક્લિક કરજો બસ. આભાર મિત્રો.
* * * * * * *

(Wednesday, 17 August 2011 at 06:10pm)
ભારતમાં આજે જન્મેલું બાળક તેના મમ્મી પપ્પા તેને ડોનેશન આપ્યા વગર સ્કૂલમાં દાખલ ન કરે ત્યાં સુધી જ ભ્રષ્ટાચારથી મુક્ત છે.
* * * * * * *

અમે કોણ? સિપાઈ બચ્ચા...
(Thursday, 18 August 2011 at 07:06pm)
'અમે કોણ?સિપાઈ બચ્ચા'. ગુજરાતી બાળસાહિત્ય લખતાં શતાયુ નજીક પહોંચેલા સ્વ. જીવરામ જોશીએ સર્જેલા અમર પાત્ર મિયાં ફૂસકી (તભા ભટ્ટના જોડીદાર)ના મોઢે બોલાતો આ સંવાદ ભારતીય લશ્કરના એવાજ નિવૃત્ત સિપાઈ અન્ના હજારેને અને તેમના લડાયક મિજાજને અર્પણ.
* * * * * * *

(Thursday, 18 August 2011 at 07:43pm)
1000 મોબાઈલ નંબર લોડ કરેલા હોય તેવો મોબાઈલ હરાજીથી વેચવાનો છે. 200 નંબર તો તમારા કામના નીકળશે જ એની ગેરન્ટી.
* * * * * * *

(Friday, 19 August 2011 at 04:42pm)
ભારતમાં કાળા નાણાના મુદ્દે બહુ ગાજેલી સ્વીસ બેન્કમાં ખાતું ખોલાવવાના ઘણા બધા લાભની સાથે એક ફાયદો એ પણ છે કે ખાતેદાર પર ટેલિ-માર્કેટીંગના વણજોઈતા ફોન નથી આવતા.
* * * * * * *

(Saturday, 20 August 2011 at 06:54pm)
એક ફોટો પાડી આપોને. પાસપોર્ટ માટે? ના. વિઝા માટે? ના. બેન્કમાં ખાતું ખોલાવવા? ના. ડ્રાઈવિંગ લાયસન્સ માટે? ના. ફેસબુકના પ્રોફાઇલ માટે યાર.
* * * * * * *

(Saturday, 20 August 2011 at 07:04pm)
આપણે ઈચ્છીએ એવું ખરીદીનું બીલ પણ દુકાનદાર બનાવી આપતા નથી, તો પછી પાંચ ગુણ્યા બે બરાબર દસ વ્યક્તિની ટીમે બનાવેલું લોકપાલ બીલ સરકાર આંખ મીંચીને સ્વીકારી લેશે અને 800 જેટલા સભ્ય ધરાવતી રાજ્યસભા લોકસભામાં તે ઝટપટ પસાર થઈ જશે એવી આશા રાખવી જરા વધુ પડતી છે. કાલે ઉઠીને કોઈ દુકાને જઈને કહેશે કે બીલ પેન્સિલથી બનાવજો તો દુકાનનો માલિક બનાવશે ખરો? બીજું કે આ લોકપાલ બીલની ડ્રાફ્ટ કમિટીમાં એક પણ દલિત વર્ગના કે મહિલા સભ્યનો સમાવેશ કેમ નથી તેનો ટીમ અન્ના કે સરકાર પાસે કોઈ જવાબ નથી.
* * * * * * *

(Saturday, 20 August 2011 at 07:24pm)
અમદાવાદના નવા નામકરણ થયેલા વસ્ત્રાપુરના તળાવ 'ભક્ત કવિ નરસિંહ મહેતા સરોવર'ની એક કોર નરસિંહ મહેતાની 'વૈષ્ણવજન'ને યાદ કરાવતી 12 ફીટ ઊંચી વિશાળ પ્રતિમા મુકવામાં આવશે. એક વિનંતી છે કે પ્રતિમાનું મુખ તળાવ (સોરી સરોવર, બસ) તરફનું રખાવજો જેથી પ્રતિમા સરોવરમાં પાણી છે કે નહિ તેમજ તેની ચોખ્ખાઈ કે ગંદકી અંગે રીઅલ ટાઇમ રિપોર્ટ આપી શકે. સંબંધિત એજન્સીઓનો આગોતરો આભાર.
* * * * * * *

(Saturday, 20 August 2011 at 09:12pm)
ભારતના કાળાનાણાના આંકડાઓ ટાંકતા લોકોને ખાસ વિનંતી કે તેમાં ત્રણ દિવસ પછી ઘટાડો કરે. જન્માષ્ટમી નિમિત્તે રમાનારા શ્રાવણીયા જુગારમાં તેમાંનું થોડુંક બહાર આવશે.
* * * * * * *

અરસદ વારસી : સૌથી પૈસાપાત્ર અભિનેતા!
(Tuesday, 23 August 2011 at 07:57pm)
આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર, અમિતાભ બચ્ચન અને અરશદ વારસી ફિલ્મ જગતના આ ત્રણ અભિનેતાઓમાં સૌથી વધુ સંપત્તિવાન કોણ છે? પહેલા બેમાંથી કોઈ એક વિકલ્પ વિચારતા હોવ તો આપ ખોટા છો. અલબત સાચો જવાબ છે – અરસદ વારસી. ભારતમાં ગામે ગામ તેના ઘર છે – સર્કીટ હાઉસ.
* * * * * * *

હેં! કૃષિ મંત્રીના પાડોશી ભૂખ્યા રહે?
(Tuesday, 23 August 2011 at 08:36pm)
શું સમય આવ્યો છે. ભારતના કૃષિ મંત્રી શરદ પવાર મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાની માઢા લોકસભા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે અને તેની પડોસના અહમદનગર જિલ્લામાં આવેલા રાલેગણ સિદ્ધિના (હવે તો ભારતના) સમાજ સેવક અન્ના હજારે દિલ્હીના રામલીલા મેદાન પર લોકપાલ બીલના મુદ્દે આઠ દિવસથી ઉપવાસ પર બેઠા છે.
* * * * * * *

(Thursday, 25 August 2011 at 04:13pm)
પરણેલી સ્ત્રીના નામની આગળ 'શ્રીમતી' શબ્દ મુકવાથી તેના વૈવાહિક દરજ્જાનો ખ્યાલ આવે છે. પુરુષ માટે આવી કોઈ સગવડ નથી, પણ મેં ઉપાય ખોળી કાઢ્યો છે. પુરુષના નામને અંતે કૌંસમાં 'M. Ed.' શબ્દ લખવાનો જે 'Married'નું ટૂંકું રૂપ છે. 'M. Ed.' ભણેલા અને પરણેલા શિક્ષકોએ બે વાર 'M. Ed.' લખવું. બસ, સમસ્યા સોલ્વ.
* * * * * * *

(Thursday, 25 August 2011 at 08:08pm)
ભ્રષ્ટાચાર વિરૂદ્ધના આંદોલનને યુવાનોનો મોટો ટેકો છે. એમ, ખરેખર? અન્ના હજારેના અચોક્કસ મુદતના ઉપવાસ સામે ઈન્ટરનેટ અચોક્કસ મુદત સુધી ફ્રી કરી દો. રામલીલા મેદાન ખરેખર યુવાનોથી ઉભરાતું હશે તો ખાલી થઇ જશે અને 'મીણબત્તી' બ્રાન્ડ રેલીઓ સમાપ્ત થઇ જશે. 'બીજી સ્વરાજ ક્રાંતિ' હાથવેંતમાં છે!
* * * * * * *

(Friday, 26 August 2011 at 05:47pm)
પાઉન્ડ સ્ટર્લિંગ આમ તો બ્રિટીશ ચલણનું સત્તાવાર નામ છે પરંતુ અહીં તેનો સંદર્ભ કંઇક આવો છે. પાઉન્ડમાં કમાતા હઈએ તો સ્ટર્લિંગમાં સારવાર કરાવવી સરળ પડે. ('સ્ટર્લિંગ' અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર અને કચ્છના આદિપુર તેમજ મુન્દ્રામાં સારવાર આપતી ગુજરાતની જાણીતી હોસ્પિટલ/ www.sterlinghospitals.com) બાય ધ વે, એક પાઉન્ડનો આજે 26 ઓગસ્ટ 2011નો એક્સચેન્જ રેટ છે 75 રૂપિયા 50 પૈસા. બોલો, આ લખ્યું તે સાચું અને વાજબી છે ને? પછી સારવાર ભલેને મોંઘી હોય.
* * * * * * *

ડૉ. કિરીટ સોલંકી : અમદાવાદના 'સક્રિય' સંસદસભ્ય
(Wednesday, 31 August 2011 at 05:38pm)
લોકસભામાં અમદાવાદ (પશ્ચિમ) બેઠકનું ભારતીય જનતા પક્ષ વતી પ્રતિનિધિત્વ કરતા વ્યવસાયે ડૉક્ટર એવા કિરીટ સોલંકીની ફેસબુક પ્રોફાઇલ પરથી.....
પ્રજાકીય પ્રશ્નો પરત્વે નિષ્ક્રિય એવા મારા 'માનનીય' સંસદસભ્યની ફેસબુક પરની 'સક્રિયતા' : From the FACEBOOK wall of DrkiritSolanki इंदिरा गांधी के दो बेटे थे. एक को देश चलाने का शौक था, उसने विमान चलाया और गिरा दिया ...दूसरे को विमान चलाने का शौक था, उसने देश चलाया और गिरा दिया ...इंदिरा गांधी की दो बहुएँ भी थी ,,,,,एक को जानवर पालने का शौक था, लेकिन मंत्री बान गयीं ... दूसरे को को मंत्री बनने का शौक था, ... लेकिन उसने जानवर (सिब्बल, चिदंबरम, दिग्विजय आदि.) पाल लिए ..||
My (Binit Modi) Reply through FACEBOOK.....તમે મારા વિસ્તારના 'માનનીય' સંસદસભ્ય છો એવું કમ-સે-કમ આ 'Profile Status'પરથી તો લાગતું નથી. કોઈએ લખેલું 'કટ-પેસ્ટ' કરી આપની વોલ પર લગાડતાં પહેલા એટલું તો વિચારવું હતું કે સ્વ. ઇન્દિરા ગાંધીના પુત્રવધૂ એવા શ્રીમતી મેનકા ગાંધી અને તેમના પુત્ર વરૂણ ગાંધી આપશ્રી જેનું પ્રતિનિધિત્વ લોકસભામાં કરો છો તે 'ભારતીય જનતા પક્ષ'ના જ તમારા જેવા સંસદસભ્ય છે. વળી મેનકા ગાંધી વાજપેયી સરકારનું કેન્દ્રિય મંત્રીપદ શોભાવી ચૂક્યા છે. આટલો ડેટા યાદ હોત તો આવું લખવામાંથી તમે બચી શક્યા હોત. લાગે છે એક સામાન્ય મતદાર તરીકે મારે પણ તમને વિશેષાધિકારની નોટીસ ફટકારવી જોઇશે. આભાર.
બિનીત મોદી (અમદાવાદ) / M: 9824 656 979
* * * * * * *

(Wednesday, 31 August 2011 at 08:03pm)
આનંદના સમાચાર. હિમાલયન કાર રેલી હવે અમદાવાદમાં જ યોજાશે. રસ્તા ઘણું કરીને એવાજ થઈ ગયા છે.
* * * * * * *

(Wednesday, 31 August 2011 at 08:28pm)
27 ઓગસ્ટ 2011ની સાંજે અમદાવાદમાં ગુજરાત કેન્સર સોસાયટીની મેડીકલ કોલેજનું ઉદ્દઘાટન તેમજ સંસ્થાની પચાસ વર્ષની યાત્રા વર્ણવતી સ્મરણિકાનું વિમોચન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા થયું. સ્મરણિકાના સંપાદક અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ પબ્લિસિટી ઓફિસર જી.એમ. હીરાગર આ પળના સાક્ષી થવા સ્ટેજ પર ગયા. પાછા આવીને અવતાર કાર્ય પૂરું થયું હોય એમ ગુટકાની પડીકી કાઢી મોઢામાં ઠાલવી. સંતોષ ન થયો એટલે પડીકીના પાઉચને ચાર ખૂણેથી વાળી દાંત ખોતર્યા. વ્યસન મુક્તિનો પ્રચાર હવે કેમ કરવો?
* * * * * * *

ભઈલા, તું હવે ગીતો ના ગાતો. લોક નાસી જશે...
(Wednesday, 31 August 2011 at 08:38pm)
દિલ્હીના રામલીલા મેદાન પર લોકપાલ બીલ માટે અન્ના હજારેના ઉપવાસના બારમા દિવસે સોનુ નિગમે ગીતો ગાયા. મેદનીના પ્રતિનિધિરૂપ પાંચ લોકો અન્ના પાસે પહોંચ્યા અને કહ્યું કે આવતીકાલે મીકા સિંહ, કુનાલ ગાંજાવાલા અને હિમેશ રેશમિયા આવેને અમારી પર ત્રાસ ફેલાવે એ પહેલા આપ ઉપવાસનો અંત લાવો તો મહેરબાની થશે. અન્ના માની ગાયા. આભાર. (This is the Inside Story behind End of Anna Hajare's Fast)

અગાઉ અહીં મુકેલી ઑગસ્ટ – 2012ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લીંક આ રહી – http://binitmodi.blogspot.in/2012/09/2012.html

(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

3 comments:

  1. સૌ મિત્રો,
    બ્લોગની ત્રીસમી પોસ્ટ (14 સપ્ટેમ્બર 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.
    અહીં લખાયેલું, કોપી - પેસ્ટ કરી મુકાયેલું કદીકને નવેસરથી જૂના રેફરન્સ ખોળવાના કામે કોઈકને ખપમાં આવશે એવી આશા છે અને મને તો કામ આવશે જ આવશે એવી ખાતરી છે. આભાર.
    બિનીત મોદી (અમદાવાદ) / ગુરૂવાર, 4 ઓક્ટોબર 2012

    ReplyDelete
  2. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને દોઢ વર્ષ પૂર્ણ થયું.
    30મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 14-09-2012 to 14-09-2013 – 380

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  3. પ્રિય મિત્રો,
    30મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 14-09-2013 to 14-09-2014 – 60

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete