કે.લાલ (કાન્તિલાલ ગીરધરલાલ વોરા) 01-01-1924થી 23-09-2012 |
‘જિંદગીભર લોકોને છેતરીને કમાયો છું.’
“ટાઇપ, જોડણી બધું
બરાબર છે?”…“હા, બરાબર છે.”
“અરે શું બરાબર છે? આવું તે કંઈ લખાતું હશે?”…“હા, પપ્પા આવું તો ના જ લખાય.”…“હા, હા, પપ્પાજી આવું તો ના જ લખાય. અબઘડી છેકી નાંખો.”
શબ્દોમાં
ફેરફાર હશે પરંતુ વાતચીતના અર્થમાં કોઈ ફેરફાર નથી. આજથી લગભગ વીસેક વર્ષ પહેલાં ઉપર
લખ્યો તે ડાયલૉગ મારી સામે થતો હતો. સ્થળ – જાદુગર કે.લાલનું ઘર. તેમની સાથે વાતચીત...ના...ના...દલીલબાજી
કરી રહ્યા હતા તે એમના પરિવારજનો. પહેલી દલીલ કરી તેમના પત્ની પુષ્પાબહેને, બીજી
દલીલ આવી પુત્ર હર્ષદ (હસુભાઈ) તરફથી...અને છેલ્લે દલીલ કરનાર હતા લાલસાહેબના પુત્રવધૂ જયશ્રીબહેન.
બસ થઈ
રહ્યું. જાદુકળાથી દુનિયાને જીતી લેનાર કે.લાલ / K. Lal છેલ્લી દલીલ સામે હારી ગયા...અને છપાવવા
જઈ રહેલું વાક્ય છેકી નાખ્યું.....‘જિંદગીભર લોકોને છેતરીને કમાયો છું.’ – એ વાક્ય
જે તેઓ પોતાના લેટરહેડ પર છપાવવા માગતા હતા.
1990 – 1992 વચ્ચેનો
કોઈ સમય. કોલકતા (એ સમયે કલકત્તા / Calcutta)માં / Kolkata રહી દુનિયાભરમાં જાદુના શો કરતા કે.લાલ / Kantilal Girdharlal Vora / www.klal.com પરિવાર
સાથે અમદાવાદમાં /
Ahmedabad સ્થાયી થવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એ માટેનું મુખ્ય કારણ
તે પૌત્રો (હસુભાઈના દીકરાઓ) બાળક મટી મોટા થઈ રહ્યા હતા. તેમના ભણતરને ચોક્કસ દિશા
તરફ વાળવા માટે આ સ્થળાંતર જરૂરી હતું. લાલસાહેબને સૌથી મોટી ચિંતા છોકરાઓને સારી સ્કૂલમાં
એડમિશન મળે તેની હતી. ઘર-પરિવાર સાથે નવી જગ્યાએ સ્થાયી થવાનું એટલે બીજી તો નાની-મોટી
અનેક પળોજણો હોય પરંતુ આ સ્કૂલ એડમિશનની ચિંતા મોટી હતી.
(ડાબેથી) જૂનિઅર કે.લાલ (હર્ષદભાઈ), રજનીકુમાર પંડ્યા,
ગુણવંત છો. શાહ (પત્રકાર) અને કે.લાલ : વસ્ત્રાપુર (અમદાવાદ) શો, ફેબ્રુઆરી 2009
|
એ સમયે
હું રજનીકુમાર પંડ્યા /
Rajnikumar Pandya સાથે ફુલટાઇમ જોડાયેલો હતો. અમદાવાદમાં રહેતી આ એક એવી વ્યક્તિનું
નામ છે જેની સાથે જોડાનારની અડધી ચિંતાઓ ઓછી થઈ જાય. કારણ કે તેને એમણે પોતાની ગણીને
માથે ઓઢી લીધી હોય. લાલસાહેબના કિસ્સામાં પણ એમ જ થયું. ઉંમરનો તફાવત ઓગાળી નાખો તો
બન્ને મિત્રો અને ના ઓગાળો તો એકબીજાના વડીલ બનીને પેશ આવે. સ્થળાંતર કરીને અમદાવાદ
જેવા શહેરમાં દાખલ થઈએ અને જેવી જરૂર ઊભી થાય તેવા દરેક કામમાં રજનીભાઈ તેમની પડખે
રહ્યા – બાળકોનું સ્કૂલ એડમિશન, નવા ખરીદેલા મકાનની દસ્તાવેજી જરૂરિયાતો, રાંધણ ગેસનું નવું જોડાણ, રેશન કાર્ડ. આવી તો કંઈક બાબતો. જરૂર પડી ત્યાં મદદના માધ્યમ તરીકે હું પણ
ક્યારેક નિમિત્ત બનું. એ રીતે થયેલા પરિચયમાં જ આગળ વધતાં એમને સ્ટેશનરી પ્રિન્ટીંગ
માટે રજનીભાઈને વાત કરી. વિઝિટિંગ કાર્ડ, બ્રોશર, લેટરહેડ વગેરે. લેટરહેડના મથાળે તેઓ ઉપર જણાવ્યું તે વાક્ય લખાવવા માગતા હતા.
પરિવારજનોને મંજૂર નહોતું એવું એ વાક્ય તેમના મતે એકરારનામું હતું. મારે તો ગુરૂ (રજનીકુમાર
પંડ્યા)ની સૂચના પ્રમાણે તેમને નમૂનો બતાવી મંજૂર થયે આગળ વધવાનું હતું.
તેમના અંગત પરિચયમાં આવ્યો તે પહેલાં એક એકરાર તેમણે જાહેરમાં પણ કર્યો હતો. બાલાભાઈ
દેસાઈ ‘જયભિખ્ખુ’નું / Balabhai Veerchand Desai
‘Jaibhikkhu’ ઘણું બધું સાહિત્ય અપ્રાપ્ય બન્યું
હતું. બજારમાં માગ હોય તો ય પ્રકાશક છાપવાનો રાજીપો ના બતાવે એવો એ 1990 પહેલાંનો સમય હતો. કે.લાલને કલકત્તા બેઠા આ વાતની જાણ થઈ. જયભિખ્ખુ
માટેનો તેમનો આદર જાણીતી વાત છે. બાલાભાઈના પુત્ર કુમારપાળ દેસાઈને ફોન કરી તેમણે આ
સમગ્ર કામની આર્થિક જવાબદારી ઉપાડી લીધી. ગુજરાત વેપારી મહામંડળના હોલમાં જ્યારે તે
સમગ્ર સાહિત્ય ચં.ચી. મહેતા (ચંદ્રવદન ચીમનલાલ મહેતા / Chandravadan Chimanlal Mehta)ના હસ્તે
લોકાર્પણ પામ્યું ત્યારે તેઓ કલકત્તાથી ખાસ આ કાર્યક્રમમાં આવ્યા, શ્રોતાજનોની
વચ્ચે બેસીને કાર્યક્રમ માણ્યો અને પોતાના પ્રદાનની કોઈ જાહેર નોંધ ન લેવાય તેની ખાસ
તકેદારી રાખી. કાર્યક્રમના અંતે જ્યારે કુમારપાળ દેસાઈએ / Kumarpal Desai કે.લાલ
તરફથી મળેલા આર્થિક સહયોગનો ઉલ્લેખ કર્યો ત્યારે તેમણે માઇક હાથમાં લીધું. માત્ર એટલું
જ બોલ્યા કે, ‘મારી કારકિર્દી ઘડવામાં જયભિખ્ખુનો ફાળો મોટો છે. તેમના સાહિત્ય
કે મારી ભાષા માટે તેમના જ આશીર્વાદથી કમાયેલા રૂપિયા કામમાં ના આવે તો એ શું ખપના?’
આટલું
બોલીને તેઓ બહુ ઝડપથી મંચ છોડીને પાછા પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા. એટલા ઝડપથી, જે ઝડપે
એ સ્ટેજ પર પોતાની જાદુકળા બતાવીને અલોપ થઈ જતા હતા. હા, તેઓ દુનિયાના
ફાસ્ટેસ્ટ મેજિશિયન હતા. પહેલીવાર તેમનો શો આણંદના ટાઉનહોલમાં જોયો હતો. સાલ 1980ની આસપાસ.
સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાની ઠાસરા શાખામાં કામ કરતા પપ્પા (પ્રફુલ મોદી)એ બેન્કે ખેડૂતો-પશુપાલકોને
ભેંસ ખરીદવા આપેલા ધિરાણ (લોન) સંદર્ભે આણંદ આસપાસની કેટલીક દૂધ મંડળીઓમાં જાતતપાસ
માટે જવાનું હતું. અમૂલ ડેરીના એક અધિકારી પણ આણંદથી સાથે જોડાયા. બપોર પડે કામ પત્યે
અમૂલ ડેરીના પ્લાન્ટમાં દૂધની બનાવટો બનતી જોવી એ પણ કંઈ જાદુથી કમ તો નહોતું જ. અને
રાત્રે તો ખરેખર જાદુના ખેલ જોવા મળ્યા – વિશ્વ પ્રસિદ્ધ જાદુગર કે.લાલ અને જૂનિઅર
કે.લાલના.
પંચાશીની વયે શોની પ્રોપર્ટીનું પેકિંગ કરતા લાલસાહેબ |
એ પછી
થોડા વર્ષ વીત્યે અમદાવાદમાં જ ફરી એકવાર તેમનો શો જોવાની તક મળી. સાલ 1987ની આસપાસ.
આજે 2012માં સાવ
જ ઉપેક્ષિત થઈને બંધ પડેલા ભદ્ર સ્થિત પ્રેમાભાઈ હોલમાં તેઓ શો લઈને આવ્યા હતા. તેમની
જાદુકળા ફરીને માણવાનું મન થાય એ માટે તેઓ આ વખતે એક મોટું અને વજનદાર આકર્ષણ લઈને
આવ્યા હતા – સ્ટેજ પરથી સિંહને ગાયબ કરી દેવાનું. આ માટે તેઓ બહારના કોઈ રાજ્યમાંથી
સિંહને પણ લઈ આવ્યા હતા. ગણતરીના શો થયા હશે ને ગુજરાતનું જંગલ ખાતું સિંહની જેમ જ
આળસ મરડીને બેઠું થયું. ‘વન્ય પ્રાણી જીવ
સંરક્ષણ’ના કાયદાનો દંડૂકો
ઉગામતું પ્રેમાભાઈ હોલ સુધી પહોંચી ગયું. સિંહને તો તાત્કાલિક અસરથી વાયા કાંકરિયા
ઝૂ થઈને જંગલ ભેગો જ કરવો પડ્યો. પ્રેમાભાઈ હોલના સંચાલકો પણ નારાજ થયા હતા. કારણ કે સિંહને સ્ટેજ
સુધી લઈ જવા માટે હોલની એક દિવાલમાં વગર પરવાનગીએ બાકોરું પાડ્યું હતું. સિંહ જંગલ
ભેગો થયો એ પછી પણ માંદગીના નામે સમાચારમાં રહેતો હતો અને એ રીતે સમાચારમાં રહેવાનો
‘લાભ’ લાલસાહેબને પણ મળતો હતો. તેના લાલન-પાલન
માટે રોજિંદા ધોરણે માંસ ખરીદવું પડે એ પણ જૈન ધર્મના ચુસ્ત અનુયાયી એવા કે.લાલ માટે
કઠણ કામ હતું. આવા કંઈક કારણોસર તેમણે પાળેલા સિંહથી પીછો છોડાવ્યો. જાદુના શો કેન્સલ
થયા પછી તેમણે તેનું સ્વરૂપ ‘સ્ટેજ પરથી મારૂતિ
કાર ગાયબ’ જેવા જાદુમાં બદલ્યું હતું. ‘લગે રહો મુન્નાભાઈ’ જેવી
ફિલ્મોને મળેલી સફળતા અને ‘ગાંધીગીરી’ના ફેલાયેલા જુવાળ પછી તેમણે સ્ટેજ પર ગાંધીજીને રજૂ કરીને ગાયબ
કરવાનું શરૂ કર્યું અને ઠેઠ આ વર્ષ સુધી થયેલા શોમાં તે બતાવવાનું ચાલુ રાખ્યું હતું.
ગુજરાતમાં જે સમયે તેમણે કાયમી ધોરણે રહેવાનું શરૂ કર્યું
ત્યારે મુખ્યમંત્રીપદે ચીમનભાઈ પટેલનો સૂરજ સોળે કળાએ ખીલેલો હતો. સોળ વર્ષ પછી પુનઃ
સત્તા પ્રાપ્ત થઈ હતી એ પણ એક કારણ ખરું. બદલાયેલો સમય કહો કે તેની માંગ, જે કહો
તે પણ લેખકો – કળાકારોને તેમણે પોતાની નજીક એક ચોક્કસ સ્થાન આપ્યું હતું. રાજ્ય સરકાર
વતી કે.લાલનું નાગરિક સન્માન થયું ત્યારે તેમણે પોતાના મનની વાત જાહેરમાં મુકી કે
– સરકાર જો જમીન આપે તો આ લુપ્ત થતી જતી જાદુકળાનો વારસો નવી પેઢીને સોંપવા માટે, તેને
તાલીમ આપવા માટે એક આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થા ખોલવાની તેમની નેમ છે.
બસ થઈ
રહ્યું. આ જમીનની માગણી જાહેર કરી એ સાથે રાજ્ય સરકારે તેમની સાથે અંતર પાડી દીધું.
અને પછી તો ચીમનલાલ સહિતની સરકારો વગર જાદુએ ફટાફટ ગાયબ થવા માંડી એટલે આખી યોજના ખોરંભે
પડી ગઈ.
વિશ્વકોશમાં વ્યાખ્યાન |
લાગે છે
આ જમીનની માગણી કરવામાં લાલસાહેબે તેમની જાદુકળા જેવી જ ઝડપ કરી મુકી. તેમણે આવી માગણી
1992ને બદલે 2002માં કે 2012માં કરી હોત તો કંઈક બાત બનતી, એમ.ઓ.યુ થઈ શકત. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ આયોજિત શ્રી
ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણીમાં 9મી એપ્રિલ
2008ની સાંજે
‘જાદુકળા’ વિશે વક્તવ્ય આપતા પણ તેમણે આ કળાના
સંવર્ધન માટે સેવાયેલા ‘સરકારી દુર્લક્ષ’ની વાત ફરી એકવાર જાહેરમાં મુકી આપી હતી.
ખેર! જે નથી થઈ શક્યું તેનો અફસોસ નહીં. જે
થયું તેનો આનંદ લેવો એ મોટી વાત છે. લાલસાહેબ પોતે આ ફિલસૂફીમાં માનતા. દેશ-દુનિયાના નામી-અનામી
તમામ જાદુગરોનો અમદાવાદમાં એક છત્ર તળે મેળાવડો કરવાની અને એ નિમિત્તે જાદુકળાના અનેક
પાસાંઓની નવેસરથી ચર્ચા આરંભવાની તેમની ઇચ્છા થોડા વખત અગાઉ જ ફળીભૂત થઈ. હજારો જાદુગરો
અમદાવાદના આંગણે આવ્યા. લાલસાહેબે તે સૌને એ રીતે જ આવકાર્યા જેવા હોલમાં દર્શકોને
આવકારતા અને ઘરમાં મહેમાનને.
અવસાનના
ચોવીસ કલાક પછી 24મી સપ્ટેમ્બરની
સવારે નીકળેલી તેમની સ્મશાનયાત્રા તેમના શો અગાઉ ટિકિટબારી છલકાતી હતી એ રીતે જ ચાહકો
– શુભેચ્છકોથી છલકાતી હતી. હસ્તકલાના ‘કળાકારો’એ થલતેજના મુક્તિધામમાં પહોંચેલી સ્મશાનયાત્રામાં
આવેલા ડાઘુઓના પાકીટ-મોબાઇલ પર ‘હાથચાલાકી’ના અસલ કરતબ પણ અજમાવ્યા. બસ એ જોઈને તેમને સન્માર્ગે વાળી શકે
તેવો ‘અસલી કળાકાર’ અહીં
ગેરહાજર હતો.
enjoyed fully. K Lal - a great man indeed who would want to publicly declare ‘જિંદગીભર લોકોને છેતરીને કમાયો છું’ and thus educate the people that the magic is for amusement and never trust on the magicians or other cheats and charlatans who claim they have supernatural powers to make such miracles. it is but tricks and agility and science mixed by a master entertainer.
ReplyDeleteવાહ, મોદી. મસ્ત લખ્યું છે.
ReplyDeleteજમીનમાં તો શું કહું? થોડા વખત પહેલાં એક વાર રજનીભાઇને ત્યાં સવારની બેઠક દરમિયાન સરકારના એક મંત્રીએ તેમની રાજકોટની જમીન કેવી રીતે પચાવી પાડી અને પછી કેવી રીતે નામકર ગયા હતા અને ખુદ મુખ્ય મંત્રી પણ તેમાં કોઇ મદદ ન કરી શક્યા, તેનું વર્ણન લાલસાહેબના મોઢે જ સાંભળ્યું હતું. એ દુઃખભરી દાસ્તાન અંજલિમાં ક્યાં માંડવી? એમ કહીને હું અટકી ગયો, પણ આ વાંચીને થયું કે લખવું જોઇએ...
સુંદર લેખ બિનિતભાઈ
ReplyDeleteબહુ સરસ લખ્યું છે બિનીત. અભિનંદન.
ReplyDeleteરજનીકુમાર પંડ્યા (અમદાવાદ)
ઘણી માહિતી મળી. મેં ૯૦ ૯૧માં સિંહ અને કાર ગાયબ થતી જોઈ છે. જો કે હું કદી મળ્યો નથી. શો ઘણી વાર જોયા છે
ReplyDeleteવાહ...ઉર્વીશભાઈની અંજલિ પછી આ પણ...કે.લાલ જાદુગર ઉપરાંત અચ્છા આદમી હતાં એ અલપઝલપ રૂબરૂ મળ્યાં ઉપરાંત આ બંને અંજલિઓ દ્વારા જાણવા મળ્યું..
ReplyDeleteSuper piece!!!
ReplyDeleteBinitbhai, saras article. K. Lal no Ek show thoda samay pahela Gandhinagar ma joyo hato... Na joyo hot to Afsos rahi jaat... RIP K.Lal
ReplyDeleteફક્ત ગુજરાત અને ભારતના જ નહીં પરંતુ વિશ્વના શ્રેષ્ઠ જાદુગર શ્રી કે. લાલનું દુઃખદ અવસાન થયું. તેઓ ફક્ત એક જાદુગર જ નહોતા પરંતુ એક દયાળુ માનવી પણ હતા. આપણા દેશની કમનસીબી છે કે તેઓને યોગ્ય આદર મળ્યો નહીં. આવા મહાન માનવીનું જીવનચરિત્ર પ્રકાશિત થવું જોઈએ. તમે સરસ લેખ દ્વારા તેઓને અંજલી આપી છે. આભાર.
ReplyDeleteપદ્મનાભ જોશી (અમદાવાદ)
Binitbhai,
ReplyDeleteAbhinandan..!
tamari kalam no jadu ochho nathi!
K. Lal saheb hajar ne gayab kari deta..., tame kalam ma thi badhu HAJAR kari do chho!!!
Dr. Bharat J. Parikh
સૌ મિત્રો,
ReplyDeleteબ્લોગની બત્રીસમી પોસ્ટ (24 સપ્ટેમ્બર 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.
કે. લાલસાહેબના અવસાનના સમાચાર રજનીકુમાર પંડ્યા દ્વારા SMSથી મળ્યા. લેખક-પત્રકાર મિત્ર ઉર્વીશ કોઠારી સાથે એ સમાચારની આપ-લે થઈ. રજનીકુમાર પંડ્યા થકી કે.લાલ સાથેના મારા સંપર્કને જાણતા ઉર્વીશે કહ્યું, 'મોદી, તું પણ કંઈક લખ.' તેની નાનકડી ટકોરથી આ શ્રદ્ધાંજલિ લખી શક્યો. આ લખાણ ભવિષ્યમાં પણ ક્યારેક આમ જ લખાયું હોત પરંતુ ઉર્વીશના કહેવાથી એ ઝડપભેર લખાયું તેમ લાલસાહેબની નામનાને કારણે આ બ્લોગપોસ્ટને ફાસ્ટ રીડરશીપ મળી. બ્લોગ લખવાનો પ્રારંભ કર્યાના આઠમા મહીને તે પણ મારા માટે એક નવો અને પહેલીવારનો અનુભવ હતો.
બિનીત મોદી (અમદાવાદ) / બુધવાર, 10 ઓક્ટોબર 2012
જાદુ મારો પ્રિય રસનો વિષય રહ્યો છે. જાદુના સાધનો ખૂબ ખરીદ્યા. તેમજ પુસ્તકો વાંચ્યાં. મજા આવતી. નાનકડો સ્ટેજ શો પણ કર્યો. સમયાંતરે તે છૂટી ગયું પણ કે.લાલ સાહેબના શો બે વખત જોયા છે. હા, તેમને રૂબરૂ ના મળી શકાયાનો અફસોસ છે. ખૂબ સરસ આર્ટિકલ....બિનીતભાઈ.
ReplyDeleteમેહુલ સોની (ધ્રાંગધ્રા)
(Response through FACEBOOK, Post Reshared on K. Lal's 90th Birthday, 01 and 02 January 2013)
મહાન નહીં, મઝાના જાદુગરને સલામ.
ReplyDeleteહિતેષ દવે (ગોંડલ, જિલ્લો: રાજકોટ)
(Response through FACEBOOK, Post Reshared on K. Lal's 90th Birthday, 01 and 02 January 2013)
પ્રિય મિત્રો,
ReplyDeleteબ્લોગ ‘હરતાંફરતાં’ને દોઢ વર્ષ પૂર્ણ થયું.
32મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 24-09-2012 to 24-09-2013 – 710
બિનીત મોદી (અમદાવાદ)
ખરેખર તેઓ એક મહાન જાદુગર હતા.
ReplyDeleteજયેશ કે. શ્રીમાળી (ડાકોર, ગુજરાત)
(Response through FACEBOOK : 24 September 2014)
(Post Reshared on K. Lal's Second Death Anniversary on 23 September 2014)
કાળના પ્રવાહમાં ઘણું બધું તણાઈ જતું હોય છે. કે.લાલ મહાન હતા. એમને નિરાંતે મળવાની મને એક-બે વાર તક મળી હતી. તમે આવી હસ્તીઓની પુણ્યતિથિ યાદ રાખો છો એ જોઈ - વિચારીને આપના પ્રત્યે વિશેષ આદર જન્મે છે. મને જન્મદિવસ યાદ રાખવાનો શોખ છે. આજથી દસ વર્ષ પહેલા લગભગ ૨૦૦ વ્યક્તિઓ, વ્યક્તિવિશેષો અને સામાન્ય માણસોના પણ જન્મદિવસો યાદ રહેતા હતા. હવે ધીમે ધીમે બધું વિસરાતું જાય છે.
ReplyDeleteઅશોકપૂરી ગોસ્વામીનો એક શેર યાદ કરી લઈએ.
‘મારી હસતી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળીને જગ્યા પૂરાઈ ગઈ!’
દિલીપકુમાર એન. મહેતા (વડોદરા, ગુજરાત)
(Response through FACEBOOK : 24 September 2014)
(Post Reshared on K. Lal's Second Death Anniversary on 23 September 2014)
પ્રિય મિત્રો,
ReplyDelete32મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 24-09-2013 to 24-09-2014 – 130
બિનીત મોદી (અમદાવાદ)