પ્રતિભાવો ઉર્ફે Comments

Monday, September 10, 2012

વર્ગીસ કુરિયન : આપનો ફોટો પાડવો એ ‘મારું સ્વપ્ન’


ડૉ. વર્ગીસ કુરિયન : 26-11-1921થી 09-09-2012 

પુસ્તક લોકાર્પણ – વિમોચન કાર્યક્રમની તસવીરો અવસર-સમય મળ્યે લેતો હોઉં છું. પોસ્ટ સાથેની આ તસવીરો એવા જ એક કાર્યક્રમની છે જે 2006ના વર્ષમાં અમદાવાદમાં યોજાયો હતો. મારા માટે એ અવસર હતો. એવો અવસર જેને મેં કેમેરો હાથમાં લીધો હોય તેના પહેલા દિવસથી ઝંખ્યો હોય. કેમ? થોડું બેકગ્રાઉન્ડ જાણવું અને ફ્લેશબેકમાં જવું જરૂરી છે.

સ્કૂલના બારમાંથી પાંચ ઘોરણ ઠાસરામાં ભણવાનું થયું. ખેડા જિલ્લાના તીર્થધામ ડાકોર / Dakor પાસેના એ ગામની વિશેષતા તો કોઈ હતી નહીં. સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયામાં / State Bank of India કામ કરતા પપ્પા (પ્રફુલ મોદી)ને પ્રમોશન સાથે મળવાપાત્ર ટ્રાન્સફરને કારણે અહીં રહેવા – ભણવાનું થયું હતું. ત્રણ ધોરણ સુધી અમદાવાદમાં ભણ્યા પછી ચોથું ધોરણ ઠાસરાની તાલુકા શાળામાં ભણ્યો અને આગળ ભણવા માટે પાંચમા ધોરણથી ધી જે. એમ. દેસાઈ હાઇસ્કૂલમાં / The J.M. Desai High School દાખલ થયો. પ્રિન્સીપાલ પણ એ વર્ષે જ સ્કૂલમાં દાખલ થયા હતા. રમેશચંદ્ર બી. જોશી તેમનું નામ. તુવેરદાળના ઉત્પાદનથી પ્રખ્યાત વાસદ નજીકના રણોલી જેવા ઠાસરા કરતા પ્રમાણમાં નાના ગણાય તેવા ગામની સ્કૂલનું આચાર્યપદ છોડીને તેઓ અહીં આવ્યા હતા. સ્કૂલ તો મોટી હતી જ, વિદ્યાર્થીઓને ભણાવવા કરતાંય તેમનું ઘડતર થાય એ જોવાની એમની મોટી હોંશ હતી. ગામના વેપારીઓ-કમ-સ્કૂલના ટ્રસ્ટીઓ એવા કેટલાક ખડ્ડૂસોની મરજી વિરૂદ્ધ એ દિશામાં તેમણે કેટલાંક પગલાં પણ લીધા હતા.

વર્ષોના વીતવા સાથે તેમાંની ઘણી બધી વાતો-બાબતો આજે યાદ નથી રહી. યાદ રહી ગઈ છે આર.બી. જોશી સાહેબની એક પ્રવૃત્તિ. સ્કૂલના વાર્ષિક કાર્યક્રમ નિમિત્તે તેઓ ખેડા જિલ્લાની ગણમાન્ય કહી શકાય તેવી વ્યક્તિને વિદ્યાર્થીઓના જીવન ઘડતર સંબંધિત પ્રવચન માટે નિમંત્રણ આપતા. મને બરાબર યાદ છે કે પહેલા વર્ષે બોરસદની બી.એડ. કૉલેજના પ્રિન્સીપાલ પુનમભાઈ પટેલ આવ્યા હતા (જેઓ પાછળથી સ્કૂલના ટ્રસ્ટીમંડળમાં પણ સામેલ થયા), બીજા વર્ષે આજે છે તેથી ઓછા જાણીતા અને તે સમયે દંતાલી વાળા સ્વામી એવા વિશેષણથી ઓળખાતા સચ્ચિદાનંદ આવ્યા હતા તો ત્રીજા વર્ષે આણંદથી આવેલા ડૉ. વર્ગીસ કુરિયનના / Verghese Kurien પ્રવચનનો લાભ અમને વિદ્યાર્થીઓને મળ્યો હતો. સીધો નહીં આડકતરો. કારણ કે ભાષણ તો તેમણે અંગ્રેજીમાં આપ્યું હતું જેનું હાર્દ અમને વિદ્યાર્થીઓને જોશી સાહેબે ગુજરાતીમાં કહી સંભળાવ્યું હતું.

એ સમયે તેમણે કહેલી વાતો તો આજે યાદ નથી. હા, એટલું યાદ છે કે અગાઉના બે મહાનુભાવો કરતા તેમની મુલાકાત વિશિષ્ટ હતી. તેમના આગમન સમયે મારા પાડોશી અને ઠાસરાના મામલતદાર એવા ગિલ્બર્ટ જે. નેઝરથ હોદ્દાની રૂએ સ્કૂલમાં હાજર હતા અને કારમાંથી ઉતરતા ડૉ. કુરિયનને / Dr. Verghese Kurien તેમણે સેલ્યુટ આપી હતી. બસ, એ ક્ષણથી એ સેલ્યુટ મનમાં અંકાઈ ગઈ છે. એટલી ખબર પડી કે તેઓ કોઈ મોટી હસ્તી હતા – મહાનુભાવ હતા. આજે ગાંધીનગર ખાતે સચિવાલયમાં ગુજરાત સરકારના એક નિગમના મેનેજિંગ ડિરેક્ટરના પદ પર કાર્યરત નેઝરથ સાહેબ સાથેની ફોન વાતચીતમાં ભૂતકાળનો એ પ્રસંગ યાદ કર્યો તો એમણે માહિતી આપી કે એ સમયે (વર્ષ 1981) ડૉ. કુરિયનને ભારત સરકારના પદ્મશ્રી અને પદ્મભૂષણ જેવા સન્માન મળી ચૂક્યા હતા અને એ સમયના પ્રોટોકોલ પ્રમાણે આવી સન્માનપાત્ર વ્યક્તિની મુલાકાત-ઉપસ્થિતિ સમયે મામલતદારે હાજર રહેવું અનિવાર્ય લેખાતું હતું.

હા, કેમેરો હાથમાં લીધો એ દિવસથી અને તેમણે કરેલી કામગીરી સંબંધે સમજણનો થોડો ઘણો ઉઘાડ થયો ત્યારથી તેમનો ફોટો પાડવો એ મારા માટે પણ અનિવાર્ય બની ગયું હતું. કેમ? એના કારણમાં સંભવતઃ ઉપરોક્ત ઘટના જ હોય એમ હું આજે 2012માં એમની વિદાય વેળાએ માનું છું. આણંદમાં સાવ જ લૉપ્રોફાઇલ રહીને વૈશ્વિક સ્તરનું પ્રદાન કરી ચૂકેલા ડૉ. કુરિયનનો ફોટો એમ અમદાવાદ રહ્યે તો કેમ પડે? જો કે એવો અવસર મને તેમની શ્વેતક્રાંતિને કારણે નહીં પણ સાહિત્યને કારણે મળ્યો. રિપીટ...પુસ્તક લોકાર્પણ – વિમોચન કાર્યક્રમની તસવીરો અવસર-સમય મળ્યે લેતો હોઉં છું. કેમ? એના કારણોની ખબર નથી. શોધવાય નથી. નિજાનંદ – હા, એ એક કારણ ખરું. પુસ્તક વિમોચનનો મુખ્ય કાર્યક્રમ સંપન્ન થાય તે પછીની ઑફ સ્ટેજ તસવીરો લેવી એ મારો મનગમતો વિષય છે જે મને વારંવાર ઝડપવો – માણવો ગમે છે. ડૉ. કુરિયનની બાબતમાં એવો અવસર મને 2006માં મળ્યો જ્યારે તેમની અંગ્રેજી આત્મકથા ‘I too had a Dream’ના ગુજરાતી અનુવાદનું અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલમાં વિમોચન હતું. દિવસ હતો 13મીઓગસ્ટ 2006 અને રવિવારની સવાર.

(ડાબેથી) સુધા મહેતા, મોલી કુરિયન, ડૉ. વર્ગીસ કુરિયન, બકુલ ત્રિપાઠી,
ભગતભાઈ શેઠ, ચિંતન શેઠ અને સુનીતા ચૌધરી
સુધા મહેતા દ્વારા ગુજરાતીમાં મારું સ્વપ્ન નામે અનુવાદિત ડૉ. કુરિયનની આત્મકથાના પ્રકાશક આર.આર. શેઠની કંપની / www.rrsheth.com દ્વારા આયોજિત એ કાર્યક્રમમાં ગુજરાતના સહકારી જગતના મોટાભાગના આગેવાનો ઉપસ્થિત હતા. એમાંના એક એવા ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને દૂધસાગર ડેરીના ચેરમેન વિપુલ ચૌધરી આજે અમૂલનું / www.amul.com ચેરમેનપદ સંભાળે છે. કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં તેમજ સ્ટેજ પરના બેકડ્રોપમાં લખ્યા પ્રમાણે પુસ્તકનું વિમોચન ગુણવંત શાહ / Gunvant Shah કરવાના હતા પરંતુ કોઈક કારણસર તેઓ કાર્યક્રમમાં પહોંચી શકે તેમ ન હતા. એટલે તેમના સ્થાને પુસ્તકના લોકાર્પણકર્તા બનેલા હાસ્યલેખક બકુલ ત્રિપાઠીએ / Bakul Tripathi પોતાના વક્તવ્યના પ્રારંભે જ કહ્યું કે, આ કામગીરી મારા ભાગે ઇન્ટરનલ ઓપ્શનમાં આવી છે. હું અને ગુણવંતભાઈ બન્ને એક જ પ્રકાશક સાથે જોડાયેલા લેખકો છીએ. સમારંભનું પ્રમુખપદ સંભાળનાર બકુલભાઈ તે સમયે ગુજરાતી સાહિત્ય પરિષદના / www.gujaratisahityaparishad.com પ્રમુખપદે કાર્યરત હતા. પુસ્તક વિમોચનનો મુખ્ય કાર્યક્રમ સંપન્ન થયા પછી શ્રોતાઓ સાથે પ્રશ્નોત્તરીનો સમય ફાળવવામાં આવ્યો હતો. એક પ્રશ્ન તેમને એવો પૂછવામાં આવ્યો કે, અમૂલ જેવું સહકારી ક્ષેત્રનું ઉત્તમ મોડેલ તેઓએ અન્યત્ર કે અન્ય ક્ષેત્રમાં શા માટે ન વિક્સાવ્યું?”…તેમણે ત્વરિત અને તાર્કિક જવાબ આપ્યો કે, મારું જ્ઞાન ડેરી ટેક્નોલોજિ પૂરતું સીમિત હતું અને એના માટે જ ગુજરાત આવ્યો હતો. બીજા પણ પ્રશ્નો પૂછાયા પરંતુ તેમનો આ જવાબ યાદ રહી ગયો છે.

પુસ્તક પ્રાકટ્યનો પ્રતિભાવ...અને...
...શ્રોતાઓ સાથે સવાલ – જવાબ
ઉપરોક્ત કાર્યક્રમના અઢારમા દિવસે 31મીઓગસ્ટે બકુલ ત્રિપાઠીનું અમદાવાદમાં અવસાન થયું. એ રીતે આ કાર્યક્રમ તેમનો છેલ્લો જાહેર કાર્યક્રમ બની રહ્યો. બકુલ ત્રિપાઠીના દુઃખદ અવસાનના સમાચારથી માહિતગાર થયેલા કુરિયન સાહેબે તેમની બીજી સપ્ટેમ્બરે પ્રસ્થાન પામેલી અંતિમયાત્રા અગાઉ પોતાના પ્રતિનિધિને ગુજરાતી સાહિત્ય પરિષદના પટાંગણમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મોકલીને પોતાની નિસબત પ્રકટ કરી હતી. આવી કે આ પ્રકારની કંઇક નિસબતોની આજના ગુજરાતમાં મોટી ખોટ વર્તાય છે એ અહીં માત્ર ઉલ્લેખવાનો નહીં, અલગ લેખનો વિષય છે.

ન્યુઝ ચેનલ સી.એન.એન-આઈ.બી.એન / CNN-IBN www.ibnlive.in.com તરફથી 2011માં ડૉ. વર્ગીસ કુરિયનને લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ જાહેર થયો તેના સમારંભમાં સન્માન સ્વીકારતા અને પ્રતિભાવ આપતા તેમને ટી.વી.માં જોયા હતા. એ એવો સમય હતો જ્યારે ઇ-મેલના ઇનબોક્ષમાં રોજની બે મેઇલ તેમને લગતી આવતી હતી. ડૉ. કુરિયનને ભારતરત્ન મળે તે માટે ચલાવાતી ઓનલાઇન ઝુંબેશમાં સામેલ થવાનું આમંત્રણ કે પીટીશન સાઇન કરવાનું જણાવતી એ ઇ-મેલ એકવીસમી સદીનો – સમયનો તકાજો હતી. દેશ માટે શ્વેત ક્રાંતિની ઝુંબેશ સફળતાપૂર્વક પાર પાડનાર માટે ભારતરત્નની ઓનલાઇન ઝુંબેશ કરવી પડે તેને પણ સમયની બલિહારી જ કહેવી પડે.

કાર્યક્રમના અંતે કુરિયન દંપતી સાથે બકુલ ત્રિપાઠી

ડૉ. વર્ગીસ કુરિયન – આણંદમાંથી માત્ર આપના નશ્વર દેહને અલવિદા અપાઈ છે, આત્માએ તો અમૂલમાં કાયમી સ્થાન બનાવી લીધું છે.

9 comments:

  1. ગરીબ ખેડૂતોના પ્રેમ થી હું 'ધ મિલ્ક મેન' બની ગયો,
    લોકોના જીવનના પ્રેમ થી હું ૯૦ વર્ષ જીવી ગયો....

    હું હતો એક માધ્યમ માત્ર, જે દૂધ ને બટર કરી ગયો.... :)

    ReplyDelete
  2. ભરતકુમાર ઝાલા11 September 2012 at 19:33

    વર્ગિસ કુરિયન જેવી વ્યક્તિઓ લોકોના દિલમાં રહેતી હોય છે. બાકી એમને ભારતરત્ન આપીને એમને રાજીવ ગાંધી જેવાઓની હરોળમાં બેસાડવાનું પાપ કરવા જેવું નથી જ.

    ReplyDelete
  3. શ્વેતક્રાંતિના પ્રણેતા, પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી સન્માનિત ડૉ. કુરિયન સાહેબને સમ્પુર્ણ આદરપુર્વક શ્રદ્ધાંજલી..

    ReplyDelete
  4. આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. કદાચ તેઓએ અમેરિકા કે ઇંગ્લેન્ડમાં આવું કામ કર્યું હોત તો એમને કાર્ય પ્રમાણેનું માન વિશ્વસ્તરે મળ્યું હોત, કદાચ નોબેલ પણ, ભારતમાં આટલું થયું એ પણ ઘણું કહેવાય.

    ReplyDelete
  5. Kurian ne shradhdhanjali... I like to read you because when you write on any person there is always personal connection and attached feeling with that person and his/her activity. It becomes not just information but with that information, we see your hearty feeling in the writing. May be writing it becomes easy to read just because of spontaneous overflow of your powerful feeling about the person.

    Regards,

    Mayurika, Ahmedabad

    ReplyDelete
  6. excellent style of expression..

    ReplyDelete
  7. સૌ મિત્રો,
    બ્લોગની ઓગણત્રીસમી પોસ્ટ (10 સપ્ટેમ્બર 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.

    પુસ્તકના અનુવાદક સુધાબહેન મહેતાએ આપેલી માહિતી પ્રમાણે ઓગસ્ટના વરસાદના દિવસોમાં પુસ્તક વિમોચનનો જાહેર કાર્યક્રમ કરવો ઇચ્છનીય ના ગણાય પરંતુ કામકાજમાં વ્યસ્ત - રત ડૉ. કુરિયનને એ દિવસોમાં જ અનુકૂળતા હોવાથી પ્રકાશકે ચોમાસામાં કાર્યક્રમ આયોજિત કરવાનું જોખમ લીધું. આગલી રાતથી પડતા વરસાદને કારણે વિમોચન કરનાર ડૉ. ગુણવંત શાહ વડોદરાથી ન આવી શક્યા એટલા પુરતો કાર્યક્રમમાં ફેરફાર થયો. સાથે એ પણ યાદ આવ્યું કે કાર્યક્રમમાં હું અમેરિકાથી પ્રકાશિત થતા સાપ્તાહિક 'ગુજરાત ટાઇમ્સ'ના પત્રકાર તરીકે સત્તાવાર ધોરણે હાજર હતો અને તેનું રિપોર્ટીંગ પણ કર્યું હતું.

    બિનીત મોદી (અમદાવાદ) / ગુરૂવાર, 27 સપ્ટેમ્બર 2012

    ReplyDelete
  8. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને દોઢ વર્ષ પૂર્ણ થયું.
    29મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 10-09-2012 to 10-09-2013 – 550

    ‘શ્વેતક્રાંતિ’ ઉર્ફે Operation White Floodના સર્જક ડૉ. વર્ગીસ કુરિયનની પહેલી પુણ્યતિથિ ગઈકાલે પસાર થઈ. કેવી રીતે ઓળખીશું તેમને? ભારતના ભણેલા અને ગુજરાતમાં ગણેલા ગોવાળિયા તરીકે. હા, એમ જ ઠીક રહેશે.

    ગયા વર્ષે તેમના અવસાનના બીજે દિવસે લખાયેલી આ બ્લોગપોસ્ટને ‘ફેસબુક’ પર Re-share કરતાં એક વાત નોંધવી રહી કે પોસ્ટના અંતે છેલ્લા ફોટામાં દેખાતા શ્રીમતી મોલીબહેન કુરિયન પણ હવે આ દુનિયામાં – આપણી વચ્ચે રહ્યા નથી. ડૉ. કુરિયનના અવસાનના ઠીક ત્રણ મહિના બાદ શુક્રવાર, 14 ડિસેમ્બર 2012ની રાત્રે મુંબઈમાં તેમનું 81 વર્ષની વયે અવસાન થયું.

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  9. પ્રિય મિત્રો,
    29મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 10-09-2013 to 10-09-2014 – 80

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete