પ્રતિભાવો ઉર્ફે Comments

Showing posts with label Industrialist. Show all posts
Showing posts with label Industrialist. Show all posts

Saturday, October 19, 2013

રતિલાલ ચંદરયા : ગુજરાતી કક્કાને કમ્પ્યૂટરના વાઘા પહેરાવનારની વિદાય


રતિલાલ ચંદરયા : 24-10-1922થી 13-10-2013

“ધનની દેવી લક્ષ્મીની કૃપા તો હતી જ પણ તેણે મને લેક્સિકોનના માધ્યમથી દેવી સરસ્વતીની સેવા કરવાની તક આપી તેને હું મારું સૌભાગ્ય સમજું છું.”

ચાર વર્ષ અગાઉ ઑક્ટોબર – 2009માં ગુજરાતી લોકકોશના લોકાર્પણ પ્રસંગે આ શબ્દોમાં પ્રતિક્રિયા આપનાર રતિલાલ ચંદરયા / Ratilal Chandaria માટે કહેવું જોઇશે કે 13 ઑક્ટોબર 2013ની રાત્રે તેઓ પરમ સૌભાગ્યને પામ્યા. તેમનું આખું નામ આ એક વાર લખ્યું તે લખ્યું, બાકી આગળ તો તેમનો ઉલ્લેખ ‘રતિકાકા’ નામે જ થવાનો.

તો જગતના એંસી / Eighty (કોઈ ભૂલચૂક નથી!) દેશોમાં વેપાર ખેડતા અને તે સંબંધિત વહીવટી કામગીરી માટે અંગ્રેજી ટાઇપરાઇટરને હાથવગું રાખતા રતિકાકાને પ્રશ્ન થયો કે આ હું જે કામકાજ કરું છું તે મારી માતૃભાષા ગુજરાતીમાં થાય કે નહીં? અને કમ્પ્યૂટર પર થાય કે નહીં તેવો બીજો પ્રશ્ન થયો કારણ કે તેનું આગમન થઈ ચૂક્યું હતું. પ્રશ્નો હતા તો તેના ઉકેલ પણ હતા. જો કે એ સરળ નહોતા અને પ્રારંભિક તબક્કે તે ‘ખર્ચાળ’ ઉકેલની કૅટેગરીમાં આવતા હતા. આર્થિક પ્રશ્ન તો ખેર નહોતો જ પણ ઉકેલ આપવાના નામે કોઈ દોઢી – બમણીથી ય વધુ રકમની માગણી કરે તે રતિકાકાને મંજૂર નહોતું. એવા કંઈક ટ્રબલશૂટિંગને પાર પાડતા પાડતા ગુજરાતી ભાષા માટે જે અવતારી કાર્ય થયું તે આ ગુજરાતી લેક્સિકોન / Gujarati Lexicon – http://www.gujaratilexicon.com/ 


‘અઢળક’ શબ્દ ઓછો પડે એટલા ધનમાં આળોટતા વિશ્વના અને ભારતના ધનકુબેરોની યાદી વારે-તહેવારે ફોર્બ્સ / Forbes સામયિક પ્રકટ કરતું રહે છે. એ ધનકુબેરોએ મોજ-મસ્તી, પરિવારની સુખાકારી માટે કેવો-કેટલો ખર્ચ કર્યો અને જન્મદિને કે લગ્નદિને પત્નીને હેલિકૉપ્ટર, હોડી કે હલેસું – શેની ભેટ ધરી તેના સંખ્યાબંધ તસવીરી અહેવાલો દૈનિક અખબારોમાં પ્રકાશિત થતાં રહે છે. ખુદના માટે આ કે આવા તમામ પ્રકારના શોખ પાળી-પોષી શકે તેટલા શ્રીમંત એવા રતિકાકા આ બધાથી દૂર રહ્યા. કેમ? એવો પ્રશ્ન થાય તો એનો દાખલો પણ તેમના જીવનમાંથી જ મળે તેમ છે.

લોકકોશનું લોકાર્પણ : (ડાબેથી) રતિલાલ ચંદરયા, નીતાબહેન શાહ અને ડૉ. પ્રદીપ ખાંડવાળા (*)
આગળ ઉલ્લેખ કર્યો છે તે લોકકોશના લોકાર્પણનો કાર્યક્રમ અમદાવાદની પંચતારક (ફાઈવસ્ટાર!) ગણી શકાય એવી હોટેલમાં આયોજિત થયો હતો. ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડના / Gujarat Informatics Limited / http://www.gil.gujarat.gov.in/ ડિરેક્ટર નીતાબહેન શાહની / Nita Shah ઉપસ્થિતિમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ-અમદાવાદના પૂર્વ નિયામક ડૉ. પ્રદીપ ખાંડવાળાએ / Pradip Khandwala લોકાર્પણની વિધિ સંપન્ન કરી. એ પછી આમંત્રિત મહેમાનો – પત્રકારો માટે જમવાની વ્યવસ્થા હતી. વાનગીઓના ટેબલ પર ગોઠવાયેલા પકવાન – ફરસાણ સામે આંગળી ચીંધીને કોઇએ તેમને પૂછ્યું... ‘તમારા માટે જમવામાં શું પીરસી લાવીએ?’...રતિકાકાનો જવાબ હતો...“મને એક સૅન્ડવિચ બનાવી આપો અને સાથે થોડા દાળ-ભાત.” આ મૂળભૂત સાદગીએ જ તેમને શબ્દ-સાહિત્યની સેવા કરવા તરફ વાળ્યા હોવા જોઇએ એમ ચોક્કસ કહી શકાય.

ગુજરાતી ભાષા – સાહિત્ય પર સરસ્વતી દેવીની કૃપા વરસતી રહે અને લક્ષ્મી દેવી ક્યાંય અંતરાયરૂપ ન બને તે જોવાની જેમણે નૈતિક જવાબદારી સ્વીકારી હતી તેવા બે નામ આપણને ઉદ્યોગ જગતમાંથી તાજેતરના વર્ષોમાં મળ્યા. એક રતિલાલ ચંદરયા અને બીજા બળવંતરાય પારેખ. (બળવંતરાય પારેખ : સાહિત્યના પારખુ / http://www.binitmodi.blogspot.in/2013/01/blog-post.html) બન્નેને 2013ના એક જ વર્ષમાં ગુમાવ્યા તે મોટી ખોટ. એવી ખોટ કે જેઓએ આ કામ માટે કદી નફા-નુકસાનનો હિસાબ માંડ્યો નહોતો.


(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી)

Sunday, January 27, 2013

બળવંતરાય પારેખ : સાહિત્યના પારખુ



બળવંતરાય પારેખ / Balvantrai Parekh
12-03-1924થી 25-01-2013

સાહિત્ય, કળા, ભાષા અને વારસાના સંવર્ધન માટે કે સમાજસેવાના કામ માટે જરૂરી નાણાકીય મદદ આપવા માટે અનેક લોકો આગળ આવે પરંતુ એમાંનું કોઈ જે-તે કામમાં સક્રિયપણે સામેલ થાય એવા દાખલા બહુ ઓછા જોવા મળે. ચોસઠમા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ મુંબઈમાં અવસાન પામેલા ઉદ્યોગપતિ બળવંતભાઈ કે. પારેખ / Balvantrai Parekh એમાંના એક હતા.

12 માર્ચ 1924ના રોજ જન્મેલા બળવંતભાઈ નેવ્યાસીમે વર્ષે અવસાન પામ્યા તેના પાંચેક વર્ષ પહેલાં સુધી પોતે ઉપાડેલી કે જેની જવાબદારી વહોરી હોય તેવી અનેક સામાજિક – સાહિત્યિક સંવર્ધનની પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. ‘ફેવિકોલ’ / Fevicol બ્રાન્ડથી જાણીતી પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના / Pidilite Industries Ltd. / http://www.pidilite.com ચેરમેન ‘ફાર્બસ સભા’ની પ્રવૃત્તિઓમાં રસ લે એટલું જ નહીં તેના કાર્યક્રમમાં સામેલ થવા એંસી પ્લસની ઉંમરે મુંબઈથી અમદાવાદનો પ્રવાસ પણ ખેડે.

ભાષા સંવર્ધન તેમજ સામાન્ય અનવ્યશાસ્ત્ર (General Semantics) સંબંધી એક પરિચર્ચાના કાર્યક્રમ નિમિત્તે બે વિદેશી ભાષાશાસ્ત્રીઓ સાથે તેઓ મુંબઈથી / Mumbai અમદાવાદ / Ahmedabad આવ્યા ત્યારે પોસ્ટ સાથેનો તેમનો ઉપરોક્ત ફોટો ગુજરાતી સાહિત્ય પરિષદના / Gujarati Sahitya Parishad ગોવર્ધનરામ સ્મૃતિ ખંડમાં બુધવાર, 31મી ઑક્ટોબર 2007ના રોજ પાડ્યો હતો. એમ તો પરિષદના ભવન નિર્માણ સંબંધી હકીકત એ કે બળવંતભાઈ પારેખ પરિવાર તરફથી મળેલી પાયાની રકમ પર તે ઊભું થયું છે. જો કે તેમણે કે તેમના પરિવારમાંથી કોઇએ આ દાન-રકમની / Donation મીશે એવી ખેવના કદી ન રાખી કે પરિવારનું નામ કોઇક રીતે આ ભવનની સાથે કાયમી રીતે જોડાય. પરિષદના જે-તે સમયના હોદ્દેદારોએ (મોટેભાગે 1970ની આસપાસ) ‘નામકરણ’ની આવી જોગવાઈ અને એ તેમનો હક્ક હોવા બાબતે ધ્યાન દોર્યું ત્યારે બહુ સરળતાથી ‘પરિવારની એવી કોઈ ઇચ્છા ન હોવાનું’ જાહેર કર્યું. એટલું જ નહીં પરિષદ ભવન ગુજરાતી ભાષા – સાહિત્યના નામથી જ કાયમી સ્વરૂપે ઓળખાય તો વધુ યોગ્ય લેખાય તેવો પોતાનો દ્રઢ મત / Opinion પણ વ્યક્ત કર્યો.

કરોડો – અબજો રૂપિયાના કારોબારની વચ્ચે આવા ‘વિઝનરી’ ખ્યાલો કેવી રીતે આવે? આવે...આવે...એ તો જેનું નામ બળવંત પારેખ હોય તેમને આવા બળુકા ખ્યાલો જ આવે. એટલા માટે પણ આવે કે તેઓ તાત્વિક બાબતોના અભ્યાસી હતા, તેના મૂળમાં ઉતરી શકતા હતા, ચર્ચા કરી શકતા હતા. વિશ્વના નિષ્ણાતો સાથે તેઓ આ વિષયની ચર્ચામાં ઊંડા ઉતરતા. ડૉ. હરિવલ્લભ ભાયાણી તેમાંના એક. ભાયાણી સાહેબ સાથે તેઓ કવિતા – સાહિત્યની પણ વાતો કરતા. ખુદનું સાયકો એનાલિસિસ તેમજ સેલ્ફ રીડીંગ કરીને સ્વભાવમાં આમૂલ પરિવર્તન લાવનાર બળવંતકાકા મનુભાઈ પંચોળી ‘દર્શક’ના પરિચયમાં આવ્યા અને લોકભારતી – સણોસરામાં બુનિયાદી શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા નાણાકીય મદદ સાથે આગળ આવ્યા. ટ્રસ્ટી સ્વરૂપે ‘લોકભારતી’ / Lokbharati સાથે જોડાયેલો નાતો તેમને ‘દર્શક ફાઉન્ડેશન’ / Darshak Foundation જેવા મનુભાઈ પંચોળીની / Manubhai Pancholi સ્મૃતિને ચિરંજીવ રાખતા પ્રકલ્પો સુધી દોરી ગયો. શબ્દના ઉદભવ, અર્થ અને વિકાસ સંદર્ભે તેનો પદ્ધતિસરનો અભ્યાસ થાય તેમજ માનવ વિદ્યાઓ વિષયે વધુ કામ થાય તે હેતુથી સ્થપાયેલું ‘જનરલ સિમેન્ટિક્સ એન્ડ અધર હ્યુમન સાયન્સીસ’ કેન્દ્ર / http://balvantparekhcentre.org.in પણ તેમની જ દેન છે જે હાલ વડોદરામાં પ્રફુલ્લા કારના / Prafulla Kar માર્ગદર્શન હેઠળ કાર્યરત છે. આ સંદર્ભે ટેક્સાસ – અમેરિકાની ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જનરલ સિમેન્ટિક્સ (IGS) દ્વારા અપાતા પ્રતિષ્ઠિત જે. ટાલબોટ વિન્ચેલ એવોર્ડ માટે આ ક્ષેત્રે તેમણે આપેલા પ્રદાન બદલ વર્ષ 2011માં તેમની પસંદગી થઈ હતી અને આ સન્માન મેળવનારા તેઓ પ્રથમ એશિયન હતા. (વધુ વિગતો માટે જુઓ લિન્ક – http://pssmagazine.com/?p=2841

પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન બળવંતભાઈ પારેખ મુંબઈ ઓફિસની ચાર દિવાલ બહાર સાહિત્યિક – શૈક્ષણિક વર્તુળો વચ્ચે બેઠા હોય ત્યારે સંસ્થાઓને માત્ર આર્થિક ટેકો જ નહીં બૌધ્ધિક પીઠબળ પણ મળી રહેતું. ફાર્બસ સભા તેમાંની એક હતી જેના તેઓ પ્રમુખ હતા. ગુજરાતી સાથે અન્ય ભાષાઓ કે અંગ્રેજી વિશ્વ સાહિત્યમાં તેમનું વાચન એટલું વિશાળ હતું કે પસંદગીની કૃતિઓની જાણ બહોળા વાચકવર્ગને થાય તે હેતુથી ‘ગમતાંનો કરીએ ગુલાલ’ નામે પુસ્તિકા પ્રકાશિત કરતા અને ભાવકો વચ્ચે વહેંચતા હતા.

ગુજરાતી ભાષા – સાહિત્ય – શિક્ષણની અનેક સંસ્થાઓ સાથે સક્રિયપણે સંકળાયેલા બળવંતકાકાને શ્રદ્ધાંજલિના બે બોલ પાઠવવામાં એક વ્યક્તિ માટે ‘વડાપ્રધાનપદનું વાજું’ વગાડવામાં મશગૂલ ગુજરાતનું ઉદ્યોગજગત ઊણું ઊતર્યું છે.

જો કે તે બાબતનો ઝાઝો શોક નથી. અબજોમાં આળોટતા આ વેપારી – ઉદ્યોગપતિઓના ઓફિસ – ઘરમાં જ્યારે-જ્યારે ફર્નિચર બનશે, ‘ફેવિકોલ’ની અનિવાર્ય હાજરી તેમને બળવંતરાય પારેખની યાદ જરૂર અપાવશે એટલી ખાતરી તો ચોક્કસ છે.