પ્રતિભાવો ઉર્ફે Comments

Sunday, January 27, 2013

બળવંતરાય પારેખ : સાહિત્યના પારખુ



બળવંતરાય પારેખ / Balvantrai Parekh
12-03-1924થી 25-01-2013

સાહિત્ય, કળા, ભાષા અને વારસાના સંવર્ધન માટે કે સમાજસેવાના કામ માટે જરૂરી નાણાકીય મદદ આપવા માટે અનેક લોકો આગળ આવે પરંતુ એમાંનું કોઈ જે-તે કામમાં સક્રિયપણે સામેલ થાય એવા દાખલા બહુ ઓછા જોવા મળે. ચોસઠમા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ મુંબઈમાં અવસાન પામેલા ઉદ્યોગપતિ બળવંતભાઈ કે. પારેખ / Balvantrai Parekh એમાંના એક હતા.

12 માર્ચ 1924ના રોજ જન્મેલા બળવંતભાઈ નેવ્યાસીમે વર્ષે અવસાન પામ્યા તેના પાંચેક વર્ષ પહેલાં સુધી પોતે ઉપાડેલી કે જેની જવાબદારી વહોરી હોય તેવી અનેક સામાજિક – સાહિત્યિક સંવર્ધનની પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. ફેવિકોલ’ / Fevicol બ્રાન્ડથી જાણીતી પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના / Pidilite Industries Ltd. / http://www.pidilite.com ચેરમેન ફાર્બસ સભાની પ્રવૃત્તિઓમાં રસ લે એટલું જ નહીં તેના કાર્યક્રમમાં સામેલ થવા એંસી પ્લસની ઉંમરે મુંબઈથી અમદાવાદનો પ્રવાસ પણ ખેડે.

ભાષા સંવર્ધન તેમજ સામાન્ય અનવ્યશાસ્ત્ર (General Semantics) સંબંધી એક પરિચર્ચાના કાર્યક્રમ નિમિત્તે બે વિદેશી ભાષાશાસ્ત્રીઓ સાથે તેઓ મુંબઈથી / Mumbai અમદાવાદ / Ahmedabad આવ્યા ત્યારે પોસ્ટ સાથેનો તેમનો ઉપરોક્ત ફોટો ગુજરાતી સાહિત્ય પરિષદના / Gujarati Sahitya Parishad ગોવર્ધનરામ સ્મૃતિ ખંડમાં બુધવાર, 31મી ઑક્ટોબર 2007ના રોજ પાડ્યો હતો. એમ તો પરિષદના ભવન નિર્માણ સંબંધી હકીકત એ કે બળવંતભાઈ પારેખ પરિવાર તરફથી મળેલી પાયાની રકમ પર તે ઊભું થયું છે. જો કે તેમણે કે તેમના પરિવારમાંથી કોઇએ આ દાન-રકમની / Donation મીશે એવી ખેવના કદી ન રાખી કે પરિવારનું નામ કોઇક રીતે આ ભવનની સાથે કાયમી રીતે જોડાય. પરિષદના જે-તે સમયના હોદ્દેદારોએ (મોટેભાગે 1970ની આસપાસ) નામકરણની આવી જોગવાઈ અને એ તેમનો હક્ક હોવા બાબતે ધ્યાન દોર્યું ત્યારે બહુ સરળતાથી પરિવારની એવી કોઈ ઇચ્છા ન હોવાનું જાહેર કર્યું. એટલું જ નહીં પરિષદ ભવન ગુજરાતી ભાષા – સાહિત્યના નામથી જ કાયમી સ્વરૂપે ઓળખાય તો વધુ યોગ્ય લેખાય તેવો પોતાનો દ્રઢ મત / Opinion પણ વ્યક્ત કર્યો.

કરોડો – અબજો રૂપિયાના કારોબારની વચ્ચે આવા વિઝનરી ખ્યાલો કેવી રીતે આવે? આવે...આવે...એ તો જેનું નામ બળવંત પારેખ હોય તેમને આવા બળુકા ખ્યાલો જ આવે. એટલા માટે પણ આવે કે તેઓ તાત્વિક બાબતોના અભ્યાસી હતા, તેના મૂળમાં ઉતરી શકતા હતા, ચર્ચા કરી શકતા હતા. વિશ્વના નિષ્ણાતો સાથે તેઓ આ વિષયની ચર્ચામાં ઊંડા ઉતરતા. ડૉ. હરિવલ્લભ ભાયાણી તેમાંના એક. ભાયાણી સાહેબ સાથે તેઓ કવિતા – સાહિત્યની પણ વાતો કરતા. ખુદનું સાયકો એનાલિસિસ તેમજ સેલ્ફ રીડીંગ કરીને સ્વભાવમાં આમૂલ પરિવર્તન લાવનાર બળવંતકાકા મનુભાઈ પંચોળી દર્શકના પરિચયમાં આવ્યા અને લોકભારતી – સણોસરામાં બુનિયાદી શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા નાણાકીય મદદ સાથે આગળ આવ્યા. ટ્રસ્ટી સ્વરૂપે લોકભારતી / Lokbharati સાથે જોડાયેલો નાતો તેમને દર્શક ફાઉન્ડેશન’ / Darshak Foundation જેવા મનુભાઈ પંચોળીની / Manubhai Pancholi સ્મૃતિને ચિરંજીવ રાખતા પ્રકલ્પો સુધી દોરી ગયો. શબ્દના ઉદભવ, અર્થ અને વિકાસ સંદર્ભે તેનો પદ્ધતિસરનો અભ્યાસ થાય તેમજ માનવ વિદ્યાઓ વિષયે વધુ કામ થાય તે હેતુથી સ્થપાયેલું જનરલ સિમેન્ટિક્સ એન્ડ અધર હ્યુમન સાયન્સીસ કેન્દ્ર / http://balvantparekhcentre.org.in પણ તેમની જ દેન છે જે હાલ વડોદરામાં પ્રફુલ્લા કારના / Prafulla Kar માર્ગદર્શન હેઠળ કાર્યરત છે. આ સંદર્ભે ટેક્સાસ – અમેરિકાની ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જનરલ સિમેન્ટિક્સ (IGS) દ્વારા અપાતા પ્રતિષ્ઠિત જે. ટાલબોટ વિન્ચેલ એવોર્ડ માટે આ ક્ષેત્રે તેમણે આપેલા પ્રદાન બદલ વર્ષ 2011માં તેમની પસંદગી થઈ હતી અને આ સન્માન મેળવનારા તેઓ પ્રથમ એશિયન હતા. (વધુ વિગતો માટે જુઓ લિન્ક – http://pssmagazine.com/?p=2841

પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન બળવંતભાઈ પારેખ મુંબઈ ઓફિસની ચાર દિવાલ બહાર સાહિત્યિક – શૈક્ષણિક વર્તુળો વચ્ચે બેઠા હોય ત્યારે સંસ્થાઓને માત્ર આર્થિક ટેકો જ નહીં બૌધ્ધિક પીઠબળ પણ મળી રહેતું. ફાર્બસ સભા તેમાંની એક હતી જેના તેઓ પ્રમુખ હતા. ગુજરાતી સાથે અન્ય ભાષાઓ કે અંગ્રેજી વિશ્વ સાહિત્યમાં તેમનું વાચન એટલું વિશાળ હતું કે પસંદગીની કૃતિઓની જાણ બહોળા વાચકવર્ગને થાય તે હેતુથી ગમતાંનો કરીએ ગુલાલ નામે પુસ્તિકા પ્રકાશિત કરતા અને ભાવકો વચ્ચે વહેંચતા હતા.

ગુજરાતી ભાષા – સાહિત્ય – શિક્ષણની અનેક સંસ્થાઓ સાથે સક્રિયપણે સંકળાયેલા બળવંતકાકાને શ્રદ્ધાંજલિના બે બોલ પાઠવવામાં એક વ્યક્તિ માટે વડાપ્રધાનપદનું વાજું વગાડવામાં મશગૂલ ગુજરાતનું ઉદ્યોગજગત ઊણું ઊતર્યું છે.

જો કે તે બાબતનો ઝાઝો શોક નથી. અબજોમાં આળોટતા આ વેપારી – ઉદ્યોગપતિઓના ઓફિસ – ઘરમાં જ્યારે-જ્યારે ફર્નિચર બનશે, ફેવિકોલની અનિવાર્ય હાજરી તેમને બળવંતરાય પારેખની યાદ જરૂર અપાવશે એટલી ખાતરી તો ચોક્કસ છે.

8 comments:

  1. સરસ લેખ જો તમે આમાંય મોદીને વચ્ચે ન લાવ્યા હોત તો!!

    ReplyDelete
  2. બિનિતભાઈ; ખુબ સરસ અભ્યાસુ+માહિતીસભર લેખ...પણ આમાં મોદી શા માટે વચ્ચે આવ્યા; એ સમજાયું નહી...હા; ઉદ્યોગપતિઓ વિષેની આપની વાત સાચી હોઈ શકે...

    ReplyDelete
  3. ફેવિકોલ કા જવાબ નહિ !

    ReplyDelete
  4. Sachin Desai (Dahod)14 March 2013 at 00:52

    બળવંતભાઈ વિશેનો સ-રસ અને માહિતીપ્રદ લેખ વાંચવો ગમ્યો દોસ્ત બિનીતભાઈ.
    સચીન દેસાઈ (દાહોદ)
    (Response through FACEBOOK, Post Reshared on Balvantrai Parekh's 90th Birthday, 12 March 2013)

    ReplyDelete
  5. સૌ મિત્રો,
    બ્લોગની ઓગણપચાસમી પોસ્ટ (27 જાન્યુઆરી 2013)ના વાચન માટે આભારી છું.

    બિનીત મોદી (અમદાવાદ) / સોમવાર, 29 એપ્રિલ 2013

    ReplyDelete
  6. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને પોણા બે વર્ષ પૂર્ણ થયા.
    49મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 27-01-2013 to 27-01-2014 – 380

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  7. બિનીતભાઇ, તમારું કહેવું કે -
    "કરોડો – અબજો રૂપિયાના કારોબારની વચ્ચે આવા ‘વિઝનરી’ ખ્યાલો કેવી રીતે આવે? આવે...આવે...એ તો જેનું નામ બળવંત પારેખ હોય તેમને આવા બળુકા ખ્યાલો જ આવે......."
    એટલા માટે પણ આવે કે તેઓ હંમેશાં સ્મરણમાં રાખે છે-જીવંતપણે કે :
    "આતમને ઓઝલમાં રાખ માં!"

    ReplyDelete
  8. Cool and that i have a nifty offer you: What Renovation Expenses Are Tax Deductible house renovation tv shows

    ReplyDelete