પ્રતિભાવો ઉર્ફે Comments

Friday, December 06, 2013

નીતા અનિલ પરીખ : મારી બહેન, પરિવારનું ‘પાવર હાઉસ’

મામાના હાથે કન્યાવિદાય : 6 ડિસેમ્બર 1988

કન્યાવિદાય પ્રસંગનો આ મારો ખૂબ ગમતો ફોટો છે. મેં પાડ્યો છે એ કારણ તો ખરું જ. એ સિવાયનું કોઈ કારણ...ના...એ પાછળ એક કથા છે. જેની શરૂઆત આ રીતે થઈ  હતી...
ચાલને હોલ પર શું તૈયારીઓ થાય છે તે જોતા આવીએ.
ઘર-પરિવારમાં શુભ પ્રસંગે આવો ડાયલૉગ થવો સ્વાભાવિક છે. મોટેભાગે પરિવારના પુરુષ સભ્યો એકમેક સાથે આ પ્રકારનો સંવાદ કરતા હોય છે. મારી સાથે પણ થયો. પણ એ બોલનાર કોઈ પુરુષ નહીં પણ એક યુવતી હતી. એ યુવતી જે બાર-પંદર કલાક પછી સપ્તપદીના ફેરા લેવાની હતી અને અત્યારે મારી સમક્ષ સ્કૂટર પર ફરવા જવાનું કહેતી હતી...
બીનુ...ચાલને હોલ પર શું તૈયારીઓ થાય છે તે જોતા આવીએ.

આ યુવતીના લગ્ન પહેલાંની વિવાહકથા આડે આવેલા આરોહ-અવરોહ-અવરોધથી હું તેનાથી નાનો હોવા છતાં પૂરેપુરો વાકેફ હતો. આજ સુધી ઉતરી નથી શક્યો એવી કૉલેજનું પગથિયું ચઢ્યે માંડ પાંચ-છ મહિના થયા હોય એવી અઢારની મારી ઉંમર. ખરું કહું તો લગ્નના આગલા દિવસે પ્રસંગને થોડા કલાકો જ બાકી રહ્યા હોય ત્યારે ઘર બહાર નીકળવાની વાત મને થોડી શંકાસ્પદ લાગી હતી. ‘ભાગી જવાનો પ્લાન તો નહીં બનાવ્યો હોય ને?’ એવો વિચાર પણ આવી ગયો. મારી હા-ના નું કોઈ વજન પડે તેમ નહોતું. કારણ કે એ મારાથી મોટી હતી. સ્કૂટર ચલાવતા હું નવું-નવું શીખ્યો હતો એટલે ડબલ સવારી ચલાવવાના કૉન્ફિડન્સનો પણ પૂરેપૂરો અભાવ. પછી? પછી શું...કંઈક આડું-અવળું થશે તો ઘરમાંથી કોઈનો ઠપકો પડશે એવી ભીતિ છતાં ‘પડશે એવા દેવાશે’ એવી ભાવના સાથે અમે બન્ને નીકળી પડ્યા. સમય રાતના નવ-દસની વચ્ચેનો.

‘મારા હાથે મહેંદી મૂકેલી છે એટલે હું સ્કૂટરનું હેન્ડલ નહીં પકડી શકું. જરા ધીરે ચલાવજે.’ ભર શિયાળે પરસેવો વળે એમ મારો કલર ઉતરી રહ્યો હતો અને આ છોકરીને તેની મહેંદીની ચિંતા હતી.

એ છોકરી એટલે વનપ્રવેશ ઉજવી ચૂકેલા અને 6 ડિસેમ્બરના દિને લગ્નનું પચીસમું વર્ષ ઉજવતાં નીતા નવીનચંદ્ર શાહ. પારસી ચાલના ઘરથી લગ્નસ્થળ આબુ વિહાર હોલ કંઈ બહુ દૂર નહોતો. સ્કૂટરની કીક મારીને તેમને બેસાડતાં પહેલાં મેં એક નજર ફેરવી લીધી અને મનમાં બબડ્યો ‘હં...સાદા કપડાં જ પહેર્યા છે...સાથે કશું લીધું નથી...ઘરેણા-બરેણા કંઈ પહેર્યા નથી...એટલે ભાગી જવાની કોઈ યોજના તો લાગતી નથી.’ એક આડવાત છે, અગાઉ લખી ગયો છું છતાં આ પ્રસંગ સાથે તદ્દન સુસંગત છે એટલે લખી જ દઉં. બચત કરેલી રકમ પ્રોવિડન્ટ ખાતામાં જમા કરાવવા માટે પપ્પાએ બૅન્કમાં મોક્લ્યો ત્યારે ગવર્નર પર ભેરવેલી રોકડા વીસ હજાર રૂપિયાની થેલીને સાચવવા માટે થઈને ચૌદ-પંદર વર્ષની ઉંમરે પહેલીવાર એક હાથે સાઇકલ ચલાવી હતી. આજે સાઇકલની જગ્યાએ સ્કૂટર હતું. તેને એક હાથે ચલાવવાનું જોખમ વહોરીને એકાદવાર નીતાબહેનના દુપટ્ટાને અડકીને ખાતરી કરી લીધી કે તે પાછળની સીટ પર જ બેઠાં છે. સ્કૂટર ચલાવતી વખતે સતત સાઇડમીરરમાં જોતો રહ્યો હોઉં કે ડોક ફેરવીને સીટ તપાસતો રહ્યો હોઉં એવો આ મારા માટે પહેલો અને છેલ્લો પ્રસંગ હતો.

થેન્ક ગોડ...નીતાબહેન / Nita Anil Parikh ક્યાંય ભાગી નથી ગયા. લીનાબહેન – સંજયભાઈની / Leena Sanjay Shah સાથે જ લગ્નની સિલ્વર જ્યુબિલી ઉર્ફે રજતજયંતીની ઉજવણી કરવા અને એ નિમિત્તે પરિચિતોને પાર્ટી આપવા માટે આપણી વચ્ચે હાજર છે. આ પાર્ટી અને જમવાની વાત પરથી યાદ આવ્યું. તેમની નોકરીના શરૂઆતના મહિનાઓ હતાને મારા પપ્પા (સ્વર્ગસ્થ પ્રફુલ મોદી / Praful Modi, તેમના મામા / http://www.binitmodi.blogspot.in/2013/10/blog-post_23.html) ટ્રાન્સફર થઈને અમદાવાદ આવ્યા. ઓફિસરનું પ્રમોશન લઈને અમદાવાદ જેવા શહેરમાં આવ્યા હતા એટલે નોકરીના સમય ચુસ્તીથી સાચવવા પડે. આ સમય સાચવવામાં વસુફોઈ અને લીના-ગોપીબહેનની / Gopi Nikesh Shah સાથે પ્રચ્છન્ન ફાળો નીતાબહેનનો હતો. મને બરાબર યાદ છે કે શનિ-રવિની રજામાં ઠાસરા-ઘરે આવેલા પપ્પાને મમ્મીએ પૂછ્યું હતું કે ‘સવારના નવ વાગે તમને જમાડીને મોકલવામાં વસુબહેનને તકલીફ નથી પડતી?’...પપ્પાએ જવાબમાં કહ્યું હતું કે ‘એ તો નીતાને પણ ટિફિન લઈને જવાનું હોય ને એટલે મારી થાળી પીરસાઈ જ જાય છે.’

હા...નીતાબહેન એ સમયે અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપની અને અત્યારે ટોરન્ટ પાવર / Torrent Power Limited / http://www.torrentpower.com/ તરીકે ઓળખાતી કંપનીની નોકરીમાં નવા-સવા જોડાયા હતા. પહેલું પોસ્ટીંગ ‘પાવરહાઉસ’માં હતું. પહેલા પગારમાંથી એ ખુદના માટે કે પરિવાર માટે શું લાવ્યા હશે એ જાણવા માટે તો તેમનો ઇન્ટરવ્યૂ કરવો પડે પણ દિવ્યાંગ / Divyang Shah અને મારા માટે પેન્ટ-શર્ટનું કાપડ લાવ્યા હતા એ તો બરાબર યાદ છે. બસ એ દિવસથી એ મારા માટે ફોઈની દીકરી મટીને ‘મોટીબહેન’ બની ગયા છે. (જેમણે મને પેન્ટ-શર્ટ લાવી આપવાના બાકી છે તેવા ભાઈઓ-બહેનો સૌએ આ પ્રસંગ ખાસ યાદ રાખવો અને ખરીદીના દિવસ સુધી તેનું નિત્યસ્મરણ કરવું.)

બે ભાઈઓના (હસમુખભાઈ શાહ / Hasmukh Shah અને પ્રફુલ મોદી) પરિવાર વચ્ચે એક પણ દીકરી નહીં હોવાના કારણે મમ્મીને વસુફોઈની ત્રણેય દીકરીઓ પ્રત્યે પહેલેથી પક્ષપાત રહ્યો એવું મારું નિરીક્ષણ છે. ખોટું પણ હોઈ શકે છે. મમ્મીની કાયમ માટે એવી ઇચ્છા રહેતી કે ત્રણેય છોકરીઓમાંથી કોઈ એક તો વૅકેશનમાં મારી પાસે આવીને રહે. વારંવાર બોલાવતી રહે પણ એ શક્ય ન બને. કૉલેજના ભણતર પછી તરત નોકરી કરતાં થયેલા નીતાબહેનની બાબતમાં તો એ શક્યતા ધૂંધળી થઈ એટલે એકવાર લીના-ગોપીબહેન ઠાસરાના ઘરે રહેવા આવીને મમ્મીની ઇચ્છા પૂરી કરી ગયા હતા.

નોકરી કરતાં થયા એટલે તેમના લગ્ન માટેની ઉતાવળ ચાલી. નાની ઉંમરે આવી ગયેલા ચશ્માં એમાં મોટી બાધારૂપ હતા. કોઈપણ કાલખંડમાં પ્રગતિશીલ હોવાનો દાવો કરતા સમાજના ભણેલા ખરા પણ ગણેલા નહીં તેવા ભાવિ વરરાજાઓ ચશ્માં જેવા ક્ષુલ્લક માપદંડથી તેમની પસંદગી કરવામાં પાછા પડતા હતા. પછી? પછી શું...ચશ્માં નજીકના હતા કે દૂરના એ તો મને ખબર નથી પણ એ ચશ્માંની મદદથી જ તેમણે ઑફિસમાં બાજુના ટેબલ પર બેસતા અનિલ કાન્તિલાલ પરીખને શોધી કાઢ્યા – પપ્પા નવીનચંદ્ર શાહ / Navinchandra Shah અને કાકા અરવિંદભાઈ શાહની / Arvind N. Shah હાજરીમાં જ.

‘પ્રગતિશીલ’ શબ્દનો ઉલ્લેખ તમે હમણાં વાંચ્યોને? આ મારી બહેન શબ્દાર્થમાં નહીં યથાર્થમાં પ્રગતિશીલ છે. તેમની સાથે કોઈ પણ મુદ્દે વાતચીત, વાદ અને વિવાદ થઈ શકે. સાવ જ ખોરંભે પડેલા મારા કૉલેજ ભણતરની ગાડી પાટે ચઢાવવા લગ્નજીવનના સાવ શરૂઆતના દિવસોમાં તેમણે મને પોતાના સંયુક્ત કુટુંબવાળા ઘરે રહીને ભણવાની ઑફર કરી હતી. ભણાવવા માટે જરૂર પડ્યે અડધી રજા લેવાથી લઈને નોકરીને અધવચ્ચેથી તડકે મૂકવાની તૈયારી પણ એક તબક્કે તેમણે બતાવી હતી. મને લાગે છે ‘પાવરહાઉસ’માં કામ કરતી અને મનથી મજબૂત – પાવરફૂલ વ્યક્તિ જ આવી ઑફર કરી શકે.

મારે ત્રણ માસી છે – અરૂણા, રોહિણી અને પલ્લવી. એમના મોઢે કાયમ સંબોધનમાં હું ‘બીનુ’ શબ્દ સાંભળતો આવ્યો છું. એમની સાથે આ જગતમાં બીનુ કહેનારા ત્રણ જ જણ છે – નીતા, લીના અને ગોપીબહેન. મમ્મી / Sudha Modi અને વસુફોઈ / Vasumati Shah ખરા પણ એમનો સમાવેશ સિનિઅર સિટીઝન ફોરમમાં કરવામાં આવ્યો છે.


સુખ-દુઃખના સંખ્યાબંધ દિવસોને એકસરખી અદાથી પાર કરતાં એક હાથથી કોન્ટેક્ટ લેન્સ ધોતી અને બીજા હાથથી આંસુ લૂછતી બહેન રવિવાર 8મી ડિસેમ્બરે કન્યાવિદાયના પ્રસંગની ફરી એકવાર સાક્ષી બનવાની છે – દીકરા તપનને / Tapan / http://wedding.tapanparikh.in/home ભૂમિ શ્રોફ સાથે પરણાવતી વખતે.

7 comments:

  1. NARESH SAINI (AHMEDABAD)8 December 2013 at 20:08

    બીનીતભાઈ તમારા ઝીણવટ ભર્યા OBSERVATION માટે મને કાયમ માન રહ્યું છે .અને તમે તદન સાચા છો, નીતાબેન જેટલા સમજદાર વ્યક્તિત્વ વાળું મારી ધ્યાન મા (એમના સમગ્ર સાસરા કે પિયર ) કોઈજ નથી.નાની ઉમરમાં જ સમજણ મા પ્રૌઢ .દરેક નિર્ણય સમજદારી ભરેલ.તથા સૌથી મોટી અને ગર્વ લેવા જેવી વાત કે હું એમનો ઇન્ચાર્જ હોવા છતા કાયમ એમનાજ નિર્ણય સર્વોપરી રહેતા .નોકરી ની બાબત મા સંપૂર્ણ જ્ઞાન .કોઈ પણ પ્રોબ્લેમ માટે એમની સલાહ અંતિમ રહે છે.અમે એકજ ખાતા મો અને મારું સૌભાગ્ય કે મારા હાથનીચે આવા કાર્યનિષ્ઠ કર્મચારી ....મારું સુંદર સૌભાગ્ય.બાકી નીતાબેન માટે લખવા બેસું તો સમય ઓછો પડે.અસ્તુ. બીનીતભાઈ તમારો આભાર કે મને આ તક આપી.......નરેશ સૈની (નીતા પરીખ ના સહકર્મી - અમદાવાદ )

    ReplyDelete
  2. Naresh Saini (Ahmedabad, Gujarat)10 December 2013 at 20:15

    ખૂબજ પ્રેમાળ અને સારી સમજદારીપૂર્વકનું પ્રેમાળ 25 વર્ષનું લગ્નજીવન. ખરેખર અનુકરણીય લગ્નજીવન. ભગવાન સદાય એમને આવાજ આનંદિત રાખે. બિનીતભાઈ ખૂબખૂબ આભાર. તમે મને સુંદર તક આપી.
    6 ડિસેમ્બર નીતા - અનિલ અને 12 ડિસેમ્બરે હું પણ 25 વર્ષનું લગ્નજીવન પૂરું કરીશ.

    નરેશ સૈની (પાવરહાઉસ - સાબરમતી ખાતે નીતા પરીખના સહકર્મી, અમદાવાદ)
    (Response through FACEBOOK : Sunday, 8 December 2013)

    ReplyDelete
  3. તમારો બ્લોગ ઘણા સમયથી વાંચ્યો નથી, આજે વાંચું છુ તો કન્યાવિદાયનો આ ફોટો એક યોગાનુયોગ બનીને આવ્યો હોય એવું લાગ્યું : વાત જાણે એમ છે કે રવિવારે 'દીકરી હેતની હેલી' નામના ગ્રંથ લોકાર્પણમાં મારા પત્ની જસુમતી સાથે ગાંધીનગર જવાનું થયું. એમાં એણે પણ અમારી દીકરી ઋચા વિષે એક લેખ લખ્યો છે. કન્યાવિદાય ટાણે ઇંન-કન્સોલેબ્લી રડતાં પરિવારજનોની લાગણીઓ વખત જતાં કેટલી ખોટી સાબિત થાય છે એની વાત કવિ મણિલાલ હ. પટેલે હીમાંશી શેલતની એક વાર્તા ટાંકીને કહી બતાવી. પિયરિયાઓને સરપ્રાઈઝ આપવા અચાનક સાસરેથી આવી ચઢેલી દીકરી કેવી વિસરાઈ ગઈ છે, કેવી સ્વજન મટીને એક નરી આગંતુક બની ગઈ છે એ વાત હિમાંશીબહેનની વાર્તામાં બહુ કરૂણ રીતે વ્યક્ત થઈ છે. બીનીતભાઈ, તમે આ પોસ્ટ દ્વારા, બહેનને આ રીતે યાદ કરીને ભાઈબહેનના, સ્વજનના સંબંધની સુગંધ પ્રસરાવી અમને પણ સંવેદનસભર કરી મૂક્યા !

    ReplyDelete
  4. Ujaale Apni Yaadon Ke Hamaare Saath Rehne Do
    Na jaane Ki Gali men Zindagi Ki Shaam Ho Jaaye.

    Aa yaadj chhe je ghani vakhat zindagi jeevvanu kaaran bani jati hoy chhe, right?

    ReplyDelete
  5. સૌ મિત્રો,
    બ્લોગની 89મી પોસ્ટ (6 ડિસેમ્બર 2013)ના વાચન / પ્રતિભાવો માટે આભારી છું.

    બિનીત મોદી (અમદાવાદ) / શુક્રવાર, 27 ડિસેમ્બર 2013

    ReplyDelete
  6. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને પોણા ત્રણ વર્ષ પૂર્ણ થયા.
    89મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 06-12-2013 to 06-12-2014 – 580

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  7. સૌ મિત્રો,
    બ્લોગ પ્રારંભના સાડાચાર વર્ષ અને 148 પોસ્ટના મુકામ પર આ ચૌદમી પોસ્ટ છે જેણે વાચક સંખ્યાનો 1000નો પડાવ પાર કર્યો છે.

    બિનીત મોદી (અમદાવાદ) / મંગળવાર, 6 સપ્ટેમ્બર 2016

    ReplyDelete