પ્રતિભાવો ઉર્ફે Comments

Thursday, January 31, 2019

જ્યોર્જ ફર્નાન્ડિઝ : ગુજરાત – સંસદીય કારકિર્દીનું પહેલું પગથિયું

જ્યોર્જ ફર્નાન્ડિઝ / George Fernandes
3 જૂન 1930 થી 29 જાન્યુઆરી 2019
મેંગ્લોરથી નવી દિલ્લી

જ્યોર્જ ફર્નાન્ડિઝને / George Fernandes અનેક રીતે યાદ રાખવામાં આવશે. કામદારોના નેતા, તેમના અધિકારો માટેના લડવૈયા, મુંબઈના ટેક્ષી ચાલકોના યુનિયનના સ્થાપક, દેશવ્યાપી રેલવે હડતાળના સફળ બ્લુ પ્રિન્ટર, કટોકટીનો વિરોધ કરનાર અને એ માટે કુખ્યાત થયેલા બરોડા ડાઇનામાઇટ કેસ થકી જેલવાસ ભોગવનાર, જેલવાસ દરમિયાન જ લોકસભા ચૂંટણી જીતનાર, કેન્દ્રિય ઉદ્યોગ પ્રધાનની રૂએ કોકાકોલાને હાંકી કાઢનાર, રેલવે મંત્રી થયા ત્યારે એ જ કોકાકોલા રેલવે સ્ટેશનો સહિત દેશભરમાં પુનઃ વેચાતું થયું, સંરક્ષણ મંત્રીની રૂએ પૃથ્વી પરની સૌથી ઊંચી અને દુર્ગમ ગણાતી યુધ્ધ ભૂમિ સિઆચેનની / Siachen મુલાકાત કરનાર પહેલા ડિફેન્સ મિનિસ્ટર તેમજ એ જ મંત્રાલયમાં થયેલા કૉફીન કમ આર્થિક કૌભાંડોને કારણે પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી અને છેલ્લે જે રાજકીય પક્ષની સ્થાપનામાં ચાવીરૂપ ભૂમિકામાં હતા એ જનતા દળ (યુનાઈટેડ)ના / Janta Dal (United) નવા નેતૃત્વએ તેમને પંદરમી લોકસભા ચૂંટણીની ટિકિટથી વંચિત રાખ્યા.

ચોથી લોકસભાથી ચૌદમી લોકસભા વચ્ચે નવ-નવ મુદત માટે ચૂંટણી વિજેતા થનાર તેમજ માત્ર અગિયાર મહિના જેવા ટૂંકા સમયગાળા માટે એક જ વખત રાજ્યસભાનું સભ્યપદ મેળવનાર જ્યોર્જ ફર્નાન્ડિઝનું ચૂંટણી રાજકારણ ગુજરાતથી શરૂ થયું હતું. હા, રિપીટ ગુજરાતથી.

ગુજરાત રાજ્યની સ્થાપના 1960માં થઈ ત્યારે પહેલી ગુજરાત વિધાનસભાની રચના મુંબઈ રાજ્યની બીજી વિધાનસભામાંથી થઈ. મુંબઈ રાજ્ય બીજી વિધાનસભાની રચના માટે 1957માં બીજી લોકસભા સાથે જ સામાન્ય ચૂંટણી યોજાઈ ત્યારે જ્યોર્જ ફર્નાન્ડિઝ માંડવી (120) બેઠક પરના અપક્ષ ઉમેદવાર હતા. બેઠક પરના વિજેતા કૉંગ્રેસના ઉમેદવાર (અબ્દુલ કાદર શેલભોય) અને તેમની નજીકના પ્રતિસ્પર્ધક અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પરાજિત ઉમેદવાર (શાંતારામ શીવરામ સાવરકર) સામે ત્રીજા ક્રમે આવેલા જ્યોર્જ મેથ્યૂ જહોન ફર્નાન્ડિઝને (ચૂંટણી પંચના રેકર્ડ મુજબ સત્તાવાર નામ – ફર્નાન્ડિઝ જ્યોર્જ મેથ્યૂ જહોન) માત્ર 4,848 (કુલ મતદાનના 13.13%) મત મળ્યા હતા. આમ રાજકીય જીવનના પ્રારંભે પહેલી ચૂંટણીમાં પરાજિત થયેલા જ્યોર્જ ફર્નાન્ડિઝ પ્રથમ મુંબઈના અને પાછળથી ગુજરાતની પ્રથમ વિધાનસભાના માનનીય સભ્ય થતા રહી ગયા. કેમ કે બીજી વિધાનસભાથી માંડવી મતવિસ્તારનો ગુજરાતમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

પ્રથમ પરાજય પછી પરત મુંબઈ જઈને મજૂર ચળવળ તરફ સક્રિય થયેલા જ્યોર્જ ફર્નાન્ડિઝ પ્રારંભે 1961માં બોમ્બે મ્યુનિસિપલ કૉર્પોરેશનની / Bombay Municipal Corporation ચૂંટણી જીતીને નગરસેવક બન્યા. બીજી મુદત માટે વિજેતા થયા એ સમયગાળામાં સીધું લોકસભા ચૂંટણીમાં જ ઝુકાવ્યું અને જાયન્ટ કીલર તરીકે ચોથી લોકસભામાં (1967 – 1971) પહેલો પ્રવેશ કર્યો. જાયન્ટ કીલર / Giant Killer એટલે ચૂંટણીજંગના અર્થમાં રાજકારણમાં નવો-સવો પ્રવેશેલો ઉમેદવાર મોટું માથું ગણાતા પ્રતિસ્પર્ધી ઉમેદવારને પરાજિત કરે એ. એ અર્થમાં જ્યોર્જ ફર્નાન્ડિઝે સદોબા પાટીલ ઉર્ફે એસ.કે. પાટીલને / S.K. Patil પરાજિત કર્યા હતા. ત્રણ વખત મુંબઈના મેયર રહી ચૂકેલા, પહેલી-બીજી અને ત્રીજી લોકસભાના સભ્ય હોવા ઉપરાંત પ્રથમ ત્રણ વડાપ્રધાનો જવાહરલાલ નેહરુ, લાલ બહાદુર શાસ્ત્રી અને ઇન્દિરા ગાંધીના પ્રધાનમંડળનો હિસ્સો રહી ચૂકેલા તેમજ મહારાષ્ટ્રના રાજકારણના અજેય અને તાજ વગરના રાજા ગણાતા શક્તિશાળી કૉંગ્રેસી નેતા સદાશીવ કનોજી પાટીલને મહારાષ્ટ્રની દક્ષિણ મુંબઈ બેઠક પરથી જ્યોર્જ ફર્નાન્ડિઝે સંયુક્ત સોશિયાલિસ્ટ પાર્ટીના ઉમેદવાર લેખે 29,434 મતથી પરાજિત કર્યા હતા. આ મત તફાવત દસ ટકાનો હતો અને બેઠક પર કુલ આઠ ઉમેદવારો હતા એ પણ નોંધવું રહ્યું.

જ્યોર્જની સામે પરાજય પામેલા કૉંગ્રેસ પક્ષના સદોબા પાટીલ આ જ ચોથી લોકસભામાં પેટાચૂંટણીના માધ્યમથી ચોથી વાર લોકસભામાં પહોંચવામાં સફળ થયા. એ માટે ગુજરાત નિમિત્ત બન્યું. બનાસકાંઠા બેઠક પર ચૂંટાયેલા સ્વતંત્ર પક્ષના સંસદસભ્ય મનુભાઈ અમરસીની ચૂંટણીને સર્વોચ્ચ અદાલતે ગેરકાયદે ઠરાવી રદબાતલ જાહેર કરવાનો ચૂકાદો આપ્યો હતો. બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં કૉંગ્રેસ પક્ષે એસ.કે. પાટીલને ઉમેદવાર બનાવ્યા. મોરારજી દેસાઈના આગ્રહથી સદોબા પાટીલ ઠેઠ મુંબઈથી ગુજરાતના બનાસકાંઠામાં પેટાચૂંટણી લડવા માટે આવ્યા અને જીતી પણ ગયા.

એ પછી પાંચમી લોકસભા (1971 – 1977) ચૂંટણીમાં તેમણે ઉમેદવારી નહોતી કરી. પરંતુ મજૂર ચળવળ, આંદોલનો, 1974ની વીસ દિવસ ચાલેલી દેશવ્યાપી રેલવે હડતાલ, ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીનો / State of Emergency વિરોધ અને ભાંગફોડિયા પ્રવૃત્તિમાં કથિત સંડોવણી કે કાવતરું ઘડવાના આરોપોસર જેલવાસ તેમજ સાંકળ-હાથકડી સાથે કૉર્ટમાં રજૂ કરતી દિલ્લી પોલીસની અખબારોમાં પ્રકટ થતી તસવીરોથી જ્યોર્જ ફર્નાન્ડિઝ ભારતભરના નાગરિકો વચ્ચે છવાઈ ગયા હતા. એવા છવાઈ ગયા કે જેલવાસ ભોગવતા, મતવિસ્તારની એકપણ મુલાકાત કર્યા વિના, માત્ર ટેકેદારોના પ્રચારથી જ્યોર્જ છઠ્ઠી લોકસભા (1977 – 1979) ચૂંટણીમાં બિહારની મુજફ્ફરપુર / Muzaffarpur લોકસભા બેઠક પરથી ભારતીય લોકદળના ઉમેદવાર લેખે 3,34,217ના મત તફાવતથી બીજી મુદત માટે ચૂંટાઈ આવ્યા. કૉંગ્રેસ પક્ષના નીતિશ્વર પ્રસાદ સિંઘ સહિત આઠ ઉમેદવારો તેમના પ્રતિસ્પર્ધી હતા. લોકસભાની આ મુદતમાં જ્યોર્જ ફર્નાન્ડિઝ મોરારજી દેસાઈના વડાપ્રધાનપદ હેઠળની જનતા પાર્ટી સરકારમાં પ્રારંભે સંદેશાવ્યવહાર ખાતાના પ્રધાન નિમાયા. પાછળથી તેમને ઉદ્યોગ પ્રધાન બનાવાયા. મતવિસ્તાર મુજફ્ફરપુરની મુલાકાત દરમિયાન સ્થાનિક લોકો તેમના સંસદસભ્ય – લોકસભા પ્રતિનિધિ સમક્ષ પાણીની સમસ્યા લઈને આવ્યા. એ દરમિયાન જ ફરજ પરના જિલ્લા કલેક્ટરે તેમના સ્વાગતમાં કોકાકોલા / Coca Cola ધર્યું. જ્યોર્જને સમજાઈ ગયું કે પીવાના કે વપરાશયોગ્ય પાણીની સમસ્યાના મૂળમાં આ બહુરાષ્ટ્રીય કંપની છે. ગણતરીના દિવસોમાં તેમણે મલ્ટીનેશનલ કંપની નામે કોકાકોલાને દેશમાંથી ઉચાળા ભરાવ્યા.

કાર્યકારી રાષ્ટ્રપતિ બી.ડી. જત્તીના હસ્તે પ્રથમવાર
પ્રધાનપદના શપથ, 28 માર્ચ 1977
સાતમી લોકસભા (1980 – 1984) ચૂંટણી આવતા તેઓ જનતા પાર્ટીથી વિમુખ થઈ ગયા હતા. આ ચૂંટણીમાં જનતા પાર્ટી (સેક્યુલર)ની ટિકિટ પર ઉમેદવારી કરીને પુનઃ બિહારની મુજફ્ફરપુર બેઠક પરથી ત્રીજી મુદત માટે લોકસભામાં ચૂંટાઈ આવ્યા. આ ચૂંટણીમાં જ્યોર્જ માત્ર 23,109 મત તફાવત, માત્ર પાંચ ટકા મત તફાવતથી વિજેતા થયા હતા. ગત ચૂંટણી કરતા મત માર્જિનમાં 90%નો ગંજાવર ઘટાડો. ઘટાડાનું કારણ તેમની સામે પ્રતિસ્પર્ધક તરીકે જનતા પાર્ટીના દિગ્વિજય નારાયણ સિંહની ઉમેદવારી હતી. એમની સાથે કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર અને પંદર અપક્ષો તો ખરા જ ખરા. એમ બેઠક પર કુલ અઢાર ઉમેદવારો મેદાનમાં હતા.

વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા પછી સહાનુભૂતિના મોજામાં યોજાયેલી આઠમી લોકસભા ચૂંટણી (1984 – 1989)માં જ્યોર્જ ઉમેદવારી કરવાથી દૂર રહ્યા હતા. આ સમયગાળામાં રાજીવ ગાંધીની કૉંગ્રેસથી છૂટા પડેલા વિશ્વનાથ પ્રતાપસિંહના જનતા દળ સાથે જોડાયેલા જ્યોર્જ નવમી લોકસભા (1989 – 1991) ચૂંટણીમાં જનતા દળના ઉમેદવાર લેખે બિહારની મુજફ્ફરપુર બેઠક પરથી ચોથી મુદત માટે ચૂંટાઈ આવ્યા. સૌથી નજીકના પ્રતિસ્પર્ધી કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર લલિતેશ્વર પ્રસાદ સાહીને તેમણે 2,85,010 મત તફાવતથી પરાજય આપ્યો જે ઓગણચાલીસ ટકાથી વધુ હતો. આ સિવાય સત્તર ઉમેદવારો મેદાનમાં હતા. લોકસભાની આ મુદતમાં જ્યોર્જ ફર્નાન્ડિઝ વિશ્વનાથ પ્રતાપસિંહના વડાપ્રધાનપદ હેઠળની જનતા દળ સરકારમાં રેલવે મંત્રીનું / Minister of Railway પદ પામ્યા તેમજ કાશ્મીરની બાબતોનો વધારાનો હવાલો સંભાળતા હતા.

દસમી લોકસભા (1991 – 1996) ચૂંટણીમાં જ્યોર્જ ફર્નાન્ડિઝ જનતા દળના ઉમેદવાર લેખે બિહારની મુજફ્ફરપુર બેઠક પરથી પાંચમી મુદત માટે ચૂંટાઈ આવ્યા. આ બેઠક પર આ વખતે સંખ્યામાં અધધ કહી શકાય તેવા છેંતાલીસ ઉમેદવારો મેદાનમાં હતા. જ્યોર્જ આ વખતે કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર રઘુનાથ પાંડે સામે માત્ર 50,047 મત તફાવતથી વિજેતા થયા જે ફક્ત આઠ ટકા હતો.

ઉપરોક્ત સમયગાળામાં વેરવિખેર થઈ ગયેલા જનતા દળના ટુકડા પ્રયોગ પછી જ્યોર્જ ફર્નાન્ડિઝે 1994માં તેમના મિત્ર અને લાંબાગાળાના કમ્પેનિયન એવા જયા જેટલી / Jaya Jaitley સાથે મળીને સમતા પાર્ટી / Samata Party નામે નવા રાજકીય પક્ષની સ્થાપના કરી. અગિયારમી લોકસભા (1996 – 1998) ચૂંટણીમાં તેઓ બેઠક બદલીને બિહારની જ નાલંદા લોકસભા બેઠકથી સમતા પાર્ટીના ઉમેદવાર લેખે છઠ્ઠી મુદત માટે ચૂંટાઈ આવ્યા. બેઠક પર ચોત્રીસ ઉમેદવારો મેદાનમાં હતા. 1,67,864 મત તફાવત, આશરે ઓગણીસ ટકા મત તફાવતથી વિજેતા થયેલા જ્યોર્જ વિરૂધ્ધ આ ચૂંટણીમાં મુખ્ય પ્રતિસ્પર્ધક કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાના ઉમેદવાર વિજય કુમાર યાદવ હતા. ભૂતપૂર્વ સમાજવાદી નેતા સામે સામ્યવાદી પક્ષના ઉમેદવાર. એક મહિલા નામે કુમારી બચ્ચી સિંહાનો અપક્ષ ઉમેદવાર લેખે સામનો કરવાનું પહેલી વાર જ્યોર્જને આવ્યું તે પણ ઉલ્લેખનીય ગણવું રહ્યું કેમ કે અગાઉની કોઈ ચૂંટણીમાં તેમની સામે મહિલાઓની ઉમેદવારી નહોતી.

બારમી લોકસભા (1998 – 1999) ચૂંટણીમાં બિહારની નાલંદા લોકસભા બેઠકથી સમતા પાર્ટીના ઉમેદવાર લેખે સાતમી મુદત માટે ચૂંટાઈ આવ્યા. 1,15,670 મત તફાવત, આશરે તેર ટકા મત તફાવતથી વિજેતા થયેલા જ્યોર્જ વિરૂધ્ધ આ ચૂંટણીમાં મુખ્ય પ્રતિસ્પર્ધક રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવાર રામ સ્વરૂપ પ્રસાદ હતા. એ સિવાય નવ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. જ્યોર્જે તેમની રાજકીય કારકિર્દીમાં પહેલી વખત રાષ્ટ્રીય જનતા દળ નામે એક પ્રાદેશિક પક્ષનો સામનો કરવાનો આવ્યો એ પણ ઉલ્લેખવું રહ્યું. આ પક્ષની સ્થાપના તેમના જ એક સમયના રાજકીય સાથી લાલુ પ્રસાદ યાદવે કરી હતી. લોકસભાની આ મુદતમાં જ્યોર્જ ફર્નાન્ડિઝ અટલ બિહારી વાજપેયીના વડાપ્રધાનપદ હેઠળની સંયુક્ત મોરચા (એનડીએ) સરકારમાં સંરક્ષણ મંત્રીનું પદ પામ્યા. અમેરિકાની વિનંતી કે આર્થિક પ્રતિબંધોની ધમકીને અવગણીને ન્યૂક્લિઅર ટેસ્ટ પોખરણ-2’ આ દરમિયાન થયો.

સિઆચેનમાં સંરક્ષણમંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝ
તેરમી લોકસભા (1999 – 2004) ચૂંટણીમાં બિહારની નાલંદા લોકસભા બેઠકથી જનતા દળ (યુનાઇટેડ) નામે નવા પક્ષના ઉમેદવાર લેખે આઠમી મુદત માટે ચૂંટાઈ આવ્યા. સમતા પાર્ટીનું વિલીનીકરણ કરીને આ નવા પક્ષની સ્થાપના શરદ યાદવ, નીતિશકુમાર જેવા જૂના સાથીઓ સાથે મળીને કરી હતી. 1,05,821 મત તફાવત, આશરે બાર ટકા મત તફાવતથી વિજેતા થયેલા જ્યોર્જ વિરૂધ્ધ આ ચૂંટણીમાં મુખ્ય પ્રતિસ્પર્ધક કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાના ઉમેદવાર ગયા સિંઘ હતા. એ સિવાય સાત ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. લોકસભાની આ મુદતમાં જ્યોર્જ ફર્નાન્ડિઝ અટલ બિહારી વાજપેયીના વડાપ્રધાનપદ હેઠળની સંયુક્ત મોરચા (એનડીએ) સરકારમાં સંરક્ષણ મંત્રીનું પદ બીજી વાર પામ્યા. સંરક્ષણ મંત્રાલય વિરૂધ્ધ થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો, કોફીન ખરીદી કૌભાંડ, તહેલકા સામયિક અને વેબ પોર્ટલ દ્વારા થયેલા સ્ટીંગ ઑપરેશનને કારણે જ્યોર્જ ફર્નાન્ડિઝે આ સમયગાળામાં રાજીનામું આપી સંરક્ષણ મંત્રાલયનો પદભાર નામોશીભેર છોડવાનો અવસર પણ થોડા વખત માટે આવ્યો હતો. બીજી તરફ આ જ બીજી મુદતના સંરક્ષણ મંત્રીના પદ પર રહેતા તેમણે પંદરથી વધુ વખત સિઆચેન યુધ્ધક્ષેત્રની મુલાકાત લઈ વારંવાર અકસ્માતનો ભોગ બનતું વાયુસેનાનું મીગ-21 વિમાન ઉડતું કોફીન છે એવી ફેલાયેલી ગેરસમજ દૂર કરી. આ દુર્ગમ યુધ્ધક્ષેત્રના જવાનોને અતિ વિકટ ફરજ બજાવવામાં ખૂટતા જરૂરી સાધન-સરંજામની ખરીદી માટે સરકારી પ્રક્રિયાઓને તત્કાળ બાજુ પર મુકી દઈ ત્વરિત નિર્ણયો લીધા. આવા નિર્ણયો લેવામાં વિલંબ કરતા નવી દિલ્લી સાઉથ બ્લોક સ્થિત સંરક્ષણ મંત્રાલયના ત્રણ અધિકારીઓને પાઠ ભણાવવા શિક્ષા રૂપે સિઆચેનના જવાનોની કપરી પરિસ્થિતિ સમજાય એ માટે ફરજ બજાવવા, કામગીરી કરવા સીધા સિઆચેન બેઝ કેમ્પ જ મોકલી આપ્યા.

ચૌદમી લોકસભા (2004 – 2009) ચૂંટણીમાં પુનઃ એક વાર બેઠક બદલીને મૂળ મતવિસ્તાર બિહારના મુજફ્ફરપુર પાછા ફર્યા. જનતા દળ (યુનાઇટેડ)ના ઉમેદવાર લેખે નવમી અને છેલ્લી મુદત માટે ચૂંટાઈ આવ્યા. માત્ર 9,585 મત તફાવતથી વિજેતા થયેલા જ્યોર્જ વિરૂધ્ધ આ ચૂંટણીમાં મુખ્ય પ્રતિસ્પર્ધક રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવાર ભગવાન લાલ સાહની હતા. એ સિવાય બાર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. આ ચૂંટણી પરિણામ પછી કૉંગ્રેસ પક્ષે સત્તાનું નેતૃત્વ સંભાળ્યું અને ડૉ. મનમોહન સિંહ વડાપ્રધાન પદે આવ્યા. વિદેશી બાબતો સંભાળતી મંત્રાલયની એક સમિતિમાં જ્યોર્જનો સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો.

ઉપરોક્ત સમયગાળામાં જનતા દળ (યુનાઇટેડ)નું નેતૃત્વ શરદ યાદવ અને નીતિશકુમારે સંભાળી લીધું હતું. પંદરમી લોકસભાની ચૂંટણી સમયે 2009માં પક્ષે તમે હવે વૃધ્ધ થયા છો એમ કહીને ટિકિટ ફાળવણી ન કરી. પક્ષના આ નિર્ણયથી ગિન્નાયેલા જ્યોર્જ ફર્નાન્ડિઝે બિહારની મુજફ્ફરપુર બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરી. ચોવીસ ઉમેદવારો ધરાવતી બેઠક પરના ચૂંટણીજંગમાં તેમને માત્ર 22,804 મત મળ્યા જે કુલ મતદાનના માત્ર સાડા ત્રણ ટકા હતા. તેમને ટિકિટ નહીં આપવાનો નિર્ણય નીતિશકુમારે કર્યો હતો. એટલે પોતાના પક્ષના કદાવર નેતાનું માન રાખવા બીજા નેતા શરદ યાદવે રાજ્યસભાની તેમની બેઠક રાજીનામું આપીને ખાલી કરી. રાજ્યસભાની આ બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીમાં જ્યોર્જે અપક્ષ ઉમેદવારી કરી અને તેમનું સમર્થન કરતા જનતા દળ (યુનાઇટેડ) દ્વારા કોઈ ઉમેદવાર ઊભો રાખવામાં ન આવ્યો. જ્યોર્જ ફર્નાન્ડિઝ બિહારથી ચૂંટાયેલા જનતા દળ (યુનાઇટેડ)ના ઉમેદવાર લેખે માત્ર અગિયાર મહિના જેટલા ટૂંકા સમયગાળા માટે (મુદત : 4 ઑગસ્ટ 2009 થી 7 જુલાઈ 2010) રાજ્યસભાના સભ્યપદે બેઠા.

આમ મુંબઈ રાજ્ય બીજી વિધાનસભાના પરાજિત ઉમેદવાર લેખે શરૂ થયેલી જ્યોર્જ ફર્નાન્ડિઝની રાજકીય યાત્રા વાયા બોમ્બે મ્યુનિસિપલ કૉર્પોરેશન થઈ લોકસભા પહોંચી. નવ વખતના સભ્યપદ તેમજ ચાર વખતના મંત્રીપદ પછી રાજ્યસભાની અગિયાર મહિનાની મુદત સાથે પૂર્ણ થઈ.

જ્યોર્જ ફર્નાન્ડિઝ અને પત્રકાર કિરીટ ભટ્ટ
વડોદરા સરકીટ હાઉસ, 1978

તસવીર સૌજન્ય : ચિરંતના ભટ્ટ
બરોડા ડાઇનામાઇટ કેસ સમયે વડોદરાના સ્થાનિક પત્રકાર કિરીટ ભટ્ટ / Kirit Bhatt સાથે થયેલો પરિચય જ્યોર્જ ફર્નાન્ડિઝે કિરીટભાઈના અવસાન સુધી પરિવાર સાથે જાળવી રાખ્યો. કિરીટ ભટ્ટના પુત્રી અને પત્રકાર – લેખક ચિરંતના ભટ્ટના / Chirantana Bhatt જણાવ્યા પ્રમાણે કટોકટીના સમયગાળામાં અન્ડરગ્રાઉન્ડ રહેતા જ્યોર્જ ત્રણ દિવસ સુધી વડોદરાના તેમના ઘરે છુપાયા હતા. સંરક્ષણમંત્રી પદનો હવાલો બીજી વાર સંભાળ્યો ત્યારે અમદાવાદ – ગુજરાતના સંસદસભ્ય હરીન પાઠક / Harin Pathak સંરક્ષણ રાજ્યમંત્રી લેખે તેમના સહાયક હતા એ નોંધવું રહ્યું. યોગાનુયોગ કહો તો એ કે જેમ જ્યોર્જ ફર્નાન્ડિઝ બોમ્બે મ્યુનિસિપલ કૉર્પોરેશનના નગરસેવકમાંથી સીધા ચોથી લોકસભામાં પ્રવેશ્યા હતા એમ હરીન પાઠક પણ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના નગરસેવકમાંથી સીધા નવમી લોકસભામાં પ્રવેશ્યા હતા. જ્યોર્જની જેમ હરીન પાઠકે પણ સંરક્ષણ રાજ્યમંત્રી પદે રહેતા અમદાવાદના એક પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણસિંહની હત્યાના જૂના કેસમાં તેમની સામે આરોપી તરીકેના ચાર્જ ફ્રેમ થતા તત્કાળ રાજીનામું આપવું પડ્યું હતું. આ બન્ને રાજીનામાનું પરિણામ એ આવ્યું કે પ્રધાન વિનાના સંરક્ષણ મંત્રાલયનો હવાલો થોડા સમય માટે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ / Atal Bihari Vajpayee સંભાળ્યો હતો.

વર્ષ 2002ની ગોધરા રેલવે સ્ટેશન પરની ટ્રેન દુર્ઘટના સમયે ભારતીય લશ્કરની પહેલી કુમક મદદ અમદાવાદને તેમની પહેલથી – સત્તાથી મળી જેનો ગુજરાત છેડે યથાયોગ્ય ઉપયોગ મોડો મોડો થયો અથવા તો નરસંહાર રૂપે નુકસાન થયા પછી થયો.

સત્તાના રાજકારણથી દૂર થયા પછી જ્યોર્જના મૂળ પરિવારજનો એવા તેમના ભાઈઓએ તેમને મળવા તો પત્ની લૈલા કબીરે તેમની નજીક પહોંચવા અને સ્ત્રીમિત્ર જયા જેટલીને તેમના જીવનમાંથી દૂર રાખવા દિલ્લી હાઇકોર્ટનો સહારો લેવો પડ્યો હતો. આ ઘટનાક્રમ થકી દુનિયાને પહેલીવાર જાણ થઈ કે સર્વોચ્ચ અદાલતના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ ચીફ જસ્ટીસ અલ્તમસ કબીર એ લૈલા કબીરના પિતરાઈ ભાઈ છે, જ્યોર્જના સાળા છે જેઓએ આ અદાલતી કાર્યવાહીથી પોતાની જાતને વેગળી રાખવા તત્કાળ રજા પર ઉતરી જવાનું વાજબી સમજ્યું હતું. અલ્તમસ કબીરના કાકા અને લૈલા કબીરના પિતા, જ્યોર્જના સસરા હુમાયુ કબીર બંગાળી ભાષાના કવિ-નવલકથાકાર હોવા સાથે શિક્ષણ ક્ષેત્રે પ્રવૃત્ત હતા અને કેન્દ્ર સરકારમાં મંત્રી પદે રહેતા જવાહરલાલ નેહરુ અને લાલ બહાદુર શાસ્ત્રીના મંત્રીમંડળમાં શિક્ષણમંત્રીની જવાબદારી સંભાળી હતી. પ્રથમ રાજ્યસભાના અને પછી લોકસભાના સભ્ય રહી ચૂકેલા હુમાયુ કબીરે મદ્રાસ સ્ટેટના ગવર્નર બનવાની ઈન્દિરા ગાંધીની દરખાસ્ત નકારી કાઢી હતી.
ભારતીય રાજકારણના અભ્યાસીઓ અને જ્યોર્જ ફર્નાન્ડિઝના રાજકીય જીવનને નજીકથી જાણનારા – સમજનારા એકથી વધુ લોકો એવું માને છે કે રામ મનોહર લોહિયાના સમાજવાદી વિચારોથી પ્રભાવિત થઈને રાજકારણમાં સક્રિય થયેલા જ્યોર્જ સક્રિય રાજકારણની છેલ્લી ઇનીંગમાં ભારતીય જનતા પક્ષની નજીક સરક્યા પછી ભાગ્યેજ કોઈ પદ-સત્તાનો નકાર કરી શકે એવી સ્થિતિમાં રહ્યા હતા. અવસાન સાથે જ જ્યોર્જના જીવન પર આધારિત બાયોપિક ફિલ્મ બનાવવાની જાહેરાત બાલ ઠાકરેની બાયોપિક ઠાકરે નામે રજૂ કરી ચૂકેલા નિર્માતા અને શિવસેના સાંસદ સંજય રાઉતે કરી છે. ફિલ્મ નિર્માણના તબક્કેથી સિલ્વર સ્ક્રીન પર રજૂ થશે ત્યાં સુધી જ્યોર્જનું નામ ચર્ચામાં રહેશે. એ સિવાય પણ સરકાર, સત્તાતંત્રો સામે લડાયક વૃત્તિ બતાવવાની, યોધ્ધા બનવાની જ્યારે, જ્યાં અને જેમને પણ જરૂર પડશે તેવા દરેક લોકોને જ્યોર્જ ફર્નાન્ડિઝની યાદ આવતી રહેવાની છે – કટોકટીની પચાસમી, સાઇઠમી, પંચોતેરમી કે સો વર્ષની સરકારી કે ખાનગી જેવી સ્મૃતિ ઉજવણીઓ થશે ત્યારે ત્યારે પણ જ્યોર્જ યાદ આવવાના છે એ નક્કી સમજો.
(તસવીરો : ઇન્ટરનેટ પરથી)

2 comments:

  1. આને એક અભ્યાસલેખ તરીકે ઓળખવો/ઓળખાવવો વ્યાજબી ગણાશે.

    ReplyDelete
  2. સરસ લેખ...
    2002 ના ગુજરાત નરસંહાર વખતે ચૂપ રહેનારાઓની યાદી તપાસતી વખતે પણ જ્યોર્જ ફર્નાન્ડિઝ ને લોકો યાદ કરશે..

    ReplyDelete