હમારા બજાજ |
શિર્ષક હિન્દીમાં છે પણ
વાત તો ગુજરાતીમાં જ લખવાની છે. ‘લોહે કા ગધા’ – પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર
કૃષ્ણચન્દ્રએ સ્કૂટર માટે પ્રયોજેલો આ શબ્દપ્રયોગ પહેલીવાર ઉર્વીશના પત્રમાં
વાંચ્યો હતો. પત્રકારત્વની કારકિર્દીનો પ્રારંભ તેણે મુંબઈમાં ‘અભિયાન’
સાપ્તાહિકથી / Abhiyaan Gujarati Weekly કર્યા પછી અમદાવાદ
બ્યુરો ઑફિસે ટ્રાન્સફર થતાં સ્કૂટર ખરીદવું જરૂરી બન્યું ત્યારે મારા દુબઈ વસવાટ
દરમિયાન ઉર્વીશે / Urvish Kothari મને લખેલા પત્રમાં પોતે સ્કૂટર
ખરીદી રહ્યાની જાણ કરતા આ શબ્દ વાપર્યો હતો.
થોડા સમય પછી હું ય કાયમ
માટે દુબઈ / Dubai, United Arab Emirates છોડી અમદાવાદ / Ahmedabad, Gujarat, India પરત થયો ત્યારે મારે પણ સ્કૂટર
વસાવવાની જરૂર ઉભી થઈ. કારકિર્દી-નોકરી માટે દુબઈ જતાં અગાઉ મારી પાસે યામાહા મોટરબાઇક / Yamaha Motor Cycle હતી. ડીલર પાસે પૂરી રકમ
જમા કરાવ્યે છ – બાર મહિને બાઇકની ડીલીવરી મળે એવા એ યુગ – વીસમી સદીના છેલ્લા
દાયકામાં એ બાઇક મેં બે વર્ષ વાપર્યું અને 18,000 કિલોમીટર ચલાવ્યું. એ પછી ખરીદ કિંમતથી ત્રણ હજાર રૂપિયા વધુ ઉપજાવીને મેં વિદેશગમન
કર્યું હતું. નવેસરથી વાહન વસાવવાની જરૂર ઉભી થઈ ત્યારે પેટ્રોલના વધતા ભાવે પહેલો
વિચાર બાઇક ખરીદવાનો જ આવ્યો પણ પછી સ્પેર વ્હીલ અને ડીકીની સગવડે સ્કૂટર ખરીદવા તરફ મન ઢળ્યું. આ બે સગવડની બાદબાકીને કારણે પડતી અગવડો અગાઉ બે વર્ષ
બાઇક ચલાવીને હું ભોગવી ચૂક્યો હતો.
સ્કૂટર ખરીદીના પ્રારંભે – 1998 |
આમ સ્કૂટર ખરીદવાનો વિચાર પાકો કર્યો. એલએમએલ વેસ્પા અને બજાજ એવી બે બ્રાન્ડ સ્કૂટરમાં ઉપલબ્ધ હતી એમાંથી ટ્રસ્ટેડ બ્રાન્ડ ‘હમારા બજાજ’ પર જ પસંદગી ઉતારી અને
એમ કરતા બજાજ સુપર સ્કૂટર વસાવ્યું – 19 ફેબ્રુઆરી 1998. કિંમત રૂપિયા
24,500/- પૂરા. તેને ફેરવતાં – ફરતાં આજકાલ કહેતા પંદર વર્ષ થયા. કાયમ ચાલીસની સ્પીડે ચાલેલા
આ સ્કૂટરનું માઇલોમીટર સોળમા વર્ષે 74,000 + કિલોમીટરનો આંકડો બતાવે છે. એકંદરે આ સમયગાળામાં બજાજ સુપર
સ્માર્ટ સ્કૂટર સાબિત થયું છે. એટલા માટે કે રસ્તામાં તે કદી ખોટકાયું નથી. અરે પંક્ચર પણ ઘર
કે ઓફિસના પાર્કિંગમાં પડે અને ક્લચ કે એક્સિલરેટરનો કેબલ પણ એક-બે વોર્નિંગ આપીને
તૂટે એટલું બધું સ્માર્ટ. પેટ્રોલ ટેન્ક રિઝર્વમાં આવ્યાની જાણ પણ તેણે ચૂક્યા વગર
કરી છે. લાગે છે તેને જિનિયસ જ કહેવું પડશે.
નાની મોટી કોઈ પણ ખરીદીના મામલે હું ગ્રાહકરાજાના સ્વાંગમાં હોઉં છું. ગ્રાહક
તરીકેના હક્કો કયા છે તે પૂરેપૂરા મને ખબર નથી પણ એ ભોગવવા મને ગમે છે. આ સ્કૂટર ખરીદીની બાબત એવી હતી કે પહેલીવાર એકલપંડે હું કોઈ મોટી રકમની ચીજ-વસ્તુ
ખરીદી રહ્યો હતો. મારામાં રહેલો ગ્રાહક પૂરેપૂરો સભાન અને રાજાના કેફમાં હતો. એ
સમયે ઑલિવ ગ્રીન / Olive Green કલર ચલણમાં હતો. મને પણ
પસંદ હતો એટલે એ કલરનું જ વાહન મળે તે માટે સારો એવો સમય રાહ જોયા પછી સ્કૂટરના ‘માલિક’
બનવાનો દિવસ આવ્યો હતો. ખરીદી સંબંધી તમામ પ્રક્રિયાઓ પૂરી કરી વાહનની ડિલિવરી
લેવાનો સમય આવ્યો ત્યારે જોયું કે સ્કૂટરની ફ્રન્ટ બોડી પર નાનકડો
સ્ક્રેચ હતો. મેં વાહન બદલી આપવાનું કહ્યું. ડીલર કહે કે આ સ્કૂટરના એન્જિન-ચેસીસ નંબર લખેલા તમારા નામના કાગળિયા તૈયાર થઈ ગયા અને બિલ પણ બની
ગયું, હવે કોઈ ફેરફાર ન થાય. બીજું કે તમને જોઇએ છે એ કલરમાં બીજો નંગ અમારી પાસે
હાજર સ્ટોકમાં નથી અને આવા સ્ક્રેચ તો નવા સ્કૂટર પર એક કલાકમાં પડી જવાના, આનાથી જ ચલાવી લો. ખરીદીનો પેમેન્ટ ચેક આપ્યો હતો એટલે મેં કહ્યું કે, સારું તો મારું બિલ કેન્સલ કરો અને ચેકનું હું સ્ટોપ પેમેન્ટ કરાવી દઉં છું.
આમ કહેતા જ બીજી મિનિટે ડિલિવરી ચલણ કેન્સલ થઈ ગયું અને મારે જોઈતો હતો એ કલરનું જ
સ્ટોકયાર્ડમાંથી નવા આવેલા નંગનું નવું ડિલિવરી ચલણ-બિલ બની ગયા.
દુબઈથી પાછા ફરીને જે પહેલી નોકરી સ્વીકારી તે નાસા ફાયરટેકની ઑફિસ ઘરની
બાજુમાં જ હતી. ઘરમાં એક સ્કૂટર તો હતું જ છતાં મારે માટે બીજું સ્કૂટર ખરીદવું જરૂરી બની
ગયું. નોકરી માટે નહીં, છોકરી માટે. બૅન્કમાં
નોકરી કરતા પપ્પા / Praful Modi / http://www.binitmodi.blogspot.in/2013/10/blog-post_23.html સ્કૂટર લઈ જાય પછી મારે કોઈ કામ નીકળી આવે એ માટે તો જરૂરી હતું જ. બીજું કારણ તે
મેરેજમાર્કેટ માટે બંદા અવેલેબલ છે એવો સંદેશો પહોંચાડવા અને વખત આવ્યે છોકરીઓ
જોવા જવા માટે સ્કૂટર સમય સાચવવા નહીં પણ મોભો બતાવવા માટે પણ આવશ્યક હતું. આવી
ગયું. નવેમ્બર 1998માં છોકરી પણ મળી ગઈ.
પાટનગર ગાંધીનગરથી શિલ્પા શાંતિલાલ મોદી / Shilpa Shantilal Modi.
લગ્નની સાંજે સ્કૂટર સવારી |
પરણવા માટે ગાંધીનગર
મમ્મી-પપ્પાની સાથે માત્ર કાકા-મામા-માસી-ફોઈ એવા નજીકના ત્રીસ કુટુંબીઓને જ મીની
બસમાં લઈ ગયો હતો. સાંજે સગાં-સંબંધીઓ-મિત્રો-પરિચિતો માટે રિસેપ્શન યોજ્યું હતું.
અગાઉથી નક્કી કર્યા છતાં મીની બસનો ડ્રાઇવર સગાં-સંબંધીઓને રિસેપ્શન સ્થળે લઈ જવા
રાજી નહોતો. એટલે બીજા બધાં રિક્ષામાં તો અમે વરઘોડિયા આ સ્કૂટર પર જ પાર્ટી પ્લોટ
પહોંચ્યા હતા. રિવાજ પ્રમાણે બ્યુટી પાર્લરમાં તૈયાર થઈને આવેલી શિલ્પા ‘નવોઢાસહજ’ કહેવાય એવી પણ
કોઈ આનાકાની વગર સ્કૂટર પર બેસી ગઈ. એ સમયે જ પડોશી અને પપ્પાના સિનિયર બેન્ક કલીગ
એવા જયસીંઘાણી અંકલ બેન્કની શૅફર ડ્રીવન કારમાં આવી પહોંચ્યા. એમણે ઑફર કરી કે
મારી કાર લઈ જાઓ પણ સ્કૂટરની કીક વાગી ચૂકી હતી. મઝા પડી ગઈ. એવી બીજીવારની કીક
બરાબર વરસ પછી આવી.
લગ્ન – હનીમૂન પછી અમે
બન્ને પાછા પોતપોતાની નોકરીમાં પૂર્વવત ગોઠવાઈ ગયા. શિલ્પા ગાંધીનગર પેથોલોજી લેબોરેટરીમાં
કામ કરે. રોજ અપ-ડાઉન. પેરા-મેડિકલ જોબ એટલે રવિવાર કે મોટા તહેવાર સિવાય રજાનો
વિચાર જ કરવાનો નહીં, મળે પણ નહીં. લગ્નને વરસ પૂરું થવા
આવ્યું તે અરસામાં જ દિવાળીના તહેવારોની સળંગ રજાઓ આવે. એ રજાઓનો હરવા-ફરવા માટે
સારી રીતે ઉપયોગ કરવો હોય તો અમદાવાદ બહાર જવું એ તો નક્કી હતું પણ મહત્તમ સગવડો
સાચવવી હોય તો પોતાનું વાહન લઈને નીકળવું પડે એ પણ વાસ્તવિકતા હતી. પોતાનું વાહન
એટલે આ સ્કૂટર. અમે બન્ને સામાન નંગ છ સાથે નીકળી પડ્યા. એક લગેજ બેગ, એક થેલો, એક હેન્ડ બેગ, નાસ્તાની થેલી, વોટરબેગ અને મારા કાયમી
શોખની સાથી એવી કૅમરા બેગ. ક્લચ, બ્રેક અને એક્સિલરેટરના એકસ્ટ્રા કેબલ તેમજ હેડલાઈટ બલ્બ
જોડે રાખ્યા હતા પણ ત્રણ વખત પેટ્રોલ પૂરાવવા સિવાય કશાયની જરૂર પડી નહીં. પાંચ
દિવસમાં છસો કિલોમિટર ફર્યા. રૂટ માત્ર સંદર્ભ જણાવવા માટે ય લખું તો કઈંક આવો થાય
: પહેલા દિવસે અમદાવાદથી
મહેમદાવાદ (ઉર્વીશ કોઠારી પરિવારને મળવા), નડિયાદ, સોખડા, આજોડ (પતંજલી વૃક્ષમંદિર), વડોદરા. બીજા દિવસે વડોદરા
બીરેન કોઠારીના ઘરેથી મુનિ સેવા આશ્રમ-ગોરજ (રજનીકુમાર પંડ્યા પરિવારને અને રમણ
પાઠકને મળવા) અને પરત. ત્રીજા દિવસે વડોદરાથી હાલોલ, લકી ફિલ્મ સ્ટુડીયો અને વતન ગોધરા. ચોથા દિવસે ગોધરા ફોઈના દીકરી લીનાબહેન
શાહના ઘરેથી દેવગઢ બારિયા અને પરત. પાંચમા દિવસે ગોધરાથી ટુવા (ગરમ પાણીના કુંડ), અંઘાડી, ગળતેશ્વર, ઠાસરા, ડાકોર, ઉમરેઠ, આણંદ અને ખેડા-બારેજા થઈને અમદાવાદ.
મહેમદાવાદ-વડોદરામાં મિત્રોને મળી શક્યા, નડિયાદ-વડોદરા-હાલોલ-ગોધરામાં સંખ્યાબંધ સગાં-સંબંધીઓને મળી શક્યા, જ્યાં ભણ્યો તે દેવગઢ બારિયા-ઠાસરામાં મિત્રો-પરિચિતો-પાડોશીઓને મળી શક્યા
અને ગળતેશ્વર-ડાકોર જેવા તીર્થોની ‘જાતરા’ ટૂંકા દિવસોમાં કરી શક્યા તે આ સ્કૂટરને
કારણે. હાલોલ લકી ફિલ્મ સ્ટુડીયોમાં કોઈ શુટીંગ તો ચાલુ નહોતું પણ ફિલ્મોના જૂના
સેટ જોવા મળ્યા હતા. વડોદરામાં નેવુંની નજીક પહોંચેલા પપ્પાના મામા રમણલાલ પરીખને
મળ્યા. ઠાસરા – દેવગઢ બારિયામાં મારા સ્કૂલસહજ તોફાનોના કેટલાક સાઇટ-લોકેશન પણ
શિલ્પાને બતાવ્યા હતા.
વાહનના વૈદ્ય : (ડાબેથી) મોહંમદ નઝીર શેખ, રાજેશ વોરા, યાકુબ શેખ, ડાહ્યાભાઈ નોગિઆ અને રીતેશ કટારા |
સ્કૂટર જેના હસ્તક ખરીદ્યું તે નેહરૂપાર્ક-વસ્ત્રાપુર સ્થિત યશ ઓટોમોબાઇલ્સ
બજાજ ઓટોના ડીલર અરવિશ ઓટોના સબ-ડીલર હતા. તેના માલિક હરેશ વોરા પોતે કારકિર્દીના
આરંભે બજાજ ઓટો લિમિટેડના / Bajaj Auto Limited / http://www.bajajauto.com/ આકુર્ડી-પૂના સ્થિત પ્લાન્ટ ખાતે લાંબા પટે નોકરી કરી ચુક્યા હતા. નોકરીમાંથી
મુક્ત થઈ પોતાનો વ્યવસાય શરૂ કરવાની ગણતરીએ તેમણે જે કંપનીમાં કામ કર્યું તેની જ
ડીલરશીપ સ્વીકારી હતી. આજે 2014માં હરેશભાઈ વોરા
ફાઇનાન્સિયલ કન્સલ્ટન્સીના વ્યવસાયમાં છે તો હવે માત્ર ઓટો ગેરેજની જ સેવાઓ આપતા
યશ ઓટોમોબાઇલ્સને તેમના ભાઈ રાજેશ વોરા સંભાળે છે. આ પંદર વર્ષના ગાળામાં તેના મિકેનિકો
પણ ખાસ બદલાયા નથી. ડાહ્યાભાઈ નોગિઆ, મોહંમદ નઝીર, રીતેશ કટારા અને યાકુબ શેખ – ચાર મિકેનિકોએ જરૂર પડ્યે બે પૈડાંના વાહનની જરૂર
જેટલી જ મરમ્મત કરી છે. આ ‘જરૂર જેટલી જ’ શબ્દો પર એટલા માટે ભાર મૂકવાનો કે ગેરેજ માલિકો
સહિત તેમણે મને ક્યારેય રિપેર કામ-ખર્ચના મોટા અંદાજો બતાવ્યા – કહ્યા નથી.
ક્યારેક તો રિપેરીંગ સંબંધે મેં ચીંધી બતાવેલું કામ પણ એમ કહીને ટાળ્યું હોય કે, ‘આ ખર્ચો હમણાં કરવાની જરૂર નથી.’ એને કારણે કોઈ તકલીફ તો નહીં પડેને એવા મારા સહજ
ડરનો એમણે એમ કહીને છેદ ઉડાવી દીધો હોય કે, ‘અમે બેઠા છીએને. મોબાઇલ કરીને ગમે તે સમયે – જ્યાં સ્કૂટર ખોટકાય ત્યાં બોલાવી
લેજો.’ એવી જરૂર જ ન પડી. પંદર વરસમાં ક્યારેય ન પડી. મને
લાગે છે આ સમયગાળો નાનો તો નથી જ. બહુ ખાતરીપૂર્વક કહી શકું કે આ એક ક્વોલિટેટીવને
કારણે જ હું આ વાહનકથા લખવા પ્રેરાયો.
યશ ઓટોના સંચાલક : રાજુભાઈ |
ખરીદીના પહેલા દિવસથી તેની લૉગ બુક રાખી છે. મુખ્ય
ત્રણ વિગતો તેમાં નોંધી છે. એક – સ્કૂટર કયા દિવસે કેટલા કિલોમિટર અને કયા રૂટ પર
ચાલ્યું, બીજું – પેટ્રોલ પૂરાવ્યાની વિગત અને ત્રીજું તે
વખતોવખત કરાવેલા રિપેરીંગની વિગતો. આ વિગતો મને કદીક તો ખપમાં લાગવાની જ છે. જેમ
કે 26 જાન્યુઆરી 2001ની સવારે આવેલા ધરતીકંપ પછી અસરગ્રસ્ત થયેલા અમદાવાદ શહેરના
ફોટા પાડવા મિત્ર જીતુ વઢવાણા / Jitu Vadhwana સાથે કે 2002ના રમખાણો સમયના શહેરને જોવા-જાણવા હું ક્યાં-ક્યાં
ફર્યો. પેટ્રોલની વિગતો મને જે તે સમયનો ભાવ જણાવે છે તો રિપેરીંગની વિગતો મને
મોંઘવારીનો ગ્રાફ આ રીતે દર્શાવી આપે છે – ફેબ્રુઆરી-2007માં બે નવાં ટાયર 700 રૂપિયામાં ખરીદ્યા હતા તેના ચાર વર્ષ પછી એપ્રિલ-2011માં એક ટાયરની કિંમત 700 રૂપિયા ચુકવી હતી. સો ટકા
ભાવવધારો.
અગાઉ ઉપયોગમાં લીધેલા વાહનો |
અત્યાર સુધી ઘર-પરિવાર માટે ખરીદાયેલી ત્રણ સાઇકલ
ઉપરાંતના આઠ વાહનોમાં આ બજાજ સુપરનો નંબર પાંચમો છે. મારા અંગત ઉપયોગ માટે
ખરીદાયેલું ચોથું વાહન. પહેલું બજાજ સુપર (1988), બીજું યામાહા મોટરબાઇક (1992), ત્રીજું તે આ બજાજ સુપર (1998) અને ચોથું કાઇનેટીક હોન્ડા (1999). આ ચારેય વાહનોની બીજી ખાસિયત એ કે તેને આપણા બારડોલી સ્થિત લેખક રમણ પાઠકે
ચલાવ્યા છે અને ક્યારેક તેની સફર પણ માણી છે. હા, ‘રમણભ્રમણ’ વાળા રમણ પાઠક. તેઓ સુરતથી અમદાવાદ આવી રજનીકુમાર પંડ્યાના મહેમાન બને ત્યારે
ઉપર લખ્યો તેવો સંજોગ સર્જાતો.
વાહન ચલાવતા હોઇએ અને ટ્રાફિક પોલીસ – જમાદાર સાથે ડાયલૉગ થવાના સંજોગો ના
સર્જાય એવું બને ખરું? એવી ‘અથડામણો’ તો થતી જ હોય પણ બે
ઘટનાઓ યાદગાર છે. ટાઉન હૉલથી નેહરૂ બ્રિજ જતાં ટ્રાફિક પોલીસે પોઇન્ટ પર રોક્યો.
મેં સ્કૂટરનું એન્જિન બંધ કરી સ્ટેન્ડ પર ચઢાવી હેલમેટ ઉતાર્યો. ‘નમસ્તે’ કહીને વાતની શરૂઆત કરી. સ્કૂટર સંબંધિત તમામ કાગળિયાની ઝેરોક્ષ ડીકીમાં છે અને
અસલ ડ્રાઇવિંગ લાઇસન્સ ઑફિસ બેગમાં છે એમ કહી બેગ ખોલવાની તૈયારી કરી ત્યાં જ
પોલીસ અધિકારીએ હાથ પકડી લીધો. કહે, ‘તમે સ્કૂટર પરથી નીચે
ઉતરીને વાત કરી એટલું જ પૂરતું છે, એક પણ કાગળ જોવાની જરૂર
નથી.’ સ્કૂટર સામે જોતા ‘PRESS’ માર્કિંગ જોઈને છેલ્લે એટલું પૂછ્યું કે, ‘ક્યાં કામ કરો છો?’ એ સમયે ‘ગુજરાત સમાચાર’માં
કામ કરતો હતો એટલે નામજોગ માહિતી જણાવી દીધી.
સ્કૂટરનું સોળમું વર્ષ – 2014 |
બીજી ઘટના ‘આરપાર’ સાપ્તાહિકમાં / Aarpar Gujarati Weekly / http://www.aarpar.com/ કામ કરતો તે સમયની છે. પરિમલ ગાર્ડનથી ટાઉન હૉલ જવાના રસ્તે ચાર રસ્તા પરથી
જલારામ મંદિર જવાના રસ્તે વિમલા કોમ્પ્લેક્ષમાં તેની ઑફિસ આવે. આ ચાર રસ્તા પર
ટ્રાફિક સિગ્નલ પોઇન્ટ પણ ખરો. એક દિવસ કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં પહોંચ્યો ને જ
પાછળ ટ્રાફિક કોન્સ્ટેબલ આવી પહોંચ્યો. મને કહે તમે સિગ્નલ લાલ થયા પછી વાહન ક્રોસ
કર્યું છે. વાહન લઈને સાહેબ પાસે ચાલો. ત્યાં સાહેબ પોતે જ આવી પહોંચ્યા. લાઇસન્સ
માગ્યું, બતાવ્યું. મેમો બુક કાઢી. મેં કહ્યું કે સિગ્નલ ગ્રીનમાંથી રેડ થતા પહેલાં
યલો સાઇન બતાવે ત્યારે મેં વાહન ક્રોસ કર્યું છે. મારી દલીલ સાંભળવા એ રાજી નહોતા
અને હું દંડ ભરવા રાજી નહોતો એટલે મેં દલીલ કરી કે, ‘લીલું સિગ્નલ પીળું કે લાલ થાય ને તરત હું વાહન કન્ટ્રોલ કરી લઉં એટલું
પરફેક્ટ ચલાવતા આવડતું હોત તો ‘પાઇલટ’ ન થયો હોત? સાહેબ, મારે દંડ પણ નથી ભરવો અને આ સ્કૂટર પણ હવે નથી ચલાવવું. તમે જ ચલાવી લો. આપણે
બન્ને સાથે આર.ટી.ઓ. જઈએ અને મારું ડ્રાઇવિંગ લાઇસન્સ કેન્સલ કરાવી લઈએ. પછી હું
તો કાયદેસર સ્કૂટર ચલાવવાને લાયક નહીં રહું એટલે ત્યાં કોઈ પરિચિતને બોલાવી લઈશ જે
મને સ્કૂટર સાથે ઘરે મૂકી જશે અથવા તમે મુકવા આવજો. સાથે ચા-પાણી પીને છૂટા
પડીશું.’ પોલીસ માટે પ્રચલિત છે તેવા નહીં પણ ખરેખરા અર્થમાં મને કહે, ‘આપણે અત્યારે જ ચા-પાણી કરી લઈએ.’ આ બધું નાટક થતું હતું એ બિલ્ડીંગના બીજા
માળની બારીએથી ‘આરપાર’ ઑફિસનો સ્ટાફ જોતો હતો એ મને ઑફિસમાં ગયા પછી ખબર પડી.
ટૂંકમાં નાટકનો પાર્કિંગ ફ્લોર પર જ અંત આવી ગયો.
પાર્કિંગનો સંયોગ : 3903 અને 3903 |
એક દિવસ એવું થયું કે સ્કૂટર પાછળ આવતી રિક્ષા સતત હૉર્ન વગાડ્યા કરે. એને
ઝડપથી આગળ જવું હશે તે મેં જગ્યા મળતાં જ રસ્તો કરી દીધો. કેમેય કરીને મને ઓવરટેક
કરી ગયેલી રિક્ષા થોડે આગળ જઈ ઊભી રહી. રિક્ષા ડ્રાઇવરે તરત હાથ કરીને મને ય
રોક્યો. ઓવરટેક બાબતે મગજમારી કરવા જ રોક્યો એમ મેં માની લીધું. મને કહે, ‘યાર કેટલા હોર્ન માર્યા. નથી તમે ઊભા રહેતા, નથી જગ્યા આપતા. આ લો તમારી ચાવી.’ સ્કૂટરની ચાવી ઇગ્નિશન
કી-હૉલમાંથી સરકીને રસ્તા પર પડી ગઈ હતી. બસ આટલી જ વાત. હા, લોહે કા નહીં, મેરા લાડલા ગધા – સ્કૂટરની વાત
પ્રચલિત અર્થમાં અહીં પૂરી થાય છે.
‘હમારા બજાજ’ની સફર માણનારાઓમાં જેમનો સમાવેશ થાય છે તેવા થોડાંક સ્વજનોને યાદ
કરવા અહીં ગમશે. તેઓ છે જગન મહેતા (તસવીરકાર), દિલીપ ધોળકિયા (ગાયક – સંગીતકાર / http://binitmodi.blogspot.in/2013/10/blog-post.html), નલીન શાહ (હિન્દી ફિલ્મ સંગીતના મર્મજ્ઞ – સંશોધક / http://www.birenkothari.blogspot.in/2011/12/blog-post_06.html), રમેશ ઠાકર (તસવીરકાર, રાજકોટ / http://www.zabkar9.blogspot.in/2013/07/blog-post.html) ડૉ. પંકજ શાહ (કેન્સરના નિષ્ણાત ડૉક્ટર / http://hoomfindia.org/), ચંદુ મહેરિયા (કર્મશીલ લેખક / http://binitmodi.blogspot.in/2012/06/blog-post_28.html), નીરવ પટેલ (દલિત સમસ્યાઓને વાચા આપતા કવિ), પ્રકાશ ન.શાહ (કર્મશીલ – રાજકીય
બાબતોના અભ્યાસી), મનીષી જાની (ફિલ્મ મેકર –
કર્મશીલ), મહેન્દ્ર મેઘાણી (પુસ્તક પ્રસારક – સંપાદક / http://www.urvishkothari-gujarati.blogspot.in/search/label/Mahendra%20meghani), મનુભાઈ શાહ (પ્રકાશક – ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય), અશ્વિની ભટ્ટ (લેખક – નાટ્યકાર / http://binitmodi.blogspot.in/2012/03/blog-post.html) અને રજનીકુમાર પંડ્યા (લેખક – પત્રકાર / http://binitmodi.blogspot.in/2012/07/blog-post_06.html). તેઓ સૌએ કયા સંજોગોમાં મારા સ્કૂટર પર
બેસવાનું થયું તેની કેટલીક પ્રસંગવિશેષ વાતો લખી શકાય તેમ છે. ફરી ક્યારેક.
અત્યારે તો સ્કૂટર પર નથી બેસી શકી એવી એક વ્યક્તિની
વાત લખીને આ કથા પૂરી કરું. એક વાર ઑફિસેથી ઘર તરફ આવવાના સાંજના સમયે
પૉલિટેક્નિકથી આગળ પાંજરાપોળ ચાર રસ્તા પસાર કર્યા પછી આવતા એ.એમ.ટી.એસના બસ
સ્ટેન્ડ પર એક પરિચિત વ્યક્તિને બસની રાહ જોતાં ઊભા રહેલા જોયાં. મેં સહસા જ
સ્કૂટર થોભાવ્યું અને તેમને પાછળ બેસી જવા કહ્યું. ‘ના...મને બસની મુસાફરી જ માફક
આવે છે. શહેરના ખાડા-ખૈયાવાળા રસ્તા મારી કમરને પાંસરી કરી મૂકે છે.’ આ પછી પણ મેં મારો આગ્રહ ચાલુ રાખ્યો એટલે તેમણે
કહ્યું, ‘આડેધડ વાહન ચલાવતાં રફ-ટફ જુવાનિયાંઓના હાથે ઘાયલ
થવાની મને બીક લાગે છે એટલે પણ બિનીતભાઈ હું તમારા સ્કૂટર પાછળ બેસીશ નહીં. આપનો
આભાર.’ તેમની આ દલીલ પછી આગ્રહ કરવાનું કોઈ કારણ મારી પાસે રહ્યું નહીં.
સ્કૂટરનું સ્કોરમીટર : 74374 |
હું ઘર તરફ આગળ વધ્યો અને તેમની વાત પર વિચાર કરતો
રહ્યો. ઈજાગ્રસ્ત થવાનો તેમને જે ભય સતાવતો હતો એ કાલ્પનિકપણે મેં મારા મમ્મી –
પપ્પાને લાગુ પાડીને બીજે દિવસથી તેમને સ્કૂટર પર બેસાડવાનું બંધ કર્યું. એમ
સમજોને કે એવો નિર્ણય જ કર્યો. એવો નિર્ણય લેવામાં જે નિમિત્ત બન્યા તે પરિચિત વ્યક્તિ
એટલે મનસુખ સલ્લા / Mansukh
Salla. લોકભારતી – સણોસરાના પૂર્વ
આચાર્ય અને આપણી ભાષાના લેખક.
હા...મારું સ્કૂટર ચલાવવાનું ચાલુ છે. 1988ની આસપાસ પહેલીવાર ચલાવ્યું ત્યારે લિટર પેટ્રોલનો ભાવ હતો 7 રૂપિયા 50 પૈસા. આજે 2014માં તેનો ભાવ છે – લિટરે 75 રૂપિયા 25 પૈસા.
મારું સ્કૂટર સર્વિસમાં કે રીપેરિંગમાં હોય ત્યાર બિનીતનું બજાજ ચલાવવાનો લાભ મળ્યો છે. બિનીત મોદીને તેનાં વાહનની કાળજી લેતો જોઇને કોઇ પણ યુવતીના પિતાને એવો વિચાર આવે કે મારી દીકરીની આવી રીતે સારસંભાળ રાખનાર કોઇ જમાઇ મળે તો કેટલું સારું :-)
ReplyDeleteસ્કૂટર ચલાવતી વખતે હેલ્મેટ પહેરતાં પહેલાં માથા પર રૂમાલ પાથરવો એ બિનીતની અદા હતી. પછી ખબર પડી કે એ અદા નહીં, ઉપયોગીતા છે (હેલ્મેટ અંદરથી ચીકટી ન થાય). એટલે મેં પણ તેને અપનાવી. એક વાર બિનીતે રફ ચલાવતા - અને ઉપરથી બિનીતને અન્કલ કહેતા કોઇ છોકરાને સિગ્નલ પાસે પોલીસના હાથમાં સોંપ્યો હતો એવું પણ યાદ આવે છે.
હેલ્મિટ પહેરતાં પહેલાં માથા પર રૂમાલ પાથરવાની વાત પરથી યાદ આવ્યું કે પ્રણવ અધ્યારૂએ હાથરૂમાલ પાથરવા અને તેને ગડી વાળીને પાછો મુકવાની માથાકૂટ ટાળવા મુસલમાની ટોપી પહેરવાનો વધુ સારો અને સહેલો વિકલ્પ શોધી કાઢ્યો હતો. તેની જેમ એ ટોપી આપણને માફક ન આવી એ જુદી વાત છે.
Deleteબિનીત મોદી (અમદાવાદ)
થોડા વખત પહેલાં જ બિનીતના ઘરની સામેની બાજુએ આવેલા સર્વિસ સ્ટેશનમાંથી આ સ્કૂટર ચલાવીને બિનીતને ઘેર લાવવાનો યોગ પ્રાપ્ત થયો હતો. બહુ વખતે સ્કૂટર ચલાવ્યું એટલે એમ જ લાગતું હતું કે હવે ટેક ઓફ્ફ થયું કે થશે. આ સ્કૂટરની પાછલી સીટ પર બેસવાનો લાભ પણ મળ્યો છે.
ReplyDelete‘પાછલી સીટ પર બેસવાના લાભ’ની વાતથી યાદ આવ્યું કે અમદાવાદમાં સૌથી લાંબો પ્રવાસ પણ આ સ્કૂટર પર બીરેન...તને બેસાડીને જ કર્યો છે. સોમવાર 23 જુલાઈ 2007ના દિવસે – રૂટ...આંબાવાડી બજારથી...નવરંગપુરા...શ્રેયસ ક્રૉસિંગ...ગાંધી રોડ...આશ્રમ રોડ...મણિનગર...એસ.ટી. બસ સ્ટેશન – 66 કિલોમીટર...
Deleteબિનીત મોદી (અમદાવાદ)
brilliant blog.bmw owners envy your pride.
ReplyDeleteબહુ જ રસપ્રદ. મને ય મારૂં પહેલું વાહન યાદ આવી ગયું.
ReplyDeleteહું બી.ઈ. થયો પછી પહેલી નોકરી એસ્સાર ઓઈલમાં બોકારો સ્ટિલસિટી (ઝારખંડ)માં હતી. 35 દિવસ નોકરી અને 35 દિવસ આરામ એવા શેડ્યુઅલમાં રાજુલાથી અમદાવાદ ટેક્સીભાડું અને અમદાવાદથી ટ્રેઈનની સેકન્ડ એસીની ટિકિટ મળે. વળતાં ય એવું જ. એટલે એન્જિનિયર થયા પછી અને મજેદાર નોકરી મળ્યા પછી ય મારે વાહનમાલિક થવાનું દેખીતી રીતે કોઈ કારણ ન હતું.
આમ છતાં મને બાઈકનું જબ્બર વળગણ.
બી.ઈ. થયો ત્યાં સુધી મારી પાસે સાઈકલ પણ ન હતી. એટલે પોતાનું પહેલું વાહન હોય અને એ વાહન બાઈક જ હોય એ મુદ્દો મારા માટે બેહદ ભાવનાત્મક હતો. વાહન ચલાવતા તો આવડતું હતું. મિત્ર શૈલેશ જોશીના એલએમએલ વેસ્પા પર હાથ બરાબર બેસી ગયો એ પછી વિરલના હોન્ડા સ્લિક પર પહેલી વાર જ્યારે ચક્કર માર્યું ત્યારે પોરસ રાજા હાથી પર બેસીને સિકંદરને હરાવવા નીકળ્યો હોય એવો જ રૂઆબ મેં ખુલ્લી આંખે અનુભવ્યો હતો. ત્યારે એમ જ લાગતું હતું કે યુનિવર્સિટી રોડની દરેક છોકરીઓ મને જ અહોભાવથી જોઈ રહી છે અને જેવું બાઈક ઊભું રાખીશ કે તરત છોકરીઓના ધાડા મને વિંટળાઈ વળશે.
મને બજાજના સ્કૂટર માટે ભયાનક અણગમો. વેસ્પા થોડું સ્ટાઈલિશ લાગે પણ બજાજ??? ધોળે ધરમે ય ન ખપે... મફતમાં ય નહિ. એટલે પહેલું વાહન ખરીદવાનો વારો આવ્યો ત્યારે સ્વાભાવિક રીતે જ બાઈક પર જ પસંદગી ઉતારી. અલબત્ત, એમાં ય લાભ તો બજાજને જ મળ્યો. એ વખતે બાઈકમાં ફોર સ્ટ્રોકનો જમાનો શરૂ થઈ ચૂક્યો હતો અને સિત્તેર-એંશીની એવરેજ સહજસાધ્ય ગણાતી હતી એટલે આપણે પસંદગી ઉતારી કાવાસાકી બજાજ ફોર એસ ઉપર.
યોગાનુયોગ જુઓ, મારા એ બાઈકનો રજીસ્ટ્રેશન નંબર હતો GJ-14- D- 3246 અને એ વખતે ટીવી પર આવતી કાવાસાકીની જાહેરાતમાં જે બાઈક બતાવતા હતા એનો નંબર પણ 3246 જ હતો.
એ બાઈક પછી મારા ભાઈને આપ્યું અને મેં સુઝુકી સામુરાઈ લીધું. સામુરાઈ પછી બજાજ કેલિબર લીધું. એ પછી ગાડીના રવાડે ચડી ગયો. હવે બાઈક ચલાવવાનું ક્રમશઃ સાવ બંધ થઈ ચૂક્યું છે તો પણ છેલ્લું બાઈક બજાજ કેલિબર હજુ ઘરના આંગણાંમાં ધૂળ ખાય છે. મારી ઘણી મોજીલી સવારીઓનું સાથી રહેલું એ બાઈક હવે 18ના થયેલા મારા ભાણાને આપવાનો છું. આમ પણ એ જરા વધારે પડતો સીધો છે એટલે બાઈક તેનામાં થોડીક રંગત ભરે એવી ય આશા છે.
બિનીત ભાઈ ખુબ સુંદર વર્ણન કર્યું છે. એક વાહન આપણા જીવનની કેટલીક કિંમતી ક્ષણોનું સાક્ષી હોય છે તેને તમે શબ્દોથી ખુબ સારી રીતે વર્ણવ્યું છે.
ReplyDeleteબિનીતભાઇ વાચવાની ખૂબ મજા આવી
ReplyDeleteભાઈ,હું ય બજાજીયો છું....વફાદાર વાહન।..1989થી સાથ આપે છે.....
ReplyDeleteજોરદાર બિનીતભાઇ
ReplyDeleteમજા પડી...
ભાઈ, મારા બજાજનેય 18 વર્ષ પૂરા થયા. હજીય વફાદારી નિભાવે છે. કોઈ પણ જાતના નિભાવ ખર્ચ વિના 40 કિ.મીની એવરેજ આપે છે. સીબીઝેડ છે પણ એનો મોહ છૂટતો નથી...કંઈ કેટલીય યાદો જોડાયેલી છે. તમે જે અનુભવ કર્યો છે તેવો લાંબી મુસાફરીનો અનુભવ બજાજએ મને પણ કરાવ્યો છે. આજેય ગામડે જવા માટે ‘હમારા બજાજ’. યાદ છે કે બજાજનો અલોટમેન્ટ લેટર (Allotment Letter) આવે તો પેંડા વહેંચાતા.
ReplyDeleteકનુ જાની (અમદાવાદ)
(Response through FACEBOOK : 19 February 2014)
બજાજ સ્કૂટરના ‘સોલવાં સાવન’ માટે અભિનંદન.
ReplyDeleteફાલ્ગુની મોદી (ગાંધીનગર)
(Response through FACEBOOK : 19 February 2014)
Bajaj is BAJAJ. I think they should know the marvellous facts of their Scooter incomparable by new vehicles.
ReplyDeleteShailesh Thakkar (Gandhinagar, GUJARAT)
(Response through FACEBOOK : 19 February 2014)
સાથી સાથ નિભાના.
ReplyDeleteદિવાન ઠાકોર (અમદાવાદ, ગુજરાત)
(Response through FACEBOOK : 19 February 2014)
બિનીતભાઈ, સોળે કળાએ ખીલી ઉઠેલો સ્કૂટર સફરનો અદભૂત લેખ. ઘણું જ રસપ્રદ વર્ણન. અમારા ભૂતપૂર્વ નિયામકશ્રી ડૉ. પંકજ શાહ પણ તમારા બજાજ સફરનામાનાં સ્વજનોમાંના એક હતા તેનો વિશેષ આનંદ.
ReplyDeleteજયેશ સોલંકી (ગાંધીનગર, ગુજરાત)
(Response through FACEBOOK : 19 February 2014)
સરસ લેખ...ગમ્યો.
ReplyDeleteમિલન સિંધવ (ગાંધીનગર, ગુજરાત)
(Response through FACEBOOK : 20 February 2014)
સૌ મિત્રો,
ReplyDeleteબ્લોગની 91મી પોસ્ટ (1 જાન્યુઆરી 2014)ના વાચન / પ્રતિભાવો માટે આભારી છું.
બિનીત મોદી (અમદાવાદ) / શનિવાર, 1 માર્ચ 2014
લોઢાના લાડલા ગધેડા વિશેનો શાનદાર લેખ બહુ ગમ્યો.
ReplyDeleteદીપક સોલિયા (મુંબઈ, મહારાષ્ટ્ર)
(Response through FACEBOOK : 14 August 2014)
(BLOG Post Re-shared on FB Page 'Dipak Soliya' : 4 August 2014)
પ્રિય મિત્રો,
ReplyDeleteબ્લોગ ‘હરતાંફરતાં’ને પોણા ત્રણ વર્ષ પૂર્ણ થયા.
91મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 01-01-2014 to 01-01-2015 – 610
બિનીત મોદી (અમદાવાદ)
Very nicely written article.
ReplyDeleteસૌ મિત્રો,
ReplyDeleteબ્લોગ પ્રારંભના સાડાચાર વર્ષ અને 145 પોસ્ટના મુકામ પર આ બારમી પોસ્ટ છે જેણે વાચક સંખ્યાનો 1000નો પડાવ પાર કર્યો છે.
બિનીત મોદી (અમદાવાદ) / સોમવાર, 22 ઑગસ્ટ 2016