પ્રતિભાવો ઉર્ફે Comments

Thursday, January 16, 2014

વતનમાં વિદ્યાગુરુ રતિલાલ બોરીસાગરને સન્માનનો Showerbath


રતિલાલ બોરીસાગર : શિક્ષકનું સન્માન
શિક્ષક તરીકેની પહેલી અને હાસ્યલેખક તરીકેની આજીવન ઓળખ ધરાવતા રતિલાલ બોરીસાગરને બુધવાર, 5 જાન્યુઆરી 2011ની સાંજે સાવરકુંડલાવાસીઓએ મન ભરીને પોંખ્યા હતા. સન્માન સમારંભ જ્યાં યોજાયો હતો તે સ્થળ જે.વી. મોદી હાઇસ્કૂલના પટાંગણમાં ત્રણ હજાર ઉપરાંત શ્રોતાગણ ઉપસ્થિત હતો. એ જ સ્કૂલ કે જ્યાં રતિભાઈ (જન્મ : 31 ઑગસ્ટ 1938) 1949માં 11 વર્ષની ઉંમરે પાંચમા ધોરણમાં દાખલ થયા હતા અને પછી આ જ સ્કૂલમાં 19 વર્ષની વયે 1957માં શિક્ષક પણ થયા.

‘વિદ્યાગુરુ શ્રી રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન’ના નેજા હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ શિક્ષક અને આજીવન રામકથાકાર મોરારિબાપુના હસ્તે ડૉ. રતિલાલ બોરીસાગરને / Ratilal Borisagar શાલ, સન્માનપત્ર અને માનધન અર્પણ થયા. માનધનની રકમ તેમણે પ્રતિષ્ઠાનને તુર્તજ ભાવિ કાર્યક્રમો માટે સુપ્રત કરી દીધી. સમારંભ સ્થળે સમયસર આવી પહોંચેલા મોરારિબાપુએ જણાવ્યું કે 65 વર્ષમાં પહેલી વાર ક્યાંક સમયસર નહીં, સમય કરતાં વહેલો પહોંચ્યો છું. શિક્ષકનું સન્માન અને તેય સ્કૂલના મેદાનમાં, પછી મોડા પડાય જ શી રીતે એવી ટીપ્પણી પણ કરી લીધી. સ્કૂલમાં આવતા અગાઉ સાવરકુંડલામાં / Savarkundla ફરતા મોરારિબાપુએ / Moraribapu ખુદે અનુભવ્યું કે બોરીસાગર સાહેબને સન્માનવા આજે તો ગામ હિલોળે ચઢ્યું છે. મને પોતાને પણ એવો એક અનુભવ થયો. અમદાવાદથી અહીં હું પત્રકાર-લેખક રજનીકુમાર પંડ્યા / Rajnikumar Pandya સાથે આવ્યો હતો. રજનીભાઈ શેવીંગ કીટ સાથે લાવવાનું ભૂલી ગયા એટલે અમે એક મેડિકલ સ્ટોર પર એ માટે જઈ પહોંચ્યા. તેના માલિક રાજુભાઈએ સન્માન સમારંભમાં આવ્યા છો એવી પ્રાથમિક પૂછપરછ પછી જણાવ્યું કે પોતે પણ એમાં સામેલ થવા માટે દુકાન આજે વહેલી બંધ કરી દેવાના છે.

રતિલાલ...આજે તો આ આસન ગ્રહણ કરો
સમારંભ સ્થળે આવી પહોંચેલા મોરારિબાપુએ સ્ટેજ પર જવા માટે પ્રથમ રતિલાલ બોરીસાગરને આગળ કર્યા. બીજી દરકાર એ લીધી કે તેઓએ તેમના માટેની ખાસ સોફા ચેર રતિલાલને ઓફર કરી. ‘આજે તો આ આસન ગ્રહણ કરો’ તેમ પણ કહ્યું. મોરારિબાપુ એ સોફા ચેર પર બેસવા રાજી ન હતા. રતિલાલ જ તેના પર બેસે એવો આગ્રહ ક્યાંય સુધી કર્યા પછી તેમણે એમ કરવા, એ માટે સમજાવવા રઘુવીર ચૌધરીને પણ ભલામણ કરી. જો કે બેઠક વ્યવસ્થા અગાઉથી ગોઠવાયા પ્રમાણે જ ચાલી. નાદુરસ્ત તબિયતને લઈ સુશીલાબહેન બોરીસાગર કાર્યક્રમમાં મોડેથી આવ્યા. જો કે રતિલાલે ત્યાં સુધી બાજુમાં બેઠેલા રઘુવીર ચૌધરીને જાણ તો કરી જ દીધી હતી કે આપ મારી પત્નીની જગ્યાએ બેઠા છો.

રતિલાલ બોરીસાગરને માનધન અર્પણ કરતા (ડાબેથી) વસંત પરીખ,
મોરારિબાપુ, રતિલાલ બોરીસાગર, રઘુવીર ચૌધરી અને
પ્રતિષ્ઠાનના પ્રમુખ હરેશ મહેતા
પ્રારંભિક પ્રાર્થના, સ્વાગત વિધિ, પ્રતિષ્ઠાનનો પરિચય અને સ્થાપના પાછળના ઉદ્દેશો જણાવ્યા પછી બોરીસાગર સાહેબનો બોલવાનો વારો આવ્યો. તેમણે પ્રારંભે જ કહી દીધું કે સવારે મને કુરતા – સલવાર – કોટીના ડ્રેસમાં જેમણે પણ જોયો છે અને અત્યારે જે આ જોધપુરી સ્ટાઇલ કોટ-પેન્ટમાં જોઈ રહ્યા છો તે બન્ને જોડી કપડાં પ્રતિષ્ઠાનના ટ્રસ્ટીઓએ સીવડાવી આપેલા છે. પોતે કોઈ કામની ના નથી કહી શકતા એ તેમને અહીં પણ નડી ગયું એવી નિખાલસ કબૂલાત પણ કરી લીધી. સુશીલાબહેન સાથેના લગ્ન સમયે પણ કોટ – પેન્ટ તો મિત્રના જ ઉછીના લાવીને પહેરેલા એમ શ્રોતાઓ સમક્ષ કહી એ મિત્ર હરી આચાર્યને યાદ પણ કરી લીધા. અરધો કલાકના વક્તવ્યમાં બોરીસાગરે મિત્રો, ભણતર, કારકિર્દી, નોકરીઓ, સંઘર્ષો, જીવનમાં જોયેલી લીલી – સૂકી, સગાં – સંબંધીઓ, સાહિત્યિક પ્રવૃત્તિઓ, લેખન, પારિતોષિકો, સન્માન જેવાં કંઈક વિષયો આવરી લીધા. જો કે એ બધાથી ઉપર આજનું સન્માન સદાય યાદ રહેશે એમ પણ જણાવ્યું. મિત્રો – સગાં – સંબંધીઓને કોઇક મિષે મદદે આવ્યા હશે તો એ કામ નિયતિએ તેમની પાસે કરાવ્યું હશે એમ કહી જશ ખાટવાની વૃત્તિને તેઓ ક્યાયં છેટી મૂકી આવ્યા.

સુશીલાબહેન બોરીસાગરનું સન્માન
મોરારિબાપુએ પ્રવચનમાં ઘણી બધી વાતો ઉલ્લેખવા સાથે દાખલો આપ્યો કે પ્રતિષ્ઠાન તો પ્રમાણિક માણસનું જ શોભે. રતિલાલ નખશિખ પ્રમાણિક છે, સજ્જન છે એનું ઉદાહરણ આપતા કહ્યું કે આ માણસ તેને કોટ – પેન્ટ – કોટી સીવડાવી આપનારની ક્રેડિટ પણ ભૂલતો નથી એટલે તેને પ્રમાણિક ગણવો જ રહ્યો. તેમણે પ્રવચનનો પિરિઅડ પૂરેપૂરો લીધો – પીસ્તાલીસ મિનિટ. રતિલાલને શાલ, સુશીલાબહેન બોરીસાગરને તેમજ શિક્ષિકા બહેનોને સાડી અને નાનાભાઈ જેબલિયાને રામનામની કામળી આપી અંગત ધોરણે પણ સન્માન કર્યું.

સાવરકુંડલાના નગરજનો
શિક્ષણ – સાહિત્ય અને તેની વહીવટી શાખાઓમાં રતિલાલ બોરીસાગરની કામગીરીએ તેમને અઢળક મિત્રો આપ્યા અને તેઓ પાંચમાં પૂછાય – પૂછાતાં રહે એવા રાખ્યા છે. કદાચ એટલે જ વતન અને સ્કૂલ બન્ને છોડ્યાના 36 વર્ષ પછી યોજાયેલા સન્માન સમારંભમાં પણ રતિલાલ બોરીસાગરને વતનવાસીઓનો એટલો જ પ્રેમ મળ્યો જેટલો અગાઉ શિક્ષક તરીકે યોજાયેલા વિદાય સમારંભમાં મળ્યો હતો. 73 વર્ષના રતિલાલ 75ના થાય અને અમૃત મહોત્સવ ઉજવીએ એવા લાંબા વાયદા કરવાના બદલે તેમને સન્માનવાનો પહેલવહેલો વિચાર મુશાયરા સંચાલક અંકિત ત્રિવેદીએ આપ્યો એ સાથે જ પ્રવૃત્ત થયેલા સાવરકુંડલાની / Savarkundla, Amreli District સ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓએ આ ખાસ આયોજન માટે અને તે થકી લાંબા પટે કંઈક નક્કર કામ કરવાની ખેવના ધરાવતા પ્રતિષ્ઠાનની રચના કરી. નામ આપ્યું – વિદ્યાગુરુ શ્રી રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન.

જેમના નામે વ્યક્તિવિશેષ સન્માન થયું
પ્રતિષ્ઠાનના નેજા હેઠળ જ યોજાયેલા સન્માન સમારંભમાં રતિલાલ બોરીસાગર ઉપરાંત ત્રણ વ્યક્તિવિશેષોને પુરસ્કૃત કરાયા. નાનાભાઈ જેબલિયાને દર્શક સાહિત્ય સન્માન, આચાર્યા જ્યોતિબહેન સોમાણીને લલ્લુભાઈ શેઠ શિક્ષણ સન્માન અને દમયંતીબહેન ત્રિવેદીને પી. આર. સલોત શ્રેષ્ઠ યુવા શિક્ષક પારિતોષિક પૂર્વ શિક્ષક અને વર્તમાન રામકથાકાર મોરારિબાપુના હસ્તે અપાયા. ઉપરોક્ત ત્રણેય પુરસ્કાર દર વર્ષે સમિતિ શોધન પ્રક્રિયા થકી અપાશે. આ અવૉર્ડ જ્યારે પણ સાવરકુંડલાની ધરતી પરથી અપાય ત્યારે બોરીસાગર સાહેબનું સાંનિધ્ય મળતું રહે એવી ઇચ્છા તેમના પૂર્વ વિદ્યાર્થી અને પ્રતિષ્ઠાનના પ્રમુખ હરેશ મહેતાએ / Haresh Mehta કરી હતી. બોરીસાગરના પરમ મિત્ર વસંતભાઈ પરીખે રતિલાલની લાક્ષણિકતાઓ તેમના જીવન અને સાહિત્યમાંથી ખોળી – ખોળીને વર્ણવી હતી.
નાનાભાઈ જેબલિયાનું સન્માન

રજનીકુમાર પંડ્યા કહે...
રતિલાલ...રૂક જાવ...
આ પ્રસંગે પ્રતિષ્ઠાનના ટ્રસ્ટીઓએ બોરીસાગર સાથે સંકળાયેલા સમકાલીનો તેમજ કેટલાક સાહિત્યિક મિત્રોનું સન્માન પણ કર્યું હતું. આવું જ સન્માન પામેલા પત્રકાર-લેખક રજનીકુમાર પંડ્યાએ પ્રતિભાવમાં કહ્યું કે રતિભાઈ કોઇક કારણસર અમદાવાદ છોડી વતન પરત આવવા માગતા હતા ત્યારે મેં જ તેમને સમજાવીને અમદાવાદમાં રોકી લીધા. મારા એમ કરવાથી સાવરકુંડલાએ એક શિક્ષક ગુમાવ્યો છે પણ ગુજરાતને શિક્ષણ-સાહિત્યના ક્ષેત્રે એક મોટી ઉપલબ્ધિ થઈ છે એમ કહી રજનીકુમારે સન્માન સમારંભના આયોજન માટે સાવરકુંડલાના નગરવાસીઓને અભિનંદન આપ્યા. આ નિમિત્તે પત્રકાર – સંપાદક ભિખેશ ભટ્ટ / Bhikhesh Bhatt સંપાદિત પુસ્તક ‘અમારા બોરીસાગર સાહેબ’નું પ્રકાશન થયું. કાર્યક્રમ સ્થળે રતિલાલ બોરીસાગર સહિત અન્ય લેખકોના પુસ્તક વેચાણની વ્યવસ્થાને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો.

ભિખેશ ભટ્ટ સંપાદિત ‘અમારા બોરીસાગર સાહેબ’ પુસ્તકનું વિમોચન
કાર્યક્રમ માત્ર સાવરકુંડલાવાસીઓનો જ ન બની રહેતા અહીં બહારગામથી પણ રતિલાલના અનેક મિત્રો, સગાં, સંબંધીઓ, સાહિત્યકારો સન્માનના સાક્ષી બનવા ઉપસ્થિત રહ્યા હતા. કેટલાક પરિચિત નામો આ રહ્યા – લોકભારતીના પૂર્વ આચાર્ય મનસુખ સલ્લા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડૉ. મનોજ જોશી, વાર્તાકાર બહાદુરભાઈ વાંક, કવિ ચંદ્રકાંત શેઠ, અનિલ જોશી અને રાજેન્દ્ર શુક્લ, હાસ્યલેખક નિરંજન ત્રિવેદી, સ્ટેજ હાસ્યકારો શાહબુદ્દીન રાઠોડ અને જગદીશ ત્રિવેદી, બેન્કર અને લેખક પ્રદીપ ત્રિવેદી, ઇએનટી સર્જન ડૉ. નંદલાલ માનસેતા, વાર્તાકાર – લેખિકા કલ્પના જિતેન્દ્ર તેમજ ગૂર્જર પ્રકાશનના મનુભાઈ શાહ. બોરીસાગર છેલ્લે જ્યાંથી નિવૃત્ત થયા તે ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળના વર્તમાન પદાધિકારીઓ અહીં ઉપસ્થિત હતા તો રતિભાઈ નિવૃત્તિ પછી જેમાં પ્રવૃત્ત થયા તે ‘સદભાવના ફોરમ’ના ફાધર વિલિઅમ, સંજય ભાવસાર અને ગૌરાંગ દિવેટીઆ પણ તેમના સાથીદારના સન્માનના સાક્ષી બનવા અહીં ખાસ અમદાવાદથી આવ્યા હતા.

મારું માથું ખાંડણિયામાં છે.
જુઓ, આ રીતે.
તમે ઝિંકાય એટલું ઝીંકી લો...
સન્માન કાર્યક્રમનું સંચાલન પ્રણવ પંડ્યાએ પ્રાસાનુપ્રાસ શૈલીમાં કર્યું હતું તો અંતે રતિલાલના જ વિદ્યાર્થી રહી ચૂકેલા કલાકાર દંપતી અરવિંદ અને મીના બારોટે ડાયરાની વાતો દ્વારા ગીતો – ભજનોની રજૂઆત કરી હતી. આ બન્નેની વચ્ચે ભોજનની રજૂઆત બોરીસાગર દંપતી જ નહીં સમગ્ર કુટુંબ અમદાવાદના રતિલાલ પાર્કના 67 નંબરના મકાનમાં જેવું આતિથ્ય સૌનું કરે છે તેવી જ મજબૂત હતી.


(નોંધ : સન્માન સમારંભનો આ અહેવાલ વર્ષ 2011નો છે. સાહિત્ય – શિક્ષણ ક્ષેત્રે કામ કરતા લોકોને નવાજવાની – પોંખવાની પ્રતિષ્ઠાનની પરંપરાને જાળવી રાખતાં આવો જ એક કાર્યક્રમ સાવરકુંડલામાં 26 અને 27 જાન્યુઆરી 2014ના રોજ આયોજિત થયો છે. ઉપરોક્ત અહેવાલમાં જેમનો ઉલ્લેખ છે તે નાનાભાઈ જેબલિયા 26 નવેમ્બર 2013ના રોજ અવસાન પામ્યા છે તેની સખેદ નોંધ લઉં છું.)


(તસવીરો : બિનીત મોદી)

2 comments:

  1. સૌ મિત્રો,
    બ્લોગની 93મી પોસ્ટ (16 જાન્યુઆરી 2014)ના વાચન માટે આભારી છું.

    બિનીત મોદી (અમદાવાદ) / મંગળવાર, 25 માર્ચ 2014

    ReplyDelete
  2. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને પોણા ત્રણ વર્ષ પૂર્ણ થયા.
    93મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 16-01-2014 to 16-01-2015 – 310

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete