પ્રતિભાવો ઉર્ફે Comments

Tuesday, October 02, 2012

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (સપ્ટેમ્બર – 2012)



સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાનો વિચાર છે. આનો અમલ કરવાની કોઈ નિશ્ચિત તારીખ નથી તેમ આ ક્યાં સુધી ચાલુ રાખવું તે ય નિશ્ચિત નથી. હા, પ્રતિભાવ – કમેન્ટ્સ એ નક્કી કરવામાં ચોક્કસ મદદરૂપ થશે.
જુલાઈ – 2012ના સ્ટેટસ પ્રોફાઇલથી પ્રારંભ કર્યા પછી પ્રસ્તુત છે ઑગસ્ટ અને સપ્ટેમ્બર – 2012. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે. ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

(Saturday, 1 September 2012 at 03:10pm)
સમાજના સાવ સામાન્ય વર્ગમાંથી આવતા કરોડો ભારતીય રોકાણકારોના રૂપિયા બચતના નામે ઓળવીને તાલેવંત ક્રિકેટરોને કરોડોની ખેરાત કરતા સહારા ગ્રૂપના સુબ્રતો રોયને સર્વોચ્ચ અદાલતે સાણસામાં લીધો એ પછી તેને રૂપિયા પાછા વાળતા ચૂંક આવે છે અને વળી કરોડો રૂપિયા ખર્ચી બહાનાબાજીની જાહેરાતો પણ છપાવડાવે છે.
* * * * * * *
(Sunday, 2 September 2012 at 10:16pm)
ડમડમબાબા જ્યોતિષ (અન)લિમિટેડ...
લાભ’ ચોઘડિયાંમાં સ્ટેટસ અપલોડ કરવાથી ગણ્યા ગણાય નહીં એટલા ‘Like’ મળે છે.
* * * * * * *
(Monday, 3 September 2012 at 03:55pm)
ગાડી રોકાય અને આગળની સીટમાં બેઠેલો મદદનીશ કે ચોકિયાત ન્યાયાધીશથી લઈને નેતાની સરકારી કારનો દરવાજો ખોલે અને 'મહાનુભાવ'ના પગ જમીન પર ખોડાય, સ્ટાર હોટલના દરવાજે ઊભેલો દરવાન આગંતુક મહેમાનને જોઇને બારણું ઉઘાડે. માનવી માત્રનું ગૌરવ હણતી આવી સામંતશાહી પ્રથાઓનો અંત નહીં આવે ત્યાં સુધી ભારત કે આવી પ્રથા અમલમાં હોય એવા કોઈ પણ દેશનું ભાગ્ય ઉઘડે એવા અણસાર જણાતા નથી.
* * * * * * *
(Tuesday, 4 September 2012 at 07:35pm)
"સાહેબ ગાડી ચોરાયાની ફરિયાદ લખાવવાની છે."
"કઈ ગાડી હતી?...ક્યારે ચોરાઈ ગઈ?"
"નેનો કાર હતી. ગઈકાલે સાંજે ચોરાઈ ગઈ."
"બરાબર તપાસ કરો. ચોરાઈ નહીં હોય...તણાઈ ગઈ હશે. ગઈકાલે સાંજે અમદાવાદમાં સારો એવો વરસાદ હતો."
* * * * * * *
(Wednesday, 5 September 2012 at 07:50pm)
"આજે શિક્ષકદિનના દિવસની સાંજ પડી ગઈ હોવા છતાં મારા શિક્ષકો વિશે એક પણ સ્ટેટસ અપલોડ કરી શકું તેમ નથી."
"કેમ, એમણે તમને બરાબર ભણાવ્યા નથી કે શું?"
"ના રે ના. ભણાવ્યા તો છે જ. પણ પપ્પાની બેન્કની બદલીપાત્ર નોકરીને કારણે દર બે વર્ષે ઘર, ગામ, પાડોશીઓ, મિત્રો, સ્કૂલ અને શિક્ષક સુદ્ધાં બદલાઈ જતા હતા...."
".....એટલે અત્યારે હવે આળશ આવે છે કે કુલ બાર ધોરણ અને છ ગામ (જ્ઞાતિ ગોળની રીતે નહીં)ના શિક્ષકો સંબંધે છ પ્રોફાઇલ સ્ટેટસ ક્યાં મુકવા!?"
* * * * * * *
(Thursday, 6 September 2012 at 05:00pm)
ટેક્નૉલોજિ ક્ષેત્રે ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
દુનિયાના દરેક લેપટોપ કમ્પ્યૂટર ભગવાનમાં આસ્થા રાખે છે........કારણ કે તેમાં પહેલેથી 'રામ(RAM - Random Access Memory) વસ્યા હોય છે.
* * * * * * *
(Friday, 7 September 2012 at 04:45pm)
ડમડમબાબાનું ફિલ્મ કલાકારોને તદ્દન 'બીનફીલ્મી' નિવેદન.....
પ્રિય જેકી શ્રોફ અને ગોવિંદાસાંધાનો દુખાવો દુર કરવાનો દાવો કરતી 'સંધી સુધા' જેવી ભળતી-સળતી દવાઓની મોડી રાત્રે આવતી ટી.વી. કમર્શિઅલમાં તમે બન્ને ઊભા ઊભા કોમેન્ટ્રી ના આપશો તેવી આપને ખાસ વિનંતી કરવાની. નહિ તો એ દવાની જરૂર તમનેય નજીકના ભવિષ્યમાં પડશે. આભાર.
* * * * * * *
(Saturday, 8 September 2012 at 02:55pm)
"ભાઈ, ગોડાઉન ભાડે જોઈએ છે."….."માલ શું રાખવાના છો?"
"માવાના બોક્સ."..."તે એના માટે તો કોલ્ડ સ્ટોરેજ ભાડે રાખવો પડે. ગોડાઉનમાં તો માવો બગડી જાય."
"અરે ભાઈ; મીઠાઈ વાળો માવો નહીં, 'માવા'ના પેકેટ સંગ્રહી રાખવા છે. બે દિવસ પછી ગુટખા પર પ્રતિબંધ આવે છે ને..."
* * * * * * *
(Sunday, 9 September 2012 at 09:09pm)
અધ્યાત્મ અને તબીબી ક્ષેત્રને એકમેક સાથે સાંકળતું ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
‘Self Meditation’ આત્માનું કલ્યાણ કરે કે નહીં તે અનિશ્ચિત છે, પરંતુ ‘Self Medication’ આત્માને પરમાત્મા પાસે લઈ જાય તે નિશ્ચિત છે.
* * * * * * *
(Monday, 10 September 2012 at 02:15pm)
મારું ગુજરાત.....નંબર વન ગુજરાત.....અવ્વલ અમદાવાદ…..
પૂરા અમદાવાદમાં ટ્રાફિક વચ્ચે ભલે પેટ્રોલ ડિઝલ કે સી.એન.જીની વાસ આવેશહેરનો એક વિસ્તાર એવો છે કે ત્યાંથી પસાર થાવ તો આ બધી વાસની ઉપર એક સુવાસ હાવી થઈ જાય છે. હા, એ વિસ્તાર માધવપુરા માર્કેટ તરીકે ઓળખાય છે જ્યાં ગરમ મસાલાસુકો મેવો અને તેજાના વેચાય છે.
* * * * * * *
(Tuesday, 11 September 2012 at 08:50pm)
ડમડમબાબાની કવિતા : કવિતામાં ડુગડુગી
મતદારોએ આંગળી પર શાહીનું કાળું ટપકું મુકાવ્યું હતું.....
કોલસાના કૌભાંડે સરકારનું આખું ચરિતર કાળું કરી મુક્યું.....
* * * * * * *
(Wednesday, 12 September 2012 at 08:30pm)
"એક ગોવા આપો"….."આખી કે અડધી?"
"અરે યાર, ટિકિટ નથી જોઇતી. પડીકી જોઇએ છે."
"તે હું ય પડીકીનું જ પૂછું છું. આખી કે અડધી?.....અત્યારે માલ દાણચોરીથી આવે છે એટલે જરૂર મુજબ જ મળશે."
* * * * * * *
આદેશ પાલ : પરમિટ મેરે પાસ
કુલપતિ, ગુજરાત યુનિવર્સિટી
(Thursday, 13 September 2012 at 02:10pm)
ડમડમબાબાનો ગરબો : ગરબાનો ગણગણાટ
છેલાજી રે...મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો.....
છેલાજી રે...મારી હાટુ પાટણથી પરમિટવાળો કુલપતિ લાવજો.....
* * * * * * *
(Friday, 14 September 2012 at 02:20pm)
ડમડમબાબા ડાયટ સેન્ટર
'અમારે ત્યાં રેગ્યુલર અને ડાયટ ખાખરા મસાલેદાર સ્વાદમાં રોજે રોજ તાજા મળશે.'
નોંધ: 'મસાલેદાર' શબ્દનો ભળતો-સળતો અર્થ કરીને ગુટકાના ખાખરા માગવા નહીં.
* * * * * * *
(Saturday, 15 September 2012 at 11:00am)
"એક ઓક્સિજન સિલિન્ડર આપો."
"તમે તો સાજા-નરવા લાગો છો. પછી ઓક્સિજનના બાટલાનું શું કામ છે?"
"અરે ભાઈ (અથવા બહેન), આ વર્ષનો છ એલ.પી.જી સિલિન્ડર (રાંધણ ગેસ)નો ક્વોટા પૂરો થઈ ગયો છે. હવે બાકીના મહિના ઓક્સિજન લઇને જીવવાનું નક્કી કર્યું છે."
* * * * * * *
પૂતળું કિમતી છે કે માણસ?
(Sunday, 16 September 2012 at 01:11pm)
ઓટોમોબાઇલ ક્ષેત્રે ડમડમબાબાનું ક્રાંતિકારી સામાજિક સંશોધન
ડ્રાઇવરની જિંદગીની કદાચ કોઈ કિંમત નથી.....
.....એટલે જ અકસ્માત સમયે થનારી સંભવિત ઇજા સામે રક્ષણ આપતી એરબેગ્સ....
....મોંઘીદાટ કારમાં હોય છે અને માલવાહક ટ્રકમાં નથી હોતી.
* * * * * * *
(Monday, 17 September 2012 at 12:37pm)
બ્લડ રિપોર્ટ બતાવે છે કે તમારું હીમોગ્લોબિન સાવ ઓછું થઈ ગયું છે. પૂરતો ખોરાક નથી લેતા કે શું?”
ડૉક્ટર સાહેબઆ ગયા મહિના સુધી બરાબર પેટ ભરીને ખાતો હતો. હમણાંથી ઓછું થઈ ગયું.”…..“કેમ?”
સરકારે વર્ષના છ સિલિન્ડર બાંધી આપ્યા છે તે ચાલુ વર્ષના પૂરા થઈ ગયા. ચૂલો ફૂંકીને ખાવાનું બનાવીએ છે તે પૂરતું પડતું નથી.
* * * * * * *
કુકીઝ અને કમ્પ્યૂટર
(Tuesday, 18 September 2012 at 03:30pm)
"શું કરો છો?"
"કુકીઝ ક્લિઅર કરું છું."..."શેમાંથી? ડેસ્કટોપમાંથી કે લેપટોપમાંથી?"
"એકેયમાંથી નહીં. ઘરેથી આપેલા નાસ્તાના ડબ્બામાંથી."
* * * * * * *
(Wednesday, 19 September 2012 at 10:30am)
કેશ રિઝર્વ રેશિયો ઘટાડ્યા પછી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર ડૉ. મનમોહન સિંહના વડાપ્રધાનપદ હેઠળની કેન્દ્ર સરકાર અત્યારે ખરેખર રિઝર્વમાં ચાલી રહી છે.
* * * * * * *
સપોર્ટના પોસ્ટર છપાવવાના...
...અને
ટેકો પાછો ખેંચવાનો...
(Thursday, 20 September 2012 at 01:31pm)
ડમડમબાબાનું ચોંકાવનારું રાજકીય અવલોકન…..
આ અઠવાડિયે બે વ્યક્તિઓએ બે વ્યક્તિઓને આપેલો ટેકો પાછો ખેંચ્યો.....
સત્તા ટકાવી રાખવા મથતા ડૉ. મનમોહન સિંહને આપેલો ટેકો મમતા બેનરજીએ પાછો ખેંચ્યો.....અને.....
સત્તા મેળવવા માંગતા અરવિંદ કેજરીવાલને આપેલો ટેકો અણ્ણા હજારેએ પાછો ખેંચ્યો.....
* * * * * * *
(Friday, 21 September 2012 at 02:10pm)
"100 ટકા સફળ રહ્યો હોં...""શું? ગઈકાલનો બંધ?"
"ના યાર, ગુટકા પરનો પ્રતિબંધ....."..."ગઈકાલે 'ભારત બંધ'નું એલાન હતું અને પાન-મસાલાના લારી-ગલ્લા બંધ હતા એટલે 11મી સપ્ટેમ્બરે ગુટકા પર પ્રતિબંધ મુકાયાના દસ જ દિવસમાં 100 ટકા સફળતા મળી ગઈ એવો પ્રચાર થાય તો વાંધો નથી."
મારું ગુજરાત...નંબર વન ગુજરાત.....
* * * * * * *
(Saturday, 22 September 2012 at 12:20pm)
ગામે ગામ બિઝનેસ મેનેજમેન્ટ ભણાવતી કૉલેજોની રૂપિયા રળી આપતી હાટડીઓ ખોલી નાખ્યા પછી જે હાલત MBAની ડિગ્રીની થઈ તેવા જ ખસ્તા હાલ CEOના હોદ્દાના થયા છે. ટેબલ સ્પેસ ઓફિસ ખોલીને જોબ વર્ક ઉઘરાવતા જાદુગરો પણ પોતાની જાતને વિઝિટિંગ કાર્ડમાં CEO તરીકે ઓળખાવે છે.
* * * * * * *
(Sunday, 23 September, 2012 at 02:16pm)
ભણી-ગણીને શિક્ષક બનો તો શાળાનો ઘંટ નિવૃત્ત થતાં સુધી સાંભળવા મળે. ભારતમાં જ માસ્તરની બીજી એક નોકરી એવી છે કે એમાંય રિટાયર થતાં સુધી ઘંટ સાંભળવા મળે.
કઈ?”...“રેલવેના સ્ટેશન માસ્તરની.
* * * * * * *
મને બુકે નહીં બાટલી અને બોટલ ઓપનર આપો...
(Monday, 24 September 2012 at 03:03pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
મોટેભાગે બેન્કો અને સરકારી ઓફિસોમાં કર્મચારીઓ વચ્ચે ટી ક્લબની પ્રથા હોય છે. દિવસના ઓફિસ સમય દરમિયાન ખુદના માટે એક કે તેથી વધુ વખત અને મહેમાનો માટે આ સુવિધાનો લાભ લેનાર કર્મચારીએ મહિનાના અંતે થતા હિસાબમાં પોતાના ફાળે આવતી રકમ ટી ક્લબનો વહીવટ કરનારને આપવાની રહે.
ગુજરાત યુનિવર્સિટીમાં પણ કર્મચારીઓ વચ્ચે આવી ક્લબ ચાલતી જ હશે. પરંતુ કુલપતિ આદેશ પાલ તેમાં નહીં જોડાયા હોય તેની ખાતરી છે. કારણ કે તેમની પાસે તો પરમિટ છે.
* * * * * * *
(Tuesday, 25 September 2012 at 02:35pm)
મારું ગુજરાત...નંબર વન ગુજરાત.....અવ્વલ અમદાવાદ.....
છાપું વાંચતા દરેકને ખબર છે 'ડી ગેંગ'નો ઉલ્લેખ એટલે દાઉદ ઇબ્રાહીમની વાત.....
.....અમદાવાદમાં આ નામનો વિસ્તાર છે.....'ડી કેબિન' સાબરમતી.....
* * * * * * *
રૂપિયા ઉગાડતું કુંડુ
(Tuesday, 25 September 2012 at 03:50pm)
'પૈસા ઝાડ પર નથી ઉગતા' – ડૉ. મનમોહન સિંહ (ભારતના વડાપ્રધાન)
'અમે ઝાડુ ફેરવીને શક્ય તેટલા વધુ રૂપિયા ઉસેટ્યા છે' – સુરેશ કલમાડીકનિમોઝીએ. રાજા, દયાનિધિ મારન, સુબોધકાન્ત સહાય. (પ્રથમ બે સિવાયના મનમોહનના મંત્રીઓ)
* * * * * * *
(Tuesday, 25 September 2012 at 04:20pm)
'આવતા વર્ષથી મોબાઇલ રોમિંગ ચાર્જીસ નહિ લાગે' – ટેલિકોમ મંત્રાલય, ભારત સરકાર
'રોમ' (ઇટાલી)નું શાસન હોય અને 'રોમિંગ' ફ્રી થાય એમાં શું કરી નવાઈ.....ડમડમ સરકાર...
2G કૌભાંડ ના કર્યું હોત તો 'રોમિંગ ચાર્જ' ક્યારેય ઉઘરાવવા જ ના પડતા.....ડમડમબાબા...
* * * * * * *
(Wednesday, 26 September 2012 at 01:30pm & 10:40pm)
ભારતના વડાપ્રધાનપદે આઠ (8) વર્ષ પૂરા કરનાર ડૉ. મનમોહન સિંહ આજે આયુષ્યના એંસી (80) વર્ષ પૂરા કરી રહ્યા છે. અમદાવાદ સાથે સંકળાયેલી અને તેમનો સીધો ઉલ્લેખ પામતી બે બ્લોગ પોસ્ટ હરતાંફરતાંપર વાંચો અને વડાપ્રધાનને અભિનંદન આપો.
તા.ક. સાંપ્રત પરિસ્થિતિ આપને એમ કરતા જરૂર રોકશે. તો ય સરદારજીને શુભેચ્છા આપો જન્મદિવસ છે ને યારોં.....આપણે મન મોટું રાખવું.
ડૉ. મનમોહન સિંહ : આજે વડાપ્રધાનપદના 3000 દિવસ
વડાપ્રધાન પદ પામવાની અમદાવાદી ફોર્મ્યૂલા
* * * * * * *
(Thursday, 27 September 2012 at 04:55pm)
ચિંતન અને ફોટોગ્રાફીને એકમેક સાથે સાંકળતું ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
પૉઝિટિવ થિંકિંગનો વાયરો એવો વાયો કે.....
.....નેગેટિવ વપરાતી બંધ થઈ ગઈ.....
* * * * * * *
(Friday, 28 September 2012 at 01:40pm)
સામાજિક ક્ષેત્રે ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
દુનિયાની એક પણ ફોઈએ પાડ્યું નથી.....તો ય.....
.....સરકારી, અર્ધ-સરકારી કે 'ધોરણ' વગરની ધોરણસરની ઓફિસમાં ફોનની વાતચીતના અંતે પૂછશો...કે..."કોણ બોલો છો?" તો સાંભળવા મળશે..."ઓપરેટર."
* * * * * * *
(Saturday, 29 September 2012 at 02:10pm)
ડાયરીમાં નામ લખવાની ઓછી સાંકડી જગ્યા જોઇને કાયમ પ્રશ્ન થાય છે કે.....
.....દક્ષિણ ભારતીય લોકો તેમના લાંબા નામ શી રીતે લખતા હશે.....
.....અરે પૂરું નામ લખી શકીએ એવી જગ્યા તો ક્યારેય હોતી જ નથી.....
* * * * * * *
(Sunday, 30 September 2012 at 01:35pm)
ડમડમબાબાની ચોક્સાઈભરી હકીકત અને ચોંકાવનારો સવાલ.....
એક જમાનામાં રેલવે એન્જિનમાં વપરાતો કોલસો વરાળરૂપી શક્તિ ઉત્પન્ન કરતો હતો.
આ જમાનાનું કોલસા કૌભાંડ વિરોધપક્ષના એન્જિનમાં શક્તિ ઉત્પન્ન કરશે કે પછી જે છે તે સત્તા પણ વરાળ બનીને ઉડી જશે?

ગયા મહિને અહીં મુકેલી ઑગસ્ટ – 2012ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લીંક આ રહી – http://binitmodi.blogspot.in/2012/09/2012.html

(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

4 comments:

  1. Fr Varghese Paul (Ahmedabad)6 October 2012 at 02:11

    DEAR BINIT,
    I visited your Blog and enjoyed a few jokes like one of Nano getting drowned and not robbed.

    Fr Varghese Paul (Ahmedabad)

    ReplyDelete
  2. સૌ મિત્રો,
    બ્લોગની ચોત્રીસમી પોસ્ટ (2 ઓક્ટોબર 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.
    'ફેસબુક ફંડા'ની આ પાંચમી પોસ્ટ પછી લેખિતની સાથે કેટલાક મૌખિક પ્રતિભાવ પણ મળ્યા છે. સ્ટેટસ પ્રોફાઇલ્સ લખવા જેટલી જ મઝા તેના ફોટા શોધતા આવે છે. વાંચનારને એ પસંદ છે કે કેમ એ જાણવું ગમશે.

    બિનીત મોદી (અમદાવાદ) / રવિવાર, 21 ઓક્ટોબર 2012

    ReplyDelete
  3. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને દોઢ વર્ષ પૂર્ણ થયું.
    34મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 02-10-2012 to 02-10-2013 – 400

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  4. પ્રિય મિત્રો,
    34મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 02-10-2013 to 02-10-2014 – 40

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete