રાસબિહારી
દેસાઈ : 23-06-1935થી 06-10-2012
તસવીર : સંજય વૈદ્ય
|
મથાળે લખ્યું છે એ વાક્ય બોલનાર રાસબિહારીભાઈ સિવિલ
એન્જિનિયર કે નર્મદા – સરદાર સરોવર યોજના સાથે સંકળાયેલા કોઈ કર્મચારી હતા એવો
પ્રશ્ન થાય તો તેનો એકાક્ષરી જવાબ છે ‘ના’. આવા એકાક્ષરી તો નહીં પરંતુ નાના-નાના સવાલો કે જેમાં તેમના અંગત ગમા-અણગમા છતાં
થાય તેવા ટૂંકાક્ષરી જવાબો હું તેમની પાસેથી મેળવી રહ્યો હતો. ‘આરપાર’ સાપ્તાહિકની / Aarpar Weekly Magazine
/ www.aarpar.com ‘દિલ સે’ કોલમમાં તે પ્રકટ કરવાના હતા.
મુલાકાતનો સમય નક્કી કરવા ફોન કર્યો તો કહે, “હું એકલો ઇન્ટરવ્યૂ નહીં આપું. મને અને વિભાને તમે એમ જુદા
નહીં કરી શકો. આપ મળવા આવો, જવાબો એકમેકની સંમતિથી જ
આપીશું.” મારે કબૂલ-મંજૂર રાખ્યા
સિવાય બીજો કોઈ વિકલ્પ જ ક્યાં હતો? તેમની સાથે અંગત કોઈ પરિચય
જ નહોતો ત્યારે તેમણે મારી પણ એક માગણી કબૂલ-મંજૂર રાખી હતી. શી હતી એ માગણી?
ગુજરાતની જીવાદોરી ગણાતી આવેલી નર્મદા યોજના સામે અનેક પ્રકારના અવરોધો હતા
ત્યારે વિભાબહેન – રાસબિહારીભાઈએ / Rasbihari Desai આપણી ભાષાની પ્રાકૃત રચના ‘નર્મદાષ્ટકમ્’ની સ્વરરચના કરી તેને પોતાનો સ્વર
આપ્યો હતો. બેશક આ કામ તેમણે ગુજરાત સરકારની ઇચ્છા અને નર્મદા યોજનાને પરિપૂર્ણ
કરવા માટે રચાયેલા સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના તત્કાલીન અધ્યક્ષ એવા
ગુજરાતના પૂર્વ નાણામંત્રી સનતભાઈ મહેતાની / Sanat Mehta અંગત વિનંતીને માન આપીને કર્યું હતું. નર્મદા યોજના સામે થતા અપપ્રચાર વિરૂદ્ધ
એકાધિક મોરચે લડી રહેલી ગુજરાત સરકારને કાને આ મુદ્દે લોકજાગૃતિ કેળવાય તે હેતુથી કોઇકે
આ વાત મૂકી હશે તે દેસાઈ દંપતીએ ખાસ મુંબઈ જઈને તેનું રેકોર્ડિંગ કર્યું હતું. આ
પાયાનું કામ પૂરું થયું એટલે ગુજરાત સરકારનું માહિતી ખાતુ / Information Department – Government of Gujarat / www.gujaratinformation.net હરકતમાં આવ્યું. સરકારનો નાનો-મોટો કોઈ પણ કાર્યક્રમ હોય, ‘નર્મદાષ્ટકમ્’ની કેસેટ પબ્લિક એડ્રેસ સિસ્ટમ
પરથી પ્રસારિત થાય. એ સમયગાળામાં (1990 – 1995) એ શિરસ્તો જ પડી ગયેલો. એમ કરવાથી
કેટલી લોકજાગૃતિ આવી તેની ટકાવારી થોડી હોય? હા, એટલું ખરું કે વિભાબહેન – રાસબિહારીભાઈનો સ્વર નવી પેઢીના અનેક લોકો સુધી
પહોંચ્યો.
એમાંનો એક તે હું. ક્યારેક રેડિયો (આકાશવાણી) / All India Radio / www.allindiaradio.gov.in પર સવારની સભામાં સાંભળવા મળતી ‘નર્મદાષ્ટકમ્’ની રચના ક્રમશઃ પ્રસારિત થતી બંધ
થઈ. વારંવાર સાંભળવી ગમે તેવી આ રચના એ કંઈ કમર્શિયલ રેકોર્ડિંગ તો હતું નહીં કે
બજારમાં તેની કેસેટ વેચાતી મળે. એટલે રાસભાઈ (સ્વજનો-મિત્રોમાં આ નામે જ જાણીતા)ના
ઘરનો ફોન નંબર શોધી તેમને કેસેટ મેળવી આપવા અને તેની નકલ કરી શકું તેટલા સમય માટે
ઉપલબ્ધ કરાવી આપવા વિનંતી કરી. જવાબમાં તેમણે ઘરનું સરનામું લખાવ્યું અને કહ્યું
કે બે દિવસ પછી ફોન કરી ઘરે આવજો. ગમતું ગીત – સંગીત વારંવાર સાંભળવાનું મન થતું
હોય તો તેની કોપી કરી લેવી જોઇએ એવા સામાન્ય ખ્યાલ સાથે હું એક બ્લેન્ક કેસેટ સાથે
રાખી તેમના ઘરે પહોંચ્યો. મનમાં એવો ખ્યાલ હતો કે થોડી વાતચીત કરી કોરી કેસેટ
આપીને નીકળી જઇશ. તેઓ કહેશે ત્યારે કોપી લેવા ફરી પાછો પહોંચી જઇશ. આવી કંઈક
ગડમથલમાં હતો ને તેમણે એક નવીનક્કોર કેસેટ મારા હાથમાં મૂકી. કવર પર તેમના
હસ્તાક્ષરમાં લખ્યું હતું ‘નર્મદાષ્ટકમ્ – વિભા અને રાસબિહારી દેસાઈ’. મેં કોરી કેસેટ આપવાનો વિવેક (અથવા ગુસ્તાખી) ચાલુ રાખ્યો
તો કહે તમે કોઈ બીજાને કોપી કરી સાંભળવા આપજો. એ સમયે બજારમાં નવા-સવા આવેલા ડબલડેક
વાળા કેસેટ પ્લેયર-કમ-રેકોર્ડરનો ઉપયોગ કરી તેમણે મારા માટે કેસેટ તૈયાર રાખી હતી.
‘દિલ સે’ની પ્રશ્નોત્તરી સમયે ઉપરોક્ત
પ્રસંગ – અનુભવ સ્વાભાવિકપણે જ યાદ કર્યો તો કહે કે કેસેટનો જમાનો હવે વીતી ગયો
છે. નવી ટેક્નૉલૉજી પ્રમાણે ‘નર્મદાષ્ટકમ્’ની સીડી તૈયાર કરવી હોય તો સોર્સ
રેકોર્ડિંગ જોઇએ. મેં રજૂઆત કરી છે પણ સરકારો બદલાઈ ગઈ એટલે નવા સત્તાધીશો તેના
માટે કાગળ-પત્ર લખવા જેટલી પણ તૈયારી બતાવતા નથી. ખેર! ભાવિ પેઢી આપને કઈ રીતે યાદ કરે તો ગમે એવા મારા સવાલનો જવાબ સ્વાભાવિક જ ‘ગાયક-સંગીતકાર તરીકે’ એવો હોય એટલે થોડું અટકીને બોલ્યા ‘નર્મદા યોજનાના પાયામાં એક ઈંટ
અમારી પણ હતી એમ ગણજો.’
વ્યવસાયે અમદાવાદની ભવન્સ કૉલેજમાં ફિઝિક્સ / Physics (ભૌતિકશાસ્ત્ર)ના પ્રાધ્યાપક
રાસબિહારી રમણલાલ દેસાઈનો હું વિદ્યાર્થી નહોતો. પાડોશી-કમ-હમવતની મિત્ર પ્રધ્યુમન
ગાંધીની સાથે સંકળાયેલા તમામ મિત્રો ભવન્સ સાયન્સ કૉલેજમાં ભણતા એટલે મારા પણ
ત્યાં આંટાફેરા રહેતા. ભવન્સનું બીજું આકર્ષણ એ રહેતું કે હું જ્યાં ભણતો તે
એલ.જે. કોમર્સ કૉલેજની સરખામણીએ તેની લાઇબ્રેરી સમૃદ્ધ હતી અને તેના લાઇબ્રેરિયન ગીરાબહેન શાહ પરિચિત-સંબંધી હતા એટલે
ત્યાં હું વારંવાર જતો. પ્રોફેસર રાસબિહારી દેસાઈને કૉલેજ લોબીમાં પસાર થઈ
ક્લાસરૂમમાં જતા જોતો કે પછી યુવક મહોત્સવ સમયે વિદ્યાર્થીઓને રિહર્સલ કરાવતા
જોતો.
ઉર્વીશ કોઠારી થકી દિલીપકાકા (સ્વર્ગસ્થ ગાયક દિલીપ
ધોળકિયા)ના પરિચયમાં આવવાનું થયું અને ત્યાર બાદ તેમના પાડોશી હોવાના નાતે રાસભાઈ –
વિભાબહેનના પરિચયમાં વધુ એક ઓળખાણનો ઉમેરો થયો. જો કે ઓળખાણનું વધુ એક પડ
ઉમેરાવાનું બાકી હતું તેનો મને જરા સરખો અંદાજ નહોતો. એ દિવસ પણ આવી ગયો. ગણેશ
સ્થાપનના પ્રથમ દિવસે રાસભાઈ-વિભાબહેન ધ્રુમનમાસી-દિલીપકાકાના આમંત્રણને માન આપી
અચૂક ઉપસ્થિત હોય. પાંચેક વર્ષ અગાઉ એવા જ એક દિવસે ગણેશ સ્થાપન અને ભોજનપ્રસાદ
લીધા પછી ખૂબ જ વરસાદ પડ્યો. નોકરીએ જવાનો સમય થઈ ગયો હતો અને ઓફિસ બેગ લેવા માટે
પણ ઘરે તો પલળતા જ જવું પડે એવી પરિસ્થિતિ હતી. મારી મુશ્કેલી પામી ગયેલા રાસભાઈ
કહે, “ચાલો અમારી સાથે. વિભા તમને કારમાં
ઓફિસે મુકી દેશે.” વિવેક ખાતર પણ મેં આનાકાની કરી નહીં. દિલીપકાકાના ઘરેથી નીકળી ચોથા જ મકાને
ગાડી ઊભી રખાવી હું ઝડપભેર ઘરમાંથી મારી બેગ લઈ પાછો તેમની કારમાં બેસી ગયો. થોડાક
આગળ વધ્યા હોઇશું ને રાસભાઈએ સવાલ કર્યો, “આ તમારું ઘર હતું.” મારો એકાક્ષરી જવાબ “હા”. “તો અમે તમારા ઘરે આવી ગયા છીએ.” થોડું અટકીને મને પૂછ્યું, “ટેક્સાસ – અમેરિકા રહેતા ઉદયન અને નીલા તમારા શું થાય?”…“ફોઈના દીકરા, ભાઈ-ભાભી.” તેઓ ફરી બોલ્યા, “હં, અમે તમારા ઘરે આવી ગયા છીએ. નીલાબહેનને મુકવા આવ્યા હતા.” વધુ વિગતે વાત કરતા ખબર પડી કે અમેરિકા
રહેતા અને સંગીત – ગાયકી ક્ષેત્રે ઠીક-ઠીક નામના કમાયેલા મારા ફોઈના દીકરા ઉદયનભાઈ
સાથે તેમણે કાર્યક્રમો પણ આપ્યા છે અને એમના મહેમાન પણ બન્યા છે.
મહેમાન બનતા કે કાર્યક્રમ સ્થળે પહોંચતા રાસબિહારી દેસાઈ
‘રાસભાઈ આવી ગયા છે’ એમ કહી પોતાની ઉપસ્થિતિની
જાણ યજમાન – આયોજકોને કરતા. સ્વરના આરાધક 6 ઓક્ટોબર 2012ની બપોરે ઇશ્વર નજીક પહોંચી ચોક્કસ બોલ્યા હશે, “રાસભાઈ આવી ગયા છે.”
ગુજરાત કોલેજમાં મારા શિક્ષક.
ReplyDelete૨૦૧૧માં અમદાવાદમાં સમન્વય કાર્યક્રમમાં સાથે ચા પીધી હતી.
એમનો ટૂંક પરિચય ...
http://sureshbjani.wordpress.com/2011/06/27/rasbihari-desai/
brilliant .off beat.i hope guj. govt.revive narmadkashtam .you brought out new dimension of his contribution and down ti earth approach.thank you
ReplyDeleteબિનિતભાઈ,તમારા રાસબિહારી દેસાઈ સાથેના સ્મરણોમાંથી પસાર થવું ગમ્યું. એક અલગ જ અંદાજમાં તમે અંગતતાના સ્પર્શ સાથે જ્યારે પણ આવી સ્મૃતિઓ વહેંચો છો, ત્યારે સાક્ષીભાવ ઓગળી જતો હોય એવું લાગે છે.
ReplyDeleteIndeed a nice story having a different dimension of Shri Rasbhai. Thank you.
ReplyDeleteSharad Pandya (FACEBOOK Response to Shekhar Sen Status)
સૌ મિત્રો,
ReplyDeleteબ્લોગની છત્રીસમી પોસ્ટ (12 ઓક્ટોબર 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.
બિનીત મોદી (અમદાવાદ) / શુક્રવાર, 15 માર્ચ 2013
सादर नमन रासजी की मधुर स्मृतियों को.
ReplyDeleteशेखर सेन (रंगभूमि कलाकार, मुंबई)
(Response through FACEBOOK, 23 June 2013 : BLOG Post Re-shared on 23 June 2013, Rasbihari Desai's 79th Birthday)
Listening to him was always a treat to your soul. A great person.
ReplyDeleteRamesh K. Sama (Gandhinagar, Gujarat)
(Response through FACEBOOK, 23 June 2013 : BLOG Post Re-shared on 23 June 2013, Rasbihari Desai's 79th Birthday)
‘નર્મદાષ્ટકમ્’ સીડી સ્વરૂપે ક્યાંય મળે છે ખરું? રાસભાઈને રૂ-બ-રૂ મળ્યા જેવો લેખ.
ReplyDeleteશ્વેતા ઉપાધ્યાય દવે (જામનગર, ગુજરાત)
(Response through FACEBOOK, 23 June 2013 : BLOG Post Re-shared on 23 June 2013, Rasbihari Desai's 79th Birthday)
તેમનું ફોનમાં બોલાતું ‘હરિ હી ઓમ’ વિસરાતુ નથી.
ReplyDeleteચંદ્રશેખર વૈદ્ય (અમદાવાદ, ગુજરાત)
(Response through FACEBOOK, 23 June 2013 : BLOG Post Re-shared on 23 June 2013, Rasbihari Desai's 79th Birthday)
સરસ માહિતી જે દરેક ગુજરાતીએ જાણવી જ જોઇએ. આવી એક એક ઈંટનું તો ગુજરાત પણ રૂણી જ હશે.
ReplyDeleteરશ્મી જાગીરદાર (અમદાવાદ)
(Response through FACEBOOK, 22 July 2013 : BLOG Post Re-shared on 21 July 2013, Yester Eve of GuruPoornima)
80ના દાયકામાં શ્રી રાસબિહારીભાઈ - વિભાવરીબેનને વિજયનગર (નારણપુરા)થી સ્કૂટર પર જતા ઘણીવાર જોયા હતાં.
ReplyDeleteમીલન સિંધવ (પૂર્વે અમદાવાદના રહીશ, હાલમાં ગાંધીનગર, ગુજરાત)
(Response through FACEBOOK, 6 October 2013 : BLOG Post Re-shared on First Death Anniversary of Late Rasbihari Desai)
આપણા હૃદયમાં તેઓ હંમેશાં જીવંત રહેશે. હરિ ઓમ.
ReplyDeleteનવનીત શ્રીમાળી (ભજનિક, ગાયક / અમદાવાદ, ગુજરાત)
(Response through FACEBOOK, 6 October 2013 : BLOG Post Re-shared on First Death Anniversary of Late Rasbihari Desai)
I studied Physics from him and I must admit though Physics was not one of my favourite subject; I never bunked his class because I Love him as a Singer, as a Teacher and as a Human being. GOD Bless his Soul.
ReplyDeleteBhargav Trivedi
(Response through FACEBOOK, 7 October 2013 : BLOG Post Re-shared on First Death Anniversary of Late Rasbihari Desai)
પ્રિય મિત્રો,
ReplyDeleteબ્લોગ ‘હરતાંફરતાં’ને દોઢ વર્ષ પૂર્ણ થયું.
36મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 12-10-2012 to 12-10-2013 – 700
બિનીત મોદી (અમદાવાદ)
પ્રિય મિત્રો,
ReplyDelete36મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 12-10-2013 to 12-10-2014 – 280
બિનીત મોદી (અમદાવાદ)
સૌ મિત્રો,
ReplyDeleteબ્લોગ પ્રારંભના 1000મા દિવસ (20 નવેમ્બર 2014) અને 112 પોસ્ટના મુકામ પર આ નવમી પોસ્ટ છે જેણે વાચક સંખ્યાનો 1000નો પડાવ પાર કર્યો છે.
બિનીત મોદી (અમદાવાદ) / ગુરૂવાર, 20 નવેમ્બર 2014