પ્રતિભાવો ઉર્ફે Comments

Saturday, May 04, 2013

મારી દલિત ચેતના


આયખું વીતે પણ સાવરણો ન છૂટે

દલિત સમસ્યાઓ કે દલિતોના પ્રશ્નો / Dalit Issues થોડા ઘણા પણ સમજ્યો છું એવો દાવો તો ઠીક, સીધું – સાદું એવા મતલબનું એક સ્ટેટમેન્ટ પણ હું ફટકારી શકું તેમ નથી. તેમ છતાં આ સમસ્યા સાથેનો મારો નાતો કંઈક આવો છે. જ્યાં જન્મ્યો તે ગોધરા / Godhra ગામ તો મમ્મી – પપ્પાની સાથે એક વર્ષની ઉંમરે છોડ્યું તે પછી આજ ચાલીસનો થયો છતાં વતનમાં કદી સળંગ પંદર દિવસ – પખવાડિયું રહેવાનું થયું નથી. સ્કૂલ – કૉલેજના વર્ષો સુધી વારે-તહેવારે – સારા-માઠા પ્રસંગે કે વેકેશનમાં આવવા – જવાનું થાય તે પણ વધુમાં વધુ અઠવાડિયું. એવા જ કોઈ વસવાટ દરમિયાન નવ – દસ વર્ષની ઉંમરે ગોધરામાં હરતાં – ફરતાં નગરપાલિકાના સફાઈ કામદારને / Sweeper ગામની શેરીઓની પછીતે જઈ નીચા વળી વળીને ડબા ખેંચતો જોયો. થોડે દૂર ઉભી રાખેલી ઠેલણ ગાડીમાંના મોટા ડબામાં મળ-મૂત્ર ઠાલવી પાછો તેને યથાસ્થાને ગોઠવતો જાય અને આગળ વધતો જાય. લોકોના જાજરૂમાંથી / Toilet ખેંચાતા એ ડબા પણ કેવા ? મોટેભાગે સીંગતેલના પતરાના ડબાના હૉલને સાંધો – રેણ કરાવી એક બાજુનું પતરું ખોલી નાખ્યું હોય. મળથી ગંદા થયેલા અને મૂત્રથી કટાઈ ગયેલા એ ડબાને વળી હેન્ડલ શેનાં ? એ તો સફાઈ કામદારે હાથ અંદર નાંખીને જ ડબા ખેંચવાના.

માનવ હાથથી મળ સફાઈ
સ્વતંત્રતા મળ્યા પછી સાતમા દાયકામાં દલિતોની ઢગલાબંધ સમસ્યાઓ વચ્ચે માથે મેલું ઉપાડવાના પાયાના પ્રશ્નની જગતચોકમાં ચર્ચા થાય છે તેનું આ મારું પહેલવહેલું વાસ્તવ દર્શન ત્રીસ વર્ષ પછી પણ હું ભૂલી શકતો નથી.

વતનમાં જેમ બિલકુલ નથી રહ્યો તેની સામે અમદાવાદ / Ahmedabad એક એવું શહેર છે જ્યાં બે તબક્કામાં થઈને હું ત્રીસ ઉપરાંત વર્ષોથી રહું છું. બાળમંદિરથી ત્રીજા ધોરણ સુધી અમદાવાદમાં ભણ્યા પછી પપ્પાની બઢતી સાથે બદલી થતાં શહેર છોડી ઠાસરા / Thasra (ડાકોર / Dakor પાસે) અને દેવગઢ બારિયા / Devgadh Baria (અગાઉ પંચમહાલનું / Panchmahals, આજે દાહોદ / Dahod જિલ્લાનું ગામ)માં રહેવાનું થયું. આ બન્ને ગામોમાં વીસમી સદીના આઠમા દાયકા સુધી તો ગટર સુવિધા આવી નહોતી. શૌચાલયની સુવિધા અને દલિતોની સ્થિતિ બાબતે માંડ દસ – વીસ ટકા આશ્વાસન લઈ શકાય તેવી વાત એ હતી કે ડબા જાજરૂની સામે થોડેક ઠેકાણે ખાળકૂવાવાળા જાજરૂ આવી ગયા હતા. મોટેભાગે નવા બંધાયેલા આરસીસી મકાનોમાં એ સગવડ રહેતી. પણ એ તો રહેનાર માટે જ, બાકી દલિતોની અગવડમાં તો તસુભારેય ફેરફાર નહોતો થયો એવું હવે સમજાય છે.

ઠાસરા – દેવગઢ બારિયામાં બધું મળીને સાત વર્ષ રહેવાનું થયું. આઝાદીના ત્રણ દાયકા વીત્યા પછી પણ દેવગઢ બારિયા ખાનગીમાં રાજાનું ગામ’ / Princely State કહેવાતું અને એ રીતે જ ઓળખાતું હતું. બારમી ગુજરાત વિધાનસભામાં દેવગઢ બારિયાનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એન.સી.પી. / Nationalist Congress Party)ના ધારાસભ્ય તુષારસિંહ રાઓલના / Tusharsinh Raol નાના અને મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની / Chimanbhai Patel સરકારમાં પ્રવાસન મંત્રી રહી ચૂકેલાં ઉર્વશીદેવી મહારાઓલના / Urvashidevi Maharaol પિતા જયદીપસિંહ બારીયાએ / Jaydeepsinh Baria અહીં આઝાદી અગાઉની છેલ્લી રાજાશાહી ભોગવી હતી. જયદીપસિંહ પોતે પણ એ સમયે લોકસભામાં ગોધરા બેઠકનું પ્રતિનિધિત્વ કોંગ્રેસ પક્ષમાં / Indian National Congress રહી કરતા હતા. તો ખાનગીમાં રાજાના ગામ લેખે ઓળખાતા દેવગઢ બારિયામાં દિવસમાં બે વાર કચરો વળાતો હતો. ગામના લોકો તેને બાદશાહી – રાજાશાહી ઠાઠ કહેતા. એવા ઠાઠ ભોગવવામાં પણ ભોગ તો દલિતોનો જ લેવાતો હશે એવું હવે મોડે મોડે સમજાય છે.

(*) અમદાવાદના જાહેર માર્ગ પરનો કચરો
દેવગઢ બારિયામાં બે વરસ રહ્યા પછી ફરી એક વાર ઠાસરામાં આવીને રહેવાનું થયું. ખાસ ફરક નહોતો પડ્યો. હા, આ વખતે રહેવા માટેનું ઘર પાકું અને ગામથી થોડે દૂર મળ્યું. જૂના મિત્રો – પરિચિતો તો હતા જ, એમાં એક ઉમેરો ડૉ. જીવણલાલ દલવાડીનો થયો. એ બહુ ભણેલા નહીં, આર.એમ.પી. (રજીસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર / Registered Medical Practitioner) પણ નહીં એવા, કમ્પાઉન્ડરમાંથી આગળ વધીને બનેલા ડૉક્ટર / Doctor હતા. મમ્મી – પપ્પાની સાથે ઘરોબો થયા પછી એમણે સ્પષ્ટતા કરી હતી કે પોતે દલિત વર્ગમાંથી આવે છે, ઉજળિયાત વર્ગના હોવાનો દેખાડો કરવા વૈષ્ણવ ધર્મ પાળે છે અને સુધારેલી અટક દલવાડી લખાવે છે. આમ કરવાથી એમની તબીબી પ્રેક્ટીસ દલિતો અને સવર્ણો બન્ને પક્ષે ધમધોકાર ચાલતી હતી. ઠાસરાની વૈષ્ણવ હવેલીમાં દર્શન કર્યા પછી ચા-પાણી-નાસ્તા માટે એ મમ્મી – પપ્પાને (સુધા અને પ્રફુલ મોદી / Sudha and Praful Modi) દવાખાને આવવાનો આગ્રહ કરતા અને એમ પણ કહેતા કે મારા ફળિયામાં તમે ના શોભો. જો કે મમ્મી – પપ્પાએ તેમની વાતને ગણકારી નહીં અને તેમની સાથેનો સંબંધ અને તેમના ઘરે જવાનું બન્ને ચાલુ રાખ્યું. ત્યાર પછી થોડા સમયમાં વિચિત્ર દુર્ઘટના બની. ડૉ. દલવાડી નવા જોડા લાવ્યા હશે, જે તેમને માફક ન આવ્યા અને પગે ડંખવા લાગ્યા. ડૉ. દલવાડીએ તેની પર ધ્યાન ન આપ્યું. પણ એ દરદ વકર્યું. એમને સેપ્ટિક થઈ ગયું અને સાવ ટૂંકી બીમારીમાં એમનું અવસાન થયું. પપ્પાએ એ વખતે બેન્ક અધિકારીની હેસિયતથી તેમના વિધવા પત્ની – નાના બાળકને ડૉક્ટરની બચતો સંબંધી કેટલાક હક અપાવ્યા. પરિવારજનોને બિચારાને તો આવા કોઈ હક મળી શકે એની જાણ પણ ક્યાંથી હોય! એમના દલિત હોવા – ન હોવા વિશે મમ્મી-પપ્પા પાસે સ્પષ્ટ સમજણ હશે, મારા માટે તો એ અજાણ્યો શબ્દ હતો – જલદીથી ભુલાઈ જાય તેવો. અને તે ભુલાઈ પણ ગયો.

પપ્પા વધુ એક વાર પ્રમોશન પામીને શહેરમાં આવ્યા એટલે મારે પણ ઠાસરામાં દસમું ધોરણ પાસ કર્યા પછી પાછું અમદાવાદ આવવાનું થયું. 1985ના અનામત આંદોલનને કારણે સામાન્યપણે માર્ચમાં લેવાતી પરીક્ષા ઑગસ્ટમાં લેવાઈ અને મહિના દોઢ મહિનામાં તો રિઝલ્ટ્ પણ આવી ગયું. અગિયારમું ધોરણ અમદાવાદમાં ભણવાનું નક્કી હતું. પરંતુ પપ્પાને બદલી થયા પછી બેન્ક તરફથી મળવા જોઇતા ક્વાર્ટરનું અલૉટ્મેન્ટ થયું નહોતું. નવી શરૂ થતી ટર્મ સાચવી લેવા અગિયારમું ધોરણ મામાના ઘરે બા-દાદાની સાથે રહી મણિનગરની સરદાર પટેલ હાઈસ્કૂલમાં ભણ્યો. થોડો સમય મણિનગરમાં / Maninagar, Ahmedabad રહ્યા પછી છેવટે નારણપુરાના / Naranpura, Ahmedabad ભાસ્કર અપાર્ટમેન્ટના એક ફ્લેટમાં રહેવા આવી ગયા અને સ્કૂલ પણ બદલી. બેન્કની માલિકીના આ ફ્લેટની મરામત અને સાફસફાઈની જવાબદારી પણ બેન્કની જ હતી.

(*) 'કચરો આપો'
રહેવા આવ્યો ને બીજી જ સવારે ઘરનો બેલ વાગ્યો – કચરો આપો. રસોડાના એક ખૂણે પડેલી કચરાની ટોપલી લઈ સફાઈ કામદારના હાથમાં આપવા ગયો અને એ ભાઈ લેતાં ખચકાયા. મને કહે, એમ હાથમાં નહીં – નીચે મૂકો, હું લઈ લઉં. તમારાથી મને ના અડકાય. તદ્દન ફિલ્મી ભાષામાં કહું તો આવો ડાયલૉગ્ જિંદગીમાં પહેલી વાર સાંભળ્યો. આ વાક્ય સાંભળ્યું તેની આગલી મિનિટ સુધી મારા દિમાગમાં છૂત – અછૂતનો કોઈ ખ્યાલ કે સમજણ સુદ્ધાં હતી નહીં. સફાઈ કામદારને ના અડકાય તેવી એણે જ પધરાવેલી સમજણ પછી મેં શું કર્યું અને છ વર્ષ સુધી ત્યાં રહ્યો એ દરમિયાન શું કરતો રહ્યો, એ આજે વીસ વર્ષ પછી યાદ નથી.

હા, એટલું યાદ છે કે ગાંધીનગર / Gandhinagar લોકસભા બેઠકના તત્કાલીન સંસદસભ્ય ભા.જ.પના શંકરસિંહ વાઘેલા / Shankarsinh Vaghela ભાસ્કર અપાર્ટમેન્ટના જ એક બ્લોકમાં ફ્લેટ ધરાવતા અને દિલ્હી સંસદમાં / Parliament of India હાજરી આપવા સિવાયનો સમય એ અહીં જ રહેતા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં / Ahmedabad Municipal Corporation ભાજપને પહેલવહેલી વાર સત્તા મળી હતી એટલે તેમના નેતાને સારું લગાડવા માટે થઈને પણ ભાસ્કર અપાર્ટમેન્ટની આઠ બ્લોકની બનેલી કોલોનીમાં મ્યુનિસિપલનો સફાઈ કામદાર દિવસમાં બે વાર આવીને કચરો વાળી જતો હતો. દેવગઢ બારિયામાં જોયો હતો એવો રાજાશાહી ઠાઠ ગણતરીના વર્ષોમાં જ જુદા એવા સત્તાશાહી સ્વરૂપે જોવા મળ્યો.

આ દરમિયાન ફરી એક વાર બદલી થતાં બેન્કનું ક્વાર્ટર છોડી અન્યત્ર રહેવા જવાની ફરજ પડી. પપ્પાએ પોતાનું મકાન ખરીદી લીધું હતું એટલે વસ્ત્રાપુર / Vastrapur, Ahmedabad રામવન અપાર્ટમેન્ટમાં રહેવા આવી ગયા. એ રીતે નારણપુરાના ભાસ્કર અપાર્ટમેન્ટમાં રહેવાનું છૂટી ગયું પણ સફાઈ કામદારને કચરો તેના હાથમાં જ આપવાની ટેવ કહો તો ટેવ આજ સુધી છૂટી નથી – છોડવી પણ નથી. શું કામ છોડવી જોઈએ ?

1992ના અરસામાં વસ્ત્રાપુર રહેવા આવ્યા ત્યારે આ વિસ્તારનો વહીવટ ગ્રામ પંચાયત / Vastrapur Gram Panchayat, Ahmedabad હસ્તક હતો. સફાઈકામની જરૂર ઓછી પડે એવી આછી – પાતળી વસતી હશે. રાબેતા મુજબનું સફાઈકામ તો થાય જ, પણ મરેલા પશુ / Animal – ઢોર – કૂતરાને / Dog ઉપાડવાની કોઈ વ્યવસ્થા ગ્રામ પંચાયત પાસે નહોતી. ગ્રામ પંચાયતે એ કામ માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની મદદ માંગવી પડે અને એ સેવા લેવા માટેના રૂપિયા પણ અગાઉથી જમા કરાવવા પડે. લાંબી વિધિ થાય, જેની લપમાં કોઈ પડે નહીં. એક વાર રામવનના ઇલેક્ટ્રિસિટી મીટર બોક્ષ પાસે જ માદું કૂતરું આવીને મરી ગયું. તેના નિકાલ માટે ઉપર જણાવી એવી ઝંઝટમાં પડવા કોઈ તૈયાર નહીં. એક રસ્તો એવો કે ભાડે મળતી લોડીંગ રીક્ષા / Loading Rikshaw બોલાવીને પશુનો મૃતદેહ સોંપી દેવો. લોડીંગ રીક્ષા મળી ગઈ, પણ એનો ડ્રાઈવર કહે કે મારું કામ માત્ર પશુને લઈ જવાનું છે, કૂતરાને ઉંચકીને રીક્ષામાં મૂકી આપો. ટાટિયામાં કૂતરાને મૂકી ચાર છેડાને ફ્લેટમાં રહેતા જ બે ઉજળિયાત જણોએ પકડી તેને રીક્ષાને હવાલે કર્યો.

આ દિવસો પાછા આવે – જલદીથી આવે એવી મારી હાર્દિક ઈચ્છા છે. એટલા માટે કે ગામ આખું જ્યારે રોજેરોજ ગંદકીને દર મિનિટે-કલાકે સમૃદ્ધ કરવાના કામમાં જોતરાયેલું હોય ત્યારે ગણતરીના થોડાક લોકોને તેમના જન્મના આધારે, નાતજાતના આધારે શા માટે માત્ર આ કામમાં જ જોતરાયેલા રાખવા જોઈએ એવો સવાલ મને રોજ સવારે ખુદનું સ્કૂટર સાફ કરતી વખતે થાય છે. બહુમતી પ્રજા જ્યારે પોતાના વાહનો કે ઘર – વાસણ જાતે જ સાફ કરતી હોય ત્યારે એ જ ઘરનું આંગણું ચોખ્ખું રાખવા માટે કોઈ વિશેષ જાતિભાઈ કે બહેન આપણા ઘર સુધી આવે એવી અપેક્ષા શું કામ રાખવી જોઇએ. કદાચ આવી વિચારસરણીને કારણે જ અપાર્ટમેન્ટ પાસેનો વેરવિખેર કચરાનો ઢગલો જાતે કરી લઉં છું. કચરાગાડી આવે ને લઈ જાય. કૉર્પોરેશનની જુદી – જુદી સેવાઓ મેળવવા માટેના ફોન નંબર દર્શાવતી મ્યુનિસિપલ ડાયરી ઘરમાં હાથવગી હોવા છતાં ગંદકી સંબંધે જાણ કરવા કે સફાઈ કામદારને બોલાવવા એ ફોન નંબરોનો ઉપયોગ કરવા મારું મન રાજી થતું નથી. મને એમ છે કે કચરાગાડી માટે કચરો એકઠો કરી રાખવાનું કામ તો આપણે જાતે કરી શકીએ – કરી લેવું જોઈએ.

દેશના આટલા અનુભવો સામે પરદેશનું ખાનું ખાલી શું કામ રહેવું જોઇએ? નોકરી માટે થઈને ત્રણ વર્ષ દુબઈ / Dubai – અબુધાબી / Abu Dhabi – અલાઈન / Alain (સંયુક્ત આરબ અમીરાત – યુ.એ.ઈ.ના / United Arab Emirates શહેરો) રહેવાનું થયું, જ્યાં કન્સ્ટ્રક્શન કંપનીમાં કોસ્ટ એકાઉન્ટીંગની કામગીરી સાથે સંકળાયેલો રહ્યો. દુબઈ પ્રદેશના ત્રણ વર્ષના વસવાટ દરમિયાન જુદા – જુદા તબક્કે લેબર કેમ્પમાં / Labour Camps રહેવાનું થયું હતું. કન્સ્ટ્રક્શન કંપની સાથે કોન્ટ્રાક્ટથી જોડાયેલા કડિયા – સુથાર – મજૂરોને રહેવા માટે બનાવેલા લેબર કેમ્પના એક ખૂણે ઓફિસના કર્મચારીઓ પણ રહી શકે એવી વ્યવસ્થા હતી. અહીં રહેવાથી ટ્રાન્સપોર્ટેશન અને રોજની જમવાની મારી વ્યવસ્થા કંપનીના રસોડે બહુ ઓછા ખર્ચમાં સચવાઈ જતી હતી. કામ શરૂ કર્યાના થોડા મહિનાઓ વીત્યા પછી ખબર પડી કે છૂત અછૂતના ખ્યાલો ભારતથી અહીં વિઝા / Visa અને ઈમ્પોર્ટ લાઈસન્સની / Import Licence મદદ વગર જ પહોંચી ગયા હતા. દોઢસો ઉપરાંત કારીગરો જ્યાં રહેતા એવા લેબર કેમ્પની સફાઈ માટે સમયાંતરે બે મજૂરો આવે – એક દક્ષિણ ભારતીય હતો તો બીજો પંજાબી. ક્યારેક દિવસો સુધી ન આવે તો કંપનીના ફોરમેન તેમને રોજિંદા કામની જવાબદારીમાંથી મુક્ત કરી સાઈટ પરથી મોકલી આપે.

આ બે જણનાં નામ કંપનીના પગારપત્રક પર બોલતા હતા, પણ એ લેબર કેમ્પમાં અમારી સાથે નહોતા રહેતા, કારણ કે તે દલિત હતા. શરૂઆતમાં જ્યારે મને આ બાબતની ખબર પડી ત્યારે મેં એમ માન્યું કે તેઓ બન્ને કંપનીના જ બીજા કોઈ લેબર કેમ્પમાં રહેતા હશે. થોડા મહિનાઓ પછી ખબર પડી કે ગામની ભાગોળે આવેલો ઇન્ડસ્ટ્રીઅલ એરિયા પૂરો થાય એ પછી ચાર-પાંચ કિલોમીટરે તેમનો લેબર કેમ્પ આવે. દલિતો માટે જ ખાસ બનાવાયેલા આ લેબર કેમ્પમાં અન્ય કંપનીના અને ખાનગી ધોરણે કામ કરતા મજૂરો રહે. ટૂંકમાં દુબઈની દલિત વસાહત / Dalit Colony. કંપનીની ઓફિસ કે સાઈટ ઓફિસના ટોઈલેટ – બાથરૂમ સાફ કરવા માટે તેમને શુક્રવારે ખાસ બોલાવવામાં આવે, જે અઠવાડિક રજાનો દિવસ હતો. કંપનીના નિયમ મુજબ કારીગરો – મજૂરોને બે-ત્રણ વર્ષે એકવાર અપાતી વેકેશન રજાઓ મંજૂર કરતી વખતે ઓફિસ એ બાબતનું ખાસ ધ્યાન રાખે કે કુશળતા ધરાવતો સુથાર – કડિયો રજા પર દેશમાં જાય છે તો તેની અવેજીમાં કામ આપે એવો બીજો કારીગર હાજર છે ને ? આવું જ દલિત વર્ગના મજૂરની બાબતમાં પણ બને. તેની બે-ત્રણ મહિનાની રજા મંજૂર કરતી વખતે ઓફિસવાળા સાઈટ ફોરમેન સાથે એ બાબતની ખાતરી કરી લે કે તેની અવેજીમાં કયો મજૂર ઓફિસના સંડાસ – બાથરૂમ સાફ કરવા આવશે.

ભારત / India – પાકિસ્તાન / Pakistan – બાંગ્લાદેશ / Bangladesh કે શ્રીલંકા / Sri Lanka જેવા દેશોમાંથી કન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવતા કારીગરો – મજૂરો માટે ગ્રૂપ વિઝા મેળવવાની અને તેઓ દુબઈમાં આવતા સાથે તેમના ઈમિગ્રેશન – વર્ક પરમિટ / Immigration – Work Permit સંબંધી કામગીરી ઓફિસના પી.આર.ઓ.એ પાર પાડવાની રહેતી. એ જવાબદારી સંભાળતા કેરાલાના ગોપાલભાઈ વેકેશન રજા પર ગયા ત્યારે એ કામ થોડા સમય માટે મારે ભાગે આવ્યું. એ કામ કરતા બે બાબતો જાણવા મળી. એક તો ગ્રૂપ વિઝા મેળવતી વખતે કંપની દલિત વર્ગમાંથી આવતા મજૂરોના નામ યાદીમાં ખાસ દાખલ કરે અને બીજું તે મહાર અટકધારી મજૂરો મહારાષ્ટ્રના દલિત વર્ગમાંથી આવતા હતા.

(*) જોસેફ મેકવાન : દલિત સાહિત્યના દાદા
ભણતરને બાદ કરતા મારી વ્યવસાયી કારકિર્દીનું જેમના હાથે ઘડતર થયું એ લેખક – પત્રકાર રજનીકુમાર પંડ્યાના / Rajnikumar Pandya સંપર્ક થકી જોસેફ મેકવાનનો / Joseph Macwan પરિચય થયો. કારકિર્દીની પહેલી નોકરી પ્રકાશક આર.આર. શેઠની કંપનીમાં કામ કરતાં જોસેફભાઈની વધુ ઓળખાણ થઈ એ સાથે મોહન પરમારનો / Mohan Parmar પણ પરિચય થયો. બન્ને લેખકોના પ્રકાશક આર.આર. શેઠ / R. R. Sheth & Co. હતા અને દલિત સાહિત્યકાર તરીકેની વ્યાપક ઓળખ ધરાવતા હતા. એ સમયે જોસેફભાઈની વાર્તાઓ-નવલકથા અને કોલમ સાહિત્ય વાંચ્યું હતું, પણ એ દલિત સાહિત્ય’ / Dali Literature કહેવાય એવી કોઈ સમજણ મારામાં ઉગી નહોતી. દલિત શબ્દ સાથે એક કે અનેકાનેક સમસ્યાઓ જોડાયેલી છે એવો પણ કોઈ ખ્યાલ નહીં. દુબઈથી કાયમ માટે પાછો ફર્યો ત્યારે મિત્ર ઉર્વીશ કોઠારી / Urvish Kothari સામયિક-દૈનિકના મુખ્યધારાના પત્રકારત્વની સાથે સાથે નવસર્જનની / Navsarjan Trust કામગીરીમાં જોડાઈ ચૂક્યો હતો. આજ સુધી ચાલી આવતી તેની એ કામગીરી થકી જ મનનો ઉઘાડ થયો કે દલિતોને સમસ્યાઓ પણ હોય. ઉર્વીશ થકી જ જેમના પરિચયમાં આવવાનું થયું તે કર્મશીલ લેખક ચંદુભાઈ (ચંદુ મહેરિયા / Chandu Maheria)ને વાંચતા આ સમસ્યાના મૂળ અને તેના અનામત – આભડછેટથી હરિજન શબ્દ સુધી ફેલાયેલા પાસાંઓની સમજણ મળી. તો નવસર્જનના સૂત્રધાર માર્ટીન મેકવાનની / Martin Macwan અનુભવકથાઓ વાંચીને એ માન્યતા દ્રઢ થઈ કે નાતજાતના નામે દલિતોની થતી રંજાડ – હેરાનગતિનો તો જોટો જડે એમ નથી.

આવી ચોખ્ખી ચણક કચરા ગાડી ભારતમાં ક્યારે જોવા મળશે?
દલિત સમસ્યાઓના તોટો નથી તેમ તેના ઉકેલ માટે થોડો જોગ થાય એ પણ પાલવે તેમ નથી. આઝાદીના સાડા છ દાયકા પછી તો તેના માટે જથ્થાબંધ જોગ થવો ખપે. દલિતોના મતમાં સૌને રસ છે, પણ તેમની સમસ્યાઓના ઉકેલની કોઈને પડી નથી. શહેરી અને શિક્ષિત કહેવાતા મોટા ભાગના લોકો તો માને છે કે દલિત સમસ્યાઓ તો ક્યારની પૂરી થઈ ગઈ છે. એમની સાથે જરા વધુ વાત કરીએ તો એ કહેશે, પહેલાં એમને કહો ને કે એમના અંદરોઅંદરના ભેદ દૂર કરે ? વાત તો સાચી છે. સૂચન ખરેખર વાજબી છે. પણ આવું કહેતાં પહેલાં એ વિચારી લઈએ કે આમ કહેવાની આપણી લાયકાત છે ખરી ? માનવભક્ષી વાઘ અન્ય પશુઓને માંસાહારના ગેરફાયદા ગણાવીને ફક્ત દૂધ પર જીવવાની સલાહ આપે ત્યારે હસવું કે રડવું ?

(નોંધ: કર્મશીલ લેખક – પત્રકાર ચંદુ મહેરિયાના સંપાદન હેઠળ પ્રકાશિત થતા પાક્ષિક દલિત અધિકારના 20 જાન્યુઆરી 2012ના અંકમાં ઉપરોક્ત લેખ પ્રકટ થયો હતો. વર્ષ: 7, અંક: 12, સળંગ અંક: 156)

(* નિશાની વાળી તસવીરો : બિનીત મોદી, એ સિવાયની તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

14 comments:

  1. વાહ, બીનીતભાઈ! એકદમ સચોટ અને પ્રામાણિક લેખ. આ સંવેદનશીલ મુદ્દે (કહેવાતા) સવર્ણો તરફથી ચર્ચા અને લેખન ભાગ્યે જ થાય છે. આ મુદ્દે જેટલી ચર્ચા દલિતોમાં થાય છે, તેનાથી વધુ બિન-દલિતોમાં થવી જોઈએ. ખરેખર તો સંવેદનશીલ બનવા માટે તમારી તેમ આંખો ખુલ્લી રાખીને જાત સાથે ઈમાનદાર થવાની જરૂર છે. હવે નવી પેઢીના બિન-દલિતો દલિત-પ્રશ્નને પોતાને મળતાં લાભથી વંચિત થઇ ગયાની -વિકટીમહૂડની ભાવનાથી જુવે છે અને તેના પરિણામે જે સદીઓ ખરેખર વિકટીમ છે, તેની પીડા સમજી શકાતી નથી.

    રહી વાત ઘન-કચરાના નિકાલની. આ બાબતે આધુનિક થવાની ખૂબ જરૂર છે. આપણાં શહેરોમાં કરોડો રૂપિયા ઘન-કચરાના નિકાલમાં વપરાઈ રહ્યા છે પણ તેના સારા પરિણામો મળતા નથી. આ એક સમસ્યાના નિરાકરણમાં થોડી બુદ્ધિ અને થોડા પૈસા ખર્ચવામાં આવે તો હજારો સફાઈ કર્મચારીઓની કામગીરી વધુ સન્માનનીય બને. આ કંઈ 'રોકેટ સાયંસ' નથી, સીધે સાદો વિકાસનો મુદ્દો છે. પણ કદાચ એ વિકાસની સરકારી વ્યાખ્યામાં આવતો નહિ હોય.

    ReplyDelete
  2. Mukesh Adenwala (Ahmedabad)4 May 2013 at 21:00

    આ દુષણનાં મૂળ ક્યાં હશે કોને ખબર. મારા નાનપણમાં રાજકોટમાં મેં પણ માથે મેલું ઉપાડતા લોકો જોયા છે પણ ત્યારે એટલી સંવેદના ના હતી. પણ હમણાં સુધી મેં આ આભડછેટ નો અનુભવ કર્યો છે. એક વાર થોડા દિવસ માટે સફાઈ કામદારો હડતાલ પર હતા અને અમારા ફ્લેટમાં નીચે જ કચરાપેટી હતી. અમે બધા કચરો ફ્લેટની બહાર મૂકી રાખતા પણ કોઈ નીચે સુધી નાખવા જતું નહી. ફ્લેટ તો ગંધાઈ ઉઠ્યો. હું બહારગામથી આવેલ અને જયારે મેં કચરો નીચે જઈ નાખ્યો ત્યારે પણ લોકોને નવાઈ લાગી. તેમને વાસ મારતા ફ્લેટમાં રહેવું મંજૂર હતું પણ પોતાનો કચરો ખસેડવો મંજૂર ન હતું. મારે ત્યાં કડિયો, મિસ્ત્રી કે પ્લમ્બર આવે તો તેઓ વળી સંડાસ ગયા પછી ફ્લશ પણ કરે નહિ. શું લાગે છે? કે એક દિવસ આપણે સંડાસ જઈશું પણ પખાળ લેવા માણસ રોકીશું?

    મુકેશ એડનવાલા (અમદાવાદ)
    (Response through FACEBOOK, 4 May 2013 at 07:00pm)

    ReplyDelete
  3. We all have collective responsibility on all pathetic issues we witness of 'the others experiences', definitely, would lead to equality and respect. 2012 innovations of auto-technology could reduce the dis-respect our co-brethern in humanity and nation are experiencing.

    Your article further reminded narration of resp. Mallika Sarabhai, in one Media Seminar at IIM (few years back organized by Symbiosis, Pune). She shared through depiction of a worker who was carrying in a can-container the excrement, which litter on his body. So while reading such nice article, by listening and visualizing such experience we feel pain, hence, charity begins from home. Let us we contribute our strength to remove untouchability in our surroundings and leave rest accounts on others.

    ReplyDelete
  4. હરિજનોદધારની વાત કરતાં ગાંધીજીથી લઈને સફાઈ કામદારોની કષ્ટમુક્તિ અને તેમના માનવગૌરવ સ્થાપનની વાત કરતાં ઇન્ટરનેશનલ NGO સુલભ શૌચાલયની ઝુંબેશ ચલાવતા વિન્દેશ્વર પાઠક વગેરે જેવા સૌ બિંનદલિતો દલિત સમસ્યાના ઉદભવના સાચા કારણો જાણ્યા વગર ક્યારેક શુદ્ધ શુભાશયથી, તો વળી ક્યારેક સાચા કારણો જાણતા હોવા છતા યથાસ્થિતિ જાળવી રાખવા ચતુર રાજનીતિના ભાગરૂપે ય દલિત સમસ્યાના ઉકેલો આપતા રહે છે, અન્ય વ્યવસાયોમાં તો નવી ટેકનૉલોજિ સાથે વ્યક્તિનો સામાજિક દરજ્જો પણ બદલાતો હોય છે, જેમ કે ગઈ કાલની ટેકનોલોજીનું વાહન હાંકનાર ગાડાખેડુ કે હોડીવાળાથી આજના વિમાનના પાઇલટ કે સ્ટીમરના કેપ્ટન કે કોલમ્બિયા અવકાશયાનને હાંકનાર એસ્ટ્રોનોટનો સામાજિક મોભો કેવો સમમાનનીય છે ! બીનીત જે શુભાશયથી દલિત સફાઈ કામદારને લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ કરી સવર્ણોના પાયખાના સાફ કરવા પેશ કરવાનું વિચારે છે ત્યારે પેલા પાઇલટ કે કેપ્ટન જેવો ઉચ્ચ નહીં તો કમ સે કમ બરાબરીનો સામાંજીક દરજ્જો એને મળશે એવિ આસાએશ ખરી ? શું સવર્ણો પેલા લેટેસ્ટ ટેકનૉલોજિ સજ્જ સેનિટરી ઈન્સ્પેકટરના સંતાનો સાથે રોટિબેટી વ્યવહાર
    સ્થાપિત કરવામાં ગૌરવ અનુભવશે જેટલુ એ પેલા પાઇલટ-કેપટન-કોસ્મોનોટ સાથેના વ્યવહારમાં અનુભવશે ? બીનીત, જો આર્થિક-શૈક્ષણિક-સાંસ્ક્રુતિક પછાતપન જ દલિત સમસ્યાનું કારણ હોત તો તો એ થોડાક વર્ષોના 5-યીયર પ્લાન્સથી પણ ઉકેલી શકાઈ હોત, ( આટલી લાંબી અનામતની પણ જરૂર ના રહેત ) --- દલિતો જે રીતે શિક્ષિત થઈ રહ્યા છે, થોડાક પણ જે રીતે આર્થિક વિકાસ કરી રહ્યા છે, થોડાક પણ જે રીતે સાંસ્ક્રુતિક-રાજકીય ક્ષેત્રે નામ કાઢી રહ્યાં છે તે સૌએ ય હજી સવર્ણો સમકક્ષ સામાજિક અધિકારો ભોગવવાની સમાનતા પ્રાપ્ત કરવાની બાકી રહી છે. મૂળ સમસ્યા છે 'મારા' અને 'તારા'ની , મૂળ સમસ્યા છે મામકા: અને પાંડવા: ની , મૂળ સમસ્યા છે હર હાલાતમાં વર્ણશુદ્ધિ જાળવી રાખવાની, મૂળ સમસ્યા છે હર યુક્તિથી વર્ણસંકરતાને રોકવાની, મૂળ સમસ્યા છે હર હાલતમાં પોતાનું બ્લ્યુ-બ્લડેડ 'શ્રેષ્ઠત્વ' સાબૂત રહે, અને એ ત્યારે જ રહી શકે જ્યારે હર હાલતમાં દલિતોનું સામાજિક 'ક્ષુદ્રત્વ' યથાતથ રહે.

    ReplyDelete
  5. મૂર્ધન્ય સાહિત્યકાર મનુભાઈ પંચોળીની સંસ્થામાં અભ્યાસાર્થે ત્રણ વર્ષ એમના સાનિધ્યમાં રહેવા મળ્યું; તેઓશ્રી કાયમ કહેતાં, "જોડો પહેર્યો હોય તેને ખબર પડે કે ક્યાં ડંખે છે".આ વાક્યને વિશાળ અર્થમાં લઈએ તો તે ઘણું કહી જાય છે.

    ReplyDelete
  6. Sunil Vora (Mumbai)7 May 2013 at 11:55

    Binitbhai,
    I have seen men-women manually removing the shit in Jamnagar, Rajkot & their main duty was to ensure before pulling the tin to check nobody is using the toilet.!!! If by mistake tin is removed then they will be showered with the choicest & filthiest bad words.
    OBRIGADO,
    Sunil Vora (Mumbai)

    ReplyDelete
  7. સૌ મિત્રો,
    બ્લોગની 61મી પોસ્ટ (4 મે 2013)ના વાચન / પ્રતિભાવો માટે આભારી છું.

    બિનીત મોદી (અમદાવાદ) / શુક્રવાર, 5 જુલાઈ 2013

    ReplyDelete
  8. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને બે વર્ષ પૂર્ણ થયા.
    61મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 04-05-2013 to 04-05-2014 – 390

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  9. Milan Sindhav (Gandhinagar, Gujarat)5 May 2014 at 10:00

    સંવેદનશીલતા જ આવું લખાવી શકે, અભિનંદન.
    મિલન સિંધવ (ગાંધીનગર, ગુજરાત)

    (Response through FACEBOOK : 4 May 2014)

    ReplyDelete
  10. Very sensitive article.
    સમીર મહેતા

    ReplyDelete
  11. દુઃખદ પણ સાચી વાત....જોકે અહીં મુંબઈમાં મને આવું ઓછું જોવા મળ્યું છે. ઉલ્ટાનું અહિયાં આવા જાતિવિશેષ/વ્યક્તિઓની કામચોરી, દાદાગિરી, ઝગડાની વૃત્તિ, સતત પગાર ઉપરાંત પૈસા માગ માગ કરવાં અને દારૂ વ્યસનમાં ઉડાડવા જેવું ઉડીને આંખે વળગે એ રીતે જોવા મળે છે. અને ત્યારે કન્ફેસ કરું કે મને એવું લાગવા માંડે છે કે 'વહવાયા એ વહવાયા' અને રીઝર્વેશનએ જ એમને નિમ્ભર ને કામચોર બનાવ્યા છે. એગ્રી કે બધી કેરીઓ બગડેલી ન જ હોય પણ તમારો અભિપ્રાય તમને થતાં અનુભવોથી જ બંધાતો હોય છે....એક વાતમાં પૂર્ણ સહમત કે ઘરની અને આસપાસનાં પરિસરની સ્વચ્છતા કોઈ એક વર્ગ કે જાતિ વિશેષની જવાબદારી નથી અને આપણે પણ એ કામ કરવું જ જોઈએ.
    ચંદુભાઈ મહેરિયાનો છેલ્લાં સાર્થક જલસોનાં અંકમાં આવેલો ચોમાસું પોતાની સાથે કેવી કેવી તકલીફો અને વિટંબણાઓ એક ગરીબ માણસ માટે લઇ આવે છે એ મતલબનો લેખ અત્યંત સ્પર્શી ગયો હતો.પોસીબલ હોય તો આ ફીડબેક એમને પહોંચાડશો.

    ReplyDelete
  12. Leena Patel (Ahmedabad)26 July 2016 at 19:55

    બહુ જ ડીટેલમાં લખ્યું છે બીનીતભાઈ. તમારી સંવેદનશીલતાને સલામ. હું તો દલિત છું ને દલિત મહોલ્લામાં જ મોટી થઈ છું. અને એક દલિત કર્મશીલની દીકરી એટલે આ વાતાવરણમાં જ મોટી થઈ પણ તમે તો બિનદલિત હોવા છતાંં તમારી સંવેદના જાળવી રાખી, મોટી વાત છે.

    તમે નવસર્જન અને સ્ટાલિને બનાવેલી ફિલ્મ ‘વેંત છેટાં’ જોઈ છે? આખી ફિલ્મ ખુલ્લી આંખે જોઈ શકો તો તમને ફરી સલામ કરવી પડે કારણકે હું તો નહોતી જોઈ શકી.
    લીના પટેલ (અમદાવાદ)

    (Response through FACEBOOK : 19 July 2016 at 08:50pm)

    ReplyDelete
  13. Ashootosh Kalyani28 July 2016 at 16:15

    Hats off to your hyper sensitivity which makes you a World Citizen. Keep on this spirit. It will lead us to the light. Kudos.
    Ashootosh Kalyani

    (Response through FACEBOOK : 20 July 2016 at 08:35am)
    Post Re-shared on 19 July 2016

    ReplyDelete
  14. સૌ મિત્રો,
    બ્લોગ પ્રારંભના સાડાચાર વર્ષ અને 146 પોસ્ટના મુકામ પર આ તેરમી પોસ્ટ છે જેણે વાચક સંખ્યાનો 1000નો પડાવ પાર કર્યો છે.

    બિનીત મોદી (અમદાવાદ) / સોમવાર, 29 ઑગસ્ટ 2016

    ReplyDelete