પ્રતિભાવો ઉર્ફે Comments

Tuesday, May 21, 2013

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (એપ્રિલ – 2012)


(એપ્રિલ – 2012)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાનો વિચાર છે. આનો અમલ કરવાની કોઈ નિશ્ચિત તારીખ નથી તેમ આ ક્યાં સુધી ચલાવવું તે ય નિશ્ચિત નથી. હા, પ્રતિભાવ – કમેન્ટસ્ એ નક્કી કરવામાં ચોક્કસ મદદરૂપ થશે.
એ રીતે એપ્રિલ – 2013ના સ્ટેટસ અપડેટ આ મહિનાના પ્રારંભે અહીં મુક્યા પછી હવે પ્રસ્તુત છે ગત વર્ષના આ સમયગાળાના પ્રોફાઇલ સ્ટેટસ. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે. ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું.
આભાર.

(
Sunday, 1 April 2012 at 01:30pm)
આજના તાજા સમાચાર : રામનવમીના દિવસથી રામરાજ્યનો અમલ કરવા તંત્રએ કમર કસી.....સોરી.....આજે પહેલી એપ્રિલ છે.....અને રવિવાર પણ છે.....તંત્ર રજા પર છે.....રામરાજ્યનો અમલ કરવાનો પ્રયત્ન આવતીકાલે કરીશું.....આભાર.....
* * * * * * *

(Sunday, 1 April 2012 at 01:50pm)
મિત્રોના પ્રોફાઇલ સ્ટેટસને સૌથી પહેલું 'Like' આપનારની આજથી વ્યક્તિગત નોંધ લેવાશે. આભાર. ફેસબુક ફ્રેન્ડઝ ફૅસિલિટી સેન્ટર વતી 'ડમડમબાબા'. નોંધ: ફૅસિલિટી આજે પહેલી એપ્રિલ હોવાથી શરૂ થઈ શકી નથી.
* * * * * * *

(Sunday, 1 April 2012 at 02:10pm)
'એટલે પ્રિયંકા લજામણીના ફૂલોથી લદાશે?' ચોક્કસ વર્ષ યાદ નથી. 'સંદેશ' દૈનિકની રવિવારી પૂર્તિમાં 'ફિલમની ચિલમ' કોલમ લખતા સલીલ દલાલે પહેલી એપ્રિલ કે તેની નજીકના દિવસોમાં આ હેડીંગ સાથે લેખ કર્યો હતો. પરણવાલાયક ઉંમરે પહોંચેલી સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીની દીકરી પ્રિયંકાના સંભવિત લગ્નની અટકળ દર્શાવતો આ લેખ છપાયા પછીના રવિવારે સલીલ દલાલે પહેલી એપ્રિલ અને 'એપ્રિલફૂલ'ની યાદ અપાવી વાચકો જોગ સ્પષ્ટતા કરતા એટલું જ લખ્યું કે 'પાંચ શબ્દોના મથાળાના દરેક શબ્દનો પહેલો અક્ષર ફરીથી વાંચી જાઓ.' આ લખ્યું ત્યારે આણંદમાં અને અત્યારે કેનેડામાં વસતા સલીલભાઈ 'ફેસબુક' પર સક્રિય છે એ આપ જાણો જ છો. આભાર.
* * * * * * *

(Monday, 2 April 2012 at 04:15pm)
ક્રિકેટ જગતનો બીજો વિશ્વકપ જીતે આજે આજે બીજી એપ્રિલે એક વર્ષ થયું. ગલી ક્રિકેટથી લઈ આઈ.પી.એલ. ક્રિકેટ ટુર્નામેન્ટના સૌ કોઈ ચાહકોને આ વીતી ગયેલી ક્ષણની શુભેચ્છા. આ વીતેલા વર્ષ વિશે અને ભારતીય ક્રિકેટરોની રમતમાં આવેલા ફેરફાર પછી ચાહકોના 'વીતેલા' વર્ષ વિશે હું જાતે તો લખી શકું તેમ નથી. પરંતુ નીતિન ચૌહાણનો આ વેબ આર્ટીકલ વાંચી શકો. આ રહી લિન્ક.....
* * * * * * *

(Monday, 2 April 2012 at 04:45pm)
આજે ભરબપોરે 'કિંગફિશર'નું પ્લેન ટ્રાફિકથી ધમધમતા અને મોંઘાદાટ શોપિંગ માટે જાણીતા એવા અમદાવાદના સી.જી. રોડ પર ચૉઇસ રેસ્ટોરન્ટ સામે પાર્ક થયું. કોકપીટમાંથી નીચે ઉતરેલા પાઇલટે પાર્કિંગ સ્લીપ બનાવવાની વિનંતી કરતા કહ્યું, "એરપોર્ટ હેંગરની પાર્કિંગ ફી ચુકવવી પણ હવે પોસાતી નથી. અહીં શોપિંગ માટે આવતું કોઈકને કોઈક તો આ પ્લેન ખરીદી જ લેશે એવી આશા છે."
તાજા કલમ: આ સમાચાર સાચા ના લગતા હોય તો જાતે સ્થળ પર પહોંચીને ખાતરી કરી જુઓ. વિશાળ દૃષ્ટિ અને નજર ઉંચે રાખી થોડી રાહ જોશો તો પ્લેન જરૂર દેખાશે.
* * * * * * *

જી. માધવન નાયર
સેનાધ્યક્ષ જનરલ વિજય કુમાર સિંહ
(Monday, 2 April 2012 at 07:10pm)
દેશના સંરક્ષણ સાથે જોડાયેલી બે વ્યક્તિઓ માટેના સરકારી ધારાધોરણો કેટલા અલગ છે તે 2012ના પહેલા ત્રણ મહિનામાં જ જોવા મળ્યું. એક - ઈસરોના પૂર્વ ચેરમેન જી. માધવન નાયર પર સ્પેક્ટ્રમ ફાળવણીના મુદ્દે કોઈ પણ સરકારી હોદ્દો ધારણ કરવા પર પ્રતિબંધ મુકાયો. વડાપ્રધાનની ઓફીસ તેમને એક સાદા પત્રનો જવાબ આપવા જેટલી સૌજન્યતા બતાવતી નથી.....અને.....બે - સંરક્ષણ દળોના વડા જનરલ વી.કે. સિંહ (વિજય કુમાર સિંહ) પોતાને લાંચની ઓફર થયાની મોડી-મોડી ફરિયાદ કરે છે. સરકારની આબરૂના લીરા ઉડાડતી વ્યક્તિને સરકાર કંઈ કહી શકતી નથી, બોલતા અટકાવી શકતી નથી.
* * * * * * *

(Tuesday, 3 April 2012 at 03:50pm)
શું વખત આવ્યો છે? ચિક્કાર કમાતા ડોકટરો અને તેઓ જેમને કમાણી કરાવી શકે એમ છે તે ઝવેરીઓ બન્ને હડતાલ પર છે. દેશનો આર્થિક વિકાસ દર નવા નાણાંકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં ઘટે એવી પૂરી શક્યતાઓ છે.
* * * * * * *

(Tuesday, 3 April 2012 at 08:35pm)
'આવતી ચૂંટણીમાં તમને ટિકિટ મળે એમ લાગતું નથી.'.....'ભઈ, ખબર છે. એટલે તો આપણે ફેસબુક પર એક્ટિવ થયા છીએ.'.....'એટલે શું ટિકિટ મળી જશે?'.....'ના. પછી વખત પસાર કરવાનું કંઈક સાધન તો જોઈશેને?' (2012માં ગુજરાતના ગ્રોસબંધ રાજકારણીઓ કાર્યકરો 'ફેસબુક' પર એક્ટિવ થયા છે.)
* * * * * * *

(Wednesday, 4 April 2012 at 07:35pm)
'સાહેબ, લોન લેવાનું ફોર્મ જોઈએ છે.'.....'શેના માટે લોન લેવી છે?'.....'બગીચામાં લૉન ઉગાડવા માટે.'
* * * * * * *

(Wednesday, 4 April 2012 at 08:15pm)
સકર્યુલર : પેટ્રોલ ખરીદવા માટેની લોન અરજીઓનો જવાબ ના મળે, ફ્લાઇટ શિડ્યુલ રાબેતા મુજબનું ના થાય ત્યાં સુધી પાઇલટ્સે ભાડાની રિક્ષા ફેરવવાનું ચાલુ રાખવું જેથી કમ-સે-કમ ડ્રાઇવિંગની પ્રૅક્ટિસ જળવાઈ રહે. – હુકમથીમેનેજર ઓપરેશન્સકિંગફિશર એરલાઇન્સ.
* * * * * * *

(Thursday, 5 April 2012 at 06:15pm)
જૂનાગઢના સરમણભાઈ સુત્રેજા ગુજરાતી લેખક મંડળના વાર્ષિક સભ્ય છે. સભ્યપદ અંગેના 'મંડળના નિયમોની જોગવાઈઓ અનુસાર તેઓ 500/- રૂપિયા ચુકવીને આજીવન સભ્ય થઈ શકે તેમ નથી. એટલે પત્ર યાદી કે રિમાઇન્ડરની રાહ જોયા વિના જ તેઓ વાર્ષિક સભ્યપદના રિન્યૂઅલની રકમ 100/- રૂપિયા મોકલી આપેસાથે એક સદભાવ / અનુદાન રકમ પણ મોકલે. લેખકના તેના સર્જનકાર્ય બાબતના હક્ક અને કૉપિરાઇટ વેચાણ બાબતે કેટલાક પ્રશ્નો પૂછતો માર્ગદર્શન ઈચ્છતો તેમનો પત્ર ફેબ્રુઆરીના પ્રારંભે આવ્યો જેનો 'મંડળના મંત્રી કિરણ ત્રિવેદીએ જવાબ પાઠવ્યો. આ વખતે પત્રની સાથે વાર્ષિક સભ્ય ફી ઉપરાંત 1000/- રૂપિયાનું અનુદાન સરમણભાઈએ 'મંડળને ચેકથી મોકલી આપ્યું. જૂનાગઢમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા સરમણભાઈની કંપનીનું નામ છે 'ભારતમાતા બાંધકામ કંપની'. સરમણભાઈનો સદભાવ અને તેમની કંપનીનું નામ બન્ને યાદ રહી જાય એવું છે. આભાર.
* * * * * * *

(Thursday, 5 April 2012 at 09:10pm)
આવતીકાલે 6 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. 1980માં સ્થપાયેલા રાજકીય પક્ષે 32 વર્ષ પુરા કર્યા છે અને 2012માં બત્રીસ નહીં પણ ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના બે કોઠા ભેદવાના છે.
* * * * * * *

(*) ફોટામાં (ડાબેથી) બીરેન, ઇન્દુ અને તારક મહેતા, કામિની કોઠારી
(Friday, 6 April 2012 at 12:30pm)
બીરેન કોઠારી : મને મામાને કાકાબનાવનાર ભાઈબંધ
અવિનાશ વ્યાસ વિશેની તમારી બ્લોગ પોસ્ટ વાંચી હતી. ગીતો સાથેનું સારું શેરીંગ કર્યું તમે.’.....‘ક્રાંતિકારી વિચારક રાવજીભાઈ પટેલ વિશેના તમારા પુસ્તકનો રીવ્યૂ વાંચવામાં આવ્યો.

આવા વાક્યો સમયાંતરે મને સાંભળવા મળે છે. વાત પૂરી થાય એટલે હું સ્પષ્ટતા કરું કે એ લખનાર તે હું નહીં.....બીરેન.....વડોદરા રહે છે તે. ‘તો તમે?.....’.....‘બિનીત મોદી’.

અમારાં નામોમાં થતા ગોટાળાની નવાઈ નથી. એવી ભૂલને કારણે જ રજનીકુમાર પંડ્યાએ અમારી મારી અને બીરેન-ઉર્વીશની ઓળખાણ કરાવી. 2012 એ ઓળખાણનું વીસમું વર્ષ છે. કારકિર્દી કે જીવનઘડતરમાં કોઈ હમઉમ્ર મિત્રનો ફાળો હોય તેવું બહુ ઓછું બને. મારી બાબતમાં તે કંઈક અંશે થયું છે તે બીરેનને કારણે. અમારો પરિચય થયો એ પછીના છએક મહિનામાં જ કામિની સાથે તેનું લગ્ન થયું. સાદાઈથી લગ્ન એટલે ખરેખર શું તે હું તેની પાસેથી સમજ્યો. અમારી વચ્ચે ચાર વર્ષનો ફેર. મારે લગ્ન કરવાને વાર હતી પણ દિશા અનાયાસે બીરેને ચીંધી દીધી હતી. તેની પાસેથી મળેલી સમજણને હું ચાર આઠ આની ફેર સાથે પણ પાળી શક્યો તે મારું તેના તરફથી થયેલું ઘડતર. મને લાગે છે આવું કંઈ ન થયું હોત તો હું આજે પણ લગ્નની લોનના હપતા ચુકવતો હોત.

આવું જ કારકિર્દીની બાબતમાં છે. રજનીભાઈ સાથે જોડાયો ત્યારે મારું ધ્યાન ફોટોગ્રાફી તરફે વિશેષ હતું. એ અરસામાં અમદાવાદના આર્ટિસ્ટ પૃથ્વી વિશે ઉત્સવપાક્ષિકના તત્કાલીન તંત્રી ભીખેશ ભટ્ટે મારી પાસે લેખ લખાવ્યો. તેનો પહેલો ડ્રાફ્ટ વાંચીને બીરેને કહ્યું કે, ‘ફોટોગ્રાફી કરતા રહેવાનું પણ આ લખવાનું સાવ બાજુ પર રાખીને નહીં.તેની એ સલાહ સાંભળતાવેંત ગાંઠે બાંધી જે મને આજે તેના જ મદદ માર્ગદર્શનથી વાયા પત્રકારત્વ બ્લોગ લેખન સુધી પહોંચાડી શકી છે.

તેને મળવાની મારી તાલાવેલી આજે એટલી જ બરકરાર છે જેટલી પંદર સત્તર વર્ષ અગાઉ હતી. આઈ.પી.સી.એલ.ની તેની શિફ્ટ ડ્યુટીના પેજર મોબાઇલ વગરના દિવસોમાં પોસ્ટકાર્ડ લખીને કે પ્લાન્ટ પર ફોન કરીને મહેમદાવાદમાં તે ક્યારે હશે એ જાણી લઉં. એ નોકરી માટે અપડાઉન કરતો, હું તેને મળવા માટે. આ બાબતમાં હું એટલો બધો સ્વાર્થી થઈ ગયો હતો કે તેના લગ્નજીવનના પ્રારંભના વર્ષો હતા કે શચિના બાળપણના દિવસો હતા એવો પણ ખ્યાલ કદી હું કરતો નહીં. આજે યાદ કરતા એવું લાગે છે કે મારે માટે એક સમાંતર ફેમિલી આકાર લઈ રહ્યું હતું. એ અમદાવાદ આવવાનો હોય તો અહીં મળવાની પણ યોજનાઓ ઘડાતી.

એવી એક મુલાકાતમાં મહેમદાવાદથી મિત્રો સાથે આવેલા બીરેન-કામિની મને જોઈને આકાશવાણીની ફૂટપાથ પર ઊભા-ઊભા ખૂબ હસ્યા. કારણ એટલું જ કે કાયમ સ્કુટર મોટર સાયકલ પર ફરતો જોનારાએ લોકોએ મને એ દિવસે ઓફિસના લુનામોપેડ પર જોયો હતો. એ દિવસથી મેં લુનાફેરવવાનું બંધ કરી દીધું. આને તમે એનો પ્રભાવ પણ કહી શકો. એવો પ્રભાવ કામિનીનો પણ મારા પર છે. મને એવું લાગે કે મેં કંઈક ખોટું કર્યું છે અને વઢ પડવાની શક્યતાઓ આકાર ધારણ કરી ચુકી છે તો હું તેનાથી સંતાતો ફરું.

આજે દુનિયાના કોઈ પણ છેડે જાવ અને આઈ.પી.સી.એલ.નો ઉલ્લેખ થાય એટલે તમને એક વાત અચૂક સાંભળવા મળે. અમારા એક સગા પણ આઈ.પી.સી.એલમાં છે. બહુ મોટી પોસ્ટ પર છે.ગાડી લેવા-મુકવા આવે.આ બે વાક્યો પહેલી વાર સંભળાવ્યા હતા એ જ લઢણથી બીરેન આજે પણ સંભળાવી શકેએ નોકરીમાંથી વીઆરએસ લીધાનાં પાંચ વર્ષ પછી પણ. (આઇ.પી.સી.એલ.માં બાવીસ વર્ષ ગાળ્યા પછી હવે તે ફુલટાઇમ વ્યાવસાયિક લેખન- ચરિત્રલેખન અને અનુવાદનું કામ કરે છે.)

પ્રવાસ કેમ કરવો એ તેની પાસેથી શીખવા મળે. તેના બ્લોગ પરના પ્રવાસવર્ણનો વાંચીને આ બાબતની ખાતરી કરવા જેવી છે. મને તેનો લાભ મળ્યો છે. પુસ્તકો, સારું વાંચન, કેસેટ, સીડી, ફિલાટેલિક સ્ટેમ્પ ઉપરાંત અનેક ચીજોની આપ-લે અમારી વચ્ચે થતી રહેતી હોય. સતત પ્રવાસની મારી નોકરી વખતે પણ હું જતાં કે આવતાં મહેમદાવાદ અચૂક ઉતરું જ. નોકરીના પ્રવાસેથી પાછા ફરતાં જાતજાતની (આમાં ખાદ્ય વસ્તુઓ ન હોય) ભેદી વસ્તુઓ હું બેગ ખોલીને કાઢું અને કહું, “ચાલો પહેલાં મામાકાર્યપતાવી દઈએ.એટલે પછી એણે મને સત્તાવાર રીતે મામાકહેવાની ટેવ પાડેલી.

જે સમયે એ મને મામાકહેતો એ સમયે તેની દીકરી શચિનો જન્મ થયો અને હું કાકાબની ગયો. શચિ-ઇશાનની યાદ આવે એટલે હું તેમના ઘરે પહોંચી જાઉં છું. પછી એ મહેમદાવાદનું ઘર હોય, આઈ.પી.સી.એલ ટાઉનશીપનું ક્વાર્ટર હોય કે વડોદરાનું ઘર. બીરેન-ઉર્વીશને એવી ગેરસમજ છે કે બિનીત તેમને મળવા આવે છે. છો રહી એ ગેરસમજ.

આજે તેના જન્મદિવસ નિમિત્તે મુકેલો આ ફોટો સોમવાર, 11 ડિસેમ્બર 2000ના રોજ વડોદરાના ઘરે પાડેલો છે. બીરેન-કામિની સાથે તારક મહેતા દંપતિ તારકકાકા અને ઇન્દુકાકી ઊભાં છે. તેમને વડોદરા એક લગ્નમાં જવાનું હતું અને મારે તેમની સાથે. વડોદરા જઇએ છીએ તો બીરેનને ઘરે જવું એવું સૂચન તેમણે ઉત્સાહભેર માન્ય રાખ્યું. આગળ લખ્યું તેમ તેને મળવાની મારી તાલાવેલી.

શક્ય છે બીરેન શચિ કે ઈશાનના ફેસબુક એકાઉન્ટ પર આ લખાણ વાંચતો હોય (કારણ કે એ ફેસબુક પર નથી. હા, ગુગલ પ્લસ પર તેની હાજરી છે.) ત્યારે હું તેની પાછળ જઈને ઊભો રહ્યો હોઉં. ક્યાંવડોદરાના ઘરે વળી. બીજે ક્યાં?
બિનીત મોદી (અમદાવાદ)
* * * * * * *

(Saturday, 7 April 2012 at 02:15pm)
નવું નાણાંકીય વર્ષ (2012 - '2013) શરૂ થયું એટલે ગયા વર્ષના હિસાબો ચેક કરવાનું શરૂ થયું. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટને ત્યાંથી આવેલા ઑડિટરે શરૂઆતની એન્ટ્રીઓ તપાસતાં જ એક એન્ટ્રી 'કૉન્સ્યુલટ ઑફિસ જોવાનો ખર્ચ રૂપિયા 40,000/-' એવી હિસાબી નોંધ માટે સ્પષ્ટતા માંગી. ખુલાસો એવો આવ્યો કે એ અમેરિકાના વિઝિટર્ વીઝા મેળવવા કુટુંબ માટે કરેલો ખર્ચ છે. વીઝા અરજી રિજૅક્ટ થઈ એટલે તેને 'કૉન્સ્યુલટ ઑફિસ જોવા'ના ખર્ચ તરીકે ઉધાર્યો છે.
* * * * * * *

(Saturday, 7 April 2012 at 03:05pm)
જ્ઞાતિ મંડળો, યુવક મંડળો, સખી મંડળો, ક્લબો, સંસ્થાઓને આથી વિનંતી કરવામાં આવે છે કે આગામી વેકેશન દરમિયાન ગેટ-ટુ-ગેધરના આયોજન સમયે 'હાઉસી'ના 'બમ્પર પ્રાઇઝ' તરીકે પ્રાઇવેટ પ્લેનનો પણ આપ ઇનામમાં સમાવેશ કરી શકો છો. વાજબી ભાવ ત્વરિત સેવા. સંપર્ક.....મેનેજર - વેચાણ વિભાગ, કિંગફિશર એરલાઇન્સ.
* * * * * * *

(Wednesday, 11 April 2012 at 09:40am)
જન્મદિન(9 એપ્રિલ)ની ચોવીસ કલાકની ઉજવણી ફેસબુકને કારણે છત્રીસ કલાક સુધી માણવા મળી. દિવસ ઊગવાથી લઈને સાંજ સુધી સ્થાનિક મિત્રોના શુભેચ્છા સંદેશ મળ્યા અને રાત પડ્યે પશ્ચિમના દેશોમાં દિવસ ઊગતાં પરદેશી મિત્રો તરફથી શુભેચ્છાઓ મળવી શરૂ થઈ. જન્મદિનની ઉજવણીમાં બાર કલાકનું બોનસ આપનાર માર્ક ઝુકરબર્ગને અને શુભેચ્છા પાઠવનાર મિત્રોને આવનારા તમામ જન્મદિવસ માટે એડવાન્સમાં હેપી બર્થ ડે.
* * * * * * *

(Wednesday, 11 April 2012 at 06:45pm)
'આ ઉત્તર પ્રદેશના રસ્તા બહુ ખરાબ છે.'.....'એમ કે?.....કેમ કરતા ખબર પડી?'
'અરે...આ...જુઓને...બાબાને નવી સાઇકલ અપાવે હજી મહિનો ય નથી થયો ત્યાં ખખડવાનું શરૂ. પંક્ચર પડે એવું પણ લાગે છે.'
(15મી માર્ચે પ્રદેશના મુખ્યમંત્રી પદે આરૂઢ થયેલા અખિલેશ યાદવ સિવાય બધું જ સમાચાર છે. જેમ કે.....સમાજવાદી પક્ષના કાર્યકરોની ગુંડાગીરી, બળાત્કારની રોજિંદી ઘટનાઓ, આઝમ ખાન અને બુખારીનું શબ્દયુદ્ધ.....બાબાની સરકારનું બાળમરણ ના કરાવે તો સારું.)
* * * * * * *

(Thursday, 12 April 2012 at 09:30am)
પોપ ગાયિકા લેડી ગાગાના નામનું હિન્દીમાં ભાષાંતર કર્યું.’.....‘એમ કેનામનું ભાષાંતર? શું કર્યું?’.....‘હિન્દી ગાયિકા સલમા આગા.
* * * * * * *

(Friday, 13 April 2012 at 03:55pm)
કવિ, કલાકાર, લેખક કે કંઈ પણ હોવ, યાદ રાખો કે ગમે તેટલું લાંબુ ફેન લિસ્ટ કે ફેન ગ્રૂપ આ ઉનાળામાં કશાય કામનું નથી. ગરમીમાં કામ લાગે એ જ સાચો 'ફેન'. – ડમડમબાબા
નોંધ: ડમડમબાબાએ સત્તાવાર રીતે આવું કંઈ કહ્યું નથી. અને હા, બિનસત્તાવાર રીતે રદિયો પણ નથી આપ્યો.
* * * * * * *

(Saturday, 14 April 2012 at 03:02pm)
વાહનો વેચવાના છે : જૂનું કાઇનેટીક હોન્ડા અને કિંગફિશરનું પ્લેન. એક એક નંગ. કાઇનેટીક હોન્ડાની એવરેજ પોસાતી નથી અને કિંગફિશરના પ્લેન માટે પેટ્રોલ ખરીદવાના રૂપિયા નથી. વાજબી ભાવ ઉત્તમ કન્ડીશન. વાહનો જોવા રૂબરૂ પધારો. મળો ડમડમબાબાને. C/o - ડમડમ એરપોર્ટ, કોલકાતા.
* * * * * * *

(*) શમશાદ બેગમ
(Saturday, 14 April 2012 at 07:05pm)
'મેલા' (1948)માં શમશાદ બેગમે ગાયેલું ટુંકું પણ ચિરંજીવ ગીત.....'ધરતી કો આકાશ પુકારે.....આજે સાંભળીએ તેમના ચોરાણુમા જન્મદિને (જન્મ: 14 એપ્રિલ 1919http://www.youtube.com/watch?v=As1avsHQqsM
દોઢ વર્ષ અગાઉ તેમની અમદાવાદ મુલાકાત (શુક્રવાર, 26 નવેમ્બર 2010)ના આ ફોટોના અવસર માટે 'થેંક યુ ગ્રામોફોન ક્લબ'.
* * * * * * *

(Monday, 16 April 2012 at 02:25pm)
ભઈગાડી સાઈડ સ્ટેન્ડ પર ના રાખતા. વચ્ચેના સ્ટેન્ડ પર જ ઉભી રાખજો.’.....‘કાકા, આ મોટરસાઇકલ કે એક્ટીવા નથી. નેનો કાર છે...નેનો.’.....‘ભઈએટલે તો તમને કીધું કે ગાડી સ્ટેન્ડ પર ચઢાઈને મૂકજો. કોઈનો સહેજ હાથ લાગે તો પાછી ગબડી પડે.
* * * * * * *

(Wednesday, 18 April 2012 at 04:25pm)
આવકવેરા વિભાગના ઉચ્ચ અધિકારીઓ તપાસને નેવે મૂકીને હવે સંશોધન કરી રહ્યા છે કે ગુજરાત ગયા વગર આ નિર્મલબાબાએ કરોડો રૂપિયા ક્યાંથી ભેગા કર્યા.
* * * * * * *

(Wednesday, 18 April 2012 at 10:55pm)
ભક્તોએ આપેલા રૂપિયામાં આળોટતા નિર્મલબાબા આજે ભલે 'બદનામ' થઈ રહ્યા હોય, તેમનું નામ આવતું હોય તેવું એકમાત્ર હિન્દી ફિલ્મ ગીત તેમને 'અમર' બનાવી દેશે એ નક્કી. આ લિન્ક પર સાંભળો ગીત  http://www.youtube.com/watch?v=8D_D-ekmGQE
* * * * * * *

(Thursday, 19 April 2012 at 09:25am)
‘ફેસબુક’નું માધ્યમ આ પ્રકારનો સંદેશો પહોંચાડવા માટે પણ ઉપયોગી થઈ પડે છે. વાંચો – અમદાવાદના નવરંગપુરા ટેલિફોન એક્સચેન્જમાં ગઈકાલે બુધવાર-17 એપ્રિલની સવારે આગ લાગતાં શહેરના આડત્રીસ હજાર (38,000) લેન્ડલાઈન ટેલિફોન બંધ છે. આપના પરિચિત વ્યક્તિ જો નવરંગપુરાવસ્ત્રાપુરબોડકદેવવાસણાવેજલપુરસરખેજસુભાષબ્રિજરાણીપનિર્ણયનગરકાળીગામઓગણજબોપલચાંગોદરજગતપુરમોડાસર કે સાણંદમાં રહેતા હોય કામ કરતા હોય તો તેમનો મોબાઇલ ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયત્ન કરશો. ટેલિકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા બંધ પડેલા લેન્ડલાઈન નેટવર્કને રિએન્જિનિયરિંગ કરી પુનઃ ચાલુ કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે. આભાર.
* * * * * * *

(Friday, 20 April 2012 at 09:25am)
ભારતને ભ્રષ્ટાચારથી મુક્ત કરવા અન્ના હજારેએ અને પરદેશથી કાળુ નાણુ પરત લાવવા બાબા રામદેવે જ્યાંથી આંદોલનની શરૂઆત કરી એ દિલ્હીમાં તેઓ બન્ને મેદની જોઈને હરખાતા હતા. બીજી તરફ નિર્મલબાબા ભીડ એકઠી કરતા હતા. દેશ તો ભ્રષ્ટાચારથી મુક્ત ચોખ્ખો થતાં થશે, અત્યારે તો બધું નિર્મલ નિર્મળ.
* * * * * * *

(Saturday, 21 April 2012 at 09:05am)
ભારતમાં વિદ્યાર્થીઓને સસ્તું ટેબલેટ આપવાની એવી હોડ જામી છે કે દર્દીઓને સસ્તી ટેબ્લેટ આપવાની તો વાત જ જાણે કોરાણે મુકાઈ ગઈ છે.
* * * * * * *

(*) હરસુર ગઢવી - લોકસાહિત્યકાર
(Saturday, 21 April 2012 at 05:56pm)
સૌરાષ્ટ્રની તળપદી બોલીને પોતાના આગવા લહેકાથી પ્રસ્તુત કરી ડાયરા ગજાવનાર લોકસાહિત્યકાર હરસુર ગઢવીનું ગઈકાલે શુક્રવાર20 એપ્રિલની સવારે રાજકોટમાં 65 વર્ષની વયે અવસાન થયું. બેશક આ સમાચાર હું મોડા અને છાપું વાંચીને લખું છું. ફરક એટલો છે કે સાથે સ્વર્ગસ્થનો ફોટો છે. જ્યોતિ બસુસ્ટીવ જોબ્સદેવ આનંદજગજિત સિંહ કે શમ્મી કપૂરની વિદાય ટાણે પાનાં ભરી દેતા ગુજરાતી દૈનિકો ઘરઆંગણાના કળાકારનો એક ફોટો પણ સમાચાર સાથે ન મુકી શકે તેનું હરસુર ગઢવીની વિદાય જેટલું જ દુઃખ છે. નિમેષ દેસાઈની નાટ્યસંસ્થા કોરસના રજત જયંતી ઉત્સવ નિમિત્તે યોજાયેલા હાસ્ય દરબારમાં ભાગ લેવા આવેલા હરસુરભાઈ ગઢવીનો આ ફોટો 2005માં અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલમાં પાડ્યો હતો.
* * * * * * *

(Sunday, 22 April 2012 at 09:35pm)
વિદ્યા બાલનના અભિનયથી ચર્ચામાં આવેલી ફિલ્મ ધ ડર્ટી પિક્ચર’ આજે રવિવાર22 એપ્રિલના દિવસે સોની ટીવી પર એક નહીં બબ્બે વાર બતાવવાના હતા. સેન્સર બોર્ડનું A’ પ્રમાણપત્ર ધરાવતી આ ફિલ્મને ચેનલ પર પ્રદર્શિત કરવા યોગ્ય બનાવવા શનિવાર રાત સુધીમાં સાઇઠ કટ સૂચવાયા હતા જે ચેનલે મંજૂર રાખી U/A પ્રમાણપત્ર મેળવી લીધું હતું. એ પછી પણ આ ફિલ્મ આજે ચેનલ પર ન બતાવાઈ. સારું થયું. વધારે કટ સૂચવાયા હોત તો પછી ફિલ્મ આસ્થા’ કે સંસ્કાર’ ચેનલ પર બતાવવી પડતી.
* * * * * * *

(Monday, 23 April 2012 at 02:00pm)
છોકરા, ગાડીને રોજ સવારે આવીને કપડું મારી જવાનું. બોલમહિનાનું શું લઈશ?’
સાહેબ ગાડી કઈ છે એ તો કહો.’.....‘નેનો. વાજબી કહેજે. નાની ગાડી છે, ફટાફટ ઝાપટિયું મારી દેવાનું.
એ તો બરાબર સાહેબ પણ ગાડી લૂછતાં-કપડું મારતાં ગોબા પડે તો પગારમાંથી કપાત નહીં કરવાની. મંજૂર હોય તો મેસેજ કરજો ફેસબુક પર.
* * * * * * *

(* અંગત સંગ્રહ) બીજી લાઇનમાં ડાબેથી છઠ્ઠો તે બિનીત મોદી
(Monday, 23 April 2012 at 09:00pm)
અમદાવાદના મણિનગર વિસ્તારમાં ભૈરવનાથ રોડ પર આવેલી પ્રકાશ વિદ્યામંદિર પ્રાથમિક શાળામાં બાલ મંદિરથી ભણવાનું શરુ કર્યું હતું. વર્ષ 1973. ત્રીજા ધોરણ સુધી અહીં જ ભણ્યો. વર્ષ પૂરું થતાં ત્રીજા ધોરણના વિદ્યાર્થીઓનો આ સમૂહ ફોટો સોમવાર, 3 એપ્રિલ 1978ના રોજ લેવાયો હતો. ગ્રૂપ ફોટો પડાવવાનો હતો તેની આગોતરી સુચના આ રીતે મળ્યાનું યાદ છે.....'બરાબર તૈયાર થઈને યુનિફોર્મમાં આવજો. જેને ફોટાની કોપી જોઈતી હોય તેમણે એ માટે દસ રૂપિયા જમા કરાવવા સાથે લઈને આવવા.ફોટામાં ડાબી તરફ સ્કૂલના સંચાલક બહેન અને જમણી તરફ ત્રીજા ધોરણના વર્ગ શિક્ષિકા બહેન ઊભા છે જેમના નામ આજે યાદ નથી. એ પછીની બીજી લાઇનમાં ડાબેથી છઠ્ઠો ઊભો છે તે હું નામે બિનીત પ્રફુલ મોદી. ઓગણીસ (19) છોકરાઓ અને એટલી જ સંખ્યામાં છોકરીઓ ધરાવતા ક્લાસના એક પણ મિત્રનું નામ આજે યાદ નથી આવતું. એ વિગત આશરે લખવાનો અર્થ નથી. હા, એટલું યાદ છે કે સાથે ભણતા કેટલાક છોકરા-છોકરીઓ હું જ્યાં રહેતો એ ગંગેશ્વર સોસાયટીમાંથી જ આવતા હતા. ઘર અને સ્કૂલ એટલા નજીક હતા કે રિસૅસમાં ખાવાનો નાસ્તો જો હું વહેલો પૂરો કરી દઉં તો ઘરેથી મમ્મી બીજી વાર આપવા આવતી. મોટે ભાગે આ રોજનું થઈ પડ્યું હતું એટલે રોજની એ કડાકૂટ ટાળવા સંચાલક બહેને મારો નાસ્તાનો ડબ્બો જમા લેવાનું શરુ કર્યું હતું. હું રડવા બેસું તોય નાસ્તાનો ડબ્બો તો મને રિસૅસમાં જ મળે. સ્ટેટ બેન્કમાં કામ કરતા પપ્પાની ટ્રાન્સફર ઠાસરા (ખેડા જિલ્લાનું ડાકોર પાસેનું ગામ) થઈ એટલે ચોથું ધોરણ ભણવા ઠાસરા ગ્રામ પંચાયત સંચાલિત સ્કૂલમાં દાખલ થયો.બિનીત મોદી (અમદાવાદ)
મોબાઇલ : 9824 656 979 / E-mail: binitmodi@gmail.com
* * * * * * *

(Tuesday, 24 April 2012 at 09:31am)
જો, ઓણ સાલ ઉપજ હારી થઈ તો ગગાની બા તને સોનાની ચાર બંગડી કરાવી આલીશ અને દેવું ચૂક્તે કરીને જૂના દાગીના પણ છોડાવી આલીશ. (વીસમી સદીના ખેડૂતનું પત્નીને વચન)
ડાર્લિંગ, ખેતરનો સોદો પાર પડી ગયો તો એ ય પછી તો જલસા જ છે. ઓલી ચાર બંગડી વાળી ઓડી લાવશું, ફરશું ને એ ય ટેસથી હપતા ભરીશું પેટ્રોલ ભરાવવાના અને રીપેરીંગના. (એકવીસમી સદીના અડબંગનું પત્નીને વચન)
* * * * * * *

(Wednesday, 25 April 2012 at 10:25am)
ફ્લાઇટ શિડ્યુલની જાહેરાત આપવી છે.”.....“કઈ એરલાઈન્સમાંથી આવો છો?”.....“કિંગફિશર એરલાઈન્સ.”.....“ટચુકડી (ક્લાસિફાઈડ)માં આપવી છે કે પેનલ ડિસપ્લેમાં?”
* * * * * * *

(Thursday, 26 April 2012 at 12:00am)
થ્રી ઇડિયટ્સ ફિલ્મની ક્લાઇમેક્સ શું છેપિક્ચર ટીવી પર આવતું હતું ત્યારે ઘરની લાઇટ ચાલી જતાં છેલ્લા સીન જોઈ શકાયા નથી.
લાઇટ જ ગઈ હતી!”
હા...હા...લાઇટ ગઈ હતી. હું ફિલમનું પૂછું છું. એમાં શું થયું હતું?”
હું તમને એ જ તો કહું છું. ફિલમમાં પણ છેલ્લે લાઇટ જ જાય છે.
* * * * * * *

(Thursday, 26 April 2012 at 10:45pm)
મારું ભારત.....નંબર વન ભારત.....કેન્દ્ર સરકારે કપાસ ઉર્ફે 'રૂ'ની નિકાસ પર પ્રતિબંધ મુક્યો છે.....અને.....'દારૂ'ની આયાત પર કોઈ રોકટોક નથી.
* * * * * * *

(*) અર્ચના અને અપર્ણા : 1990 અને 2006
(Saturday, 28 April 2012 at 03:55pm)
દૂર દક્ષિણમાં વસેલા પડોશીની યાદ.....સૂર્યાબેન સતીશભાઈને સાદ.....
પહેલા ફોટામાં છે એ અર્ચના અને અપર્ણાના મમ્મી પપ્પા સૂર્યકલા અને સતીશ નારણપુરા અમદાવાદની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ઓફિસર્સ કોલોનીમાં અમારા પડોશી હતા. ઊસમાનપુરાની અરોમા હાયસ્કુલમાં ભણતી બન્ને બહેનોનો આ ફોટો ભાસ્કર એપાર્ટમેન્ટની અગાશીમાં 1989 - 1990ની આસપાસ પાડ્યો હતો. સ્કૂલેથી આવીને તેમનો પહેલો મુકામ અમારું ઘર અને ક્રમ મમ્મી સાથે વાતો કરવાનો રહેતો. વોલન્ટરી રિટાયર્મન્ટ સ્કીમના આગમન પહેલા સતીશભાઈએ બેન્કની નોકરી સ્વૈચ્છિક રીતે છોડી વતન કાલિકટ કેરળમાં ફાર્મા ક્ષેત્રે સ્વતંત્ર વ્યવસાય અપનાવ્યો અને સફળ રહ્યા. સૂર્યાબેન સતીશભાઈ આજે પણ અમદાવાદ આવે તો મારા પરિવારને મળવાનું ચૂકતા નથી. આજે વીસ બાવીસ વર્ષ પછી અર્ચના અને અપર્ણા પરણીને અમેરિકા અને બેંગલોરમાં તેમના પારિવારિક જીવનમાં ગોઠવાઈ ગયા છે. સૂર્યાબેન મારા મમ્મી પપ્પાને અમદાવાદ આવીને મળે ત્યારે એક વાત યાદ રાખીને કહે છે 'સુધાબેન પ્રફુલભાઈ, તમે મારી દીકરીઓ સાથે હંમેશા ગુજરાતીમાં જ વાત કરતા હતા. એ ભાષા તેઓ આજે પણ ભૂલી નથી. સ્વભાષા ઉપરાંત તેમને ત્રણ ભાષાઓ આવડે છે અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી તે તમારા કારણે.આવી જ એક અમદાવાદ મુલાકાત દરમિયાન 2006માં અર્ચના અને અપર્ણા મમ્મી પપ્પા અને પારિવારિક મિત્ર સાથે ઘરે મળવા આવ્યા ત્યારનો ફોટો બાજુમાં છે. આજે 28 એપ્રિલ સતીશભાઈનો જન્મદિન પણ છે. અમારા પરિવારની શુભેચ્છાઓ.
બિનીત મોદી (અમદાવાદ)

SooryaBen – SatishBhai : Our Neighbour from South
Archana and Aparna seen in the first photo were our neighbour along with their parents Sooryakala and Satish. This photo I had taken around 1989 - 1990 on the terrace of Bhaskar Apartment while they are returning from Aroma High School - Usmanpura. Bhaskar Apartment - officially recognized as State Bank of India Officer's Colony situated at Naranpura - Ahmedabad. SatishBhai opted to leave Bank job prior to VRS and settled down in Kalikat - Kerala with Pharma Business. On returning from school both the sisters first came to my house and keeps busy to my Mummy Sudhaben, insisting her to talk with them in Gujarati. More than Twenty Years had been passed. Archana and Aparna now Married and settled down with their respective families in USA and Bangalore. During such visit of 2006, Archana and Aparna visited us with their parents along with a family friend - A Photo is there on another side. Today 28th April is SatishBhai's Birthday - Best Wishes to Him from My Family.
Binit Modi (Ahmedabad)
* * * * * * *

(Monday, 30 April 2012 at 00:35am)
ફિલ્મ અભિનેત્રી રેખા દેશની સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં નોમિનેટ થતાં વોશિંગ પાઉડર નિરમાની જાહેરાતના સ્લોગન સાથે ઘટનાને જોડતા એસએમએસ શરૂ થયા.....હેમારેખાજયા ઔર સુષ્મા...સૌની પસંદ રાજ્યસભા.” ફેસબુક સહિતની સોશિયલ નેટવર્કીંગ સાઇટ પર આ SMSનું કોપી-પેસ્ટીંગ પણ થયું. ઉપરોક્ત એસએમએસને વગર પાઉડરે ધોઈ નાખતો એક સુધારો છે. રાજ્યસભામાં નિરમાની ટીમ પૂરી નથી થઈ. હેમા માલિનીજયા બચ્ચન અને રેખા બેશક રાજ્યસભાના સભ્ય છે પરંતુ સુષ્મા સ્વરાજ લોકસભાના સભ્ય હોવા ઉપરાંત વિરોધપક્ષના નેતાનો માનભર્યો હોદ્દો પણ ધરાવે છે.

આ અગાઉ અહીં મુકેલી એપ્રિલ – 2013ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લીંક આ રહી – http://www.binitmodi.blogspot.in/2013/05/2013.html

(* નિશાની વાળી તસવીરો : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

2 comments:

  1. સૌ મિત્રો,
    બ્લોગની 63મી પોસ્ટ (21 મે 2013)ના વાચન માટે આભારી છું.

    બિનીત મોદી (અમદાવાદ) / સોમવાર, 15 જુલાઈ 2013

    ReplyDelete
  2. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને બે વર્ષ પૂર્ણ થયા.
    63મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 21-05-2013 to 21-05-2014 – 210

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete