પ્રતિભાવો ઉર્ફે Comments

Thursday, March 17, 2016

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (ફેબ્રુઆરી – 2016)

(ફેબ્રુઆરી – 2016)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 64મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011થી 2015ના પાંચ વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે ફેબ્રુઆરી2016. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

(Monday, 1 February 2016 at 10:20am)
નિર્જીવ વસ્તુના પ્રવાસના વિક્રમની નોંધ લેતાં તેમજ દિવસો અને કિલોમીટરની તુલનાએ ગણતરી કરતા ગુજકોકબિલની ફાઇલોએ ગાંધીનગર દિલ્હી ગાંધીનગર વચ્ચે હરતાંફરતાં 2003થી સતત ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.
* * * * * * *

(
Tuesday, 2 February 2016 at 07:40pm)
ક્ષત્રિય ઠાકોર સેના આયોજિત વ્યસન મુક્તિ મહાકુંભપછી પટેલોમાં બે ભાગલા પડી ગયા છે...ચરોતરના તમાકુ પકવતા પટેલો અને એ સિવાયના તમાકુનું વાવેતર નહીં કરતા પટેલો.
* * * * * * *

(
Friday, 5 February 2016 at 11:11am)
ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપતી નવી નાણાકીય નીતિ ગુજરાત સરકારે એવે સમયે જાહેર કરી છે...જ્યારે...અભિનયના અસલી સુપરસ્ટાર દિલ્હી ચાલ્યા ગયા છે.
* * * * * * *

(
Tuesday, 9 February 2016 at 03:40pm)
લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, શાંતા કુમાર, કલ્યાણસિંહ, યશવન્ત સિન્હા, રામ જેઠમલાણી, શત્રુઘ્ન સિન્હા, કેશુભાઈ પટેલ, વજુભાઈ વાળા વગેરેએ પોલિટિકલ સ્ટાર્ટ-અપ અંગે ગંભીરતાથી વિચારવા જેવું છે.
* * * * * * *

(
Wednesday, 10 February 2016 at 04:30pm)
ઉંમરને લઇને કે વીઆરએસને કારણે નિવૃત્ત થયેલા જણને એકવાર અપાર્ટમન્ટ સોસાઇટીનો ચેરમેન સેક્રેટરી બનાવી દો...
...પછી જે ઉપાડો લે તેનું કંઈ કહેવાય નહીં...સહેવાય નહીં...
* * * * * * *

(
Thursday, 11 February 2016 at 12:12pm)
સ્માર્ટફોનમાં મોં ખોસી રાખવાની આદતના કારણે માથામાં તેલ નાંખી આપનારનું કામ અગાઉ કરતા સહેલું થયું છે.
* * * * * * *
હર્ષદ મહેતા (બીગ બુલ, 1990)

(
Thursday, 11 February 2016 at 08:10pm)
શેરબજારસેન્સેક્સસામાયિક અને સંતમોરારીબાપુ...
શેરબજારમાં આજે દિવસ દરમિયાન 800 પૉઇન્ટનો કડાકો...(11 ફેબ્રુઆરી 2016)
હર્ષદ મહેતા (1990)કેતન પારેખ (2001) અને જિજ્ઞેશ શાહ (2014) સરખા સટોડિયાઓની સૌથી વધુ અને એકસરખી વકીલાત કરનારા ચિત્રલેખાસામાયિક દ્વારા આજે સાંજે આયોજિત કાર્યક્રમના મુખ્ય મહેમાન છે મોરારીબાપુ...
કેતન પારેખ (સ્ટોક સ્કેમ, 2001)
...અને કાર્યક્રમનું સ્થળ છે મુંબઈનું શેરબજાર ઉર્ફે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઇન્ટરનેશનલ કન્વેન્શન હોલ...
સેન્સેક્સ જોઇએ હવે કાલે તારું શું થાય છે. સ્પોન્સર્ડ સટોડિયાઓ પણ તારી ગતિ દુર્ગતિની રાહ જોઈ રહ્યા છે.

* * * * * * *

(
Sunday, 14 February 2016 at 12:34pm)
પ્રેમ કરવામાં બહુ ગણતરીઓ કરવાની ના હોય...
પણ જમાનાની તાસીર અને આજની તારીખ એમ કરવાની ફરજ પાડે છે...
14 + 2 = (20) 16 – Happy Valentine’s Day
* * * * * * *

(
Monday, 15 February 2016 at 12:34pm)
લોહીનો પેથૉલૉજી ટેસ્ટ કરાવો ત્યારે ફૉર્મમાં દેશદાઝસામે ટિક્ માર્ક કરી દેવું...
...ખબર પડે કે રહી છે કે નહીં અને સરકાર માઈ-બાપને જણાવી પણ શકાય.
* * * * * * *
ચાઇનીઝની લારીઓની સેવામાં : ગુજરાત યુનિવર્સિટી

(
Thursday, 18 February 2016 at 12:15pm)
જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (JNU)ના કેમ્પસ્ પર થતી પ્રવૃત્તિ રાષ્ટ્રવિરોધી કહેવાતી હોય તો ગુજરાત યુનિવર્સિટી (GU)ના કેમ્પસ્ બહાર થતી પ્રવૃત્તિને પણ રાષ્ટ્રવિરોધી જ લેખાવવી જોઇએ...
કેમ કે...તેની ચારેબાજુ ચાઇનીઝની લારીઓ રાષ્ટ્રસેવામાં ખડે પગે અડીંગો જમાવીને ઊભી છે.
* * * * * * *
વિજય રમણિકલાલ રૂપાણી

(
Friday, 19 February 2016 at 12:39pm)
ગુજરાતમાં રાજકીય પક્ષોના પ્રદેશ પ્રમુખનો હોદ્દો છેલ્લા દસ પંદર વર્ષથી પનિશ્મન્ટ પોસ્ટિંગ / Punishment Posting ગણાય છે.
કૉંગ્રેસ ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ માધવસિંહ સોલંકી
ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ વિજય રમણિકલાલ રૂપાણી
* * * * * * *

(
Sunday, 21 February 2016 at 07:50pm)
કેટલાક ઉત્સાહી લોકો ગુજરાતીમાં પણ હુંને કૅપિટલ અક્ષરમાં લખવાનો પ્રયત્ન કરતા હોય છે.
(વિશ્વ માતૃભાષા દિવસ : 21 ફેબ્રુઆરી)
* * * * * * *

(
Monday, 22 February 2016 at 04:44pm)
ટીવીની ચોવીસ કલાકની ચેનલોએ રાષ્ટ્રીય મુદ્દાઓની ચાદર એટલી મોટી કરી મુકી કે સ્થાનિક પ્રશ્નો ઓશિકાના ગલેફમાં સોડ તાણીને સુતા છે.
* * * * * * *
તેજસ્વી પ્રતાપ યાદવ અને તેજ પ્રતાપ યાદવ
લાલુ પ્રસાદ યાદવના બે અણમોલ રતન

(
Tuesday, 23 February 2016 at 05:00pm)
બિહાર વિધાનસભાની 2015માં યોજાયેલી ચૂંટણીના પરિણામો પછી લાલુ પ્રસાદ યાદવના બે બાબા મંત્રી બની ગયા...
આમને આમ...2030 સુધીમાં નવે નવનું...હંધાયનું ઠેકાણુ પડી જાહે.
* * * * * * *

(Wednesday, 24 February 2016 at 04:15pm)
NPAની ચર્ચા થાય, ના થાય એની હારોહાર JNU આવી પુગ્યું...RAM નસીબદાર છે.
RAM = રિઝર્વ બૅન્કના ગવર્નર રઘુરામ રાજન, નાણા પ્રધાન અરૂણ જેટલી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી
(NPA = Non Performing Assets / JNU = Jawaharlal Nehru University)
* * * * * * *

(
Friday, 26 February 2016 at 09:25am)
રેલવે સ્ટેશન પરના કુલીબિરાદરને હવેથી સહાયકના નામે સંબોધવાનો છે તો પછી કુલીફિલ્મની રિમેક નવા નામે જાહેર કરવાનો આજે યોગ્ય શુક્કરવાર છે.
(રેલવે બજેટ 2016 : 25 ફેબ્રુઆરી, રેલવે પ્રધાન સુરેશ પ્રભુ)
* * * * * * *

(
Saturday, 27 February 2016 at 01:50pm)
ભારતમાં જંગલમાં વસતા દીપડાઓ કરતા પાંજરે પુરાયેલા દીપડાઓની સંખ્યા વધી ગઈ છે.
* * * * * * *
નાણા પ્રધાન અરૂણ જેટલી : કેતન પારેખના વકીલ

(Monday, 29 February 2016 at 12:00 Noon)
છાપેલું બજેટ પુસ્તકરૂપે અર્પણ કરવાનું હોય તો કોને કરો?”
હર્ષદ મહેતાના વકીલ રામ જેઠમલાણીને અને મારા અસીલ કેતન પારેખને.
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ with અરૂણ જેટલી...
હર્ષદ મહેતા અને કેતન પારેખ = મુંબઈ શેરબજારના સટોડિયાઓ

ગયા મહિને અહીં મુકેલી જાન્યુઆરી – 2016ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી ફેબ્રુઆરી2011, ફેબ્રુઆરી2012, ફેબ્રુઆરી2013, ફેબ્રુઆરી2014 તેમજ ફેબ્રુઆરી 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://www.binitmodi.blogspot.in/2013/03/2011.html


(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

Tuesday, March 01, 2016

બજેટ, બીએસએનએલ અને વડનગર


શીર્ષક હજી વધુ લાંબુ કરી શકાય એમ છે. જેમ કે ‘બજેટ, બીએસએનએલ અને વર્તમાન વડાપ્રધાનનું વતન વડનગર’. એમ કરવા જતાં યાદ આવ્યું કે કાલખંડ દરમિયાન આ પોસ્ટ ગમે તે સમયે કોઇના પણ વાંચવામાં આવે ત્યારે ‘વર્તમાન વડાપ્રધાન’ કોને ગણવા? મૂળ પોસ્ટ લખાઈ એ સમયના કે વંચાતી હોય એ વખતના? ગૂંચવાડા થશે અને વધશે એમ લાગતા શીર્ષકને લંબાવવાનો વિચાર પડતો મૂકીને મૂળ વાત કરવાનો વિચાર જ અમલમાં મૂક્યો છે...એ પણ ટૂંકમાં જ.

દર વર્ષે ફેબ્રુઆરીના આખરી દિવસે (28 કે 29 ફેબ્રુઆરી) કેન્દ્ર સરકારના નાણા પ્રધાન સામાન્ય બજેટ / Union Budget રજૂ કરે છે. આગામી નાણાકીય વર્ષ દરમિયાન સરકારને ક્યાંથી – કયા સ્ત્રોત મારફતે આવક થશે અને સરકાર એ નાણા ક્યાં – કઈ નાગરિક સુખ-સુવિધા પાછળ ખર્ચ કરશે તેનો સામાન્ય અંદાજ તેમાં બાંધવામાં આવ્યો હોય છે. એ પરંપરામાં ગઈ કાલે 29 ફેબ્રુઆરી 2016ના રોજ કેન્દ્રિય નાણા પ્રધાન અરૂણ જેટલીએ / Arun Jaitley લોકસભામાં અંદાજપત્રની રજૂઆત કરી. અંદાજપત્ર અટપટું હોય છે અને સમજમાં આવે તો સારું છે. પણ એવું થતું નથી. અરે અંદાજ બાંધ્યા પ્રમાણે પણ બધું થતું નથી.

ખાતર ઉપર દિવેલ જેવું ટેલિફોન બિલ : ઉઘરાણીની રકમ રૂપિયા છ
જેમ કે આ સાથેનું ટેલિફોન બિલ. સંદેશા વ્યવહારની એકથી વધુ પ્રકારની સુવિધાઓ પૂરી પાડતા કેન્દ્ર સરકારના સંદેશા વ્યવહાર વિભાગ હસ્તકના ‘ભારત સંચાર નિગમ લિમિટેડ’ / BSNL / http://www.bsnl.co.in/ દ્વારા મહેસાણા ટેલિકોમ ડિસ્ટ્રીક્ટ મારફતે ઇસ્યુ થયેલું ટેલિફોન બિલ ‘વડનગર સંગ્રહાલય’ના / Vadnagar Museum નામે છે. ડિસેમ્બર – 2015ના પ્રારંભે બનેલું અને એ જ મહિનામાં જેની ચૂકવણી કરી આપવાની છે તેવા આ ટેલિફોન બિલમાં અંકે રૂપિયા 6=00 અને શબ્દે માત્ર રૂપિયા છ પૂરાની ઉઘરાણી કરવામાં આવી છે. આ માગણી કેટલા વખત જૂની છે તેનો હિસાબ મહિનાઓમાં થાય એમ નથી. કેમ કે ગુજરાત રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના તત્કાલીન મંત્રી ઇન્દ્રવિજયસિંહ જાડેજા (પાછળથી આઇ.કે. જાડેજા નામે વધુ ઓળખાતા)એ જાન્યુઆરી – 1996માં આ સંગ્રહાલયનો પ્રારંભ કરાવ્યો હતો. સંગ્રહાલયને જાળવી રાખવાની અને રોજિંદા ધોરણે તેનું સંચાલન કોણ કરશે એ પ્રકારની વહીવટી જવાબદારી એ સમયે નક્કી નહોતી થઈ.

ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ, માહિતી ખાતું, પુરાતત્વ વિભાગ કે કેન્દ્ર સરકાર હસ્તકનો આર્કિયોલોજી વિભાગ – આ ચારમાંથી કોણ આ ‘વડનગર સંગ્રહાલય’ની વહીવટી જવાબદારી નિભાવશે એ તે સમયે નક્કી નહોતું. એટલે સંગ્રહાલય માટે એક નહીં બે ટેલિફોન કનેક્શનની અરજી કરવામાં આવી. ટેલિફોન જોડાણ મેળવવા એ સમયે દુર્લભ જ હતા પણ આ તો સરકારના જ બે જુદા – જુદા વિભાગોમાંથી આવેલી અરજી એટલે એક નહીં, માંગે એટલા ફોનની મંજૂરી મળી જાય. મળી ગયા – એક નહીં બબ્બે ફોન. વખત જતા તો નહીં પણ સંગ્રહાલયના ઉદઘાટન પછીના થોડા જ સમયમાં ગાંધીનગરથી આવેલા ખાતાકીય વડા સાહેબના ધ્યાન પર આવ્યું કે અહીં માત્ર એક જ ટેલિફોન જોડાણની જરૂર છે.

મ્યૂઝિઅમના ગાર્ડિઅન અને ગાઇડ
શું કરવાનું હવે? હુકમ થયો કે એક ટેલિફોન કનેક્શન પાછું આપી દો. આપી દીધું. ખાતાકીય ધોરણે સરકારી રાહે પત્ર લખીને જાણ કરી હતી કે કેમ તે હાલમાં સંગ્રહાલયનું સંચાલન સંભાળતા ગાર્ડિઅન / ગાઇડને ખબર નથી. કેમ કે જે-તે સમયે અને આજે પણ સાહેબ વર્ગ વડોદરા અથવા ગાંધીનગરમાં બેસે છે અને મહિને એક જ વાર અડધો કલાક માટે મ્યૂઝિઅમની મુલાકાતે આવે છે. એ ઘડી ને આજનો દહાડો...મ્યૂઝિઅમના દરબાર રોડના સરનામે ટેલિફોન નંબર (02761) 223 847 નું બિલ આવવાનું ચાલુ છે. રકમ છે માત્ર રૂપિયા છ. ગાર્ડિઅન / ગાઇડ નરેન્દ્ર હરિભાઈ પરમાર અને નગીનભાઈ અમથાભાઈ ધોબીને આજ દિન સુધી એવું યાદ નથી આવતું કે કદીકને કોઈ બી.એસ.એન.એલ વાળો જણ આ રકમની ઉઘરાણી કરવા આવ્યો હોય. ‘ટેલિફોનનું ડબલું તો અમે કે ’દિનું માળિયે ચઢાવી દીધું છે’ એમ કહી એક કબાટ તરફ આંગળી ચીંધીને બન્નેએ મારી સામે જોયું.

મને કહે સરકારી સંસ્થા હોવાથી નિયમ મુજબ દર મહિને આવતું ટેલિફોન બિલ અમે ગાંધીનગર મોકલી આપીએ છીએ. ત્યાંથી શું કાર્યવાહી થતી હશે એની અમને જાણ નથી. સાહેબો એમ કહે છે કે ઉપરોક્ત ટેલિફોન જોડાણને રદ ગણી બિલ નહીં મોકલવા અને ટેલિફોન ઇન્સ્ટ્રુમન્ટ્ જમા લેવા એકથી વધુ વખત સરકારી રાહે જાણ કરી છે. એનો મતલબ એ થયો કે સરકારનો જ એક વિભાગ તેના જેવી બીજી સરકારી કચેરીની વાત કાન દઇને સાંભળતો નથી કે પત્ર વાંચીને કાર્યવાહી પણ નથી કરતો અને નિયમિતપણે છ રૂપિયાની બિલ ઉઘરાણી ચાલુ રાખે છે. એમ કરવા માટે ટેલિફોન વિભાગને દર મહિને સહેજે પંદર-વીસ રૂપિયાનો તો ખર્ચ થતો હશે. કેમ કે દાયકા અગાઉ નિગમરૂપે બી.એસ.એન.એલ પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ વિભાગથી અલગ થયું તે પછી પોસ્ટ ખાતું ટેલિફોન બિલ વહેંચણી કરવાના રૂપિયા વસૂલે છે. જાણીતી કહેતી મુજબ ‘ખાતર ઉપર દિવેલ’ નાંખવાનો આ શિરસ્તો ક્યાં સુધી ચાલુ રહેશે તેની કોઇને ખબર નથી.

એટલે સરકાર કે તેનો કોઈ એક વિભાગ આવક – જાવકના ગમે તેટલા (સાહેબોને ગમે એવા પણ) અંદાજો બાંધે. એમાં આવા વણજોઇતા, ખાતર ઉપર દિવેલ ગણાય એવા ખર્ચાઓનો કોઈ હિસાબ રહેતો નથી કે કોઈ કરતું પણ નથી.

આટલું વાંચ્યા પછી તમે કહેશો ‘ભઈસાબ મ્યૂઝિઅમ વિશે તો બે શબ્દ પાડવા તા’...તો મારું તમને કહેવું છે કે વર્તમાન વડાપ્રધાનનું વતન છે. ભૂતપૂર્વ થઈ જશે તો ય વતન તો વતન જ રહેવાનું છે. એ કંઈ થોડું બદલાવાનું છે. મ્યૂઝિઅમની અગાસી અદભૂત છે. તેના એક છેડેથી નરેન્દ્ર દામોદરદાસ મોદી / Narendra Modi જે સ્કૂલમાં પ્રાથમિક કક્ષાએ ભણ્યા તેનું પટાંગણ દેખાય છે તો પૂરા નગરનું દર્શન પણ અહીંથી જ થાય છે કેમ કે વડનગર / Vadnagar નામના ગામની આજની તારીખે આ સૌથી ઊંચી ઇમારત છે.


(તસવીરો : બિનીત મોદી)