નોકરીધંધાના આશ્ચર્યજનક અને અજાયબી થાય એવા પ્રકાર કે જે જાણ્યા પછી ‘નેસેસિટી
ઇઝ ધ મધર ઑફ ઇન્વેન્શન’ એ ઉક્તિ તાજી થઈ આવે.
હૉસ્પિટલમાં કોઈક કામસર જવાનું થયું ત્યારે એક ભાઈએ સહસા કહ્યું, “સાહેબ, કંઈ સેવાનું કામ હોય તો યાદ કરજો.” આ ડાયલૉગ સાંભળીને થોડી નવાઈ લાગી.
મને સેવાની ઑફર કરનાર ભાઈ અજાણ્યા હતા. થોડી વાતચીત
કરી તો જાણવા મળ્યું કે તેમનું નામ કિરીટભાઈ છે અને કામ? આ જ છે...દર્દીઓની સેવા કરવાનું – પેઇડ સેવા. આજકાલ જીવન દોડધામભર્યું બની
ગયું છે. કોઈની પાસે ટાઇમ હોતો નથી. માંદગીમાં પણ એક હદથી વધુ મદદરૂપ થઈ શકાતું
નથી. હૉસ્પિટલમાં કે ત્યાંથી રજા લઇને ઘરે આવેલા દર્દીને સતત સમય નથી આપી શકાતો. એવા
સમયે કિરીટભાઈ જેવા સહાયકો મદદે આવે છે.
કિરીટભાઈ પાલનપુરમાં ખેતમજૂરી કરે છે. તેમાં બારેય
મહિના કામ મળતું નથી. એટલે બેકારીના મહિનાઓમાં તે અમદાવાદ આવીને રોજીરોટી શોધે છે.
મોટી હૉસ્પિટલો તેમના માટે એમ્પ્લૉયમૅન્ટ એક્સચેન્જ ઉર્ફે રોજગાર કચેરીની ગરજ સારે
છે. હૉસ્પિટલમાં દાખલ થયેલા કે સારવાર લીધા પછી ઘર તરફ રવાના થતા દર્દીઓ તેમના ક્લાયન્ટ
છે – ‘ઘરાક’ નહીં, ક્લાયન્ટ. હૉસ્પિટલમાં ચોવીસ કલાક રહીને સંબોધનનો
આટલો ફેરફાર તે શીખી ગયા છે.
દર્દી સાથે તેમણે કેટલા કલાક ગાળવાના, તેના આધારે દૈનિક ફીનું ધોરણ નક્કી થાય છે. એ રકમ
રોજ રૂપિયા પાંચસોથી હજાર વચ્ચેની હોય છે. તેમની સેવા લેનારે તેમના નહાવા-ધોવાની-જમવાની
તથા ઘરે મદદમાં આવે ત્યારે તેમનો રોજિંદો સામાન મુકવાની તેમ જ આરામ કરવા જેટલી
જગ્યા આપવાની રહે છે. એ સિવાય તેમની કોઈ માગણી હોતી નથી. રજા લેવાની થાય તો અગાઉથી
જાણ કરવાની અને બદલીમાં અન્ય સેવકને મુકી જવાની દરકાર એ રાખે છે.
ડ્રાઇવર તરીકેની નોકરીમાં કશું નવું નથી, પણ કેટલાક ડ્રાઇવર તેમના ‘શેઠ’ની જરૂર પ્રમાણે કાર ચલાવવા ઉપરાંતની વિશિષ્ટ સેવાઓ
પણ આપે છે. એક જાહેર કાર્યક્રમમાં મારી બાજુમાં એક ડ્રાઇવર ભાઈ બેઠા હતા. કાર્યક્રમ
શરૂ થવાનો સમય નજીક આવ્યો, પણ હાથમાં ચાવી રમાડતા એ ભાઈની
નજર હૉલના ગેંગ-વે તરફ હતી – જાણે કોઈની રાહ જોઈ રહ્યા હોય. એવી શંકા કરવી તો ન
જોઇએ, પણ મને લાગ્યું કે આ ભાઈ આમંત્રિત લાગતા નથી. કાર્યક્રમમાં
મુખ્ય વક્તા તરીકે એક મોટા રાજકારણી હતા. તેમને મોં બતાવવાની ગણતરીએ આવેલા ‘મોટા’ લોકોની સંખ્યા મોટી હતી. એવામાં આ ચાવી રમાડતા ભાઈ
શું કરતા હશે?
થોડી વારમાં મને જવાબ મળી ગયો. ગેંગ-વેમાં પ્રવેશેલી
એક વ્યક્તિને જોતાંવેંત મારી બાજુમાં બેઠેલા ભાઈ ઊભા થઈ ગયા. નજીક આવી ગયેલી
વ્યક્તિને તેમણે ચાવીની સાથોસાથ ખુરશી પણ હવાલે કરી અને પાર્કિંગ એરિયામાં ગાડીનું
સ્થાન ક્યાં છે તેના અક્ષાંશ-રેખાંશ જણાવ્યા. એટલે પેલા મહાનુભાવે ખિસ્સામાંથી સો
રૂપિયાની નોટ કાઢી અને ડ્રાઇવરને આપતાં કહ્યું, “હવે તારે મારી રાહ જોવાની જરૂર
નથી. નાસ્તો કરજે અને રિક્શા પકડીને ઘર ભેગો થઈ જજે.”
આ ડાયલૉગ પછી પોતાની ‘રિઝર્વ્ડ’ ખુરશી પર બેસતાં પેલા સજ્જન મારી સામે જોઈને હસ્યા
અને કહે, “મારો ડ્રાઇવર હતો. સિક્યૉરિટી ચેક વચ્ચે છેલ્લી ઘડીએ કાર્યક્રમના સ્થળે
પહોંચીને હૉલમાં સારી જગ્યા લેવાનું તો ઠીક, પ્રવેશ લેવાનું પણ મુશ્કેલ હોય છે. પાર્કિંગ પણ ન મળે. એટલે હું કલાક પહેલા
ડ્રાઇવરને મોકલી આપું છું. ગાડીને પણ જગ્યા મળે અને મને પણ.”
જીવનવીમા કંપનીના વિકાસ અધિકારી (ડેવલપમૅન્ટ ઑફિસર)નું
કામ વીમાપૉલિસી સ્વરૂપે નિગમનો ધંધો વધારવાનું હોય છે. પણ પગારની રકમ વધ્યા પછી
હવે વિકાસ અધિકારીઓએ કંપની સાથે સંકળાયેલા એજન્ટોની સંખ્યા વધારી દીધી છે. પૉલિસી
લેવા આવતા લોકોને સમજાવવામાં આવે છે કે, ‘વીમો તો લો, સાથોસાથ એજન્સી પણ લઈ લો. ઘરમાંથી ચૂકવાતા
પ્રીમિયમનું કમિશન ઘરમાં જ પાછું આવશે.’ નવો ધંધો મળે તો ઠીક છે, ન મળે તો પોતાના પ્રીમિયમના કમિશનની આવક તો ખરી જ.
સામાન્ય વીમા કંપનીઓનો અધિકારી વર્ગ હવે ઑફિસમાં કામ
કરવાને નાનમ સમજે છે. એટલે તે ઓળખીતા-પરિચિતોના ગ્રૅજ્યુએટ સંતાનને નોકરીએ રાખે
છે. ઑફિસમાં નામ માત્રની કે સહી-સિક્કા કરવા પૂરતી હાજરી આપે છે. બાકીનું પરચૂરણ
કામ તેમણે રોકેલા માણસો કરે છે, જેમને ખાનગીમાં ‘ફોલ્ડર’ તરીકે ઓળખવામાં
આવે છે. ખપ પૂરતો કે ખર્ચ પૂરતો પગાર આપીને અથવા કમિશનની લાલચે આ વર્ગ છઠ્ઠા પગારપંચ-સમૃદ્ધ
અફસરોની સેવામાં તહેનાત રહે છે. એક રીતે જોઇએ તો, શિક્ષણક્ષેત્રમાં સત્તાવાર રીતે સ્વીકારાયેલી ‘વિદ્યાસહાયક’ જેવી વ્યવસ્થાનું જ થોડા ફેરફાર સાથેનું સ્વરૂપ છે. અલબત્ત, બન્ને વચ્ચે મુખ્ય ફરક એ છે કે વિદ્યાસહાયકોની નિમણૂક
કાયમી શિક્ષકો નહીં, સરકાર પોતે જ કરે છે અને વિદ્યાસહાયકોના આવવાથી
કાયમી શિક્ષકોને કામ કર્યા વિના પગાર મળી જતો નથી.
તગડા પગાર ન મેળવતા કેટલાક લોકો પોતાની સગવડ અને
મિત્રની રોજગારીનું ધ્યાન રાખીને પેટાનોકરીઓ પેદા કરે છે. જેમ કે, મોઘા ભાવે આંતરરાષ્ટ્રીય સ્તરની સેવા આપતી કુરિયર કંપનીઓમાં
કર્મચારીઓને મળતા પગારનું ધોરણ સામાન્ય કરતાં સારું હોય છે. એટલે આર્ટિકલ
ડિલિવરીના કામ સાથે સંકળાયેલા લોકો પોતાની સાથે મિત્રને પણ કામે રાખી લે છે. એને
પગાર પોતે ચૂકવે અને દિવસભર પોતાના સહાયક તરીકે સાથે રાખે. આ પ્રકારની નોકરીમાં
મોટરસાઇકલ ડ્રાઇવ કરવાની જવાબદારી મોટે ભાગે સહાયક-મિત્રના શિરે આવે છે. કેમ કે
શહેરમાં એ એક મોટું કામ છે. મહેનતવાળાં તમામ કામ સહાયક-મિત્રે સંભાળવાનાં હોય છે.
જેમ કે લિફ્ટની સગવડ ના હોય તેવા બિલ્ડિંગમાં સીડીની ચડ-ઊતર તેમણે કરવાની.
આ ગોઠવણ બન્નેને અનુકૂળ લાગતી હોવાથી તે સુખરૂપ ચાલે
છે. સહાયક-મિત્રને રોજગારી મળે છે, જ્યારે મૂળ કર્મચારીને
સહાયક-મિત્રની મદદને કારણે વધારાનો સમય મળી રહે છે. તેનો એ સ્માર્ટફોન વડે શૅરબજારમાં
ઑનલાઇન લે-વેચ કરવાથી માંડીને બીજી કોઈ પણ રીતે ફળદ્રૂપ ઉપયોગ કરી શકે છે. ઉપરાંત, બે જણ સાથે હોવાથી પાર્કિંગની કડાકૂટ તેમજ આર્ટિકલ
સાચવવાની જવાબદારીમાં ઘણી રાહત મળે છે.
પોતાની મૂડી રોકીને સ્વતંત્ર ધંધો કરવાને બદલે, એ રોકાણ કોઈના માટે કરીને, એને ત્યાં નોકરી કરવાનો આઇડિયા કેવો કહેવાય? જેવો જેનો અભિપ્રાય, પણ અમદાવાદ જેવા શહેરમાં એ ઠીક
ઠીક પ્રમાણમાં ચાલે છે. અહીં ટૅક્સી-સર્વિસ આપવા માટે અડધો ડઝનથી પણ વધુ કંપનીઓ
બજારમાં આવી છે. તેમની પાસે રહેલી બધી કાર કંપનીની માલિકીની નથી હોતી. કેટલીક કાર
‘ડ્રાઇવર’ની માલિકીની હોય છે.
હા, શહેરી યુવાનોનો એક વર્ગ એવો છે
જેમનું ભણતર ઓછું છે, એટલે તેમને નોકરી મળે એમ નથી. ધંધો કરવાની આવડત કે
એટલી મોટી મૂડી નથી. એવા લોકો પોતે કાર ખરીદે છે અને એ કાર ટૅક્સી કંપનીઓને લીઝ પર
આપે છે. બદલામાં કંપની તેમને કાર ખરીદવા માટે કરેલા રોકાણ પર વળતર આપે છે અને એ
લોકો પોતાની જ કારના ડ્રાઇવર તરીકે કામ કરવા માગતા હોય, તો તેમને પગાર કે ટ્રિપ દીઠ મહેનતાણું ચૂકવે છે.
કંપનીને ફાયદો એ છે કે બૅન્ક પાસેથી મોંઘા વ્યાજદરની
લોન લેવી પડતી નથી અને કાર ખરીદ્યા વિના, ફક્ત ઑફિસ સ્પેસ ભાડે રાખીને, તેમાં એક ટેબલ નાખીને ટૅક્સીનો ધંધો ચલાવી શકાય છે.
તેમના માટે ‘ડ્રાઇવર’ તરીકે કામ કરતા કારમાલિક સાંજ પડ્યે ગાડી પોતાના ઘરે
લઇને જાય છે એટલે એમને નિરાંત અને કંપનીને ગાડીનું પાર્કિંગ શોધવું ન પડે એ સુખ.
લાઇટબિલ, ટેલિફોનબિલ, વીમાનાં પ્રીમિયમ, મ્યુનિસિપાલિટીનો વેરો – આ બધું ભરવાની માથાકૂટ ઈ-બૅન્કિંગના જમાનામાં ઘણી
હદે ટળી ગઈ છે. પણ ત્યાર પહેલાં એ એવું કામ હતું જે કહેવાય નાનું, પણ એના માટે સમય કાઢવાનું નોકરિયાત માણસોને અઘરું
લાગે. એ વખતે, વસતીની ગીચતાની રીતે સૌથી મોટા ગણાય તેવા અમદાવાદના
સોલા રોડ (નારણપુરા) વિસ્તારમાં અખબારોના ફેરિયા કાયમી ગ્રાહકો માટે વિશિષ્ટ ઑફર
મૂકતા હતા : પેપરના બિલની
વાર્ષિક રકમ તમે એડ્વાન્સમાં ચૂકવી દો તો બદલામાં તે ગ્રાહકનાં લાઇટ – ટેલિફોનનાં
બાર બિલ ભરી આવવાની જવાબદારી એ ફેરિયાની. એ સિવાયની સેવાઓ પણ મહિનાના અંતે વધારાનું
મહેનતાણું ચૂકવીને ગ્રાહકો મેળવી શકે. તેમાં ઇસ્ત્રીનાં કપડાં આપવા-લેવા જવાથી
માંડીને પ્લમ્બર, સુથાર કે ઇલેક્ટ્રિશિયનને બોલાવી આપવાનો સમાવેશ થતો
હતો.
આ ‘મૉડેલ’નું અમદાવાદના અન્ય વિસ્તારોમાં
અનુકરણ થતાં, વ્યવસાયી ધોરણે સેવા આપવા નીકળેલા લોકોનાં શટર પડી ગયાં.
કેમ કે એ લોકો આ કામ માટે અલગ ઑફિસ ખોલીને બેઠા હતા. આખરે ઈસીએસ આવ્યા પછી બિલની
સેવાઓનો પણ અંત આવ્યો. હજુ આ પ્રકારની સેવા આપનારા રડ્યાખડ્યા જડી આવે છે, પણ તેમના સર્વિસચાર્જ સામાન્ય માણસને પોસાય તેવા
હોતા નથી.
ઇન્ટરનેટ તેમજ એજન્ટપ્રથાને કારણે હવે રેલવે સ્ટેશન
પર જઇને રિઝર્વેશન કરાવવાનું ચલણ ઘટી ગયું છે. પણ કમ્પ્યૂટરાઇઝડ્ રિઝર્વેશન
પ્રથાના આરંભકાળે સ્થિતિ જુદી હતી. એ સમયે SOTC અને TCI (Travel Corporation of India) જેવી માતબર કંપનીઓ આ ધંધામાં હતી. ટિકીટબારી પર લાઇનમાં
ઊભેલા કંપનીના બુકિંગ એજન્ટો તેમના સફેદ બગલા જેવાં પૅન્ટ-શર્ટના યુનિફૉર્મને
કારણે બધાથી અલગ તરી આવે. એ લોકો તેમની સાથે બે પટાવાળાને પણ લાઇનમાં રાખે. જે ‘પાર્ટી’ની ટિકિટ બુક કરાવવાની હોય તેમને કે પછી ઑફિસમાં
છેલ્લી ઘડીએ કંઈ પૂછવાનું થાય તો લાઈનની બહાર નીકળીને પબ્લિક ફોન સુધી જવું પડે. (ત્યારે
મોબાઇલ તો ઠીક, પેજર પણ આવ્યાં ન હતાં.)
લાઇનની બહાર નીકળતી વખતે એજન્ટ ખાતરી કરી લે કે
લાઇનમાં બે-ચાર નંબર પાછળ એમનો બીજો માણસ ઊભેલો છે કે નહીં. એ ફોન કરીને પાછા આવી
જાય ત્યાં સુધીમાં તેમની ‘પ્રૉક્સી’ તરીકે પાછળ લાઇનમાં ઊભેલા બીજા
માણસનો નંબર આવવામાં હોય. ઈ-ટિકિટના જમાનામાં આવા વ્યવહારની વાત, સુપરસૉનિક યુગમાં બળદગાડા જેવી લાગે.
પરંતુ ભારતમાં સુપરસૉનિક વિમાન અને ગાડાં એક જ સમયમાં, સમાંતરે ચાલી શકતાં હોય ત્યારે, કુછ ભી હો સકતા હૈ.
(નોંધ: બીરેન કોઠારી, દીપક સોલિયા, ઉર્વીશ કોઠારી અને ધૈવત ત્રિવેદીના સંપાદન હેઠળ
પ્રકાશિત થયેલા અર્ધવાર્ષિક વિશેષાંક ‘સાર્થક જલસો’ના દિવાળી 2014 અંક – પુસ્તક 3 માં ઉપરોક્ત લેખ પ્રકટ થયો હતો.)
(તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)
સરસ માહિતી. ઘણાંને આમાંથી પ્રેરણા મળી શકે.
ReplyDeleteસરસ લેખ... જેમણે કામ કરવુજ છે તેમને કોઇ રોકી શકતુ નથી... હા, કામ કરવા માટે શરમ ના હોવી જોઇએ...કોઇ કામને નાનુ મોટુ માન્યા સિવાય કામ તરીકેજ જોવુ જોઇએ...
ReplyDeleteહું ઇન્ડિયા હતો ત્યારે અમારા ઘરે છાપુ નાખવા આવનાર એક બેંકમાં સારી પોસ્ટ પર અધિકારી હતા.... પપ્પાના ઓળખીતા એટલે ખબર કે તેઓ સવારે મોર્નિંગ વોક કરવામાંથી આવિ પ્રેરણા મેળવીને મોર્નીંગ વોક સાથે થોડી આવક પણ ઉભી કરીલેતા..
અમેરિકામાં તો કોઇ કામને નાનુ મોટુ ગણાતુજ નથી.... સ્કુલના પ્રિન્સીપાલ સ્કુલનુ મેદાન વાળતા પણ જોવા મળે અને મારા જેવા મોટી મોટેલના માલિક રુમ સર્વિસ પણ આપતા જોવા મળે...
બિનીતભાઈ, આપનો આર્ટિકલ ઉપયોગી છે.
ReplyDeleteથોડા વખત પહેલા મને એમ પણ જાણવા મળ્યું કે ‘એપલ’ની નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરતી વખતે અમેરિકા અને લંડનમાં કેટલાંક દિવસો અગાઉ આવાં 'પ્રોક્સી ગ્રાહકો' પણ બઝ કરવા તેના રિટેઈલ આઉટલેટ પાસે અડીંગો જમાવી દે છે.
મુર્તઝા પટેલ (કેરો, ઇજિપ્તથી)
(Response through FACEBOOK : 18 March 2015)
Very inspiring article Binit bhai.
ReplyDeleteસૌ મિત્રો,
ReplyDeleteબ્લોગની 116મી પોસ્ટ (17 ફેબ્રુઆરી 2015)ના વાચન / પ્રતિભાવો માટે આભારી છું.
બિનીત મોદી (અમદાવાદ) / મંગળવાર, 30 જૂન 2015