પ્રતિભાવો ઉર્ફે Comments

Tuesday, March 19, 2013

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (ફેબ્રુઆરી – 2012)


(ફેબ્રુઆરી – 2012)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાનો વિચાર છે. આનો અમલ કરવાની કોઈ નિશ્ચિત તારીખ નથી તેમ આ ક્યાં સુધી ચલાવવું તે ય નિશ્ચિત નથી. હા, પ્રતિભાવ – કમેન્ટસ્ એ નક્કી કરવામાં ચોક્કસ મદદરૂપ થશે.
એ રીતે ફેબ્રુઆરી – 2013ના સ્ટેટસ અપડેટ આ મહિનાના પ્રારંભે અહીં મુક્યા પછી હવે પ્રસ્તુત છે ગત વર્ષના આ સમયગાળાના પ્રોફાઇલ સ્ટેટસ. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે. ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું.
આભાર.

(*) (ડાબેથી) ટીમ અભિયાનના અવિનાશ પારેખ, ઉર્વીશ કોઠારી,
હેતલ દેસાઈદીપક સોલિયા અને કેતન સંઘવી
(Saturday, 4 February 2012 at 12:29pm)
ઉર્વીશ કોઠારી : ફેસબુકના જન્મદિને ફેસબુકફ્રેન્ડને જન્મદિનની શુભેચ્છાઓ
2012ના વર્ષમાં જેમનો અમૃતપ્રવેશ થવાનો છે તે રજનીકુમાર પંડ્યાએ 1992માં ફેસબુકના જનમ પહેલાં ફ્રેન્ડ રીક્વેસ્ટના બે સજેશન મોકલ્યાં હતાંબીરેન અને ઉર્વીશ કોઠારી. તેમણે ફોન પર અમારી ઓળખાણ શું કરાવી કે અમે એકબીજાના ભાઈબંધ થઈ ગયા. ગણતરીના બે-ત્રણ પોસ્ટકાર્ડ વ્યવહાર પછી અમે ત્રણેય પહેલીવાર મહેમદાવાદમાં તેમના ઘરે 15મી ઓગસ્ટ 1992ના રોજ મળ્યા. એ રીતે જોઇએ તો રજનીકાકા મારા માટે પહેલા માર્ક ઝુકરબર્ગ છે અને વીસમી સદીના તો એકમાત્ર.
પોતાનું એક પુસ્તક અર્પણ કરતા રજનીકુમાર પંડ્યાએ એવી નોંધ કરી છે કે, ‘સાથે રમ્યા કે ભણ્યા નથી તેવા અભિન્ન મિત્ર દિલીપ રાણપુરાને.....મને લાગે છે કોઠારીભાઈઓની બાબતમાં મારે પણ આ જ અભિવ્યક્તિ કરવાની છે. મારા સંખ્યાબંધ મિત્રોના મૂળમાં તેમની સાથેની મૈત્રી છે. દોસ્તીના પહેલા દિવસથી આ ઘડી સુધી તેમની પાસેથી જે કંઈ પામતો આવ્યો છું તેનો હિસાબ નથી. યાદ કરવા બેસું તો આ વર્ષ પસાર થઈ જાય. હિસાબ કરવામાં કે તેનો આલેખ કરવામાં બે ખાનાં પાડવાનું પણ પાલવે તેમ નથી. કહ્યું ને? અભિન્ન. છતાં.....
આજે એમાંના એક ભાઈ, મારા ફેસબુક ફ્રેન્ડઉર્વીશ કોઠારીનો એકતાળીસમો જન્મદિવસ છે. (બીરેન મારો ફેસબુક ફ્રેન્ડ નથી, કારણ કે તે ફેસબુક પર છે જ નહીં.) તો મારા ફેસબુક ફ્રેન્ડને જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. મારી ઘણી બધી મસ્તીઓ એ સહન કરી લે છે, જેમ કે

મહેમદાવાદમાં વસતા તેના મિત્રોને હું ખુલ્લેઆમ કહેતો ફરું છું કે મણિનગર સ્ટેશનના પાર્કિંગમાં તેનું સ્કૂટર ખુલ્લું જ પડ્યું હોય છે. રવિવારે અમદાવાદમાં આવો તો રીક્ષાના પૈસા ખરચવાના નહીં, લઈને નીકળી પડવાનું. પત્રકારત્વની તેણે વિધિસરની તો ઠીક, અવિધિસરની તાલીમ પણ લીધી નથી. મહેમદાવાદથી એ રોજ ટ્રેનમાં અમદાવાદ આવે છે એટલે હું તેને ટ્રેઇનીજર્નાલિસ્ટ કહું છું. ભારતમાં મોબાઇલનો જનમ થયો તે પહેલાંથી એ ઘડિયાળ પહેરતો નથી. છતાં બધે સમયસર કેવી રીતે પહોંચી જાય છે તેનું મને આશ્ચર્ય થાય છે. હાસ્યલેખોના તેના સંગ્રહ બત્રીસ કોઠે હાસ્યનું વિમોચન કરતા તેની સામે અમદાવાદના ભાઈકાકા હોલમાં 2008માં અદાલતી ખટલો ચલાવવામાં આવ્યો હતો (જેનો યાદગાર ફોટો તેના પ્રોફાઇલમાં સૌથી ઉપર મૂકાયેલો છે) એવરેજ માણસ આવી અદાલતી કાર્યવાહી પછી સુધરી જાય. આ માણસ એ પછી પણ કોઈને ગાંઠતો નથી. હશે ત્યારે, શું કરીએ આપણે પણ? આપણો ફેસબુક ફ્રેન્ડ છે ને? માફ કરી દેવાનો. જા બચ્ચા, મઝા કર.
જો કે એની મઝા ચોઇસના પીઝા ખાવા પૂરતી મર્યાદિત છે. સોનલે બનાવેલું ટીફીન ખોલ્યા પછી જો આંખ સામે મેનુ કાર્ડ તરવરે તો એ ઓફિસ નજીકની એકાદ રેસ્ટોરન્ટમાં પહોંચી જાય છે. ક્યારેક મને ફોન કરીને લલચાવે. હું લલચાઈ જાઉં પણ ખરો. એની સાબિતી છે મારું લચી પડેલું સમૃદ્ધ પેટ. એમ તો એ મારી ઘણી બધી જીદ સંતોષે છે પણ ખરો. ડિસેમ્બર-2009માં 88મી વખત રક્તદાન કરતા પહેલા મેં તેને કહ્યું કે તું એ ઘડીએ મારી સાથે હોવ તો મને ગમે. એ અને પ્રણવ અધ્યારુ બન્ને સાથે તો રહ્યા, મારી જોડે રક્તદાન પણ કર્યું.
જે હોય તે. મારો એ મનગમતો મિત્ર છે. કારણ ગુજરાતમાં પ્રચલિતપણે બોલાતું થયું એ પહેલાંનો એ મને મોદીકહીને બોલાવે છે.
વળી પાછું ફેસબુકવચ્ચે લઈ આવ્યા? એવો પ્રશ્ન કોઈને થતો હોય તો જણાવવાનું કે આજે 4 ફેબ્રુઆરી એ ઉર્વીશની સાથે-સાથે ફેસબુકનો પણ જન્મદિવસ છે. 1971માં જન્મેલા ઉર્વીશ સહિતના આપ સૌને જણાવવાનું કે ફેસબુક આજના દિવસે 2004માં લોન્ચ થયું હતું.
મુંબઈમાં 1995માં અભિયાનસાપ્તાહિકથી પત્રકારત્વની કારકિર્દીનો પ્રારંભ કરનાર ઉર્વીશનો આ ફોટો મુંબઈમાં જ અંધેરીના ભવન્સ કેમ્પસના એસ.પી. જૈન ઓડિટોરીયમની બહાર રવિવાર, 3એપ્રિલ 2011ના રોજ પાડ્યો હતો. જો આ હોય મારું અંતિમ પ્રવચનશ્રેણી અંતર્ગત ચિત્રકાર અતુલ ડોડિયાને સાંભળવા માટે એકઠા થયેલા સંખ્યાબંધ શ્રોતાઓ પૈકી આ પાંચ શ્રોતાઓ કોણ છેપ્રવચન શ્રેણીના આયોજક અને અસલી અભિયાનના પ્રકાશક અવિનાશ પારેખ સાથે (ડાબેથી) ઉર્વીશ કોઠારી, હેતલ દેસાઈ, દીપક સોલિયા અને કેતન સંઘવી. યસ, ‘ટીમ અભિયાન’.
* * * * * * *

સુભાષચંદ્ર બોઝ
જનરલ વિજય કુમાર સિંઘ
(Monday, 6 February 2012 at 08:55pm)
કેવા અદ્દભૂત સમયગાળામાં આપણે જીવી રહ્યા છીએ નહીં? જુઓ સમજાવું. દેશને સ્વતંત્ર જોવા ઈચ્છતા આઝાદ હિન્દ ફૌજના સ્થાપક સુભાષચન્દ્ર બોઝની મૃત્યુ તારીખ નક્કી નથી થઈ શકતી અને દેશની સુરક્ષા જેમના હાથમાં સોંપાઈ છે તે લશ્કરી વડા જનરલ વિજય કુમાર સિંઘની જન્મ તારીખ નક્કી નથી થઈ શકતી.
* * * * * * *

જેલના સંત્રીઓ સાથે સુખરામ
(Monday, 6 February 2012 at 09:10pm)
ટેલિકોમ ક્ષેત્રે એ. રાજાના 2G કૌભાંડ પહેલાના પૂર્વસૂરી ગણાય તેવા સુખરામને સમય જતાં બાકીના લોકો ભૂલી જશે પણ અમદાવાદમાં કાયમી 'સ્મૃતિ' રહી જશે. અમદાવાદમાં 'સુખરામનગર' નામનો વિસ્તાર છે.
* * * * * * *

(Tuesday, 7 February 2012 at 10:10pm)
જૂઠું બોલો, મોટેથી બોલો, વારંવાર બોલો એટલે એ સત્ય થઈ જશે અને છેવટે એ જૂઠને 'ફેસબુક' /  'ગુગલ પ્લસપરનું પ્રોફાઇલ સ્ટેટસ બનાવી દો એટલે તેને વ્યાપક પ્રસિદ્ધિ – સ્વીકૃતિ પણ મળી જશે.
* * * * * * *

(Wednesday, 8 February 2012 at 04:44pm)
ચિત્રલેખા સાપ્તાહિકમાં ચાળીસ વર્ષથી પ્રગટ થતા દુનિયાને ઊંધાં ચશ્માં અને ગઈકાલે મંગળવાર, 7 ફેબ્રુઆરી 2012ના રોજ જેનો 800મો એપિસોડ પ્રસારિત  થયો તે સબ ટીવીની ધારાવાહિક શ્રેણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માબન્નેનો લોકાલ મુંબઈનો છે પરંતુ તેના કેટલાક પાત્રોનું અમદાવાદ શહેરના વિસ્તારો સાથેનું સંધાન જાણવા જેવું છે.
જેઠાલાલ જેઠાભાઈની પોળ, ખાડિયા, રાયપુર. દયા દરિયાપુર.
સુંદર સુંદરનગર, નારણપુરા. ડૉ. હંસરાજ હાથી હાથીજણ, વટવા.
પત્રકાર પોપટલાલ પોપટીયાવાડ, દરિયાપુર. બાઘાભાઈ સૈજપુર બોઘા.
અંજલિ તારક મહેતા અંજલિ ચાર રસ્તા, ભઠ્ઠા, પાલડી.
માધવી આત્મારામ ભીડે માધવપુરા. ત્રંબક તાવડો (વીશીવાળો) તાવડીપુરા.
નોંધ : આ યાદીમાંનું માધવી ભીડેનું પાત્ર લેખ શ્રેણીમાં તો ત્રંબક તાવડાનું પાત્ર ટીવી સિરિઅલમાં ગેરહાજર છે.
* * * * * * *

(Wednesday, 8 February 2012 at 05:55pm)
'મુલાકાતીઓએ તેમના વાહનો બહાર પાર્ક કરવા' – આવી વિનંતીના પાટિયા બિલ્ડીંગ, કોમ્પ્લેક્ષ, એપાર્ટમેન્ટ કે સોસાયટીની બહાર એટલી સંખ્યામાં જોવા-વાંચવા મળે છે કે થોડા વખતમાં અમદાવાદ અને તેના જેવા શહેરોની ભાગોળે પાટિયા મારવા પડશે કે 'ગામમાં પાર્કિંગની જગ્યા નથી. આપના વાહનો અહીં જ મુકીને આગળ જશો.'
* * * * * * *

(Thursday, 9 February 2012 at 05:25pm)
કોમલ પાન પેલેસ (અમારે ત્યાં તમામ પ્રકારના પાન મળશે) બી.કૉમ પાન પેલેસ (અમારે ત્યાં માત્ર એક જ પ્રકારનું પાન મળશે – PAN Card)
* * * * * * *

(Thursday, 9 February 2012 at 08:20pm)
શીતળા સાતમે ટાઢું ખાવાનો રિવાજ છે પણ આ વર્ષે એવો કોઈ આગ્રહ રાખતા નહીં. શિયાળાની સીઝન દરમિયાન પુરતી ટાઢ ખમી લીધી છે.
* * * * * * *

(Saturday, 11 February 2012 at 10:40pm)
બાળકોના સ્વાસ્થ્ય સંબંધી એક આયુર્વેદિક નુસખા 'સોમવા-34'ની જાહેરખબરમાં લખાતું આવે છે તેવી મૉડર્ન છતાં 'ડાહી' માતા આજે સાંજે અમદાવાદમાં જોઈ : એક્ટીવા સ્કૂટરના ફૂટ ફ્લોર પર ઉભા રહેલા દીકરાનો પગ સ્કૂટર પરથી ઉતરતાં મમ્મીના પગ પર પડ્યો. મમ્મીને જાણે શુંય દુઃખ આવી પડ્યું તે સીટ પર બેઠા-બેઠા જ કચકચાવીને લાફો ઠોકી દીધો. મારાથી કંઈ થઈ શકે એમ નહોતું કારણ કે હું 'રાહદારી'નો હોદ્દો ધરાવતો 'જણ' હતો.
* * * * * * *

(Saturday, 11 February 2012 at 11:00pm)
શિયાળામાં લગ્ન પ્રસંગોએ મહાલવામાં મનગમતા ભોજનનો આનંદ અનેરો હોય પણ પહેરેલા નવા કપડાંની કોઈ નોંધ સુદ્ધાં ના લે. પાછા ઉપરથી કહે શાલ, સ્વેટર, જેકેટ, મફલર સરસ છે. આવું બોલનારને કચકચાવીને એક.....................વાંદરાટોપી પહેરાવી દીધી હોયને! (સાચું કહેજો, મેં મુકેલી ખાલી જગ્યામાં તમે શું સમજ્યા હતા.)
* * * * * * *

(Saturday, 11 February 2012 at 11:11pm)
દુનિયાનો કોઈ પણ દેશ સ્વચ્છતા માટે ગમે એટલો આગ્રહી હોય, તેના નાગરિકો નાકના ફોયણામાંથી નીકળતો કચરો સાફ કરીને જાહેરમાં જ ફેંકતા હોય. એ કચરાને ફેંકવા માટે કંઈ કોઈ ડસ્ટબિન શોધે નહીં. બીજું કે આ પ્રકારનો કચરો ફેંક્નારને સત્તાવાળાએ દંડ ફટકારવો હોય તો એને શોધે કંઈ રીતે? આ તો CCTV કેમેરાના ફૂટેજમાં ય ના પકડાય!
* * * * * * *

(Monday, 13 February 2012 at 06:40pm)
ગુજરાતી નાટક અને કર્ણાટકનું કમઠાણ.....વખત અગાઉ નાટક આવ્યું હતું 'બહાર આવ તારી બૈરી બતાવું'. કર્ણાટક વિધાનસભામાં થયેલી 'ભવાઈ' પછી આ નાટક નવેસરથી બનાવવાની ઈચ્છા છે. નામ તો વિચારી રાખ્યું જ હોય ને.....'વિધાનસભામાં આવ વિડિઓક્લિપ બતાવુંWatch Related Links 'ગુજરાતી નાટક' – http://gujaratinatako.blogspot.in/2009/04/bahar-aav-tari-bairi-batavu.html.....અને કર્ણાટકનું કમઠાણ http://www.youtube.com/watch?v=6PswNlmQTp0
* * * * * * *

(Monday, 13 February 2012 at 07:40pm)
'વ્યક્તિગત રીતે ખરાબ સમય ચાલી રહ્યો છે' એવું કોઈને જણાવવાની ચોક્કસ કોઈ તરકીબ / ફૉર્મ્યૂલા નથી પણ કિંગફિશર એરલાઇન્સના માલિક વિજય માલ્યાને તમે બેઝિઝક આમ કહી શકો. પ્લેનમાં પેટ્રોલ પુરાવવાના પૈસાનો જોગ ના થતો હોય અને બહેનનો બોર્ડીંગ પાસ ફાડી નાખવાના મુદ્દે બોલીવુડના બેબીબહેન આયેશા ટાકિયા કોરટ-કચેરી કરવાની લુખ્ખી ધમકી આપતા હોય ત્યારે સમજવું કે આપણો સમય ખરાબ ચાલી રહ્યો છે.
* * * * * * *

(Monday, 13 February 2012 at 08:40pm)
સાહિત્ય વાચન કે તે દિશામાં રસ-રૂચિ કેળવવાની બાબતમાં ગુજરાતી પ્રજા માટે અગાઉ જે કંઈ કહેવાઈ ચુક્યું છે તેવી બે વાતનો ઉલ્લેખ માત્ર કરીને વધુ એક વિગત ઉમેરું છું. જેમ કે.....એક ગુજરાતીઓને ચોપડી કરતાં ચોપડાપૂજનમાં વધુ રસ પડે. બે ગુજરાતીઓ બુક કરતાં પાસબુકને વધારે વાંચે. અને હવે.....ત્રીજુંગુજરાતીને બુક કરતાં 'ફેસબુક' વધારે પસંદ છે. મને લાગે છે આ છેલ્લું જગતની કોઈ પણ પ્રજાને લાગુ પાડી શકાય એવું છે, કમ સે કમ આજના માહોલમાં તો ખરું જ.
* * * * * * *

(Monday, 13 February 2012 at 09:40pm)
પેટ્રોલ ડીઝલના વારંવારના ભાવવધારા પછી વાહન ચલાવવું તો મોઘું થયું જ, ટિકિટના દર વધ્યા પછી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરવી પણ મોંઘી થઈ. કેટલી મોંઘી? એ જાણવા આ ત્રણ પ્રતિભાવો વાંચો જે મને કોઈ સીધો પ્રયત્ન કર્યા વિના જાણવા સાંભળવા મળ્યા છે. એક પેટ્રોલ પંપનો માલિક કહે છે, "આ ભાવના પેટ્રોલ - ડીઝલ ખરીદવા તો ઠીક વેચવાનું પણ પોસાતું નથી, કમીશન ઓછું પડે છે." બે સ્કૂટર રિપેર કરનાર કહે છે, "આ ભાવમાં મોપેડ ચલાવવું પણ ના પોસાય અને એટલે જ મોપેડ બનાવવાનું પણ બંધ થઈ ગયું. જુના સ્કૂટર માત્ર 1,500 રૂપિયામાં વેચાતા મળે છે પણ પેટ્રોલ ક્યાંથી લાવવું?" ત્રણ અમદાવાદની સ્થાનિક બસ સેવા જેને હસ્તક છે તે એ.એમ.ટી.એસના કંડક્ટરભાઈ કહે છે, "આ બસમાં ટિકિટ લઈને બેસવાનું હોય તો મને પણ ના પોસાય એટલા ભાવ વધી ગયા છે." ડ્રાઇવરને પણ કદાચ આ જ કહેવાનું હશે એટલે બસ ચલાવતાં હસીને વાતમાં હોંકારો ભણ્યો.
* * * * * * *

(Tuesday, 14 February 2012 at 10:40pm)
'ડાર્લિંગ, આજે વેલેન્ટાઇન ડેની રાત વીતવા આવશે. હવે તો મોં પર વીંટાળેલો દુપટ્ટો કાઢ. કોની બીક છે તને? પપ્પાની કે ભાઈની?'.....'હું પણ તને એજ કહેવા માંગું છું બડી. બપોરનો મને લઈને બાઈક પર ફરવા નીકળ્યો છે. હવે તો ડાર્ક ગોગલ્સને કાઢીને ખિસ્સામાં મુક. કોની બીક લાગે છે તને? મમ્મીની કે દીદીની?'
* * * * * * *

(Tuesday, 14 February 2012 at 11:11pm)
દુનિયાના દેશોની કે ભારતના અન્ય પ્રદેશોની તો ખબર નથી પણ 2013ના 'વેલેન્ટાઇન ડે' સુધીમાં ગુજરાત એટલું વિચાર સમૃદ્ધ થાય કે શિયાળાના મસ્ત-મસ્ત દિવસોમાં આવતા 'વેલેન્ટાઇન ડે'ની સાંજે ફરવા નીકળેલી છોકરીએ ચહેરાને દુપટ્ટાથી ઢાંકવો ન પડે અને તેને લોકોની નજરોથી છુપાવવા આઈ ટીઝીંગથી બચાવવા છોકરાએ બાઈકને ફૂલ સ્પીડમાં ભગાવવી ના પડે.
* * * * * * *

(Wednesday, 15 February 2012 at 07:45pm)
ગઈકાલે 'વેલેન્ટાઇન ડે'ના દિવસે પ્રપોસ થયેલો પ્રેમ આજે બીજા દિવસની બપોર સુધીમાં બાષ્પીભવન થયો હોય તો પછી આજે 'વાસી વેલેન્ટાઇન ડે' મનાવી લો. મહિના પહેલા વાસી ઉતરાયણ ઉજવી હતી એમ જ.
* * * * * * *

(Wednesday, 15 February 2012 at 09:10pm)
ગુંદરનો સૌથી વધુ ઉપયોગ ક્યાં થાય છેપતંગ બનાવવામાં. ના. સરકારી કે ખાનગી ઓફિસોમાં કવર ચોંટાડવામાં. ના. જાહેરાતના કે ફિલ્મોના પોસ્ટર ચોંટાડવામાં. ના. ડ્રૉઇંગ કે ક્રાફ્ટ શીખવતા ક્લાસીસમાં. ના. ગુજરાતી છાપાની કુપનો ચોંટાડવામાં. હા.
* * * * * * *

(Wednesday, 15 February 2012 at 09:35pm)
ગુજરાતમાં અંગ્રેજી ભાષા શીખવાની ધગશ કેળવાઈ નથી અને ગુજરાતીઓની એક આખી પેઢી આ બાબતે પાછળ રહી ગઈ એવી ફરિયાદો ઇંગ્લિશ મીડિઅમની સ્કૂલ સંખ્યા વધવા છતાં સંભળાય છે. તો અંગ્રેજી ભાષા શીખવા પ્રત્યે રૂચી કેળવાય તે જોવાની એ દિશામાં વિચારવાની જવાબદારી કોની છેઅંગ્રેજી ભણાવતા શિક્ષકો પ્રાધ્યાપકોની? ના. અમદાવાદ સ્થિત બ્રિટિશ લાઇબ્રરિ અને તેના ગ્રંથપાલની. ના. અંગ્રેજી ડીક્ષનરીના પ્રકાશકોની. ના. ગુજરાતીમાં અંગ્રેજી લખતા કે બોલતા લેખકોની. ના. એમની તો નહીં જ. ગુજરાતમાંથી પ્રકાશિત થતા અંગ્રેજી દૈનિકોની. હા. એ લોકોએ કુપનો છાપવાનું શરૂ કરવું જોઈએ. લોકો એ ચોંટાડવાના બહાને પણ અંગ્રેજી વાંચતા થશે.
* * * * * * *

(Friday, 17 February 2012 at 03:25pm)
ભારતનું અર્થતંત્ર ખરેખર ખાડે ગયું છે કે શું? પહેલા રૂપિયા ઉપાડવા બેંકમાં જતા તો બેન્કનું નામ એમ્બોસ કરેલા પિત્તળના ટોકન આપતા હતા. હવે જાતે બટન દબાવીને ટોકન લેવાનું હોય છે, એ ય કાગળનું.
* * * * * * *

ભયભીતના ઠાઠમાઠ
(Saturday, 18 February 2012 at 08:45pm)
ગઈ સદીમાં મુખ્યમંત્રી પદે હતા ત્યારે જેવી ફેંકાફેંક કરતા હતા એવી જ નિવેદનબાજી કેશુભાઈ પટેલ એકવીસમી સદીના 2012માં કરી રહ્યા છે. અઠવાડિયા અગાઉ સુરતમાં કડવા પાટીદારોના સમુહ લગ્નોત્સવમાં પહોંચેલા તેઓ કહે છે 'ગુજરાતમાં પટેલો ભયભીત છે.' પછી બીજું નિવેદન ફટકારે છે 'ગુજરાતમાં હવે ગુનાખોરીમાં પણ પટેલોના નામ છાપે ચમકવા લાગ્યા છે અને પોલીસ ચોપડે ચઢવા લાગ્યા છે.' બાપલીયા હવે આમાં શું સમજવું? ભયભીત હોય એ ગુનાખોરીના રવાડે ચઢે ખરો? કેશુબાપા સિવાય કોઈ ના સમજાવી શકે, મારા બાપ. નવાઈ એ છે કે ગુજરાતે આવા 'નમૂના'ઓને પણ રાજ્યસભામાં પાર્સલ કર્યા હતા.
* * * * * * *

(Saturday, 18 February 2012 at 09:00pm)
મહારાષ્ટ્રની ઐતિહાસિક સંદર્ભ વાળી એક કહેવત છે ગઢ આલા પર સિંહ ગેલા. શિવસેના ભાજપની યુતિ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ગઢ ચૂંટણીમાં જીતી ગઈ એ પછી કેન્દ્રમાં અને રાજ્યની સત્તા ભોગવતી કોંગ્રેસના સંદર્ભે આ કહેવત હવે આમ કહેવી પડશે ગઢ આલા પર 'શિવસેના'ના સિંહ લઈ ગયેલા. ગુજરાતમાં પણ અદ્દલ દિલ્હી જેવી જ પરિસ્થિતિ છે. ભાજપ રાજ્યમાં પંદર વર્ષથી સત્તાસ્થાને છે પણ જુનાગઢ શહેર અને પાટનગર ગાંધીનગરની મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તા કોંગ્રેસ પાસે છે.
* * * * * * *

કયો અક્ષર કામનો?
(Tuesday, 21 February 2012 at 02:30pm)
માતૃભાષા ગુજરાતીને અવગણો નહીં. શીખેલી હશે તો કદીકને કામ આવશે. ભણવામાં જયારે કંઈ ઉકાળી નહીં શકો અને મમ્મી પપ્પા '' કહેશે તો એ અર્થ સમજવા માટે પણ ગુજરાતી શીખવું જરૂરી છે. સ્કૂલના માત્ર બાર વર્ષ જ 'ગુજરાતી' ભાષા ભણવાની છે. કોલેજમાં કોઈ નહીં કહે. આટલું ય નહીં કરો તો પછી કક્કાનો બારમો અક્ષર જ આપની ઓળખ બની જશે ''. નથી માનતા. ના માનશો. બાકી ચેક કરવું હોય તો પ્રણવ અધ્યારુ ની ફેસબુક વોલ પર કક્કો લખેલો છે.
* * * * * * *

(Tuesday, 21 February 2012 at 02:45pm)
આપ ખરેખર કોઈને રોજગારી આપવા માગતા હોવ તો એક આઇડિયા છે. એક કામ કરો. ડિજિટલ ફોટાની સીધેસીધી 'સીડી' ના બનાવડાવો. પહેલા એ ફોટાની પ્રિન્ટ કઢાવો, એ ફોટાને સ્કેન કરાવડાવો, પછી તેની 'સીડી' બનાવડાવો. આપે કેટલા લોકોને રોજગારી આપી તેની ગણતરી કરો.
* * * * * * *

(*) પરિમલ ત્રિવેદી
(Wednesday, 22 February 2012 at 09:05pm)
ગુજરાત રાજ્યની સત્તાવાર સ્થાપના થઈ એ પહેલાથી સ્થાન પામેલી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિપદને અભડાવનાર પરિમલ ત્રિવેદીએ પોતે વિમોચન કરેલી પુસ્તિકા વાંચવી પડે એવો વખત આવ્યો છે. નોંધ: પરિમલ 'પાનપરાગ' ત્રિવેદીનો આ ફોટો યુનિવર્સિટી કાર્યાલયમાં બુધવાર, 14 માર્ચ 2007ની બપોરે પાડ્યો હતો. તેનો આવો ઉપયોગ થઈ શકે એવો ખ્યાલ પણ આજે બુધવારે જ આવ્યો.
* * * * * * *

(Thursday, 23 February 2012 at 06:15pm)
ઘડપણ એ બીજું બાળપણ છે. બાળપણમાં એ બાળક સ્કૂલે કદાચ અનિયમિત જતું હશે, પણ આ બીજા બાળપણમાં ધાર્મિક સ્થાનોએ તે નિયમિત જાય છે. (ડમડમ બાબા)
નોંધ: ડમડમ બાબાએ આવું કંઈ કહ્યું નથી. કહે પણ નહીં. આવા કોઈ બાબા છે પણ નહિ. આ તો થોડા વધારે ‘Like’ મળે અને કોમેન્ટની સંખ્યા વધે એવા શુભ’ આશયથી જ આ નામ ઠપકારી દીધું છે.
* * * * * * *

(*) નરેન્દ્ર મોદી અને અશ્વિન મહેતા
(Saturday, 25 February 2012 at 06:30pm)
નરેન્દ્ર મોદી : મુખ્યમંત્રી પદના એક દાયકા પછી ધારાસભ્ય પદના દસ વર્ષ
ગુજરાતના મુખ્યમંત્રીપદે દસ વર્ષ પૂરાં કરનાર નરેન્દ્ર મોદીએ આજે 25 ફેબ્રુઆરી 2012ના દિવસે ધારાસભ્ય તરીકે દસ વર્ષ પૂરા કર્યા છે. 7 ઓક્ટોબર 2001ના રોજ રાજ્યના ચૌદમા મુખ્યમંત્રી તરીકે રાજ્યપાલ સુંદરસિંહ ભંડારી સમક્ષ હોદ્દા-ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા ત્યારે તેઓ તત્કાલીન દસમી વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય ન હતા. બંધારણીય પદ સ્વીકારનારે જે તે ગૃહના સભ્યપદે છ મહિનાના સમયગાળામાં ચૂંટાઈ આવવું પડે તેવી જોગવાઈની પૂર્તતા કરવા ગઈકાલે અઢારમી વખત ગુજરાત રાજ્યનું બજેટ રજૂ કરનાર નાણામંત્રી વજુભાઈ વાળાએ તે સમયે પણ નાણામંત્રી પદ ઉપરાંત રાજકોટની બીજા નંબરની બેઠકના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને નરેન્દ્ર મોદી માટે વિધાનસભા પ્રવેશના દ્વાર સત્તાવાર ખોલી આપ્યા.
પેટાચૂંટણી યોજાઈ. 21 ફેબ્રુઆરી 2002ના રોજ મતદાન થયું અને 24મીએ મતગણતરી બાદ પરિણામ જાહેર થયું. કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન નરભેશંકર મહેતા સામે નરેન્દ્ર દામોદરદાસ મોદી લગભગ પંદર હજાર મતોની સરસાઈથી જીતી ગયા અને બાકીના ઓગણીસ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ.
મુખ્યમંત્રી પદના હોદ્દાના શપથ લીધાના પાંચમા મહિને 25 ફેબ્રુઆરી 2002ના રોજ નરેન્દ્ર મોદીએ વિધાનસભાના સ્પીકર ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ સમક્ષ ધારાસભ્યપદના શપથ લીધા. આજકાલ કરતાં એ ઘટનાને પણ દસ વર્ષ પૂરા થયા.
આ સાથેના બન્ને ફોટાનું એક પાત્ર આજે અગિયારમા વર્ષે અતિ જાણીતું છે તો બીજા છે અશ્વિન મહેતા. બન્ને ફોટા મેં જુદા-જુદા સમયે લીધા છે પરંતુ ગુજરાતી સાહિત્ય આડકતરી રીતે તેમાં જોડાયેલું છે. કેવી રીતેજુઓ સમજાવું. ગુજરાતી સાહિત્ય પરિષદના તત્કાલીન પ્રમુખ એવા હાસ્યલેખક બકુલ ત્રિપાઠીના અવસાન બાદ પરિષદ ભવન ખાતે શ્રદ્ધાંજલિ આપવા આવેલા નરેન્દ્ર મોદીનો આ ફોટો 2 સપ્ટેમ્બર 2006ના રોજ પાડ્યો હતો તો વાર્તાકાર નવલકથાકાર ચુનિલાલ મડિયાના વતન એવા રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તેમનું સ્મૃતિપર્વ યોજાયું ત્યારે તેમાં હાજરી આપવા આવેલા અશ્વિન મહેતાનો આ ફોટો 29 ડિસેમ્બર 2006ના રોજ પાડ્યો હતો.
* * * * * * *

(Sunday, 26 February 2012 at 11:11pm)
પ્રી ઓન્ કારના નામે સેકન્ડ હેન્ડ મર્સિડીઝ બેન્ઝ કાર વેચવાની કંપની દ્વારા અપાયેલી જાહેરખબર ગુજરાતી દૈનિકોમાં પ્રગટ થઈ છે. જો કે એ સેકન્ડ હેન્ડ ભાવ પણ કીમતી’ લાગે એવા છે.
* * * * * * *

(Monday, 27 February 2012 at 12:10am)
રમત જગતના આજે બે જ સમાચાર છે.....એક લંડન ઓલમ્પિક માટે ભારતીય હોકી ટીમ ક્વોલિફાય થઈ.....અને.....બીજા ભારતીય ક્રિકેટ ટીમ દેશમાં પરત ફરવા માટે ડીસક્વોલિફાય થઈ.....
* * * * * * *

(Tuesday, 28 February 2012 at 04:00pm)
ન્યૂક્લિઅર પ્રોગ્રામ અંતર્ગત અણુશક્તિ વધારવાના કાર્યક્રમમાં આગળ વધેલા ઈરાનને પગલે કહે છે કે પેટ્રોલ ડીઝલ જેવી અગત્યની પેટ્રોલિયમ પેદાશોની તંગી સર્જાવાની અને એ કારણે ભાવો વધવાની ભીતિ સેવાઈ રહી છે. ખરેખર? તો તો સલુન અને એસયુવી કાર લઈને શાકભાજી લેવા જતા વર્ગને તેમજ શોફર ડ્રીવન કારમાં બેસી કે.જી.ના ક્લાસ ભરવા જતા બાળકોને બહુ તકલીફ પડશે. ખરું કે નહીં?
* * * * * * *

(Wednesday, 29 February 2012 at 08:20pm)
વસ્ત્રાપુર અમદાવાદ સ્થિત એપાર્ટમેન્ટના ત્રણ રૂમ રસોડાના મારા ફ્લેટને 'હેરિટેજ હાઉસ'નો દરજ્જો મળે તે માટે મેં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ માંગણી અરજી કરી છે, કારણ કે પચીસ વર્ષ જુના ફ્લેટને સૌથી ઓછો રેનોવેટ કરાવ્યો છે.
નોંધ: આવી કોઈ માંગણી અરજી કરી નથી. કોઈ કરે પણ નહીં. કરે તો તંત્ર ધ્યાને લે નહીં. ધ્યાને લે તો દરજ્જો આપે નહીં. દરજ્જો આપે તોય આવા 'નકલી હેરિટેજ હાઉસ'ની મુલાકાતે કોઈ આવે નહીં. આ તો થોડા વધારે.......મળે અને.......સંખ્યા વધે એવા શુભ’ આશયથી જ ઠપકારી દીધું છે.
* * * * * * *

(Wednesday, 29 February 2012 at 08:50pm)
અમદાવાદમાં.....નકલી પોલીસ દ્વારા ઠગાયા.....નકલી ઘી બનાવતું કારખાનુ પકડાયું.....પછીના સમાચાર છે.....નકલી હેરિટેજ હાઉસ મળી આવ્યું.
* * * * * * *

(Wednesday, 29 February 2012 at 09:30pm)
મોબાઇલમાં કેલેન્ડરની સુવિધાના પગલે હોય કે બીજું કંઈ કારણ હોય, ઓફિસમાં ઠલવાયેલો ચાલુ વર્ષ 2012ના કેલેન્ડરનો ખડકલો આજે પસ્તી ભેગો કરવો પડ્યો. બીજું કોઈ તો ઠીક, સ્ટાફ પણ તેનો લેવાલ ના નીકળ્યો. તાજા કલમ: ડેસ્કટોપ અને લેપટોપને માલુમ થાય કે તમે ખોટું ના લગાડતા. આમ થવા પાછળ તમારો પણ હિસ્સો ગણ્યો છે.

આ અગાઉ અહીં મુકેલી ફેબ્રુઆરી –2013ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લીંક આ રહી – http://www.binitmodi.blogspot.in/2013/03/2013.html

(*નિશાની વાળી તસવીરો : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

6 comments:

  1. Are ahi to koi ni coment nathi... to pan kari lau k tme ekdam bekar lakho chho etle hathoda marvanu band karo. facebook par ame kantali gya tmara sanshodhno vachine. pachha mail pan thokya karo chho nafa ma.. band karo hathoda tamara.

    ReplyDelete
  2. એકદમ સાચી વાત, બે ચાર લોકો ખોટું ના લાગે એટલે ફેસબુક પર લાઇક કરે રાખે અને નાના છોકરાની જેમ આનંદ લે. બધાને મેલ પણ કર્યા કરે, ખરેખર હથોડા સંશોધનો જ હોય છે ડમ ડમ બાબાના,

    ReplyDelete
  3. VERY GOOD!!!!!!!!!.
    I APPRECIATE THE FREE AND FRANK OPINION ABOUT KESHUBHAI. WITH THE PASSING DAYS AND AGE THIS MAN IS SHOWING SYMPTOMS OF HIS AGE. I REMEMBER THAT IN 2001 IMMEDIATELY AFTER THAT EARTHQUAKE HE TOLD TO THE MEDIA PERSONS THAT HIS GOVERNMENT HAS ASKED ALL SCIENTISTS TO FIND OUT SOME WAY TO STOP SUCH EARTH QUAKES. HE IS FAMOUS FOR MAKING IRRESPONSIBLE STATEMENTS. HIS PRINCIPAL AID GORDHAN IS ALSO NO GOOD.

    CHANDRAKANT PARIKH.

    ReplyDelete
  4. સૌ મિત્રો,
    બ્લોગની 54મી પોસ્ટ (19 માર્ચ 2013)ના વાચન / પ્રતિભાવ માટે આભારી છું.

    બિનીત મોદી (અમદાવાદ) / બુધવાર, 8 મે 2013

    ReplyDelete
  5. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને બે વર્ષ પૂર્ણ થયા.
    54મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 19-03-2013 to 19-03-2014 – 280

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  6. Neeta Mehta (Junagadh, Saurashtra, Gujarat)29 March 2014 at 14:40

    મજા જ મજા. વી.કે. સિંહ પર જોરદાર સૅટાયર.
    નીતા મહેતા (જૂનાગઢ, સૌરાષ્ટ્ર, ગુજરાત)

    (Response through FACEBOOK : 29 March 2014)

    ReplyDelete