પ્રતિભાવો ઉર્ફે Comments

Monday, September 05, 2016

લાડુના ધંધામાં લિસ્ટેડ કંપની અને ‘જિઓ’ વગાડે મૃત્યુઘંટ

ગણેશ મહોત્સવ, વસ્ત્રાપુર, અમદાવાદ : વર્ષ 2006

ગણેશજીની આરાધનાના દિવસોનો આજથી આરંભ થાય છે. જાહેર સ્થળો પર ગણેશજીની સ્થાપનાનો સંકલ્પ લેનારા નાના-મોટા મંડળો તેમની પસંદગી – ઑર્ડર પ્રમાણે મૂર્તિ બનાવાઈ રહી છે કે કેમ તેની પાછલા કેટલાક દિવસોથી દેખરેખ રાખી રહ્યા હતા. ઘર-પરિવાર વચ્ચે સ્થાપનાનો સંકલ્પ લેનારા મૂર્તિ ખરીદીની પસંદગી પ્રક્રિયામાં છેલ્લા દિવસ સુધી વ્યસ્ત રહ્યા. પ્લાસ્ટર ઑફ પૅરિસ મટિરિયલ / PoP Material વડે બનતી મૂર્તિઓ ગણેશ વિસર્જન ટાણે પર્યાવરણ માટે હાનિકારક બને છે. તે બાબતે પાછલા કેટલાક વર્ષોથી આવેલી જાગૃતિને કારણે માટીની મૂર્તિઓ બની રહી છે જે વિસર્જન માટે પર્યાવરણમિત્ર ગણાય છે.

ગમે તે કહો પણ આ ગણપતિની મૂર્તિનો / Ganesh Idol ધંધો દેશવ્યાપી હોવા છતાં હજી સુધી કોઈ કંપનીએ તેમાં પગપેસારો નથી કર્યો. ઇશ્વર – ભગવાનની મૂર્તિનું સર્જન કરવું એ આમ તો સોમપુરા કળાકારો – સ્થપતિઓનો પારંપરિક વ્યવસાય છે. પણ વાત જ્યારે ગણેશ સ્થાપનાની આવે ત્યારે સંકલ્પ લેનારે મૂર્તિ લેવા માટે અમદાવાદ / Ahmedabad પૂરતી વાત કરીએ તો ગુલબાઈ ટેકરા / Gulbai Tekra વિસ્તારના કળાકારોની જ મુલાકાત લેવી પડે છે. ગુજરાતના અન્ય શહેરો-ગામોની મને માહિતી નથી.

મૂર્તિની ખરીદી પછી ગણેશ / Ganesh સ્થાપના સંદર્ભે બજારમાંથી ખરીદવાની મહત્વની વસ્તુનું નામ છે મોદક. ગણેશજીને પ્રિય છે તેવા મોદક. ઘરમાં બનાવી શકાય તેવા મોદક મીઠાઈવાળા પાસે (કંદોઈ) તૈયાર પણ મળે છે. એકાદ – બે વર્ષથી મોદકના આકારને ચોકલેટમાં ઢાળવાનું શરૂ થયું છે. સારું છે, ખોટું નથી. ગણપતિ મહોત્સવમાં ઉલટભેર ભાગ લેતા બાળકોને આકર્ષવા અને તેમનો ઉત્સાહ ટકાવી રાખવા માટે સીધેસીધી ચોકલેટ આપો તેના કરતા ચોકલેટ મોદક સારા. એમાં ઉમેરો કરવાનો તો એટલો કે ચાલુ સાલ આ ધંધામાં ગ્રૂપ ઑફ હૉટેલ્સનું સંચાલન કરતા ‘ધ ગ્રાન્ડ ભગવતી’ / http://www.thegrandbhagwati.com/ TGB જૂથે પણ ઝુકાવ્યું છે. હવે એ સારું છે કે ખોટું તે નક્કી કરવાનું કામ હવે પછીની  વિગતોના આધારે વાંચનાર પર છોડું છું.

પ્રસાદ સાથે જે પવિત્રતાનો ખ્યાલ જોડાયેલો છે તેની તો સમજો કે અહીં વાટ જ લાગી જાય છે. પવિત્રતાના ખ્યાલને જરા કોરાણે મુકીએ તો બીજો મુદ્દો એ છે કે શેરી, ગલી, સોસાઇટીના નાકે આવેલી મીઠાઈવાળાની દુકાને જે વસ્તુ સહેલાઇથી ઉપલબ્ધ છે તેના માટે મારે-તમારે એક લિસ્ટેડ કંપનીનું શરણું લેવાનું છે. હા, ચોકલેટ મોદકના પ્રસાદીયા ધંધામાં પ્રવેશનારી લેટેસ્ટ દુકાન TGBની પેરન્ટ કંપની ‘ભગવતી હૉટેલ્સ એન્ડ બૅન્કવેટ્સ લિમિટેડ’ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જની લિસ્ટેડ કંપની છે.

કંપનીની નોંધણી કરાવતા સમયે લાગુ પડતા 1957ના ભારતીય કંપની ધારા / Companies Act 1957 પ્રમાણે નામ-સરનામા-મૂડી ભંડોળ અને કંપનીના નફા-તોટામાં હિસ્સો ધરાવનારની વિગતો આપવા સાથે કંપની શું કામ કરશે તેની વિગતો પણ દર્શાવવાની હોય છે. મોદકના ધંધામાં કંપની પ્રવેશ પછી મને લાગે છે કે નોંધણી કરનારા અધિકારીઓએ હવે પછી એવી પણ એક બાંયધરી લેવી પડશે કે શેરબજારના માધ્યમથી રોકાણકારો પાસેથી નાણા ઉસેટીને તોતિંગ સાઇઝની બની જતી કંપનીઓ નાના વેપારીઓના ધંધા પર તરાપ નહીં મારે. અરે અમદાવાદમાં તો મીઠાઈની એક દુકાનનું નામ જ ‘શેરબજાર ચવાણા એન્ડ મીઠાઈવાલા’ છે.

આવી બાંયધરી લેવાય ત્યારે ખરી. બાકી તો એવું છે કે નાના વેપારીઓના ધંધા પર તરાપ મારનારું કે આમ કરનારું ભગવતી ગ્રૂપ પહેલું પણ નથી અને છેલ્લું પણ નથી. ઘરવપરાશની રોજિંદી ચીજ-વસ્તુઓ વેચવા માટે ‘મોલ’ના રૂપાળા નામ તળે રિલાયન્સ જૂથે / Reliance Group of Companies ‘રિલાયન્સ ફ્રેશ’ નામે બજાર પ્રવેશ કર્યો ત્યારે શાક-બકાલુ વેચવાની યોજના પણ તેમાં ધીરે રહીને સામેલ થઈ ગઈ. પરિણામ શું આવ્યું? શાકભાજીની લારીઓ ઓછી થઈ ગઈ અને કાછીયાઓની દુકાનનાં શટર પડી ગયા. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં હું જ્યાં રહું છું તેની આસપાસ શાકભાજીની ચાર દુકાનો બંધ થતી નજર સામે જોઈ. પેકેટબંધ લોટ મળતા થયા પછી અનાજ દળવાની બે ઘંટીઓના માલિકોને ધંધો બંધ કરવાનો તો વખત આવ્યો જ પણ સાથે-સાથે તેમને જૂની મશીનરીના કોઈ ખરીદનાર પણ ના મળ્યા. મશીનરી ભંગારના ભાવે વેચવા કાઢવી પડી.

એમ સમજો કે આ સઘળું ‘રિલાયન્સ’ / http://www.ril.com/ અને તેના જેવી અન્ય કંપનીઓના પ્રતાપે થયું. રિલાયન્સ, જેણે 2016ના આ સપ્ટેમ્બર મહિનાની પહેલી તારીખે મોબાઇલ નેટવર્કના બજારમાં ‘જિઓ’ / https://www.jio.com/ નામે એવો પ્રવેશ કર્યો છે કે તેની સમકક્ષની જ સેવા આપતી અન્ય કંપનીઓનો મૃત્યુઘંટ વાગી જાય. ખુદની પ્રચાર સામગ્રીમાં ભડકામણા લાલ રંગનો વિશેષપણે ઉપયોગ કરનારી વોડાફોન અને એરટેલ જેવી મોબાઇલ નેટવર્ક કંપનીઓ હાલ પૂરતી તો ‘જિઓ’ની કસ્ટમર ઑફરની વિગતોથી પોતે જ ભડકી ઉઠી છે.

ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ભારતમાં વેપાર કરવાની યોજનાના પગલે આવેલા બ્રિટિશરાજ પછી દેશને સ્વતંત્રતા અપાવતા બસો વર્ષ લાગ્યા. આઝાદીના સિત્તેરમા વર્ષે નાના-મોટા સઘળા કારોબાર જો કંપનીઓને જ હવાલે કરવાના હોય તો થોડા જ વર્ષોમાં પરિસ્થિતિ એવી આવી પડશે કે વેપારીના નામનો જ વીંટો વળી ગયો હશે.

સરકાર માઈ-બાપ તમે સાંભળો છો? આ તે કેવો વિકાસ છે કે જે અનેક મા-બાપને અને તેમનાં ઉગતાં – ઉછરતાં સંતાનોના ભવિષ્યને – સ્વપ્નાંને કળી ફૂટતા વેંત જ ભરખી જાય છે.


(તસવીરો : બિનીત મોદી)

2 comments:

  1. અમારા મેમનગર વિસ્તારમાં 'રિલાયન્સ ફ્રેશ' ચાલુ થયું, ત્યારે એમ જ હતું કે આસપાસના શાકભાજી લારીમાં વેચતા વેપારીઓની વાર્તા પૂરી થઈ જશે. ચારેક વરસને અંતે 'ફ્રેશ' વાસી થઈ, તાળાં વાસી, જતી રહી અને બધી J લારીઓ ધમધમે છે.

    ReplyDelete
  2. Thought provoking article which shows how monsters engulf
    the common man's livelihood...Thanks Binitbhai for pointing out the naked truth encircling the even flow of society.
    Gajanan Raval

    ReplyDelete