વાત મોડી લખું છું પણ તેની તીવ્રતા મોળી પડી હોય એવું જરા પણ લાગતું નથી. એવું
માનવાને કોઈ કારણ પણ નથી. વાત જાણે એમ બની કે...
રક્તજૂથના સંશોધક કાર્લ લેન્ડસ્ટેઇનર |
દર વર્ષે જૂન મહિનો આવે અને રક્તદાનની પ્રવૃત્તિને સામૂહિકપણે યાદ કરવામાં આવે
છે. એમજ સમજોને કે 14મી એપ્રિલે ડૉ. બાબાસાહેબ
આંબેડકરને અને 31મી ઑક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવામાં આવે
કે 15મી ઑગસ્ટે જેમ દેશદાઝનો ઉભરો ચઢે એમ જ 14મી જૂન આવે ને રક્તદાનની પ્રવૃત્તિની વાર્ષિક નોંધ
લેવાય છે. માનવશરીરમાંના રક્તનો વિસ્તૃત અભ્યાસ કરી તેને ‘એ’ અને ‘બી’ એવા અલગ-અલગ
જૂથમાં વર્ગીકૃત કરનાર અમેરિકન સંશોધક કાર્લ લેન્ડસ્ટેઇનરનો / Karl Landsteiner જન્મદિવસ એટલે 14મી જૂન. રક્તદાન પ્રવૃત્તિને તેમના જન્મદિવસ સાથે
જોડી કાર્લ લેન્ડસ્ટેઇનરને આ દિવસે સંભારવામાં આવે છે. ભારતીય રેડ ક્રોસ સોસાયટી
અને તેની સાથે સંલગ્ન શાખાઓ – સંસ્થાઓનો કાર્યક્રમ આયોજનમાં સિંહફાળો હોય છે. સારું
છે, તેનાથી પ્રવૃત્તિને વેગ મળે છે. બ્લડ ડોનેશન કેમ્પ
(રક્તદાન શિબિરો)નું આયોજન કરવામાં આવે, રક્તદાન કરનારાઓનું સન્માન થાય કે
કેમ્પ આયોજકોને મળતી સફળતાની નોંધ લેવાય તેનાથી સમાજમાં એક સારો દાખલો બેસે છે. હા, ક્યારેક કોઈ ચૂક થઈ જાય છે. જેવી આ વર્ષે થઈ.
વાત જાણે એમ બની કે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં 14મી જૂને નહીં પણ તેના પછીના દિવસ
15મી જૂને રક્તદાનની પ્રવૃત્તિને પ્રમાણવાનો એક જાહેર
કાર્યક્રમ યોજાઈ ગયો. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સાથે
ગુજરાત સ્ટેટ એઇડ્સ કન્ટ્રોલ સોસાયટી અને ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર બ્લડ
ટ્રાન્સફ્યુઝન જેવી બે માતબર સંસ્થાઓ પણ કાર્યક્રમના આયોજનમાં સામેલ હતી. સરકારી, અર્ધ-સરકારી અને આ પ્રકારના કામમાં જોડાયેલી
સેવાભાવી સંસ્થાઓના સહયોગથી આયોજિત થાય તેવો જ કાર્યક્રમ હતો. જેમ કે કાર્યક્રમનો
વિધિવત આરંભ થાય તે પહેલા આમંત્રિત મહેમાનો – આગંતુકોનું રજિસ્ટ્રેશન, કાર્યક્રમ સંબંધી વિગતો જણાવતો પૉર્ટફોલિઓ – આઈડેન્ટિટી
ટેગ આપવો અને પછી ચા-નાસ્તો. ભજન (વક્તવ્યો) સાંભળીએ તે પહેલા સેમી-ભોજનનો પ્રબંધ.
અહીં પણ એમ જ થયું.
સન્માનનો સિક્કો અને સ્ટૅમ્પ પેડ : જુગતજોડી |
ગાંધીનગરની સિવિલ હૉસ્પિટલના પ્રાંગણમાં નવા બંધાયેલા
ભવ્યાતિભવ્ય ઑડિટોરિયમમાં આયોજિત કાર્યક્રમ સ્થળે હું પણ એક આમંત્રિતની રૂએ
સવાર-સવારમાં જ પહોંચી ગયો. રજિસ્ટ્રેશનની વિધિ પછી પૉર્ટફોલિઓ કિટ લઈને ચા-નાસ્તા
માટે આગળ વધતો હતો ત્યાંજ એક નહીં બે હાથ આડા આવ્યા. એકે મારા હાથમાં ગિફ્ટ થમાવી
અને બીજા હાથે કહ્યું ‘લાવો તમારો બીજો હાથ’. હવે પછીની વાત ડાયલૉગ સ્વરૂપે જ વાંચીએ.
“કેમ? શેના માટે?”
“તમારા કાંડા પર સિક્કો મારવાનો છે.”
“સિક્કો? શેના માટે?”
“આ તમને ગિફ્ટ આપીને તેની સાબિતી માટે. બીજીવાર લેવા આવો તો અમને ખબર પડી જાય
ને.”
તમારી ભલી થાય. રક્તદાન કરનારા કે એ પ્રવૃત્તિનો હિસ્સો બનીને સમાજસેવામાં
ફાળો આપનારનું સન્માન પણ કરવું છે અને હારોહાર એમને અપ્રમાણિક પણ ધારી લેવા છે. આ હાળું
જબરું. મગજ ફાટ-ફાટ જ થવું ઘટે. થઈ જ રહ્યું હતું છતાંયે કેમેય કરીને અટકાવી-ટકાવી
રાખ્યું. એટલા માટે કે શાંતિથી આ બાબતની રજૂઆત કરીશ તો આમ સિક્કો મારવાનો ક્રમ
અટકી જશે એવો મને વિશ્વાસ હતો.
સિક્કો મારવાની જવાબદારી જેમના માથે થોપી હતી તેઓ દેખાવે તાજા કૉલેજ પાસ-આઉટ યુવક-યુવતીઓ
જણાતા હતા. માણસ અને અહીં તો આપે જેને આમંત્રણ આપી બોલાવ્યો છે તેના શરીર પર આમ
રબર સ્ટૅમ્પના સિક્કા ન થોપાય તેવી દલીલ કરી. આ તો ગૌરવહનન અને ગુલામીની નિશાની
જેવું છે એમ પણ સમજાવ્યું. પણ તેઓ કંઈ કરી શકે તેમ ન હતા. ખરેખર કરવાનું તો કંઈ
હતું જ નહીં, જે કરતા હતા તેને અટકાવવાનું હતું. ‘અમને જેમણે સૂચના આપી છે તેમને વાત કરો’
એવા સૂચન સાથે તેઓમાંના એકે એક હોદ્દેદાર જણાતી વ્યક્તિ તરફ આંગળી ચીંધી. એ
દિશામાં આગળ વધું તે પહેલા જ બીજી સૂચના આવી...‘તમે સિક્કો મરાવો છો કે પછી ગિફ્ટ
મુકી દો છો?’
હાથમાં પકડેલી ગિફ્ટને તો પડતી જ મૂકી. આત્મસન્માનને પડતું મુકવું પડે એ
પહેલાનો એ સહેલો રસ્તો હતો. ગિફ્ટ શું હતી? એક દિવાલ ઘડિયાળ. ક્વાર્ટઝ્ મૂવમેન્ટ વાળી વૉલ ક્લોક. આજથી ત્રીસ વર્ષ અગાઉ પહેલવહેલી
વાર 1985ની આસપાસ બજારમાં આવી ત્યારે સો રૂપિયાની કિંમતે મળતી
આવી ઘડિયાળ આજે પણ 100/- રૂપિયામાં જ મળે છે. એક નવો પૈસો ઓછો નહીં ને એક વધારે પણ નહીં. ભેટમાં મળતી
વસ્તુ અમૂલ્ય ગણાય એવી સાદી સમજણ હતી પણ હૈયાસૂઝ એમ કહેતી હતી કે એ લેવા માટે
હથેળીમાં સિક્કો ના મરાવાય.
સન્માનના સિક્કા ના પડાવો, છાપ પડાવો |
જેમની તરફ આંગળી ચીંધી હતી તે કાર્યક્રમ આયોજનના હોદ્દેદાર ભાઈને મળ્યો. આગળ
જણાવી છે એ જ વાત તેમની આગળ કહી. સમજ્યા પણ ખરા. તેમની પાસે પણ દલીલ હતી કે ‘આ એક
જાહેર સ્થળ છે. કાર્યક્રમ સાથે સંબંધ ના હોય તેવા લોકો સવારનો ચા-નાસ્તો તો ઝાપટી
જ ગયા છે. ભેટ પણ લઈ જાય તો તેમનું શું કરવું?.’...‘આયોજકની રૂએ તમે એનો કોઈ વિકલ્પ શોધી કાઢો અથવા તો કાર્યક્રમના અંતે ઑડિટોરીયમમાંથી બહાર નીકળતી વ્યક્તિને જ ગિફ્ટ
આપવાનું રાખો’ એવા સૂચન સાથે અને કાંડા પર સિક્કો મારવાનું કામ
તાત્કાલિક અસરથી બંધ થાય છે તેવી ખાત્રી મેળવીને અમે છૂટા પડ્યા.
વિરોધનો મારો મુદ્દો સાચો અને સમયસરનો હતો એમ અન્ય હોદ્દેદારો અને સાથીમિત્રોએ
પણ સ્વીકાર્યું. મને ખુદને આ પ્રસંગ સાથે વધુ એક વાર ખાતરી થઈ કે વાતમાં વજૂદ હોય
તો વિરોધ કરી શકાય અને લાંબી-પહોળી લપમાં પડ્યા વિના તેનો નિવેડો લાવી શકાય છે.
આવો, આ પ્રકારનો જ નિવેડો લાવવાના કામનો પાટનગર પછીનો ભાગ બીજો અમદાવાદમાં ભજવી
શકાય તેમ છે. અનલિમિટેડ ભોજનનો આનંદ ઓછો પણ વધુમાં વધુ વાનગીઓનો વિકલ્પ આપતી
અમદાવાદની કેટલીક રેસ્ટોરન્ટમાં ગ્રાહક તરીકે રૂપિયા ગણી આપ્યા પછી થાળી લેવાનો
ઑપ્શન એક જ વારનો ઉર્ફે સિંગલ ટાઇમ હોય છે. ભોજનની થાળી પર ગ્રાહક બીજી વાર હાથ
નહીં અજમાવે તેની ખાતરી કઈ રીતે લેવામાં આવે છે? કાંડા પર સિક્કો મારીને. બીજી કોઈ રીત છે ખરી? હોય તો જરૂર જણાવશો.
(રંગીન તસવીરો
: બિનીત મોદી)
તમે ગિફ્ટ પડતી મૂકીને સિક્કો ના મારવા માટે આયોજકોને સમજાવી શક્યા એ ગમ્યું. સરસ.
ReplyDeleteજ્યોતિ ચૌહાણ (ગાંધીનગર, ગુજરાત)
(Response through E-mail : 9 July 2014)
તમારો મુદ્દો સો ટકા સાચો હતો. મને ગમ્યું. સવાલ ગિફ્ટનો નહીં, સન્માનનો નહિ, આત્મસન્માનનો છે. અભિનંદન.
ReplyDeleteદિલીપકુમાર એન. મહેતા (વડોદરા, ગુજરાત)
(Response through FACEBOOK : 12 July 2014)
સૌ મિત્રો,
ReplyDeleteબ્લોગની 105મી પોસ્ટ (9 જુલાઈ 2014)ના વાચન / પ્રતિભાવો માટે આભારી છું.
બિનીત મોદી (અમદાવાદ) / શનિવાર, 25 ઑક્ટોબર 2014