(માર્ચ – 2014) |
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું
માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી
એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની
દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે
જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના
સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની
મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને
નિયમિત કરતાં એ ક્રમમાં આ 41મી પોસ્ટ છે.
2010ના વર્ષની
એક અને 2011,
2012 અને 2013ના
વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે માર્ચ
– 2014. જે તે
દિવસના વાર, તારીખ
અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું ‘સ્ટેટસ અપડેટ’ છે. ‘ફેસબુક’ / FACEBOOK પર
આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ ‘અમદાવાદ’ /
Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા,
ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.
(Saturday, 1 March 2014 at 03:00pm)
રાજકારણના અઠંગ ખેલાડી લાલ કૃષ્ણ અડવાણીથી લઇને પીચ પર
નવા-સવા આવેલા રમતવીર અરવિંદ કેજરીવાલ...
...2014 મધ્યે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે સંભવિત ઉમેદવારીની વાત
પૂછવામાં આવે એ સાથે જ એ લોકોની જીભ લાળા ચાવતી ‘પાર્લામેન્ટરી બોર્ડ’નો હવાલો આપી
દે છે...
...સ્વતંત્ર ભારતની સોળમી લોકસભા માટે યોજાનારી ચૂંટણી
ઉમેદવારને ખોંખારીને ‘હા’ કે ‘ના’ બોલવાની પણ ‘સ્વતંત્રતા’ આપી શકતી નથી.
* * * * * * *
(Monday, 3 March 2014
at 11:20am)
લગ્ન રિસેપ્શનના સ્ટેજ પર નવદંપતી...
“આમંત્રિતોને
સાત વાગ્યાનો સમય આપ્યો હતો. કેમ મોડી પડી?”
“તૈયાર થવા
બ્યૂટિ પાર્લરમાં ગઈ હતી. પણ એ તો કહે તું કેમ મોડો પડ્યો?”
“હું? હું ય તૈયાર થવા બાલ-દાઢી
કરાવવા ગયો હતો.”
* * * * * * *
એન.ડી. તિવારી : પ્રેસ કૉન્ફરન્સ વાળા પપ્પા |
(Tuesday, 4 March 2014 at 11:45am)
દુનિયામાં ભારત જ એકમાત્ર એવો દેશ છે...
...જ્યાં પ્રેસ કૉન્ફરન્સ કરીને
પપ્પા બની શકાય છે...
...કમ સે કમ નારાયણ દત્ત તિવારીએ
તો એ સાબિત કરી જ દીધું છે...
* * * * * * *
કેજરીવાલ અને કાકા અન્ના હજારે |
(Wednesday, 5 March 2014 at 11:25am)
દિલ્હીના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એક કાકા ફરિયાદ
કરવા પહોંચ્યા...
‘મારો દીકરો મારા કહ્યામાં રહ્યો નથી. કોઈનું
કશું સાંભળતો નથી. કામ-ધંધો મળે તો એ પણ બરાબર કરતો નથી. મને તો ઘરમાંથી કાઢી જ
મૂક્યો છે, હવે તો પોતે ય રહેતો નથી...અને
આજકાલ તો સાંભળવામાં આવ્યું છે કે ઘર છોડીને ફરતો ફરે છે.’
“કાકા તમારું
નામ લખાવો.”…“અન્ના હજારે.”
“પુત્રનું નામ?”…“અરવિંદ
કેજરીવાલ.”
“ક્યાં રહેતો
હતો?”…“મુખ્યમંત્રીના
બંગલામાં.”
“તમે એને
છેલ્લે ક્યાં જોયો હતો?”…“ટેલિવિઝનમાં.”
“ઘર છોડીને
ક્યાં જતો રહ્યો હોવાની તમને શંકા છે.”…“આજકાલ
ગુજરાતમાં હોવાના વાવડ મળ્યા છે.”
* * * * * * *
(Wednesday, 5 March 2014 at 05:20pm)
‘સોળ’મી લોકસભાની રચના
માટે નવ તબક્કામાં યોજાનારી ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે. 16મી મે ના દિને થનારી મતગણતરીના
પરિણામો છાતી છપ્પનની હશે તો પણ ઉમેદવારના બરડામાં ‘સોળ’
ઉપસાવનારા આવશે. કોઈ શક?
* * * * * * *
(Thursday, 6 March 2014 at 12:40pm)
આજે માર્ચ – 2014માં પેટ્રોલનો ભાવ લિટરે 77=00 રૂપિયા છે....યાદ રહે પહેલું
સત્તા પરિવર્તન પણ મોંઘવારી – ભ્રષ્ટાચારના મુદ્દે ’77માં થયું હતું...1977માં...
(સોળમી લોકસભાની ચૂંટણી : એપ્રિલ – મે 2014)
* * * * * * *
ગુજરાત કૉંગ્રેસનું મુખપત્ર : કૃત સંકલ્પ |
(Saturday, 8 March 2014 at 09:19am)
એવો દાવો કરવામાં આવે છે કે...કૉંગ્રેસ પક્ષે...
...દેશને આઝાદી અપાવી...
...દેશને પ્રથમ મહિલા રાજ્યપાલ આપ્યા
(સરોજિની નાયડુ, ઉત્તર પ્રદેશ, 1947)...
...દેશને પ્રથમ મહિલા મુખ્યમંત્રી આપ્યા (સુચેતા
ક્રિપાલાની, ઉત્તર પ્રદેશ, 1963)...
...દેશને પ્રથમ મહિલા વડાપ્રધાન આપ્યા
(ઇન્દિરા ગાંધી, 1966)...
...દેશને પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ આપ્યા
(પ્રતિભા દેવીસિંહ પાટીલ, 2007)...
...દેશને પ્રથમ મહિલા સ્પીકર આપ્યા
(મીરાંકુમાર, પંદરમી લોકસભા, 2009)...
...માત્ર એક જ ખોટ રહી ગઈ છે...
અમદાવાદથી પ્રકાશિત થતા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના
માસિક મુખપત્ર ‘કૃત સંકલ્પ’ના સંપાદક
મંડળમાં સમાવેશ કરવા યોગ્ય તેઓને એકપણ મહિલા મળી નહીં...
...સંયુક્ત રાષ્ટ્રસંઘ પ્રયોજિત ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ 8મી માર્ચની ઉજવણી નિમિત્તે આ ચપટીક પ્રસાદ...
...વધુ પ્રસાદ આ રહ્યો...
‘કૃત સંકલ્પ’ના ALL MALE સંપાદક મંડળના ‘નમૂનાઓ’...
પ્રોફેસર હસમુખ પટેલ (પ્રકાશક, અધ્યક્ષ અને
પૂર્વ શિક્ષણમંત્રી), અરવિંદ સંઘવી (પૂર્વ નાણામંત્રી), અંબાલાલ ઉપાધ્યાય (મોડાસાના પૂર્વ
અપક્ષ ધારાસભ્ય), કિશોરસિંહ સોલંકી, પી.કે. વાલેરા (પૂર્વ સનદી અધિકારી), પ્રોફેસર આઈ. જે. સૈયદ, ભાવેશ લાખાણી (ગઈકાલથી ભાજપમાં), જયેશ ગેડિયા, બ્રીજેશ મેરજા, ઈમરાન ટોપીવાલા, દિલીપ ગઢવી...
સહ સંપાદક – નિમિષ
શાહ...પ્રકાશન સમિતિ : નટવરલાલ પી.
પટેલ (ચેરમેન, ઇફકો) બળવંતસિંહ રાજપૂત (પગારનો
એકપણ રૂપિયો નહીં લેતા સિધ્ધપુરના કરોડપતિ ધારાસભ્ય), દલસુખ પ્રજાપતિ (વડોદરાના પૂર્વ મેયર
તેમજ પૂર્વ ધારાસભ્ય), જે.બી. પટેલ, જીતુ લાલ, ભાવેશ લાખાણી (7મી માર્ચથી ભાજપમાં), મહેન્દ્ર ઓસવાલ, ઈન્દ્રનીલ રાજ્યગુરુ (પગાર સ્વીકારીને
એ રકમ જનસેવામાં ખર્ચનાર રાજકોટના કરોડપતિ ધારાસભ્ય) અને ચેતન પટેલ
* * * * * * *
(Monday, 10 March 2014 at 11:11am)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
નવા મકાનના વાસ્તુ પૂજન પ્રસંગે ડી.જે. પાર્ટીનું
આયોજન કેમ કરવામાં આવતું નથી?...
...કેમ કે...બિલ્ડર – કોન્ટ્રાક્ટરે
બાંધકામમાં સિમેન્ટ ઓછો વાપર્યો હોય તો ખબર પડી જાય એટલે...
* * * * * * *
ગુજરાતમાં મઝા છે : અરવિંદ કેજરીવાલ |
(Thursday, 13 March 2014 at 03:33pm)
અરવિંદ કેજરીવાલનો ઇન્ટરવ્યૂ by ડમડમબાબા...
“ગુજરાતનો
વિકાસ થયો છે તેમ માનો છો?”
“જાહેરમાં ‘ના’ અને ખાનગીમાં ‘હા’...”
“કેવી રીતે?”...“જુઓ ભાઈ, દિલ્હીમાં હું ચાર સીટની મારૂતિ
વેગન-આર કારમાં ફરતો હતો. ગુજરાતની મુલાકાત દરમિયાન અને તે પછી હું છ સીટની ટોયોટા
ઇનોવા કાર અને એસયુવીમાં ફરવા માંડ્યો છું. આગળ કંઈ પૂછવું છે?”
* * * * * * *
(Friday, 14 March 2014 at 08:00am)
પરંપરાગત ધોરણો – માપદંડો સાવ જ
કથળે ત્યારે શું થાય?...બસ એ
જ...લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સએ પણ વક્તા તરીકે અભિષેક બચ્ચનને આમંત્રણ મોકલાવવું
પડે...
* * * * * * *
(Saturday, 15 March 2014 at 03:25pm)
તૃણમૂલ કૉંગ્રેસ જેવા પ્રાદેશિક રાજકીય પક્ષોની
સ્થાપના થઈ ત્યારે તે નાણા‘ભીડ’ અનુભવતા હતા...
...નાણા‘ભીડ’ દૂર થઈ એટલે
જાહેરસભાઓમાં ‘ભીડ’ થવા માંડી...
...એ ‘ભીડ’ દિલ્હી સુધી
ન પહોંચી એટલે પાર્ટી ફરી ‘ભીડ’માં આવી ગઈ...
...અને હા...અન્ના હજારે જેવા એમાં
વગર લેવા-દેવાના ‘ભીડાઈ’ ગયા...
* * * * * * *
(ધૂળેટી : Monday, 17 March 2014 at 10:30am)
માથાના વાળ સફેદ થઈ ગયા હોય તેવા લોકોની હેર ડાઈ આજે
મફતમાં થઈ શકે તેવા ‘ઉજળા’ સંજોગો
છે. હા, શરીરનો બાકીનો ભાગ ‘ઉજળો’ નહીં રહે તેની ગૅરન્ટી.
* * * * * * *
બાપ-બેટાનું ‘ટાંટિયા’પૂજન |
(Tuesday, 18 March 2014 at 10:30am)
જોધપુર (રાજસ્થાન)ની જેલના કેદી આસારામ અને સુરત
(ગુજરાત)ની જેલમાં કેદ નારાયણ સાઈને આગામી ગુરૂપૂર્ણિમાએ (અષાઢ સુદ પૂનમ : 12 જુલાઈ 2014) એક દિવસના જામીન મળી જાય તો
સારું...
...મારે બન્નેના ‘ટાંટિયા’નું પાણીથી ‘પૂજન’ કરવું છે...
...થોડો ‘એસિડ’ ઉમેરીને...
* * * * * * *
ઈજાગ્રસ્ત ટ્રક ડ્રાઇવર : અન્ના હજારે |
(Friday, 21 March 2014 at 04:55pm)
ગમે તેવો ભયંકર અકસ્માત થાય તો પણ ટ્રક ડ્રાઇવરને
સામાન્ય ઈજા થાય અથવા અકસ્માતમાંથી ઉગરી જાય એવું મોટેભાગે જાણવામાં આવ્યું છે...
...પણ ભારતમાં એક ટ્રક ડ્રાઇવર એવા
છે જેની કારકિર્દી વગર અકસ્માતે કચડાઈ ગઈ છે...
...તે ટ્રક ડ્રાઇવરનું નામ અન્ના
હજારે છે...
...અરવિંદ કેજરીવાલ અને મમતા
બેનરજીએ તેમની કારકિર્દી રોળી નાખી છે...
* * * * * * *
(Monday, 24 March 2014 at 04:00pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
ભારતમાં સામાન્ય નાગરિકોની સરખામણીએ ડૉક્ટરોની સંખ્યા
વધી જવાની છે...
...કેમ કે...મેડિકલ એજ્યુકેશન
બ્રાન્ચ ઉર્ફે તબીબી વિદ્યાશાખાની બેઠક સંખ્યા વધી ગઈ છે...
...ભાત-ભાતના લોકો જાત-જાતના વિષયો
પર તરહ-તરહનું સંશોધન કરીને ‘પીએચ.ડી.’ની પદવી
મેળવતા રહે છે...અને...
...અને...દેશની ઉચ્ચ શૈક્ષણિક
સંસ્થાઓ – યુનિવર્સિટીઓ જાત-ભાતના લોકોને ‘ડૉક્ટરેટ’ની ઉપાધિ
લહાણીની માફક વહેંચે છે...
* * * * * * *
ડૉ. પંકજ શાહ અને તારક મહેતા (*) |
(Tuesday, 25 March 2014 at 03:30pm)
ધૂળેટીના દિવસનો જીવનરંગ...
ફોટામાં તારક મહેતાની સાથે ડૉ. પંકજ શાહ છે. પંકજભાઈ
કૅન્સર સંબંધિત રોગોના નિષ્ણાત ફિઝિશન છે જેમને આ સેવાઓ માટે તબીબી જગતનો ‘ભારત રત્ન’ ગણાતું ડૉ.
બી.સી. રોય સન્માન પ્રાપ્ત થયું છે.
હવે અહીંથી આગળ વધું તે પહેલાં જરૂરી સ્પષ્ટતા કરી
લઉં કે ડૉ. પંકજભાઈ તારકભાઈને કોઈ તબીબી / મેડિકલ કારણોસર મળવા નહોતા ગયા. તેઓ તો તેમના વાચક – ચાહક હોવાના નાતે મળવા ગયા હતા.
દિલથી મળ્યા.
ખાડિયા (અમદાવાદનો દેશની રાજધાની સમકક્ષ ગણાતો એક
વિસ્તાર)નો ઉલ્લેખ કરીને કહ્યું કે, “ખાડિયાના
લોકો મજબૂત હોય છે એમ તમે પણ પંચ્યાસી વર્ષે અડીખમ લાગો છો.” પછી ઉમેર્યું, “હું ય ખાડિયાનો જ છું. જન્મથી ડૉક્ટરની પદવી હાંસલ
કરી ત્યાં સુધી ખાડિયામાં જ રહ્યો છું.”
બન્ને પહેલી જ વાર મળી રહ્યા હતા પણ વર્ષોથી એકબીજાના
પરિચિત હોય તે રીતે જ વાતો કરવા લાગ્યા. આ કદાચ ‘ખાડિયા’ શબ્દનો
ચમત્કાર હતો. થોડી વાતો અને ચાના કપ પછી છૂટા
પડતાં પંકજભાઈએ તારકભાઈને કહ્યું કે, “મારું કંઈ પણ કામ હોય તો બિનીતને વિના સંકોચ જણાવવું.” સાથે ઉમેર્યું, “તમારી સાથે ડબલ સગાઈ છે. ‘ચિત્રલેખા’નો અને એ કારણે તમારો વાચક તો છું જ, મારું કન્સલ્ટિંગ ક્લિનિક
ચિત્રલેખાની ઑફિસ નીચે જ છે. એટલે તમે મહેશ શાહને પણ મારા જોગ સંદેશો પાઠવી શકો.
બિલકુલ હકથી. તમને મદદરૂપ થતા મારો રાજીપો ડબલ થશે. આવજો.”
સોમવાર 17 માર્ચ ધૂળેટીની સાંજની આ
મુલાકાત પછી બીજા દિવસની સવારે ડૉ. પંકજ અંકલનો સંદેશો (SMS) આવ્યો...It was a very refreshing meeting. Thanks.
* * * * * * *
(Wednesday, 26 March 2014 at 11:00am)
પેરિસ (જિલ્લો ફ્રાન્સ) ફેશન ડિઝાઇનિંગનું મક્કા ગણાય
છે...
...એ રીતે...અમદાવાદ ફૂટપાથ
ડિઝાઇનિંગનું મક્કા છે...
એક જ રસ્તાની બન્ને તરફ આવેલી ફૂટપાથનું જુદી-જુદી
અડધો ડઝન વાર ડિઝાઇનિંગ અહીં બિલ્ડરો – કોન્ટ્રાક્ટરોના
લાભાર્થે થઈ શકે છે...
વસ્ત્રાપુર-અમદાવાદ સ્થિત આઈઆઈએમથી પોલિટેક્નિક તરફ
જતા રસ્તાની નવી ફૂટપાથ બનાવવાનું કામ હાલમાં સાતમી વખત ચાલી રહ્યું છે.
મારું ગુજરાત – નંબર
વન...અવ્વલ અમદાવાદ...
* * * * * * *
વિલિયમ શેક્સપીયર અને ગુજરાતી રંગભૂમિ |
(Thursday, 27 March 2014 at 10:50am)
જ્ઞાતિપ્રથામાં હું માનતો નથી...પરંતુ...જ્ઞાતિ
મંડળોના ‘સોલ્ડ આઉટ શૉ’ની
પ્રથાએ જે રીતે ગુજરાતી રંગભૂમિને ટકાવી રાખી છે એ જોયા પછી હું જ્ઞાતિપ્રથામાં
આસ્થા ધરાવતો થઈ ગયો છું. લિ. વિલિયમ શેક્સપીયર
નોંધ : શેક્સપીયરએ
આવું કંઈ કહ્યું નથી. કહે પણ નહીં. આ તો એમના નામે ઠપકારીએ તો વાતમાં જરા વજન પડે.
નોંધની નોંધ : મુંબઈ – ગુજરાતના જ્ઞાતિ મંડળો શેક્સપીયરના નાટકો બતાવતા નથી એટલી સ્પષ્ટતા.
આજે 27 માર્ચ – ‘વિશ્વ રંગભૂમિ દિવસ’ (1961થી
ઇન્ટરનેશનલ થીએટર્ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રયોજિત વાર્ષિક ઉજવણી)
* * * * * * *
દલિત સાહિત્યના દાદા : જોસેફ મેકવાન (*) |
(Friday, 28 March 2014 at 04:00pm)
‘આંગળિયાત’ના સર્જક અને
ઓડ ગામના વતની જોસેફ મેકવાનની વિદાયને વરસ થયા ચાર
જન્મ : 9 ઑક્ટોબર 1936, આણંદ જિલ્લાનું ત્રણોલ ગામ
અવસાન : 28 માર્ચ 2010, મૂળજીભાઈ પટેલ યુરોલોજિકલ (કિડ્નિ) હોસ્પિટલ, નડિયાદ
તસવીર સ્થળ : શંકુઝ વૉટર પાર્ક, અમીપુરા ગામ, અમદાવાદ – મહેસાણા હાઈવે.
અવસાન : 28 માર્ચ 2010, મૂળજીભાઈ પટેલ યુરોલોજિકલ (કિડ્નિ) હોસ્પિટલ, નડિયાદ
તસવીર સ્થળ : શંકુઝ વૉટર પાર્ક, અમીપુરા ગામ, અમદાવાદ – મહેસાણા હાઈવે.
* * * * * * *
(Monday, 31 March 2014 at 11:00am)
કૉંગ્રેસમાંથી ભાજપમાં, ભાજપમાંથી ત્રીજા મોરચામાં, ત્રીજા મોરચામાંથી તૃણમૂલ કૉંગ્રેસમાં, ત્યાંથી મૂળ કૉંગ્રેસમાં, ત્યાં ફરીથી
ગયા પછી ન ફાવે તો બહુજન સમાજ પાર્ટીમાં, સમાજવાદી પાર્ટીમાં, અકાલી દળમાં અને છેલ્લે આમ આદમી પાર્ટીમાં...
...રાજકીય પક્ષોના સક્રિય
કાર્યકરોએ જ્યાં જવું હોય ત્યાં આજે સાંજ સુધીમાં જતા રહેજો...
...31મી માર્ચ
છે...ને પાકું સરવૈયું (I Mean...બેલેન્સ
શીટ) બનાવવાનું બાકી છે.
ગયા મહિને અહીં મુકેલી ફેબ્રુઆરી
– 2014ના
પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –
.....તેમજ ગયા વર્ષે એપ્રિલ મહિનામાં અહીં મુકેલી માર્ચ
– 2011, માર્ચ – 2012 (ભાગ-1 અને ભાગ-2) તેમજ માર્ચ – 2013ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –
http://www.binitmodi.blogspot.in/2013/04/2011.html
http://www.binitmodi.blogspot.in/2013/04/2011.html
(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)
સૌ મિત્રો,
ReplyDeleteબ્લોગની 101મી પોસ્ટ (10 એપ્રિલ 2014)ના વાચન માટે આભારી છું.
બિનીત મોદી (અમદાવાદ) / બુધવાર, 20 ઑગસ્ટ 2014