પ્રતિભાવો ઉર્ફે Comments

Tuesday, March 04, 2014

‘આમ આદમી’ની સ્વમાન જાળવવાની લડાઈ


અમદાવાદ / Ahmedabad જેવા શહેરોમાં રવિવારની સવાર પણ હવે રોજ જેવી જ ઉગે છે. સોમવારની સવારથી શનિવાર સુધી રોજ કામ-ધંધે વળગવા દોડધામ કરતા લોકો રજાના દિવસે પલાંઠી વાળીને બેસવાને બદલે હરવા-ફરવા માટે દોડધામ કરતા નજરે પડે છે. એમાં હરવા-ફરવાને બદલે હડિયાપાટી કરતા હોય એવું વધારે લાગે. એમ કરવામાં ક્યારેક વિવેકભાન પણ ચૂકી જાય.

બીજી માર્ચના રવિવારની સવારે આમ જ થયું. આમિર ખાનના બહુચર્ચિત ટી.વી. શૉ ‘સત્યમેવ જયતે’ની બીજી સીઝનનો પહેલો એપિસોડ ઑન-ઍર થવાનો સમય નજીક હોય એવો જ સવારના અગિયાર આસપાસનો સમય હતો. ‘રક્તદાન, સમાજ અને માધ્યમો’ એવા એક વિષય પર પંદરેક મિનિટનું વક્તવ્ય આપવાનું હતું. આશ્રમરોડ પર હૅન્ડલૂમ હાઉસની પાછળ આવેલા અમદાવાદ મેડિકલ ઍસોસિએશન ખાતે આયોજિત કાર્યક્રમમાં પહોંચવા માટે મીઠાખળી ગામ અને તેનું રેલવે ક્રૉસિંગ વટાવીને જવાનો રસ્તો મને વધુ અનુકૂળ પડે તેમ હતો. જો કે રેલવે ક્રૉસિંગ બંધ હતું. થોડી વાર રાહ જોઈ શકું એટલો સમય મારી પાસે બચ્યો હતો. બીજી તરફ જ્યાં પહોંચવાનું હતું તે સ્થળ પર ચાલીને જઈ શકું એટલો નજીક તો પહોંચી જ ગયો હતો.

આવી ગડમથલ ચાલતી હતી તેવામાં જ વાહનોના ભોં...પૂં...ઉં...અને ભીડ વચ્ચેથી એક મોટી બૂમ સંભળાઈ કે, ‘પોલીસ આવશે પછી જ આ ક્રૉસિંગ ખૂલશે.’ રેલવે ક્રૉસિંગ પર આવી જાહેરાત થતી સંભળાય એટલે નાનો-મોટો અકસ્માત થયો હોવાનું અનુમાન સહેજે લગાવી શકાય. જો કે અહીં એવું કંઈ દેખાતું નહોતું. સમય બગાડવાનું પાલવે તેમ નહોતું એટલે સ્કૂટરને ક્રૉસિંગ સામે જ આવેલી નર્મદ – મેઘાણી લાઇબ્રેરીના બાંકડા પાસે પાર્ક કર્યું. નજીક જઈને જોયું તો પોલીસને બોલાવવી પડે તેવું કોઈ જ કારણ નજરે પડતું નહોતું. હા, ભીડ વચ્ચેથી આવતા અવાજો ‘ઝઘડો’ થયાની સાહેદી પૂરતા હતા.

ઝઘડો પણ કેવો? મારે અને તમારે જાણવો પડે એવો. ટ્રેનની અવર-જવરનો સમય નજીક આવ્યો હશે તે સૂચના મળતા જ ગેટમેને રેલવે ક્રૉસિંગ બંધ કરી દીધું. એ જ ક્ષણે ત્યાં આવી પહોંચેલા અને સહેલ-સપાટા માટે નીકળેલા એક મોટર-સાઇકલસવાર પરિવારે હુકમ કર્યો કે ‘ક્રૉસિંગ ખોલી દો, અમારે મોડું થાય છે.’ કેમ જાણે એમના મનમાં હવેલી મંદિરનો ખ્યાલ વસતો હશે જ્યાં મુખિયાજીને વિનંતી કરો તો દર્શનનો સમય વધારી આપે અને ક્યારેક બંધ દર્શનના દ્વાર પણ ખોલી આપે. જો કે અહીં એવી કોઈ શક્યતા નહોતી એટલે પરિવારના મુખિયા એવા મોટર-સાઇકલચાલકે ગેટમેનને દમ મારવાની શરૂઆત કરી. બોલાચાલીથી શરૂ થયેલી વાત ગાળાગાળી અને છેવટે જાતિ-વિષયક ઉચ્ચારણો સુધી પહોંચી. એમ સમજીને કે અહીં કામ કરનાર તે થોડા કંઈ વાણિયા, બ્રાહ્મણ, પટેલ, રાજપૂત હોવાના હતા? એટલે આને તો કંઈ પણ કહી શકાય? તેની સાથે કોઈ પણ કક્ષાની તોછડાઈ કરી શકાય?

બસ અહીં પેલા ભાઈ ગોથું ખાઈ ગયા. એવડું મોટું ગોથું કે રેલવે પોલીસ આવીને એને બાવડેથી પકડીને લઈ ગઈ. પણ આ બધું કોના પ્રતાપે? તો એનો જવાબ છે ચીમનભાઈ શીવાભાઈ ચૌહાણના પ્રતાપે.

ચીમનભાઈ ચૌહાણ : ‘આ ચાવી મારા કહ્યામાં ન હોય’
ચીમનભાઈ ચૌહાણ / Chimanbhai Chauhan અમદાવાદ શહેર વચ્ચેથી પસાર થતી મીટરગેજ રેલવે લાઇન પરના ગાંધીગ્રામ રેલવે સ્ટેશન / Gandhigram Railway Station નજીક આવેલા મીઠાખળી / Mithakhali ગામ સ્થિત પંદર નંબરના લેવલ ક્રૉસિંગના ગેટમેન છે. 2 માર્ચ 2014ની સવારે ઉપર વર્ણવેલી ઘટના ઘટી ત્યારે એમણે ગાળો સહી લીધી. સાથે-સાથે ગાળો આપનાર ભાઈને એ સમજાવવાની કોશિશ કરી કે આ ક્રૉસિંગ હવે ખુલી ના શકે. એ સિવાયની કોઈ જ પ્રતિક્રિયા આપી નહીં. હા, ક્રૉસિંગ ખુલવાની રાહ જોતા અન્ય વાહનચાલકોને તેમણે વિનંતી કરી કે, ‘બીજો રસ્તો પકડી લો. આ ક્રૉસિંગ તો હવે પોલીસ આવશે પછી જ ખૂલશે.’ એક પણ વાહનચાલકે તેમના આ નિર્ણયને પડકાર્યો નહીં બલકે તેમની પડખે ઊભા રહ્યા.

ચીમનભાઈએ લેવલ ક્રૉસિંગ પરની તેમની કૅબિનમાંના સત્તાવાર ફોનથી પોતાના ઉપરી સાહેબોને ઘટનાની જાણ કરી એટલે ગાંધીગ્રામ રેલવે સ્ટેશનની ફરજ પરની પોલીસ તરત હરકતમાં આવી. પ્લૅટફૉર્મનો બીજો છેડો પસાર કરે ત્યાં તો આ રેલવે ક્રૉસિંગ આવી જાય. ગણીને પાંચ મિનિટમાં તો આખી વાતનો ફેંસલો આવે તેવા ઘટનાક્રમની પહેલી ઈંટ મુકાઈ ગઈ. ફરજ પરના સરકારી કર્મચારીને તેના કામમાં અંતરાયરૂપ બનવાનો તેમજ કાયદાથી પ્રતિબંધિત છે તેવા જાતિ વિષયક ઉચ્ચારણો કહેવા બદલની ફરિયાદ નોંધવામાં આવી.

ચીમનભાઈ ચૌહાણ : ‘આમ આદમી’નું સ્વમાન
કોરટ-કચેરી તો થતાં થશે અને ફરિયાદની કાર્યવાહી નિયમ મુજબ આગળ ચાલશે જ. પણ સ્વમાન પામવાની, ત્વરિત ન્યાય માંગવાની ચીમનભાઈની આ પદ્ધતિ મને ગમી ગઈ. એથી ય વધુ તો પ્રતિક્રિયારૂપે એક પણ શબ્દનો જવાબ આપ્યા વિના આખી ય બાજીને જે રીતે તેમણે પોતાની તરફેણમાં કરી લીધી એ તો કાબિલેદાદ હતું. મારા માટે તો આ જ ‘સત્યમેવ જયતે’ હતું. ટી.વી. શૉ ન જોઈ શક્યાના અફસોસને ભૂલાવી દે તેવું.

ચીમનભાઈ ચૌહાણને બિરદાવવા આનાથી વધુ સારા શબ્દો મને જડતા નથી. મળી આવશે તો કહેવા માટે રૂબરૂ મળવા જ પહોંચી જઇશ. ન્યાય માટે માત્ર મિનિટો પૂરતું જ લડ્યા પણ અમીટ છાપ છોડી ગયા.

ખુદનું સ્વમાન જાળવવાની આમ આદમીની લડાઈ તો આવી જ હોયને!

(તસવીરો : બિનીત મોદી)

13 comments:

  1. બીનીત, એક ચુસ્ત ફરજ પાલનના આગ્રહી દલિત સરકારી કર્મચારી એવા ચીમનભાઈ ચૌહાણની સહનશીલતા, શાલીનતા અને સ્વમાનપ્રિયતાને તો લાખ સલામ, પણ તમારા જેવા વિરલ પત્રકારને સહસ્ર સલામો ! મને લાગે છે કે જે દિ' આપણા આ જ્ઞાતિજન્ય ગંદી માનસિકતાથી ગંધાતા રાજયમાં તમારા જેવા સમાનતાવાદી અને બંધુતાવાદી પત્રકારો, શિક્ષકો, લેખકો સેંકડોની સંખ્યામાં પાકશે, તે 'દિ' થી જ આપણે ગૌરવ લઈ શકીએ એવી 'ગરવી ગુજરાત' બનવાની શરૂઆત થશે. હિન્દુ ધર્મ અને એના આધારિત રાજનીતિ કરનારાઓએ પ્રસારેલાં આ ઝેર મધ્યમવર્ગી અપરકાસ્ટના વનેરુઓમાં એવાં તો ઊંડા ઉતરી ગયા છે કે એ 21મી સદીમાં પ્રવેશ્યા પછી પણ આ મિથ્યા જ્ઞાતિઅભિમાનને આધારે જ પોતાને ઊંચ અને અન્યને નીચ માની લઈને વાણી-વર્તન-વ્યવહાર નક્કી કરે છે ! ઉદારીકરણ અને વૈશ્વિકરણની દુહાઈ દેતો આ હિન્દુ મધ્યમ વર્ગ કેવળ આર્થિક બાબતો સાથે જ એને જોડે છે, સામાજિક બાબતોમાં તો એ એ જ પુરાતનવાદ -સનાતવાદની સંકિર્ણતાઓમાં માને છે ! ધર્મ અને રાજનીતિના ઝેરી મિશ્રણથી જ્ઞાતિજંતુઓમાં તબદીલ થઈ ગયેલાઓને ફરીથી 'નાગરિક' બનાવવા માટે બહુ મોટા ડી-સ્કૂલિંગની જરૂર છે અને એટલે જ બીનીત, નેતાઓ કે ધર્મનેતાઓ કરતાં તમારા જેવા પ્રામાણિક પત્રકારો, લેખકો, શિક્ષકો , કર્મશીલો ની ગુજરાતને વધારે જરૂર છે. ફરીથી એક ઓર સલામ, બિનીત.

    ReplyDelete
  2. બિનીત, આ પોસ્ટ સાથે જ મને તમારી દલિત સમસ્યા પરની અન્ય પોસ્ટ્સ પણ આ ટાણે યાદ આવી ગઈ : પગાર ત્રણસો રૂપરડી અને પાટુ પડ્યું રૂપિયા ત્રણ લાખનું, પાયખાનું પખાળવા પંદરસો કિલોમીટરનો પ્રવાસ, મારી દલિત ચેતના વગેરે. મારી તમને ખાસ વિનવણી છે કે આવી પોસ્ટ્સનું એક સંકલન સાર્થક પ્રકાશન દ્વારા પુસ્તક રૂપે જરૂર છાપો. હું માનું છુ કે આવી સામગ્રી બિન-દલિત લોકોને દલિત સમસ્યા પ્રત્યે સેન્સિટાઈઝ કરવામાં બહુ અસરકારક યોગદાન આપી શકે છે. આ જ સાચું દલિત સાહિત્ય છે. એટલે જ દલિતોના માનવ અધિકાર અને સ્વમાન પ્રાપ્તિના આશયે અસ્તિત્વમાં આવેલ ‘દલિત સાહિત્ય ‘ ની વિસ્તૃત વ્યાખ્યામાં પ્રચલિત સાહિત્ય સ્વરૂપો ઉપરાંત આ પ્રકારના પત્રકારિતા લેખો, અહેવાલો, અભ્યાસો, મોજણીઓ વગેરેને પણ એટલુ જ મહત્વ અપાયું છે.

    ReplyDelete
    Replies
    1. બિનીતભાઈ, નિરવભાઈ ની વાત સાથે હું સંમત છું સાર્થક જો આવું કંઇ કરે તો જરૂર સારો પ્રતિસાદ મળશે જ. જરૂર વિચારો જ આના ઉપર.

      Delete
  3. સરસ થયું છે. બિનીત-સ્પેશ્યલ

    ReplyDelete
  4. બીરેન કોઠારી5 March 2014 at 13:48

    બિનીત મોદી, તમારી પાસેથી બ્લોગ પર આવી સ્ટોરીઓની અપેક્ષા છે, અને તમે ફેસબુકના સ્ટેટસોનું આયુષ્ય લંબાવીને સંતોષ માનો છો. હવે તમારા બ્લોગના ઓટલે સૂત્રોચ્ચાર કરીએ.

    ReplyDelete
  5. Harish Mangalam (Ahmedabad, Gujarat)6 March 2014 at 18:30

    Very good incident; teaches a lot in the life of human being so far self-respect and self-identity is concerned. Mr. Chimanbhai took right and timely step and raised a protest against injustice.
    With Regards,

    Harish Mangalam (Ahmedabad)

    ReplyDelete
  6. ભાઈ હરીશ મંગલમનો પ્રતિભાવ વાંચીને એક ઓર સૂચન કરવાનું મન થયું : આ પોસ્ટની હાર્ડ કોપી કાઢીને દલિત સામયિકોમાં મોકલવી જોઈએ કે જેથી તેઓ આને પુન: પ્રગટ કરીને સ્વમાનપ્રાપ્તિ-અધિકારપ્રાપ્તિની ન્યાયી લડત માટે સવિશેષ તો દલિતોને પ્રોત્સાહિત કરી શકે.

    ReplyDelete
  7. Rushi Ghadawala (Ahmedabad, Gujarat)12 March 2014 at 16:55

    Sharp Punch. I just feel like to ask, Who is more 'educated' in this case...the motor cyclist or duty dedicated Mr. Chauhan. Many literates are not actually educated. Bravo ChauhanBhai. We are with you!

    Rushi Ghadawala
    CEO - Aryavarta Space Organisation, Ahmedabad, Gujarat.
    (Response through FACEBOOK : 11 March 2014)

    ReplyDelete
  8. સૌ મિત્રો,
    બ્લોગની 96મી પોસ્ટ (4 માર્ચ 2014)ના વાચન / પ્રતિભાવો માટે આભારી છું.

    બિનીત મોદી (અમદાવાદ) / ગુરૂવાર, 1 મે 2014

    ReplyDelete
  9. આ કાંઈ નવું નથી. રેલવેનાં દરેક ગેટમેનની આજ કાર્યપદ્ધતિ છે. વલસાડ પાસે બાલાજી વેફર્સની ફેક્ટરી પાસેના રેલવે ક્રોસિંગ પાસે આવી ઘટના ઘણી વાર બને છે.
    અશોક નાયક

    (Response through FACEBOOK : 23 July 2016 at 12:00pm)
    Post Re-shared on 23 July 2016

    ReplyDelete
  10. Ruchir Samyak (Ahmedabad)12 August 2016 at 19:40

    જ્યારે કાયદાની જાણકારી, એનો ઉપયોગ કરવાની હિંમત અને આવડત તથા કાયદાનું પાલન કરવાની અને કરાવવાની નિષ્ઠાનો સુભગ સંયોગ મળે ત્યારે આવું પરિણામ આવે.
    રૂચિર સમ્યક (અમદાવાદ)

    (Response through FACEBOOK : 23 July 2016 at 12:45pm)
    Post Re-shared on 23 July 2016

    ReplyDelete
  11. સૌ મિત્રો,
    બ્લોગ પ્રારંભના સાડાચાર વર્ષ અને 150 પોસ્ટના મુકામ પર આ પંદરમી પોસ્ટ છે જેણે વાચક સંખ્યાનો 1000નો પડાવ પાર કર્યો છે.

    બિનીત મોદી (અમદાવાદ) / શનિવાર, 17 સપ્ટેમ્બર 2016

    ReplyDelete