ફોટોગ્રાફી મારો મૂળ શોખ છે. એ મૂળમાં ભળેલા સ્વભાવગત લક્ષણો અને પત્રકારત્વ, પ્રચાર સામગ્રી લેખન (કોપીરાઇટીંગ – વ્યવસાયી લેખન)ના વ્યવસાયી
કામને કારણે રખડપટ્ટી રોજિંદી બાબત બની ગઈ છે. હરતાંફરતાં કૅમેરા સાથે કામ પાર પાડતો
રહ્યો છું.
એમ કરતા જે તસવીરો લીધી તેને અહીં ‘હરતાંફરતાં’ પર રજૂ કરવાની નેમ છે. એવી
તસવીરો કે જેની આગળ-પાછળની ઘટના વિશે મારે કંઈ કહેવાનું હોય. એ સિવાય આને તમે મારી
‘ડાફોળિયા મારવા’ નામની પ્રવૃત્તિની બાયપ્રોડક્ટ પણ ગણી શકો. એ બાયપ્રોડક્ટને
કારણે જે કંઈ જોવા મળ્યું હોય તેને રજૂ કરવાની અને સાથે સાથે જે અનુભવ્યું હોય
તેનું આલેખન કરવાની ઇચ્છા માત્રથી આ તસવીરકથા માંડી છે. આ એવી તસવીરો છે જેને હું
ભૂલી શકતો નથી. પ્રિન્ટમાં કે સ્ક્રીન પર જોયા વગર તેની ફ્રેમ યાદ કરી શકું. આવી
તસવીરો મેળવનારો કે તે પાછળના અનુભવો આલેખનારો હું એકલો, પહેલો કે છેલ્લો નથી એવી પાકી સમજણ સાથે તેને જાહેર માધ્યમમાં
મુકવી જોઇએ એવા વિચારનું પરિણામ એટલે આ.....આપના પ્રતિભાવો કમેન્ટ બોક્ષમાં
આવકાર્ય.....
- બિનીત મોદી
તસવીર ભૂલી ના
ભુલાય : IIMના આંગણે આરામ
ડ્રાઇવરનો આરામ : ડિરેક્ટરની દેખરેખમાં (*) |
અમદાવાદના વસ્ત્રાપુર
સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટના જૂના કેમ્પસ પર હરતાંફરતાં આ ફોટો મેં
21 જૂન 2008ની બપોરે પાડ્યો હતો.
વિદ્યાર્થીઓની પાંખી અવરજવર ધરાવતા આ કેમ્પસમાં પોસ્ટઑફિસ અને સ્ટેટ બૅન્ક ઑફ
ઇન્ડિયાની બ્રાન્ચ આવેલી છે. એટલે આ ઑફિસોનું જેમને કામ પડે તેમની અવરજવર બોનસમાં
ગણાય. આઈઆઈએમમાં અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ (પ્રોફેશનલ પોસ્ટ-ગ્રૅજ્યુએટ્સ
– PGPX Students) ને તેમના સંશોધનના ભાગરૂપે ભાષાંતરકારની જરૂર પડે ત્યારે ટ્રાન્સલેશનના કામ
માટે વ્યવસાયી રીતે મદદરૂપ થવાનું વખતોવખત બન્યું છે. હજીયે બને છે. એ બપોરે હું આ કેમ્પસ પર કેમ ગયો હતો એ આજે યાદ નથી.
શક્ય છે પોસ્ટઑફિસ કે બૅન્કના કામસર પણ ગયો હોઉં.
એન્ટ્રન્સ
ગેટ પર સિક્યૉરિટી માટે જરૂરી નોંધણી કરાવી સ્કૂટર પાર્ક કરીને ઇન્સ્ટિટ્યૂટના મુખ્ય
પ્રવેશદ્વાર ગણાતા દાદરા નજીક પહોંચ્યો ત્યારે આ ડ્રાઇવર મહાશયને આમ આરામ ફરમાવતા
જોયા. મને થયું ફોટો બને છે. પાડવો જોઇએ. પાડ્યો.
ફોટો
પાડવાની પ્રક્રિયારૂપ જે કંઈ સ્વાભાવિક ગણાય એવી વ્યસ્તતા વચ્ચે કૅમેરાના
વ્યૂ-ફાઇન્ડરમાંથી મેં જોયું કે કારની પાછળ દેખાતો દાદરો કોઈ ઉતરી રહ્યું છે.
જલદીથી ફોટો પાડી લઇને કૅમેરાને પાછો ઑફિસબેગના હવાલે કરી દેવો જોઇએ એવી ગડમથલ પણ
મનમાં ચાલી. દાદરો ઉતરનારનો ચહેરો ઝાડને કારણે જોઈ શકાતો નહોતો. એ વ્યક્તિ છેલ્લા
પગથિયાની નજીક પહોંચવામાં હતી ત્યારે ઓળખ સ્પષ્ટ થઈ. એ વ્યક્તિ પ્રોફેસર ડૉ. સમીર
કુમાર બરૂઆ / Samir Kumar Barua હતા – આઈઆઈએમ અમદાવાદના ડિરેક્ટર. દૂર રહ્યે તેમને
એટલો તો ખ્યાલ આવી ગયો કે કોઈ તેમનો ફોટો લઈ રહ્યું છે. (વિશ્વભરમાં જેની ખ્યાતિ
ફેલાયેલી છે તે દેશની નામાંકિત શૈક્ષણિક સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ
મૅનેજમૅન્ટના / Indian Institute of Management,
Ahmedabad / http://www.iimahd.ernet.in/ નિદેશક પદ સુધી પહોંચેલી વ્યક્તિને આટલો તો ખ્યાલ આવી
જ જાય ને!)
ડૉ. સમીર કુમાર બરૂઆ |
ફોટો પાડ્યા
પછી હું મારા નિશ્ચિત કરેલા કામને બદલે કોઈ વિપરીત દિશામાં જ ઝડપભેર સરકી ગયો.
કેમ્પસના સર્વોચ્ચ સત્તાધીશ અને એ રીતે જાહેર ઓળખ ધરાવતી વ્યક્તિનો ફોટો પાડવો એ
કંઈ ગુનો નહોતો પણ કૅમેરાની ફ્રેમ જોઇને તો તેઓ પારખી શકે એમ હતા કે મેં કેવો ફોટો
લીધો છે. જો એમ થાય તો તેઓ ફોટો ડિલીટ પણ કરાવી શકે. એવું કંઈ ન પણ થાય...પણ મને
એવો ડર પેસી ગયો હતો એ વાત નક્કી એટલે ઝડપથી હું સ્થળ પરથી પોબારા ગણી ગયો. કેમ કે
સામે સર્વોચ્ચ સત્તાસ્થાને બેઠેલી (અને અત્યારે ઊભી રહેલી) વ્યક્તિ હતી.
એ પછી આ
ડ્રાઇવરનું કે તેની ગાડીનું શું થયું એ ખબર નથી. જાણવાનો પ્રયત્ન પણ મેં કર્યો
નથી. થોડા સમય પછી ફરી આઈઆઈએમ કેમ્પસ પર ગયો ત્યારે કાર સાથે પ્રવેશનાર માટે નિયમ
આવી ગયો હતો કે તેમણે પોતાનું વાહન લઈને પાર્કિંગ સુધી જ જવું...તસવીરમાં દેખાતા
દાદરા સુધી નહીં. વૃધ્ધ, અશક્ત કે અપંગ વ્યક્તિ માટે આ
નિયમમાં છૂટછાટ હતી. આ તસવીરને કારણે નિયમ બન્યો એવો મારો કોઈ દાવો નથી. એવો દાવો
થઈ શકે પણ નહીં. હા, આ નિયમનો અમલ આજે પણ જેમનો તેમ ચાલુ છે.
‘ફ્રેમ
ગોઠવતો હતો’.....‘કમ્પોઝિશન સેટ કરતો હતો’ અને ‘ત્યાંજ આવી સુંદર તસવીર મળી’ એવો
દાવો પણ મારાથી થઈ શકે તેમ નથી. એવો દાવો કરવા માટે મસમોટો એસએલઆર કૅમેરો જોઇએ અને
ઝૂમ લેન્સના લટકણિયા જોઇએ જે મારી પાસે નથી.
આઈઆઈએમ - અમદાવાદ / IIM - Ahmedabad |
આ ફોટો
જ્યારે જ્યારે જોઉં છું ત્યારે મને આજનો (આ
લખું છું ત્યારે 2013નો) આધુનિક...નવા જમાનાનો ડ્રાઇવર યાદ આવે છે. એ હવે આ રીતે આરામ નથી કરતો. એ તો તેની
ડ્રાઇવર સીટને રિક્લાઈન કરે, ગાડી અને કાર એરકંડિશનર બન્ને ચાલુ કરે, ચારેય દરવાજા બંધ કરે અને એયને ટેસથી ઊંઘી જાય છે. પેટ્રોલ – ડીઝલનો અને
સાથે-સાથે રૂપિયાનો ધુમાડો થાય તેની તેને ચિંતા નથી. કેમ કે એ ચિંતા કારમાલિકને
હવાલે છે અને તેને ખબર છે કે એવી ચિંતા કરવા વાળા જ તો આઈઆઈએમમાં ભણી-ગણીને તૈયાર
થાય છે.
ડ્રાઇવર આધુનિક થાય અને માલિક
મહાશય પછાત...જ્યાંના ત્યાં રહી જાય એ તો કેમ ચાલે? બળતણનો બગાડ પામી ગયેલા કાર માલિકોએ હવે પાર્કિંગ લૉટ માટે નવો નિયમ લાગુ પાડ્યો
છે તે આ. ડ્રાઇવર મહાશયે કાર પાર્કિંગ કર્યા પછી કારમાં નહીં બેસી રહેવાનું. એવું
કરે ત્યારે પેટ્રોલ – ડીઝલની ટાંકી જલદી ખાલી થાય ને. એમણે તેમના માટે અલગથી
વ્યવસ્થા કરાયેલી – નક્કી કરેલી જગ્યાએ બેસવાનું અને બેઠાબેઠ જ આરામ ફરમાવવાનો.
મને મારી કારકિર્દીના પ્રારંભિક
વર્ષો દરમિયાન કરેલી એક નોકરી યાદ આવે છે. કંપનીના માલિકે છાપામાં જાહેરાત આપી હતી
કે ‘કાર ડ્રાઇવર-કમ-ક્લાર્ક જોઇએ છે’. મેં પૂછ્યું હતું કે આમ કેમ? તો કહે ‘ગાડી તો સવાર-સાંજ થઈને પંદર-વીસ મિનિટ જ ચલાવવાની હોય છે. બાકીનો
સમય એણે કરવાનું શું? મારું મોં જોઇને બેસી રહે તેના
કરતાં ચોપડા ચીતરે એ સારું ને?’
જવાબમાં ‘હા’ પાડ્યા સિવાય મારો
છૂટકો નહોતો.
(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી / એ સિવાયની નેટ ઇમિજસનો અહીં માત્ર પ્રતિકાત્મક ઉપયોગ)
આ અગાઉની પ્રથમ તસવીર કથા ‘કૉંગ્રેસ કાર્યાલય અને કૂતરો’ વાંચવા માટે આ રહી
લિન્ક – http://www.binitmodi.blogspot.in/2013/08/blog-post_31.html
Binitbhai,
ReplyDeleteLooks like the car is an old model with A/C facility out of order !!!
MAY BE !! The driver does not miss the opportunity to sleep in A/C ..M I RIGHT ??
સૌ મિત્રો,
ReplyDeleteબ્લોગની 79મી પોસ્ટ (15 સપ્ટેમ્બર 2013)ના વાચન / પ્રતિભાવ માટે આભારી છું.
બિનીત મોદી (અમદાવાદ) / શનિવાર, 26 ઑક્ટોબર 2013
પ્રિય મિત્રો,
ReplyDeleteબ્લોગ ‘હરતાંફરતાં’ને અઢી વર્ષ પૂર્ણ થયા.
79મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 15-09-2013 to 15-09-2014 – 490
બિનીત મોદી (અમદાવાદ)