પ્રતિભાવો ઉર્ફે Comments

Monday, August 05, 2013

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (જુલાઈ – 2013)


(જુલાઈ – 2013)
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યો. જેના અમલની કોઈ નિશ્ચિત તારીખ નહોતી એવી આ પોસ્ટસ્ ને મળેલા થોડા પ્રતિભાવો – કમેન્ટ્સ અને રીડર સ્કોરથી તેને નિયમિત કરવાનું મને બળ મળ્યું અને એ ક્રમમાં આ 33મી પોસ્ટ છે.
ગયા ઑગસ્ટમાં જુલાઈ – 2012ના સ્ટેટસ પ્રોફાઇલથી પ્રારંભ કર્યા પછી પ્રસ્તુત છે હવે જુલાઈ – 2013. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

(Monday, 1 July 2013 at 03:00pm)
ડમડમબાબાની ડુગડુગી 
: મુશ્કેલી અને માર્ગદર્શન.....
વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિમાં રક્ષણ મેળવવા સુરક્ષિત રહેવા સલાહ સૂચનો આપતી એક જાહેરખબર રવિવાર 
30 જૂનના ગુજરાતના અખબારોમાં પ્રકાશિત થઈ છે. GSDMA (Gujarat State Disaster Management Authority / http://www.gsdma.org – ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મૅનિજ્મન્ટ ઑથૉરિટિતરફથી પ્રકટ થયેલી જાહેરાતની ચોતરફ કાતરની નિશાની મુકી નિર્દેશ કરવામાં આવ્યો છે કે તેને કટીંગ સ્વરૂપે સાચવી રાખવી. વાવાઝોડું આવે અને કટીંગ ઉડી જાય પછી શું કરવાનું તે બાબતે સૂચન કરતો કોઈ ઉલ્લેખ જાહેરાતમાં નથી.
ઉપાય : જાહેરાતના કટીંગને પૂંઠા પર ચોંટાડવું અથવા તો ઘરની ભીંત પર ચોંટાડી રાખવું.
* * * * * * *

(Tuesday, 2 July 2013 at 11:40am)
ડમડમબાબાનું ખરેખરું ચોંકાવનારું સંશોધન.....
વેપાર જગત માટે ખાસ પ્રકાશિત થતા દૈનિક આર્થિક અખબારો (ધ ઇકૉનૉમિક ટાઇમ્સ
ધ ફાઇનાન્સિઅલ એક્સપ્રેસ, બિઝનેસ સ્ટાન્ડર્ડ... વગેરે) સમાચારપત્રોની સરખામણીએ એટલા મોંઘા આવે છે કે તેને ખરીદીને વાંચીએ તો આર્થિક હાલત ખરેખર પતલીથઈ જાય.
* * * * * * *

(Friday, 5 July 2013 at 12:40pm)
ડમડમબાબા ફ્રેશ 
ન્યૂઝ સર્વિસ અને ડુગડુગી.....
કાળી ધોળી રંગબેરંગી એવી તમામ પ્રકારની ગાડીઓ ઑટોમેટિક ચોખ્ખીચણક થઈ જાય એટલો વરસાદ પાછલા ચોવીસ કલાકમાં અમદાવાદમાં વરસી ગયા પછી પણ કેટલાક શહેરીજનોએ આજે સવારે એક ડોલ પાણી વાપરીને ગાડીને નવેસરથી ધોઈ. શાબાશ.
* * * * * * *

(Monday, 8 July 2013 at 11:11am)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
કૂતરાંને પારલે-Gનું બિસ્કીટ પહેલીવાર ખવડાવનાર નક્કી તેની ઉત્પાદક કંપનીનો સેલ્સમેન હોવો જોઇએ......બાકી બિસ્કીટની ઘરાકીમાં માણસ કરતાં કૂતરાંનો ફાળો વધી ગયો છે એ વાત નક્કી...
* * * * * * *

(Wednesday, 10 July 2013 at 09:55am)
આપના પ્રોફાઇલ સ્ટેટસને આજે અમદાવાદના મિત્રો અને બહેનપણીઓ તેમજ ભાઈબંધો અને સખીઓ તરફથી 
‘Like’ ન મળે તો સમજવું કે તેઓ રથયાત્રા જોવા ગયા છે.
લિ. ડમડમબાબા
સંયોજક, ફેસબુક Like – Unlike મોનિટરીંગ કેન્દ્ર (ધોળકા)
* * * * * * *

(Thursday, 11 July 2013 at 01:40pm)
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
આજે તો જીવન ધન્ય થઈ ગયું.”...“એમ...કોઈ છોકરીએ છ રૂપિયાના છુટ્ટામાગ્યા ને તમે આપ્યા કે શું?”...“ના...રે...ના.”…“તો છુટ્ટાવાળ વાળી કોઈ છોકરીને જોઇને એની સુંદરતા પર ફિદા...”...“ના...રે...ના...એ તો છુટ્ટાહાથે કાર ચલાવતી છોકરી આજે પહેલવહેલીવાર અમદાવાદમાં જોઈને એટલે...જીવન...
* * * * * * *

પ્રાણ : ફાળકે અવૉર્ડ અને વિદાય
(Saturday, 13 July 2013 at 12:35pm)
ડમડમબાબાનું ફિલ્મી સંશોધન.....
ગઈકાલે 12મી જુલાઈ 2013ની સાંજે અવસાન પામેલા ફિલ્મ અભિનેતા પ્રાણ એવા ત્રીજા કલાકાર છે જેમણે દાદાસાહેબ ફાળકે પુરસ્કારજાહેર થયાના બીજા વર્ષે જ અંતિમ વિદાય લીધી હોય. 2012ના વર્ષ માટે 2013માં સન્માનિત. પ્રથમવાર આવી ઘટના રાજ કપૂર સાથે થઈ હતી. 1987ના વર્ષ માટે જાહેર થયેલો અવૉર્ડ તેમને 1988માં અપાયો અને એ જ વર્ષે વિદાય લીધી. બીજા તે કવિ પ્રદીપ. 1997ના વર્ષ માટે જાહેર થયેલો અવૉર્ડ અપાયા પછી 1998માં તેઓએ વિદાય લીધી.
નોંધ
: પૃથ્વીરાજ કપૂર એકમાત્ર અભિનેતા છે જેઓને આ સન્માન મરણોત્તર અપાયું હતું. 1971ના વર્ષ માટે 1972માં સન્માનિત.
* * * * * * *

(Monday, 15 July 2013 at 05:00pm)
ડમડમબાબાની ડુગડુગી.....
મોંઘોદાટ સ્માર્ટફોન ન ખરીદવામાં જ ખરી
સ્માર્ટનેસ’ (ડહાપણ) છે.
* * * * * * *

(*) સુધા પ્રફુલ મોદી
(Tuesday, 16 July 2013 at 02:35pm)
સંગીતનો પ્રોગ્રામ સરસ હતો. મઝા આવી. આશા પારેખ પણ આવ્યા હતા.ગ્રામોફોન ક્લબનો કાર્યક્રમ જોઇને આવ્યા પછી બીજે દિવસે મમ્મીએ કહ્યું.

આશા પારેખને અંગત રીતે મળવાનું થયું હતું?” એવો મારા સવાલનો જવાબ નામાં આપ્યા પછી તેણે સામું પૂછ્યું...એમને મળવું પડે? મળવા જવાય ખરું? એમને મળવા જનારાઓની બહુ ભીડ હતી. મળીને તેમની સાથે હું શું વાત કરી શકવાની?”
કહેવાનું કે મારું નામ સુધા છે. તમારી મમ્મીના નામે નામ.


કાશ્મીર પ્રવાસેથી પાછા ફર્યાના થાકને કારણે ગ્રામોફોન ક્લબના 20 એપ્રિલના પ્રોગ્રામમાં હું નહોતો જઈ શક્યો. ગયો હોત તો આશા પારેખ જેવા જાજરમાન અભિનેત્રી સાથે સંભવિત જે ડાયલૉગ થઈ શક્યો હોત તેમાં નિમિત્ત બની શકનાર મમ્મીનો આજે અગણ્યોસિત્તેરમો (69) જન્મદિવસ છે.
જિલ્લાનું નામ કે ગુજરાતમાં ક્યાં આવ્યું એવું જણાવવાની જરૂર ન પડે એવા ગોધરા ગામમાં તેનો જન્મ. દસ ધોરણ સુધી ભણતર
, છેલ્લા ધોરણની પરીક્ષા આપવી બાકી. વીસ વર્ષની ઉંમરે લગ્ન કરીને સુધા કાન્તિલાલ શાહમાંથી સુધા પ્રફુલ મોદી નામ ધારણ કરનાર મમ્મી બે તબક્કામાં થઈને પાંત્રીસેક વર્ષથી અમદાવાદમાં રહે છે.

આ શહેર એના લોહીમાં એવું વણાઈ ગયું છે કે શહેરમાં ફરતી લાલ બસ (એ.એમ.ટી.એસ)નું ટાઇમટેબલ તેને મોઢે છે એમ કહી શકાય. ગયા વર્ષે 
2012માં કેન્સરની ટૂંકી માંદગીમાં અવસાન પામેલા પપ્પાની સારવાર માટે સિવિલ હોસ્પિટલ જતી વખતે ગાડીમાં બેસતા એ યાદ કરીને કહેતી કે ચાલીસ વર્ષ અગાઉ 1972માં તે મણિનગરથી સિટી બસમાં બેસીને અહીં આવતી હતી. તે સમયે મારા ફુઆ નટવરલાલ પરીખ કેન્સરની સારવાર માટે ગોધરાથી અહીં આવ્યા હતા. મમ્મી બબુફોઈ (મધુકાન્તાબહેન)ને સધિયારો આપવા અને ટિફિન પહોંચાડવા આવતી, પૂરો દિવસ હોસ્પિટલમાં ફોઈ ફુઆ સાથે રહેતી.

ભૂતકાળમાં એક ઘાણે ત્રણેક કિલોના જાડા મઠિયા બનાવતી મમ્મી આજે ખપ પૂરતી પંદર-વીસ રોટલી વણી લે છે અને પગના-ઢીંચણના દુખાવાને અવગણીને મઠિયાનો પાંચસો સાતસો ગ્રામનો ઘાણ તો ઉતારી જ લે છે. પછી ડાયાબિટીસનો છેલ્લો ટેસ્ટ યાદ કરતા પુત્રવધૂ -કમ- પેથૉલજી ટૅક્નિશિયન શિલ્પાને માહિતી આપે છે કે તેણે સાથે સાથે સુખડીનો ઘાણ પણ ઉતારી લીધો છે.
પેલું મોઢે થઈ ગયેલું એ.એમ.ટી.એસનું ટાઇમટેબલ તેને પર્સમાં રૂપિયા હોવા છતાં આજેય રિક્ષામાં બેસતા રોકે છે. અમે પૂછીએ કે કેમ તો કહે
, “ડૉક્ટરે મને ડાયાબિટીસને કાબુમાં રાખવા ચાલવાનું કહ્યું છે. વાંચવાનું તેને એટલું પ્રિય છે કે ટી.વી. ચાલુ કરતા શીખી જ નથી.
તો.....
Happy Birthday to You…..Mummy…..બિનીત મોદી (અમદાવાદ)
* * * * * * *

(Thursday, 18 July 2013 at 11:11am)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
કેન્દ્ર સરકારે પૂરા દેશમાં તારસેવા બંધ કરી.....અને...સર્વોચ્ચ અદાલતે મહારાષ્ટ્ર રાજ્યમાં ડાન્સબાર’ સેવા સામેના અંતરાયો દૂર કર્યા...
* * * * * * *

(*) અશ્વિની ભટ્ટ
(Thursday, 18 July 2013 at 02:50pm)
અશ્વિની ભટ્ટની જન્મતારીખ અને.....જવાબ લખવામાં મોડો છું તોય...
અશ્વિનીભાઈની સાચી જન્મતારીખને લઈને સર્જાયેલી કે ઊભી કરવામાં આવેલી ગેરસમજો પ્રત્યે ધૈવત ત્રિવેદીએ ધ્યાન દોર્યું હતું. ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રકાશિત કરેલા ગુજરાતી સાહિત્યકાર પરિચયકોશની વર્ષ 2008ની આવૃત્તિના પાન નંબર 446 પર ઉલ્લેખાયેલી જન્મતારીખ (22 જુલાઈ) ખોટી છે. સાચી જન્મતારીખ છે 12 જુલાઈ 1936.


અતિશયોક્તિ લાગે તો ભલે પણ જેમણે આ ભૂલ પ્રત્યે વ્યક્તિગત ધ્યાન દોર્યું તેમની નકલમાં મેં જાતે જ વ્હાઇટ ઇન્ક લગાવીને આ ભૂલ સુધારી આપી છે અને એવી નકલોની સંખ્યા 15 ઉપર થવા જાય છે. સંભવતઃ 2011ની મુલાકાત દરમિયાન પરિચયકોશની એક નકલ મારા હસ્તક મંગાવીને અશ્વિનીભાઈ અમેરિકા સાથે લઈ ગયા હતા. એમ કહીને કે લેખક મિત્રો સાથે સંપર્ક કરવા આ ખપમાં લાગશે. તેમની નકલમાં પણ મેં તેમની જ જન્મતારીખ સુધારી આપી હતી. એટલે અકાદમીના પરિચયકોશમાં નોંધાયેલી માહિતીને માત્ર માહિતીગણી શકાય, સત્તાવાર નોંધ નહીં. અકાદમીનું હજી એ સ્તર આવવાનું બાકી છે.

પરિચયકોશમાં તો હજી અમદાવાદ જેવા શહેરમાં વસતા લેખકોના ફોન નંબર પણ છ આંકડામાં છપાય છે જે છ વર્ષ પહેલા આઠ આંકડામાં ફેરવાઈ ગયા છે. પરિચયકોશમાં નોંધાયેલા ફોન નંબરને સત્તાવાર ગણીને ચાલીએ તો તો BSNL વગર વાંકે દંડાઈ જાય. જુઓને આખી વાત ક્યાંની ક્યાં પહોંચી ગઈ અશ્વિની ભટ્ટથી BSNL. વાંધો નહીં. અમદાવાદમાં દાદા BSNL ટાવરની બાજુમાં જ રહેતા હતા વસ્ત્રાપુર ટેલિફોન એક્ષચેન્જ પાસે.
* * * * * * *

(Friday, 19 July 2013 at 11:11am)
ડમડમબાબા ડોસા કેન્દ્રનું ભાવપત્રક.....
મસાલા ઢોંસા (પરમદિવસના વધેલા ખીરામાંથી બનાવેલા) રૂપિયા 60/-
મસાલા ઢોંસા (ગઈકાલના વધેલા ખીરામાંથી બનાવેલા) રૂપિયા 90/-
મસાલા ઢોંસા (આજના તાજા ખીરામાંથી બનાવેલા) રૂપિયા 120/-
નોંધ: ઢોંસો ઑર્ડર કરતી વખતે કયા દિવસનું ખીરુ જોઇએ છે તે ખાસ જણાવવું. પાછળથી તકરાર ચાલશે નહીં. જે દિવસનું ખીરું વધેલું હશે તેનો જ ઑર્ડર લેવામાં આવશે. અમો ખીરામાં ભેળસેળ કરીએ છીએ પણ ખીરુ વાપરવાના દિવસની બાબતમાં તદ્દન પ્રામાણિક છીએ.
* * * * * * *

(Monday, 22 July 2013 at 01:40pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
અમદાવાદ જેવા શહેરમાં માથે લાલ પીળી લાઇટવાળી ગાડીઓની સંખ્યા પડોશી શહેર પાટનગર ગાંધીનગર કરતાં પણ એટલી વધી ગઈ છે કે હવે તે લાઇટ્સનું મહત્વ કાર ઍક્સેસરિઝથી વિશેષ રહ્યું નથી.
* * * * * * *

(Tuesday, 23 July 2013 at 09:50am)
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
બા...સો વરસના થાજો...મારા તમને આશીર્વાદ છે.
બેટા, આશીર્વાદ તારે મને નહીં...મારે તને આપવાના હોય...આપણા બે વચ્ચેની ઉંમરનો તફાવત તો જો.
બરાબર છે બા...પણ આ ગંદકી, રોગચાળાના વાતાવરણ વચ્ચે તમારા આશીર્વાદ તો મને ફળે એમ નથી. શુદ્ધ ઘી દૂધ શાકભાજી ખાધેલા અને સ્વચ્છ વાતાવરણમાં ઉછરેલા તમને મારા આશીર્વાદ ફળશે એવી મને ખાતરી છે.
* * * * * * *

‘બાર રૂપિયાવાળી થાળી મોકલજોને’ રાજ બબ્બર
(Friday, 26 July 2013 at 06:00pm)
મુંબઈમાં 12/- રૂપિયામાં થાળી ભરીને જમવાનું મળે છે રાજ બબ્બર
મુંબઈમાં રાજ બબ્બર અભિનીત ફિલ્મની DVD 100/- રૂપિયામાં મળે છે અને એ ફિલ્મ ટૉકીઝમાં બેસીને જોવી હોય તો ટિકિટના 200/- રૂપિયા ચૂકવવા પડે છે ડમડમબાબા
* * * * * * *

(Friday, 26 July 2013 at 08:30pm)
મુંબઈમાં બાર (12/-) રૂપિયામાં થાળી ભરીને જમવાનું મળે છે રાજ બબ્બર
મુંબઈમાં બાર (12/-) રૂપિયામાં બારના પહેલા પગથિયે બે ઘડી બેસવા પણ ના મળે ડમડમબાબા
* * * * * * *

(Saturday, 27 July 2013 at 11:50am)
મુંબઈમાં 12/- રૂપિયામાં થાળી ભરીને જમવાનું મળે છે રાજ બબ્બર
(રાજ બબ્બર : 13મી અને 14મી લોકસભામાં સમાજવાદી પાર્ટીના આગ્રા-ઉત્તર પ્રદેશ બેઠકના સંસદસભ્યવર્તમાન 15મી લોકસભામાં કોંગ્રેસ પક્ષના ફિરોઝાબાદ-ઉત્તર પ્રદેશ બેઠકના સંસદસભ્ય)
સાંભળ્યું છે કે દેશનું પ્રસિદ્ધ પાગલખાનું પણ આગ્રામાં જ છે. બરાબર
ડમડમબાબા
* * * * * * *

(Monday, 29 July 2013 at 02:35pm)
ડમડમબાબા ડિનર કેન્દ્ર.....
અમારે ત્યાં રાજ બબ્બર બ્રાન્ડ બાર રૂપિયા વાળું વાળુમળશે.
* * * * * * *

(Tuesday, 30 July 2013 at 02:10pm)
ડમડમબાબાની ડુગડુગી
 : ભાષાની ભેળસેળ.....
પ્રગતિશીલ હોવાનો દાવો કરનાર વ્યક્તિને મળ્યા પછી જ ખબર પડે કે મહાશયે
પ્રગતિશીલશબ્દની સંધિ છૂટી તો પાડી જ છે એમાં અંગ્રેજી ભાષાને ભેળવીને પ્રગતિને ખરેખર ‘Seal’ મારી દીધું છે.
* * * * * * *

(Tuesday, 30 July 2013 at 05:25pm)
ડમડમબાબાનું ખરેખરું ચોંકાવનારું સંશોધન.....
25 પૈસાના ભારતીય સિક્કાને ચલણમાંથી પરત ખેંચાયાને આજે બરાબર પચીસ મહિના થયા. 29 / 30 જૂન 2011થી 29 / 30 જુલાઈ 2013 = પચીસ મહિના.
‘પાવલી લઇને હું તો પાવાગઢ ગઈ’તી’ એવો ગુજરાતી ગરબો હવે ગાઈ શકાતો નથી.

ગયા મહિને અહીં મુકેલી જૂન – 2013ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લીંક આ રહી –

.....તેમજ ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં અહીં મુકેલી જુલાઈ – 2012 તેમજ જુલાઈ 2011ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લીંક અનુક્રમે આ રહી – http://www.binitmodi.blogspot.in/2012/08/2012.html


(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

2 comments:

  1. સૌ મિત્રો,
    બ્લોગની 75મી પોસ્ટ (5 ઑગસ્ટ 2013)ના વાચન માટે આભારી છું.

    બિનીત મોદી (અમદાવાદ) / ગુરૂવાર, 10 ઑક્ટોબર 2013

    ReplyDelete
  2. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને સવા બે વર્ષ પૂર્ણ થયા.
    75મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 05-08-2013 to 05-08-2014 – 220

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete