પ્રતિભાવો ઉર્ફે Comments

Monday, August 20, 2012

રાજીવ ગાંધી : પ્રતિમા અને ટપાલટિકિટ – એક તુલનાત્મક ‘અભ્યાસ’



ભારતના સાતમા અને આજ સુધીના સૌથી યુવાન વડાપ્રધાન રાજીવ ગાંધીનો / Rajiv Gandhi આજે 20મી ઓગસ્ટે 69મો જન્મદિવસ છે. હયાત હોત તો એ જેમાં પાઇલટ / Pilot હતા એવી ઇન્ડિયન એરલાઇન્સમાં / Indian Airlines આજે સિનિયર સિટીઝનની રૂએ મળતો લાભ લઈ ઓછા ખર્ચે હવાઈયાત્રા કરતા હોત. એમ તો ડ્રાઇવિંગ જાણતા હોય તેવા પણ એ પહેલા જ વડાપ્રધાન / Prime Minister of India હતા. હોદ્દા પર હતા એ દરમિયાન પોતાના મતવિસ્તાર એવા ઉત્તર પ્રદેશના અમેઠીના / Amethi અંતરિયાળ વિસ્તારોની મુલાકાત સમયે પત્ની સોનિયા ગાંધીને / Sonia Gandhi સાથે બેસાડી જોંગા જીપ-કારનું સેલ્ફ ડ્રાઇવિંગ કરતા હોય તેવી તસવીરોને અખબારોમાં પહેલા પાને સ્થાન મળતું હતું.

લોકસભા ટી.વી. ચેનલ પર કદીકને કદીક દર્શાવાતા ચૂંટાયેલા સાંસદોના ગ્રૂપ ફોટામાં પહેલી હરોળમાં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને / Indira Gandhi અને એ પછીની પાંચમી – સાતમી હરોળમાં તેમને રામવિલાસ પાસવાનની / Ramvilas Paswan બાજુમાં ઊભા રહેલા જોઇને આશ્ચર્ય તો થાય છે. પણ પછી પાર્લમેન્ટ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પર લોકસભાના પેજિસ પર ખાંખાખોળા કરતા જાણવા મળે છે કે રાજીવ ફિરોઝ ગાંધી પહેલીવીર સાતમી લોકસભામાં પેટાચૂંટણી મારફતે ચૂંટાઈ આવ્યા હતા. સામાન્ય ચૂંટણીમાં અમેઠીની લોકસભા બેઠક પર સંજય ગાંધી / Sanjay Gandhi વિજેતા થયા હતા પરંતુ પ્લેન અકસ્માતમાં તેમનું અવસાન થયા પછી યોજાયેલી પેટાચૂંટણીમાં / By-election આ બેઠક પર પાઇલટ રાજીવ ગાંધી વિજેતા થયા હતા. જીવ્યા ત્યાં સુધી એમણે અમેઠીની બેઠક જાળવી રાખી. આઠમી લોકસભામાં પક્ષને વિક્રમજનક બહુમતી અપાવી વડાપ્રધાનપદ જાળવી રાખ્યું. નવમી લોકસભામાં વિરોધપક્ષના નેતાપદે / Leader of Opposition બિરાજ્યા. દસમી લોકસભા ચૂંટણી લડ્યા ખરા પરંતુ જીતના સમાચાર મળે તે પહેલા તેઓ જિંદગી હારી ગયા હતા.

સાતમી લોકસભા (18 જાન્યુઆરી 1980થી 31 ડિસેમ્બર 1984)ના અંતિમ દિવસોમાં જ ઇન્દિરા ગાંધીની હત્યા થતા તેઓ પાઇલટ સીટ પરથી પ્રાઇમ મિનિસ્ટરની ખુરશી પર આરૂઢ થયા. જો કે 1980માં જ નાનો પુત્ર સંજય પ્લેન ચલાવતા અકસ્માતે મૃત્યુ પામ્યો તે પછી ઇન્દિરા ગાંધીએ મોટા પુત્ર રાજીવનો રાજકારણમાં / Politics પ્રવેશ કરાવ્યો તે દિવસથી બિનસત્તાવાર ધોરણે તેઓ પાઇલટ મટી ગયા હતા. નવી દિલ્હીના 1 – સફદરજંગ રોડ સ્થિત ઇન્દિરા અને રાજીવ ગાંધીના સંયુક્ત મેમોરિયલના શો-કેસમાં રાખવામાં આવેલું તેમનું ડ્રાઇવિંગ લાઇસન્સ, ઇન્ડિયન એરલાઇન્સની સર્વિસબુક અને પાઇલટ તરીકે તેમની પસંદગીના એરક્રાફ્ટની લોગબુક ધ્યાનથી જોઇએ તો ખ્યાલ આવે છે કે રાજકારણમાં સક્રિય થયા પછી રાજીવ ગાંધીએ એરક્રાફ્ટ ઉડ્ડયન સાવ ઓછું કરી નાખ્યું હતું. લોગબુકના પાનાંઓ પર જે તે દિવસના ઉડ્ડયનનો રૂટ, સમય, તેના કલાક – મિનિટો દર્શાવ્યાની સામે રાજીવ ગાંધીની સહી જોવા મળે છે. કેટલાક ઉડ્ડયનમાં તેમની જવાબદારી મુખ્ય પાઇલટની છે તો ક્યાંક કો-પાઇલટ હોવાનો ઉલ્લેખ પણ જોવા મળે છે.

ઇન્દિરા અને રાજીવ ગાંધીનું સંયુક્ત મેમોરિયલ

નવી દિલ્હી સ્થિત ઉપરોક્ત સ્મારક એકવાર તો જોવા જેવું છે. વડાપ્રધાન તરીકેના સત્તાવાર નિવાસસ્થાન 1 – સફદરજંગ રોડ, કે જ્યાં ઇન્દિરા ગાંધીની હત્યા થઈ હતી એ મકાનમાં જ બનાવાયેલા સ્મારકનો પ્રારંભ ઇન્દિરા ગાંધીથી થાય છે જે એમની હત્યાના દિવસ (31 ઓક્ટોબર 1984)થી રાજીવ ગાંધીની જીવની દર્શાવે છે. ફરીવાર કહું – લખું કે આ સ્મારક એકવાર તો જોવા જેવું છે.....બાકી.....
રાજીવ ગાંધી મેમોરિયલ : શ્રીપેરૂમ્બુદુર

.....બાકી અમદાવાદમાં / Ahmedabad ઇન્દિરા કે રાજીવ ગાંધીનું સ્મારક તો ક્યાંથી હોય? હા, તેમના પિતા-નાના નેહરૂચાચાના નામે બનેલા બ્રીજના લાલ દરવાજા છેડે બંધ પડેલા રૂપાલી સિનેમાની આગળના ટ્રાફિક જંક્શન પર આ માતા-પુત્રની એક સંયુક્ત પ્રતિમા મુકવામાં આવી છે. મને લાગે છે આટલું લખીને હું વાંચનાર સમક્ષ જૂઠ્ઠું બોલી રહ્યો છું. મારે સાચે-સાચું કહી જ દેવું જોઇએ.....તો...

રાજીવ - ઇન્દિરાની પ્રતિમા : કંતાનમાં કેદ

...તો સત્ય એ છે કે પ્રતિમા મુકાઈ છે એની ના નહીં, પણ તે હજી ઓઝલ-પરદાપ્રથા હેઠળ છે. એનોય વાંધો નહીં. ઠીક છે એ તો...પ્રતિમા તેનું અનાવરણ થાય તેની રાહ જોતી ઊભી રહેશે. હા, વાંધો અહીં જ છે. કારણ કે તે સાત-સાત વર્ષથી આમ જ ઊભી છે. ચોક્કસ કહું તો 2005થી. થોડી ઘણી હકારાત્મકતા સાથે પણ આ વિષયને રાજકારણથી પર રહીને જોઈ શકાય તેમ નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં / Ahmedabad Municipal Corporation આજે 2012માં તો ભારતીય જનતા પક્ષનું શાસન છે પણ વર્ષ 2000થી 2005ના સમયગાળામાં કોંગ્રેસનું શાસન હતું. શાસનના અંતિમ મહિનાઓમાં તત્કાલીન મેયર અનીસા બેગમ મિરઝાએ ઇન્દિરા-રાજીવની પ્રતિમા શહેરમાં યોગ્ય સ્થળે પ્રસ્થાપિત કરવાનો ઠરાવ સ્ટેન્ડિંગ કમિટીમાં પસાર કરાવ્યો. કોંગ્રેસના શાસન દરમિયાન જ પ્રતિમાનું નિર્માણ થઈ ગયું, હોદ્દા-સત્તાની રૂએ જે-તે અધિકારીઓ કે મ્યુનિસિપલ કમિશનરે પ્રતિમા બનાવનાર કલાકારના અમદાવાદની ભાગોળ બહાર આવેલા સ્ટુડિયો પર જઈ તેનું નિરીક્ષણ કરી આ કામ બદલ મહેનતાણું ચુકવણી કરવાના કાગળ પર મતું (સહી) મારી દીધું. આ વ્યવહારિકતા પૂરી થઈ એ સાથે કલાકારે પ્રતિમાની ડિલિવરી મ્યુનિસિપલ સત્તાવાળાઓને આપી દીધી. પ્રતિમા યોગ્ય સ્થળે ગોઠવાઈ ગઈ. એ યોગ્ય સ્થળ એટલે આ પોસ્ટ સાથેના ફોટામાં દેખાય છે એ.

બસ એ ઘડીને આજનો દિવસ. પ્રતિમા હજી ઓઝલ-પરદામાં જ છે. તેને એક મિણિયામાં મુશ્કેટાટ બાંધી રાખી છે. પ્રતિમા મુકવાનો નિર્ણય કરાવનાર અનીસા બેગમ મિરઝા હવે જન્નતનશીન છે. તેમના પછી અઢી – અઢી વર્ષની મુદતવાળા બે મેયર અમદાવાદના પ્રથમ નાગરિકનો મોભો શોભાવી ગયા – અમિત શાહ અને કાનાજી ઠાકોર. હાલના મેયર અસિત વોરાનો નંબર ત્રીજો છે. પણ પ્રતિમાની પરિસ્થિતિમાં કોઈ ફરક પડ્યો નથી એ આ ફોટામાં દેખાય એટલું સાફ છે. પ્રતિમાની ડિલિવરી થઈ અને સિમેન્ટ-કોંક્રિટના પેડસ્ટલ પર ગોઠવાઈ એ પછી એક વાત એવી વહેતી કરવામાં આવી કે તે આ બન્ને મહાનુભાવના મોભા જેવી નિર્માણ નથી થઈ. લો બોલો. અલ્યા સાહેબો, મોભા પ્રમાણે મૂર્તિ ના બની હોય તો એના બનાવનારને કહીએને. વચ્ચે એકવાર એવો પણ વિચાર કરવામાં આવ્યો કે પ્રતિમા નવેસરથી જ બનાવડાવવી. જો કે અનેક સરકારી યોજનાઓ-કાર્યક્રમોની જેમ એ વિચાર માત્ર વિચાર બનીને જ રહી ગયો.

એમ તો સ્વ. હરેન પંડ્યા (2003માં જેમની હત્યા થઈ એ ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી)ના પિતા વિઠ્ઠલભાઈને એકવાર શું ય વિચાર આવ્યો તે એમણે અમદાવાદના અખબારો જોગ નિવેદન (પ્રેસનોટ) મોકલ્યું હતું કે ઇન્દિરા-રાજીવની આ પ્રતિમાનું અનાવરણ ચોક્કસ સમય મુદતમાં નહિ થાય તો એ કામ એ પોતે કરી લેશે. શક્ય છે તેમની આવી જાહેરાત પછી એ દિવસોમાં પ્રતિમા પાસે પોલીસ પહેરો પણ બેસાડાયો હોય. જો કે આવું કે તેવું કશાય પ્રકારનું અનાવરણ આજ દિન સુધી થયું નથી. એ મતલબની જાહેરાત કરનારા વિઠ્ઠલભાઈ પણ હવે દિવંગત છે.

અગાઉ કહ્યું તેમ આ મુદ્દાને રાજકારણથી પર રહીને જોઈ શકાય તેમ નથી. એ રીતે શું કામ જોવો ય જોઇએ? અમદાવાદ કે ગુજરાતના રાજકીય જીવનમાં છેલ્લા બે દાયકાથી વિરોધપક્ષે બેસતા કોંગ્રેસ પક્ષના અમદાવાદ સ્થિત મુખ્યાલયનું નામ રાજીવ ગાંધી ભવન છે પરંતુ પ્રતિમા અનાવરણના મુદ્દે તેની સાથે સંકળાયેલા સત્તાવાળાઓને એકાદ સાદો કાગળ-પત્ર પણ લખ્યો હોય એવું જાણમાં નથી. સાત-સાત વર્ષથી કેદ થયેલી આ પ્રતિમા કોઈ ધાતુમાંથી બનાવી છે કે પથ્થરની એ પણ જાણમાં નથી. એ જે હોય તે પણ આટલા વર્ષો ટાઢ-તડકો અને વરસાદ ખમેલી પ્રતિમાના તેજ-ચળકાટ ઓછા તો થઈ જ ગયા હોય. આટલી સાદી સમજ કેળવવા માટે કંઈ કલાના નિષ્ણાત હોવું જરૂરી નથી, ચાહક હોવું પૂરતું છે. લાગે છે કે હવે તો આ કારણસર જ તેનું અનાવરણ થતું અટકાવવું જોઇશે. તેને અહીં ચોક વચ્ચેથી ખસેડી લઈ ઠેકાણાસરના ગોડાઉનમાં મુકવાની વ્યવસ્થા થશે તો મહાનુભાવનો મોભો અને માન બન્ને જળવાઈ રહેશે એ નક્કી.

જીવતી-જાગતી વસતીથી ઊભરાતા આ દેશમાં મહાનુભાવની, રાજકારણીઓની કે પછી કોઈ એક્સ – વાય – ઝેડની નિર્જીવ પ્રતિમા ચોક વચાળે કે ચાર રસ્તે મુકાવવી જોઇએ કે નહીં એ આખી જુદી જ ચર્ચાનો વિષય હોવાથી તેને ફરી ક્યારેક હાથમાં લઇશું. અત્યારે તો મારા હાથમાં રાજીવ ગાંધીની ટપાલટિકિટ (ફિલાટેલિક સ્ટેમ્પ) / Philatelic Stamp છે. લો તમે પણ જુઓ.

રાજીવ ગાંધી : એક રૂપિયાની આદમકદ  ટપાલટિકિટ

પ્રતિમાના અનાવરણ બાબતે કમનસીબ નીવડેલા રાજીવ ગાંધી ટપાલટિકિટના અનાવૃત થવા બાબતે નસીબદાર હતા. 21મી મે 1991ની રાત્રે તેમની હત્યા થઈ એ પછી આવતા જન્મદિવસ (20મી ઓગસ્ટ) એ તેમની આ પોસ્ટલ સ્ટેમ્પ રિલીઝ થઈ હતી જે મેં પ્રતિમાની પડોશમાં આવેલી જનરલ પોસ્ટ ઓફિસ (જી.પી.ઓ.)ના ફિલાટેલિક બ્યુરોમાંથી મેળવી હતી. વ્યક્તિના અવસાન પછી ત્રણ જ મહિના જેવા ટૂંકા ગાળામાં ટપાલટિકિટ તૈયાર થઈ હોય તેવો પણ આઝાદ ભારતનો આ પહેલવહેલો કિસ્સો હતો. અને એ રીતે જોઇએ તો ટપાલટિકિટ બની ગયેલા રાજીવ ગાંધી નસીબદાર હતા. પૂળો મૂકો પ્રતિમાને.....!

દિલ્હી અને શ્રીપેરૂમ્બુદુર મેમોરિયલની તસવીરો : નેટ પરથી

6 comments:

  1. સૌ મિત્રો,
    બ્લોગની ચોવીસમી પોસ્ટ (20 ઓગસ્ટ 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.

    જાહેર સ્થળોએ મુકાતી મહાનુભાવોની પ્રતિમાની સમય જતા અવદશા થતી હોય છે. અમદાવાદમાં એમ.જે. લાઇબ્રરિ સ્થિત કવિ નાનાલાલની પ્રતિમાએ ભૂતકાળમાં ઘણો 'પ્રવાસ' ખેડ્યો છે. હવે તેની નજીક આવેલી સ્વામી વિવેકાનંદની પ્રતિમાનો 'વારો' આવ્યો છે. સામે પક્ષે આ પ્રતિમાની તો અનાવરણ પહેલા જ અવદશા થવા માંડી છે. 'ઘરનું ઘર' આપવા નીકળેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાજીવ - ઇન્દિરાની આ પ્રતિમાનો ઠેકાણાસરનો ઉઘાડ કરી આપે તોય ઘણું.

    બિનીત મોદી (અમદાવાદ) / શુક્રવાર, 31 ઓગસ્ટ 2012

    ReplyDelete
  2. "Rajiv gandhi" dushmano ne pan vhalun lage tevun vyaktitv hatun haji pan kadach sau na man ma emnu sthan evun j chhe .aape emna sausmarno karavi ne fari yad apavi chhe te mate to 'thank you' shabd nano chhe. shun mrutyu manas ne etlun dur dhakeli muke chhe ke manas tena putala ne pan bhuli jay- anadar kare! by the way can we do anything?

    ReplyDelete
  3. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને સવા વર્ષ પૂર્ણ થયું.
    24મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 20-08-2012 to 20-08-2013 – 400

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  4. Skeptical ગણાઈ જવાનું જોખમ માથે લઈને પણ તમે,કહેવું પડે કે, બિનીતભાઈ!નર્યો તાટસ્થ્યપૂર્ણ સુંદર લેખ આપ્યો છે જે એક વરવી વાસ્તવિક્તા તરફ ફરી ફરીથી સહુ(સમજુ)ઓનું ધ્યાન દોરે છે કે બધા જ પ્રકારના જાણીતાઅજાણીતા વિરોધાભાસોના બનેલા આપણા આ દેશનો દુનિઆમાં ક્યાંયે જોટો જડે એમ નથી!

    ReplyDelete
  5. પ્રિય મિત્રો,
    24મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 20-08-2013 to 20-08-2014 – 120

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  6. પ્રિય મિત્રો અને આ પોસ્ટના વાચકો,
    લાંબો સમય ઓઝલ - ઢાંકપિછોડ અવસ્થામાં રહ્યા પછી ઇન્દિરા ગાંધી - રાજીવ ગાંધીની આ પ્રતિમાને ખુલ્લી મુકવામાં આવી છે.
    કોઈ જ જાતની આગોતરી જાહેરાત કે નાના-મોટા કાર્યક્રમનું આયોજન કર્યા વગર અનાવૃત થયેલી પ્રતિમા માટે ‘તેનું અનાવરણ થયું’ એમ તો કેવી રીતે કહી શકાશે?
    અંદાજ - અટકળથી એટલું જણાવું કે 2015ના વર્ષમાં ગમે ત્યારે આ પ્રતિમાને ખુલ્લી મુકી દેવાઈ. એમ થયા પછી પ્રતિમા બન્ને મહાનુભાવોના મોભા પ્રમાણે નથી બની એવી ચર્ચા નવેસરથી ચાલી છે જેનો ઉપરોક્ત પોસ્ટમાં ઉલ્લેખ છે.

    બિનીત મોદી (21 મે 2016, રાજીવ ગાંધીની પચીસમી પૂણ્યતિથિએ)

    ReplyDelete