પ્રતિભાવો ઉર્ફે Comments

Monday, May 06, 2024

અક્ષાંશ રેખાંશ ગુજરાત : લોકસભા પેટાચૂંટણીમાં પણ બિનહરીફ વિજેતા

પાર્લમેન્ટ ઑફ ઇન્ડિયા, નવી દિલ્લી


પહેલા તબક્કામાં અગાઉની સરખામણીએ મતદાન ઓછું થયું છે એવા સમાચાર સાથે અઢારમી લોકસભાની રચના કરવા ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 1951-52થી આજ સુધી સત્તર સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ગઈ છે. પહેલી લોકસભાની રચના 1952માં થઈ અને 2019માં સત્તરમી લોકસભાની. સામાન્ય ચૂંટણીનો અવસર છે પણ આપણે વાત કરીશું પેટાચૂંટણીઓની. પેટાચૂંટણીઓ અને તે પણ માત્ર ગુજરાતની લોકસભા બેઠકોના સંદર્ભમાં.


એટલા માટે કે પેટાચૂંટણીઓ પણ ભારતના ચૂંટણી રાજકારણનું એક મહત્ત્વનું અંગ છે. યાદ કરવું ગમશે કે 2024માં જેમના ચૂંટણીચાણક્યકર્મની ચર્ચા ચારેકોર છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ-સહકારિતા મંત્રી અમિત શાહે તેમની સક્રિય રાજનીતિની શરૂઆત પેટાચૂંટણી લડીને કરી હતી. અલબત્ત એ ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ હતી.


ગુજરાત અને લોકસભાના સંદર્ભમાં જોઇએ તો સત્તરમી લોકસભા એવી પાંચમી લોકસભા છે જેના તમામ સંસદસભ્યોએ તેમની પાંચ વર્ષની સંસદીય મુદત પૂર્ણ કરી છે. અગાઉ 1957માં બીજી, 1989માં નવમી, 1991માં દસમી અને વર્ષ 2004માં ચૌદમી લોકસભાના ગુજરાતના તમામ સંસદસભ્યોએ તેમની સંસદીય મુદત પૂર્ણ કરી હતી. એ સિવાયની લોકસભાઓમાં રાજીનામા કે સભ્યના મુદત દરમિયાન અવસાનને કારણે પેટાચૂંટણીના સંજોગો ઉભા થયા હતા. એક અપવાદરૂપ હકીકત લેખે જણાવવાનું કે 1989ની નવમી લોકસભાનો કાર્યકાળ માત્ર સવા વર્ષનો રહ્યો હતો. એ સમયે ભાવનગરના સંસદસભ્ય શશીકાન્તભાઈ જમોડનું મુદત વચ્ચે અવસાન થયું હતું. પરંતુ લોકસભાની ડામાડોળ સ્થિતિ વચ્ચે તેનું વિસર્જન હાથવેંતમાં હોવાથી બેઠકની પેટાચૂંટણી યોજવાની જરૂર નહોતી પડી.


પ્રથમ ત્રણ લોકસભામાં ગુજરાતના બાવીસ તેમજ ચોથી અને પાંચમી લોકસભામાં ચોવીસ સંસદસભ્યો હતા. છઠ્ઠી લોકસભાથી ગુજરાતની સંસદસભ્યોની સંખ્યા છવ્વીસ થઈ જે બેઠકોના કેટલાક ફેરફાર સાથે અઢારમી લોકસભા સુધી યથાવત છે. પહેલી બે લોકસભામાં કચ્છ, પંચમહાલ-વડોદરા, મહેસાણા અમદાવાદ, ખેડા અને સુરત બેઠકને વિસ્તાર આધારે બે-બે બેઠકોનું પ્રતિનિધિત્વ મળેલું હતું. ત્રીજી લોકસભાથી ત્રણ ફેરફારો થયા. બે બેઠકોનું પ્રતિનિધિત્વ નીકળી ગયું, દરેક સ્વતંત્ર લોકસભા બેઠકને એક જ સંસદસભ્યનું પ્રતિનિધિત્વ મળ્યું અને હા 1962ની ત્રીજી લોકસભા ચૂંટણી સમયે ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવી ગયું હતું.


ગુજરાત અલગ નહોતું થયું એ સમયે પહેલી લોકસભામાં સૌરાષ્ટ્ર પાંતની હાલાર બેઠકની પેટાચૂંટણી પહેલવહેલી આવી પડી હતી. આવી પડી હતી એમ જ કહેવાશે કેમ કે એ બેઠકની સામાન્ય ચૂંટણીમાં બિનહરીફ વિજેતા થયેલા કૉંગ્રેસના ઉમેદવાર મેજર જનરલ એમ. એસ. હિંમતસિંહજી એ સમયે હિમાચલ પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર હતા. હિંમતસિંહજીને એ બંધારણીય હોદ્દો જાળવી રાખવો હતો એટલે લોકસભાની બેઠક છોડી દીધી. બેઠકની પેટાચૂંટણીમાં કૉંગ્રેસના ખંડુભાઈ દેસાઈ વિજેતા થયા અને વડાપ્રધાન જવાહરલાલ નેહરૂની કેબિનેટમાં શ્રમ મંત્રી થયા.


એ જ રીતે સૌરાષ્ટ્ર પ્રાંતની ઝાલાવાડ લોકસભા બેઠકના સામાન્ય ચૂંટણીના વિજેતા રસિકલાલ પરીખ સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી થયા એટલે સંસદસભ્ય પદેશી રાજીનામું આપ્યું. બેઠકની પેટાચૂંટણીમાં કૉંગ્રેસના ડૉ. જયંતિલાલ નરભેરામ પારેખ બિનહરીફ વિજેતા જાહેર થયા. અમદાવાદની બીજી સામાન્ય બેઠકના સંસદસભ્ય અને પહેલી લોકસભાના સ્પીકર ગણેશ વાસુંદેવ માવળંકર હોદ્દા પર રહેતા 1956માં અવસાન પામ્યા. પેટાચૂંટણીમાં તેમના પત્ની સુશીલાબહેન માવળંકર કૉંગ્રેસના ઉમેદવાર લેખે બિનહરીફ વિજેતા થયા હતા. એ સમયના રાજકારણની રૂહ અને નીતિરીતિ પ્રમાણે અમદાવાદના જાહેરજીવનના અગ્રણીઓએ સુશીલાબહેન સામે કોઈ ઉમેદવાર ઉભો રાખવો નહીં એવો નીતિગત નિર્ણય કર્યો, અમદાવાદના મહાજનોએ આ પ્રસ્તાવને ટેકો આપ્યો અને એમ શ્રીમતી માવળંકર બિનહરીફ વિજેતા થયા.


(ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો સાથે. – બિનીત મોદી)

No comments:

Post a Comment