સુમતિ હરવદન શાહ / Sumati Harvadan Shah
13-03-1934થી 13-12-2014
|
સુમતિ સાકરલાલ મોદી ઉર્ફે સુમતિ હરવદન શાહ – સગપણમાં પપ્પાના માસી (પાર્વતી
સાકરલાલ મોદી)ના દીકરી અને એ નાતે મારા ફોઈ થાય. સગી ચાર બહેનો (સ્વ. મધુકાન્તાબહેન, સ્વ. જસુબહેન, ચંપાબહેન અને વસુબહેન)
ઉપરાંત પપ્પા પર સૌથી વધુ જો કોઈ હેત વરસાવનારું હોય તો તે આ સુમતિફોઈ / Sumati Harvadan Shah. વતન ગોધરામાં જન્મેલા (જન્મ તારીખ : 13 માર્ચ 1934) અને જન્મારો કાઢેલા આ ફોઈએ અને હરવદનફુઆએ મને એક જબરા વૈભવની નવાજેશ કરી
હતી.
એ વૈભવ એટલે હરવદનફુઆના ટાઇપરાઇટર / Typewriter સામે બેસવાનો. આજની આઈપેડ – સ્માર્ટફોનની સગવડ પણ સાવ ફીક્કી
લાગે તેવો વૈભવ એટલે સ્વ. હરવદનફુઆના ટાઇપરાઇટર સામે બેસવા મળે તે. ગોધરાની સાયન્સ
કૉલેજમાં લૅબોરેટરિ આસિસટન્ટ (પ્રયોગશાળા સહાયક) રહી ચૂકેલા તેઓ વધારાની આવક માટે
ગુજરાતી – અંગ્રેજી ટાઇપરાઇટિંગ / Typewriting તેમજ નાના-મોટા વેપારીઓ માટે નામું લખવાનું કામ વ્યવસાયી ધોરણે કરતા હતા.
કૉલેજથી આવે ત્યારે કે પછી પોતાના કામમાંથી અવકાશ મળે એટલે મશીન પર કોરો કાગળ
ચઢાવીને વિદ્યાર્થીઓને ટાઇપરાઇટિંગ શીખવવાનું કામ પણ તેઓ કરતા. 2001માં તેમનું અવસાન થયા પછી તેર વર્ષે 2014ના અંતિમ દિવસોમાં સુમતિફોઈ પણ ચાલી નીકળ્યા. બસ એ બાર-તેર વર્ષની જ ઉંમર હતી
જ્યારે મને ટાઇપરાઇટરનો ચસકો લાગ્યો હતો. પપ્પાની બૅન્કની નોકરી સાથે ગામે-ગામ
ફરતો રહેતો હું જ્યારે બૅન્કમાં જવાની તક મળે ત્યારે ટાઇપ મશીન પર હાથ અજમાવતો. એમ
ગોધરા /
Godhra, District : Panchmahal જતો ત્યારે સુમતિફોઈના ઘરે
જવાના બે આકર્ષણો રહેતા...જાડા મઠિયા અને અંગ્રેજી – ગુજરાતી ટાઇપરાઇટર. હરવદનફુઆ
વિદ્યાર્થીઓને શીખવતા એટલા જ ઉમળકાથી મને પણ ટાઇપ મશીન પર કોરો કાગળ ચઢાવી આપતા.
ટાઇપરાઇટરનો વૈભવ |
સંસ્કૃત /
Sanskrit ભાષાની પંડિતાઈ પ્રત્યેના અણગમાએ અને હરવદનફુઆની સલાહ પર 1985માં દસમા ધોરણમાં મેં જ્યારે સંસ્કૃતની અવેજીમાં ટાઇપરાઇટિંગ વિષય પસંદ કર્યો
ત્યારે કમ્પ્યુટર ન તો ફોટામાં જોયું હતું, નામ પણ નહોતું સાંભળ્યું. ફુઆનું એવું કહેવાનું હતું કે આ ટાઇપરાઇટિંગ તને
કારકિર્દીમાં આગળ વધવામાં ખૂબ કામ લાગશે, ઉપયોગી થઈ પડશે. એ વખતે ન
સમજાયેલા તેમના આ શબ્દો સ્વ. ફોઈ – ફુઆ વિશે કમ્પ્યુટરના માધ્યમથી જ બ્લોગ માટે લખતાં અને ભાષાનું
વ્યવસાયી કામ કરતાં આજે સમજાઈ રહ્યા છે એ મારે સ્વીકારવું રહ્યું.
કારકિર્દી માટે મેં જેમ ફુઆની સલાહ સ્વીકારી તેમ આર્થિક સમૃદ્ધિ માટે પપ્પા
(સ્વ. પ્રફુલ મોદી / http://binitmodi.blogspot.in/2013/10/blog-post_23.html) સુમતિફોઈની સલાહ અચૂક માનતા. તેઓ એલ.આઈ.સી / Life Insurance
Corporation of India / http://www.licindia.in/ અને પોસ્ટ ઑફિસ / India Post / http://www.indiapost.gov.in/ બચતનું કામ કરતા અને પપ્પા પાસે આગ્રહ કરીને બચત કરાવડાવતા. નોકરીના કે તે પછી
નિવૃત્તિના વર્ષો દરમિયાન અંગત વાતચીતમાં પપ્પા ફોઈનો આગ્રહ તેમને કેવો-કેટલો
ફળદાયી રહ્યો તેનો ખાસ ઉલ્લેખ કરતા એક વાત અચૂક કહેતા કે અમદાવાદ / Ahmedabad જેવા શહેરમાં પોતાનું મકાન ખરીદવા માટે બિલ્ડરને આપવી પડતી તફાવત રકમ (માર્જિન
મની /
Margin Money)ની વ્યવસ્થા એ બચત ફોઈ મારફતે પરત મેળવીને કેવી રીતે
મદદરૂપ નીવડી હતી. એમ તો આ ફોઈ જમવાના ભાણે આગ્રહ કરવામાં પણ કોઈ કસર છોડતા નહીં. કાજીવાડા
– ગોધરાના તેમના આંગણે મમ્મી – પપ્પાની સાથે કે એકલા ગયેલા મને કદી એવું યાદ નથી
આવતું કે હું ખાલી પેટે કે હાથે પાછો ફર્યો હોઉં. ચા-નાસ્તાના ટાઇમે નાસ્તો અને જમવાના
ટાઇમે આગ્રહ કરીને ડાઈનિંગ ટેબલ પર બેસાડી દેતા સુમતિફોઈ તેમનાથી વિખૂટાં પડતી
વેળાએ પોતાની બંધ મુઠ્ઠી ખોલતા અને ઝડપભેર મારી હથેળીને મુઠ્ઠી બનાવીને દબાવી દેતા
કહેતા કે ‘આ તારા હકના છે.’ આનાકાનીને કોઈ અવકાશ જ નહોતો એવો તેમનો આ આગ્રહ મને
બહુ પાછળથી પપ્પાએ સમજાવ્યો હતો કે બચત કરનારની રોકાણ રકમ પર એજન્ટ હોવા લેખે
તેમને જે કમિશન મળતું તે ફોઈ પોતાના ખપ પૂરતી રાખીને બાકીની રકમ આ રીતે પરત કરી
દેતા હતા. પપ્પાએ તે રકમ લેવાની કદીકને આનાકાની કરી હશે તે એમણે રકમ મારા હાથમાં
મુકવી શરૂ કરી.
છ ભાઈઓ અને પાંચ બહેનોના પરિવારમાં સુમતિફોઈ પાલીમાસી અને સાકરમાસાનું પાંચમું
સંતાન હતા. (તેમના ભાઈ સુરેન્દ્ર મોદી / http://binitmodi.blogspot.in/2013/07/blog-post_30.html અને ભાઈ વિનોદ મોદી / http://www.binitmodi.blogspot.in/2014/02/blog-post.html વિશે વાંચો.) સુરેન્દ્રકાકા – વિનોદકાકા સિવાયના ભાઈઓ કારકિર્દી માટે તેમ સુમતિફોઈ – અનિલાફોઈ સિવાયની બહેનો
સંતાનો સાથે અમેરિકામાં વસે છે. કિશોરાવસ્થામાં વતન ગોધરામાં ઉજવેલી એક દિવાળી એવી
યાદ આવે છે કે અમેરિકા વસતા તેમના મોટાભાગના ભાઈઓ-બહેનો ગોધરા આવ્યા હતા. ભાઈબીજના
દિવસે તેમણે સૌને જમવાનું આમંત્રણ આપ્યું હતું. ભાણા-ભત્રીજાઓની સાથે તો એ સંખ્યા બહુ
મોટી થાય.
એ સંખ્યા જાણીને મારા પપ્પાએ તેમને એવું સૂચન કર્યું કે, ‘બહેન નાના ઘરમાં બધા કેમના સમાઇશું? હું તો તારો માસીયાઈ ભાઈ છું...સુધા અને બિનીત સાથે બીજે દિવસે આવીશ તો નહીં
ચાલે?’ તોલી-જોખીને બોલાયેલા તેમના જવાબનો પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ બન્ને યાદ રહે
તેવા હતા...‘મારું દિલ જ મોટું છે, ઘર મોટું કરીને શું કામ છે?’...‘અને હા મોટાભાઈ (સુરેન્દ્ર)ને વિનોદ નહીં આવે તો ચાલશે...તારે તો એમનાથી
પહેલા આવી પહોંચવાનું.’
આ સત્તાવાહી અવાજ સાંભળી લીધા પછી પપ્પાએ કંઈ કરવાનું રહેતું નહીં. ભાઈબીજના
ભોજનને અને ફોઈના આગ્રહને ન્યાય આપ્યેજ છૂટકો. અફસોસ કે આવો સત્તાવાહી અવાજ હવે
સાંભળવા નહીં મળે. જેમનું દિલ મોટું હતું એવા સુમતિફોઈ માંદગી અને એકલતાના કારણે
ગોધરા જેવા પ્રમાણમાં નાના નગરની જાહોજલાલી, અડોશ-પડોશ છોડીને ન ગમતું હોવા છતાં છેવટના વર્ષોમાં અમદાવાદ જેવા મોટા
શહેરમાં આવીને દીકરી-જમાઈના પરિવાર સાથે રહ્યા. શ્વસુર પક્ષે ખંભાત / Khambhat શહેર સાથે નાતો ધરાવતા તેઓ
અમદાવાદમાં નાની દીકરી દીપ્તી હીમલ શાહના / Dipti Himal Shah ઘરે શનિવાર, 13 ડિસેમ્બર 2014ની સવારે એક્યાશી વર્ષની વયે અવસાન પામ્યા. મોટી દીકરી મોના દીનેશ દોશી / Mona Dinesh Doshi પડોશના ગાંધીનગર શહેરમાં જ પરિવાર સાથે રહે છે જેમણે
મમ્મીનો નાની બચતનો વ્યવસાયી વારસો બરાબર ફોઈની અદાથી જ સંભાળ્યો છે.
(તસવીરો : બિનીત મોદી)
સુમતિમાસીને અપાયેલી સરસ અને યથાર્થ શ્રદ્ધાંજલિ જેનો શ્રેય દર વખતની જેમ તને જ જાય છે. લખાણ માટે અભિનંદન.
ReplyDeleteડૉ. રાજેશ પરીખ (હૃદયરોગના નિષ્ણાત, સુરત, ગુજરાત)
(Response through FACEBOOK : 5 January 2015)
સ્વજનોની ઉષ્માસભર કાળજી લેનારા સુમતિફોઈને ગુમાવ્યાનું ઘણું દુઃખ થાય છે. લખાણ સરસ છે.
ReplyDeleteમીના રાજેશ ધારિઆ (અમેરિકાથી)
(Response through FACEBOOK : 5 January 2015)
બિનીત, સુમતિબહેન માટે ખૂબ સરસ લખ્યું છે. અંતરની લાગણીઓને વ્યક્ત કરવાની તારી પાસે સારી આવડત છે. લાગણીસભર અને સાચી શ્રદ્ધાંજલિ અભિવ્યક્ત કરવા બદલ અમને તારા પર ગર્વ છે.
ReplyDeleteસતીશ સાકરલાલ મોદી (સ્વર્ગસ્થ સુમતિબહેનના નાના ભાઈ, અમેરિકાથી)
(Response through FACEBOOK : 6 January 2015)
સુમતિબહેન જીવનનાં અંતિમ વર્ષોમાં જરૂર પડ્યે અમારી સાથે રહ્યા એટલો ઉલ્લેખ કરીને હું કહીશ કે, ‘બિનીત, તમે લખેલી તમામ વાતો સાથે સંમત.’ સમગ્ર શાહ પરિવાર તરફથી આપનો આભાર.
ReplyDeleteસુધીર શાહ અને કિશોરીબહેન શાહ (સ્વર્ગસ્થ સુમતિબહેનના વેવાઈ, અમદાવાદ, ગુજરાત)
(Response through FACEBOOK : 6 January 2015)
બિનીત, સુમતિબહેનનું આબેહૂબ શબ્દચિત્ર તેં આપ્યું છે. હું તેમને મારા સ્કૂલના દિવસોથી ઓળખું છું. ભણતરના વર્ષો દરમિયાન તેઓ મારાથી આગળના ધોરણમાં હતા અને તેમનો નાનો ભાઈ અરૂણ મારી સાથે હતો. વતન ગોધરાના કાજીવાડા ફળિયામાં પડોશી હતા તેવા સુમતિબહેન હવે આ દુનિયામાં નથી તેવું મનને મનાવવું કઠીન લાગે છે.
ReplyDeleteચંદ્રકાંત પરીખ (કૌટુંબિક મિત્ર, અમદાવાદ, ગુજરાત)
(Response through FACEBOOK : 6 January 2015)
Sumati foi ane fuva najar same tadrash aavi gaya .aapna lakhan dhwara kajiwada na gharma jai ne malyano anand thayo.
ReplyDeleteસૌ મિત્રો,
ReplyDeleteબ્લોગની 114મી પોસ્ટ (25 ડિસેમ્બર 2014)ના વાચન / પ્રતિભાવો માટે આભારી છું.
બિનીત મોદી (અમદાવાદ) / રવિવાર, 1 ફેબ્રુઆરી 2015