ભારતની સંસદ / Parliament of India |
સોળમી લોકસભાની રચના માટે જરૂરી સામાન્ય ચૂંટણીઓની જાહેરાતથી લઈને મતગણતરી
સુધીના પંચોતેર દિવસની ચૂંટણીપંચ – રાજકીય પક્ષોની જાહેર અને અસંતુષ્ટોની ખાનગી
તપશ્ચર્યાનો પરિણામો સાથે અંત આવ્યો. ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠકના પરિણામ
ભાજપની તરફેણમાં આવ્યા પછી પૂર્વે ચૂંટણીના ઉમેદવાર અને હવે સંસદના સેન્ટ્રલ
હોલમાં સાથી સભ્યો પાસેથી ‘માનનીય સંસદસદસ્ય મહોદયા’નું સંબોધન પામતા ગુજરાતના ચાર
મહિલા સંસદસભ્યોનો પરિચય કેળવીએ.
2004માં ચૌદમી લોકસભાની રચના થઈ ત્યારથી ‘મહિલા અનામત બિલ’ નામનો ચર્ચાતો મુદ્દો
આપણે સાંભળતા આવ્યા છીએ. પંચાયતથી લઈને સંસદ સુધીની લોકપ્રતિનિધિત્વ બક્ષતી બંધારણીય
સંસ્થાઓમાં મહિલાઓને તેત્રીસ ટકા અનામત બેઠકોની જોગવાઈ આ બિલમાં છે. તમામ રાજકીય
પક્ષોની સહમતી છતાં આ બિલ સમાજવાદી પક્ષ અને તેના મુખિયા મુલાયમ સિંહ યાદવના /
Mulayam Singh Yadav વિરોધ વચ્ચે કાયદામાં પરિવર્તિત
થઈ શક્યું નથી.
સંસદના ફ્લોર પર પસાર નહીં થઈ શકેલા આ ‘મહિલા અનામત બિલ’ની આસપાસ જ જો
ગુજરાતની ચૂંટણીની ચર્ચા કરીએ તો વસતી અને વિસ્તાર પ્રમાણે ગુજરાતના ફાળે આવતી
લોકસભાની છવ્વીસ બેઠકો માટે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ / Indian National
Congress / http://www.inc.in/ અને ભારતીય જનતા પક્ષ / Bharatiya Janata Party / http://www.bjp.org/ એવા બે મુખ્ય રાજકીય પક્ષોએ એકસરખી સંખ્યામાં ઉમેદવારો ઊભા રાખ્યા હતા. ભારતીય
જનતા પક્ષએ ચાર મહિલાઓને ટિકિટ આપી હતી અને કૉંગ્રેસ પક્ષએ ગત લોકસભાના તેના
એકમાત્ર સિટીંગ એમ.પી. ડૉ. પ્રભાબહેન તાવિયાડને ટિકિટ આપી હતી. લોકસભા ચૂંટણીના
મેદાનમાં પ્રથમવાર ઉતરનાર ‘આમ આદમી પાર્ટી’એ / Aam Aadmi Party / http://www.aamaadmiparty.org/ મહેસાણાની બેઠક માટે ભાજપી કુળના વંદનાબહેન પટેલની પસંદગી કરી હતી એ નોંધવું
રહ્યું.
દર્શના જરદોસ (સંસદસભ્ય, સુરત) |
માત્ર ગુજરાતના નહીં પણ સમગ્ર ભારતમાં સૌથી વધુ મતોના તફાવતથી બેઠક જીતનારા
મહિલા સંસદસભ્યનું નામ છે શ્રીમતી દર્શના વિક્રમભાઈ જરદોશ. પંદરમી લોકસભાની ચૂંટણી
સુરત બેઠક પરથી પહેલીવાર માત્ર 75,000ના માર્જિનથી જીતી જનાર
દર્શનાબહેન આ વખતના મોદીવેવમાં કૉંગ્રેસના નૈષધ દેસાઈ સામે 5,33,000થી વધુ મતોના માર્જિનથી ચૂંટણી જીતી ગયા. રૂપિયા બે કરોડની મિલકત ધરાવનાર તેઓ
બી.કૉમ થયેલા છે. પહેલીવાર સંસદમાં ચૂંટાયા ત્યારે સુરત મહાનગર પાલિકાના
કોર્પોરેટર રહી ચૂકેલા દર્શનાબહેન મતદારો – નાગરિકો સાથેનો લોકસંપર્કનું મહત્વ
સમજે છે એટલે સંસદની બેઠક સિવાય સુરતમાં હોય ત્યારે સ્થાનિક કોર્પોરેટર, ધારાસભ્યોને સાથે રાખી લોકસંપર્ક જાળવી રાખવા માટે જાણીતા બન્યા છે. પક્ષના
કાર્યકરો સાથે ટીફીન બેઠકો કરતા ત્રેપન વર્ષના દર્શનાબહેન પાણી, લાઇટ કે ગટરની સમસ્યા ઉકેલવા માટે એકસરખા ઉત્સાહી રહે છે. આ બેઠક પરથી
ચૂંટાયેલા તેઓ પ્રથમ મહિલા સંસદસભ્ય છે. સુરત બેઠક ચાર વાર જીતી જનાર મોરારજી
દેસાઈ 1977માં છઠ્ઠી લોકસભા ચૂંટણીમાં અહીંથી જીતીને વડાપ્રધાન થયા હતા એ એટલા માટે યાદ
કરવું પડે કેમ કે આ વખતે 2014માં એ લહાવો વડોદરાને મળ્યો
છે.
જયશ્રી પટેલ (સંસદસભ્ય, મહેસાણા) |
દર્શનાબહેનની જેમ જ બીજી વખત લોકસભા ચૂંટણી જીતી જનાર ઉમેદવારનું નામ છે
જયશ્રીબહેન કનુભાઈ પટેલ. પંદરમી લોકસભાની ચૂંટણી મહેસાણા બેઠક પરથી પહેલીવાર માત્ર
22,000ના માર્જિનથી જીતનાર જયશ્રીબહેન આ વખતે ભાજપ તરફી એકમાર્ગી પવનમાં કૉંગ્રેસના જીવાભાઈ
પટેલ સામે 2,09,000થી વધુ મતોના માર્જિનથી ચૂંટણી જીતી ગયા. જો કે લોકસંપર્કની બાબતમાં તે
દર્શનાબહેનથી સામેના છેડે બેસે છે. સરપંચથી લઇને ગુજરાત સરકારનો સચિવ જાતે આમંત્રણ
આપવા જાય તો ય સરકારના કાર્યક્રમોમાં હાજરી નહીં આપનાર પંચાવન વર્ષના જયશ્રીબહેન
ભાજપમાં આનંદીબહેન પટેલની આંગળી પકડીને ચાલે છે એટલે બધું જ ચાલી જાય છે. સવા
કરોડની સંપત્તિ ધરાવનાર અને મુંબઈથી ઓલ્ડ એસ.એસ.સી પાસ કરનાર તેઓ આ વખતે ટિકિટ
મળ્યા પછી પક્ષનો અને ઊંઝાના પાટીદાર સમાજનો વિરોધ ખાળીને પણ જીતી શક્યા તેને મોટી
ઉપલબ્ધિ માનવામાં આવે છે. અમદાવાદથી ઉપડતી કે મહેસાણાથી પસાર થતી દરેક ટ્રેનને
મહેસાણાનું સ્ટોપેજ મળે તેમજ જિલ્લાના ખેડૂતોને રૉયલ્ટી આપવામાં અખાડા કરતી
ઓ.એન.જી.સી સમયસર વળતર ચુકવે તે માટે સંસદમાં બોલવા માટે જાણીતા જયશ્રીબહેનને હવે
નિરાંત થશે. કેમ કે હવે તેઓ સત્તાધારી પક્ષના સંસદસભ્ય બન્યા છે. સરદાર વલ્લભભાઈ
પટેલના પુત્રી મણિબહેન પટેલ 1977માં છઠ્ઠી લોકસભામાં જનતા
પાર્ટીની ટિકિટ પર ચુંટાઈને મહેસાણાની આ બેઠક પરના પ્રથમ મહિલા સંસદસભ્ય બન્યા
હતા.
ડૉ. ભારતી શ્યાળ (સંસદસભ્ય, ભાવનગર) |
સોળમી લોકસભામાં ગુજરાતમાંથી બે વર્તમાન મહિલા સંસદસભ્યો ચૂંટાયા છે તો બાકીના
ચૂંટાયેલા બે મહિલા સભ્યો તેરમી ગુજરાત વિધાનસભામાં ભાજપ તરફથી ધારાસભ્ય પદે બિરાજતા
હતા. તેમાંના એક તળાજા (ભાવનગર જિલ્લા)ના ધારાસભ્ય ડૉ. ભારતીબહેન ધીરુભાઈ શ્યાળ 2,95,000 મતોના માર્જિનથી પહેલી જ ચૂંટણી ભાવનગર લોકસભા બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર
પ્રવીણ રાઠોડ સામે જીતી ગયા છે. રૂપિયા એક કરોડના આસામી અને વ્યવસાયે આયુર્વેદિક ડૉક્ટર તરીકે ખાનગી
પ્રેક્ટિસ કરતા તેઓ વિધાનસભા અને સંસદમાં બેસતા પહેલા જિલ્લા પંચાયતના સભ્ય રૂપે
રહેવાનો તેમજ પ્રમુખપદે કામ કરવાનો અનુભવ ધરાવે છે. પહેલી જ વાર વિધાનસભા જીતનાર
તેઓ આ બેઠક પરથી ચૂંટાયેલા પ્રથમ મહિલા સંસદસભ્ય છે. ચૂંટણીપ્રચાર ચાલતો હતો તે
દરમિયાન ઉંમરની રીતે માર્ચ મહિનામાં વનપ્રવેશ કરનારા ડૉ. ભારતીબહેને 2014ના આ જ વર્ષમાં રાજકીય રીતે સંસદપ્રવેશ કર્યો છે એમ પણ કહી શકાય.
પૂનમ માડમ (સંસદસભ્ય, જામનગર) |
લોકસભા ચૂંટણી જીતી જનાર ભાજપના બીજા ધારાસભ્ય પૂનમ
માડમએ ગુજરાત વિધાનસભામાં ખંભાળીયા બેઠકનું પ્રતિનિધિત્વ પહેલી જ વારની ચૂંટણી
જીતીને કર્યા પછી જામનગર લોકસભા બેઠક 1,75,000 મતોના તફાવતથી જીતીને સીધો દિલ્હી ભણી બીજી વારનો કુદકો માર્યો છે. પહેલી
વારનો કુદકો ભારતીય નૌકાદળમાં કામ કરતા નેવી ઓફિસર પરમિન્દર મહાજન સાથે લગ્ન કરીને
દિલ્હીમાં ગૃહસ્થી માંડવા માર્યો હતો. છેલ્લી બે ચૂંટણીથી જીતતા આવતા અને સગપણમાં
કાકા એવા વિક્રમભાઈ માડમ સામે ચૂંટણી જીતવા તેમને સ્વર્ગસ્થ પિતા હેમતભાઈ માડમએ આ
વિસ્તારમાં કરેલા કામોની મદદ મળી છે. હેમતભાઈ ચોથીથી સાતમી ગુજરાત વિધાનસભાના ચાર
મુદત (1971થી 1990) માટે ચૂંટાયેલા અપક્ષ ધારાસભ્ય
હતા. પિતાથી વિરૂદ્ધ જાહેર સેવાનો કોઈ અનુભવ નહીં ધરાવનાર પુનમબહેન મહુવાના પૂર્વ
ભાજપી ધારાસભ્ય ડૉ. કનુભાઈ કલસરિયાની સાઇકલયાત્રામાં એકવાર પેડલ મારીને વાયા
વિધાનસભા પાર્લમન્ટમાં પહોંચી ગયા છે. જામનગર જિલ્લાના દરિયાકાંઠા સંબંધી
પ્રશ્નોને સારી રીતે સમજવા પુનમબહેનને નૌકાદળમાં અધિકારી એવા પતિ મહાશયની મદદ મળી
રહેશે અને સરવાળે મતદાર નાગરિકોનું ભલું થશે. ગુજરાતની છવ્વીસ બેઠકોમાં સૌથી વધુ
ચોવીસ હરીફ ઉમેદવારો ધરાવતી બેઠક પર સગા કાકાને પરાજિત કરનાર પુનમ માડમ આ બેઠક
પરથી ચૂંટાયેલા પ્રથમ મહિલા સંસદસભ્ય છે. ઉમેદવારી કરતા એફિડેવિટમાં પોતાની પાસે સૌથી
વધુ સોનાની સંપત્તિનો ઉલ્લેખ કરનાર પુનમબહેન માત્ર બી.કૉમ થયેલા છે અને ઉંમરની
રીતે સંસદપ્રવેશ પછી ચાલીસ પાર કરવાના છે.
2004ની ચૌદમી લોકસભાની ચૂંટણી સાડી ત્રણસો મતથી હારી જનાર અને 2009ની પંદરમી લોકસભાની ચૂંટણી 58,000 મતોથી જીતી જનાર દાહોદની
અનામત બેઠકના સોળમી લોકસભાના કૉંગ્રેસના એકમાત્ર મહિલા ઉમેદવાર ડૉ. પ્રભાબહેન
કિશોરભાઈ તાવિયાડ આ વખતે 2,30,000 મતોના
માર્જિનથી હારી ગયા છે. સીધી હરીફાઈમાં મહિલાની સામે અન્ય પક્ષની મહિલા ઉમેદવાર
હોય તેવી આ ચૂંટણીની એકમાત્ર બેઠક એવા મહેસાણામાં ‘આમ આદમી પાર્ટી’ના ભાજપી કુળના
ઉમેદવાર વંદનાબહેન દિનેશકુમાર પટેલની ડિપોઝિટ ડુલ થઈ ગઈ હતી એ સહજ જાણ માટે.
જયાબહેન શાહ (બીજીથી ચોથી લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ) |
ગુજરાતની ચાર મહિલા ઉમેદવારો સંસદમાં ચૂંટાઈ છે તો જાહેરજીવન થકી પાંચમાં
પૂછાય તેવા ગુજરાતના પૂર્વ મહિલા સાંસદ જયાબહેન શાહ ચૂંટણી પ્રક્રિયા ચાલતી હતી તે
દરમિયાન જ 14મી એપ્રિલના રોજ બાણું વર્ષની વયે અવસાન પામ્યા. તેમની વિદાયની સખેદ નોંધ લેતા
એ જાણવું જરૂરી છે કે અલગ સૌરાષ્ટ્ર રાજ્ય (કાઠિયાવાડ સ્ટેટ)ના શિક્ષણમંત્રી રહી
ચૂકેલા જયાબહેન શાહ બીજી લોકસભામાં મુંબઈ રાજ્યની ગિરનાર લોકસભા બેઠક તેમજ ત્રીજી
અને ચોથી લોકસભામાં ગુજરાતની અમરેલી બેઠક પરથી ચૂંટાયેલા સભ્ય હતા અને હિન્દી ભાષા
પ્રચાર, ખાદી વણાટ, નિસર્ગોપચાર અને નશાબંધી જેવા રચનાત્મક – સર્વોદયી લોકકલ્યાણના કાર્યો સાથે છેવટ
સુધી સંકળાયેલા હતા. છેવટ સુધી એટલા માટે કેમ કે મૃત્યુ પછી તેમના પાર્થિવ દેહનું
અમદાવાદની બી.જે. મેડિકલ કૉલેજને દાન કરવામાં આવ્યું હતું.
‘મહિલા અનામત બિલ’નો વિરોધ કરનારા સમાજવાદી પક્ષના ગણીને ચાર ઉમેદવારો સોળમી
લોકસભામાં ઉત્તર પ્રદેશથી ચૂંટાયા છે. ગુજરાતના ચાર મહિલા સાંસદો વિરોધ કરનારાનો
પણ વાજબી, બોલકો, બળૂકો વિરોધ કરીને આ બિલને વૈતરણી પાર કરાવે તેવી અપેક્ષા
રાખવી જયાબહેન શાહએ કરેલા કામની સરખામણીએ વધારે તો નથી જ નથી એવી ખાતરી આપણે રાખી
શકીએ કે કેમ એ તો આવનારા પાંચ વર્ષ જ કહેશે.
ભારતીય સંસદની વેબસાઇટ પર જયાબહેન શાહની વિગત જાણવા માટેની લિન્ક આ રહી – http://164.100.47.132/LssNew/biodata_1_12/1360.htm તો ગુજરાતના નાગરિક કે જે તે
સંસદીય મતવિસ્તારના મતદાર તરીકે આપના જનપ્રતિનિધિનો સંપર્ક કરવાની જરૂર પડે તો આ
રહ્યા તેમના સંપર્કસૂત્ર...
ગુજરાતની મહિલાઓ રાજકારણમાં ભાગ લcઈ આગળ આવે તે ખુબજ આવકારી છે,
ReplyDeleteશિક્ષિત અને સમાજસેવાના પાયાથી શરૂ કરીને પગથિયાં વાર અનુભવ લઈને આગળ આવેલી મહિલાઓ સમાજની અને દેશની વધુ સેવા કરી શકે પણ આપણે ત્યાં આમ સાવ બનતું નથી કોઈ નેતાકે રાજકારણીઓએ પોતાની પત્નીને,બેનને કે પછી દીકરીને પોતાનો વારસો અપાવવાના જે રીત રિવાજો ઘર કરી ગયા છે તેવી બેહૂદી પ્રથાને કોઈએ ઉત્તેજન આપવું ના જોઈએ,હા અપવાદ રૂપે જો તે મહિલાએ પોતાના વડીલની છાયામાં રહીને સમાજસેવા કે નાગરિક સેવાનું કામ કરી બતાવ્યુ હોય તે તેની લાયકાત પુરવાર કરી આપતી હોય છે આવી મહિલાઓ સતત પ્રજાલક્ષી કાર્ય કરવા ઉત્સુક હોય છે તેમને પ્રજાએ ટેકો આપવોજ જોઈએ
હિંદુસ્તાનના રાજકીય તકતા કે પછી બીજા જાહે જીવનના તકતા પર આપણે ત્યાં આવું ઓછુ બનતું રહ્યું છે પણ બાપ પોતાના દીકરા દીકરીઓની કોઈ પણ લાયકાત વિના પોતાનો જાહેરજીવનનો વારસો વડીલોપાર્જિત સમજી આપતા રહ્યા છે અને રાજરજવાડાના વંશ જેવો માહોલ છેલ્લા ૬૮ વર્ષોમાં ઊભો કઈ દીધો છે! હિંદુસ્તાનના લોકો બધુજ જાણે છે એટ્લે આવા નાલાયક લોકોના નામ અત્રે આપવાનો કોઈજ અર્થ નથી !!
સૌ મિત્રો,
ReplyDeleteબ્લોગની 108મી પોસ્ટ (16 ઑગસ્ટ 2014)ના વાચન / પ્રતિભાવ માટે આભારી છું.
બિનીત મોદી (અમદાવાદ) / શનિવાર, 6 ડિસેમ્બર 2014