પ્રતિભાવો ઉર્ફે Comments

Monday, November 04, 2013

વાત ભૂલી ના ભુલાય : આતશબાજી વચ્ચે ઉછરતું નવજાત શિશુ


મૂળમાં સ્વભાવગત લક્ષણો અને તેમાં ભળેલા પત્રકારત્વ, પ્રચાર સામગ્રી લેખન (કોપીરાઇટીંગ – વ્યવસાયી લેખન) અને ભાષાંતર કરવાના વ્યવસાયી કામને કારણે રોજિંદી રખડપટ્ટી કે રોજેરોજ નવી વ્યક્તિઓના સંપર્કમાં આવવું તે સામાન્ય બની ગયું છે. જાત-ભાતની ઘટનાઓ અને પરિસ્થિતિ સાથે પનારો પાડવાનો આવે.
એ સિવાય ‘ડાફોળિયા મારવા’ નામની બાયપ્રોડક્ટ પણ ખરી. એ બાયપ્રોડક્ટને કારણે જે કંઈ જોવા – જાણવા મળ્યું હોય કે અનુભવ્યું હોય તેનું આલેખન કરવાની ઇચ્છા માત્રથી આ પ્રસંગકથા માંડી છે. આ એવા અનુભવો છે જે મારાથી ભૂલ્યા ભુલાતા નથી. આવા અનુભવો મેળવનારો હું એકલો, પહેલો કે છેલ્લો નથી એવી પાકી સમજણ છતાં ઊંડે ઊંડે મને થતું રહ્યું કે મારે તેને શબ્દદેહ આપી જાહેર માધ્યમમાં મુકવા જોઇએ. એ વિચારોનું પરિણામ એટલે આ.....આપના પ્રતિભાવો કમેન્ટ બોક્ષમાં આવકાર્ય.....
-     બિનીત મોદી
વાત ભૂલી ના ભૂલાય : આતશબાજી વચ્ચે ઉછરતું નવજાત શિશુ

દશેરાની રાત્રે રાવણદહનના કાર્યક્રમ સાથે શરૂ થતી ફટાકડાની આતશબાજી ક્યારે અટકે તેનું કોઈ નક્કી ટાઇમટેબલ હોતું નથી. આસો મહિનાની અમાસની રાત્રે તો આતશબાજી તેની ચરમસીમાએ હોય. ઘંટનાદનો અવાજ પણ દબાઈ જાય તેવા માહોલ અને જામતી રાત વચ્ચે પણ મને ડોરબેલનો રણકાર સંભળાયો. બારણું ખોલીને જોયું તો આંગણે મારા દક્ષિણ ભારતીય પાડોશી ઊભા હતા. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના અધિકારીઓ માટે બનાવાયેલી અમદાવાદના નારણપુરા સ્થિત કૉલોનીમાં તેઓ નવા-સવા રહેવા આવ્યા હતા એટલી જ મને ખબર હતી. મમ્મી-પપ્પા બૅન્કના મિત્રો સાથે સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થાનોની યાત્રાએ ગયા હતા અને કમાતા સંતાન માટે એલ.ટી.સીનો લાભ ન લઈ શકાય એવા નિયમને કારણે હું તેમની સાથે જોડાઈ શક્યો નહોતો એટલે ઘરે જ હતો.

દક્ષિણ ભારતીય જણ બોલે અને ગુજરાતી જણ જવાબ આપે એવી જ હિન્દીમાં અમારી વચ્ચે વાત શરૂ થઈ.
ડૉક્ટરસાબકો બુલાના હોગા.
ઇતની રાતકો?
હાં..હમારા બચ્ચા બીમાર હુઆ હૈ...”…“તો કોઈ પહેચાનવાલા ડૉક્ટર...

શબ્દોમાં ફેરફાર હોઈ શકે છે પરંતુ તેમની સાથેની આટલી વાતચીતથી હું તેમના નામની સાથે એટલું જાણી શક્યો કે તેમના પરિવારમાં પત્નીની સાથે નજીકના સમયમાં જન્મેલું બાળક પણ હતું. બૅન્કમાં પ્રોબેશનર ઑફિસર તરીકે જોડાયેલા રઘુભાઈ પ્રમોશન લઇને તેમના વતન કાલિકટ (કેરાલા)થી અહીં આવ્યા હતા. મહિના-દોઢમહિનાના બાળકને સાચવવા તેમના માતા-પિતાને પણ સાથે લેતા આવ્યા હતા.

મોડી રાત્રે મને બાળકની બીમારી વિશે પૂછવાનું પણ ન સૂઝ્યું. તેઓ જે મદદ મારી પાસેથી ઇચ્છતા હતા એવા પહેચાનવાલા ડૉક્ટર અને નારણપુરામાં જ રહેતા એવા પિતરાઈ કાકા ડૉ. ચીનુ મોદીનો સંપર્ક કરવા માટે પાસે નંબર હતો પણ ફોન હાથવગો નહોતો. અમદાવાદ જેવા શહેરમાં મોબાઇલ ફોન સેવાનું આગમન થાય તેને બરાબર પાંચેક વર્ષનો સમય બાકી હોય તેવી આ 1991ની વાત છે. મને પાડોશી મિત્ર ડૉ. કલ્પેશ શાહ યાદ આવ્યો. (કલ્પેશ શાહ : આંખનો ડૉક્ટર, આંખ સામેથી ઓઝલ થયાને વરસ થયા વીસ / http://binitmodi.blogspot.in/2012/09/blog-post.html ) અમાસની અંધારી રાત્રે તેને ઊંઘમાંથી ઉઠાડ્યો તો ખરો પરંતુ તેની સીધી કોઈ મદદ લઈ શકાય તેમ નહોતું. કારણ કે તે મેડિકલ વિદ્યાશાખાનો વિદ્યાર્થી હતો, પૂર્ણ સમયના તબીબ બનવાને હજી વાર હતી.

જો કે તેણે એવી ઑફર કરી કે નજીકમાં રહેતા તેના મિત્રને ઘરે ફોન છે. ત્યાં જઇને ફોન કરવાની મદદ તો માગી શકાય. રઘુભાઈએ સેકન્ડનો વિચાર કર્યા વિના સો સીસીની બાઇકની કીક લગાવી. થોડાક સંપર્કોના અંતે બાળકોના રોગોના નિષ્ણાત ડૉક્ટર તેમને લેવા-મુકવા જઇએ એ શરતે ઘરે આવવા તૈયાર થયા. આવ્યા. બાળકના મા-બાપની તેની બીમારી વિશે શી ફરિયાદ હતી?...
...તો કહે કે બાળક ઊંઘમાં આજે સાંજથી વારંવાર તેના હાથ-પગ હલાવે છે. કિસ તરહસે? એવા ડૉક્ટરના સવાલનો જવાબ રઘુભાઈ કે તેમના પત્ની પાસે નહોતો. એમણે હાથ-પગના ઇશારાથી સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ ડૉક્ટર કંઈ સમજી શક્યા નહીં. બાળકના શરીરને થોડું તપાસીને તેઓ ‘તે નોર્મલ છે’ એવું આશ્વાસન આપીને તેમજ સોની નોટ લઈને ચાલતા થયા.

બીજા દિવસની સવાર ઉગી એટલે નવા ડૉક્ટરનું આગમન થયું. સાથે બૅન્કના મેડિકલ ઑફિસર પણ હતા. રાતવાળા કરતા આ ડૉક્ટર ઉંમર, ભણતર અને અનુભવ એમ ત્રણેયમાં મોટા હતા એટલી માહિતી મને કલ્પેશએ આપી. તેમનું પણ કહેવાનું એમ જ થયું કે ‘બાળક નોર્મલ છે, કોઈ દવાની – સારવારની જરૂર નથી.’ બાળકના હાથ-પગ હલાવવા વિશે તેના મા-બાપ જે વર્ણન કરતા હતા તેવા કોઈ લક્ષણો ડૉક્ટરને જણાયા નહીં. વિઝિટીંગ કાર્ડની આપ-લે થઈ અને સૌ છૂટા પડ્યા. રાત્રે ફરી પાછી એ જ ફરિયાદનું પુનઃપ્રસારણ થયું. જો કે આ વખતે મારી મદદની જરૂર ન પડી કારણ વિઝિટીંગ કાર્ડ હાથવગું હતું.

ડૉક્ટર આવ્યા એટલે તેમની સાથે મેં ય રઘુભાઈના ઘરમાં પગ મૂક્યો. ફટાકડાના અવાજો વચ્ચે મા-બાપની એ જ ફરિયાદ સાંભળીને ડૉક્ટર ખડખડાટ હસ્યા. આ વખતે તેમને ઇશારાથી સમજાવવાની જરૂર નહોતી કારણ થોડી થોડી વારે હાથ-પગ હલાવતા બાળકને તેઓ નજર સામે જોઈ રહ્યા હતા. હા, આ વખતે તે જાગતું હતું. હસવાનું ચાલુ રાખીને જ એમણે રઘુભાઈને હાથનો ઇશારો કરી સવાલ કર્યો કે ‘આપ ઇસે બીમારી કહતે હો?’...
...જવાબની રાહ જોયા વગર જ ડૉક્ટરે સમજાવ્યું કે આ તો ફટાકડાના અવાજથી તે ચમકે છે. ચિંતાનું કોઈ કારણ નથી. એ ઊંઘમાં હોય કે જાગતો હોય તેનું બહુ મહત્વ નથી એમ કહીને તેમણે ચપટી વગાડીને અને મોટેથી તાળી પાડીને તેને વગર ફટાકડો ફોડે ચમકાવ્યો. આમ પોતે કરેલા નિદાનનું ડેમૉન્સ્ટ્રેશન પણ કરી બતાવ્યું.

આબાલ-વૃદ્ધ સૌ કોઈ એવા બીમાર કે તંદુરસ્ત વ્યક્તિને ખલેલ પહોંચાડતું ફટાકડાના અવાજનું ગાંડપણ કેટલું વાજબી છે તેની ચર્ચા જ્યારે-જ્યારે થાય છે ત્યારે મને ઉપરોક્ત ઘટના જરૂર યાદ આવે છે.

(નેટ ઇમિજસનો અહીં માત્ર પ્રતિકાત્મક ઉપયોગ)

આ અગાઉની પ્રથમ પ્રસંગકથા ‘શુકનના સવા રૂપિયાની શોધ’ વાંચવા માટે આ રહી લિન્ક –

3 comments:

  1. આમતો બહુ જૂની કહેતી છે,કે "દિવાળીના દિવસમાં ઘરઘર દીવા થાય, ફટાકડા ફટફટ ફૂટે બાળક બહુ હરખાય."....પણ આ તો એ દિવસોની વાત થઇ જ્યારે ફટાકડા ખરેખર માત્ર ...'ફ-ટ-ફ-ટ'... એવો મંદ અવાજ જ કરતા હતા; અવાજ કરતાં વધુ તો ઝળહળાટ ભર્યો પ્રકાશ પાથરતા હતા. પણ છેલ્લા બે એક દાયકાથી તો વધુ ને વધુ..ઑર વધુ... ધૂમધડાકા ધમાકા કરતા હોય એવા ફટાકડાનું ચલણ માહત્મ્ય વધતું જાય છે કે બાળક તો શું, મોટેરા પણ હરખાઇ નહીં-ગભરાઈ જાય! More & more Din than Light! - આમ પણ બીજી રીતે આ જ વાત વ્યક્તિગત કે સામુહિક પણે જીવનના હરએક ક્ષેત્રમાં આપણે નથી અનુભવી રહ્યા? શું રાજકારણ,શું સમાજકારણ,શું ધરમકારણ...બધે જ બધે!

    ReplyDelete
  2. સૌ મિત્રો,
    બ્લોગની 85મી પોસ્ટ (4 નવેમ્બર 2013)ના વાચન / પ્રતિભાવ માટે આભારી છું.

    બિનીત મોદી (અમદાવાદ) / બુધવાર, 11 ડિસેમ્બર 2013

    ReplyDelete
  3. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને અઢી વર્ષ પૂર્ણ થયા.
    85મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 04-11-2013 to 04-11-2014 – 200

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete