પ્રતિભાવો ઉર્ફે Comments

Saturday, December 01, 2012

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (નવેમ્બર – 2012)




સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાનો વિચાર છે. આનો અમલ કરવાની કોઈ નિશ્ચિત તારીખ નથી તેમ આ ક્યાં સુધી ચાલુ રાખવું તે ય નિશ્ચિત નથી. હા, પ્રતિભાવ – કમેન્ટ્સ એ નક્કી કરવામાં ચોક્કસ મદદરૂપ થશે.
જુલાઈ – 2012ના સ્ટેટસ પ્રોફાઇલથી પ્રારંભ કર્યા પછી પ્રસ્તુત છે ઓગસ્ટથી નવેમ્બર – 2012. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

પચ્ચા કરોડની ગર્લ ફ્રેન્ડ જોવી છે?
(Thursday, 1 November 2012 at 03:55pm)
"શશી ડાર્લિંગ, મને અમદાવાદમાં બે બેડરૂમ, હોલ, કિચન વાળો એક ફ્લેટ ખરીદી આપો, નવો આઈફોન ફાઇવ લાવી આપો અને તેમાં ગુજરાત નેટવર્કના સીમ કાર્ડ સાથે ટોક ટાઇમ પણ નંખાવી આપો."
"કેમ શું થયું ડાર્લિંગ?કંટાળી ગઈ મારાથી? હવે તો આપણે મિનિસ્ટર્સ એન્કલેવમાં રહેવા જવાનું છે."
"ના, હું તારાથી કંટાળી નથી ગઈ. પણ ગુજરાતમાં રહીને હવે મારે મારી નવી ઓળખ મેળવવી છે."..."કઈ?"
"રૂપિયા 50 કરોડ 50 લાખ (ફ્લેટ) 50 હજાર (આઈફોન) 500 રૂપિયા (ટોક ટાઇમ)ની ગર્લફ્રેન્ડ."..."તમે જોઈ છે કદી?"
* * * * * * *
(Friday, 2 November 2012 at 06:25pm)
ડમડમબાબાનું ચોંકાવનારું માર્કેટ રિસર્ચ.....
દિવાળીના તહેવારો પહેલાં દરેક ચીજવસ્તુની જાહેરખબર આવે છે......સિવાય તહેવાર સાથે સંકળાયેલી મુખ્ય ત્રણ વસ્તુઓની......દીવડા, દિવેટ બનાવવાના રૂની અને તેમાં પૂરવાના ઘીની.....
* * * * * * *
(Saturday, 3 November 2012 at 04:10pm)
ડમડમબાબાની 'તદ્દન' ક્રાંતિકારી જાહેરાત.....
ભારત દેશની આગામી વસ્તીગણતરીના કામમાં જો મને સામેલ કરવામાં આવશે......મારી મદદ લેવામાં આવશે તો...ગુજરાતમાં 'જલારામ મંદિર'ની સંખ્યા અને 'જલારામ પરોઠા હાઉસ'ની સંખ્યા અલગથી ગણીને જાહેર કરવામાં આવશે.
* * * * * * *
(Sunday, 4 November 2012 at 02:50pm)
પાકિસ્તાનના ક્વેટા પ્રાંતમાં રહેતા વરિષ્ઠ નાગરિકોએ ભાણામાં ઘી ચોપડેલી રોટલી ખાવી હોય તો સ્થાનિક સત્તાતંત્ર (ગ્રામપંચાયત કે નગરપાલિકા)ની મંજૂરી લઈ આરોગ્ય ખાતામાં જાણ કરવી ફરજિયાત હોય છે.
નોંધ: આવો કોઈ નિયમ છે નહીં પણ દોઢ-બે દાયકા પહેલાં ગુજરાતી છાપાંની રવિવારની પૂર્તિઓમાં આ પ્રકારની અષ્ટમ-પષ્ટમ વાતો માહિતી આપવાના નામે અને સામાન્ય જ્ઞાન વધારવાના બહાને નિયમિત ધોરણે પ્રકટ થતી હતી.
નોંધની નોંધ: પાકિસ્તાનનું વહીવટીતંત્ર એ હદે ખાડે ગયેલું છે કે આવો કોઈ નિયમ બનાવવામાં આવે તો પ્રજા બળવો કરીને બ્રિટન કે ભારત ભેગું રહેવાનું વધુ પસંદ કરે!
* * * * * * *


(Monday, 5 November 2012 at 04:30pm)
ડમડમબાબાનું 'તદ્દન' આધુનિક તબીબી સંશોધન.....
આચરકુચર ખાધા પછી શરીરમાં જમા થતા ચરબીના થરને બે પ્રકારે ઓળખવામાં આવે છે.....LDL – બેડ કલેસ્ટરૉલ.....HDL – ગુડ કલેસ્ટરૉલ.....'ફેસબુક'નો આડેધડ ઉપયોગ કરતા ઉદભવેલા બેઠાડું જીવનથી બનનારી ચરબી આ નામે ઓળખાશે.....FBL કલેસ્ટરૉલ ('L' લાઇકનો છે.)
* * * * * * *


સ્વામી વિવેકાનંદ
(Wednesday, 7 November 2012 at 07:35pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
ચાલીસી પુરી કરતાં પહેલાં યુવાન વયે અવસાન પામેલા સ્વામી વિવેકાનંદને લાંબુ આયુષ્ય મળ્યું હોત તો પણ 2012માં નિર્વાણ પામ્યા હોત નક્કી. નોંધ: નીતિન ગડકરી સિવાય કોઈને આ બાબતમાં શંકા હોય તો મને લખી જણાવવા વિનંતી.
* * * * * * *
મુનશી પ્રેમચંદ
(Thursday, 8 November 2012 at 03:10pm)
ડમડમબાબા ક્વિઝ
: સુપર સિટિ સીરિઝ.....
ગુજરાતના કયા શહેરે પોતાના એક વિસ્તારને હિન્દીના પ્રખ્યાત સાહિત્યકારનું નામ આપ્યું છેપ્રેમચંદનગર, જજીસ બંગલા રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ.
મારું ગુજરાત.....નંબર વન ગુજરાત.....અવ્વલ અમદાવાદ.....
* * * * * * *
બરાક ઓબામાનો માસ્ટર સ્ટ્રોક!
(Saturday, 10 November 2012 at 07:51pm)
આંતરરાષ્ટ્રીય રાજકારણ ક્ષેત્રે ડમડમબાબાનું તદ્દન મૌલિક સંશોધન.....9/11ના માસ્ટરમાઇન્ડ ઓસામા બીન લાદેનનો 9/11ની અગિયારમી વરસી પહેલા દરિયાઈ નિકાલ કરીને બરાક હુસેન ઓબામાએ 11/9 પહેલાં અમેરિકન પ્રમુખપદની બીજી મુદત પાકી કરી લીધી.
* * * * * * *
(Sunday, 11 November 2012 at 10:35pm)
અમેરિકાના બહુમાળી મકાનોમાં એકને બદલે ત્રણ લિફ્ટ હોય છે. રેગ્યુલર અને ઇમર્જન્સી ઉપયોગ સિવાયની ત્રીજી લિફ્ટ મકાનમાં રહેનારને ગ્રાઉન્ડ ફ્લોરથી સીધા માળિયામાં લઈ જાય છે. આમ દિવાળીની સાફસફાઈ કરવી અત્યંત સહેલી બને છે. ઘરમાં રહેનારે ગ્રાઉન્ડ ફ્લોર પરથી જ નક્કી કરી લેવાનું કે આજે ઘરમાં પગ મૂકવો છે કે માળિયામાં.
નોંધ: આ પ્રકારની કે આટલી સંખ્યામાં લિફ્ટ હોતી નથી. પણ દોઢ-બે દાયકા પહેલાં ગુજરાતી છાપાંની રવિવારની પૂર્તિઓમાં આ પ્રકારની અષ્ટમ-પષ્ટમ વાતો માહિતી આપવાના નામે અને સામાન્ય જ્ઞાન વધારવાના બહાને નિયમિત ધોરણે પ્રકટ થતી હતી.
નોંધની નોંધ: સુખ-સગવડોની બાબતમાં અત્યંત આધુનિક મનાતા અમેરિકામાં હજી આજે 2012માં પણ કઈ સુવિધાઓની કમી છે તે દર્શાવવાનો આ એક નમ્ર પ્રયાસ’ છે!
* * * * * * *
(Monday, 12 November 2012 at 10:40pm)
ડમડમબાબાની કવિતા : કવિતામાં દિવાળી
ચાર રસ્તે ચણાનો લોટ ચગદાયએને કાળીચૌદશનો કકળાટ કાઢ્યો કહેવાય...
પછી ભલેને ભૂખ્યાંજનોનો કકળાટ કાને ન સંભળાય.....
* * * * * * *
(Tuesday, 13 November 2012 at 01:25pm)
સમસ્યા આપની : સમાધાન ડમડમબાબાનું
બાળપણમાં જો રમકડા રમવાનું ચૂકી ગયા હો અને યુવાન વયે કે એ પછીની કોઈ પણ ઉંમરે રમકડા રમવાની ઇચ્છા થાય તો મૂંઝાવાની જરૂર નથી...આ રહ્યો ઉપાય...હોન્ડા એક્ટિવા કે એવું કોઈ પણ સ્કૂટરેટ ખરીદીને ફેરવવાનું. રમકડું રમતા હો એવું જ લાગશે.
* * * * * * *
નૂતન
(Wednesday, 14 November 2012 at 01:55pm)
દુનિયાભરના ગુજરાતી પરિવારો આજે હિન્દી ફિલ્મોની એક અભિનેત્રીને જાણ્યે અજાણ્યે યાદ કરીને આદરાંજલિ અર્પણ કરી રહ્યા છે ત્યારે ડમડમબાબા પણ એમાં જોડાઈને આપને પાઠવી રહ્યા છે.....નૂતનવર્ષાભિનંદન – HAPPY NEW YEAR…..
બિનીત મોદી (અમદાવાદ) (સુધા પ્રફુલ મોદી અને શિલ્પા બિનીત મોદી)
* * * * * * *
(Thursday, 15 November 2012 at 09:30pm)
ડમડમબાબા સામાજિક વિજ્ઞાન અને સંશોધન કેન્દ્રનું લેટેસ્ટ રિસર્ચ
ગુજરાતમાં ભાઈબીજનો તહેવાર ભવ્યતાથી ઉજવાયો......બહેનોની મદદે આવેલી રેસ્ટોરન્ટ્સથી.....
* * * * * * *
(Friday, 16 November 2012 at 09:45am)
ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પૂર્વ નિયામક અને ગુજરાત કેન્સર સોસાયટીના માનદ્ સલાહકાર ડૉ. પંકજ શાહ તેમજ ગુજરાત કિડની ફાઉન્ડેશનના ડૉ. પ્રવિણા શાહ દૂરદર્શનની ગિરનાર ચેનલ પર આજે 16 નવેમ્બરની રાત્રે 8:00થી 9:00 કલાક દરમિયાન લાઇવ રજૂ થનારા હેલો ડૉક્ટર’ ફોન ઇન કાર્યક્રમમાં કેન્સર અને કિડની સંબંધિત રોગોની જાણકારી આપશે તેમજ શાહ દંપતી ચાળીસ વર્ષની તેમની તબીબી કારકિર્દીના અનુભવો પણ દર્શકો સાથે વહેંચશે. પ્રશ્ન પૂછવા ઇચ્છુક કાર્યક્રમ શરૂ થયે અમદાવાદ દૂરદર્શન કેન્દ્રના ફોન નંબર (079) 2685 3814 અને (079) 2685 3816 પર સંપર્ક કરી શકે છે. નોંધ: ટાટા સ્કાય કનેક્શન ધરાવનાર ‘ACTIVE’ મોડનો ઉપયોગ કરી ‘એક્ટિવ દૂરદર્શન દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ જોઈ શકશે. અન્ય કંપનીના સેટ ટોપ બોક્ષ માટે અલગ સુવિધા કે ચેનલ નંબર હોઈ શકે છે. આભાર.
* * * * * * *
(Friday, 16 November 2012 at 10:50pm)
ડમડમબાબા લાઇવ સિટિ રિપોર્ટ.....
દિવાળી નૂતનવર્ષના તહેવારોની રજાઓમાં અમદાવાદના રસ્તાઓ પર એટલો ઓછો ટ્રાફિક છે કે આવતા-જતા વાહનોનાં બ્રાન્ડકલર અને નંબર સુધ્ધાં યાદ રાખી શકો.
* * * * * * *
ફિલમનું સાચું નામ છે 'સન ઓફ સરદર્દ'
(Saturday, 17 November 2012 at 10:10am)
ડમડમબાબા ફિલ્મ રિવ્યૂ.....
સન ઓફ સરદાર’ (Son of Sardar) ફિલ્મ એટલી બધી નબળી છે કે ફિલ્મને સન ઓફ સરદર્દ(Son of Sardard)ના નવા નામે ઓળખવામાં પણ હરકત નથી.
* * * * * * *
બાલ ઠાકરેની સક્રિય કામગીરી
(Sunday, 18 November 2012 at 01:20am)
‘Save the Tiger’ ઝુંબેશ ભારતમાં બે જગ્યાએ ચાલી. એક ‘NDTV’ ચેનલ પર અને બીજી દાદર મુંબઈના માતોશ્રી બંગલામાં. ડૉક્ટરોની ‘Save the Tiger’ ઝુંબેશનો પ્રતિસાદ નહીં આપી શકેલા શિવસેનાના નેતા નહીં, કાર્ટૂનિસ્ટ બાલ ઠાકરેને શ્રદ્ધાંજલિ.
* * * * * * *
(Sunday, 18 November 2012 at 02:00pm)
સ્પેનના બાર્સેલોના શહેરના નાગરિકો ડાબા ખભે બગલથેલો લટકાવીને બેન્કમાં જાય તો કેશિયર ખાતામાંથી રોકડા રૂપિયા આપવાની ના પાડી શકે છે. આમ કરવા પાછળ ધાર્મિક તો શું, કોઈ આર્થિક માન્યતા પણ કામ કરતી નથી.
નોંધ: આવો કોઈ નિયમ કે માન્યતા હતી નહીં. હોય ખરી? પણ દોઢ-બે દાયકા પહેલાં ગુજરાતી છાપાંની રવિવારની પૂર્તિઓમાં આ પ્રકારની અષ્ટમ-પષ્ટમ વાતો માહિતી આપવાના નામે અને સામાન્ય જ્ઞાન વધારવાના બહાને નિયમિત ધોરણે પ્રકટ થતી હતી.
નોંધની નોંધ: સ્પેન તો શું દુનિયાના કોઈ પણ દેશની બેન્કના કેશિયર એટલા બધા નવરા ક્યારેય હોતા નથી કે દરવાજે આવેલા ગ્રાહકે કયા ખભે બગલથેલો ભરાવ્યો છે કે કયા હાથમાં થેલી પકડી છે તેનું ધ્યાન રાખી શકે!
* * * * * * *
(Wednesday, 21 November 2012 at 04:55pm)
ડમડમબાબા સામાજિક વિજ્ઞાન અને સંશોધન કેન્દ્રનું લેટેસ્ટ રિસર્ચ’…..
પાંચ દિવસ પછી ભારતમાં પધરામણી કર્યાનું પાંચમું વર્ષ શરૂ થાય અને અજમલ કસાબ ભારતીય નાગરિકત્વની માંગણી કરે એ પહેલાં જ તેનું પાર્સલ કરી દેવાયું.
* * * * * * *
અજમલ આમીર કસાબ
(Thursday, 22 November 2012 at 02:35pm)
ડમડમબાબા સામાજિક વિજ્ઞાન અને સંશોધન કેન્દ્રનું લેટેસ્ટ રિસર્ચ’…..
કસાબની કરમ કુંડળી.....ભારતમાં હુમલો કરવા 'હોડકા'માં બેસીને આવ્યો અને 'હેન્ગ આઉટ' થયો.....હુમલો કરવા આવ્યો26-11-2008 કેન્દ્રિય ગૃહ મંત્રી શિવરાજ પાટીલ (મહારાષ્ટ્ર) હેન્ગ આઉટ થયો 21-11-2012 કેન્દ્રિય ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદે (મહારાષ્ટ્ર)
હુમલો કરવા આવ્યો ત્યારના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ 2012માં 'લીવર' કેન્સરથી મૃત્યુ પામ્યા.....હુમલો કરનાર કસાબને 2012માં 'લીવર' ખેંચીને મોતને ઘાટ ઉતારાયો.....
* * * * * * *
(Friday, 23 November 2012 at 10:25am)
શહેરમાં રહેતી વ્યક્તિની છાતીનો એક્સ-રે લેવામાં આવે તો તેના ફેફસા કોલસા જેવા દેખાય.’ કેરોસીનથી ચાલતી રિક્ષાઓના જમાનામાં અમદાવાદ જેવા શહેરો માટે છાતીના નિષ્ણાત ડોક્ટરે પ્રદૂષણની ગંભીરતા સમજાવવા આવું આત્યંતિક વિધાન કર્યાનું આજે વીસ વર્ષના વહાણા વાયા પછી પણ યાદ છે. દૂરદર્શનની ગિરનાર ચેનલ પર આજે 23 નવેમ્બરની રાત્રે 8:00થી 9:00 કલાક દરમિયાન લાઇવ રજૂ થનારા હેલો ડૉક્ટર ફોન ઇન કાર્યક્રમમાં ડૉ. નરેન્દ્ર રાવલ પ્રદૂષણ કે આપણી આસપાસના વાતાવરણને કારણે ઉદભવતા ફેફસાના રોગો સંબંધિત જાણકારી આપશે તો ડૉ. તુષાર પટેલ આ સંદર્ભે લેવાવી જોઇતી કાળજી તેમજ હાલમાં ઉપલબ્ધ આધુનિક સારવાર બાબતે માર્ગદર્શન આપશે અને તેમની તબીબી કારકિર્દીના અનુભવો પણ દર્શકો સાથે વહેંચશે. પ્રશ્ન પૂછવા ઇચ્છુક કાર્યક્રમ શરૂ થયે અમદાવાદ દૂરદર્શન કેન્દ્રના ફોન નંબર (079) 2685 3814 અને (079) 2685 3816 પર સંપર્ક કરી શકે છે. નોંધ: ટાટા સ્કાય કનેક્શન ધરાવનાર ‘ACTIVE’ મોડનો ઉપયોગ કરી ‘એક્ટિવ દૂરદર્શન દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ જોઈ શકશે. અન્ય કંપનીના સેટ ટોપ બોક્ષ માટે અલગ સુવિધા કે ચેનલ નંબર હોઈ શકે છે. આભાર.
* * * * * * *
(Saturday, 24 November 2012 at 02:00pm)
ડમડમબાબા ડાયલોગ સિરીઝ.....
ટેન્ક ફૂલ કરી દો ભાઈ.”...“શું નાખું સાહેબપેટ્રોલડીઝલ કે સી.એન.જી?”
જે સસ્તું હોય તે નાખો. ગાડીમાં ત્રણેય પ્રકારના એન્જિન ફીટ કરાવેલા છે.
* * * * * * *
(Sunday, 25 November 2012 at 01:30pm)
આફ્રિકાના જંગલોના રક્ષિત અભયારણ્યોમાં વસતા સિંહો બે શિકારની વચ્ચે ગ્લુકોઝનું પાણી પીને મોં સાફ કરે છે. આમ કરવાથી તેમના દાંત વધુ મજબૂત અને તિક્ષ્ણ થાય છે તેવું એક સંશોધન જણાવે છે.
નોંધ: અભયારણ્યના સિંહોની તરસ જો સાદા પાણીથી છીપાઈ જતી હોય તો પછી મોં સાફ કરવા માટે ગ્લુકોઝનું પાણી કોઈ આપે ખરુંપણ દોઢ-બે દાયકા પહેલાં ગુજરાતી છાપાંની રવિવારની પૂર્તિઓમાં આ પ્રકારની અષ્ટમ-પષ્ટમ વાતો માહિતી આપવાના નામે અને સામાન્ય જ્ઞાન વધારવાના બહાને નિયમિત ધોરણે પ્રકટ થતી હતી.
નોંધની નોંધ: આફ્રિકાના તો શું દુનિયાના કોઈ પણ દેશના અને કોઈ પણ અભયારણ્યના સિંહો લોહીના તરસ્યા હોય છે...ગ્લુકોઝ વાળા લોહીના. કારણકે તેમને ડાયબીટિઝનો ડર નથી હોતો!
* * * * * * *
(Tuesday, 27 November 2012 at 05:05pm)
ડમડમબાબા ડાયલોગ સિરીઝ.....
સાહેબ, આપના સરકસમાં મને કામ આપો.”...“કયા ખેલમાં તમારો કરતબ કરી દેખાડશો? શું આવડે છે આપને?”
સાહેબ, મને અમદાવાદ જેવા શહેરમાં રસ્તો ક્રોસ કરતા આવડે છે.
* * * * * * *
બારકોડના ખબર-અંતર
(Tuesday, 27 November 2012 at 05:55pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
ખાણી-પીણી કે ઘરવપરાશની બજારમાં વેચાતી મોટાભાગની ચીજ-વસ્તુઓપર બારકોડ’ સ્ટીકર હોય છે......કઈ વસ્તુ પર બારકોડ’ લાગેલો નથી હોતો?...
...‘બારમાં વેચાતી બાટલી’ પર!
* * * * * * *
(Wednesday, 28 November 2012 at 05:25pm)
ભારતનું રાજકારણ : રાજકારણની રામલીલા
કોંગ્રેસ વાળા ભાજપના લોકોનું રાજીનામું માગે છે...અને...ભાજપ વાળા...
...ભાજપ વાળા ભાજપના લોકોનું રાજીનામું માગે છે.....
* * * * * * *
(Thursday, 29 November 2012 at 08:15pm)
"દેવદિવાળી વીતી ગયા પછી પણ આ શેની સાફસૂફી ચાલે છે?"
"વધેલા - ઘટેલા અને મહેમાનોને નહીં પધરાવી શકાયેલા.....નાસ્તાની."
* * * * * * *
(Friday, 30 November 2012 at 01:20pm)
ડમડમબાબાનું ચોંકાવનારું રાજકીય સંશોધન.....
ગઈ સદીમાં એંસીનો દાયકો અડધો પૂરો થયો ત્યાં સુધી ગુજરાત સરકાર ગુર્જર લક્ષ્મી’ નામે લોટરીની ટિકિટ વેચતી હતી જેને કોઈ પણ નાગરિક ખરીદી શકતો હતો.....
એકવીસમી સદીના બીજા દાયકામાં ગુજરાતના રાજકીય પક્ષો વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી કરવાની ટિકિટો વેચે છે જેને ફક્ત બે નંબરી’ રૂપિયાની આવક ધરાવતા તાલેવંતો જ ખરીદી શકે છે.....
* * * * * * *
(Friday, 30 November 2012 at 08:25pm)
ગુજરાતના રાજકારણ અને બાંધકામ ઉદ્યોગને એકમેક સાથે સાંકળતું ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
ગુજરાતના દૈનિકોમાં તૈયાર મકાનો (એપાર્ટમેન્ટ, ટેનામેન્ટ અને બંગલા) વેચવાની જાહેરાત હાલમાં બે પ્રકારની જોવા-વાંચવા મળે છે.....એક’ બિલ્ડરો તરફથી.....અને...બીજી કોંગ્રેસ પક્ષ તરફથી...
ઘણી બધી સામ્યતાઓ સાથે આ બે જાહેરાતો વચ્ચે એક જ ભેદ જોવા-વાંચવા મળે છે.....બિલ્ડરોની જાહેરાતમાં લખ્યું હોય છે – સેમ્પલ હાઉસ તૈયાર છે.’ કોંગ્રેસ પક્ષના કાર્યાલય પાસે પૂઠાંનું સેમ્પલ હાઉસ પણ તૈયાર નથી. મારું ગુજરાત.....નંબર વન ગુજરાત.....
* * * * * * *
'आम आदमी'નું ગુજરાતી?
(Friday, 30 November 2012 at 11:35pm)
રાજકીય પક્ષના નામના ભાષાંતર ક્ષેત્રે ડમડમબાબાનું ક્રાંતિકારી સંશોધન.....
અરવિંદ કેજરીવાલ દ્વારા સ્થાપિત રાજકીય પક્ષ आम आदमी पार्टीનું ગુજરાતી નામ.....જામફળ જન પક્ષ
* * * * * * *
હેવીવેઇટ - ટિકિટ માટે 'વેઇટ'
(Friday, 30 November 2012 at 11:50pm)
ગુજરાતનું રાજકારણ : રાજકારણની રામલીલા
કોંગ્રેસના હેવીવેઇટ’ નેતા નરહરિ અમીનને વિધાનસભા ચૂંટણીની ઉમેદવારી કરવા પક્ષે ટિકિટ કેમ ન આપી?”
નરહરિ અમીન હેવીવેઇટની તેમની આભાસી ઇમેજ કે શારીરિક વજન ઉપરાંત કદ પ્રમાણે એકને બદલે બે ટિકિટ માંગતા હશે એટલે!”

ગયા મહિને અહીં મુકેલી ઑક્ટોબર – 2012ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લીંક આ રહી – http://www.binitmodi.blogspot.in/2012/11/2012.html

(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

3 comments:

  1. સૌ મિત્રો,
    બ્લોગની બેતાલીસમી પોસ્ટ (1 ડિસેમ્બર 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.

    બિનીત મોદી (અમદાવાદ) / સોમવાર, 1 એપ્રિલ 2013

    ReplyDelete
  2. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને પોણા બે વર્ષ પૂર્ણ થયા.
    42મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 01-12-2012 to 01-12-2013 – 430

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  3. પ્રિય મિત્રો,
    42મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 01-12-2013 to 01-12-2014 – 50

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete