પ્રતિભાવો ઉર્ફે Comments

Tuesday, March 01, 2016

બજેટ, બીએસએનએલ અને વડનગર


શીર્ષક હજી વધુ લાંબુ કરી શકાય એમ છે. જેમ કે ‘બજેટ, બીએસએનએલ અને વર્તમાન વડાપ્રધાનનું વતન વડનગર’. એમ કરવા જતાં યાદ આવ્યું કે કાલખંડ દરમિયાન આ પોસ્ટ ગમે તે સમયે કોઇના પણ વાંચવામાં આવે ત્યારે ‘વર્તમાન વડાપ્રધાન’ કોને ગણવા? મૂળ પોસ્ટ લખાઈ એ સમયના કે વંચાતી હોય એ વખતના? ગૂંચવાડા થશે અને વધશે એમ લાગતા શીર્ષકને લંબાવવાનો વિચાર પડતો મૂકીને મૂળ વાત કરવાનો વિચાર જ અમલમાં મૂક્યો છે...એ પણ ટૂંકમાં જ.

દર વર્ષે ફેબ્રુઆરીના આખરી દિવસે (28 કે 29 ફેબ્રુઆરી) કેન્દ્ર સરકારના નાણા પ્રધાન સામાન્ય બજેટ / Union Budget રજૂ કરે છે. આગામી નાણાકીય વર્ષ દરમિયાન સરકારને ક્યાંથી – કયા સ્ત્રોત મારફતે આવક થશે અને સરકાર એ નાણા ક્યાં – કઈ નાગરિક સુખ-સુવિધા પાછળ ખર્ચ કરશે તેનો સામાન્ય અંદાજ તેમાં બાંધવામાં આવ્યો હોય છે. એ પરંપરામાં ગઈ કાલે 29 ફેબ્રુઆરી 2016ના રોજ કેન્દ્રિય નાણા પ્રધાન અરૂણ જેટલીએ / Arun Jaitley લોકસભામાં અંદાજપત્રની રજૂઆત કરી. અંદાજપત્ર અટપટું હોય છે અને સમજમાં આવે તો સારું છે. પણ એવું થતું નથી. અરે અંદાજ બાંધ્યા પ્રમાણે પણ બધું થતું નથી.

ખાતર ઉપર દિવેલ જેવું ટેલિફોન બિલ : ઉઘરાણીની રકમ રૂપિયા છ
જેમ કે આ સાથેનું ટેલિફોન બિલ. સંદેશા વ્યવહારની એકથી વધુ પ્રકારની સુવિધાઓ પૂરી પાડતા કેન્દ્ર સરકારના સંદેશા વ્યવહાર વિભાગ હસ્તકના ‘ભારત સંચાર નિગમ લિમિટેડ’ / BSNL / http://www.bsnl.co.in/ દ્વારા મહેસાણા ટેલિકોમ ડિસ્ટ્રીક્ટ મારફતે ઇસ્યુ થયેલું ટેલિફોન બિલ ‘વડનગર સંગ્રહાલય’ના / Vadnagar Museum નામે છે. ડિસેમ્બર – 2015ના પ્રારંભે બનેલું અને એ જ મહિનામાં જેની ચૂકવણી કરી આપવાની છે તેવા આ ટેલિફોન બિલમાં અંકે રૂપિયા 6=00 અને શબ્દે માત્ર રૂપિયા છ પૂરાની ઉઘરાણી કરવામાં આવી છે. આ માગણી કેટલા વખત જૂની છે તેનો હિસાબ મહિનાઓમાં થાય એમ નથી. કેમ કે ગુજરાત રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના તત્કાલીન મંત્રી ઇન્દ્રવિજયસિંહ જાડેજા (પાછળથી આઇ.કે. જાડેજા નામે વધુ ઓળખાતા)એ જાન્યુઆરી – 1996માં આ સંગ્રહાલયનો પ્રારંભ કરાવ્યો હતો. સંગ્રહાલયને જાળવી રાખવાની અને રોજિંદા ધોરણે તેનું સંચાલન કોણ કરશે એ પ્રકારની વહીવટી જવાબદારી એ સમયે નક્કી નહોતી થઈ.

ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ, માહિતી ખાતું, પુરાતત્વ વિભાગ કે કેન્દ્ર સરકાર હસ્તકનો આર્કિયોલોજી વિભાગ – આ ચારમાંથી કોણ આ ‘વડનગર સંગ્રહાલય’ની વહીવટી જવાબદારી નિભાવશે એ તે સમયે નક્કી નહોતું. એટલે સંગ્રહાલય માટે એક નહીં બે ટેલિફોન કનેક્શનની અરજી કરવામાં આવી. ટેલિફોન જોડાણ મેળવવા એ સમયે દુર્લભ જ હતા પણ આ તો સરકારના જ બે જુદા – જુદા વિભાગોમાંથી આવેલી અરજી એટલે એક નહીં, માંગે એટલા ફોનની મંજૂરી મળી જાય. મળી ગયા – એક નહીં બબ્બે ફોન. વખત જતા તો નહીં પણ સંગ્રહાલયના ઉદઘાટન પછીના થોડા જ સમયમાં ગાંધીનગરથી આવેલા ખાતાકીય વડા સાહેબના ધ્યાન પર આવ્યું કે અહીં માત્ર એક જ ટેલિફોન જોડાણની જરૂર છે.

મ્યૂઝિઅમના ગાર્ડિઅન અને ગાઇડ
શું કરવાનું હવે? હુકમ થયો કે એક ટેલિફોન કનેક્શન પાછું આપી દો. આપી દીધું. ખાતાકીય ધોરણે સરકારી રાહે પત્ર લખીને જાણ કરી હતી કે કેમ તે હાલમાં સંગ્રહાલયનું સંચાલન સંભાળતા ગાર્ડિઅન / ગાઇડને ખબર નથી. કેમ કે જે-તે સમયે અને આજે પણ સાહેબ વર્ગ વડોદરા અથવા ગાંધીનગરમાં બેસે છે અને મહિને એક જ વાર અડધો કલાક માટે મ્યૂઝિઅમની મુલાકાતે આવે છે. એ ઘડી ને આજનો દહાડો...મ્યૂઝિઅમના દરબાર રોડના સરનામે ટેલિફોન નંબર (02761) 223 847 નું બિલ આવવાનું ચાલુ છે. રકમ છે માત્ર રૂપિયા છ. ગાર્ડિઅન / ગાઇડ નરેન્દ્ર હરિભાઈ પરમાર અને નગીનભાઈ અમથાભાઈ ધોબીને આજ દિન સુધી એવું યાદ નથી આવતું કે કદીકને કોઈ બી.એસ.એન.એલ વાળો જણ આ રકમની ઉઘરાણી કરવા આવ્યો હોય. ‘ટેલિફોનનું ડબલું તો અમે કે ’દિનું માળિયે ચઢાવી દીધું છે’ એમ કહી એક કબાટ તરફ આંગળી ચીંધીને બન્નેએ મારી સામે જોયું.

મને કહે સરકારી સંસ્થા હોવાથી નિયમ મુજબ દર મહિને આવતું ટેલિફોન બિલ અમે ગાંધીનગર મોકલી આપીએ છીએ. ત્યાંથી શું કાર્યવાહી થતી હશે એની અમને જાણ નથી. સાહેબો એમ કહે છે કે ઉપરોક્ત ટેલિફોન જોડાણને રદ ગણી બિલ નહીં મોકલવા અને ટેલિફોન ઇન્સ્ટ્રુમન્ટ્ જમા લેવા એકથી વધુ વખત સરકારી રાહે જાણ કરી છે. એનો મતલબ એ થયો કે સરકારનો જ એક વિભાગ તેના જેવી બીજી સરકારી કચેરીની વાત કાન દઇને સાંભળતો નથી કે પત્ર વાંચીને કાર્યવાહી પણ નથી કરતો અને નિયમિતપણે છ રૂપિયાની બિલ ઉઘરાણી ચાલુ રાખે છે. એમ કરવા માટે ટેલિફોન વિભાગને દર મહિને સહેજે પંદર-વીસ રૂપિયાનો તો ખર્ચ થતો હશે. કેમ કે દાયકા અગાઉ નિગમરૂપે બી.એસ.એન.એલ પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ વિભાગથી અલગ થયું તે પછી પોસ્ટ ખાતું ટેલિફોન બિલ વહેંચણી કરવાના રૂપિયા વસૂલે છે. જાણીતી કહેતી મુજબ ‘ખાતર ઉપર દિવેલ’ નાંખવાનો આ શિરસ્તો ક્યાં સુધી ચાલુ રહેશે તેની કોઇને ખબર નથી.

એટલે સરકાર કે તેનો કોઈ એક વિભાગ આવક – જાવકના ગમે તેટલા (સાહેબોને ગમે એવા પણ) અંદાજો બાંધે. એમાં આવા વણજોઇતા, ખાતર ઉપર દિવેલ ગણાય એવા ખર્ચાઓનો કોઈ હિસાબ રહેતો નથી કે કોઈ કરતું પણ નથી.

આટલું વાંચ્યા પછી તમે કહેશો ‘ભઈસા’બ મ્યૂઝિઅમ વિશે તો બે શબ્દ પાડવા ’તા’...તો મારું તમને કહેવું છે કે વર્તમાન વડાપ્રધાનનું વતન છે. ભૂતપૂર્વ થઈ જશે તો ય વતન તો વતન જ રહેવાનું છે. એ કંઈ થોડું બદલાવાનું છે. મ્યૂઝિઅમની અગાસી અદભૂત છે. તેના એક છેડેથી નરેન્દ્ર દામોદરદાસ મોદી / Narendra Modi જે સ્કૂલમાં પ્રાથમિક કક્ષાએ ભણ્યા તેનું પટાંગણ દેખાય છે તો પૂરા નગરનું દર્શન પણ અહીંથી જ થાય છે કેમ કે વડનગર / Vadnagar નામના ગામની આજની તારીખે આ સૌથી ઊંચી ઇમારત છે.


(તસવીરો : બિનીત મોદી)

Wednesday, February 03, 2016

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (જાન્યુઆરી – 2016)

(જાન્યુઆરી – 2016)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 63મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011થી 2015ના પાંચ વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે જાન્યુઆરી – 2016. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું ‘સ્ટેટસ અપડેટ’ છે. ‘ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ ‘અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

(Monday, 4 January 2016 at 04:21pm)
ખીચુ, ખમણ અને કોકોકોલાની ફોર્મ્યૂલા કોઇને ખબર નથી...કારણ કે...
છે જ નહીં.
* * * * * * *
દિલ્હીની ઑડ – ઇવન ફોર્મ્યૂલા

(
Tuesday, 12 January 2016 at 01:30pm)
જાહેર રસ્તા પર વાહન ચલાવવા માટે ઑડ – ઇવન નંબર અને તારીખનો અમલ કરતા મહિનામા જો પંદર જ દિવસ વાહન ચલાવવાનું હોય તો...
...વીમા કંપનીઓ વાહનના વીમા પર પચ્ચા ટકા રાહત આપશે?
લિ. કોઈ પણ પ્રકારના રાહત પૅકેજનો ફેન
* * * * * * *

(
Wednesday, 13 January 2016 at 12:34pm)
ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ બજાજ સ્કૂટરનું ઉત્પાદન પુનઃ શરૂ કરવામાં છૂપાયેલો છે.
1990ની આસપાસના કોઈ વર્ષમાં પ્રદૂષણ નિયમન માટે કેન્દ્ર સરકાર દ્વારા ટુ-સ્ટ્રોક એન્જિનના ઉત્પાદન પર પ્રતિબંધ મુકાવા સાથેના થોડા વર્ષોમાં બજાજ સ્કૂટરનો મૃત્યુઘંટ વાગી ગયો.
લગિજ્ બૉક્સની સુવિધા ધરાવતું બજાજ સ્કૂટર ફરીથી માર્કિટમાં આવે તો નાના ઓજારો સાથે કામ કરતા કારીગર વર્ગની, ઑફિસ બેગ – લેપટોપ – ટિફિન બૉક્સ અને હેલ્મિટ સાથે ફરતા નોકરિયાત વર્ગની, ફાઇલના ઢગલા સાથે કામ પાર પાડતા વકીલ – ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તેમજ મહદ્અંશે ડૉક્ટર જેવા વ્યવસાયી વર્ગની સગવડ પણ સચવાય તેમ છે.
આમ થાય તો માત્ર મોટા શહેરો જ નહીં, નાના-મોટા નગરો અને ગામડાં સુધી વકરી ગયેલી ટ્રાફિકની સમસ્યાનો અંત તો નહીં આવે, હળવી જરૂર થશે.
* * * * * * *

(
ઉત્તરાયણ : Thursday, 14 January 2016 at 01:11pm)
ઉત્તરાયણના દિવસે ઇચ્છિત વ્યક્તિનો મોબાઇલ સંપર્ક ન થાય તો સમજવું કે તેઓ અગાસીને બદલે ભોંયરામાં કે બંકરમાં હશે.
* * * * * * *

(
Saturday, 16 January 2016 at 12:00 Noon)
ઘણા લોકો હિસાબના એવા પાક્કા હોય કે ફાટી ગયેલા પતંગોને પણ પસ્તીમાં ખપાવવાનો પ્રયત્ન કરે.
* * * * * * *
પરવીન દુસાન્જ – કબીર બેદી : જોડી નંબર ચાર

(
Tuesday, 19 January 2016 at 06:30pm)
પરવીન દુસાન્જને ચોથી વારની પત્ની બનાવ્યા પછી કબીર બેદી કમ-સે-કમ લગ્નની બાબતમાં સ્વર્ગસ્થ કિશોરકુમારની સમકક્ષ થઈ ગયા છે...
અભિનય અને ગાયકીની બાબતમાં સમકક્ષ બનવાનું ‘પેન્ડિંગ’ છે.
* * * * * * *

(Thursday, 21 January 2016 at 01:11pm)
“સાહેબ...સ્ટાર્ટ-અપ કરવું છે.”
“કયા ક્ષેત્રમાં કરવા માગો છો?”
“તમે આર્થિક રોકાણ માટે જે ઊંચો લક્ષ્યાંક રાખ્યો છે તેને સિધ્ધ કરવા ચલણી નોટોનું પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કરવાનો પ્રામાણિક ઇરાદો છે. આશિર્વાદ આપો.”
“ફતેહ કરો. આમેય બૅન્કો લોન આપવામાં પહોંચી નહીં વળે.”
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
* * * * * * *

(
Friday, 22 January 2016 at 08:00pm)
કેટલાક લોકો ખાય ત્યારે અને બોલે ત્યારે...
એમ બન્ને ટાઇમ વટાણા વેરે છે.
* * * * * * *

(
Saturday, 23 January 2016 at 05:55pm)
સંગીત શીખો શ્રેણી...(1)
રાગ યમન વગાડતી વખતે સિતાર અથવા ચહેરો યમન દેશ તરફ રાખવો.
સિતાર માટે વપરાતો વધુ સારો શબ્દ = ‘તંબૂરો’
* * * * * * *
પાંચ રૂપિયાની પડીકી હાટુ...

(
Monday, 25 January 2016 at 06:50pm)
વ્યસન મુક્તિ મહાકુંભ (26 જાન્યુઆરી 2016, જીએમડીસી ગ્રાઉન્ડ – જગ્યાની માલિકી ગુજરાત યુનિવર્સિટીની, અમદાવાદ)ની આયોજક સંસ્થા ‘ક્ષત્રિય ઠાકોર સેના’એ કાર્યક્રમ સ્થળે વૈદિક મંત્રોચ્ચાર સાથે બે વાર હવન કરાવ્યું. સ્થળ શુધ્ધિના ઉદ્દેશથી મંચનું નિર્માણ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કરાવ્યું.
ખાતરી રાખો...અનામત તો બચતા બચશે. આ ઉપર લખ્યા છે એ ડિંડકથી સમાજને કોણ બચાવશે?
* * * * * * *

(
Tuesday, 26 January 2016 at 06:30pm)
પાંચ રૂપિયાની પડીકીનું વ્યસન છોડાવવા હાટુ અલ્પેશભાઈએ અબજો રૂપિયાનો ધુમાડો કરી લાખ્યો.
(વ્યસન મુક્તિ મહાકુંભ : 26 જાન્યુઆરી 2016, જીએમડીસી ગ્રાઉન્ડ – જગ્યાની માલિકી ગુજરાત યુનિવર્સિટીની, અમદાવાદ / આયોજક : ક્ષત્રિય ઠાકોર સેના)
* * * * * * *

(
Wednesday, 27 January 2016 at 11:11am)
એકથી બીજા મોબાઇલ ઇન્સ્ટ્રુમન્ટ્માં કૉન્ટૅક્ટ નંબરો કે ડેટાનું કૉપિ – પેસ્ટ કરી આપતો જણ દુકાનની બહાર તો એમ જ કહેતો ફરતો હોય છે કે...
‘હું એક્સપૉર્ટ – ઇમ્પોર્ટનું કરું છું.’
* * * * * * *

(
Thursday, 28 January 2016 at 06:00pm)
‘છઠ્ઠું’ પગાર પંચ મેળવતા ન્યાયાધીશની અદાલતમાં ન્યાય માગવા જતા અસીલ પાસેથી વકીલ ‘પાંચ’ આંકડામાં ફી વસૂલે છે ત્યારે થાય છે એવું કે...
કેસના પ્રારંભે ‘ચાર’ પૈડાંની ગાડીમાં ફરતો અસીલ કેસ પૂરો થયે ‘બે’ પૈડાંની સાઇકલ પર અને...
‘ત્રણ’ પૈડાંની રિક્ષામાં બેસીને કૉર્ટના ધક્કા ખાતો અસીલ ‘બે’ પગે હાલતો થઈ જાય છે.
* * * * * * *

(
Sunday, 31 January 2016 at 06:30pm)
ઘણા લોકો નિવૃત્ત થાય પણ 58, 60, 62 કે 65 વર્ષના ના થાય તે ના જ થાય!
(58, 60, 62 અથવા 65મું વર્ષ : ભારતની વિવિધ સરકારી – અર્ધસરકારી નોકરીઓમાં સામાન્યપણે નિવૃત્તિની ઉંમર)
(28, 29, 30 અથવા 31મી તારીખ : મહિનાનો છેલ્લો દિવસ અને ભારતની વિવિધ સરકારી – અર્ધસરકારી નોકરીઓમાં સામાન્યપણે નિવૃત્તિના મહિનાનો છેલ્લો દિવસ)

ગયા મહિને અહીં મુકેલી ડિસેમ્બર – 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી જાન્યુઆરી – 2011, જાન્યુઆરી – 2012, જાન્યુઆરી – 2013, જાન્યુઆરી – 2014 તેમજ જાન્યુઆરી – 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://www.binitmodi.blogspot.in/2013/02/2011.html


(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)