પ્રતિભાવો ઉર્ફે Comments

Monday, May 07, 2012

પન્નાલાલ પટેલ : હયાતીના હસ્તાક્ષર


પન્નાલાલ પટેલ : જન્મસ્થળ માંડલી (ડુંગરપુર, રાજસ્થાન)નું ઘર
તસવીર : બીરેન કોઠારી

ઇઠ્યોતેરમો જન્મદિન પરિવાર સાથે ઉજવે તેના ઠીક એક મહિના પહેલા જીવનલીલા સંકેલી લેનાર વાર્તાકાર
નવલકથાકાર / Gujarati Author પન્નાલાલ પટેલનું શતાબ્દી વર્ષ આજે 7 મે 2012ના રોજ પૂર્ણ થાય છે. ગઈકાલના કે આજના ગુજરાતને અલગ અલગ સંદર્ભે જેની સાથે નિકટનો નાતો રહ્યો છે એવા પડોશી રાજ્ય રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના માંડલી ગામે 7 મે 1912ના રોજ જન્મેલા પન્નાલાલ પટેલ / Pannalal Patel 6 એપ્રિલ 1989ના રોજ અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ નજીક આવેલી પ્રજ્ઞા સોસાયટીના ઘરમાં અવસાન પામ્યા. તેમનો આ ફોટો પ્રજ્ઞા સોસાયટીના ઘરના ડ્રોઇંગ રૂમમાં ડિસેમ્બર – 1988ના અંતિમ દિવસોમાં પાડ્યો હતો.

પન્નાલાલ પટેલ/ Pannalal Patel ( 07-05-1912થી  06-04-1989)



શતાબ્દી વર્ષની પૂર્ણાહૂતિ ટાણે મારે આ ફોટા પાછળની વાત જ કહેવી કરવી છે. તેમના સાહિત્યની વાત મીમાંસા નથી કરવી. એ હું કરી ન શકું, મારી લાયકાત પણ નથી.

કોમર્સ કૉલેજના ભણતરનું મારું પહેલું વર્ષ હતું. એ પહેલાં વાંચવાનો શોખ કેળવાયેલો. એલ.જે. કૉલેજની લાઇબ્રેરી કે એમ.જે. લાઇબ્રેરીમાં ઉપલબ્ધ હોય તેવી પન્નાલાલની નવલકથાઓ વાંચી હતી એટલે લેખકને મળવા જવાની ઇચ્છા થયા કરે. બીજું કારણ તે નાટ્યકાર ભરત દવેએ માનવીની ભવાઈનવલકથા પરથી આ જ નામે બનાવેલું ફૂલ-લેન્થ નાટક. ગુજરાતી સાહિત્ય પરિષદના મેઘાણી પ્રાંગણમાં ભજવાયેલું આ નાટક જોયા પછી તેમને મળવાની ઇચ્છા બળવત્તર બની તો ભિલોડાના ધારાસભ્ય પદે ચૂંટાઈને રાજકીય ક્ષેત્રે પ્રવૃત્ત થયેલા અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદીની માનવીની ભવાઈનામે ફિલ્મ બનાવવાની જાહેરાતે તેમાં ઉમેરો કર્યો. નવલકથાની પ્રસ્તાવનાના અંતે આવતું એડ્રેસ નોંધી લઈને બે-ત્રણ વાર એમના ઘર પાસેથી પસાર થયો પણ અંદર જઈને મળવાની તો શું બંગલાનો ઝાંપો ખખડાવવાની હિંમત પણ ના ચાલી. સંકોચ થતો હતો. મનમાં થતું કે તેમને મળીને શું વાત કરીશ? બીજી તરફ લેખકને મળવાનો અંદરથી ધક્કો વાગવાનું સમાંતરે ચાલુ રહ્યું. બહુ લાંબુ પણ ન ચાલ્યું એ અને એકવાર તેમના ઘરે પહોંચી જ ગયો કેમેરા સાથે. એટલા માટે કે.....

પન્નાલાલ પટેલ : કર્મભૂમિ અમદાવાદનું ઘર
તસવીર સૌજન્ય : ભરત પન્નાલાલ પટેલ 

એ દિવસોમાં જ તસવીરકાર જગન મહેતા વિશે રજનીકુમાર પંડ્યાની કોલમમાં વાંચ્યું હતું. ગાંધીજીની
ટુવર્ડસ્ ધ લાઇટતસવીરથી જગવિખ્યાત અને પૉર્ટ્રેટ ફોટોગ્રાફીમાં જેમનો જોટો ના જડે તેવા જગન મહેતા સમકાલીન સાહિત્યકારોની તસવીરો પાડતા. જો કે પરિષદ / Gujarati Sahitya Parishad જેવી સાહિત્યની શીર્ષસ્થ સંસ્થાને તેમના એ ફોટાનો કશો ખપ નહોતો એ જાણીને દુઃખી થયેલા જગનદાદાએ આગળ ઉપર એ કામ કરવાનું છોડી દીધાનું જાહેર કર્યું હતું. પરિષદ કે જગનદાદા વિશે એ સમયે વિશેષ કશું જ ન જાણતા મને લેખમાં આ વાત વાંચીને થયું કે કોઈકે તો આ કામ આગળ વધારવું રહ્યું. પન્નાલાલ પટેલને મળવા જતાં જગનદાદાનો લેખ અને તેમની વાત યાદ આવી એટલે જ કદાચ કેમેરા સાથે પહોંચ્યો તેમના ઘરે. ઓવર ટુ પ્રજ્ઞા સોસાયટી.....બંગલા નંબર પંદર.....

સાંજના સમયે મળવા ગયો ત્યારે એ માંદગીથી થાકેલા હતા. જમવાનો સમય પણ થઈ ગયો હતો. પરિવારજનોમાં મોટા પુત્ર અરવિંદભાઈ હાજર હતા. બાપુજીકહી તેમણે મારા મળવા આવવાનું કારણ જણાવ્યું એટલે રાજી થયા. ઘરના સભ્યોની ઓળખાણ કરાવતા કહ્યું કે, ‘નાનો ભાઈ ભરત અમેરિકા છે. તે રઘુવીર ચૌધરીની દીકરી દૃષ્ટિ સાથે પરણ્યો છે એટલે એ નાતે તેઓ અમારા વેવાઈ થાય.મેં ફોટો પાડવાની તૈયારી કરી તો એમણે કપડાં વ્યવસ્થિત કરતા સ્વેટર પહેર્યું.

પન્નાલાલ પટેલનો ફોટો પાડ્યાના ત્રેવીસ વર્ષ પછી જ્યારે જ્યારે આ ફોટો જોઉં છું ત્યારે એક રોમાંચ થાય છે. કેમ ન થાય? સાહિત્યિક કાર્યક્રમોના કે સાહિત્યકારોના ફોટા તો આજેય હું પાડું છું. પણ હા, એ ક્રમમાં આ પહેલો ફોટો છે. આજે એ યાદ કરવું ગમે છે કે પન્નાલાલને મળવાનું મન તેમના સાહિત્ય જેવી જ બળકટ પ્રતિક્રિયાને કારણે પણ થયું હતું. શી હતી એ બળકટ પ્રતિક્રિયા? 1985માં તેમને ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર જાહેર થયો ત્યારે સન્માન અંતર્ગત અપાનારા એક લાખ રૂપિયાના રોકડ પુરસ્કાર બાબતે પ્રતિભાવ આપતા એમણે જણાવ્યું કે.....જિંદગીમાં પહેલીવાર છ આંકડાની રકમ જોઈ રહ્યો છું.એવોર્ડ સન્માનો પુરસ્કાર તો ઘણા અપાય છે, વર્ષો-વર્ષ જાહેર થાય છે...પણ તેનો આવો બળકટ પ્રતિભાવ આટલા વર્ષોમાં ફરી સાંભળવા મળ્યો નથી. એટલું જ નહીં, પન્નાલાલના સાહિત્ય સંદર્ભે પ્રકાશિત અધ્યયન ગ્રંથ કે શતાબ્દી નિમિત્તે થયેલા કાર્યક્રમોમાં પણ આ શબ્દો ઉલ્લેખાયા નથી.

થોડા વખત પછી ફોટાની પ્રિન્ટ લઈને તેમના હસ્તાક્ષર લેવા ઘરે ગયો ત્યારે અગાઉ જેવો કોઈ સંકોચ નહોતો રહ્યો. ઇચ્છ્યું કે ફોટાની પાછળ તેઓ તેમનો ઉપરોક્ત પ્રતિભાવ – ‘જિંદગીમાં પહેલીવાર છ આંકડાની રકમ જોઈ રહ્યો છુંલખીને હસ્તાક્ષર કરી આપે. પણ એટલું લખવા જેટલી શારીરિક શક્તિ રહી નહોતી એટલે માત્ર ઑટોગ્રાફથી જ સંતોષ માની લીધો. દિવસ હતો શનિવાર 18 ફેબ્રુઆરી 1989. બસ એ પછીના દોઢ મહિને 6 એપ્રિલ 1989ના રોજ તેઓ અવસાન પામ્યા.

Thursday, April 26, 2012

અમદાવાદની આજકાલ : ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ – નામકરણ થયું, મુદ્રીકરણ નહીં.....


      નામકરણની 'લાખેણી' તક્તી

        અમદાવાદના આશ્રમરોડ પર બાટા શો-રૂમ સામે ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ઓફિસ બિલ્ડીંગથી સાબરમતી નદી તરફ જતો રોડ હવે સત્તાવાર રીતે ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ તરીકે ઓળખાય છે. વિશ્વ માતૃભાષા દિન 21 ફેબ્રુઆરી 2012 (મંગળવાર)ની સાંજે માતૃભાષા – સાહિત્ય – સંગીત જેવા કાર્યક્રમોની સાથે માર્ગ નામકરણની તક્તીનું અનાવરણ થયું. આનંદની વાત છે. અમદાવાદના માધ્યમોમાં ક્યાંક એની નોંધ લેવાઈ. સઘળી જગ્યાએ નોંધ લેવડાવવી હોય તો પ્રેસનોટ મોકલવી પડે જે કામ પરિષદના તગડો પગાર મેળવતા કર્મચારીઓથી થઈ શકતું નથી. સાદી ટપાલ તો ઠીક ક્યારેક કુરીઅરથી મોકલાવાતી આમંત્રણ પત્રિકાઓ પણ કાર્યક્રમ વીતી ગયાના ચોવીસ કલાકથી લઈને ચોથા દિવસે મળે છે.
કાર્યક્રમનું આમંત્રણ

     
માર્ગને સત્તાવાર રીતે કોઈ નામ આપવાનું કામ સ્થાનિક વહીવટીતંત્રએ પાર પાડવાનું હોય છે. અમદાવાદમાં એ કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન બજાવે છે. એ રૂએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અમદાવાદના મેયર અસિત વોરાએ પરિષદ પ્રમુખ ભોળાભાઈ પટેલની સાથે રહી નામકરણની તક્તીનું અનાવરણ કર્યું અને જાહેર કર્યું કે સાબરમતી રિવરફ્રન્ટ તરફ જતો આ રોડ હવેથી ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ તરીકે ઓળખાશે.

પરિષદ મુખપત્ર 'પરબ'ના માર્ચ - એપ્રિલના અંક  

        ખરેખર એમ થયું
? ના. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા દર મહિનેપરબ નામનું મુખપત્ર મહિનાની દસમી તારીખે પ્રકાશિત થાય છે. માર્ગ નામકરણના ઉપરોક્ત કાર્યક્રમ પછી માર્ચ અને એપ્રિલ એમ બે મહિનાના અંકો પ્રકાશિત થયા. સામયિકના પ્રકાશનસ્થાનના સરનામામાં જ આ માર્ગનો ઉલ્લેખ નથી. સરનામું અગાઉથી ચાલી આવતા ટાઇમ્સ પાછળ, નદીકિનારે શબ્દોથી આગળ વધ્યું નથી. સામયિક જે તે મહિનાની દસમી તારીખે પ્રકાશિત થતું હોવા છતાં 21 ફેબ્રુઆરીના ઉપરોક્ત કાર્યક્રમની માર્ચ મહિનાના અંકમાં કોઈ નોંધ નથી. ઉઘડતા પાને પરિષદ પ્રમુખ દ્વારા લખાતા વાચકો જોગ પત્રમાં ભોળાભાઈ પટેલ દ્વારા આ બાબતની કોઈ નોંધ લેવામાં આવી નથી. હા, ભોળાભાઈએ દિવ્ય ભાસ્કર દૈનિકની રવિવારની પૂર્તિમાં આવતી તેમની પખવાડિક કોલમ સાહિત્ય વિશેષમાં 25 માર્ચના લેખમાં માર્ગ નામકરણના પ્રસંગની વિશેષ નોંધ લઈને માતૃભાષા ગુજરાતીને બચાવી લેવાની વાત લખી છે. અસિત વોરા માટે ઊંચી કદકાઠી અને વ્યક્તિત્વ ધરાવતા મેયર જેવા શબ્દો લખીને ભોળાભાઈએ તેમના જેવા રણજિતરામ સુવર્ણચંદ્રક અને પદ્મશ્રીથી સન્માનિત વ્યક્તિત્વને ન શોભે તેવી ભાટાઈ પણ લેખમાં કરી છે. (લેખની સ્કેન ઇમેજ આ સાથે મુકી છે.)

ભોળાભાઈ પટેલ : છાપામાં 'લેખ' લખાય,
મુખપત્રમાં 'ઉલ્લેખ' પણ નહીં.....

        આજે તો કોઈ પૂછશે ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ
? એ વળી કયો માર્ગ? એટલા સરનામાથી ટપાલખાતું પણ મૂંઝવણમાં પડશે? આ માર્ગ ક્યાં આવ્યોઅમદાવાદના ઘણા રસ્તાઓને મહાનુભાવોના નામ સાથે સાંકળવામાં આવ્યા છે. તેમાં કેટલાક સાહિત્યકારોનાં નામ પણ છે. ઉમાશંકર જોશી માર્ગ ક્યાં છે? પન્નાલાલ પટેલ માર્ગ ક્યાં છે? જયંતી દલાલ માર્ગ ક્યાં છે? કોઈ જાણતું નથી કદાચ. એમ ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગનું થશે?

        ઉપરના ફકરામાં બ્લુ અક્ષરે લખાયેલા શબ્દો મારા નથી. એ ભોળાભાઈ પટેલે દિવ્ય ભાસ્કરની તેમની કોલમમાં લખ્યા છે. લાગે છે ભોળાભાઈને જે ડર સતાવી રહ્યો છે એને પરિષદના તેમના સહિતના હોદ્દેદારો કે પરબના તંત્રી યોગેશ જોષી જ સાચો પાડશે કે જેઓ પરિષદ માર્ગની કાયમી અને સમયસર લેવાવી જોઈતી નોંધ બે મહિના સુધી લઈ શક્યા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી શહેરની સર્વોચ્ચ વહીવટી સંસ્થાએ માર્ગનું નામકરણ કરી આપ્યું જેનું મુદ્રીકરણ કરવાનું પરિષદે આજે બે મહિના પછી પણ બાકી રાખ્યું છે. પરિષદની સત્તાવાર વેબસાઇટ www.gujaratisahityaparishad.com પર આ વિશેષ ઉપલબ્ધિનો ઉલ્લેખ કે તેનો ફોટો પણ નથી.

ગુજરાતી સાહિત્ય પરિષદનો આજીવન સભ્ય હોવાના નાતે નિયમિતપણે મળતા રહેતા પરબનો એપ્રિલ 2012નો અંક પણ ટપાલમાં આવી ગયો. દુનિયામાં અમુક સામયિકો ભૂલો વિનાના હોય, કેટલાક જાહેરખબર વિનાના હોય, થોડા વાચકો વિનાના પણ હોય એમ આ પરબ ફોટા વિનાનું સામયિક છે. એમાં જૂની-નવી કવિતાઓ, વાર્તાઓ, વિવેચનો, પ્રવચનો બદ્ધું છપાય પણ ફોટા ના છપાય. એપ્રિલના અંકમાં પરિષદ-પાથેય અંતર્ગત માર્ગ નામકરણની નોંધ બે પાનામાં છપાઈ છે પણ ફોટા વગર. પરબમાં ફોટો એક જ વાર છપાય – સાહિત્યકાર અવસાન પામે ત્યારે, એ પણ જો સ્વર્ગસ્થ જણ પરિષદ હોદ્દેદારોના ફ્રેન્ડ લિસ્ટમાં સામેલ હોય તો.

હવે એક આડવાત કરીને મારી વાત પૂરી કરું.
ગુજરાતી સાહિત્ય પરિષદના નદીકિનારા સ્થિત મકાનને સંસ્થાકીય ધોરણે મળવી જોઈએ એવી કોઈ રાહત મિલકત વેરામાં મળતી નથી. પરિષદના મકાનને કોમર્શિયલ પ્રોપર્ટી ગણીને જ મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્ષની આકારણી કરી વેરો વસૂલે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની દલીલ એવી કે એક સંસ્થાને રાહત આપીએ તો એ ધોરણ તમામ સંસ્થાઓને લાગુ પાડવું પડે અને અમને આવકની મોટી ખોટ પડે. પરિષદના જૂના હોદ્દેદારોએ પૂરતો અભ્યાસ કર્યા વિના પ્રોપર્ટી ટેક્ષમાં રાહત મળવી જ જોઈએ એવી વાતનું પૂંછડું પકડી લીધું હતું. એમ કરતા થોડા વર્ષો મિલકત વેરો ચુકવવાનું જ ચૂકાઈ ગયું. બાકી વેરો અને ઉપર ચઢતું વ્યાજ એમ વર્ષો-વર્ષ જવાબદારી વધતી જ ગઈ. સમય જતાં પરિષદમાં નવા હોદ્દેદારો આવ્યા. એમાંના કેટલાકને રસ્તાને પરિષદનું નામ મળવું જોઈએ એવો વિચાર આવ્યો. વાત આગળ વધતાં મ્યુનિસિપલ સત્તાવાળાઓ સમક્ષ પહોંચી તો એમણે ઉપરોક્ત બન્ને મુદ્દાને જોડી દીધા. નદી તરફ જતા રસ્તાને પરિષદનું નામ આપવાનું ગાજર ગુ.સા.પ.ના હોદ્દેદારો સમક્ષ લટકાવી દીધું – એમ કહીને કે બાકી વેરાની તમામ રકમ ચુકવી આપો. આમ હજારોથી શરૂ થયેલી બાકી છેવટે રૂપિયા બાવીસ લાખના આંકડે પહોંચી ત્યારે પરિષદે એ જવાબદારી નિભાવવા સામટી રકમ ચુકવવાનો વારો આવ્યો. એટલે એક રીતે જુઓ તો માર્ગ નામકરણની આ તક્તીનો સોદો મોંઘો અને લાખેણો પડ્યો છે.

પ્રથમ તસવીર : બિનીત મોદી
એ સિવાયની સ્કેન ઇમિજીસ


Monday, April 16, 2012

અમદાવાદની આજકાલ : જેકેટનો જુલમ વેઠતા સફાઈ કર્મચારીઓ


ધોળે દિવસે જેકેટનો જુલમ

સફાઈ કર્મચારી બહેને સાડી પર પહેરેલું ગ્લો સાઇન જેકેટ ચાર મહિના અગાઉ પહેલી વાર જોયું ત્યારે શિયાળાની સવાર હતી. તેને પહેરનારા સફાઈ કર્મચારી ભાઈએ વહેલી સવારની કડકડતી ઠંડીનો સામનો કરવા સ્વેટરની અવેજીમાં શર્ટ પર ચઢાવ્યું હશે એમ માની એક સવારે તેમની સાથે વાતોએ વળગ્યો. સમજાવ્યું કે આ જેકેટ તો રાત્રે કામ કરતા હો તો પહેરવાનું હોય છે જેથી રસ્તા પર વાહન ચલાવનાર તમારી હાજરીની નોંધ લઈ સલામત અંતર રાખીને વાહન ચલાવે. ઉદાહરણ આપતા એમ પણ કહ્યું કે સાંજ પડ્યે અમદાવાદની ટ્રાફિક પોલીસ પણ ચાર રસ્તે આ રીતે ગ્લો સાઇન જેકેટ પહેરીને જ ફરજ બજાવે છે.

રસ્તાની સફાઈનો તેમનો અને સ્કુટર સફાઈનો મારો રોજિંદો સમય એક જ. રોજ અમારી ચાર આંખો મળે એટલી ઓળખાણે જ કદાચ એ ભાઈએ મારી આટલી પણ વાત સાંભળી. પછી પોતે વાત માંડી. મને કહે
, તમે માનો છો એમ આ જેકેટ સ્વેટરની અવેજીમાં તો બિલકુલ નથી પહેર્યું. એ રીતે ચાલે તેમ પણ નથી એમ કહી એ કેટલું પાતળું છે તે બતાવ્યું. આ જેકેટ રાત્રે જ પહેરવાનું હોય છે તેની તેને પણ ખબર હતી જ. પછી કહે, મને ને તમને ખબર છે પણ અમારા જડભરતસાહેબોને આના ઉપયોગની ગતાગમ નથી એટલે ધોળે દિવસે આ જેકેટ પહેરવાનું ઠઠાડી દીધું છે – એ ય લેખિતમાં. ઠંડી ભાગવી તો દૂર રહી, આને કારણે ખુદના ગરમ કપડાં પણ પહેરી શકાતા નથી. એ પહેરીએ તો જેકેટ શરીર પર ના ચઢે, ટૂંકું પડે. આ દુ:ખ કોને કહીએ?

તેમનો સુપરવાઇઝર સાહેબ અઠવાડિયે એક-બે વાર મોટર સાઇકલ પર ફરતો-ફરતો સફાઈ કામ થઈ રહ્યાની દેખરેખ રાખે. એક વાર તેને મોંઢે આ વાત કરી તો કહે ઉપરથી સાહેબોનો હુકમ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગથી લઈ મેયર ઓફિસ સુધીના કેટલાક ફોન ખખડાવી જોયા. પરિણામ – શૂન્ય. એમ કરતા શિયાળો અને સમય બન્ને વીતી ગયા. ઉનાળો આવ્યો.

ફરીથી એ જ સીન. અમદાવાદની ગરમી કે ઉનાળા વિશે હું અહીં કંઈ લખું તો જ તેની તીવ્રતા અનુભવાય એવું તો છે નહીં. પણ શનિવારની સવારે (
14 એપ્રિલ – ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ) ઉપરના ફોટામાં છે એ સફાઈ કામદાર બહેનને / Street Sweeper સાડી પર જેકેટ સાથે જોયા ત્યારે ફરીથી ડાયલૉગ કર્યો. એ જ જવાબ – સાહેબો આ પહેરવાની ફરજ પાડે છે. મને દયા આવી ગઈ. એ બહેનની નહીં, તેમના જડસુ સાહેબોની અને તેમના બુદ્ધિઆંકની – જો હોય તો. કે જેઓ ઉનાળાના દિવસોમાં પણ આ જેકેટ પહેરવા સંબંધે નવેસરથી વિચાર કરીને નિર્ણય પર આવી શકતા નથી.
મુંબઈમાં પણ કોઈ જુદી કહાણી નથી

ગુજરાતના અન્ય શહેરોની તો ખબર નથી પણ અમદાવાદમાં સફાઈનું કામ કર્મચારીઓ દ્વારા દિવસે જ થાય છે. રાતના સમયે વાહનોની અવર-જવર ઓછી થયા પછી રસ્તા સફાઈ માટે ઑટોમેટીક સાધનોને કામે લગાવવામાં આવે ત્યારે મદદમાં રહેતા કર્મચારીને ગ્લો સાઇન જેકેટ પહેરાવાય છે. અન્ય વાહનોથી તેની સલામતી માટે એ જરૂરી છે. પણ દિવસે એ જેકેટ પહેરાવવામાં સાહેબોનો કયો અભરખો પૂરો થાય છે તેનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના / Ahmedabad Municipal Coporation ખર્ચે અને જોખમે જ સંશોધન કરવું રહ્યું. શક્ય છે એ માટે પરદેશનો પ્રવાસ પણ ખેડવો પડે.

અમદાવાદમાં / Ahmedabad કોઈ ટ્રાફિક કોન્સ્ટેબલને કે તેના સાહેબને દિવસે આ રીતે ગ્લો સાઇન જેકેટ પહેરીને ફરજ બજાવતો જોયો નથી કારણ કે તે પોલીસ છે, તેની પાસે સત્તા તો છે જ છે – બુદ્ધિ પણ છે. જ્યારે આ સફાઈ કર્મચારીઓ બાપડા-બિચારાની વ્યાખ્યામાં આવે છે. તેમને માત્ર ફરજ જ નિભાવવાની છે. અને સત્તા? એ તો આપણે 
તેમને આપી જ નથી. આપીએ તો આ નહીં તો આવતા ઉનાળા સુધીમાં તો તેને જેકેટ પહેરવામાંથી મુક્તિ મળે – ધોળે દિવસે.


પહેલી તસવીર (અમદાવાદની) : બિનીત મોદી
બીજી તસવીર (મુંબઈની) : નેટ પરથી

Friday, March 23, 2012

વસુબહેન : નામ નહીં 'સર્વ'નામ, સર્વે જણ માટે એક જ નામ


ગુજરાતી સાહિત્ય અને માધ્યમ જગતમાં એક નામ એવું છે જે માત્ર નામથી જ ઓળખાય છે. કોઈ અટક કે ઉપનામ-તખલ્લુસ તેને લાગુ પડતું નથી. વસુબહેન / Vasubahenવિનોદની નજરેમાં વિનોદ ભટ્ટે તેમનો પરિચય આપતા શરૂઆત આ રીતે કરી છે.
નામ : વસુબહેન.
ઉપનામ: વસુબહેન.
અટક: વસુબહેન.
પિતા અગર પતિનું નામ : વસુબહેન.

વસુબહેન : આજે થયા અઠ્ઠયાશી (88)

        આ નામ માટે ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણી વખતે એક વાર તેમને ઝઘડો પડેલો. ઉમેદવારી-પત્રમાં પોતાનું આખું નામ તેમણે વસુબહેન લખેલું. કાર્યાલયે આ ઉમેદવારીપત્ર અધૂરું ગણીને તેમનું નૉમિનેશન રદ કરેલું. પછી કોર્ટમાંયે પોતાનું આ જ નામનું રજિસ્ટ્રેશન થયેલું છે એ તેમણે પુરવાર કરી બતાવ્યું એટલે પાછળથી પરિષદની કારોબારીના સભ્ય તરીકે તેમને કો-ઑપ્ટ કરવામાં આવેલાં.
       ગુજરાતી સાહિત્ય પરિષદે જેમને કારોબારી સભ્ય તરીકે કો-ઑપ્ટ કર્યા હતા તે વસુબહેન આજે 2012માં પરિષદના પાડોશી છે. એમ તો જિંદગી ધરીને જ્યાં નોકરીગત પ્રવૃત્ત રહી છેલ્લે નિયામકપદેથી 1982માં વયનિવૃત્ત થયા તે આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના સાખપાડોશી છે. ગુજરાતી સાહિત્યની ક્લાસિક કૃતિ વિનોદની નજરે (પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ) ના ઉપર ઉલ્લેખેલા તેમના વિશેના લેખના પહેલા પ્રાગટ્યને ત્રણ દાયકા ઉપરાંતનો સમય વીતી ગયો છે. એક સમયના સબળ માધ્યમ ગણાતા રેડિયોમાં કામ કરી ચુકેલા વસુબહેનની નવેસરથી નવા માધ્યમમાં નોંધ લેવી જોઈએ એવા ખ્યાલ સાથે તેમના ઘરે પહોંચ્યો. અહીંથી હું આગળ વધું અને વાંચવામાં તમે આગળ વધો એ પહેલાં એટલું જણાવું કે વિનોદની નજરેમાં તેમના વિશે વાંચ્યા વિના પરિચય અધૂરો જ રહેવાનો. તો ચાલો ઓવર ટુ આશ્રમરોડ.....પાંચમા માળે, જિવાભાઈ એપાર્ટમેન્ટસ્, કંદોઈ ભોગીલાલ મૂળચંદની ગલીમાં – નદી કિનારા તરફ.
                                  *   *   *   *   *   *
વસુબહેન, આ અઠવાડિયે શુક્રવારે તમારો જન્મદિવસ છે તો તમારા વિશે લખવું છે.
જન્મદિવસ તો ગયો. હોળીના દિવસે. ઘરમાં બધા એ રીતે યાદ રાખતા કે એક બાજુ હોળી પ્રગટી અને બીજી બાજુ મારું પ્રાગટ્ય થયું.
બરાબર, પણ તારીખ પ્રમાણે જન્મદિવસ 23 માર્ચે. તો મારે એ નિમિત્તે તમારી ઓળખ જોગ કંઈક લખવું એવો ખયાલ છે.
વિનોદે બધું લખ્યું છે.
એ સિવાયનું મારે લખવું છે.
હમણાં જ ચાર દિવસ હોસ્પિટલમાં રહી આવી. ત્યાં કોઈ વાત કરવાવાળું જ ના મળે. મારું બોલવાનું જ બંધ થઈ ગયું. હવે થાક લાગે છે.
       
        મહેફિલના – મેળાવડાના માણસ એવા વસુબહેન આજે અઠ્ઠયાશી વર્ષનાં થયા. જન્મતારીખ 23 માર્ચ 1924. અઠ્ઠયાસી વર્ષે લાગવા જોઈએ એટલા જ થાકેલા પણ કંટાળેલા નહીં. તેમના અતિ જાણીતા તકિયાકલામ સાથે મને કહેપ્રભુ, ફરી વાર મળીએ તો. માંદગીના ખબર મળતાં મુંબઈ રહેતા તેમના બહેન ઇન્દુબહેન અમદાવાદ દોડી આવેલા. સગાં-સબંધી-મિત્રો-પરિચિતોના માત્ર એક-એક પ્રતિનિધિ ગણીએ તો ય તેમનો રૂમ એકદમ ભર્યો-ભાદર્યો. બધાને તેમની સાથે કંઈક વાત કરવી હતી. પરીક્ષાની તૈયારી કરતી પાડોશીની છોકરી પણ તેની દાદી સાથે આવીને બે ઘડી વસુબહેનને વહાલ કરી ગઈ, એમ કહીને કે તમને મળ્યા વગર વાંચવામાં મન નહોતું લાગતું.


પાડોશીની દીકરી : તમને મળ્યા વગર
વાંચવામાં મન નહોતું લાગતું
 

        હોસ્પિટલમાંથી રજા મળ્યે કલાકો જ વિત્યા હતા. લાંબી વાત થઈ શકે એવી કોઈ ગુંજાશ નહોતી. છતાં બહેન ઇન્દુબહેન પાસેથી થોડી વિગતો મેળવી શકાઈ – વાત થઈ શકી. પરિવારની વિગતો આપતા તેમણે જે જણાવ્યું એ પ્રમાણે.....
        વતન અમદાવાદ અને મોસાળ જંબુસર-ભરૂચ પાસેનું આમોદ ગામ પણ જન્મ વડોદરામાં થયેલો. કારણ પિતા રામપ્રસાદ બાલકૃષ્ણ શાસ્ત્રી સયાજીરાવ ગાયકવાડના પોલીટીકલ સેક્રેટરી હતા. મનુભાઈ દિવાન અને વી.ટી. કૃષ્ણામાચારી જેવા એ સમયના જાણીતા વહીવટદારો સાથે તેમણે કામ કરેલું. માતાનું નામ સરસ્વતીબહેન. બે ભાઈઓ (શરદકાન્ત –મહેન્દ્ર) અને ચાર બહેનો (સૂર્યબાળા, મધુ, વસુ અને ઇન્દુ)ના પરિવારમાં વસુબહેનનો નંબર પાંચમો. શરદભાઈ (હાલ સ્વર્ગસ્થ) વેપાર તરફ વળ્યા હતા તો મહેન્દ્રભાઈ ગુજરાત રાજ્યના ડ્રગ કન્ટ્રોલર હતા અને અધિકારી તરીકે ખૂબ લોકપ્રિય હતા. હાલ વડોદરામાં નિવૃત્ત જીવન ગાળે છે. ઇન્દુબહેન અને વસુબહેને આજની બી.એ. સમકક્ષ ગણાય તેવી ગૃહિતા ગમા – જી.એ.ની ડીગ્રી મહર્ષિ કર્વેએ સ્થાપેલી શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી કોલેજમાંથી મેળવી હતી. આજે એ કોલેજ એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. મધુબહેન વધુ અભ્યાસ માટે લંડન ગયા અને ત્યાં જ સ્થાયી થયા હતા. જો કે જિંદગીના અંતિમ વર્ષોમાં અમદાવાદ આવી ગયા હતા અને અહીં જ અવસાન પામ્યા. ઇન્દુબહેન એ.સી.સી. કંપનીની મુંબઈ ઓફિસમાં તેત્રીસ વર્ષ કામ કર્યા પછી હાલ નિવૃત્ત જીવન ગાળે છે.

બે બહેનો : વસુ અને ઇન્દુ

        વડોદરામાં ભણતર પૂરું કર્યા પછી વસુબહેને પહેલી નોકરી શિક્ષિકા તરીકે અમદાવાદની રાવ મગનભાઈ કરમચંદ સ્કૂલમાં સ્વીકારી. એ અણગમતી નોકરી હતી એટલે એમાંથી છૂટવા જ તેમણે 1949માં આકાશવાણીની / All India Radio નોકરી સ્વીકારી. વડોદરા – રાજકોટ – મુંબઈમાં વિવિધ પદો પર કામ કરતાં છેલ્લે નિયામકપદેથી અમદાવાદમાં નિવૃત્ત થયા. આકાશવાણીની નોકરી દરમિયાન રાજકોટમાં ફરજ બજાવતા તેમની સાથેનો એક પ્રસંગ વિનોદની નજરેમાં આ રીતે આલેખાયો છે.....ઓવર ટુ.....રાજકોટ.....
       
         ચોર-શાહુકાર વચ્ચે પણ તેમને મન ઝાઝો ફરક નથી. વચ્ચે રાજકોટના તેમના મકાનમાં ચોરી થઈ. ચોર પકડાયો. વસુબહેનને પોલીસ સ્ટેશન પર બોલાવવામાં આવ્યાં. તેર-ચૌદ વર્ષના ચોર છોકરાને જોઈને આશ્ચર્યથી તેમણે પોલીસને પૂછ્યું
આટલા નાના છોકરાએ ચોરી કરી? પછી એ છોકરાના બરડા પર સ્નેહથી હાથ ફેરવી તેને પોતાની પાસે બેસાડવા માંડ્યાં. પોલીસે તેમને રોકતાં કહ્યું : ‘ચોરને તમારી સાથે ખુરસીમાં ના બેસાડાય. તે ચોર છે એવું તેને લાગવું જોઇએ......
પણ પોલીસની વાત પર બહુ ધ્યાન ન આપતાં ચોર સાથે તેમણે પ્રશ્નોત્તરી શરૂ કરી : દોસ્ત, મારું ઘર તને કેવું લાગ્યું?’
શોભાવાળું...
મારા શો-કેસમાં પડેલી બેલ્જિયમની કીમતી ક્રોકરી તેં કેમ ના લીધી?
કાચની ચીજો હાથમાંથી છટકીને ફૂટી જાય તો અવાજ થાય ને આજુબાજુવાળા જાગી જાય તો પકડાઈ જવાય...
ત્યાર બાદ વસુબહેને પોલીસને કહ્યું : મારું કશું ચોરાયું હોય એવું નથી લાગતું. ત્યારે ચોરે સામેથી શાહુકારી બતાવી : ‘હોય બહેન! તમારા ગળાની ચેઇન ચોરીને મેં સોનીને ત્યાં વેચી નાખી છે.
ને ચોરની પ્રામાણિકતાથી પ્રભાવિત થઈને તેમણે તેને આમંત્રણ આપ્યું : તું છૂટે એટલે મારા ઘેર, હું હોઉં ત્યારે આવજે...આપણે સાથે ચા પીશું.
આ વસુબહેનને મન વસુધૈવ કુટુમ્બકમ્ છે...

હા, આજે ત્રીસ વર્ષ પછી પણ તેમની એ ભાવનામાં કોઈ ફરક પડ્યો નથી. ના જ પડ્યો હોય ને એ તો. કારણ તેમનું નામ વસુબહેન છે. ચોરને આપ્યું હતું એવું જ આમંત્રણ તેમણે મને પણ આપ્યું હતું. મૂળ તો રજનીકુમાર પંડ્યા વતી કોઈ કામે તેમના ઘરે એકથી વધુ વાર મારી અવર-જવર થતી રહેતી. મને કહે, ‘પ્રભુ, તારે આવતા-જતા રહેવું. વાતો કરીશું. મઝા પડશે. જો કે અમદાવાદની અડાબીડમાં એવો વખત કદી આવ્યો નહીં. પણ સમય મળ્યે ચાર-છ મહિને ઘરે મળી તેમના ક્ષેમકુશળ પૂછી લેતો. ઘરમાં કદી એકલા ન હોય. દરબાર ભરેલો જ હોય. શક્ય છે આ દરબારી માહોલને કારણે જ કદી વન-ટુ-વન વાત કરવાનું ન બન્યું કે જેથી તેમનો કોઈ આલેખ કરી શકાય.


        આકાશવાણી સાથેના તેમના એકાધિક સ્મરણો છે. તેમની સાથે કામ કરી ચુકેલા લોકો પાસે પણ પ્રાસંગિક સંસ્મરણો છે. ન હોય તો જ નવાઈ. ઇન્દિરા ગાંધી રેડિયો સ્ટેશનની મુલાકાતે આવ્યા હોય તેવો તેમનો એક ફોટો આલબમમાં જોયો હતો. બન્ને એકસરખાં ઠસ્સાદાર લાગે. ફ્રેમમાં એક પણ પોલીસ દેખાતો ન હોય તેવો વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની બાજુમાં વસુબહેન ઊભા હોય તેવો ફોટો એટલા માટે યાદ આવે કે આજે સલામતીના નામે વડાપ્રધાનના ચોકિયાતોને પણ ચાલીસ ફીટ દૂર ઊભા રાખવામાં આવે છે.

વસુબહેન, ઇન્દિરા ગાંધી અને સત્યવતીબહેન 
શાહ વડાપ્રધાનના નિવાસસ્થાને, દિલ્હી

તેમનો ખૂબ સમૃદ્ધ ફોટો આલબમ આજે વેરવિખેર છે. ખપના – ઉપયોગના છે એમ કહી કેટલાય લોકો ફોટા લઈ ગયા છે જે પરત આવ્યા નથી. સ્મૃતિલોપને કારણે હવે વસુબહેનને પણ ફોટા લઈ જનારના નામ યાદ નથી. વચ્ચે એક નમૂનો તેમને એવો ભટકાયો કે ફોટા સ્કેન કરવાના નામે આલબમમાં ચોંટાડેલા ફોટા ઉખાડી-ઉખાડીને લઈ ગયો. એ ફોટા પાછા આવ્યા પણ ન આવ્યા બરાબર.

આકાશવાણીમાંથી નિવૃત્ત થઈને વસુબહેન મહિલાલક્ષી પ્રવૃત્તિઓમાં સક્રિય થયા. રાજ્ય સરકારે રચેલા ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડના પહેલા અધ્યક્ષપદે તેમની નિમણૂક થઈ હતી. ગુજરાત સ્ત્રી કેળવણી મંડળના તેઓ આજીવન પ્રમુખ છે. ઢળતી વયે ઘરમાં બકુલાબહેન તેમની દેખભાળ રાખે છે. વસુબહેનના એ જુના સાથીદાર છે. એટલા જુના કે હવે તેમની પણ અવસ્થા થવા આવી છે.

ઘરમાં ઘડિયાળના કાંટે સાથ આપતા બકુલાબહેન

સાજે – માંદે હવાફેર કરવા વસુબહેન સૂર્યબાળાબહેનના દીકરા ભાણેજ આશુતોષભાઈ – વંદનાબહેન (શીવકુમાર જોશીના દીકરી)ના પરિવાર સાથે જઈને રહે છે. હા, જ્યાં જાય ત્યાં મહેફિલ જમાવીને બેસે. વાતોનો મેળો કરે. એનું જ નામ તો વસુબહેન.

આંગણે આવેલાની દરકાર:
" હું ન મળું તો સંદેશો જરૂર લખજો
 " 
          
        ( નોંધ: પોસ્ટમાં રંગીન ટેક્સ્ટ 'વિનોદની નજરે' પુસ્તકમાંથી. 
           રંગીન તસવીરો : બિનીત મોદી, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો સૌજન્ય : વસુબહેન) 

Thursday, March 15, 2012

અશ્વિની ભટ્ટ : વિરામ વગરનું વ્યાખ્યાન ‘અલ્પવિરામ’


        વેપાર જગતમાં માર્ચ મહિનો યર એન્ડિંગ મન્થ રૂપે ખ્યાત છે. વર્ષભરના હિસાબ-કિતાબ સરભર કરવાની દિમાગી કસરત આ મહિનામાં થાય. છેલ્લાં બે વર્ષથી મુંબઈમાં એક વ્યાખ્યાન શ્રેણી ચાલે છે જેનું શિર્ષક છે જો આ હોય મારું અંતિમ પ્રવચન. આ વ્યાખ્યાન શ્રેણીમાં આમંત્રિત વક્તાએ પોતાના જીવનનું યર એન્ડિંગ નહીં પણ એરા એન્ડિંગ વક્તવ્ય આપવું એવો સામાન્ય ઉપક્રમ છે. પ્રારંભથી દર મહિનાના પહેલા રવિવારની સવારે યોજાતી આ વ્યાખ્યાન શ્રેણીનું ચોવીસમું અને સેકન્ડ લાસ્ટ કહેવાય તેવું વ્યાખ્યાન રવિવાર, 4 માર્ચ 2012ના દિવસે નવલકથાકાર અશ્વિની ભટ્ટે / Ashwinee Bhatt આપ્યું.
        ભલે નિયમિતપણે યોજાતું હોય તોય અમદાવાદ રહ્યે આ પ્રકારના વ્યાખ્યાનના શ્રોતા થવાનો લહાવો લેવો અશક્ય નહીં તો ય અઘરું તો છે જ. છતાં અશ્વિનીભાઈના વ્યાખ્યાનનો લહાવો લઈ શક્યો તેની પાછળ નાની કથા છે. કોફી મેટ્સ, વિકલ્પ અને અંધેરી સ્થિત ભવન્સ કલ્ચરલ સેન્ટર જેવી ત્રણ સંસ્થાઓના ઉપક્રમે યોજાતી આ વ્યાખ્યાન શ્રેણીના આયોજકો પૈકીમાંના એક અવિનાશભાઈ પારેખે ગત વર્ષે ડિસેમ્બરના પ્રારંભે ઉર્વીશ કોઠારીને બે વાત કરી. એક તો શ્રેણીનું ચોવીસમું વ્યાખ્યાન અશ્વિની ભટ્ટ આપશે અને બીજું તે અશ્વિનીભાઈનો પરિચય ઉર્વીશ કોઠારી આપશે. અમેરિકા રહેતા અશ્વિનીભાઈની અનિશ્ચિતતાઓ અને શારીરિક તંદુરસ્તીથી પૂરેપુરો વાકેફ ઉર્વીશ તેમના આગમન બાબતે આશંક હતો તો અવિનાશભાઈએ વ્યાખ્યાનની તારીખ સાથે તેમના અમદાવાદ આગમનની તારીખ પણ જણાવી દીધી.
        રોજિંદા જીવનની ઘણી બધી બાબતોનું શેરીંગ કરતા ઉર્વીશે જ્યારે આ વાત જણાવી ત્યારે જ નક્કી કરી લીધું કે અશ્વિનીભાઈને સાંભળવા મુંબઈ જવાનું. જરૂરી રેલવે બુકીંગ પણ એ સાથે જ મેળવી લીધા. વક્તા લેખે અશ્વિનીભાઈના નામ ઉપરાંત બીજો ધક્કો મળ્યો તે એ કે મુંબઈ સ્થિત મિત્ર દંપતી હેતલ દેસાઈ અને દીપક સોલિયાને કારણે અગાઉ આ શ્રેણી અંતર્ગત ચિત્રકાર અતુલ ડોડિયાએ / Atul Dodiya આપેલું વ્યાખ્યાન સાંભળ્યું હતું.
        ઓવર-ટુ-મુંબઈ.....
        રવિવારની સવારે વાયા હેતલ – દીપકના ઘરે થઈ અંધેરી સ્થિત ભવન્સ કેમ્પસ પર પહોંચી ગયા. અશ્વિનીભાઈને બે દિવસ અગાઉ અમદાવાદમાં મળ્યો ત્યારે વ્યાખ્યાનની તૈયારી કરવાની છૂપી ચિંતા તેમની વાતચીતમાં ડોકાતી હતી. તેમની તબિયત જોતાં લેપટોપની મદદથી હું કંઈ ખપમાં આવી શકું કે કેમ તેવી શક્યતા પૂછી તો કહે કે,પૂરું વ્યાખ્યાન લેખિતમાં તૈયાર કરીને જ મુંબઈ પહોંચવાનો પાકો ઇરાદો છે. જો એમ નહીં થઈ શકે તો છેવટે વક્તવ્યના મુદ્દા પણ ટપકાવી લઈશ.
(ડાબેથી) મહેન્દ્ર શાહ, ડૉ. તુષાર શાહ અને અશ્વિની ભટ્ટ 
ભવન્સ / Bhartiya Vidya Bhavan પર પહોંચી તેમને મળવા એસ.પી. જૈન ઓડિટોરીયમના ગ્રીન રૂમમાં હું અને ઉર્વીશ પહોંચ્યા તો અશ્વિનીભાઈ સાથે પ્રકાશક નવભારત સાહિત્ય મંદિર વાળા મહેન્દ્ર શાહ, કાર્ડિઓલોજિસ્ટ ડૉ. તુષાર શાહ અને તૃપ્તિ સોની હતાં. ભટ્ટ પરિવારમાંથી પત્ની નીતિબહેને દીકરા નીલ સાથે અને અશ્વિનીભાઈના બે બહેનોએ સભાગૃહમાં સ્થાન લઈ પરિચિતોને મળવાનું ચાલુ રાખ્યું હતું. અમે પણ કેટલાક પરિચિતો –મિત્રો સાથે હાય-હેલોનો વ્યવહાર શરૂ કર્યો.

દીપક કાંટાવાલા, અશ્વિની ભટ્ટ અને પૂર્ણિમા કાંટાવાલા : 
પચાસ વર્ષે મળવાનો સંયોગ - અમદાવાદથી અંધેરી
વ્યાખ્યાનનો સાડા દસનો નિર્ધારિત સમય નજીક હતો અને ગ્રીન રૂમમાં એક દંપતીનો પ્રવેશ થયો પૂર્ણિમા અને દીપક કાંટાવાલા. પૂર્ણિમાબહેન એટલે એક સમયના આગેવાન શ્રેષ્ઠી હીરાલાલ ભગવતીના દીકરી. પિતાની જેમ તેઓ પણ નાટકના ક્ષેત્રે અમદાવાદના રંગમંડળમાં સક્રિય રહી ચુકેલા અને એ નાતે નાટકના બળિયા ટંકાયેલા અશ્વિનીભાઈના પણ પરિચિત. હાલ મુંબઈમાં રહેતાં પૂર્ણિમાબહેન લગભગ પચાસ વર્ષના અંતરાલ પછી અશ્વિનીભાઈને મળી રહ્યા હતાં. સમયગાળો એટલો લાંબો કે બન્નેમાંથી કોઈ એકબીજાને કશું ય પૂછવાની કે વ્યક્ત કરવાની સ્થિતિમાં ન હતા. કદાચ સમય પણ નહોતો. કારણ વ્યાખ્યાનનો સમય નજીક આવતો હતો સાડા દસ. મુંબઈમાં રવિવારની સવારે હોવી જોઈએ તેવી જ સંતોષકારક હાજરી વચ્ચે ઓડિટોરીયમના દરવાજા બંધ થયા અને.....

અશ્વિની ભટ્ટને આવકાર : અવિનાશ પારેખ 
        શ્રોતાઓએ સ્ટેન્ડીંગ અવેશન આપી અશ્વિનીભાઈને આવકાર્યા, જે નિયમિત આવનારાના કહેવા પ્રમાણે પહેલી વાર બન્યું. આયોજક સંસ્થાઓ વતી કાર્યક્રમના સંયોજક અવિનાશ પારેખે સાત મિનિટમાં વ્યાખ્યાન શ્રેણીની ભૂમિકા બાંધવા સાથે પૂર્વે થયેલા વક્તવ્યો – વક્તાઓના નામની નોંધ લઈ અશ્વિની ભટ્ટને આવકાર્યા અને વક્તાનો પરિચય આપવા ઉર્વીશ કોઠારીને માઇક સોંપ્યું.

વક્તાનો પરિચય : ઉર્વીશ કોઠારી દ્વારા 
ફાળવાયેલી દસ મિનિટમાં ઉર્વીશે અશ્વિનીભાઈ એટલે કોણ એમ નહીં, પણ તેઓ શું – શું નથીની તરાહ પર પરિચય આપ્યો.(‘નવનીત સમર્પણ’ના આગામી અંકમાં એ પરિચય પ્રગટ થવાનો હોવાથી એ લખવાની લાલચ ટાળી છે.) સાથે એમ પણ કહ્યું કે આ પરિચયની કેટલીક વાતોનો પડઘો મુખ્ય વક્તવ્યમાં પડશે – ધ્યાનથી  સાંભળજો.
        એમ જ થયું. શ્રોતાઓએ ધ્યાનથી સાંભળ્યું અને વક્તા પણ દિલ ખોલીને બોલ્યા. કેટલી મિનિટ? અશ્વિની હરપ્રસાદ ભટ્ટ બરાબર ત્રાણું મિનિટ ઉર્ફે દોઢ કલાક બોલ્યા. અટક્યા વગર અને પાણી પીવાનો અલ્પવિરામ મુક્યા વગર.
છેલ્લા ઉલ્લેખમાં તેમનું આખું નામ સકારણ લખ્યું છે. અશ્વિનીભાઈએ શિક્ષક પિતા હરપ્રસાદ ભટ્ટથી લઈને પૌત્ર અર્જુન સુધીના સૌ પરિવારજનોને વ્યાખ્યાનના કોઈ ને કોઈ તબક્કે યાદ કર્યા. એમ યાદ કરતાં મૂળ વાતનો તંતુ સદાય જોડેલો રાખ્યો. બાળપણ – ભણતર – કારકિર્દી – લગ્નકથા અને લગ્નજીવન – સર્જન યાત્રા – નાટક અને નાગરિક જીવનની સક્રિયતા જેવા કંઈક વિષયો આવરી લીધા. સ્વહસ્તે લખેલા બાવીસ – પચીસ પાનાંના વક્તવ્યના પ્રારંભના આઠ-નવ પાનાં જ તેઓ વાંચીને કે રેફરન્સ લઈને બોલી શક્યા. એ પછીની તમામ વાતો પાનાંને કોરાણે મૂકીને જ કરી.
પંચોતેરનો પડાવ પાર કરી ગયેલા તેમના જીવનમાં બાળપણ – યુવાનીના સમયના તોફાનો છવાયેલા તેમજ નવલકથા લેખન કરતા નાટક પ્રત્યેનો પ્રેમ ચઢે એટલે એ તોફાનોની વાત પાંચ-છ દાયકા અગાઉ તોફાનો કરતી વખતે દાખવી હોય એટલી સહજતાથી જ કરી. એટલી સહજતાથી કે મરઘાંપાલનના વ્યવસાયમાં આવી પડેલી ખોટ થોડી ઘણી પણ સરભર થાય તે હેતુથી ગુજરી બજારમાં જઈને મરઘાં-બતકાંને બે હાથમાં પકડી કેવી રીતે વેચવા માટે ઉભા રહેતા તેનો અભિનય ઑફ્ફ-પોડિયમ થઈને કરી બતાવ્યો.

'જુઓ, બામણભઈનો છોકરો મરઘા-બતકાં 
વેચવા ગુજરીબજાર વચ્ચે આમ ઉભો રહ્યો"  
માતા – પિતાને યાદ કરી ગળગળા થયેલા અશ્વિનીભાઈ ઇચ્છા છતાં એક પણ દિવગંત મિત્રને યાદ ન કરી શક્યા. એટલા માટે કે એ પછી વક્તવ્યને આગળ વધારવું તેમના માટે મુશ્કેલ બની જાત તેવો એકરાર પણ તેમણે કાર્યક્રમ સમાપ્તિ પછી અંગત સ્વજનો આગળ કર્યો. હા, તેમના એક મિત્ર પરિમલભાઈ પરીખ શ્રોતાઓ વચ્ચે ઉપસ્થિત હતા, તેમને સાંભળવા માટે જ ખાસ અમદાવાદથી આવ્યા હતા.

વાચકો - શ્રોતાઓ, પૂછો - પૂછવું હોય એ..... 

"આટલું બોલવાનું બાકી રહી ગયું " અશ્વિની ભટ્ટની પાછળ
 (ડાબેથી) ઉર્વીશ કોઠારી, કેતન મિસ્ત્રી, મનસુખ ઘાડીયા,
 સિદ્ધાર્થ પારેખ, અવિનાશ પારેખ 
"અશ્વીનીભાઈ, હવે જમવાનો વખત થઈ ગયો."  
પાછળ ઉભેલા મિત્ર પરિમલ પરીખ, 
પુત્ર નીલ ભટ્ટ , શ્રીમતી નીતિ અશ્વિની ભટ્ટ
 સાથે અવિનાશ પારેખ   
વક્તવ્ય પૂરું થયા પછી કેમ્પસના જ એક હોલમાં શ્રોતા મહેમાનો સાથે જમતાં પહેલાં, જમતી વખતે અને એ પછી પણ અશ્વિનીભાઈની થોડીક વાતોનો લહાવો મળ્યો. ભોજન એર-કન્ડીશન્ડ હોલમાં ઠંડું થતું જતું હતું પણ તેની કદાચ કોઈને પરવા નહોતી. વાતો – ખૂટે નહીં એટલી વાતો. સાપ્તાહિક અભિયાનની વાત કર્યા વિના અવિનાશ પારેખ કે અશ્વિની ભટ્ટ વિષેની કોઈ વાત આગળ વધી ન શકે. અહીં તો અભિયાનમાં કામ કરી ચુકેલા સાથી મિત્રોમાંના કેટલાક હાજર હતા. તેમની સાથે ગ્રૂપ ફોટોસેશન થયું.

ટીમ અભિયાન : ઉભેલા (ડાબેથી) મનસુખ ઘાડીયા, 
કેતન મિસ્ત્રી, અશ્વિની ભટ્ટ, કેતન સંઘવી, અવિનાશ પારેખ,
દીપક સોલિયા, ઉર્વીશ કોઠારી અને શિશિર રામાવત 
બેઠેલા (ડાબેથી) હેતલ દેસાઈ, તૃપ્તિ સોની અને દિવ્યાશા દોશી

ભવન્સની ભૂમિ પર : (ડાબેથી) અસલમ પરવેઝ, 
અજિંક્ય સંપટ, ઉર્વીશ કોઠારી અને તેજસ વૈદ્ય 

બ્લુ એટલે જીન્સ : (ડાબેથી) બિનીત મોદી, સંજય છેલ, 
ઉર્વીશ કોઠારી,રાજુ પટેલ અને અસલમ પરવેઝ

ગુજરાતી વાર્તાકાર અશ્વિની ભટ્ટ સાથે સવારથી બપોર ભવન્સ કેમ્પસમાં ગાળ્યા પછી ઉર્દૂ વાર્તાકાર સઆદત હસન મન્ટોને મળવાનું હતું – વર્ચ્યુઅલી. મુંબઈના કેટલાક મિત્રો મે મહિનામાં આવનારા તેમના જન્મદિવસે પ્રિય વાર્તાકારને યાદ કરતો બહુભાષી કાર્યક્રમ કરવા ઇચ્છે છે. તેમાંના બે મિત્રો રાજુ પટેલ અને અસલમ પરવેઝ કેટલીક બાબતે ઉર્વીશની સાથે વાતચીત કરવા આવ્યા હતા. એ વાતો થાય તે પહેલા ભવન્સમાં જ નવા નાટકના રિહર્સલમાં વ્યસ્ત મિત્ર અજિંક્ય સંપટ ઘડી-બે-ઘડી માટે આવીને મળ્યો. હાલમાં મુંબઈ ખાતે 'અભિયાન'માં કાર્યરત પત્રકાર મિત્ર તેજસ વૈદ્ય પહેલા ભોજનમાં અને ત્યાર પછીની ચર્ચામાં સાથે હતા. 
કોલમ લેખન અને ફિલ્મ લેખન ક્ષેત્રે વ્યસ્ત એવા સંજય છેલ સાથે ગુજરાત – ગુજરાતકારણ – ગુજરાતી પત્રકારત્વની આજકાલ અને પુસ્તક પ્રકાશન જગતની કેટલીક વાસ્તવિકતાઓ વિશે (ટૂંકમાં, ફેસબુક સિવાયની બધી) વાતો ચા પીતા-પીતા વિસ્તારથી થઈ. એટલી વિસ્તારથી કે તેનું સ્ક્રીપ્ટીંગ કરવું અશક્ય. અને હા, તેનું કોઈ રેકોર્ડીંગ નથી થયું. ભવન્સનાં ઝાડવાંને કાન હશે તો ભવિષ્યમાં કોઇ તેમાંથી એક્સ્ટ્રેક્ટ કરી શકશે.
અશ્વિનીભાઇના પ્રવચનવાળા આખા કાર્યક્રમનું મલ્ટીપલ કેમેરાથી રેકોર્ડીંગ થયું છે. અગાઉ થયેલા વ્યાખ્યાનોની ડીવીડીની જેમ જ આયોજક સંસ્થાઓ તેને ડીવીડી ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવશે. વ્યાખ્યાન સ્થળે જેમની ઉપસ્થિતિ નહોતી તેવા અશ્વિની ભટ્ટના સંખ્યાબંધ વાચકો-ચાહકોને આ ડીવીડી કેવી રીતે મળી શકે તેની માહિતી બ્લોગના આ માધ્યમથી જ આપીશ.
         ભલે જૂનું થયું તોય સીડી – ડીવીડીના પૂર્વસૂરિ લેખે આપણે વી.સી.આર.થી અને એ રીતે વિડીઓ શબ્દથી પરિચિત છીએ. તો તો પછી આપને ફલાણા – ઢીંકણા મહારાજ-સાધુ-બાવા-ચેલા-ચેલીનો વિડીઓ સત્સંગ એવો શબ્દસમૂહ પણ યાદ હશે જ એમ માની લઈને એટલું કહું કે ડીવીડી ઉપલબ્ધ થયે અશ્વિની ભટ્ટ સાથે ડીવીડી સત્સંગ એવા કાર્યક્રમનો પ્રારંભ કરવા જેવો ખરો. કેમ કે તમે આ વાંચતા હશો ત્યારે આપના પ્રિય લેખક – નવલકથાકાર અમેરિકા પરત થવાની તૈયારીઓમાં વ્યસ્ત હશે. તેમની સાથે ડાયલોગ કરવાનો એક જ રસ્તો છે – ડીવીડી સત્સંગ.


(તમામ તસવીરો : બિનીત મોદી)
(છેલ્લી તસવીર : તેજસ વૈદ્ય)